Daughter..father and father-in-law books and stories free download online pdf in Gujarati

દિકરી..બાપ અને સાસરું

એ જ પાણિયારું... એ જ પાણી નો ગ્લાસ... એ જ પિયરના ગોળા (માટલા) નું કોઠો ઠરે અને હાશકારો થાય એવું ઠંડુ પાણી, એ વડલાની ડાળ જ્યાં બાંધ્યો હિંચકો, એ ભીની દીવાલો, પિયરની યાદ આવતા થાય હૈયું ટાઢું બોળ, સુકાય નદીના નીર પરંતુ ના સુકાય કદી આંસુ.. બાપની યાદના, તોડી પાંપણો નું બંધન નીકળે આંસુ પિયરની યાદના, એવી અણમોલ રતન છે દિકરી ..જે ભેટ છે ઈશ્વરની. કંઇ બધા પરિવાર કુટુંબમાં દિકરીઓ જન્મ ધારણ નથી કરતી,એતો દિકરીઓના કિલકિલાટ,તેના લાડ પ્યાર,તેના મીઠા ગુસ્સા નું લાલન પાલન કરી ને પોષી શકે તેવા પુણ્યશાળી ઘરમાં જ દિકરીઓ જન્મ ધારણ કરતી હોય છે,કંઇ કેટલાય પરિવારો જન્મો જન્મ થી દિકરી ની આતુરતાથી રાહ જોતા હોય છે..કે હે ભગવાન અમોને એક દિકરી આપી દે ..પણ આ ભવ્ય અણમોલ કે જ્યાં કુબેરનો ભંડાર પણ ઝાંખો પડે તેવું આ દિકરીનું સુખ બધાને નસીબ નથી થતું, નાનકડી દિકરીની દોડા દોડી,તેનું નિર્મળ હાસ્ય આખા ઘરને એક ઉર્જા પૂરી પાડે છે,દિકરી માટે બાપની લાગણીઓ કુબેરના ભંડાર થી પણ વિશેષ, આવ્યો વરસાદ...!! ધોધમાર..ધૂઆંધાર...જગતને ધમરોળી પાણી પાણી કરવા,તરસ્યા નદી નાળા તળાવની પ્યાસ બુઝાવવા,પાણી ઝંખતા એ દરેક જીવને તૃપ્તિ આપવા, પણ મને તો લાગે કૈંક એવું કે વરસાદ નું એક એક ટીપું છે આ આકાશ નું આંસુ,એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે આ "આકાશ રડે દિકરી વિયોગે" એ વેદના દિકરી વિદાયની.. એ પથ્થર જેવો કઠોર બાપ પણ રડે ચોધાર આંસુ એ અને થઈ જાય રૂ ની પુણી જેવો દિકરી વિયોગે..સમજાય એને જેણે જોઈ દિકરી વિદાયની ઘડી, જ્યારે કપાય વૃક્ષ થી ડાળી ત્યારે જે વેદના પીડા અનુભવે વૃક્ષ.. તે જ પીડા અને વેદના અનુભવે બાપનું ઘર છોડી સાસરે જતી દિકરી, દિકરી જતા ખાલીપો ઘરનો... લાગે સન્નાટો સ્મશાન નો, આવો આપણે સૌ સાથે મળી એ જ બધા સપના આપણા ઘરમાં આવતી કોઈની દિકરી ના પૂરા કરીએ અને એ જ કપાયેલી ડાળી ને ફરીથી આપણા. ઘરના વૃક્ષ સાથે જોડી આપીએ,. દિકરી અને બાપના સંબંધ ને ખુદ ભગવાન અને શાસ્ત્રો એ આ ધરા ઉપર અદકેરું સ્થાન આપેલું છે,જ્યારે કહેવામાં આવે કે દિકરીને એના બાપનું બહુ વધારે ખેંચાણ છે...અરે ભલા માણસ...બાપને દિકરીનું અને દિકરીને બાપનું નહીં ખેંચાય તો કોનું ખેંચાશે..?? કશું જ બોલ્યા વગર બન્ને ને એકબીજા ના ચહેરા જોઈ ને જ ખ્યાલ આવી જાય કે બાપ શું કહેવા માંગે કે દિકરી શું કહેવા માંગે છે, એવો નિરાળો આ સંબંધ છે,હેત હરખ અને હૈયું એટલે બાપ દિકરીનો સંબંધ, બધાને પુત્રવધૂ માટે એક સંસ્કારી ગુણિયલ દિકરીની અપેક્ષા આશા હોય છે,પરંતુ એ જ પ્રમાણે બધી