ત્રણ વિકલ્પ - 38 in Gujarati Novel Episodes by Dr Hina Darji books and stories Free | ત્રણ વિકલ્પ - 38

ત્રણ વિકલ્પ - 38

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૩૮

 

ઘરમાં આવેલી સ્ત્રીને જોઈ હર્ષદરાય સુન્ન થઈને ઉભા હતા.  

અજાણી સ્ત્રી ફરી બોલે છે: “હા હર્ષદ...  તું ખરેખર મહામૂર્ખ છે.”  હર્ષદરાય મીણનાં પૂતળાની જેમ એક જગ્યાએ સ્થિર થઈ ઊભા રહે છે.   બન્ને આંખો ચોળીને જુએ છે કે જે દ્રશ્ય દેખાય છે તે સાચું છે કે સપનું છે?  તેમને વિશ્વાસ નથી આવતો.  પોતાની આંખે જોયેલા દ્રશ્યમાં શંકા થાય છે.  જે જુએ છે તે સાચું છે એ પૂરી ખાતરી કર્યા પછી પણ, એમને માન્યામાં નથી આવતું કે સામે જે સ્ત્રી ઊભી છે તે કામિની છે. હર્ષદરાયના ગળામાં એમના શબ્દો રહી જાય છે ‘કામિની તું અહીંયા કેવી રીતે!!!’.  

કામિનીને હર્ષદભાઈની સામે ઉભી રાખી સુહાસિની બોલે છે: “મહામૂર્ખ હર્ષદરાય...   આ કામિની છે...  તમે કોઈ દિવસ ઓળખાણ કરાવી નથી...  પણ હું જાણું છું કે આ કામિની છે...  કામિની આપણાં લગ્નમાં આવી હતી...  અનુપ અને માધવના જન્મ પછી એમની ખબર પૂછવા આવી હતી...  બા અને બાપુજીના બેસણામાં પણ આવી હતી...”

આજે સુહાસિની કોઈ બીક વગર બોલતી હતી.  હર્ષદરાયની નજર કામિનીના ચહેરા પરથી હટતી નહોતી.  કામિનીનાં ચહેરા પર ગુસ્સો હોય છે.  કોઈ દિવસ કામિનીનાં ચહેરા પર હર્ષદરાયે આટલો ગુસ્સો જોયો ન હતો.  આજે વર્ષો પછી જે સ્ત્રીનો ચહેરો જોયો છે એ પોતાની તરફ આટલા બધા ગુસ્સામાં જુએ છે એ હર્ષદરાયથી સહન થતું નથી.  ઉપરથી સુહાસિની પણ આજે વિપરીત વર્તન કરતી હતી.

સુહાસિની: “લગ્ન થયા ત્યારથી હું તમને હંમેશા એક સવાલ પૂછતી રહી છું કે, તમે સ્ત્રીઓને આટલી નફરત કેમ કરો છો?  માત્ર એક વખત મારી આગળ કામિનીનું નામ લઇને વાત કરી હોત તો આટલા પાપ કરવાથી બચી ગયા હોત...  આ કામિનીએ તમારા દરેક પ્રસંગમાં હાજરી આપી છે...  સુખમાં, દુઃખમાં દરેક પ્રસંગમાં એ આવી છે...  અનુપના લગ્નમાં પણ આવી હતી અને એના બેસણામાં પણ આવી હતી...  જો મારી ભૂલ નથી થતી તો આજે પણ તમારી તબિયતના સમાચાર સાંભળીને ખબર પૂછવા આવી છે...”

હર્ષદરાય: “સુહાસિની...  ખોટું બોલે છે તું...  કામિની કોઈ દિવસ આવી નથી...  એ આવી હોય તો મને મળી હોય...”  

સુહાસિની બોલે એ પહેલા કામિની બોલે છે: “રહેવા દે સુહાસિની...  હર્ષદને કોઈ વાત સાચી લાગશે નહીં...  આટલા વર્ષોમાં એ તારો કે મારો પ્રેમ સમજી શક્યો નથી...  ભૂલ મારી છે...  હું એવું વિચારતી હતી કે તું તારી દુનિયામાં ખૂબ ખુશ છે...  મને આજે ખબર પડી કે દરેક વખતે હું આવી, પણ તારી નજર મારા પર પડી જ નથી...  હું સમજતી હતી કે તું સ્ત્રીની મન-મર્યાદા સમજે છે, એટલે મારી સાથે વાત નથી કરતો...  પરંતુ તું તો મને નફરત કરે છે...  મારા પરનો બધો ગુસ્સો તેં અનેક સ્ત્રીઓ પર ઉતાર્યો...  હર્ષદ ધિક્કાર છે તને...”

