My Better Half - 21 (Last Part) books and stories free download online pdf in Gujarati

My Better Half - 21 (Last Part)

My Better Half

Part - 21 (Last Part)

Story By Mer Mehul

(વર્તમાન)

“મી. વઘાસિયા…” ડૉક્ટર ફરી આવ્યાં. હું પુરી આશા સાથે ઉભો થઇ ગયો, મનમાં દીકરી જન્મી હોય એવી હું પ્રાર્થના કરતો હતો.

“મારી સાથે આવો…” ડૉક્ટરે કહ્યું.

“શું થયું ડૉક્ટર ?” હું ગભરાઈ ગયો, “બધું ઠીક છે ને ?”

“મારી સાથે તો આવો મી. વઘાસિયા…” કહેતાં તેઓ પોતાનાં કેબિન તરફ ચાલ્યાં. હું તેઓની પાછળ કેબિનમાં ગયો.

“બેસો…” મને બેસવા ઈશારો કરીને તેઓએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

“મને જવાબ આપશો પહેલા..” મેં બેઠક લેતાં પૂછ્યું.

“લૂક મી. વઘાસિયા, તમારી વાઈફની કન્ડિશન ક્રિટિકલ છે. અમે નોર્મલ ડિલિવરી કરવાની પુરી કોશિશ કરીએ છીએ પણ યોનિમાર્ગ ખુલતો જ નથી. મેં ઇન્જેક્શન આપ્યું છે, અમે થોડીવાર રાહ જોઈએ છીએ; જો સફળતા ન મળી તો સિઝેરિયન ડિલિવરી કરવી પડશે” ડૉક્ટરે કહ્યું.

મને ધ્રાસકો પડ્યો. હું રીતસરનો ચક્કર ખાઇ ગયો. હું ગબડીને નીચે ના પડી જાઉં એ હેતુથી મેં ખુરશીનો કસીને જકડી રાખી.

“ડો…ડો..ડોક્ટર…” હું હકલાયો, “મારી વાઇફને તો….”

“ડોન્ટ બી પેનિક મી. વઘાસિયા… ઘણાં કિસ્સોઓમાં સ્ત્રીનું બ્લડ પ્રેશર વધી જાય, ટ્વીન્સ બાળક હોય અથવા એબ્સટ્રેકટેડ લેબરની પ્રોબ્લેમ હોય તો સિઝેરિયન ડિલિવરી કરવી પડે છે. તમારી વાઈફનું હાલનું બ્લડ પ્રેશર નોર્મલ છે..અમે નોર્મલ ડિલિવરી માટે અમારી પુરી કોશિશ કરીએ છીએ…” કહેતાં ડૉક્ટરે ટેબલનાં ડ્રોવરમાંથી એક કાગળ કાઢ્યો અને મારા તરડ ધર્યો, “તમે આનાં પર સિગ્નેચર કરી આપો”

મેં કાગળ હાથમાં લીધો અને ઉતાવળથી વાંચ્યો, એ પરમિશન લેટર હતો. પ્રસ્તુતિ દરમિયાન માતા કે બાળકને કોઈ પ્રોબ્લેમ થાય તો તેની જવાબદારી ડોકટર તથા હોસ્પિટલની નથી રહેતી. મેં ઝડપથી સિગ્નેચર કર્યા.

“તમે બહાર વેઇટ કરો…જરુર પડશે તો તમને બોલાવીશું” ડૉકટર ઉભા થઈને જતાં રહ્યાં. હું નિરાશ થઈ, થાકેલાં પગે લોબીમાં આવ્યો.

“બધું ઠીક છે ને મી. વઘાસિયા ?” મી. પારેખે પૂછ્યું.

મેં તેઓને પુરી ઘટનાથી વાકેફ કર્યા.

“ડોન્ટ વરી…આ વાત તો નોર્મલ છે..” મી. પારેખે મને સાંત્વનાં આપી.

એક મિનિટ સુધી અમે બંને મૌન બેસી રહ્યાં.

“તમારી સ્ટૉરી સાંભળવા મારે તમારા ઘરે આવવું પડશે કે તમે અહીં જ પુરી કરવા ઈચ્છો ?” મી. પારેખે સહેજ અચકાઈને પૂછ્યું.

મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું.

