My Better Half - 20 books and stories free download online pdf in Gujarati

My Better Half - 20

My Better Half

Part - 20

Story By Mer Mehul

“આવી ગઈને તારી ઔકાત ઉપર…બતાવી દિધોનો તારો સાચો રંગ…તે અંજલી વિશે આવું વિચાર્યું છે તો મારા વિશે પણ વિચાર્યું જ હશે ને !, હું પણ કેટલી છોકરી ઉપર સૂતો હોઈશને…કેમ મારી સાથે લગ્ન કરવા છે તારે ?”

“અનિરુદ્ધ પ્લીઝ…આઈ લવ યુ.. હું તારા વિશે એવું ના વિચારી શકું”

“ચૂપ..એકદમ ચૂપ…આવા શબ્દો તારાં મોઢા પર સારા નથી લાગતા…તારાં આ સુંદર ચહેરા પાછળનો બેડોળ ચહેરો શું છે એ મને જાણ થઈ ગઈ છે…અને અત્યાર સુધી હું દુવિધામાં જ હતો….તારી સાથે લગ્ન કરવા કે અંજલી સાથે…પણ થેંક્સ ટૂ યુ…તે મારી દુવિધા દૂર કરી દીધી…આજ પછી મને કૉલ ના કરતી..હું મારાં પપ્પાને ના પાડી દઈશ…”

“અનિરુદ્ધ…” અચાનક એ બરાડી, “હું તને પામવા અંજલીને ધમકાવી શકું તો બીજા લોકોને પણ ફસાવી જ શકું છું”

“તું શું કરે એની સાથે મારે કોઈ મતલબ નથી…” મેં કહ્યું, “આજ પછી મને કૉલ ના કરતી…”

“મારી સાથે મતલબ નથી પણ તારી મમ્મી સાથે તો જ ને…તેઓએ મને પોતાની વહુ સ્વીકારી લીધી છે…જો તું તેઓને મનાવી શકતો હોય તો શોખથી હું તારાથી દૂર થઈ જઈશ…”

“વાંધો નહિ…” મેં કહ્યું.

અમારી આગળ વાતો ના થઇ..હું જ વાત કરવા નહોતો ઇચ્છતો.

ઘરે આવી હું સીધો મમ્મીને મળ્યો,

“મમ્મી…વૈભવી સાથે મારે લગ્ન નથી કરવા…”મેં કહ્યું.

“કેમ..શું થયું અચાનક ?”

“અજાણ બનવાનું નાટક ના કર મમ્મી…તને બધી વાતની ખબર છે” મેં સપાટ ભાવે કહ્યું.

“મને ખબર છે તો તને પણ ખબર હોવી જ જોઈએ…તારે વૈભવી સાથે જ લગ્ન કરવાનાં છે”

“શું જબરદસ્તી છે…મેં કહ્યુંને એ મને પસંદ નથી…”

“પેલી ડાકણને લીધે જ આ બધું થયું છે ને..” મમ્મીએ કહ્યું.

“મમ્મી…” હું બરડ્યો, “બીજા લોકો વિશે આવું બોલવાનો તને કોઈ અધિકાર નથી”

“આ બધું એણે જ શીખવ્યું છે ને…તને પોતાનાં વશમાં કરી લીધો છે એણે..” મમ્મીએ કહ્યું.

“કોણે એવું કહ્યું તને ?” મેં કહ્યું.

“મને બધી જ ખબર છે…તમે લોકો ઓફિસેથી છૂટીને ક્યાં મળવા જતાં..તું મોડી રાત સુધી કેમ ઘરે ના આવતો એ બધી જ…”

“તને આ બધું વૈભવીએ કહ્યું છે ને !!!” મેં કહ્યું, “તેણે તને પોતાની જાળમાં ફસાવી છે મમ્મી…અમારી બંને વચ્ચે એવું કશું હતું જ નહીં…”

“તો શું તું અંજલીને પસંદ નથી કરતો ?” મમ્મીએ પૂછ્યું.

હું ચૂપ થઈ ગયો. હું અંજલીને પ્રેમ કરતો હતો, પસંદ તો ઘણાં સમયથી કરતો હતો.

