sundaratano khuni khel - 10 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૧૦ (અંતિમ પ્રકરણ)

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ – ૧૦ (અંતિમ પ્રકરણ)

મહેશ સામે જોઈ વિજય બોલે છે: “બહાર હાડપિંજર ગણવાનું કામ મારી ટીમ કરી લેશે... તમે આગળ બોલવાનું ચાલુ રાખો...”

મહેશ ફરી બોલવાનું શરૂ કરે છે: “દીવમાં અમે એવી વાત ફેલાવી કે કુસુમ મારી બીજી પત્ની છે અને મારાથી બહું નાની છે... એટલે કોઈને કુસુમની સાચી ઉંમર બાબતમાં શંકા ના થાય... શરૂઆતમાં રિસોર્ટ અને બંગલામાં કામ કરવા આવતી આદિવાસી છોકરીઓને બેભાન કરી છળકપટથી લોહી કાઢી લેતાં... છોકરીઓનાં લોહીમાં ન્હાવાથી કુસુમની ચામડીમાં પહેલાં જેવી ચમક આવવા લાગી... આદિવાસી વસ્તીને છોકરીઓ કમજોર થાય છે એવી ખબર પડી... એ લોકોને લાગ્યું કે જંગલથી દૂર રહેવાથી છોકરીઓની તબિયત બગડે છે એટલે એમણે છોકરીઓને કામ કરવા મોકલવાનું બંધ કર્યું... સુંદરતા જાળવી રાખવા માટે રિસોર્ટમાં જે સુંદર છોકરી આવે એને બેભાન કરી લોહી લેવાની શરૂઆત કરી... પણ એક દિવસ જે છોકરીને બેભાન કરી હતી એ ભાનમાં આવી ગઈ... એ સમયે અમે એને ગમે તે રીતે સમજાવી દીધી... એ છોકરીનુ નામ નીલમ હતું... અમને એવું લાગ્યું કે નીલમ સમજી ગઈ છે... પણ એ ચાલાક હતી... રિસોર્ટમાં રહી અમારી બધી હકીકત મેળવવા લાગી... મને નીલમ પર શંકા ગઈ એટલે મેં ચમનને એની પર નજર રાખવાનું કહ્યું હતું... એક દિવસ નીલમ આદિવાસી વસ્તીમાં ગઈ ત્યારે ચમન પણ એની પાછળ ગયો... ત્યાં ચમનને ખબર પડી કે નીલમ આદિવાસી લોકોને બંગલામાં એમની છોકરીઓનું લોહી અમે કાઢી લેતા હતાં એ સમજાવતી હતી... એ દિવસે નીલમ પણ ચમનને આદિવાસી વસ્તીમાં જોઈ ગઈ... રિસોર્ટ પર આવી એણે ચેકઆઉટ કર્યું... એનાં તરફથી ખતરો વધી ગયો હતો... એ જેવી રિસોર્ટનાં કેમેરામાં દેખાતી બંધ થઈ એટલે ચમન એને ઉઠાવી બંગલામાં લઈ આવ્યો... અમે એના શરીરમાંથી બધું લોહી કાઢી એને તડપાવી તડપાવી મોતને ઘાટ ઉતારી... ચમન અને કરસન આદિવાસી લોકોને એ છોકરી પૈસા પડાવવા આવી હતી એવું સમજાવી દે છે... નીલમને શોધવા કોઈ દિવસ પોલીસ આવી નહીં એટલે અમારી હિમંત વધી... ચમન અને કરસન દરિયા કિનારે જે છોકરી એકલી દેખાય એમને લાવવાનું શરૂ કરે છે... છોકરીઓ દરિયા કિનારેથી ગાયબ થાય એટલે અમને કોઈ ખતરો રહેતો નહીં... પોલીસ પણ એવું માનવા લાગી કે જે ગાયબ થાય છે એને જંગલમાં જંગલી જાનવર લઈ જાય છે અથવા તો દીવથી એ લોકો પાછા જતાં રહે છે... અમને જંગલનો ફાયદો થયો હતો...”

વિજય જોરદાર તમાચો મહેશનાં મોઢા પર મારે છે: “જંગલી લોકો પણ તારા કરતાં સારા હોય... કમસેકમ એ લોકો જીવતાં માણસોનું ખૂન કરતાં નથી... તમે બધા એ જ્ધન્ય અપરાધ કર્યો છે...”

કુસુમ પોતાને છોડાવવા મથતી બોલે છે: “તને કેવી રીતે ખબર પડી કે અહિયાં કોઈ અપરાધ થાય છે...”