“તમે હસો છો મતલબ…અંદર તમારી વાઈફ છે એ મિસિસ. અંજલી હશે એવું અનુમાન હું લગાવી શકું છું”

મેં હકારમાં માથું ધુણાવ્યું અને પોતાની વાત આગળ ધપાવી. આમ પણ ડૉક્ટર ન આવે ત્યાં સુધી રાહ જોયા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો.

“આપણે ક્યાં પહોંચ્યા હતાં ?” મેં પૂછ્યું.

“તમે લગ્ન મંડપમાં બેઠાં હતાં. તમે બધી વિધિ યંત્રવત પુરી કરી હતી અને બધા તમને ગીફ્ટ આપી રહ્યા હતાં. ત્યારે કોઈ છોકરીએ તમને અવાજ આપ્યો હતો”

“હા.. યાદ આવ્યું” મેં કહ્યું, “એ પણ ત્યાં ઊભા હતાં એ બધાં લોકો માટે હેરાન કરનારી હતી. ‘મારું ગિફ્ટ બાકી છે અનિરુદ્ધ….’ કોઈ છોકરી મોટા અવાજે બોલી. સૌનું ધ્યાન એ છોકરી પર ગયું, મારું પણ…એ છોકરીને જોઈને મમ્મી-પપ્પાની તથા અંકલ-આંટીની આંખો ફાટી ગઈ. સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું. મારાં આશ્ચર્યનો પણ પાર નહોતો રહ્યો…

એ વૈભવી હતી. તેનાં ચહેરા પર મોટી સ્માઈલ હતી, હાથમાં એક ગિફ્ટ પેકેટ હતું. સૌ તેને આશ્ચર્યભરી નજરે જોઈ રહ્યા હતા. અંકલ-આંટી ઊભા થઈ ગયાં. મમ્મી-પપ્પા પણ.

વૈભવી સામે ઉભી હતી તો મારી બાજુમાં કોણ બેઠું હતું ?, હું કોઈ ફિલ્મ જોઈ રહ્યો હતો ???, ના…હું કોઈ ફિલ્મ નહોતો જોતો. મારી લાઈફમાં બધું સાક્ષાત, મારી નજર સામે બની રહ્યું હતું. મેં એક પળનો વિલંબ કર્યા વિના બાજુમાં બેસેલી છોકરીનો ઘૂંઘટ ખેંચી લીધો. બીજો ધમાકો થયો…એ અંજલી હતી. તેનાં ચહેરા પર પણ મોટી સ્માઈલ હતી. હવે મારા ચહેરા પર સ્માઈલ ન આવે એવું તો બને જ નહીં. મેં મારી નજર સામે મિરેકલ જોયો હતો. આ બધું કેવી રીતે થયું, વૈભવી બેડ ગર્લમાંથી ગુડ ગર્લ કેવી રીતે બની એ જાણવું મારાં માટે સ્થૂળ હતું, વ્યર્થ હતું. જેનાં કારણે છેલ્લાં એક અઠવાડિયાથી હું હેરાન-પરેશાન થઈ ગયો હતો એ અંજલી કોઈ જાદુગર જાદુની ખાલી પેટીમાંથી છોકરીને લાવી આપે છે એમ અત્યારે અંજલી પ્રગટ થઈ ગઈ હતી.

“આ બધું કેવી રીતે થયું ?” મેં અંજલીને પૂછ્યું.

“થોડીવાર રાહ જો…બધી ખબર પડી જશે” અંજલીએ કહ્યું.

વૈભવી મારી નજીક આવી, તેણે મારા હાથમાં ગિફ્ટનું પેકેટ રાખ્યું. હું તો આંખો ફાડીને તેને તાંકી જ રહ્યો હતો.

“બે મિનિટ માટે બાજુમાં આવીશ…” વૈભવીએ મારા કાન પાસે આવીને કહ્યું. મેં અંજલી તરફ જોયું. તેણે મને જવા ઈશારો કર્યો.

“અંજલી, તું પણ સાથે આવ…” વૈભવીએ કહ્યું. અમે બંને ઉભા થયા. વૈભવી આગળ ચાલી, અમે બંને તેની પાછળ એક રૂમમાં ગયાં.

“સૉરી…” વૈભવીએ કહ્યું, “તને પામવાની ઘેલછામાં હું આંધળી થઈ ગઈ હતી…હું ભૂલી ગઈ હતી કે પતિ-પત્ની માત્ર સામાજિક સંબંધથી નહિ પણ દિલથી દિલનાં સંબંધથી બનાય છે”

“આ બધું કેવી રીતે થયું ?” મેં પૂછ્યું.

