Manav Vedna - 2 books and stories free download online pdf in Gujarati

માનવ વેદના - ૨

એક દિવસ એક ઘરડા દાદા મારી દુકાનમાં આવ્યા. આવતાની સાથે મારા ટેબલ ઉપર એક ગોળ તકિયું મૂકી દીધું. ભાઈ ફક્ત 20 રૂપિયાનું છે લઇ લો. મહેરબાની કરીને એક તકિયું લઈલો. હું મારા રોજમેળમાં રોજની નોંધ કરી રહ્યો હતો. મારુ ધ્યાન તેમના ઉપર ગયું નહીં.

" ભીખ માંગતા આવડતું નથી એટલે આ તકિયા વેચુ છું. " હું મારા કામમાં વ્યસ્ત હતો પણ તેમના મુખેથી આવા શબ્દો સાંભળી મારુ ધ્યાન તેમના તરફ ગયું.

મેં તેમની સામે જોયું તો લગભગ 70 થી 75 વરસની ઉંમરના હતા. દેખાવે એકદમ દુબળા, ઉંચાઈ ઘણી હતી. શરીરે સફેદ સધરો અને સફેદ લેંઘો પહેરેલ હતો. માથા પર સફેદ વાળ હતા પણ એક વાત ની નવાઈ લાગી કે તેમને ચહેરા પર એકપણ વાળ ન હતો. મતલબ કે તેમને દાઢી મૂછ ઉગ્યા જ ન હતા. કદાચ આવું કુદરતી રીતે હશે. મોઢામાં લગભગ એકપણ દાંત રહ્યો ન હતો. હાથમાં 2 તકિયા હતા, જે દરજી ની દુકાને વધેલા કાપડના ટુકડા ભરીને બનાવેલ હતા. બીજા હાથમાં નેતરની પાતળી લાકડી હતી.

તેમની આવી પરિસ્થિતિ જોઈને મારે તાકીયાની જરૂર નહતી છતાં પણ મેં તેમને 20 રૂપિયા આપ્યા. એ તકિયું પણ તેમને પાછું આપ્યું અને કહ્યું કે આ તકિયું તે બીજે ક્યાંક વેચી નાખે જેથી બીજા 20 રૂપિયા તેમને મળી રહે. મારી વાત સાંભળીને તે વડીલ ત્યાં ટેબલ પર બેસી ગયા અને મને તકિયો રાખવા માટે કહેવા લાગ્યા.

" ભાઈ આ 20 રૂપિયા ત્યારેજ લઈશ જ્યારે તમે આ તકિયો રાખશો. જો આમજ મારે રૂપિયા ભેગા કરવા હોત તો હું ભીખ માંગતો હોત. ભીખ નથી મંગાવી એટલે તકિયા બનાવીને વેચુ છું " તેમણે મને કહ્યું.

વ્યક્તિની વાતો સાંભળીને મને તેમનામાં રસ જાગ્યો એટલે મેં તેમના માટે એક ચા મંગાવી. ચા આવે ત્યાં સુધી તે ક્યાંથી આવે છે? તેમના પરિવારમાં કોણ કોણ છે બધું પૂછવા લાગ્યો. એટલામાં ચા લઈને નટુભાઈ આવી ગયા. નટુભાઈ અમારી દુકાને ચા આપવા માટે આવતા ભાઈ છે. દાદા ને કપમાં ચા કાઢી આપી. દાદા ધ્રુજતા હાથે ચાનો કપ ઊંચો કર્યો. એક ઘૂંટ ચા પીધા પછી તેમને રાહત થઈ. તેમને જોઈને લાગતું હતું કે તેમને સવારથી કાઈ ખાધું પણ નહીં હોય. ચા પીધા પછી તેમણે મને વાત કરવાની શરૂ કરી.

"અમે બે ભાઈ છીએ હું નાનો છું, મોટા ભાઈની ઉંમર 79 વર્ષની છે. મોટા ભાઈ ઘરે તકિયા બનાવે અને હું વેચુ છું. જે 10, 20 રૂપિયા મળે એમાંથી ખમણ, કે એવું કંઈક લઈ જાવ ઘરે જઈને અમે બંને જમી લઈએ છીએ" એ વૃદ્ધ દાદા એ કહ્યું.