“જવાબ નથીને તારી પાસે”મમ્મીએ કહ્યું, “તારે વૈભવી સાથે જ લગ્ન કરવાનાં છે…જો તેં કોઈ આનાકાની કરી તો મારું મરેલું મોઢું જોઇશ”

અચાનક મમ્મીનાં તેવર બદલાઇ ગયાં હતાં. વૈભવીએ મમ્મીને કેટલી હદ સુધી મેન્યુપ્લેટ કરી હશે એ મને સમજાઈ રહ્યું હતું. તેણે અંજલી વિશે કેટલી ખરાબ વાતો કહી હશે. તેણે અંજલીને ધમકાવી હતી અને એટલે જ તેણે મને ના પાડી હતી.

‘મારે અંજલીને મળવું પડશે’ મનમાં નિર્ણય લઈને હું બહાર તરફ ચાલવા લાગ્યો.

“એને મળવા નથી જવાનું તારે…” મમ્મીએ મને રોક્યો.

“મારે શું કરવું અને શું ન કરવું એ મને ના સમજાવો મમ્મી” મેં કહ્યું.

“મમ્મી છું તારી…તારા ભલા માટે જ હું નિર્ણય લઉં છું અને મેં કહ્યુંને…અત્યારે તારે એને મળવા નથી જવાનું..જો મારી વાત ન માની તો મારાથી ખરાબ કોઈ નહિ થાય…”

મને મમ્મી પર ગુસ્સો આવતો હતો. એક ઘટનાને કારણે અત્યારે તેઓ ગુડ મમ્મીમાંથી બેડ મમ્મી બની ગયાં હતાં. ગુસ્સામાં પગ પછાડતો પછાડતો હું પોતાનાં રૂમમાં આવી ગયો.

હું અંજલીને મળવા નહોતો જઇ શકતો પણ તેને ફોન તો કરી શકતો હતો ને, મેં તેને ફોન લગાવ્યો. રિંગ પુરી થઈ પણ કૉલ રિસીવ ન થયો. મેં ફરીવાર કૉલ કર્યો..કૉલ રિસીવ ન થયો…હું વારંવાર કૉલ લાગવતો રહ્યો પણ કૉલ રિસીવ નહોતાં થતાં. મેં ગુસ્સામાં બેડ પર ફોન ફેંક્યો.

સહસા મારો ફોન રણકી ઉઠ્યો.

“હેલ્લો અંજલી…” મેં ડિસ્પ્લેમાં જોયા વિના જ કૉલ રિસીવ કરીને કહ્યું.

“અંજલી નહિ વૈભવી…” સામે વૈભવીનો અવાજ હતો, “અંજલી હવે તને નહિ મળે…મેં એને તારાથી દૂર મોકલી દીધી છે અને તારાં મમ્મી સાથે વાત થઈ મારી…એ મને પૂછતાં હતાં કે અનિરુદ્ધની ઈચ્છા નથી તો પણ હું લગ્ન માટે કેમ તૈયાર છું…મેં અંજલી વિશે તેઓને કહ્યું, અંજલીએ જ તને ફસાવ્યો છે અને તારી સાથે લગ્ન કરીને તમારી પ્રોપર્ટી પર તેની નજર છે એવું કહ્યું…તારાં મમ્મીને મારી વાત સાચી લાગી છે..તારી પાસે બીજો કોઈ રસ્તો નથી અનિરુદ્ધ…”

“જસ્ટ ગો ટૂ હેલ….” મેં ફોન કાપી નાંખ્યો.

મારે અંજલીને મળવું હતું પણ મમ્મીએ જે રીતે મને ઇમોશન બ્લેકમેલ કર્યો હતો એનાં કારણે અત્યારે તેને મળવા જવું મને યોગ્ય ન લાગ્યું.

બીજા દિવસે સવારે દોસ્તને મળવા જવાનું બહાનું બનાવી હું ઓફિસે પહોંચી ગયો. અંજલી ઓફિસે નહોતી આવી. મેં ફરી કૉલ જોડ્યા પણ અંજલી મારા કૉલ રિસીવ જ નહોતી કરતી. મેં પ્રણવનાં ફોનમાંથી કૉલ કર્યા પણ તેનાં ફોન ભી રિસીવ ન થયાં.