દિકરીઓને પણ એક સંસ્કારી ગુણિયલ ઘરની આશા અપેક્ષા હોય છે,જે ઘરમાં તે બંધિયાર બની ના જીવે,ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે, પહેરવા ઓઢવાની,ખાવા પીવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય, દરેક માં તેની પસંદગી પૂછવામાં આવે અને તેનો મત લેવામાં આવે,ઘરના તમામ નિર્ણયો માં તેને સામેલ કરી તેનો અભિપ્રાય પૂછવામાં આવે, કોઈ ની દિકરી જો લક્ષ્મી નો અવતાર હોય તો પુત્રવધૂ પણ લક્ષ્મી નો અવતાર જ છે, બોલવું ચાલવું,બેસવું ઉઠવું,ખાવું પીવું ,એમ બધા નિયમો કાયદાઓ દિકરીઓ વહુઓ માથે ઠોકી ના બેસાડાય. સવારે ૫ વાગે ઉઠે એ પુત્રવધૂ,સવારે ૮ વાગે ઉઠે એ દિકરી, ચૂપચાપ કશું બોલ્યા વગર બધું કામ પતાવી દે, સામું ના બોલે તે પુત્રવધૂ, પપ્પા ની સામે દલીલ કરી પોતાની વાત સાચી ઠેરવે તે દિકરી,ઘરના બાથરૂમમાં શેમ્પૂ ના હોય તો બુમા બૂમ કરી મૂકે તે દિકરી પરંતુ સાસરામાં સાબુથી પણ ચલાવી લે તે પુત્રવધૂ, ઘરમાં સફરજન દાડમ નો વાડકો ભરીને પતંગિયાની જેમ ટેલતા ટેલતાં ગીતો ગાતા ગાતા ખાય તે દિકરી અને સાસરામાં ટેલવાનુ બંધ..ગાવાની વાત તો દૂરની..અને સફરજન દાડમની જગ્યા એ ટામેટા" થી પણ ચલાવી લે તે પુત્રવધૂ, જ્યાં પ્રેમ લાગણી સમજણ દરિયાના મોજાની જેમ ઘરમાં ઉછળતા હોય એવું એ દરેક ઘર દિકરીના સપનાનુ ઘર હોઈ શકે. "સાસરું"... શબ્દ ખૂબ જ ડરામણો... બિહામણો પણ ખરો દરેક નવવધૂ અને દિકરીઓ માટે, ઉજ્જવળ ભવિષ્ય ના સપના જોતી વખતે કંઈ કેટલી કલ્પનાઓના ઘોડા તેના દિલો દિમાગમાં છવાઈ જાય છે કે મારું સાસરું કેવું હશે??? એક નવા જ ઘરમાં પ્રવેશ કરતી દિકરી માટે નવા ચહેરાઓ,નવી જગ્યા,સૂવાનું રહેવાનું બધું જ નવું,રસોડું મસાલા પણ નવા,ફકત એક જ દિવસમાં એ જ્યાં ૨૫ વર્ષ રહી તેનાથી એકદમ ભિન્ન જુદો જ માહોલ,નવા ઢાંચામાં સેટ થવા મથતી,પોતાની આવડત પ્રતિભા સ્કીલ ને પોતાના સાસરામાં પ્રસ્થાપિત કરવા નો ઉત્સાહ ઉમંગ રાખતી આવી દિકરીઓ ને અદકેરું માન સન્માન આપી આવો આપણે સૌ તેણે પિયરમાં જોયેલા સપનાઓને પૂરા કરીએ..અને ત્યારે જ...હા ત્યારેજ સાસરું શબ્દ કોઈ દિકરીઓ માટે ડરામણો નહિ રહે,.
ભારોભાર ભણતર સાથે આવેલી ગુણિયલ સંસ્કારી વહુ દિકરી ઉપર નજર નથી હોતી કોઈની, નજર બધાની ચોંટી હોય છે તેની સાથે આવેલા "ટેમ્પા" ઉપર, નિર્જીવ ચીજવસ્તુઓ થી ખદ બ દ તો ટેમ્પો...છલકાય ગરીબ પિતાના આંસુથી ભારોભાર, એ...ભાઈ... નજર હટાવો ટેમ્પા ઉપરથી અને જુઓ અણમોલ રતન જેવી એ દિકરીને...કે છોડીને આવી પોતાના ભાઈ ભાન્ડુ અને વ્હાલા પિતાને, જરીક તો જુઓ એના આંસુ ની વેદના ને, કઠળ પથ્થરની છાતી કરીને વળાવી એના બાપે, આંસુઓની વહી ધાર એવી કે લાગ્યું કૈંક એવું કે આ "આકાશ રડે દિકરી વિયોગે"

રસિક પટેલ " નિર્વિવાદ"