VAHUE VAGOVYA MOTA KHORDA - 22 books and stories free download online pdf in Gujarati

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૨

ઓરડામાં પહોંચેલી દેવલની ખુશી બમણી થઈ ગઈ હતી. એક અઠવાડિયાના અંતે આજે કાશીબાએ પહેલીવાર એને 'બેટા' કહ્યું હતું. જિંદગી જ્યારે બધી બાજુથી દુઃખના અંધકારમાં વિલીન થતી દેખાય ત્યારે નાનકડું પ્રકાશનું કિરણ પણ ખુશ કરી દેતું હોય છે. ભૂતકાળ બની ગયેલા ખુશીના દિવસો આજ ફરી તાજા થયા હતા. આટલું ખુશ મન ચહેરાને મલકાવવા નહોતું દેતું. સમશેરસિંહ તો ખેતર ગયા હતા એટલે દેવલ પાસે આવા વિચાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો અને આવું વિચારવામાં પણ એને અનેરો આનંદ આવતો હતો. આવા ચાલતા વિચારોના મંથનમાં અચાનક લગ્ન કરીને આવેલી એ દિવસ યાદ આવી ગયો. પાછા એ જ શબ્દો યાદ આવ્યાં જે પોંખતા સમયે કાશીબા બોલ્યા હતા. દેવલની કાયાપલટ થઈ ગઈ. એની આંખો લાલચટક થઈ ગઈ આખો કોઠો હલબલી ગયો. ગુસ્સાનો પાર ના રહ્યો. એને તરત જ હમીરભા અને સેજલબા યાદ આવ્યાં. એના વિચારો એ દિશામાં ગતિ કરવા લાગ્યા. એ એક દિવસ અગાઉ જ સેજકપર પહોંચવાની તૈયારીમાં હતી ત્યાં કાશીબાએ સાદ કરી પાછી બોલાવી લીધી.
" વવબટા ! હાલો તું અને સરસ્વતી બેય થઈને બપોરનું ખાવાનું બનાવી નાખો. "

ઓરડા બહાર નીકળતી દેવલે કાશીબાના થોડા થોડા ત્રુટક શબ્દો સાંભળી લીધા. જે તેઓ સરસ્વતીને સંબોધીને ધીમે ધીમે બોલી રહ્યા હતા. " બટા ! આજ તારી ભાભીને કામમાં મદદ કરજે. નકર પસી ઇ પાસી પિયરમાં જઈને આપડી વગોવણી કરશે. અને ઇમા આપડા ઘરની આબરૂ જાશે. અને પાસી તનેય આપડે વાપરવાની સે. અટલે થોડુંક હાચવવું પડે. " આટલી વાત સાંભળીને હોંશિયાર માની દીકરી સરસ્વતી પણ રોટલા ઘડવા બેસી ગઈ. દેવલને અચાનક જ ભૂલથી સાંભળેલી વાતનો કોઈ હરખ-શોક નો'તો. એને તો સવારથી ખ્યાલ આવી ગયો હતો કે આ બધો દેખાવ થઈ રહ્યો છે. એ પણ આવીને જાણે કશું સાંભળ્યું જ નથી એવી રીતે કામ કરવા લાગી. જમવાનું તૈયાર થઈ ગયું ત્યાં સમશેરસિંહ પણ આવી ગયા.

બપોરનો સમય થઇ જતા કરણુભાની ડેલીએ ડાયરો વિખાઈ ગયો હતો. કરણુભા એકલા બેઠા બેઠા કડવા ડૂંઘાની મીઠી ઘૂંટ મારતા વિચાર્યે જતા હતા. જે માણસનો ચહેરો વર્ષો પહેલા જોવો ગમતો નહોતો એ માણસનો સાંજે સામનો થવાનો હતો. એની સામે નજર મેળવવી મુશ્કેલ થવાની હતી. એ દુવિધા એમના મોંઢા પર ચોખ્ખી દેખાતી હતી. મનમાં પ્રાર્થના હાલતી હતી કે કદાચ ભીખુભા ના આવે તો સારું; પણ આ વાત મન માનવા તૈયાર નહોતું કારણ કે એમને ખ્યાલ હતો કે ભીખુભા સિવાય દેવલને તેડવા આવે એવું બીજું કોઈ હતું પણ નહીં. પોતાને હરેક રીતે ખોટો માનતો માણસ આજે ફરી મુંજાયો હતો. એમના માટે આ સાંજ ભારે થઈ પડશે એ અંદાજ આવી ગયો હતો. આવા વિચારો હજુ મનમાં ગડમથલ ઊભી કરતા જ હતા ત્યાં સમશેરસિંહે જમવા માટે સાદ કર્યો. કરણુભા ઊભા થઈને જમવા માટે ગયા.