હું સીધો અંજલીનાં ઘરે પહોંચી ગયો. અંજલીનાં ઘરે તાળું હતું. મને ધ્રાસકો પડ્યો. વૈભવી એ કાલે મને આ ઇશારામાં તો નહોતું કહ્યુંને..!!!

મેં આજુબાજુમાં પૂછપરછ કરી, તેઓનાં જણાવ્યા અનુસાર આજે સાવરે જ અંજલી સમાન ભરીને જતી રહી હતી. મેં તેને વારંવાર કૉલ કર્યા, પણ હવે તેનો નંબર બંધ આવતો હતો. મેં તેને મૅસેજ કર્યા, વૈભવીની હકીકત કહી પણ કોઈ જવાબ ન આવ્યો તે ન જ આવ્યો.

*

(એક અઠવાડિયા પછી)

કાલે મારા લગ્ન હતાં. છેલ્લા એક અઠવાડિયામાં મારી સાથે જે બન્યું હતું તેની મેં કોઈ દિવસ કલ્પના નહોતી કરી. મમ્મીએ દબાણ કરીને અઠવાડિયામાં જ લગ્ન કરી દેવા જિદ્દ પકડી હતી. મમ્મી વૈભવીની વાતોમાં એવી તો ફસાઇ હતી કે તેને વૈભવીની વાતો સિવાય કંઈ દેખાતું જ નહોતું. છેલ્લા એક અઠવાડિયામાં અંજલીને શોધવાની મેં બધી જ કોશિશ કરી હતી પણ અંજલીની કોઈ ભાળ ના મળી તે ના જ મળી..હવે હું પણ થાકી ગયો હતો. એક તરફ મમ્મીનો ત્રાંસ અને બીજી તરફ વૈભવીનો..વૈભવી દિવસમાં ચાર-પાંચ કૉલ કરતી પણ હું કૉલ રિસીવ ના કરતો.

મને વિશ્વાસ નહોતો થતો, જેની સાથે હું ભવિષ્યનાં સપના જોતો હતો, જેને પહેલીવાર જોઈને હું અંજાઈ ગયો હતો એ વૈભવી પોતાનાં સ્વાર્થ માટે આટલી હદ સુધી જઈ શકે. બાકી રહ્યું હતું તો ધરમશીભાઈ પણ મૌન સેવીને બેઠાં હતાં.

લગ્નની આગળની રાત્રે મારા ઘરે મહેમાનોનો જમાવડો થયો હતો. યંત્રવત મેં બધી ખરીદી કરી હતી, વિધિઓ પતાવી હતી અને હવે પોતાનાં રૂમમાં જઈને સુવાની તૈયારી કરતો હતો.

‘હું વૈભવી સાથે લગ્ન તો નહીં જ કરું…’ સૂતો સૂતો હું મનોમંથન કરતો હતો, ‘સારું થયું વૈભવીનો અસલી ચહેરો લગ્ન પહેલા મારી સામે આવી ગયો.. જો લગ્ન પછી મને ખબર પડી હોત તો હું કશું કરી શકેત જ નહીં…મારે શું કરવું હવે ?, મમ્મી માથે ચડીને બેઠી છે.. એ મારા લગ્ન વૈભવી સાથે કરાવ્યા વિના જંપશે નહિ…ના હું લગ્ન તો નહીં જ કરું….તો !???

હું ઘર છોડીને જતો રહીશ..અંજલીને શોધીશ. હા હું એમ જ કરીશ..!’

મેં નિર્ણય લઈ લીધો હતો. ટેબલનાં ખાનામાંથી બોલપેન અને કાગળ કાઢીને મેં એક ચિઠ્ઠી લખી, જેમાં લગ્ન ન કરવાનું કારણ, વૈભવીની બધી જ હકીકત લખી દીધી. રાતનાં ત્રણ વાગ્યાં એટલે બાલ્કનીમાંથી કૂદીને હું ભાગી ગયો…

પણ આ શું….!!!

