Operation Cycle Season 2 - 13 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 13

ભાગ 13

કવેટા રેલવે સ્ટેશન, કવેટા, પાકિસ્તાન

પાકિસ્તાનના બ્લૂચીસ્તાનના સૌથી મોટા શહેર એવા કવેટાનું રેલવે સ્ટેશન યાત્રીઓથી ધમધમી રહ્યું હતું. મોટાભાગની લાંબા અંતરની ટ્રેઇનો સાંજના સાતથી રાતના દસ વાગ્યા વચ્ચે ઉપડતી હોવાથી હજારોની સંખ્યામાં મુસાફરો પોતપોતાના ગંતવ્ય સ્થાને જવા રેલવે સ્ટેશન પર ઊભરાયા હતા.  બ્રિટિશ સમયમાં નિર્માણ પામેલા કવેટા રેલવે સ્ટેશનની અત્યારના સમયની હાલત પરથી એ અંદાજો આવી જતો કે એનું નિર્માણ બ્રિટિશરો દ્વારા થયું છે.

પશ્તો, બલૂચ, સિંધી, ઉર્દુ જેવી ભાષાઓમાં યાત્રીઓ વચ્ચે અંદરોઅંદર થતી વાતચીતના લીધે વાતાવરણમાં પારાવાર અશાંતિ હતી. વળી વચ્ચે-વચ્ચે લાઉડ સ્પીકરમાં થતી ટ્રેઈન આવવાની અને જવાની સૂચના એ અશાંતિમાં વધારો કરી રહી હતી.

પાકિસ્તાનના બીજા શહેરો કરતા અહીં હાજર લોકોના પહેરવેશમાં ભિન્નતા હતી. પુરુષો મોટાભાગે સફેદ લેંઘા-ઝભ્ભામાં હતા, ઝભ્ભા ઉપર વધારામાં કાળી, ભૂખરી કે કોફી કલરની કોટી હતી અને માથે બાંધેલી સફેદ પાઘડીના બંને છેડા બહાર હતા. પાકિસ્તાનના અન્ય પ્રાંતની સ્ત્રીઓ જ્યાં પરંપરાગત બુરખા અને હિજાબમાં જોવા મળતી હતી ત્યારે બલૂચ સ્ત્રીઓ રંગબેરંગી સલવાર-કમીઝ અને બાંધણી પહેરેલી જોવા મળી રહી હતી. એ સ્ત્રીઓની ચમકતી ઘઉંવર્ણી ત્વચા પર આ વસ્ત્રો ખૂબ જ ઉમદા લાગી રહ્યા હતા.

આઠ વાગવામાં વીસેક મિનિટ જેટલો સમય બાકી હતો ત્યારે લાઉડસ્પીકરમાં ચમન તરફ જતી ટ્રેઈનનું એનાઉન્સમેન્ટ થયું. કવેટામાં ધંધાર્થે આવેલા ઘણા અફઘાન વેપારીઓ, કવેટામાં રહેતા પોતાના સગા-વ્હાલાને મળવા આવેલા અફઘાન પરિવારો આ ઘોષણા સાંભળી પોતપોતાનો સામાન હાથમાં લઈને પ્લેટફોર્મ નંબર ત્રણ આગળ આવીને ઊભા રહી ગયા. સિમેન્ટના નળિયા ધરાવતા કવેટા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર શિયાળામાં બરફની ચાદર પથરાઈ જતી ત્યારે આ રેલવે  સ્ટેશન નયનરમ્ય જણાતું.

ઈકબાલ મસૂદ પોતાના સાગરીતો અને આઈ.એસ.આઈના કવેટા ખાતેના એજન્ટ ગુલામઅલી સાથે રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો. ગુલામઅલી સાથે એના દસેક માણસો હતા અને એ દરેકનાં શરીર પર પાકિસ્તાન આર્મીનો યુનિફોર્મ અને હાથમાં મશીનગન મોજુદ હતી. એ લોકો ખૂબ જ ઝડપથી આખા કવેટા રેલવે સ્ટેશનની જડતી લઈ આવ્યા હતા પણ એમના હાથમાં કંઈ લાગ્યું નહોતું.