સુલતાનપુરનો પલ્લો કાપ્યે જતી બગી પણ ઊંડા વિચારોમાં હતી. જે માણસનું ગામ વચ્ચે અપમાન કર્યું છે એ માણસ પોતાની મહેમાનગતિ કેવી કરશે ? એ વિચારથી ભીખુભા કંપી ઉઠતા હતા. અત્યાર સુધીની પોતાની નફ્ફટતા કદાચ દેવલને ભારે પડતી હશે. હવે ગમે તેવું અપમાન સહન કરી લેવું છે પણ સામે નથી બોલવું. જે માણસનું લોહી એક અઠવાડિયા પહેલા પણ ગરમ હતું એ આજે અચાનક જ ઠંડુ પડી ગયું હતું. નાની વાતને પણ મોટી બનાવી ઝઘડો કરવાની ફિરાકમાં રહેતા ભીખુભા આજે નર્મ બનવાની કોશિશ કરતા હતા. આવા અનેક વિચારો સાથે અને મહારાજ મેર બેસે( દિવસ આથમે ) એ પહેલાં તો ભીખુભા સુલતાનપુરની સીમમાં દાખલ થઈ ગયા. ગામમાં પ્રવેશ કરતા જ તળાવ આવ્યું અને એ તળાવના પેટાળમાં રસ્તાની ઊંચાઈ પરથી ત્રણ કૂવા દેખાયા. જેમાંથી એક કૂવામાં ઝમકુ પડી હશે એ વિચાર પણ આવી ગયો. દરવાજામાંથી ગામમાં જતા ઠેર ઠેર બેઠેલા લોકો ઊભા થઈને રામ રામ કરવા લાગ્યા. ભીખુભા પણ બધાના રામકારા ઝીલતા જતા હતા. બેઠેલા ગામના લોકોને પણ વાતો કરવાનો નવો વિષય મળી ગયો હતો. એ બધા પણ ખુસર-ફુસર કરવા લાગ્યા. અને પોતાની રીતે અંદાજ મારવા લાગ્યા.
" બાને તેડવા સેજકપરથી સવારી આવી લાગે છે ! " એક બોલ્યો.
" ભીખુભા જેવો જણ લાગતો હતો કાં ? " બીજે વાતમાં સુર પુરાવ્યો.
" લાગતો 'તો એવો જ હતો. આપડે તો પસી કોઇ દી' જોયો નથી. " ત્રીજો બોલ્યો.
" એ જ હતો. હું ઈને નો ભૂલું, શંકરાને કેવો ઊંચો કરીને મારી નાંખ્યો હતો. હું ન્યા પાંહે જ ઊભો હતો. " એક નવા નવા બનતા વડીલ જવાબ કર્યો.
" શંકરાને આ દાદાએ જ મારી નાંખ્યો હતો ? દાદા કો'ને ઇ વખતે શું બન્યું હતું ? એક જુવાને વડીલ સામે નજર કરીને એ જૂની વાત પૂછી લીધી.
" વાત જાણે ઇમ બની હતી કે...... " ત્યાંથી ઝમકુનું પ્રકરણ પાછું ખુલ્યું હતું.

ભીખુભાની બગી કરણુભાની ડેલીએ પહોંચી ગઈ. કરણુભાની ડેલીએ બેઠેલો આખો ડાયરો ઊભો થઈ ગયો.
" આવો ! આવો ! વેવઇ " જેવા આવકારા ડેલી પર ગુંજવા લાગ્યા. બધા ઊભા થઈને ગળે મળવા લાગ્યા. કરણુભા પણ ઊભા થયા અને એવી રીતે ગળે મળ્યા કે જાણે પોતાનો ભાઈ મળ્યો હોય. એમની આંખોનો હરખ ભીખુભા સાફ સાફ જોઈ શકતા હતા. પણ મન માનતું નહોતું. એમને ધાર્યું પણ નહોતું એવી આગતા સ્વાગતા કરવામાં આવી. હાથ વણાટથી બનેલી સુજની પાથરેલો ઢોલિયો મેં'માન માટે તૈયાર જ હતો. હાથ લંબાવીને કરણુભાએ બેસવા કહ્યું પણ ભીખુભાની નજર દેવલને જોવા તલપાપડ હતી.
" દેવલ નથી દેખાતી ? " આમતેમ નજર ફેરવતા ભીખુભાથી બોલાય જવાયું.
" અરે ! ઇ તો ભૂલી જ ગયો. ડાયરો બેહો, હું મેં'માનને ઇમની છોકરીને મળાવી દઉં. આવો... આવો." આટલું બોલી કરણુભા ભીખુભાને ઘરમાં લઈ ગયા.
" સમેશેરના બા ! મેં'માન આયા સે. પાણી લાવજો. " આ અવાજ સાંભળતા જ કાશીબા અને સરસ્વતી બહાર આવી ગયા અને જય માતાજી કર્યા. સમશેરસિંહ પણ બહારથી આવી ગયા હતા એટલે એ પણ આવીને પગે લાગ્યા.
" વવ બટા ! પાણી લાવજો તમારા કાકા આવી જ્યા સે. " આટલું બોલી કાશીબા અને સરસ્વતી થોડી વાતો કરીને ઘરમાં જતા રહ્યા. અને કરણુભા પણ સમશેરસિંહને લઈને ડાયરામાં જતા રહ્યા. એટલામાં દેવલ આવી ગઈ.

