Human suffering - 1 books and stories free download online pdf in Gujarati

માનવ વેદના - ૧



રોજ સવારની જેમ આજે હું મારી દુકાને પહોંચ્યો. દુકાનનું શટર ખોલી ખુરશી બહાર કાઢીને બેઠો. રાજુ હજુ સુધી આવ્યો ન હતો. હું સવારે દુકાને આવી જવ પછી રાજુ આવતો, રાજુ છેલ્લા 10 વર્ષથી મારી પાસે નોકરી કરતો હતો. હું ખુરશી ઢાળીને બહાર બેસતો, રાજુ દુકાનમાંથી કચરો કાઢી અને પોતું કરતો. ત્યારબાદ હું દિવાબત્તી કરી, હનુમાન ચાલીસાના પાઠ કરતો એ પુરા થાય પછી માતાજીની સ્તુતિ કરતો. માતાજીની આરાધના કર્યા પછી ગાદી પર બેસી ગુજરાત સમાચાર વાંચવાની ટેવ. ત્યાં સુધીમાં રાજુ ચા લઈ આવી જતો. આ મારું રોજનું રૂટિન હતું.

મારા શોપિંગમાં સામસામે દસ દસ દુકાનો આવેલી હતી. અમારી દુકાનની બાજુમાંજ ટોકીઝ આવેલી હતી. તેમાં જવાનો મુખ્ય રસ્તો અમારી દુકાનો વચ્ચેથી પસાર થતો હતો. આટલા વિસ્તારમાં આ એકજ ટોકીઝ હતી એટલે ભીડ પણ વધુ રહેતી હતી. મારી સામેની દુકાન વર્ષોથી બંધ પડી હતી. તેના શટર ઉપર કરોળિયાઓ એ ઘર બનાવી લીધા હતા. શોપિંગનો કચરો પણ ત્યાંજ ભેગો થતો. આજે મારી નજર ત્યાં ગઈ તો ત્યાં એક ભિખારી સૂતો હતો. દેખાવમાં એકદમ ગંદો ગોબરો દેખાઈ રહ્યો હતો. માથામાં લાંબા વાળ જે કદાચ મહિનાઓથી ધોયા નહીં હોય જેમાં મેલના ગોટા જામી ગયા હતા. દાઢીના વાળની પણ એવીજ હાલત હતી. શરીર ઉપર કપડામાં એક શર્ટ હતું જે તેના શરીર કરતા માપમાં મોટું હતું. એ શર્ટ કેટલા દિવસથી પહેર્યું હશે એતો ભગવાન જાણે. નીચે પેન્ટની એકજ બાય દેખાઈ રહી હતી. ગળું ઊંચું કરીને જોયું તો ખ્યાલ આવ્યો કે તેનો એકજ પગ હતો. બીજો પગ ઢીંચણના ભાગથી કપાયેલો હતો. બાજુમાં ચાલવા માટેની લાકડાની ઘોડી પડી હતી. હાથમાં એક વાટકો હતો કદાચ તેમાં તે ભીખ માંગતો હશે. તે વાટકો ક્યારે સાફ કર્યો હશે તે એ વાટકો અને એ ભિખારી બંને જ જાણતા હશે.

આજે આ ભિખારીને પહેલીવાર જોયો હતો. મેં જોયો ત્યારે તે ત્યાં દુકાનની બહાર સુઈ રહ્યો હતો. તેને જોયા પછી ખબર નહીં કેમ પણ મારામાં તેના માટે હમદર્દી પેદા થઈ રહી હતી.

અમારું ગામ હાઇવે લગોલગ હતું. ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્રને કાઠીયાવાડ સાથે જોડતો હાઇવે અમારા ગામમાંથી પસાર થતો હતો. આજુબાજુના પચાસ એક ગામોમાંથી લોકો ખરીદી માટે અમારા ગામના બજારમાં આવતા. ખેતીવાડીનું માર્કેટ પણ અહીંયા જ હતું જેથી વહેલી સવારેથી ખેડૂતોની લાઈન લાગતી શાકભાજી વેચવા માટે.અહીંયા ઘણાબધા ભિખારી, પાગલ, અસ્થિર મગજ વાળા રખડતા આવતા. ઘણા લોકો મંદબુદ્ધિના કે બીમાર લોકોને પણ અમારી ચોકડી પર છોડી જતા.

આ ભિખારીને મેં આજેજ જોયો હતો. હું તેના વિશે વિચારવા લાગ્યો પછી મારી ચા આવી એટલે વિચારમાં ખલેલ પડ્યો.

" લો શેઠ, આપની ચા અને છાપું " રાજુ એ મારા ચશ્મા સાફ કરી આપતા કહ્યું.

મને છાપું વાંચતા વાંચતા ચા પીવાની ટેવ હતી. હું ચા અને છાપામાં પરોવાઈ ગયો. થોડીવાર પછી મેં જોયું તો પેલો ભિખારી ઉઠી ગયો હતો. તે દિવાલનો ટેકો લઈ ઉભો થયો. પોતાની ઘોડીમાં હાથ પરોવીને અમારા શોપિંગની બહાર નીકળવા લાગ્યો. ત્યાં બહાર એક ચાની કિટલી હતી. જે ચોવીસ કલાક ચાલુ હોય, હાઇવે પર આવતા જતા ઘણા વાહનો ત્યાં ચા-નાસ્તો કરવા રોકાતા. આ ભિખારી ઘણીવાર સુધી ત્યાં બેસી રહ્યો. એના ચહેરા પર દુઃખ દેખાઈ રહ્યું હતું. મારુ ધ્યાન તેના ઉપર ગયું. તે કઈ બોલી નહતો રહ્યો, ચૂપચાપ પોતાનો વાટકો ધરી ત્યાં આવતા જતા લોકો સામે જોઈ રહેતો.

એક પાંત્રીસ થઈ ચાલીસ વર્ષની ઉંમરનો ભાઈ ત્યાં રોડ ઉપર પોતાની ગાડી મૂકી, તેના બાળકો અને પત્ની સાથે આ ચાની કીટલી તરફ આવવા લાગ્યો. તેઓ આવીને ત્યાં બાંકડા ઉપર બેઠા. આ ભિખારી પોતાનો વાટકો ધરી તેમની સામે જોઈ રહ્યો હતો. પેલી સ્ત્રીએ તેને ચા અને બિસ્કિટનું પેકેટ અપાવ્યું. તે લઈને તે ભિખારી તેની સવારવાળી જગ્યાએ આવીને બેસી ગયો.

અમારા બધા દુકાનદારો પાસે આ એક નવો વિષય મળી ગયો હતો. બધા દુકાનદારો એ ભિખારી વિશે અલગ અલગ તર્ક કરી રહ્યા હતા. તે કોણ છે? ક્યાંથી આવ્યો છે? વગેરે..વગેરે... એમાં આ અમિત આવી અફવા લઈ આવ્યો હતો કે આ ભિખારી નથી પણ પોલીસનો જાસૂસ છે જે રાત્રે ચોકડી પર જાસૂસી કરે છે.