“તને યાદ છે, અંજલીના મમ્મીનાં મૃત્યુ સમયે તે મારી મુલાકાત અંજલી સાથે કરાવી હતી. એ દિવસથી જ મને તારા પર શંકા થઈ ગઈ હતી. ત્યારબાદ મેં તારી જાસૂસી કરી હતી, તમે લોકો ક્યાં મલતા, શું વાતો કરતાં તેની બધી જ જાણકારી હું મેળવતી હતી. અંજલી જ્યારે પોતાની ફીલિંગ્સ તને કહી ત્યારે હું ડરી ગઈ હતી. ત્યારે આપણે લગ્ન માટે હા નહોતી કરી એટલે તું ના પાડીશ એમ વિચારીને મેં અંજલીને મળવા બોલાવી અને તેને બેઇજત કરીને ધમકાવી.

મને ખબર હતી તું અંજલી સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે. તું મારા ફોન કૉલ રિસીવ ના કરતો અને તારા બદલી ગયેલા વર્તને મારી વાતની ખાતરી આપી હતી. તું લગ્ન માટે ના જ કહેવાનો હતો પણ મેં તને મેન્યુપ્લેટ કર્યો હતો. ત્યારબાદ પણ મને લગ્નની ખાતરી નહોતી એટલે મેં બધી વાત તારી મમ્મીને જણાવી દીધી અને અંજલી વિશે ખરાબ વાતો કરીને તેઓને મેન્યુપ્લેટ કર્યા. આંટી મારી વાતોમાં ફસાય ગયા એટલે મને આપણાં લગ્નની ખાતરી થઈ ગઈ હતી.

તે લગ્ન માટે હા તો કરી દીધી હતી પણ બનવાજોગ હતું કે પાછળથી ના પણ કહી શકે. એટલે જ આંટી સાથે વાત કરીને મેં વહેલી તકે લગ્ન કરી લેવાની સલાહ આપી. તું આ વાત જાણીને અંજલીને મળીશ એ મને ખબર હતી, એટલે જ મેં અંજલી સાથે તારો સંપર્ક તોડવા અંજલીને તારાથી દૂર કરી દીધી”

હું કોઈ નવલકથા વાંચી રહ્યો હતો ?, વૈભવી મને ફ્લેશબેકમાં લઈ જઈને બધી વાતો કહેતી હતી. એ નવલકથા વાંચવામાં રસ ધરાવતી હતી હું નહિ. તેણે આવું શા માટે કર્યું એ તો મને સમજાય રહ્યું હતું પણ છેલ્લી ઘડીએ તેનો વિચાર શા માટે બદલાઈ ગયો ?

“તું તારા મનસૂબામાં સફળ થતી હતી તો અંજલીને કેમ તારી જગ્યાએ બેસારી દીધી… ?” મેં કુતુહલવશ પૂછ્યું.

“એનું કારણ પણ તું જ છે અનિરુદ્ધ…” વૈભવીએ ગંભીર થતાં કહ્યું, “હું જે અનિરુદ્ધને મળી હતી એ તું રહ્યો જ નહોતો. છેલ્લાં પંદર દિવસમાં તું હદ બહારનો બદલાય ગયો હતો. મારે પહેલો અનિરુદ્ધ જોઈતો હતો અને ગઈ કાલે ઘણું બધું વિચાર્યા પછી મને માલુમ પડ્યું હતું કે મેં જે ષડ્યંત્ર રચ્યું છે તેનાં દ્વારા એ અનિરુદ્ધને તો હું ક્યારનીય ખોઈ ચુકી છું. હું ધારેત તો તારી સાથે લગ્ન પણ કરી શકેત, કદાચ થોડા વર્ષો પછી આપણે સામાન્ય પતિ-પત્નીની જેમ રહેવા પણ લાગેત…પણ પહેલીવાર મેં તારા સ્વભાવનું અમલીકરણ કર્યું, આંખો બંધ કરી અને દિલની વાત સાંભળી.