"અલી, ચમન જતી ટ્રેઈન ઉપડવામાં હવે ઝાઝો સમય બાકી નથી..આપણા માણસોએ ટ્રેઈનના દરેક ડબ્બા આગળ અત્યારથી જ ગોઠવાઈ જવું જોઈએ." ચમન જતી ટ્રેઈન આવવાનું એનાઉન્સમેન્ટ થતા જ મસૂદે ગુલામઅલીને કહ્યું.

"મિયાં, મને લાગતું નથી કે એ લોકો અહીં હોય..અહીં હોત તો આપણી નજરોમાં આવી જ ગયા હોત." અલીએ કંઈક વિચારીને કહ્યું. "અને પાકિસ્તાન આર્મીના આટલા બધા સશસ્ત્ર ઓફિસરને જોઈને એ લોકો અહીં આવ્યા હશે તો પણ ક્યાંક છટકી ગયા હશે."

"તારી વાત ખોટી નથી..છતાં હું કોઈ જોખમ લેવા નથી માંગતો." મસૂદે સીધા શબ્દોમાં કહ્યું..જેની સીધી અસર પણ થઈ. ગુલામ અલીએ તુરંત પોતાના માણસોની ચમન હતી ટ્રેઈન આવે એટલે એના દરેક ડબ્બાની જડતી લેવા અને ટ્રેઈન ના ઉપડે ત્યાં સુધી ડબ્બાના પ્રવેશદ્વાર આગળ ઊભા રહેવા આદેશ આપ્યો.

પાંચ મિનિટમાં તો ચમન જતી ટ્રેઈન આવી પહોંચી..કોલસાથી ચાલતી એ ટ્રેઈન ભયંકર અવાજ કરતી પ્લેટફોર્મ ત્રણ પણ આવીને ઊભી રહી. ટ્રેઈનના થોભતા જ મસૂદ અને અલીના સાગરીતો અલીની સૂચના મુજબ ટ્રેઈનના એક પછી એક ડબ્બાની જડતીમાં પરોવાઈ ગયા. સ્વયં મસૂદ અને અલી પણ એક-એક ડબ્બો ચેક કરી આવ્યા. પાકિસ્તાન આર્મીના સોલ્જર દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસના લીધે સ્ટેશન માસ્ટર, રેલવે પોલીસના ત્રણ કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.

આ એક રૂટિન તપાસ છે એવું કહી ગુલામ અલીએ એમને પાછા તો વાળ્યા પણ ચમન જતા યાત્રીઓમાં આ તપાસના લીધે થોડો ડર ભળ્યો હતો. પાકિસ્તાનમાં છાશવારે થતા બૉમ્બ વિસ્ફોટોના લીધે આ પ્રકારની લશ્કરી તપાસ એમના માટે ચિંતાનું કારણ બને એમાં કોઈ નવાઈ નહોતી.

ગુલામઅલીના કહેવાથી ટ્રેઈનને દસ મિનિટ વધુ રોકવામાં આવી પણ એનાંથી કંઈ વળ્યું નહિ..કોઈ સંદિગ્ધ વ્યક્તિ એમની નજરે ના ચડ્યું તે ના જ ચડ્યું. હતાશ અને વ્યગ્ર ભાવે અલીએ સ્ટેશન માસ્ટરને ટ્રેઈનને ઉપાડવાની સૂચના આપી એટલે સાડા આઠ વાગે ટ્રેઈન ઉપાડવાનું એનાઉન્સમેન્ટ થયું. એનાઉન્સમેન્ટ થતાની સાથે જ ટ્રેઈનનું એન્જીન ચાલુ થયું અને ધીરે-ધીરે ટ્રેઈન પ્લેટફોર્મ ત્રણથી ચમન રેલવે સ્ટેશન તરફ જતા ટ્રેક પર આગળ વધી.

"મા..@#$!@%^&, ગયા ક્યાં..?" દિલાવર ખાન કે એની જોડે કવેટા આવેલ યુગલમાંથી કોઈપણ હાથમાં ના આવતા ગુસ્સે ભરાયેલો મસૂદ ટ્રેઈન ઉપડતા જ જોરથી બરાડયો.