હવે આ રોજનું થઈ ચૂક્યું હતું. હું સવારે દુકાને પહોંચતો, મારુ રોજનું કામ પતાવતો. આ ભિખારી ત્યાં મારી સામે જ બેઠો હોય. એક બે વાર તેને મારી સામે જોયું હશે પણ ક્યારેય નજર મિલાવી ન હતી. આટલા દિવસો વીતી ગયા હતા પણ તેનો અવાજ સુધ્ધા કોઈએ સાંભળ્યો ન હતો.

રોજ સવારે તેનો વાટકો લઈ નીકળી પડતો. દુકાને દુકાને ફરતો, ફરતા ફરતા ક્યારેક અમારા રહેણાંક વિસ્તારમાં પણ ફરી આવતો. જ્યાંથી તેને જમવાનું મળી જાય ત્યાંથી તે પાછો ફરી જતો. અને આવીને મારી દુકાન સામેની બંધ દુકાનના ઓટલે આવી બેસી જતો. તે ક્યારેય કોઈ પાસે પૈસા નહોતો લેતો. તે ફક્ત એક ટાઈમ જામી શકે એટલું ભોજન મેળવી પાછો ફરી જતો.

પોતાની જગ્યા પર બેઠો બેઠો જાણે કોઈ ઊંડા વિચારોમાં હોય તેમ વિચાર્યા કરતો. પોતાની આંગળીઓ આકાશ તરફ કરી તેના હોઠ ફફડાવતો. અમે એમ લાગતું કે પોતાની આવી પરિસ્થિતિ માટે ભગવાને ગાળો આપતો હશે અથવા તો પોતાને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે પ્રાર્થના કરતો હશે.

હવે રોજ તેને આવી સ્થિતિમાં જોઈ મારી અંદર લાગણી ઉત્પન્ન થવા લાગી હતી. મેં ઘરે અનિતાને કહ્યું કે હવે બપોરના ટીફીનમાં ચાર રોટલી અને થોડું શાક વધારે મૂકે, મને ભૂખ વધારે લાગે છે. એ ચાર રોટલી અને શાક હું એ ભિખારીને રોજ આપતો હતો. જમવાનું લઈ તે પોતાની જગ્યા એ ચાલ્યો જતો હજુ પણ તેના મોમાંથી એકપણ શબ્દ નહોતો સાંભળ્યો કે નહોતું જોયું કેતેના ચહેરા પર હાસ્ય.

*

" તને ખબર છે હું હમણાંનો બપોરે છર રોટલી વધારે કેમ મંગાવું છું? " મેં જમતા જમતા અનિતાને કહ્યું.

" એતો હમણાં સીઝન ચાલે છે તો કામ વધારે રહેતું હશે માટે ભૂખ પણ વધારે લાગતી હશે " અનિતા એ જવાબ આપ્યો.

" એવું કંઈ નથી, આપણી દુકાન સામે એક નવો ભિખારી આવ્યો છે, ખૂબ અજીબ વર્તન કરે છે છેલ્લા એક મહિનાથી હું તેને જોવ છું તે કોઈ પાસે એક રૂપિયો પણ લેતો નથી. બસ કોઈ જમવાનું આપે એ લઈ નીકળી જાય છે. કોઈ સારા પરિવારનો વિખૂટો પડી ગયો હોય એમ લાગે છે અથવા તેનો એક પગ નથી તેની પરથી તેની સાથે કોઈ દુર્ઘટના ઘટી હોવી જોઈએ એમ લાગે છે " મેં કહ્યું.

" એમ મને સીધું જ કીધું હોય તો હું થોડી ના પડવાની હતી. હું તેના માટે એક અલગ ટિફિન મોકલી આપતી " અનિતા બોલી.

" તેના વર્તન પરથી ખ્યાલ જ નથી આવતો કે તેની સાથે શુ થયું છે. હું તેને આમને આમ રોજ જોવ છુ. હવે મારા દિલમાં પણ તેના માટે દયા આવવા લાગી છે. મારે તેના માટે કંઈક કરવું છે પણ તે કઈ બોલતો જ નથી " મેં ભાણું પૂરું કરતા કહ્યું.

" તને ખૂબ ભોળા છો, અને તમારામાં દયાભાવના પણ એટલી જ છે. હવે કાલથી તેનું બંને ટાઈમનું ટિફિન હું મોકલી આપીશ " મારા સામેથી જમવાની ડિશ લેતા અનિતા બોલી.

અનિતાના મોમાંથી આ શબ્દો સાંભળી મને ખુબ આનંદ થયો. તેનો સ્વભાવ પણ દયાળુ હતો. હવે રોજ તે એક વ્યક્તિનું ટિફિન વધારે બનાવા લાગી હતી. રાજુ જઈને બંને ટાઈમ તેને જમાડી દેતો જેથી હવે તેણે ભીખ માંગવાનું બંધ કરી દીધું હતું. તે આખો દિવસ ત્યાંજ પડ્યો રહેતો.

સવારે દુકાન ગયો ને જોયું તો દુકાનની આજુબાજુ બધું સાફ હતું. મને નવાઈ લાગી કે સફાઈવાળો આજે આટલો વહેલો આવી ગયો હતો. સામે જોયું તો એ ભિખારી તેની જગ્યાએ ન હતો. થોડીવાર પછી તેને હાથમાં સાવરણી લઈને આવતા જોયો. એ એની જગ્યાએ જઈને બેઠો. મને ખ્યાલ તો આવી ગયો હતો કે આ સાફ સફાઈ આ ભિખારી એજ કરી હોવી જોઈએ.

બધા આજુબાજુ દુકાનોવાળા ફ્રી ટાઈમમાં એકબીજા સાથે બેસી ટાઈમપાસ કરી રહ્યા હતા. અમારા શોપિંગની રીત જ અલગ હતી. આમ બધા ધંધાર્થે એકબીજાના કટ્ટર હરીફ હતા પણ રોજિંદા જીવનમાં એકબીજાના એટલાજ ગાઢ મિત્રો પણ હતા. જો કદાચ કોઈ એકબીજાનો ગ્રાહક લઈ જાય તો થોડીવાર દિલ દુભાય પછી પાછા નવરા પડી એજ ગ્રાહકની ચર્ચા કરતા.

હવે આ ભિખારી પણ આ શોપિંગનો એક નવો વેપારી જ સમજી લો. આખું ટોળું હાહાહીહી કરી રહ્યું હોય ત્યારે દૂર બેઠો બેઠો તે પણ સાંભળતો હોય પણ ક્યારેય કોઈ પ્રતિક્રિયા ના આપતો. તેને પણ આખા શોપિંગવાળાએ સ્વીકારી લીધો હતો. હવે રોજ તેના માટે કોઈનું કોઈ જમવાનું લઈ આવતું અને તે પણ તેના બદલામાં આખા શોપિંગની પહેરેદારી કરતો લગભગ લગભગ એક વર્ષ વીતવા આવ્યું હતું પણ હજુ સુધી તે કાંઇ બોલ્યો ન હતો.