બેશક, હું તને પ્રેમ કરું છું…પણ તને દુઃખી કરીને પોતાનો પ્રેમ મેળવવો એ યોગ્ય વાત તો ના જ કહેવાય ને..!, તને હાંસિલ કરીને તારી નજરોમાં પડી જવું એનાં કરતાં તને તારી અંજલી સોંપીને હંમેશા તારા દિલમાં એક ખૂણો શોધી લેવો મને યોગ્ય લાગ્યું. એટલે જ વહેલી સવારે મેં અંજલીને બોલાવી લીધી અને મારી જગ્યાએ એને બેસારી દીધી. તને સરપ્રાઈઝ આપવું હતું એટલે અમે તારાથી આ વાત છુપાવી હતી”

વૈભવીએ વાત પૂરી કરી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. એ શું મહેસ કરતી હતી એ હું સમજી શકતો હતો. એકરીતે તેની હાલતનો હું જ ગુન્હેગાર હતો.

“અંજલી…” વૈભવી અંજલી તરફ ફરી, તેણીએ અમારા બંનેના હાથ પોતાનાં હાથમાં લીધાં અને મેળવી દીધાં, “આજથી હું અનિરુદ્ધને તને સોંપુ છું, મને ખબર છે તું એને હંમેશા ખુશ જ રાખીશ તો પણ એક સલાહ આપું છું, અનિરુદ્ધને કોઈ ડેર ના આપતી…ડેર પૂરું કરવામાં એ માહિર છે..તમે બંને હનીમૂન માટે માઉન્ટ આબુ જ જજો…અનિરુદ્ધને સનસેટ પોઇન્ટ પર તારી સાથે સેલ્ફી લેવાની છે…”

વૈભવી ભાવુક થતી જતી હતી. મારાથી તેની આ હાલત નહોતી જોઈ શકાતી. મેં તેનો હાથ ઝાલ્યો અને પોતાનાં તરફ ખેંચી. એ ગળે લાગીને રડવા લાગી. હું પણ.

“સૉરી.. વૈભવી…” મેં રડતાં રડતાં કહ્યું, “મેં તને ઘણું બધું ન કહેવાનું કહી દીધું છે.. તારી આ પરિસ્થિતિનો જવાબદાર પણ હું જ છું…હું તને પ્રોમિસ આપું છું…તારા માટે હંમેશા મારાં દિલમાં જગ્યા રહેશે અને તેને કોઈ પણ છીનવી નહિ શકે..કોઈ પણ…”

થોડીવાર અમે એ જ પરિસ્થિતિમાં રહ્યાં, ત્યારબાદ છુટા પડતાં વૈભવીએ કહ્યું, “બની શકે તો મારી એક ઈચ્છા પૂરી કરશો…તમારી બેબીનું નામ વૈભવી રાખજો…એને કહેજો કે એક આંટી હતાં.. જેણે અમને ખૂબ જ હેરાન કર્યા હતા પણ પાછળથી તેણે જ અમને મેળવ્યા હતાં”

“ચોક્ક્સ…” હું અને અંજલી એક સાથે બોલ્યા..

“ચાલો..ચાલો.. હવે આગળની વિધિ માટે તમારી રાહ જોવાય છે…બહારનો માહોલ.હું સંભાળી લઈશ..તમે ચિંતા ના કરતાં” વૈભવીએ કહ્યું. અમે ત્રણેય બહાર નીકળ્યાં.

વૈભવી સીધી મમ્મી પાસે ગઇ. મમ્મી સાથે તેણે થોડી વાતો કરી અને પછી તેઓને ગળે વળગી ગઈ. મમ્મીએ તેનાં માથે હાથ રાખ્યો અને તેને સાંત્વના આપી. પપ્પા અને અંકલને પણ પુરી ઘટનાઓથી વાકેફ કરવામાં આવ્યા. અંકલે ત્યારે જે જવાબ આપ્યો એ સાંભળીને અંકલ માટે મારાં દિલમાં માન વધી ગયું. અંકલે કહ્યું,

“આજથી મારે બે નહિ….ત્રણ દીકરીઓ છે..અંજલીને હું આજથી પોતાની દીકરી માનું છું અને એક માતા-પિતા તરીકે જેટલી રસમ અદા કરવી પડે એ માટે હું તૈયાર છું’

ત્યારબાદનું વાતાવરણ તો હું વર્ણવી ન શકું એટલું બદલાઈ ગયું હતું. હું બધા સાથે હસી હસીને વાતો કરતો હતો. મમ્મીએ પણ મારી પાસે આવીને માફી માંગી હતી. મેં જવાબમાં ‘તુમ ભી ક્યાં યાદ રખોગી મમ્મી…જાઓ તુમ્હે માફ કિયા…’ નો ડાયલોગ મારીને મમ્મીને હસાવી દીધાં. પપ્પાએ મારી પાસે આવીને મારી પીઠ થાબડી. તેઓની આબરૂ માટે હું મોટું બલિદાન આપવા પણ તૈયાર થઈ ગયો હતો એ વાત જાણીને તેઓ ગદગદ થઈ ગયાં હતાં. ભાભી તો આજે ફુલાયા નહોતાં સમાતા. દાદુ-દાદી પણ ખુશ હતાં અને મોટાભાઈ પણ.