આ પણ એક જૂનો રિવાજ હતો. કે જયારે પ્રથમ વખત પિયરમાંથી કોઈ તેડવા માટે જાય ત્યારે થોડા સમય માટે એ દીકરીને પિયરીયા સાથે એકલા મળવા દેતા હતા. જો કોઈ દુઃખ હોય તો એ સમયે છોકરી કહી દે. જેથી તેડીને જતી વેળાએ આવેલા પિયરીયો એ વાત એ દીકરીના સાસરિયાને કહી દે કે ફરીવાર આવું ના બનવું જોઈએ. કારણ કે એ વખતે કોઈ સંદેશાવ્યવહાર ના હોવાથી અને સાસરિયા પણ મોટા ભાગે દૂર હોવાથી કોઈને દુઃખનો ખ્યાલ આવતો નહિ. અને જ્યારે પિયરથી તેડવા સાસરિયાના લોકો જાય ત્યારે નાના જુવાનિયા જતા એટલે એમની સાથે એ વખતે પણ કોઈ વાટાઘાટ થઈ શકતી નહિ. આવા એક રિવાજના ભાગ રૂપે જ દેવલને એકલી મળવા દીધી.

એક અઠવાડિયા પહેલાની કૂદતી હરણી જેવી છોકરી આજે સાવ શાંત લાગતી હતી. રજવાડી ગુજરાતી સાડીમાં દેવલને ભીખુભા જોતા જ રહ્યા. દેવલનો હસતો ચહેરો એની ઉદાસીનતા છુપાવી નો'તો શકતો. કાકાને મળ્યાની ખુશી પણ સાચી હતી અને પોતાના ગામ જેવું માન અહીં નહોતું એ ઉદાસી પણ સાચી હતી. પાણી આપીને એક પણ આંસુ પાડ્યા વગર કાકાને પગે લાગતી દેવલ એક શક્તિના રૂપમાં દેખાતી હતી. ભીખુભા જેના તોફાની સ્વભાવને જાણતા હતા એ દેવલ તો દેખાતી જ નો'તી.
" મારી છોડી તો સાવ બદલાઈ જઇ. તને પગે લાગતા હારું આવડી ગયું. "
" કાકા, જે પાંહે હોય ઇની કદર નૉ હોય. તમને કોઈ દી' નથી નમી પણ આજ તમને પગે લાગીને મારો હરખ 'માતો નથી. આટલી ખુશી તમારા પગમાં સે ઇ તો મને આજ ખબર પડી. " દેવલના આ શબ્દોએ ભીખુભાને સાવ વીંધી નાખ્યો.
" બટા ! આવું શું બોલેશ ! તું પગે નૉ લાગ તોય તારો આ કાકો તો તારો જ સે ને. બોલ બટા કંઈ તકલીફ સે ? તો આજ હાંજે હું કરણુને કઇ દઉં. "
" ના કાકા ! તમે બધાએ ગોતેલ મારા હાહરામાં કોઈ કમી હોય ! " દેવલનું આ વાક્ય ભીખુભા સમજી ના શક્યા. ત્યાં કારણુભાએ વ્યાળું માટે સાદ કર્યો. આ અવાજ સાંભળીને દેવલ કદાચ પોતાના આંસુ રોકવાની ક્ષમતા પુરી થઈ હોય એમ ખાલી પાણીનો ગ્લાસ લઈને પાણીયારા તરફ કશું જ બોલ્યા વગર રવાના થઈ ગઈ. દેવલની આ ચુપકીદીએ ભીખુભાને ઘણું બધું કહી દીધું હતું.