*

(વર્તમાન)

“મી. પારેખ ?” ડૉક્ટર અમારી નજીક આવીને બોલ્યાં. મારી બાજુમાં મી. પારેખ બેઠાં હતાં. ગઈ કાલે સાંજે અમારી બંનેની પત્નીને પ્રસ્તુતી માટે લાવવામાં આવી હતી. સવારનાં ચાર થયાં હતાં. અમે બંને પ્રસ્તુતી થવાની રાહ જોતાં હતાં. હું તેઓને મારાં લગ્નની સ્ટૉરી કહેતો હતો.

મી. પારેખ ઉભા થયાં.

“કોંગ્રેચ્યુલેશન, તમારી વાઇફે બેબીબોયને જન્મ આપ્યો છે…” ડૉક્ટરે કહ્યું. મી. પારેખનાં ચહેરા પર ખુશીની ઓટ આવી ગઈ. અમે સાંજે સાત વાગ્યે વાર્તાલાપ શરૂ કર્યો ત્યારે તેઓએ ‘મારે પહેલો બાબો જોઈએ છે’ એવું કહેલું. મેં જવાબમાં ‘મારે પહેલી લક્ષ્મી જોઈએ છે’ એવું કહ્યું હતું. તેનું નામ શું રાખવું એ પણ અગાઉથી નક્કી થઈ ગયેલું હતું.

મી. પારેખ મારી તરફ વળ્યાં, મારી નજીક આવીને તેઓ મને ગળે વળગી ગયાં. તેઓની ખુશી હું મહેસુસ કરી શકતો, કારણ કે હું પણ થોડીવારમાં પિતા બનવાનો હતો. તેઓએ દોડીને અંદર ગયાં. ત્યાં સુધીમાં હું મારી પત્નીની પ્રસ્તુતીનાં સમાચારની રાહ જોઈ રહ્યો હતો.

હું અડધી કલાક લોબીમાં આમતેમ ફર્યો પણ કોઈ બહાર નહોતું આવ્યું. આખરે કોઈ લોબીમાં આવતું મને જણાયું. એ મી. પારેખ હતાં.

“આપણે ક્યાં પહોંચ્યા હતા ?” તેઓનાં અવાજમાં ઉત્સાહ હતો, “તમે ઘર છોડીને નીકળી ગયાં હતાંને ?, પછી શું તમે કોર્ટ મૅરેજ કર્યા હતાં ?”

“ના…મેં કોર્ટ મેરેજ નથી કર્યા અને તે દિવસે હું ઘરેથી નહોતો ભાગ્યો…” મેં કહ્યું.

“તો પછી ?...આગળ શું થયું હતું ?”

“એ મને સપનું આવ્યું હતું..” મેં વાત આગળ ધપાવી.

હું સફાળો ઉઠી ગયો. રાતનાં ત્રણ વાગ્યાં હતાં. મારી બાજુમાં મારો કઝીન સૂતો હતો. હજી મારાં મગજમાં અંજલી જ ઘુમતી હતી. તેને શોધવાના મેં બધા જ પ્રયાસો કર્યા પણ એ ના મળી.

છેલ્લાં અઠવાડિયામાં હું ઘણીવાર રડ્યો હતો પણ વિધાતાએ મારાં નસીબમાં જે લખ્યું હતું એ મારી નજર સામે બની રહ્યું હતું. હું એવી છોકરી સાથે લગ્ન કરવાનો હતો જેનાં વિશે હું બધું જ જાણતો હતો, હું જાણતો હતો કે તેણે કેવી રમત રમી છે, હું જાણતો હતો કે તેણે મારી મમ્મીને કેવી રીતે ભોળવી છે. કેવી રીતે તેણે અંજલીને મારાથી દૂર કરી છે. હું એવી ચાલાક છોકરી સાથે લગ્ન કરવાનો હતો.

વિચારોમાને વિચારોમાં મારી આંખોમાંથી આંસુ સરીને કાન પાસે આવી ગયાં. મેં આંખો બંધ કરી દીધી. મારે સુવું હતું પણ ઊંઘ તો કોસો દૂર ક્યાંય નજરે નહોતી ચડતી. મેં સુવાની કોશિશ કરી, હું પોતાની હાથમાંથી રેતીની જેમ સરતી ખુશીઓને નરી આંખે જોઈ શકતો હતો, હું મારી ઈચ્છાઓ મારવાની તાલીમ મેળવી રહ્યો હતો, હું જેવો છું એવો નહિ પણ ચહેરા પર મુખોટો રાખીને બનાવટી સ્મિત રાખવાની તાલીમ મેળવી રહ્યો હતો. હું…, હું નહોતો રહ્યો. હું બદલાઈ રહ્યો હતો. પરિસ્થિતિએ મને સમાધાનનો રસ્તો શોધી આપ્યો હતો.