ટૂંકમાં કાર્ડિયોગ્રામની જેમ ઉપર-નીચે થતી મારા લગ્નની સ્ટૉરી સ્થિર થઇ હતી અને મને મારી ‘Better Half' મળી ગઈ હતી.

*

(વર્તમાન)

“સ્ટૉરી તો રસપ્રદ રહી..પણ થોડી વાતો મને ના સમજાય મી. વઘાસીયા..” મી. પારેખે કહ્યું, “તમે વૈભવી સાથે બધી મુલાકાતો કરી, તેની સાથે લગ્ન જીવનનાં સપનાં જોયા અને માત્ર અંજલીએ પોતાની ફીલિંગ્સ કહી ત્યાં તમારા વિચારો અને વર્તન આટલું બધું કેવી રીતે બદલાય ગયું ?”

“તમે ડેસ્ટિનીમાં બિલિવ કરો છો મી. પારેખ ?” મેં પૂછ્યું.

“જી બિલકુલ…જ્યારે કોઈ એવી ઘટના બને ત્યારે બધા જ બિલિવ કરે છે” તેઓએ જવાબ આપ્યો.

“તો ધ્યાનથી સાંભળજો.., મારા મતે કહું તો વૈભવીને મળવું મારા માટે અંજલી સુધી પહોંચવાનો એક રસ્તો હતો. હું લગ્ન માટે પહેલેથી તૈયાર નહોતો. મેં અગાઉ જણાવ્યું હતું એ મુજબ મારે લગ્ન પછી સ્વભાવની જાણ થાય એવી પત્ની નહોતી જોઈતી. વૈભવીનાં કિસ્સામાં એક ડિલ હતી. તમને જાણ હોય તો આપણે કોઈ ડિલ કરીએ ત્યારે કામ પૂરું થાય ત્યાં સુધી બધી વાતોમાં હા જ રાખીએ છીએ. નેતાઓ ચૂંટણી પહેલા જેમ બધા વાયદા કરે છે અને નિભાવશે જ એવી બાંહેધરી આપે છે, એવી જ રીતે મને અને વૈભવીને ખબર હતી કે અમારે બંનેને લગ્નજીવનમાં જોડાવવાનું છે, માટે અમે બંને એકબીજાને સારું લાગે એવું વર્તન કરતાં. હું વૈભવી વિશે ખરાબ નથી કહેતો પણ અમને મંજિલની ખબર હતી એટલે અમે રસ્તો શોધી રહ્યા હતા. જ્યારે અંજલીનાં કિસ્સામાં.., તેને જાણ હતી જ કે મારી વાત વૈભવી સાથે ચાલે છે, તદુપરાંત અમારા બંનેનાં મતલબ, મારા અને અંજલીનાં સંબંધનું ભવિષ્ય જ નહોતું તો પણ તેણે નિખાલસતાથી પોતાની લાગણી કહી હતી.

તેની વાત પરથી હું એકવાત સમજી ગયો હતો, શરીર મળવાથી કે ચુંબન થવાથી પ્રેમ નથી થતો.બેશક, વૈભવી સાથે હું ફિઝિકલ થયો હતો (સેક્સ નહીં !), પણ એ માત્ર આવેગ કહી શકાય. પ્રેમ નહિ”

“તમને ખોટું ના લાગે તો એક વાત કહું મી. વઘાસિયા” મી. પારેખે પૂછ્યું.

“બેજીજક કહો.. મને ખોટું નહિ લાગે” મેં હળવું હસીને કહ્યું.

“વૈભવી પણ અંજલી જેટલો જ તમને પ્રેમ કરતી હતી, કદાચ તેનાથી વધુ પણ..” તેઓએ રહસ્યમય વાત શરૂ કરી, “પણ તમારી બંનેની ભૂલ એક જ જગ્યાએ થઈ…તમે જે લગ્ન માટે હા પાડતાં પહેલાં જે એક મહિનાનો સમય માંગ્યોને ત્યાં…તમે લોકોએ પ્રેમ થશે કે નહીં એ જાણવા માટે સમય માંગ્યો હતો અને તમે જ કહ્યું હતું…પ્રેમ થવાનાં કોઈ એંધાણ નથી હોતાં”

“તમારી વાત સાચી છે મી. પારેખ…મને પણ પોતાની એ ભૂલ સમજાઈ રહી છે…” મેં અફસોસ સાથે કહ્યું.