વ્યાળું થઈ ગયા પછી પાછો ડાયરો કરણુભાની ડેલીએ જામ્યો. કહૂંબા ઘોળાઈ ગયા. અને સામ-સામે અંજલિઓ ભરાઈ ગઈ. માતાજીના નામ લઈને કહૂંબા પીધા અને દુહા, છંદ અને અલક-મલકની વાતો ચાલુ થઈ ગઈ. જેમ જેમ રાત ભાંગતી ગઈ એમ એમ ડાયરામાંથી માણસો ઘટવા લાગ્યા. છેલ્લે કરણુભા, સમશેરસિંહ અને ભીખુભા ત્રણ વધ્યા. કરણુભાએ સમશેરસિંહને પણ આરામ કરવાનું કહ્યું એટલે એ પણ ઊંઘવા માટે પોતાના ઓરડામાં ગયા. પછી ભીખુભા અને કરણુભાએ પાછી કહુંબાની અંજલિઓ ભરી; જાણે બેયને નશામાં જ એકબીજાની માફી માંગવી હોય એવું લાગી રહ્યું હતું. બેયની આંખો નશો ચડવાથી લાલ થઈ ગઈ હતી. બંનેની જીભો થોઠવાવવા લાગી હતી.
" ભઈ ભીખુ, મારે તો એક ભવમાં ભારે થઈ પડે એટલા એટલા પાપના ભાથા બાંધ્યા સે. હું આ પાપને ધોઈ શકું ઇમ તો નથી પણ તોય તારી માફી માંગુ સુ. "
" વેવઇ તમે શું બોલો સો ? તમારે થોડી માફી માંગવાની હોય! માફી તો મારે માંગવી જોવે. તમારા ગામમાં આવીને મેં તમારી પરવાનગી વગર અને ન્યાય જોયા વગર ખૂન કરી નાંખ્યું. " બેયના હાથ સામ-સામા જોડાઈ ગયા. એ હાથ પણ ધ્રૂજતાં હતા.
" ભીખુ, તમારા ગામની ઝમકુને હું ન્યાય નૉ આપી હકયો ઇનો અફસોસ હજુ પણ મને રાતે ઊંઘવા નથી દેતો. તું તારી રીતે હાચો હતો. હું જ ખોટી નીતિ ગામમાં હાંકતો હતો. ગામમાં મારી કોઇ આબરૂ નહોતી એ તો દેવલ આવી પસી મને ખ્યાલ આયો. બને તો હમીરને પણ કે'જે કે મને માફ કરી દે. " એ દીવાના અંજવાળામાં બે મણસોનો ડાયરો જામ્યો હતો. બેયના મન આજ પસ્તાવાના પાણીમાં નાહી રહ્યા હતા. દીવાનો એ પ્રકાશ બેય માણસના ધોળાં થઈ ગયેલા દાઢી-મૂછના કાતરને ચાંદી સરીખા કરી રહ્યા હતા. અને આછા-આછા આવેલા આંખના આંસુ ચહેરાની રોનકમાં વધારો કરતા હતા. બેય બુઢ્ઢા માણસના માથા રાતના અંધકાર અને કહુંબાના કેફમાં ઊંઘવા લાગ્યા અને આંખો ઘેરાઈ ગઈ.

એક ઓશિયાળો દીવો દેવલના ઓરડામાં ઝળહળતો હતો. દેવલનું હૈયું આજે બે ભાગમાં વહેંચાયેલું હતું . હ્રદયનો એક ભાગ આનંદથી છલકાયેલો હતો. જેમાં હમીરભાનો પ્રેમ અને નટખટ દેવલ દેખાતી હતી. જ્યારે બીજો ભાગ પતિના પ્રેમના વિયોગમાં દિવસો કેવી રીતે નીકળશે એનો વલોપાત હતો. આ વિચારો ચાલતા જ હતા ત્યાં સમશેરસિંહ આવી ગયા. એક સુખી દામ્પત્યજીવનની શરૂઆતને આજે સાત દિવસ થયા હતા પણ જાણે જન્મોના સંબંધ હોય એમ બેયને આજે આવતી કાલની વાતથી વસમું લાગતું હતું. પણ આ વિયોગ ક્યાં ચૌદ વર્ષનો છે.... ખાલી સાત દિવસનો જ છે .. એ વિચારે એક બીજાના મન મનાવી લીધા અને મીઠી વાતો સાથે મીઠી ઊંઘને આવકાર આપ્યો.

પરોઢ થયું ત્યાં તો દેવલ, ભીખુભા અને ઘરના બધા સભ્યો તૈયાર થઈ ગયા. એનું કારણ પણ એ જ હતું કે જો ભીખુભા દેવલને લઈને વહેલા નીકળે તો જ સાંજ પહેલા સેજકપર પહોંચી શકે. વધુ મોડું કર્યા વગર જ સરસ્વતીએ ભીખુભા અને ભાભી દેવલને ચાંદલો કરીને જલદી પાછા આવવા કહ્યું. કાશીબાએ દેવલને આશીર્વાદ આપ્યા અને ભીખુભા કરણુભાને મળ્યા. દેવલ બગીમાં બેસી ગઈ. ભીખુભાએ બધાને હાથ ઊંચો કરીને ઘોડાને ચાબુક મારી દીધી.

ક્રમશ: ...
લેખક: અરવિંદ ગોહિલ