" પણ જે દિવસ તમારા તકિયા ના વેચાય એ દિવસ શુ કરો છો " મેં પૂછ્યું.

" મારા ઘરે એક ડબ્બો મમરા વઘારીને ભરી રાખ્યા છે મોટા ભાગે સવાર સાંજ અમે એજ ખાતા હોઈએ છીએ " દાદાએ મને જવાબ આપ્યો.

"તમારા પરિવારમાં બીજું કોઇ નથી ?" મેં ફરી પ્રશ્ન કર્યો.

" અમે બે ભાઈ છીએ, મારા બા હતા જે 98 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. એ હતા ત્યાં સુધી અમને જમવાનું પણ બનાવી આપતા હતા એટલે બહુ ઝાઝી તકલીફ ન હતી. પણ એમના ગયા પછી સૌથી મોટી જમવાની તકલીફ છે. હું એક અઠવાડિયામાં તકિયા વેચુ છું અને બીજા અઠવાડિયામાં બધા દરજી પાસેથી ગાભા એકઠા કરું છું. મોટા ભાઈ ઘરે તકિયા બનાવી આપે એ બજારમાં વેચુ છું અને આમ અમારું ગુજરાન ચાલે છે. મારી ઉંમર 76 વર્ષ છે અને ભાઈ 79 ના છે. હવે એમની તબિયત સારી નથી રહેતી એટલે બધું મારે જાતે જ કરવું પડે છે " આટલું કેહતા તેમની આંખો ભરાઈ આવી.

" અમારો પરિવાર પહેલેથી ગરીબ હતો. બાપુજીના ગુજરી ગયા પછી બા એજ અમારી સંભાળ લીધી. બા 98 વર્ષ જીવ્યા ત્યાં સુધી ફક્ત ને ફક્ત અમે બંને ભાઈ માટેજ જીવ્યા. તમેજ વિચારો કેવો પરિવાર હશે અમારો જ્યાં 98 વર્ષના બા અને એમના બે દીકરા 79 અને 76 વર્ષના એય પાછા બંને કુંવારા. અમારા પરિવારમાં વૃદ્ધ કોણ અને જવાન કોણ એજ ખબર નહોતી પડતી. બીજા માટે અમે વૃદ્ધ હતા પણ બા માટે તો હજુ પણ એમના જવાન દિકરાજ હતા. અમે નાના હતા ત્યારથી બન્ને ભાઈઓને દાઢી મૂછ પર વાળ નહોતા આવતા એટલે અમારા બંનેનું સગપણ ના થયું. બેટા હવે તો એ વાતનુય કોઈ દુઃખ નથી હવે ક્યાં અમારે વધારે દિવસો કાઢવા છે. " આટલું બોલી એ દાદા અટક્યા.

" પણ તમે આવો છો ક્યાંથી? " મેં તેમને તેમનું ગામ પૂછ્યું.

" નજીકના ગામમાંથી જ આવું છું. પણ હું તને મારૂ ઠેકાણું નહીં આપું. ઘણા બધા આવે છે મદદ કરવા પણ અમારે કોઈની મદદ નથી જોઈતી. અમુક મોટા ઘરના લોકો રૂપિયા પણ આપવા આવે છે પણ હવે એ રૂપિયા શુ કામના. હવે તો બસ આમ હરતા ફરતા ચાલી નીકળાય એટલે બસ " આટલું બોલીને તેઓ ઉભા થયા.

મેં તેમને ફરી 100 રૂપિયાની નોટ આપી તો તેઓએ એ મને પછી આપી. અને ફક્ત 20 રૂપિયા લીધા અને એક તકિયું આપી ગયા.

" જ્યારે રૂપિયાની જરૂર પડશે ત્યારે તકિયા લઈને આવી જઈશ " જતા જતા કહેવા લાગ્યા.

કેટલી વેદના હશે તેમના દિલમાં, કેટલું દુઃખ હશે છતાં પણ તેઓ ખુશીથી પોતાની પરિસ્થિતિ સ્વીકારી છે. જીવનના અંત સુધી પોતાનું સ્વાભિમાન નથી છોડ્યું.