“હજી એક સવાલ મને હેરાન કરે છે મી. વઘાસિયા, તમે તમારાં મિત્ર સચિનને મળ્યા હતા ત્યારે તેણે કહ્યું હતું કે તેને ખબર પડી ગઈ છે કે તમે કોને પસંદ કરવાનાં છો… તમે લગ્ન પછી એની સાથે આ વાત પર કોઈ ચર્ચા કરી હતી કે નહીં ?”

“હા..અમે લોકો સાથે માઉન્ટ આબુ ગયા હતાં.. ત્યાં અમારી વચ્ચે આ વાતને લઈને ચર્ચા થઈ હતી..સચિનનાં જણાવ્યા અનુસાર તેણે જ્યારે ‘વૈભવી’નું નામ લીધું હતું ત્યારે મારા ચહેરા પરનાં ભાવ હતાને એવા જ રહ્યા હતાં પણ જ્યારે તેણે ‘અંજલી’નું નામ લીધું ત્યારે ચહેરાનાં ભાવ બદલાયા હતાં. જો કે હું તેની વાતને સાર્થક નથી માનતો…કારણ કે હું ત્યારે દુવિધામાં હતો. અંજલી સાથે જ લગ્ન કરવા એવો નિર્ણય મેં નહોતો લીધો. પણ તેણે મને પ્રૂફ આપ્યું હતું કે હું અંજલી.સાથે જ લગ્ન કરીશ એની જાણ તેને થઈ ગઈ હતી”

“એ પ્રૂફ શું હતું મી. વઘાસિયા ?”

“વોટ્સએપ ચેટ…” મેં કહ્યું, “તે દિવસે રાત્રે તેણે તેની ફિયાન્સે સાથે ચેટમાં વાત કરી હતી અને હું અંજલી સાથે જ લગ્ન કરીશ એવું જણાવ્યું હતું. મેં બંનેના વોટ્સએપ ક્રોસ વેરીફાઇ કર્યા હતાં. સચિન સાચું કહી રહ્યો હતો” મેં કહ્યું.

મી. પારેખ મારી સામે સ્મિતભરી નજરે જોઈ રહ્યાં હતાં.

“એક્સ્ક્યુઝ મી, મી. વઘાસિયા” એક નર્સ દોડીને આવી, “તમે જલ્દી ચાલો..તમારી વાઇફને તમારી જરૂર છે”

હું ઉભો થયો, દોડ્યો અને પ્રસ્તુતિ વિભાગમાં ઘુસી ગયો.

“મી.વઘાસિયા, તમારી વાઇફને મેન્ટલી સપોર્ટની જરૂર છે..તમે તેને થોડી હિંમત આપશો તો વાત બની જશે” ડૉક્ટરે કહ્યું.

હું અંજલી પાસે ગયો. તેનો હાથ પોતાનાં હાથમાં લઈને મેં તેનાં કપાળ પર ચુંબન કર્યું.

“અંજલી…” મેં ધીમેથી તેનાં કાનમાં કહ્યું, “આઈ લવ યુ…”

“આપણે વૈભવીને પ્રોમિસ આપેલું છે…તે આ સમય માટે નવ મહિના તપસ્યા કરી છે…યુ કેન ડુ ઇટ યાર..કમ ઑન.. પુશ…” હું ઉત્સાહપૂર્વક બોલ્યો. અંજલીએ મારો હાથ ખેંચ્યો, મને નજદીક આવવા ઈશારો કર્યો. હું તેની સાવ નજદીક પહોંચી ગયો.

“કિસ જોઈએ છે ?” મેં હળવું હસીને પૂછ્યું. તેણે હકારમાં માથું ધુણાવ્યું. મેં તેનાં હોઠ પર હળવું, સહેજ ગરમ ચુંબન કર્યું. તેણે પોતાનો બીજો હાથ નર્સનાં હાથમાં આપ્યો, એક હાથ મારા હાથમાં જ હતો. તેણે બંને હાથ ઝકડ્યા અને બળ કર્યું.