એક દિવસ આજુબાજુની દુકાનવાળા ચાર-પાંચ વેપારીઓ નવરા પડીને વાતોમાં પડ્યા હતા. સામેવાળા દીલીપભાઈ તેમના સમયના રમુજી કિસ્સા સંભળાવી રહ્યા હતા. આજકાલના આવેલા અમિત અને રાજુને આ બધું સાંભળીને મજા પડી રહી હતી. એટલામાં મારી નજર પેલા ભીખારી ઉપર પડી. મેં જોયું તો તે છાનોમાનો રડી રહ્યો હતો. તેના હદયમાં ઘણા દર્દ હતા જે હું નહોતો જાણતો પણ તેને આમ રડતા જોઈને અમારામાં બધામાં હૈયા ભરાઈ આવ્યા હતા.

હું અને દિલીપભાઈ તેની નજીક આવ્યા. તેને પૂછ્યું કે ભાઈ તને શું તકલીફ છે પણ તેની તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. આજકાલ કરતા લગભગ એક વર્ષ થવા આવ્યું હતું. આ કઈ બોલતો ન હતો એટલે અમે તેને મૂંગો સમજી લીધો હતો. છતાં પણ આજે તેને રોજના જેમ કંઈ બોલ્યો નહીં એટલે મને તેના ઉપર ગુસ્સો આવ્યો. મેં તેના ગાલ પર સટાક કરતા બે તમાચા ચોડી દીધા. તે તેના ગાલ પર હાથ મૂકી રડી રહ્યો હતો. મારી સામે એકી નજરે જોઈ રહ્યો હતો. મેં લાફો માર્યા પછી તેને બીવડાવ્યો કે જો તું આજે સાચું નહીં બોલે કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો છું તો હું તને પોલીસ સ્ટેશનમાં સોંપી દઈશ અને ફરિયાદ લખાવીશ કે તું અહીંયા રાત્રે ચોરી કરે છે.

તેની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ વહી રહ્યા હતા. તેના ગળામાંથી હજુ પણ અવાજ નહોતો નીકળી રહ્યો. તેનું ગળુ ભરાઈ ગયું હતું. તેની આંખો અને નાકમાંથી પાણી વહી રહ્યું હતું. ક્યાંયવાર સુધી તે આમજ નીચે જમીન તરફ નજર કરીને જોઈ રહ્યો હતો. પછી તેને માટીમાં આંગળીથી કઈક લખ્યું. પહેલા તો મને કંઈ ખબર ન પડી પછી જ્યારે ધારીને જોયું તો ખ્યાલ આવ્યો કે તેને ગુજરાતીમાં " નવીન " એમ લખ્યું હતું.

મને મનમાં વિચાર આવ્યો કે કદાચ આ તેનું નામ હશે. મેં તેનું બાવડું પકડીને ઉભો કર્યો. મારી દુકાનના ઓટલે બેસાડ્યો. રાજુ પાસે ગ્લાસ પાણી મંગાવીને તેના હાથમાં આપ્યું. જાને ઘણા દિવસનો તરસ્યો હોય તેમ ગટગટાવીને તે આખી ગ્લાસ પાણી પી ગયો. તેના હાથમાંથી ગ્લાસ લઈને કાગળ અને પેન પકડાવી દીધી. પેન પકડતા જ તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. તેની આંખોમાંથી હજુ પણ આંસુ વહી રહ્યા હતા. તેણે પેન પકડી રાખી હતું પણ કઈ લખ્યું ન હતું કદાચ તેને બરાબર લખતા નહીં આવડતું હોય. જાણે લીટા પડતો હોય તેમ ધ્રુજતા હાથે તેણે છુટા છવાયા થોડા શબ્દો લખ્યા.

મેં કાગળમાં નજર કરી તો તેમાં " મિસ્ત્રી નવીન કાળીદાસ " એમ કોઈ નામ લખેલું હતું. હું નામ વાંચી અચંબિત થઈ ગયો. પછી મેં તેના ગામ નું નામ લખવા માટે દબાણ કર્યું. પણ તે પેન પકડી મારી સામે જોઈ રહ્યો હતો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. કદાચ તેને તેનો ભૂતકાળ યાદ આવી રહ્યો હશે. તેનો પરિવાર નજર સમક્ષ ભરી રહ્યો હશે. થોડીક્ષણો માટે તે અલગ જ દુનિયામાં લુપ્ત થઈ ગયો. થોડા સમય પછી તેણે પાછી પેન પકડી. કાગળમાં કઈક લખ્યું, જોયું તો તેને કોઈ સરનામું લખ્યું હતું. મેં તેની પાસેથી કાગળ લઈ લીધો. તે ઉભો થઇ તેની લાકડાની ઘોડીનો ટેકો લઈ તેની જગ્યાએ જી બેસી ગયો.

*

રાત્રે પથારીમાં સૂતો હતો પણ આંખોમાં બિલકુલ ઊંઘ ન હતી. મન વ્યાકુળ થઈ રહ્યું હતું. બસ પેલો ભિખારી જેનું નામ નવીન હતું તેજ આંખો સામે આવી રહ્યો હતો. તેણે લખેલું સરનામું મનમાં ફરી રહ્યું હતું. ખબર નહોતી પડતી કે શું કરવું ? આ કોણ છે? તેની સાથે શુ ઘટના ઘટી હશે? શુ તેને આપેલું સરનામું સાચું હશે? શુ તેનો પરિવાર હશે? શુ તેનો પરિવાર પણ તેની તપાસ કરતો હશે? શુ હું તેને તેના પરિવાર સાથે મળાવી શકીશ ? આવા અઢળક પ્રશ્નો દિમાગમાં દોડી રહ્યા હતા. પથારીમાં પડ્યો પડ્યો પાસા ફરી રહ્યો હતો. ગળુ સુકાઈ ગયું હતું, પથારીમાંથી ઉભો થઇ રસોડામાં પાણી પીવા માટે માટે ગયો. ફ્રીજમાંથી એક ગ્લાસ ઠંડુ પાણી પીધા પછી મને થોડી રાહત થઈ. રૂમમાં પાછો આવ્યો તેણે લખેલ કાગળ કબાટમાંથી કાઢી વાંચવા લાગ્યો.

" કોનો કાગળ છે આ? કેમ અત્યાર સુધી જાગો છો? કોઈ પરેશાની છે તમને? " પાછળથી અનિતાનો અવાજ આવ્યો. તે પણ મારી હિલચાલથી ઉઠી ગઈ હતી. તેણે મારા હાથમાંથી કાગળ લઈ વાંચવા લાગી.

" કોનું સરનામું છે આ અને આ અડધી રાતે કેમ લઈને બેઠા છો? " અનિતા કાગળ વાંચ્યા પછી બોલી.

મારા ચહેરા પરથી હું કોઈ દુવિધામાં હોવ તેમ લાગી રહ્યું હતું. મારા શરીરે પસીનો વળી રહ્યો હતો. હું ગભરામણ અનુભવી રહ્યો હતો.
" આ કાગળ પર પેલા ભિખારીને અક્ષર છે " મેં અનિતાના હાથમાંથી કાગળ લેતા કહ્યું અને આજે જે ઘટના બની તે અનિતાને કહેવા લાગ્યો.