હર્ષદરાય બન્ને સ્ત્રીઓની વાત સાંભળી થીજી ગયા હતા.  પણ કરેલા પાપોની વાત સાંભળવાની બાકી હતી.  કામિનીનું હ્રદય રડતું હતું.  એની અને સુહાસિની બન્નેની આંખોમાંથી અનરાધાર પાણી વહેતું હતું.  ઘરમાં બધા ત્રણેયની વાતો ચૂપચાપ સાંભળતા હતા.

કામિની: “હર્ષદ તેં કેટલા બધા પાપ મારા નામે કર્યા...  કેટલી બધી સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી...  આજે આ હકીકત જાણી મને મારા પોતાના પર નફરત થઇ રહી છે...  એ બધી જ સ્ત્રીઓની હાય મને લાગી છે...  મારા કારણે એ બધી સ્ત્રીઓને અનેક તકલીફ અને દુ:ખ ભોગવવું પડ્યું છે...  હાય રે કિસ્મત...  ભગવાને એની સજા મને કરી છે...  પાંચ વરસના ટૂંકા લગ્નજીવનમાં મારા પતિનું મૃત્યુ થયું...  બે બાળકને પરાણે મજૂરી કરી મોટા કર્યા...  છોકરો ખોટી સંગતમાં ફસાયો, એ અત્યારે જેલની સજા ભોગવે છે...  દીકરી પણ વિધવા થઈ...  એની નાની દીકરી બીમારી સામે લડી રહી છે...  અને આ બધું અનેક સ્ત્રીઓની હાય લાગી એનું પરિણામ છે...”

ઘરમાં માત્ર કામિનીનાં રુદનનો અવાજ આવતો હતો. હર્ષદરાય હજુ પણ આઘાતમાંથી બહાર નહોતા આવ્યા.  શું કરવું તેમને સમજ પડતી નહોતી.  માધવ આવી કામિનીને ખુરશી પર બેસાડે છે.  સેજલ પાણી લઈને આવે છે.  સુહાસિની અને કામિની બન્નેને માધવ પાણી પીવડાવે છે.  હર્ષદરાય આ બધું જ જોઈ રહ્યા હતા.

સુહાસિની: “જોયું તમે...  કેટલી નફરત દિલમાં તમે રાખી હતી...  મારી સાથે પણ એકવાર પ્રેમથી વાત કરી નથી...  બા અને બાપુજી છેલ્લા દિવસોમાં દીકરાની ચિંતા કરી દુઃખી થઈને ગયા...”

માધવ: “પપ્પા તમે હજુ સ્ત્રીઓના પ્રેમને સમજી શક્યા જ નથી...  સ્ત્રીઓને માતા-પિતાનું અને પતિના બન્નેના પરિવારનું ધ્યાન રાખવું પડે છે...”

હર્ષદરાય: “નાનકા...  કામિનીએ છેલ્લી વખત મળવા આવી ત્યારે પાછું વળીને જોયું પણ નહોતું...  એટલે મને એવું લાગ્યું કે સ્ત્રીઓ પ્રેમ કરતી નથી...  છોકરાઓના દિલ સાથે પ્રેમનું નાટક કરે છે...  છોકરાઓના પ્રેમને મજાક સમજે છે...  એમનો મતલબ પૂરો થાય એટલે એકને છોડી બીજાને પકડે છે...”

કામિની: “હર્ષદ...  હા મેં કર્યું હતું એવું...  કારણકે મારી આંખોમાં પણ અનરાધાર આંસુઓ જ હતા...  હું નહોતી ઇચ્છતી કે મારા આંસુઓ જોઈને તને દુઃખ થાય...  એટલા માટે મેં પાછું વળીને નહોતું જોયું...  મેં માતા-પિતાની આબરૂ બચાવવા માટે લગ્ન કર્યા હતા...  પણ જીવનભર તને ભૂલી શકી નહીં...  હું શું...  કોઈપણ સ્ત્રી પોતાનો પહેલો પ્રેમ કદી ભૂલી શકતી નથી...  સુહાસિનીનો પણ પહેલો પ્રેમ હશે...  છતાં જીવનભર તારો પડછાયો બનવાની કોશિશ કરતી રહી...”