“યસ..યસ..મિસિસ. વઘાસિયા…યુ કેન ડુ ઇટ…” ડૉક્ટર અંજલીની હિંમત વધારી રહ્યાં હતાં.

“પુશ..અંજલી…” મેં કહ્યું.

અંજલીએ આંખો બંધ કરી દિધી. તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યાં હતાં. બીજીવાર તેણે બળ કર્યું ત્યારે તેણે મોટી ચીસ પાડી.

“યસ..યુ કેન…” મેં કહ્યું. નોર્મલ ડિલિવરી થઈ હતી. ડૉક્ટરે બાળકને ઊંધું કર્યું અને પુંઠા પર હળવી ટાપલી મારી. બાળકનો રડવાનો અવાજ મારા કાને પડ્યો. આપોઆપ મારી આંખો ઊભરાય ગઈ.

“કોંગ્રેચ્યુલેશન, વઘાસિયા ફેમેલીમાં લક્ષ્મીનું આગમન થયું છે” ડૉક્ટરે કહ્યું.

મેં અંજલી તરફ નજર કરી, તેની આંખોમાં તો પહેલીથી જ આંસુ હતાં, પણ ફર્ક એટલો હતો કે પહેલાં દર્દનાં કારણે હતાં અને હવે ખુશીનાં આંસુ હતાં.

“વેઇટ ડૉક્ટર…” એક નર્સ બોલી, “પેટ હજી ફુલાયેલું જ છે, ટ્વિન્સ લાગે છે..”

ડૉક્ટરે બાળકીને નર્સને સોંપી અને તપાસ કરી,

“યસ..યુ આર રાઈટ સિસ્ટર…” ડૉક્ટરે કહ્યું, “ટ્વીન્સ જ છે”

મારી ખુશીનો પાર ના રહ્યો. અંજલી પણ મારી સામે જોઇને હસી રહી હતી. ત્રણ મિનિટ પછી અંજલીએ બીજી બાળકીને જન્મ આપ્યો.

“તમે થોડીવાર બહાર રાહ જુઓ..” ડૉક્ટરે મને કહ્યું. હું દોડીને બહાર આવી ગયો. બહાર મી. પારેખ હજી બેઠા હતાં. મારાં ચહેરા પર ખુશી જોઈને તેઓને અંદાજો તો આવી જ ગયો હતો એટલે તેઓએ ઉભા થઈને પૂછ્યું,

“લક્ષ્મી ?”

“એક નહિ બે…” મેં હસીને કહ્યું.

“અભિનંદન…ખૂબ ખૂબ અભિનંદન…” કહેતાં અમે બંને એકબીજાને ગળે મળ્યાં. મમ્મી-પપ્પાને ફોન કરીને મેં ટ્વિન્સ બાળકી જન્મી એનાં સમાચાર આપ્યાં. તેઓ પણ ખુશ થઈ ગયા. ભાભી પણ ડિલિવરી પર હતાં અને કમનસીબે ભાઈ હાજર નહોતો એટલે મેં જ મમ્મી-પપ્પાને ઘરે રહેવા જણાવ્યું હતું.

થોડીવારમાં તેઓ હોસ્પિટલ પહોંચી ગયા. મમ્મી સીધા અંજલી પાસે ગયાં. પપ્પા આવીને મને ગળે મળ્યાં. થોડીવાર પછી મમ્મી બંને બાળકીઓને લઈને દરવાજે આવ્યાં. હું અને પપ્પા એ બંનેને જોતાં જ રહ્યાં.

“હું અંજલીને મળી શકું ?” મેં પૂછ્યું.

“થોડીવાર રાહ જો…હમણાં તેને બીજા વોર્ડમાં શિફ્ટ કરશે” મમ્મીએ કહ્યું.

અડધી કલાક પછી હું અંજલીનાં બેડની બાજુમાં બેઠો હતો. તેનો એક હાથ મારાં હાથમાં હતો. હું વારંવાર તેનાં હાથને ચૂમી રહ્યો હતો.

“અનિરુદ્ધ…” તેણે ધીમેથી કહ્યું, “આપણે એક બાળકીનું નામ વિચાર્યું હતું…બીજીનું શું રાખીશું ?”