"ગુસ્સો કરવાથી કંઈ નહીં વળે મિયાં.. જો એ લોકો અહીં નથી આવ્યા એનો મતલબ છે કે એ લોકો કવેટામાં જ ક્યાંક છૂપાયા હોવા જોઈએ.." અલીના અવાજમાં ગજબની સ્વસ્થતા હતી. "બાકી કવેટામાં આવતા અને બહાર જતા દરેક રસ્તે મેં અસ્થાયી ચેક પોઈન્ટ ગોઠવી દીધા છે, માટે એ લોકો રોડ મારફતે જવાની કોશિશ કરશે તોપણ એ લોકો નહીં જ ફાવે."

"ભાઈ, હવે શું કરીશું.?" મસૂદની પાછળ ઊભેલો મિર્ઝા ધીરેથી મસૂદને ઉદ્દેશીને બોલ્યો.

"કરવાનું શું હોય..?" મસૂદે થોડા ગુસ્સા અને થોડી હતાશા સાથે કહ્યું. "અલી સાહેબના ફાર્મહાઉસ પર બે-ત્રણ દિવસ રોકાઈશું..જો એ લોકો હાથમાં આવ્યા તો ઠીક નહિ તો પાછા પિંડી રવાના થઈ જઈશું."

"કેમ નહિ..!" અલીએ કહ્યું. "એ લોકો કવેટામાં હશે તો હું તમને એમના સુધી અવશ્ય લઈ જઈશ."

દિલાવર કે એની સાથે ઈનોવામાં મોજુદ યુગલ જે કુવૈતીયન પાસપોર્ટ પર પાકિસ્તાન આવ્યું હતું એ હાથમાં ન આવવાનું દુઃખ મસૂદના મુખ પર સાફ જણાતું હતું. અંસારીએ પોતાનો મોબાઈલ રીપેર કર્યો હતો, ત્યારબાદ એને પોતાનો પીછો કર્યો. પોતાના માણસોની પકડમાં આવવાનાં બદલે એના દ્વારા આત્મહત્યા કરવું, અંસારીના ઘરે એક કુવૈતીયન યુગલ અને BLAના કમાન્ડરની તપાસ, એ લોકોની પોતાના માણસો સાથે થયેલી બંને અથડામણમાં આબાદ છટકી જવું..આ બધી જ ઘટનાઓને મસૂદ તબક્કાવાર મમરાવી રહ્યો હતો. કંઈક તો એવું છે જે પોતે નથી સમજી શકતો એ કારણે ઈકબાલ મસૂદ ભારે અકળામણ અનુભવી રહ્યો હતો.

ઉદ્વેદ અને ઉચાટ સાથે જ્યારે મસૂદ કવેટા રેલવે સ્ટેશનના પાર્કિંગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં જ એનું ધ્યાન ગુલામઅલીએ આશ્ચર્ય સાથે ઉચ્ચારેલા શબ્દોના લીધે ભંગ થયું..જે શબ્દો હતા.

"ડૉક્ટર આઝમ...અત્યારે અહીં ક્યાંથી.?"

"શું થયું..?" મસૂદે અલીને પૂછ્યું. " કોણ ડૉક્ટર આઝમ?"

"કવેટામાં ગરીબોની મફતમાં સારવાર કરતો એક ડૉક્ટર છે..જેનું નામ છે અસદ આઝમ." પોતાની જીપ તરફ ઉતાવળે ડગ ભરતા અલી બોલ્યો. "મને ખબર છે કે એ ડૉક્ટર ખાનગી રીતે BLAની મદદ કરે છે પણ કોઈ સબૂત વગર હું એને કંઈ કરી શકતો નથી..એની આ સમયે અહીં હાજરીનો મતલબ છે કે તમારો શક સાચો હતો મિયાં.."

"આપણે ક્યાં જઈએ છીએ..?" જીપની ડ્રાઈવિંગ સીટમાં બેસવા જઈ રહેલા ગુલામઅલીને મસૂદે સવાલ કર્યો.

"પેલી જે કાર જાય છે એનો પીછો કરવા..તમારા દુશ્મનો નક્કી એ કારમાં જ હશે." અલી આટલું કહી ડ્રાઈવિંગ સીટમાં બેસી ગયો. "આપણને જોઈ ડૉક્ટર આઝમ એમને લઈને પાછો જઈ રહ્યો છે."

