har din diwali books and stories free download online pdf in Gujarati

હર દિન દિવાલી

આજ જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એવી ફિલ્મો ઘણી બધી છે. જો તમે સાઉથની ઘણી બધી ફેમિલી ડ્રામા ફિલ્મ્સ જોયેલી હશે તો આ ફિલ્મમાં તમને વધારે નવું જોવા નહિ મળે. અમુક બાબતો છે જે કદાચ તમને નવી લાગે પણ તેમ છતાં આ ફિલ્મ એક વખત તો જોવી જ જોઈએ. કારણ કે ફિલ્મ ખૂબ કોમેડી છે. અમુક જગ્યાએ તો એવા કોમેડી સીન્સ છે જે પેટ પકડીને હસાવશે. જો હસવાની સાથે ઈમોશનલ થવામાં વાંધો ન હોય તો ફિલ્મ તમારા માટે જ છે કારણ કે આ ફિલ્મમાં એવા ઘણા ઈમોશનલ સીન્સ છે જે તમને રડાવી શકે છે(જરૂરી નથી કે રડવું આવશે કારણ કે આ બાબત તેના પર આધાર રાખે છે કે તમારું ઈમોશનલ લેવલ કેવું છે? બધાનું ઈમોશનલ લેવલ અલગ હોય છે).

હવે ફિલ્મના પ્લોટ પર વાત કરીએ. કહાની છે એક દાદાની જે ગામમાં એકલા પોતાનું જીવન ગાળે છે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી છે. તેમની દીકરી અને બે દીકરા વિદેશમાં રહે છે. દાદાના સંતાનો પોતાના કામમાં બીઝી હોવાથી દાદાને એકલા જીવન ગાળવું પડે છે. તેમની ઉંમર થઇ ગઈ હોવાથી તેમની તબિયત સારી નથી રહેતી અને હોસ્પિટલ ગયા પછી તેમને જાણ થાય છે કે તેમને ફેફસાનું કેન્સર છે. હવે તેમની પાસે ખૂબ ઓછા દિવસો છે. જ્યારે આ વાત તેમના સંતાનોને ખબર પડે છે ત્યારે તેઓ દાદા પાસે આવવાની તૈયારીમાં લાગી જાય છે. તેમના પૌત્ર સાંઈને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તે સીધો દાદા પાસે પહોંચી જાય છે. તે દાદાને મળીને જણાવે છે કે તે અહીં રડવા નથી આવ્યો. તે દાદાની બધી ઇચ્છાઓ પૂરી કરશે અને દાદાના જીવનના જેટલા દિવસો બાકી છે એ બધા દિવસો એક તહેવારની જેમ ઉજવશે( આ છે “હર દિન દિવાલી”નો કોન્સેપ્ટ). દાદાનો લાડકો પૌત્ર દાદાની દરેક ઇચ્છાઓને પૂરી કરવા લાગી જાય છે. દાદાને ફરી ખુશ જોતા તેમના સંતાનોને લાગે છે કે દાદાએ પોતાના પરિવારને સાથે રાખવા તેમના મોતની ખોટી ખબર આપી છે. તેથી તેઓ ફરી પોતાના કામમાં બીઝી થવા જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. બધાના જવાની ઈચ્છા જોતા દાદા ફરી નિરાશ થઇ જાય છે અને તેમને નિરાશ જોઇને સાંઈ બધા પાસે જૂઠું બોલે છે કે જે દાદાને સાચવશે તેને દાદા પોતાની બધી સંપતિનો મોટો ભાગ આપશે. બસ પછી તેમના સંતાનો દાદાને ખુશ કરવા કામ પર લાગી જાય છે(અહીંથી જ જોવા મળે છે કે ફિલ્મ ખરેખર કહેવા શું માંગે છે). દાદાના સંતાનો દાદાને ખુશ કરવા એવા કામો કરે છે જે જોઇને આપણને હસવું આવશે પણ સાથે સાથે એમ પણ થશે કે આવા સંતાનો હોવા કરતા કોઈ સંતાન ન હોવું જ વધારે સારું(થોડું વધારે બોલી ગયો હોવ તો માફી ચાહું છું). હવે આ ફિલ્મની આખી સ્ટોરી કહીને તમારો રસ ઓછો કરવાનો કોઈ ઈરાદો નથી. ફિલ્મનો ક્લાઇમેક્સ ઘણું બધું કહી જાય છે. મેં જે લખ્યું એ બસ ફિલ્મની થીમ છે બાકી ફિલ્મમાં ઘણું બધું છે જેની મેં વાત પણ નથી કરી.