સુહાસિની: “હા...  હર્ષદરાય તમે મારો પહેલો પ્રેમ નથી...  મેં પણ મારા પહેલાં પ્રેમને ભૂલી તમારી સાથે લગ્ન હતાં...  તમારી અને અનુપની બળજબરીના લીધે સેજલ પણ પોતાનો પ્રેમ છોડીને આ ઘરમાં આવી છે...”

હકીકત જાણ્યા પછી હર્ષદરાયને પોતાની ઓછી બુધ્ધિ પર શરમ આવે છે.  માણેકરાયના ફોટા સામે જોઈ હાથ જોડે છે.  માધવ ઈશારો કરી નિમિતાને લાવવા માટે કિશનને કહે છે.  નિમિતાનો હાથ પકડી વિદ્યા અંદર આવે છે.  નિમિતાની હાલત જોઈ હર્ષદરાયને દુ:ખ થાય છે.  નિમિતાનો હાથ પકડી માધવ પિતા સામે લાવે છે.

માધવ: “પપ્પા...  જુઓ તમારી આપેલી નફરતે કેવી હાલત કરી છે...”  થોડીવારમાં શુભને લઈ વાસંતી આવે છે: “પપ્પા...  આ શુભ છે...  ભાઈ અને નિમિતાનું સંતાન...” 

હર્ષદરાય: “તને કેવી રીતે ખબર કે આ અનુપનું સંતાન છે?”

કિશન એક કાગળ હર્ષદરાયને આપે છે.  એ કાગળને વાંચી એ એમનો રહ્યો-સહ્યો હોશ ઊડી જાય છે.  એ કાગળમાં અનુપ અને શુભનો DNA રિપોર્ટ હતો.  એમાં બન્ને પિતા-પુત્ર છે એ સાબિતી હતી.

શુભને હાથમાં લઈ માધવ ધીમા પગલે નિમિતા તરફ આવે છે: “પપ્પા તમારે જોવું છે...  બળાત્કારની કારમી યાદો એક મા અને દીકરા વચ્ચે કેવી નફરત ઊભી કરે છે...  એક માએ પોતાના દીકરાને કોઈ દિવસ હાથમાં લીધો નથી...  આ માસૂમ બાળક મા અને બાપ બન્નેનાં પ્રેમથી વંચિત રહ્યું છે...”

શુભને જોઈ નિમિતાનાં શરીરમાં કંપન શરૂ થાય છે.  એની આંખોમાંથી અગનજ્વાળા નીકળે છે.  હંમેશા સ્થિર રહેતી નિમિતા અચાનક જાતે શુભને મારવા માથે છે.  શુભને લેવા નિયતિ આગળ આવે છે તો માધવ એને રોકે છે: “નિમિતા...  જો આ તારું બાળક છે...  તેં એને જન્મ આપ્યો છે...  તને નથી ગમતો ને તારો છોકરો...  લે આજે તું એને જેટલો મારવો હોય એટલો મારી શકે છે...” 

નિમિતા ધીરે ધીરે શુભ તરફ આગળ આવતી હતી.  સામે શુભ પણ રડતો રડતો નિમિતા તરફ નાના-નાના ડગલાં ભરતો હતો.  બધાને બીક લાગે છે જો નિમિતા બાળકને પકડી લેશે તો ચોક્કસ એને મારશે.  પણ માધવ બધાને રોકી રાખે છે અને નિમિતાને ઉકસાવતો રહે છે.  જેવા એ બન્ને નજીક આવે છે.  શુભ બન્ને હાથ ઊંચા કરી નિમિતા સામે જોઈ રડવા લાગે છે.  નિમિતા તાકાત ભેગી કરી શુભને એક હાથથી ધક્કો મારે છે.  શુભ ફરી ઊભો થઈ નિમિતા પાસે આવે છે.  નિમિતા ફરી એવું કરે છે.  શુભ તો પણ પોતાની મા પાસે આવે છે.  રડતો રડતો નિમિતાનાં પગ પકડી લે છે.  આ રીતે મા અને દીકરા વચ્ચે પાંચથી છ વખત પ્રેમ અને નફરતનો અનોખો બનાવ બને છે.  શુભને સતત રડતો જોઈ નિમિતાનો ગુસ્સો શાંત થાય છે એ નીચે બેસી જાય છે.  શુભ એને વળગી પડે છે.  નિમિતા પોતાના દીકરાને વળગી રડવા લાગે છે.  થોડીવાર બન્ને એકબીજાને ભેટી રડતાં રહે છે.  એક માનો આત્મા સજીવ થાય છે.  નિમિતા પોતાના દીકરાને વ્હાલથી ચુંબન કરવા લાગે છે.  બધાની આંખોમાં આ દ્રશ્ય જોઈ હરખના આંસુ આવે છે.  માધાવે મા અને દીકરાને ભેગા કરી કમાલ કરી હતી. 