મારી આખી વાત સાંભળી અનિતાની ઊંઘ ઊડી ગઈ હતી. તે મારી સામે જોઈ રહી હતી.

" શું હકીકતમાં આ તેનું જ સરનામું હશે? " અનિતા મને પૂછવા લાગી.

" હું પણ એજ દુવિધામાં છું. તેને કાગળ પર લખ્યું તો છે પણ આ સાચું છે કે ખોટું તેની કોઈ ખાતરી નથી " મેં જવાબ આપ્યો.

" એમાં આટલો તણાવ અનુભવવાની જરૂર કયા છે. તમે સવારે એક કામ કરો. આ સરનામાં પર એક પત્ર લાખો. જેમાં પુરેપુરી આ નવીન વિશે માહિતી લખો એટલે જો આ સરનામું સાચું હશે તો સામેથી જવાબ મળશે " અનિતાએ મને રસ્તો સૂઝવ્યો.

" વાત તો તારી સાચી છે પણ સામેવાળી વ્યક્તિ નવીનને ઓળખશે કેવી રીતે? " મેં સામે પાછો પ્રશ્ન કર્યો.

" હા, તો એ પણ કોઈ મોટું ટેન્શન જેવું નથી. તમે બીજું એક કામ કરો એ પત્ર સાથે તેનો એક ફોટો પડાવી સાથે મોકલી આપો અને છેલ્લે આપણી દુકાનનો ફોન નંબર લખજો. જો સામેવાળી વ્યક્તિ તેને ઓળખતી હશે તો જરૂર આપણને સંપર્ક કરશે " અનિતાએ કહ્યું.

અનિતાનો સુઝાવ મારા મનમાં ઉતરી ગયો હતો. હવે મારા દિલને ઠંડક મળી હતી. મારી બધી મુંઝવણનું નિરાકરણ પણ મળી ગયું હતું. બસ, સવાર થાય એટલે પહેલા દૂકને જઈને આનો રસ્તો કરીશ એમ વિચારતા વિચારતા રાત નીકળી ગઈ હતી. હું સવાર થવાની રાહ જોઈ રહ્યો હતો. મારુ મન અધીરુ થઈ રહ્યું હતું. મારી અંદર નવીનનો ભૂતકાળ જાણવાની તમન્ના થઈ રહી હતી.

સવારે દુકાને જઈને સૌ પ્રથમ બધા દુકાનદારોને અનિતાના સુઝાવ વિશે વાત કરી. આ ભીખારીનું રહસ્ય જાણવાની બધાને તત્પરતા જાગી હતી. અમે સૌએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે તેના ફોટા સાથે પત્ર લખીએ.

મેં તે ભિખારી સામે જોયું તેની પરિસ્થિતિ જોઈ લાગ્યું કે જો કદાચ આ સરનામું સાચું પણ હશે તો તેના પરિવારવાળા આવી પરિસ્થિતિમાં તેને ઓળખી પણ નહીં શકે. તેથી એક વાળંદ ને બોલાવી તેના વાળ-દાઢી કરવી. હવે તેનો ચહેરો ઓળખવા લાયક બન્યો હતો. તેને બાજુની ટોકીઝમાં લઇ જઇને સારીરીતે નવડાવ્યો અને પછી નવા કપડાં પહેરવા આપ્યા. આ નવા કપડામાં તે કોઈ ખાનદાની વ્યક્તિની જેમ છાપ છોડી રહ્યો હતો.

અમિત કે જેની સ્ટુડિઓની દુકાન હતી. તેણે તેનો એક ફોટો પાડ્યો જે ફોટો અમે એક પત્ર સાથે તેણે આપેલા સરનામે મોકલી આપ્યો. એ પત્રમાં અમારી દુકાનનું સરનામું અને ટેલિફોન નંબર બને લખ્યા હતા. રાજુને મોકલીને તે પત્ર પોસ્ટ કરવી દીધો.

નવા કપડામાં નવીન શોભી રહ્યો હતો. તેને જોતા લાગતું ન હતું કે આટલા દિવસથી જે આમ ભિખારીની જેમ ફરી રહ્યો હતો એ આ વ્યક્તિ હતો. હવે મને એકજ ચિંતા હતી તે પત્રની, જેટલો વહેલો તેનો જવાબ મળે તો મારા દિલને રાહત મળે તેમ હતું. આખા શોપિંગમાં બસ એકજ ચર્ચા હતી કે આ પત્રનો ક્યારે જવાબ આવશે? શુ જવાબ આવશે? શુ નવીનના પરિવારમાં કોઈ વ્યક્તિ હશે? બધાજ પત્ર કે ફોન આવવાની વાટ જોઈને બેઠા હતા.

ટ્રીન.....ટ્રીન.....ટ્રીન... ટેલિફોનની ઘંટડી ખખડી. " રાજુ ફોન ઉપાડ અને કોઈ ઓળખીતું હોય તો કહેજે કે શેઠ જમીને પાછો ફોન કરશે" હું જમવા બેઠા હતો એટલે મેં રાજુને બૂમ મારીને કીધું.

રાજુએ ફોન ઉપાડ્યો પછી થોડી ક્ષણ વાત કરી ફોન ચાલુ રાખીને મારી તરફ દોડ્યો.

" હેલ્લો કોણ? " મેં હાથમાં રીસીવર લેતા કહ્યું.

" હું વસંતભાઈ મિસ્ત્રી બોલું છું. મને એક પત્ર મળ્યો છે જેમાં આ ફોન નંબર લખ્યો હતો અને એક ફોટો હતો. એ ફોટાવાળો વ્યક્તિ મારો નાનોભાઈ નવીન છે " સામેવાળી વ્યક્તિએ જવાબ આપ્યો.

મારી ખુશીનો પાર ન હતો. શુ જવાબ આપવો એ પણ થોડા સમય માટે ભૂલી ગયો હતો. થોડી ક્ષણો માટે હું સ્થિર થઈ ગયો. સામેથી હેલ્લો...હેલ્લોનો અવાજ આવતા હું સભાન થયો.

" હા...હા...એ પત્ર મારો લખ્યો જ છે અને એ ફોટાવાળો ભાઈ મારા શોપિંગમાં છે" મેં જવાબ આપ્યો.

" સાહેબ આપની ખૂબ ખૂબ મહેરબાની, છેલ્લા ત્રણ વરથી અમે તેને ક્યાં ક્યાં નથી શોધ્યો. તમારા સ્વરૂપમાં આજે ભગવાન મળી ગયા" સામેવાળી વ્યક્તિએ કહ્યું.

" આપ વેળાસર અહીંયા આવો અને નવિનભાઈને આપની સાથે લઈ જાવ બસ એજ ઇચ્છા છે " મેં કહ્યું.

" અમે આજેજ રાત્રે નીકળીએ છીએ અને કાલે સવારે આપની સામે હાજર હોઈશું "

" સારું તો પછી મળીએ કાલે " આટલું કહી મેં ફોન મૂકી દીધો.