મેં તેનીની આંખોમાં આંખ પરોવી, તેનાં હાથ પર ફરી ચુંબન કરીને કહ્યું,

“વૈભવી અને વૈશાલી…”

(સમાપ્ત)

એક..એક..એક..મિનિટ…આગળ શું થયું એ નથી જાણવું ?,

(ચાર મહિના પછી)

“સાંભળો છો, વૈશાલી રડે છે. છાની રાખો એને” કિલોમીટર દૂર ઊભેલી મારી પત્ની અંજલીનો ધીમો અવાજ મારાં કાને પડ્યો. હું ઊંઘમાં હતો એટલે મેં કોઈ રિસ્પોન્સ ના આપ્યો.

“તમને કહું છું, વૈશાલી રડે છે. છાની રાખો એને. મોડે સુધી સુતા રહો છો, પોતાનું બાળક છે તો પણ કોઈ પરવાહ જ નથી !!!” બીજી વખતે થોડો મોટો અને ચીડ ભર્યો અવાજ મને સંભળાયો.

આંખો ખોલી, બ્લેન્કેટને હટાવી હું બેડ પરથી નીચે ઉતર્યો. મારી નજર સામે એક દીકરી સૂતી હતી અને એક રડી રહી હતી.. હું તેની નજીક ગયો. બંનેનાં ચહેરા એક સરખા જ હતાં. પણ બંનેને ઓળખવામાં અમારે કોઈ ભૂલ નહોતી થતી. વૈશાલી રડી રહી હતી, તેને હાથમાં ઉઠાવી અનેહું બાલ્કની તરફ આગળ વધ્યો. બાલ્કની પાસે આવીને હું હળવું હસ્યો. એ હજી રડતી જ હતી, તેનો અવાજ બરછી લોખંડ સાથે ઘસાય અને તીણો અવાજ ઉત્પન્ન થાય એવો હતો. મારાં કાનને આ અવાજ કોઈ દિવસ પસંદ નથી આવ્યો. મેં તેને ઊંચી કરી અને થોડી હવામાં ઉછાળીને ઝીલી લીધી. એ રડતી બંધ થઈ ગઈ. મારી દીકરી હતી, એમ થોડો બાલ્કની બહાર ફેકું.. હાહા..

*

(એક અઠવાડિયા પછી)

મી. પારેખ તેઓની પત્ની સાથે મારાં ઘરે બેસવા આવ્યાં હતાં. અમે બધા બેસીને વાતો કરી રહ્યાં હતાં.

“મી. વઘાસિયા..” તેઓએ કહ્યું, “મારાં લગ્ન જીવનની સ્ટૉરી પણ તમારી સ્ટૉરી જેવી જ છે..પણ થોડી જુદી છે..”

“રાહ કોની જુઓ છો ?, બીજી ડિલિવરી માટે આપણે મળીએ તેની ?” મેં હસીને કહ્યું, “સમય હોય તો શરૂ કરી જ દ્યો…”

તેઓએ ખોંખારો ખાધો અને ગળું સાફ કર્યું,

“વાત છે આજથી ચાર વર્ષ પહેલાંની….”

To be Continue….

ઉપસંહાર

આ નવલકથાનાં પ્રેરણાનાં સ્ત્રોત એવા મારા પરમ મિત્રનો હું આભાર માનું છું.(નામ આપવાની મનાઇ ફરમાવી છે.) જેઓ લગ્ન માટે ના કહેતા અને પહેલી છોકરી જોઈને જ ‘હા’ પાડી દીધી હતી.

અન્ય નામોમાં ‘વૈભવી, અંજલી, પ્રણવ અને સચિન..’ નામક પાત્રો માટે મેં જુદા જુદા મિત્રોનાં સ્વભાવનું આલેખન કર્યું છે જેનાં નામ અહીં હું રજૂ નથી કરતો, તેઓનો પણ આભાર માનું છું.

ખાસ, દિવ્યેશભાઈ.. મારાં પરમ મિત્ર, જેણે સ્ટોરીનાં ટાઈટલમાં મને મદદ કરી હતી. તેઓનો પણ આભાર માનું છું.

અંતે મારાં વ્હાલા વાંચકો, જેઓ મારી પ્રેરણાનાં મુખ્ય સ્ત્રોત રહ્યાં છે, જેનાં થકી હું અહીં સુધી પહોંચી શક્યો છું..તેઓનો દિલથી આભાર…

નવલકથામાં શબ્દ ભૂલ અથવા જોડણીની ભૂલો રહી ગઈ હોય તો એ બદલ ક્ષમા ચાહું.

નવલકથા કેવી લાગી તેનાં મંતવ્ય અચૂક આપજો.

Contact no. - 9624755226