Bhayank safar (afrikana jangaloni) - 22 books and stories free download online pdf in Gujarati

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 22

જંગલી વરુનો હુમલો.
************




"રોબર્ટ અહીંથી તળાવ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે નહીં.!' તળાવ કિનારે ઝાડ ઉપર બાંધેલા માંચડા ઉપર બેઠેલી મેરીએ તળાવના શાંત પાણી ઉપર નજર નાખતા રોબર્ટને પૂછ્યું.


"હા બહુજ મનમોહક લાગી રહ્યું છે.' તળાવ બાજુ સ્થિર નજર રાખીને બેઠેલો રોબર્ટ બોલ્યો.


સાંજ પડી ચુકી હતી. સૂર્ય પશ્ચિમમાં ડૂબવાની તૈયારીમાં હતો. સૂર્યના આછા કિરણો તળાવના પાણીમાં પડી રહ્યા હતા. આકાશમાં રાતાશ ફેલાઈ ગઈ હતી. એ રાતાશનું સીધું પ્રતિબિંબ તળાવના પાણીમાં પડતું હોવાથી તળાવનું પાણી પણ રાતાશ પડતું દેખાઈ રહ્યું હતું.


"મેરી તું અહીંયા ઉપર બેસી રહે તો હું કંઈક ખાવાનું શોધી લાવું.' રોબર્ટ તળાવના પાણી ઉપરથી નજર હટાવીને મેરીના મોંઢા ઉપર નજર સ્થિર કરતા બોલ્યો.


"ના મને એકલીને તો અહીંયા ડર લાગે.! હું પણ તારી સાથે આવું.' મોંઢા ઉપર ભયના ભાવો ઉપસાવતા મેરી બોલી.


"સારું ચાલ જલ્દી પછી અંધારું થઈ જશે.' માંચડા ઉપર ચડવા માટે બનાવેલી નીસરણીએથી નીચે ઉતરતા રોબર્ટ બોલ્યો.


રોબર્ટ માંચડા ઉપરથી નીચે ઉતર્યો. પછી મેરી પણ નીચે ઉતરી.

"રોબર્ટ કઈ બાજુ જઈએ ? બગાસું ખાઈને મેરીએ રોબર્ટને પૂછ્યું.


"પેલા સામે જો બહુ બધા વૃક્ષો છે કદાચ ત્યાં કંઈક ખાવાનું જરૂર મળી રહેશે.' ઘાસના મેદાનની પેલે પાર ઉભેલા ઘેઘુર વૃક્ષો તરફ હાથ લંબાવતા રોબર્ટ બોલ્યો.


"હા ચાલ ત્યાં જ જઈએ.' મેરીએ ઘાસના મેદાનમાં આગળ વધતા કહ્યું.


મેરી અને રોબર્ટ જે તરફ ઘણા બધા ઘટાટોપ વૃક્ષો ઉભા હતા એ તરફ આગળ વધવા લાગ્યા. રોબર્ટે ત્યાં ઉભેલા વૃક્ષની ડાળી તોડીને લાકડી બનાવી દીધી જેથી મુશ્કેલીના સમયમાં કામ આવે. બધા હાથીઓ સાંજ પડી ત્યારે જ જંગલ તરફ આગળ વધી ગયા હતા. ફક્ત પેલી એક માદા હાથી અને એનું બચ્ચું તળાવ કિનારે બેઠા હતા.


રોબર્ટ અને મેરી આગળ વધી રહ્યા હતા. મેદાનમાં જે ઘાસ ઉગી નીકળ્યું હતું એ મેરીની કમર સુધી પહોંચતું હતું. મેરી થોડીક પાછળ ચાલી રહી હતી અને રોબર્ટ એનાથી થોડોક આગળ ચાલી રહ્યો હતો. મેરી ઘાસને આમ તેમ નમાવતી આગળ વધી રહી હતી. મેરીની પાછળ દબાતા પગલે એક જંગલી વરૂ લાળ ટપકાવતું આવી રહ્યું હતું. જેનાથી મેરી સાવ અજાણ હતી. વરુ જેવું મેરીની નજીક આવ્યું એવું જ એણે મેરી ઉપર તરાપ મારી. અચાનક થયેલા આવા હુમલાથી મેરી એકદમ ડઘાઈ ગઈ.