માધવ: “પપ્પા...  હવે તમારે નિમિતાનો પ્રેમ ભરેલો ગુસ્સો જોવો છે?”  માધવ દીવાલ પરથી અનુપનો ફોટો ઉતારી નિમિતાની બાજુમાં લાવી મૂકે છે.  દરેક લોકો માધવની હરકત જોઈ વિચારે છે હવે એ શું કમાલ કરવાનો છે.  બધા કશું વિચારે એ પહેલા નિમિતાની નજર અનુપના ફોટા પર પડે છે.  એ શુભને નીચે ઉતારી ફોટો નજીક ખેંચે છે.  બન્ને હાથથી ફોટો ઉપર લઈ ધડામથી નીચે ફેંકે છે.  ફોટાના કાચના ટુકડા આજુબાજુ પડે છે.  નિમિતા તો પણ ફોટાને ઉપરથી નીચે પછાડતી રહે છે.  કોઈ એને રોકતું નથી.  ફોટાની ફ્રેમ તૂટી જાય છે એટલે ફોટો એના હાથમાં આવે છે.  એ ફોટાને નીચે મૂકી એને હાથથી મુક્કી મારવાનું શરૂ કરે છે.  હાથમાં કાચ વાગે છે છતાં એ રોકાતી નથી.  એનો બધો ગુસ્સો ફોટા પર કાઢી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.  મોટેથી ‘અનુપ’ બોલી ફરી રડવા લાગે છે.  આ જોઈ હર્ષદરાયનું પથ્થર બની ગયેલું હ્રદય પણ રડી ઊઠે છે.  એ નિમિતા પાસે જઈ નીચે બેસી હાથ જોડે છે.  શુભ એક હાથ એમના તરફ લંબાવે છે.  હર્ષદરાય પણ પોતાના પૌત્રને હાથમાં લઈ લે છે એ વખતે એમની આંખોમાં પર ચોધાર આંસુ વહેવા લાગે છે.

હર્ષદરાય: “નાનકા તું સાચું કહે છે...  આજે મારી આંખ ખૂલી ગઈ...  નફરત સામે પ્રેમ દેખાતો નથી...  મેં મારા જીવનના અમૂલ્ય વર્ષ સ્ત્રીઓને રંજાડવામાં કાઢ્યા...  મારા પાપનું ફળ કેટલા પરિવારને ભોગવવું પડયું...  અનુપને પણ નફરત આપી અને એના મોતનું કારણ હું બન્યો...  હું તમારા બધાની માફી માંગુ છું...  પણ મારા અનુપ પાસે માફી કેવી રીતે માંગીશ...  નાનકા મારા અનુપની માફી માંગવાનો રસ્તો દેખાડ મને...  બધી સ્ત્રીઓની માફી કેવી રીતે માંગીશ?  એ પણ બતાવ...”

હર્ષદરાયના ખભા પર હાથ મૂકી સુહાસિની બોલે છે: “કર્મોની માફી જાતે માંગવી પડે છે હર્ષદરાય...  કામિનીની માફી માંગી શરૂઆત કરો...  હું તમારી સાથે છું...”

 

ક્રમશ:

Rate & Review

Bhakti Makwana

Bhakti Makwana 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

jinal parekh

jinal parekh 5 months ago

Himanshu P

Himanshu P 7 months ago

Harsh Parmar

Harsh Parmar 10 months ago