કુસુમ બાજુ ફરી વિજય બોલે છે: “વાહ... શું સવાલ છે... મને થયું કે કોઈ આ સવાલ પૂછતું કેમ નથી... જે છોકરીને હમણાં મેં હોસ્પિટલ મોકલી છે એનું નામ મેઘના છે...” મહેશનાં શર્ટના ખીંસાંમાંથી નીલમનું I Card કાઢી બોલે છે: “નીલમ અને મેઘના બન્ને બહેનો છે... મેઘના બે વર્ષથી એની બહેનને શોધતી હતી... નીલમે તમારા પાપ વિષે કોઈ વાત મેઘનાને કે એના માતા-પિતાને કહી નહોતી... નીલમને એનાં કામને લીધે ઘણી જગ્યાએ જવાનું થતું... નીલમનાં માતા-પિતાને એનું બધી જગ્યાએ જવું પસંદ નહોતું... એ નીલમને હંમેશાં કહેતાં તને કશું થઈ જશે તો અમે શું કરીશું... એટલે નીલમે ઘરમાં કોઈને કહ્યું નહોતું કે એ દીવ આવી છે... નહિતો એ છોકરી પણ અત્યારે જીવતી હોત... નીલમ કોલેજનો એક સાયન્સ પ્રોજેકટ કરતી હતી... એનો ટોપીક હતો કયા ખોરાકથી તંદુરસ્તી વધે છે... આદિવાસી લોકોની તંદુરસ્તી ખૂબ સારી હોય છે... નીલમ આદિવાસી લોકોના ખોરાક પર એક રિસર્ચ કરવા આવી હતી... ચમનને જોઈ જાય છે એ દિવસે એની બેગ એક છોકરાને આપી દે છે... એ છોકરાને એણે કહ્યું હતું કે બે-ત્રણ દિવસ પછી એ બેગ આવીને લઈ જશે અને આ બેગ વિષે કોઈને કશું જણાવે નહીં... પણ તમે લોકોએ નીલમને મારી નાખી... જ્યારે ચમન અને કરસન ત્યાં એના વિષે ખરાબ બોલીને આવ્યા ત્યારે એ ભોળા લોકોએ તમારા પર વિશ્વાસ કર્યો... જે છોકરાને નિલમે બેગ આપી હતી એ છોકરાએ કોઈને બેગ વિષે જણાવ્યુ નહોતું... મેઘનાને માત્ર એટલી ખબર હતી નીલમ આદિવાસી લોકો પર કામ કરે છે... કેટલાય આદિવાસી વિસ્તારોમાં ફર્યા પછી નીલમનો ફોટો અહિયાં બતાવવાથી એને માહિતી મળી... પેલા છોકરાએ નીલમની બેગ મેઘનાને બતાવી... મેઘના પોલીસસ્ટેશન ના આવી એને એવું લાગ્યું કે પોલીસ તારી ખરીદેલી છે... મેઘનાએ આદિવાસી લોકોને વિશ્વાસ આપાવ્યો કે નીલમ સાચી હતી... આદિવાસી લોકો પણ પોલીસ પર વિશ્વાસ નહોતા કરતાં... એટલે એ લોકો પણ અમારી પાસે આવ્યા નહીં... મેઘના જાતે અહિયાં તમારી વિરુધ્ધ પુરાવા લેવા આવી હતી અને તમારા હાથે પકડાઈ ગઈ... પણ તમારો ઘડો છલકાઈ ગયો હતો... કાલે જ્યારે ચમન અને કરસન એ છોકરીને મારી બાંગલામાં લાવ્યા ત્યારે એક આદિવાસી છોકરી જોઈ ગઈ હતી... એ છોકરી બહુ હિંમત કરી મારી પાસે આવી મને બધી માહિતી આપી... મને એ છોકરીએ નીલમની બેગ આપી... જેમાંથી મને તમારા બન્નેનો ફોટો અને નીલમની લખેલી થોડી નોટ્સ મળી... એમાં એણે આ બંગલામાં સુંદરતાનો ખૂની ખેલ તમે બધાએ કર્યો છે વિષે બધી માહિતી લખી છે... બસ પછી તો તમે બધા સમજી ગયા હશો... હવે જેલમાં સુંદરતાના ખૂની ખેલ કર્યાનો અફસોસ કરજો...”

મહેશ અને કુસુમને આશ્ચર્ય થાય છે કે નીલમ એમનાં ભોંયરાં સુધી પહોંચી ગઈ હતી એ વાત એમને બે વર્ષ પછી ખબર પડે છે. વિજય બધાને લઈ પોલીસ સ્ટેશન આવે છે. બધાના કાળા કરતૂતની મોટી ચાર્જશીટ બનાવી દરેકને સજા અપાવે છે. રૂપા ઉપર અત્યાચાર થયો હતો એટલે એને ઓછી સજા થાય છે.

થોડા દિવસમાં મેઘના સારી થાય છે એટલે વિજયનો આભાર માને છે. મેઘના અને વિજય બન્ને નીલમને ન્યાય મળ્યાનો સંતોષ અને ખુશી મનાવે છે.

સમાપ્ત