મારે રોબોટ બનીને જેમ મમ્મી કહે તેમ કરવાનું હતું. સવાર સુધી હું સૂતો નહોતો. વહેલાં નાહીને હું તૈયાર તો થઈ ગયો હતો પણ ઉત્સાહનું એક તણખલું મારાં શરીરમાં નહોતું.

બધા જાનૈયા તૈયાર થયા, મને કારમાં બેસારવામાં આવ્યો, મંજિલે પહોંચી ઉતારવામાં આવ્યો. વૈભવીએ હાર પહેરાવી, રસ્તામાં ફૂલો વેરીને મારું સ્વાગત કર્યું.

એક તરફ ગીતો વાગી રહ્યા હતાં, બીજી તરફ લોકો ડી.જે.નાં તાલે જુમી રહ્યાં હતાં અને હું…પ્રકૃતિનાં ખોળે, નદી કિનારે એકાંતમાં બેઠો હોઉં એવી સ્થિતિમાં યંત્રવત સુચનાનું પાલન કરતો હતો.

મને મંડપ સુધી લઈ જવામાં આવ્યો, બાજુમાં ઘૂંઘટ તાણીને વૈભવી બેઠી હતી. મારે તેનો ચહેરો પણ નહોતો જોવો, વાત કરવાની વાત તો દૂર જ રહી. પંડિત જી જેવી રીતે સૂચના આપતાં હતાં એવી રીતે હું યંત્રવત અમલ કરતો જતો હતો.

મેં વૈભવી સાથે ચાર ફેરા પણ ફરી લીધાં, જો કે તેનાં હાથનો સ્પર્શ પણ મેં નહોતો કર્યો, આંખો બંધ કરીને મેં તેનાં ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું, તેની માંગમાં સિંદૂર ભરી દીધું અને ફરી એકદીવસની રાજાશાહી જેવી ખુરશી પર બેસી ગયો.

મને આ બધું વ્યર્થ લાગતું હતું, હું જેનો મનથી નથી થયો એનો તનથી કેમ થવાનો હતો ?, વૈભવીને મારી પત્નીનો દરજ્જો જોતો હતો એ હું આપી રહ્યો હતો પણ એક ઘરમાં બે અજાણ્યાં શખ્સો રહેતાં હોય એવું થવાનું હતું.

મને વિચાર આવ્યો, જો વૈભવીની જગ્યાએ અંજલી હોત તો અત્યારે ઉજ્જડ લાગતી મારી દુનિયામાં કેટલી હરિયાળી હોત. હું હોંશેહોંશે બધી વિધિમાં સાથ આપતો હોત, મારાં દોસ્તો સાથે હસીને વાતો કરી રહ્યો હોત. પણ બધું વ્યર્થ હતું. મારા લગ્ન અંજલી સાથે નહિ પણ વૈભવી સાથે થઈ રહ્યા હતાં. સમાજનાં નિયમો મુજબ હું વૈભવીનો પતિ બની ગયો હતો.

પંડિતજીની બધી વિધિ પુરી થઈ એ પછી વૈભવીની સહેલીઓ ગિફ્ટ આપવા આવી, વારાફરતી બધી ગિફ્ટ આપતી હતી.

“મારું ગિફ્ટ બાકી છે અનિરુદ્ધ….” કોઈ છોકરી મોટા અવાજે બોલી. સૌનું ધ્યાન એ છોકરી પર ગયું, મારું પણ…એ છોકરીને જોઈને મમ્મી-પપ્પાની તથા અંકલ-આંટીની આંખો ફાટી ગઈ. સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું. મારાં આશ્ચર્યનો પણ પાર નહોતો રહ્યો…

(ક્રમશઃ)