"રોબર્ટ.. બચાવ.!!' અચાનક મેરીની વેદનાભરી ચીસ સાંભળીને રોબર્ટે તરત જ પાછળ જોયું.


વરુએ જેવી તરાપ મારી એવી જ મેરી નીચે ઢળી પડી. અને મેરીના ઢીંચણથી નીચેના ભાગે વરુના દાંત ઘૂસી ગયા.


"મેરી.' વરુને મેરી ઉપર પડેલું જોઈને રોબર્ટના મોંઢામાંથી રાડ નીકળી ગઈ.


રોબર્ટ એકદમ દોડતો આવ્યો અને એણે એના હાથમાં રહેલી લાકડી ફેરવીને વરુના માથા ઉપર ઘા કર્યો. લાકડીનો જોરદાર ફટકો પડતાની સાથે વરુના મોંઢામાંથી મેરીનો પગ છૂટી ગયો. ત્યાં તો રોબર્ટે ફરીથી ઉપરા ઉપર વરુના માથા ઉપર ઘા કરીને વરુને સદાય માટે શાંત કરી દીધું.


મેરી ચીસ નાખીને ત્યાં જ જમીન ઉપર બેભાન બનીને ઢળી પડી.વરુએ મેરીના પગમાં ઘૂંટણના ભાગ નીચેના ભાગે દાંત બેસાડ્યા હતા ત્યાં ઘા પડી ગયો હતો. રોબર્ટ ફાટી આંખે મેરીના પગમાં પડેલા ઘા તરફ જોઈ રહ્યો.


********************************




હાર્ડીની પ્રેમિકા માયરા
**************



ગોરી સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને પેલા માણસોએ જ્હોન, ગર્ગ, માર્ટિન તથા એન્થોલીને એ દરવાજાની અંદર ઉપરની તરફ ધકેલી દીધા. આ ચારેય અંદર આવ્યા કે તરત જ પેલી ગોરી સ્ત્રીએ દરવાજો બંધ કરી દીધો. જે માણસો ગર્ગ, જ્હોન,માર્ટિન તથા એન્થોલીને બંદી બનાવીને લઈ આવ્યા હતા એ દરવાજાની બહાર જ રહી ગયા.


અંદરથી મકાન બહુજ વિશાળ હતું. મકાનની દીવાલ ઉપર ઠેર ઠેર અદ્ભૂત કળા કારીગરી દ્વારા નવી ભાતો ઉપસાવવામાં આવી હતી. થોડેક દૂર એક પાત્રમાં પાણી પડ્યું હતું. ગર્ગ તો આજુબાજુ જોયા વગર જ એ પાત્રમાં જે પાણી હતું એ એકલો પી ગયો.


દરવાજો બંધ કર્યા બાદ પેલી ગોરી સ્ત્રીએ બધાને એની પાછળ આવવાનો ઇસારો કર્યો. બધા એ ગોરી સ્ત્રીની પાછળ ચાલવા લાગ્યા. એ ગોરી સ્ત્રીનું શરીર અને ચાલ એટલા બધા આકર્ષક હતા કે ગર્ગ,જ્હોન,માર્ટિન અને એન્થોલી કંઈ પણ વિચાર્યા વગર એની પાછળ ચાલ્યા જતાં હતા.


આ મકાનની છેલ્લી દીવાલ આવી ત્યારે પેલી ગોરી સ્ત્રીએ દીવાલને હળવેથી ધક્કો માર્યો.ધક્કો મારતાની સાથે જ એ દીવાલમાં બારણા જેટલી જગ્યા થઈ ગઈ. બધા એમાંથી પસાર થયા બાદ એ દીવાલ આપોઆપ ભેગી થઈ ગઈ. ગર્ગ તેમજ એના સાથીદારો તો આ જોઈને ખુબ જ નવાઈ પામ્યા.


નવા પ્રવેશેલા આ મકાનની રચના પેલા આગળના મકાન કરતા વધારે સુંદર હતી. આ મકાનમાં બેસવા માટેની સુંદર બેઠક વ્યવસ્થા હતી. માયરાએ ત્યાં બધાને બેસી જવાનો ઇસારો કર્યો. બધા ત્યાં બેસી ગયા.


"થોડુંક પાણી મળ્યું હોત તો.. મારું તો હવે ગળું સુકાય છે.' માર્ટિને ધીમે રહીને ગર્ગના કાનમાં કહ્યું.