મેં દુકાનમાંથી બહાર નીકળીને બધા દૂકનાદારોને આ શુભ સમાચાર આપ્યા. બધાના ચહેરા ઉપર ખુશીનું તેજ પ્રકાશિત થઇ રહ્યું હતું.
મેં નવીનને પણ જણાવ્યું કે તેના પરિવારવાળા તેને લેવા માટે આવી રહ્યા છે પણ તેના ચહેરા પર બિલકુલ ખુશી ન હતી પહેલા જેવું જ દુઃખ અત્યારે પણ દેખાઈ રહ્યું હતું. આજે પણ તેના મોંમાંથી એક પણ શબ્દ ના નીકળ્યો.

ઘરે જઈને મે અનિતાને બધી વાત કરી. તેનો તો ખુશીનો પર ન હતો. રાત્રે પલંગમાં સુઈ રહ્યો હતો પણ આંખોમાં બિલકુલ ઊંઘ ન હતી. મન વ્યાકુળ થઈ રહ્યું હતું. નવીન કેટલા દિવસોથી તેના પરિવારથી દુર હશે? તેના પરિવારમાં કોણ કોણ હશે? તેના બાળકો હશે તો તેની પરિસ્થિતિ શુ હશે? આ વ્યક્તિએ કેટલા દુઃખ સહન કર્યા હશે? આવા બધા વિચારો મને પરેશાન કરી રહ્યા હતા.

બસ, એક રાતની વાત હતી. હવે નવીનને તેની જિંદગી, તેની ઓળખ પછી મળી જવાની હતી. આપણે પોતાની જાતને કેટલા દિવસ છુપાવી શકીયે? આ વ્યક્તિ પોતાનો આખો ભૂતકાળ ભૂલીને આમ પાગલની જેમ ભટકી રહ્યો હતો. તેને તો પોતાનું નામ સુધ્ધા ખબર ન હતી. બસ, થોડી પળોની રાહ પછી તેને પોતાનો ભૂતકાળ પાછો મળવાનો હતો. આપણે ભવિષ્યને મળવાની ઉત્કઠના હોય છે જ્યારે આ નવીન માટે તેનો ભૂતકાળ જ તેનું ભવિષ્ય હતું.

સવારે વહેલા દુકાને આવી ગયો હતો. આજે નવીનને તેના પરિવારવાળા લેવા માટે આવવાના હતા. નવીનને આજે સવારથી નહાવડાવીને તૈયાર બેસાડ્યો હતો. હજામત પણ કરાવી લીફહી હતી. એક જોડી નવા કપડાં પણ પહેરાવ્યા હતા. અત્યારે તે બિલકુલ એક પારિવારિક વ્યક્તિ લાગી રહ્યો હતો. સવારથી તેને દુકાનની બહાર ખુરશીમાં બેસાડ્યો હતો. તેને જમવાનું અને ચા-નાસ્તો પણ કરાવ્યો હતો. હોવી આખા શોપિંગમાં બસ એકજ અપેક્ષા હતો કે આ વ્યક્તિ તેના પતિવારને મળે. આ દ્રશ્ય કોઈ કોઈ ફિલ્મના સીન કરતા ઓછું ન હતું.

બપોરે 12 વાગવા આવ્યા હતા પણ હજુ સુધી કોઈ આવ્યું ન હતું. બધાના ચહેરા ઉદાસ થવા લાગ્યા હતા. નવીનને તો કંઈ ખબર ન હતી કે અમે બધા શુ કરી રહ્યા છીએ. અમે તેના પરિવારથી સંપર્ક કર્યો છે તેનાથી પણ તે અજાણ લાગી રહ્યો હતો.

લગભગ એક કલાક પછી એક સફેદ કલરની સફારી ગાડી અમારા શોપિંગમાં પ્રવેશી. અમારા શોપિંગમાં બે દુકાનો વચ્ચે આરામથી એક સાથે બે મોટી ગાડીઓ નીકળી શકે એટલો પહોળો રસ્તો હતો. શોપિંગમાં વચ્ચોવચ આવીને તે ગાડી ઉભી રહી.

ગાડીમાં છ થી સાત વ્યક્તિ હોય તેમ લાગી રહ્યું હતું. હજુ ગાડીમાંથી કોઈ નીચે ઉતર્યું ન હતું. સૌ પ્રથમ એક વ્યક્તિ નીચે ઉતર્યો. તેના હાથમાં કોઈ કાગળ લઈ દિલીપભાઈની દુકાનમાં પ્રવેશ્યો પછી થોડીવારમાં પાછા ગાડી તરફ જઈને બધાને ઉતારવા લાગ્યો. કદાચ પહેલા તે આ જગ્યા વિશે અનુરુપ થવા માંગતા હશે તેવું લાગ્યું.

પહેલા ગાડીમાંથી સફારી પહેરેલ એક વૃધ્ધ નીચે ઉતર્યા. માથે સફેદ વાળ અને ચહેરા પર સફેદ ભરાવદાર મૂછો. તેમને ઉતાર્યા પછી હાથ પકડીને એક સ્ત્રી બહાર આવ્યા. જે શરીરે ભારે હતા એટલે તેમને ઉતારવામાં તકલીફ પડી રહી હશે. તેમણે સાડી પહેરી હતી. ગળામાં સોનાનું ભારે મંગળસૂત્ર ચમકી રહ્યું હતું. બને હાથમાં બે-બે સોનાની બંગડી પહેરી હતી. પેલા સફારીવાળા વૃધ્ધએ તેમને હાથ પકડીને હળવેથી ગાડીમાંથી નીચે ઉતાર્યા. તેમની પાછળ એક જુવાન સ્ત્રી ઉતરી તેણે પણ સાડી પહેરી હતી. ઉચાઈમાં મરાઠી થોડી વધારે ઊંચી હશે. તેના એકદમ કાળવાળ તેની કમરે અડકી રહ્યા હતા. દેખાવે તે અત્યંત સુંદર લાગી રહી હતી. તેની પાછળ સામાન્ય લાગતા બીજા બે પુરુષો ઉતર્યા. તે બધા એક સાથે દિલીપભાઈની દુકાનમાં પ્રવેશ્યા.

દિલીપભાઈ દોડતા દોડતા મારી દુકાનમાં આવ્યા અને એકી શ્વાસે કહેવા લાગ્યા " નવીનના પરિવારવાળા આવ્યા છે, આપણી મહેનત રંગ લાવી ખરી "

મેં નવીનને જણાવ્યું કે તેના પરિવારવાળા આવ્યા છે હવે તેને આ નર્કમાંથી આઝાદ થઈ જશે પણ તેના ચહેરા પર કોઈ ભાવ બદલાયા ન હતા.

હું અને દિલીપભાઈ વિચારમાં પડી ગયા પછી દિલીપભાઈએ કહ્યું કે આપણે પહેલા તેના પરિવાર સાથે ચર્ચા કરીએ પછી આની સાથે મુલાકાત કરાવીએ. તે લોકો આને ઓળખી લેશે. દિલીપભાઈ અને હું તેમની દુકાનમાં પહોંચ્યા. બધા જ ત્યાં બેઠા હતા. અમારી સામે જોઈ રહ્યા હતા તેમાંથીબેક ભાઈ ઉભા થઈ અમારી સામેં આવ્યા.