આ ફિલ્મ સાઉથની છે તો અમુક જગ્યાએ બિનજરૂરી અને લોજીક વગરની ફાઈટ આવવી એ સ્વાભાવિક છે. હવે આ બાબતને બાદ કરીએ તો ફિલ્મ સુપર્બ છે. માઈન્ડને રિલેક્ષ કરે એવી ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો આ ફિલ્મ એવી જ છે. આ ફિલ્મ મનોરંજન સાથે એક સારો સોસિયલ મેસેજ પણ આપે છે. માબાપે પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે એ ફક્ત માબાપ જાણે છે. દુખની વાત એ છે કે આજના યુગમાં આપણે બધા એટલા બીઝી થઇ ગયા છીએ કે માબાપની અંતિમ ઘડીમાં પણ ટાઈમ નથી આપી શકતા સાથે સારી વાત એ છે કે સંતાનો માબાપનો સાથ દે કે ના દે માબાપ માબાપ છે. એ કદી સંતાનોને નથી છોડતા. તે હંમેશાં પોતાના સંતાનોનું ભલું જ ઈચ્છે છે. આ ફિલ્મ ખરેખર તો આપણી નબળી વાસ્તવિકતા બતાવે છે.

ફિલ્મમાં દાદાનો રોલ આપણા બાહુબલીના કટપ્પા સત્યરાજે કર્યો છે અને તેમનું કામ વખાણવા લાયક છે. તેમના સૌથી મોટા દીકરાનો રોલ પ્લે કરતા એક્ટર રાઓ રમેશનું કામ ખૂબ વખાણવા લાયક છે. તેમણે ફિલ્મના કોમેડી સીન્સને ન્યાય આપ્યો છે અને લોકોને હસાવવામાં સફળ રહ્યા છે. જેમ એક હાથે કદી તાલી ન વાગે એમ આ ફિલ્મ પણ તેના સ્પોર્ટીંગ કલાકારો વગર સફળ ન બની શકે. જેટલું ક્રેડીટ સત્યરાજ અને રાઓ રમેશ ડિઝર્વ કરે છે એટલું જ ક્રેડીટ ફિલ્મથી સંકળાયેલા તમામ ચહેરાઓ ડિઝર્વ કરે છે. બાકી તો હું ફિલ્મ મેકિંગ વિશે, તેની ટેકનીકલ બાબતો વિશે વધારે જાણતો નથી એટલે એ વિષય પર વાત નહી કરું. છેલ્લે એટલું કહીશ કે ફિલ્મ એકદમ ફેમિલી ફ્રેન્ડલી છે અને પરિવારના સભ્યો સાથે માણવા જેવી છે.

વાંચકમિત્રો મને નથી ખબર કે આ ફિલ્મ તમને ગમશે કે નહિ? કદાચ એવું પણ હશે કે મેં આ ફિલ્મ વિશે વાત કરી એ પહેલા ઘણા લોકોએ આ જોઈ લીધી હશે. એ લોકો મારા લખાણથી સહમત ન થાય એવું પણ બને. વાંચક મિત્રો હું કોઈ સમીક્ષક નથી. કારણ કે એક સમીક્ષક કોઈ પણ બાબતની બંને સાઈડ વિશે વાત કરે છે. પોઝીટીવ અને નેગેટીવ બંને( જે હું નથી કરતો). મે મારી સમજણ પ્રમાણે આ ફિલ્મ વિશે વાત કરી છે અને લખેલી તમામ બાબતો મારું પર્શનલ ઓપીનીયન છે. તેમ છતાં મારાથી કોઈની લાગણીને ઠેસ પહોંચે એવું લખાઇ ગયું હોય તો માફી ચાહું છું.

વાંચવા બદલ આભાર