"હમણાં મંગાવું પાણી.' આમ કહીને પેલી ગોરી સ્ત્રીએ સામેની દિશામાં જોઈને તીણી સિસોટી પાડી.


આ ગોરી સ્ત્રીને પોતાની ભાષામાં બોલતી જોઈને બધા અચંબિત થઈ ગયા. અને નવાઈભરી નજરે બધા એ ગોરી સ્ત્રીના મોંઢા સામે તાકી રહ્યા.


થોડીક વાર થઈ એટલે પેલી ગોરી સ્ત્રીએ ફરીથી તીણી સિસોટી પાડી. થોડોક સમય વીત્યો ત્યાં તો સામેની દીવાલનું એક બારણું ખુલ્યું અને એમાંથી બીજી એક સ્વરૂપવાન યુવતી અલગ જ આકારના બનાવેલા પાત્રને હાથમાં પકડીને આ મકાનમાં પ્રવેશી. એ યુવતીનું રૂપ આંખો આંજી દે એવું હતું. માર્ટિનની તો બિચારાની તરસ તો ક્યાંય ગાયબ થઈ ગઈ અને એ ફાટી આંખે એ નવયૌવનાને નીરખી રહ્યો.


ગર્ગનું ધ્યાન માર્ટિન તરફ ગયું ત્યારે ગર્ગે માર્ટિનને ધીમેથી હળવો ધક્કો માર્યો અને સપનામાંથી બહાર લાવ્યો. પેલી સ્વરૂપવાન યુવતી બધાની સામે પાણીનું પાત્ર મૂકીને જ્યાંથી આવી હતી ત્યાં પાછી ચાલી ગઈ.


પેલી યુવતી પાણીનું પાત્ર મૂકી ગઈ એમાંથી બધાએ વારાફરથી પાણી પીધું. આ પાત્ર કોઈક અલગ જ ધાતુમાંથી બનેલું હતું. પાણી પીધા પછી બધા એમની સામે બેઠેલી પેલી ગોરી સ્ત્રી સામે તાકી રહ્યા.


"તમને અમારી ભાષા કેવીરીતે આવડે છે ? જ્હોને પેલી ગોરી સ્ત્રીને પ્રશ્ન કર્યો.


"મને ઘણીબધી ભાષાઓ આવડે છે અને તમારી ઇટાલિયન ભાષા પણ આવડે છે.' પેલી ગોરી સ્ત્રી પ્રભાવશાળી અવાજે બોલી.

"અમને પકડી અહીં લઈ આવ્યા એ તમારા જ માણસો હતા ? ગર્ગે બીજો પ્રશ્ન કર્યો.


"હા એ માણસો મારા જ હતા.' પેલી સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો.


"તમે કોણ છો ? અમને આવીરીતે પકડીને અહીંયા લાવવા પાછળનો તમારો ઉદેશ્ય શું છે ? ચૂપ બેઠેલા ભાષાશાસ્ત્રી એન્થોલી મૌન તોડતા બોલ્યા.


"મારું નામ માયરા છે અને હું વિલીયમ હાર્ડીની પ્રેમિકા છું.' ગોરી સ્ત્રી ચહેરા આગળ આવેલા પોતાના વાળને કાનની પાછળ સરકાવતા બોલી.


"શું કહ્યું તમે વિલિયમ હાર્ડીના પ્રેમિકા છો ? ગર્ગ ઊંચા અવાજે બોલી ઉઠ્યો. પાછળથી વધારે ઊંચા અવાજે બોલાઈ ગયું એ સમજાતા ગર્ગ ગોરી સ્ત્રી માયરા સામે શરમથી નીચું જોઈ ગયો.


"હા હાર્ડીની હું પ્રેમિકા છું.' માયરા હસીને બોલી. એના અવાજમાં હાર્ડીની પ્રેમિકા હોવાનો ગર્વ છલકાતો હતો.


વિલિયમ હાર્ડીની પ્રેમિકા અહીં છે.! તો વિલિયમ હાર્ડી ક્યાં હશે ? આવા અનેક પ્રશ્નો બધાના મગજમાં ઉદ્દભવવા લાગ્યા. આવા અજીબ પ્રકારના નગરમાં વિલિયમ હાર્ડીની પ્રેમિકા રહેતી હતી આ વાત ખરેખર બધાને અચરજમાં મૂકી દે એવી હતી.


(ક્રમશ)