" મારુ નામ વસંતભાઈ છે. મારી અહીંયા એક ભાઈ સાથે ફોન પર વાત થઈ હતી " આટલું કહ્યું અને અમારો લખેલ પત્ર અને નવીનનો ફોટો બતાવ્યો.

" તમારી મારી સાથે વાત થઈ હતી. આ પત્ર અને ફોટો અમેજ આપને મોકલી આપેલ હતો " મેં જણાવ્યું.

" આ ફોટાવાળો વ્યક્તિ મારો નાનોભાઈ છે. જેનું નામ નવીન છે, છેલ્લા ત્રણ વર્ષથી અમે તેને શોધી રહ્યા છીએ " વસંતભાઈ કેહવા લાગ્યા.

" આ જે બેઠા છે તે મારા બા-બાપુજી છે અને જે તેમની બાજુમાં બેઠી છે તે નવીનની પત્ની છે. બાકીના મારા પિતરાઈ ભાઈઓ છે. આપ મહેરબાની કરીને અમારી નવીન સાથે મુલાકાત કરવો " વસંતભાઈ આટલું બોલતા બોલતા જાણે થાકી ગયા હોય તેમ લાગી રહયા હતા.

તેમાના બધાના ચહેરા પર ચિંતા દેખાઈ રહી હતી. કોઈ ખોવાઈ ગયેલ વ્યક્તિ કે જેને પાછા મળવાની આશા છોડી દીધી હતી. તેને મળવા આવ્યાની લાગણી તે બધાયની આંખોમાં હું જોઈ શકતો હતો. તે બધાંયને લઈને હું નવીનને બેસાડ્યો હતો ત્યાં લઈને આવ્યો.

" હે ભગવાન " મોટી ચીસ સંભળાઈ. મેં જોયું તો વસંતભાઈના મમ્મીની નવીનને નિહાળતાની સાથે ચીસ નીકળી ગઈ હતી. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ઉતાવળમાં તેમનાથી ભારે શરીરના લીધે ચાલતું પણ ન હતું. તેમને આવીને નવીનને સીધો છાતી સમો ચાંપી દીધો. નવીનના કપાળ પર ચુંબન કરવા લાગ્યા. તેના ગાલ પર ચુંબન કરવા લાગ્યા. નવીનનું માથું હજુ પણ તેના મમ્મીના હાથમાં હતું. તેમની પાછળ ઉભેલી નવીનની પત્ની પણ ચોધાર આંસુએ રડી રહી હતી. એટલામાં વસંતભાઈની નજર તેના પગ ઉપર પડી અને તે સ્તબ્ધ થઈ ગયા. બધાની નજર નવીનના પગ પર પડી. નવીનનો પગ કપાયેલો જોઈને સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. થોડી મિનિટોમાં ત્યાં શોકમય વાતાવરણ બની ગયું. વસંતભાઈએ નવીનને પોતાની છાતીમાં સમાઈ લીધો.

મારી નજર નવીનના ચહેરા ઉપર હતી. તેના ચહેરાના ભાવ હોવી બદલાવ લાગ્યા હતા. અત્યારે તેની આંખોમાંથી પણ ધારદાર આંસુ વહી રહ્યા હતા. નવીને જોરથી ચીસ પાડી, લગભગ આખા શોપિંગમાં આ ચીસ ગુંજી ઉઠી હતી. આ દ્રશ્ય જોવા એકઠું થયેલ ટોળું પણ તે ચીસથી ડરી ગયુ હતું.

આટલા દિવસમાં આજ સુધી કોઈએ નવીનનો અવાજ પણ સાંભળ્યો ન હતો. આજે તેની ચીસ સાંભળવા મળી હતી.

"બેટા... શાંત થઈ જ. અમે આવી ગયા છીએ તને આ નર્કમાંથી બહાર કાઢવા માટે " નવીનના મમ્મી નવીનના માથે હાથ મુકતા બોલ્યા.

" નવીન, તારા પગમાં શુ તબાયો હતું? તું અમને ઓળખતો છેને? આટલા દિવસ તું ક્યાં હતો? " વસંતભાઈ પૂછવા લાગ્યા.

" ત્રણ વર્ષથી હું તમારી જોઈને બેસી છું. તમારીબા પરિસ્થિતિ કેમની થઈ? તમને મારી અને આપણા પરિવારની યાદ પણ ના આવી " નવીનના પત્નીએ કહ્યું.

આ બધું સાંભળી નવીન જોર-જોરથી રડવા લાગ્યો હતો. કદાચ તેને તેનો ભૂતકાળ પાછો યાદ આવી રહ્યો હશે અથવા તેની ભુલાઈ ગયેલી યાદો પાછી આવી ગઈ હશે. તે પોતાનો હાથ પોતાના માથામાં પછાડવા લાગ્યો.

બધાયે તેને આમ કરતા રોક્યો પછી તેના હાથમાં ગ્લાસ પાણી આપ્યું. બધાને બેસવા માટે આસન આપવામાં આવ્યું. બધા નીચે બેસી ગયા હતા. નવીને ગ્લાસ પાણી પીધા પછી પહેલો શબ્દ 'માં' બોલ્યો. નવીને તેની પત્નીની તરફ હાથ લંબાવીને તેને પોતાની તરફ ખેંચી અને તેની સામે થોફી ક્ષણો તાકી રહ્યો. આ આખું દ્રસ્ય પન્નાલાલ પટેલની કોઈ નવલકથાથી ઓછું નહોતું લાગી રહ્યું.

" નવીન આ બધા દુકાનદારોનો લાખ-લાખ આભાર છે કે તેમણે તને અમારી સાથે મેળાપ કરાવ્યો " વસંતભાઈએ નવીનને કહ્યું.

" નવીન મારે એ જાણવું છે કે તું એક સારા પરિવારમાંથી આવી પરિસ્થિતિમાં કેમનો આવ્યો " મેં નવીનને કહ્યું.

નવીનની આંખોમાં પાણી વહી રહ્યું હતું. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેણે ફફડતા હોઠથી બોલવાની શરૂઆત કરી.

હું, મોટાભાઈ સાથે છેલ્લા 5 વર્ષથી મિસ્ત્રીકામ કરી રહ્યો હતો. અમે બંને ભાઈ પોતાની મહેનત અને ભગવાનની કૃપાથી સારો એવો ધંધો કારી રહ્યા હતા. આ સમયે હિંમતનગરમાં અમારુ કામ ચાલી રહ્યું હતું. છેલ્લા બે દિવસનું કામ બાકી હતું અને અમારું કટર મશીન તૂટી ગયું હતું. તેના વગર અમે આગળ કામ કરી શકીએ એમ ન હતા.

" વસંતભાઈ જો આપ અમદાવાદ જઈને કટર રીપેર કરવી આવો તો બે દિવસમાં આ કામ પૂરું થઈ જાય " મેં કહ્યું.