ડૂબતાને તરણું પણ સહારો હોય, એમ અલીની આ વાત સાંભળી મસૂદના હતાશ ચહેરા પર ઉમ્મીદ પ્રગટ થઈ. સમય વ્યય કર્યાં વિના મસૂદ જીપમાં બેઠો. મસૂદ અને પોતાના બીજા સાથીઓના જીપમાં બેસતા જ ગુલામ અલીએ જીપના એક્સીલેટર પર પગ રાખ્યો અને જીપને એ રસ્તે દોડાવી મૂકી જે રસ્તે એને ડૉક્ટર આઝમની કારને જતી જોઈ હતી. કારની પાછળ લાગેલા રેડ ક્રોસના નિશાનના લીધે અલી જાણી શક્યો હતો કે એ કાર ડૉક્ટર આઝમની જ છે.

મસૂદના બાકીનાં સાગરીતો અને અલીના બાકીનાં માણસો ત્યાં પડેલી બીજી જીપમાં બેઠા એટલે એ જીપના ડ્રાઈવરે પણ અલીની જીપની પાછળ-પાછળ એ જીપને ભગાવી મૂકી.

કવેટા રેલવે સ્ટેશનથી રેલવે સ્ટેશન કોલોની સુધી પહોંચવા સુધીમાં તો અલીની જીપ ડૉક્ટર આઝમની કારને આંબી ગઈ..બંને વચ્ચે ચાલીસ-પચાસ મીટરનું અંતર વધ્યું હતું ત્યાં અચાનક આઝમની કારની ગતિ એકાએક વધી ગઈ. પોતાને જોઈને જ આઝમે કારની ગતિ વધારી હોવી જોઈએ એ વિચાર મનમાં આવતા જ આઝમની કારમાં જ નગમા અને માધવ હોવા જોઈએ એવું ગુલામઅલીનું અનુમાન વધુ મજબૂત બન્યું.

આ સાથે જ ડૉક્ટર આઝમની કાર અને અલીની જીપ વચ્ચે એક રોમાંચક રેસ શરૂ થઈ ગઈ. લહેરીબાદ સુધી સીધા રસ્તે આગળ વધ્યા બાદ આઝમે કારને મુસ્લિમ ટાઉન તરફ જતા રસ્તે અગ્રેસર કરી એ સાથે જ અલી સમજી ગયો કે આઝમ પોતાની કારને ક્લિનિક પર લઈ જવાના બદલે બીજા કોઈ સ્થાને લઈ જઈ રહ્યા છે. આઝમની કાર પોતાની ફાયરિંગ રેન્જમાં આવી ચૂકી હતી છતાં અલી કાર પર ફાયરિંગ કરવા અસમર્થ હતો..એ પાછળનું કારણ હતું ડૉક્ટર આઝમે કવેટાવાસીઓના હૃદયમાં મેળવેલું સ્થાન.

આઝમને નુકશાન પહોંચાડી પાકિસ્તાન સરકાર પરના બલૂચ લોકોના ગુસ્સામાં વધારો કરવું પોતાના કેરિયર માટે જોખમી હોવાનું જાણતા અલીએ પોતાના સાથીદારોને પણ કારનો પીછો કર્યાં સિવાય બીજું કોઈ પગલું ઉઠાવવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી.

આખરે અડધા કલાકના આ રોમાંચક અને દિલધડક પકડદાવ બાદ શબઝલ અને કીરાની ક્રોસ રોડ પર ગુલામઅલીએ ડૉક્ટર અસદ આઝમની કારને આંતરી લીધી.

પોતાની સામે ઊભી રહેલી આર્મી જીપને જોઈને આઝમે તુરંત પોતાની કારને આગળ વધતી અટકાવી દીધી.

"ડૉક્ટર..કોઈ ચાલાકી કર્યાં વિના કારમાંથી હેઠે ઉતરો." પોતાની રિવોલ્વરનું નાળચુ કારની ડ્રાઈવિંગ સીટ તરફ કરતા ધમકીભર્યા સૂરમાં અલી બોલ્યો. "સાથે તમારા દોસ્તોને પણ કહો કે કારમાંથી નીચે આવે."

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)