" નવીન હું કાલે જ જવાનું વિચારતો હતો પણ તારા ભાભીની તબિયત સારી નથી એટલે જો તું જઇ આવે તો સારું રહે " મોટાભાઈ કહેવા લાગ્યા.

મોટાભાઈની વાત માન્ય રાખીને હું એજ દિવસે અમદાવાદ જવા માટે નીકળ્યો. સવારે વહેલા 8 વાગ્યાની ટ્રેનમાં બેઠો લગભગ 11 વાગે તો અમદાવાદમાં હતો. ત્યાં કાલુપુર સ્ટેશનથી રીક્ષા કારી રિલીફ રોડ પહોંચ્યો હતો. રિલીફ રોડ પર ઘણીબધી દુકાનો છે જ્યાં આવા બધા ઓજારો મળી રહે છે. અમારા જુના ઓળખીતા વેપારીને ત્યાં ગયો. તેમને ત્યાંથી મારુ મશીન તો ના રીપેર થયું પણ નવું મશીન ખરીદી લીધું.

હું એ દુકાનમાંથી મશીન લઈ બહાર નીકળ્યો ત્યારે બહાર નાસભાગ મચી હતી. મને કાંઈ ખબર જ નહોતી પડી રહી કે શું થઈ રહ્યું છે. લોકોના ટોળેટોળા એકબીજા પર પથ્થર મારી રહ્યા હતા. રસ્તામાં આવતા જતા સાધનોમાં આગ ચાંપી રહ્યા હતા. થોડી જ ક્ષણોમાં આ ટોળાંએ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. રોડ પરની દુકાનોમાં આગ ચાપવામાં આવી હતી. હું ગભરાઈ ગયો હતો શુ કરવું ને શુ ના કરવું? કંઈજ સમજી શકતો ન હતો. મારામાં જેટલી હિમ્મત હતી એ બધી એકઠી કરીને સ્ટેશન તરફ દોડ્યો. રસ્તામાં ઘણા લોકો હાથમાં તલવાર અને બીજા હથિયાર લઈને ફરી રહ્યા હતા.

કોઈના ગળે કે માથે કેસરી કપડું હતું તો કોઈના માથે ટોપી હું સમજી શકું એ પહેલાં તો મારી સમક્ષ એક બાવીસ થી પચ્ચીસ વર્ષનો એક જુવાન હાથમાં તલવાર લઈ ઉભો હતો. તેની આંખોમાં જાણે લોહી વહી રહ્યું હોય એમ લાલ હતી. હું એકદમ તેને જોઈ ડરી ગયો. તે મારી નજીક આવવા લાગ્યો.

કોણ છે? બોલ કોણ છે તું? તે મને પૂછી રહ્યો હતો. હું ડરી ગયો હતો મારા ગળામાંથી એક શબ્દ પણ નહોતો નીકળી શકતો. આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. હું કઈ બોલવા પ્રયત્ન કરું એ પહેલા તો પેલા છોકરાએ તેની તલવાર ઉગામી દીધી હતી. એટલાં પોલીસની ગાડી સાયરન વગાડતી આવી. પેલો વ્યક્તિ મારી ઉપર તલવાર વિંઝી પણ હું પાછો ખસવા ગયો. મારા શરીરનું સંતુલન ગુમાવી દીધું, જમીન પર પડી ગયો. તલવારનો ઘા પેટના ભાગથી ખસીને મારા પગમાં વાગ્યો. અડધી તલવાર મારા ઢીંચણમાં ઘુસી ગઈ હતી. પોલીસનો સાયરન સાંભળી તે ત્યાંથી ભાગ્યો.

મારનારાને હું ક્યાં ધર્મનો છું એ પણ ખબર ન હતી. જ્યારે મને મારનારો ક્યાં ધર્મનો હતો એ ખબર ન હતી. કુદરતની બનાવેલી આ દુનિયામાં આવી હિંસા કેમ? અમે તો એક બીજાને ઓળખતા પણ ન હતા. એ યુવાનના મનમાં આટલું ઝેર કોને ભર્યું હશે. શુ આવનારી પેઢીને આપણે આ શીખવીશું. કોઈ ધર્મમાં ક્યાંય એવું નથી લખ્યું કે વિધર્મી સાથે હિંસા કરો.

મારા પગમાંથી પાણીની માફક લોહી વહી રહ્યું હતું. પોલીસની ગાડી સાયરન વગાડતી ત્યાંથી નીકળી ગઈ. હું ત્યાંનોત્યાંજ પડ્યો રહ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા મનફાવે તેમ ભાગી રહ્યા હતા. હું લગભગ છ કલાક સુધી ત્યાં આમને આમજ પડી રહ્યો હતો. મારા પગમાં અપાર વેદના થઈ રહી હતી. હું એ દર્દ સહન કરી શકતો ન હતો. સવારમાં ધમધમતુ બજાર અત્યારે એકદમ સુમશાન સ્મશાન જેવું થઈ ગયું હતું. અમદાવાદને મેં ક્યારેય આવું જોયું ન હતું. મારુ ગળું સુકાઈ ગયું હતું. મને તરસ લાગી રહી હતી. મારામાં ઉભું થવાય તેટલી તાકાત વધી ન હતી. મારી આંખોએ બરાબર દેખાતું ન હતું. આંખોમાં ઝાંખપ આવવા લાગી હતી.

બીજો અડધો કલાક હું આમને આમ પડી રહ્યો. એટલામાં ત્યાં પાંચ છ માણસો આવ્યા. ત્યાં સળગાવામાં આવેલી દુકાનો અને તોડફોડ કરેલી દુકાનોમાંથી સામાન ઉઠાવી રહ્યા હતા. તેમાંનો એક વ્યક્તિ મારી નજીક આવ્યો મને લાગ્યું કે હવે હું આ પારાવાર દર્દમાંથી છૂટો થઈશ.પણ પેલો વ્યક્તિ મારી પાસે આવી મારા ખિસ્સામાંથી મારી પાકીટ અને થોડા પૈસા હતા એ કાઢવા લાગ્યો. હું તેને રોકી ના શક્યો. મારામાં તેનો સામનો કરવાની હિમ્મત ન હતી. મેં તેનાથી છૂટવાનો પ્રયત્ન કર્યો પણ તેણે મારા માથામાં પથ્થરનો ઘા કર્યો. હું આમને આમ પડી રહ્યો. મારો પગ અડધો તૂટીને લબડી પડ્યો હતો. ઢીંચણમાંથી માસના લોચા લબડી રહ્યા હતા. મને તેની પાસે મદદની આશા હતી પણ એ મારા ખિસ્સામાંથી બધું કાઢી ભાગી ગયો. હું આમને આમ આખી રાત દર્દમાં પડી રહ્યો.એ સવારથી કઈ ખાધું ન હતું. મને ભૂખ અને તરસ બંને લાગી રહી હતી. હું અકળાઈ રહ્યો હતો, દર્દ સહન નહોતું થઈ રહ્યું. થોડીવારમાં હું ત્યાં બેભાન થઈ ગયો.

આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો. દવાઓના કારણે મારી આંખ પુરેપુરી ખુલી નહોતી ખુલી શકતી. મારા પગનું દર્દ અત્યારે કાલ કરતા ઓછું લાગી રહ્યું હતું. મેં પગ હલાવવા કોશિશ કરી તો મને એહસાસ થયો કે મારો અડધો જ પગ હતો. મેં ચાદર હટાવી જોયું તો ઢીચણ થી નીચેનો ભાગ ન હતો. મેં આજુબાજુ જોયું તો આ કોમી રમખાણમાં મારા જેવા ઘણા બધા ઘાયલ અહીંયા દાખલ થયા હતા.

"ગઈ કાલે રાત્રે તને અહીંયા લાવવામાં આવ્યો હતો. તારા શરીરમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. પગના ઘા લાંબો સમય ખુલ્લો રહેવાથી ઇન્ફેકશન થઈ ગયું હતું. જેથી તારો એક પગ ઢીંચણથી નીચેના ભાગ કાપી નાખવામાં આવ્યો હતો. ડોકટર સાહેબ કેહતા હતા કે માથાના અંદરના ભાગમાં પણ તને ઇજા થઇ હતી " થોડીવાર પછી એક કમ્પાઉન્ડરે મારી નજીક આવીને જણાવ્યું.

હું તેની સામે જોઈ રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારા ગળે ડૂમો ભરાવા લાગ્યો. તેને મને ગ્લાસ પાણી આપ્યું.

"અમે રાત્રે તારા કપડામાં બધે તપાસ્યુ હતું પણ કોઈ અતોપતો મળ્યો ન હતો. પછી વિચાર્યું કે હવે તું ભાનમાં આવે પછી જ ખબર પડે" કમ્પાઉન્ડરે કહ્યું.

હું મારી આવી પરિસ્થિતિ જોઈ નિઃસહાય બની ગયો હતો. એક દિવસમાં મારી દુનિયા બદલાઈ ગઈ હતી. હરતોફરતો અહીંયા આવેલો અત્યારે લંગડો થઈ ગયો હતો.

" એ ભાઈ, શુ નામ છે તારું? ક્યાંનો છે ?" પેલા કમ્પાઉન્ડરે મને પૂછ્યું.

હું તેને જવાબ આપવા માટે નિઃસહાય હતો. મને કંઈજ ખબર નહોતી પડી રહી. હું કોણ હતો? ક્યાંથી આવ્યો હતો? કશુજ યાદ ન હતું. કદાચ હું મારી યાદદાસ્ત ગુમાવી ચુક્યો હતો. મારા મુખમાંથી એક પણ શબ્દ ના નીકળ્યો. ત્યારથી મારુ બોલવાનું બંધ થઈ ગયું. થોડા દિવસો હું આમજ ત્યાં હોસ્પિટલમાં પડ્યો રહ્યો. હવે મારો ઘા રૂઝાઈ ગયો હતો. મને ચાલવા માટે એક લાકડાની ઘોડી આપવામાં આવી. હોસ્પિટલમાં બધાને એમ લાગ્યું કે હું બોલી નહીં શકતો હોવ. મને બધાએ મૂંગો સમજી લીધો હતો. એક મહિના સુધી કોઈ મારી ખબર લેવા ના આવ્યું. હોસ્પિટલવાળામાં હવે વધારે સમય મને રાખી શકાય એમ હતું નહીં માટે તેઓએ મને થોડા દિવસમાં બહાર કાઢી નાખ્યો. હું સતત બે દિવસ સુધી ત્યાં હોસ્પિટલની સામેના સિટી બસસ્ટોપમાં પડ્યો રહ્યો. મારી પાસે એક જોડી કપડાં લાકડાની ઘોડી સિવાય બીજું કાંઈ ન હતું.

આ લાકડું ફક્ત એવું હતું જે પહેલાની અને પછીની બંને જિંદગીમાં સાથે હતું. એક ઉંમરલાયક સ્ત્રી ત્યાં આવી તેને મારા હાથમાં બે રોટલી મૂકી. હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ કસું ખાધું ન હતું. મને ખુબ જ તીવ્ર ભૂખ લાગી હતી. મેં ફટાફટ એ રોટલી ખાઈ લીધી. હવે આમજ આવતા જતા લોકો મને કઈક ને કંઇક ખાવા આપી જતા જે ખાઈને હું એ બસસ્ટોપમાં પડી રહેતો. ઘણા દિવસો વીતી ગયા, મારી દાઢીવાળ પણ વધી ગઈ. મારા કપડાં એકદમ મેલા થઈ ગયા હતા.મેં રસ્તામાં આવેલી એક દુકાનના બહારમાં કાચમાં મારો ચહેરો જોયો તો હું ભિખારી જેવો લાગી રહ્યો હતો. ઘણા લોકો મને જોઈ ચિડાઈ જતા અને ભગાડી મુકતા. અહિયાથી મારી જિંદગીનો બીજો તબક્કો ચાલુ થયો. હું એક ભિખારી બની ગયો હતો. મને મારી પાછળની જિંદગી વિશે કંઈજ યાદ ન હતું.

હવે હું લાકડાની ઘોડીના ટેકે ચાલવા લાગ્યો હતો. ધીરે ધીરે બસ સ્ટોપ છોડી આગળ વધ્યો. મને આજે પણ યાદ નથી કે કેટલા દિવસો કે પછી કેટલા મહિનાથી હું આ પરિસ્થિતિમાં હતો. ત્યાંથી ફરતો ફરતો અહીંયા કેમનો પહોંચ્યો હતો તે પણ યાદ નથી.

નવીન આટલું બોલી ને અટક્યો ત્યારે એની આંખોમાં આંસુ હતા. તેની વાત સાંભળનાર દરેક વ્યક્તિના આંખમાં આંસુ હતા. તેને લેવા આવેલી તેની માં, તેની પત્ની અને તેના ભાઈના ચોધાર આંસુ વહી રહ્યા હતા. મારી સાથે ભયંકારમાં ભયંકર, અવિસ્મરણીય ઘટના ઘટી હતી. જે હું જીવનમાં ક્યારેય ભૂલી શકવાનો ન હતો. એક દિવસમાં મારી જિંદગી બદલાઈ ગઈ હતી. લોકો કહે છે કે કોઈને ખબર નથી હોતી આવતીકાલે શુ થવાનું છે. પણ જો ખરેખર હું તે દિવસે જાણતો હોટ કે બીજા દિવસે મારી સાથે શુ થવાનું છે. તો આજે આ પરિસ્થિતિ ના થાત.

તેના મુખમાંથી નીકળતા દરેક શબ્દમાં દર્દ હતું. તેના અંતરની વેદના છલકાઈ રહી હતી. કદાચ તેણે એક ભિખારી સ્વરૂપે વિતાવેલા દિવસોની એક એક ક્ષણ યાદ આવી રહી હશે. આજે એટલા મહિનાઓ પછી તેના પરિવારને જોઈ રહ્યો હતો તેની ખુશી પણ દેખાઈ રહી હતી. એક એવી યાદો તેણે તેનામાં વસાવી લીધી હતી જેને તે ક્યારેય ભૂલી નહોતો શકવાનો.