Operation Cycle Season 2 - 14 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 14

ભાગ 14

કવેટા રેલવે સ્ટેશન, કવેટા, પાકિસ્તાન

રેલવે સ્ટેશનમાં પોતાની હાજરી હોવાના લીધે BLAના સભ્યોને ખાનગી ધોરણે મદદ કરતો ડૉક્ટર અસદ આઝમ મસૂદના શત્રુઓને લઈને રેલવે સ્ટેશનથી પાછો વળી ગયો હોવો જોઈએ એવું તાર્કિક અનુમાન ગુલામઅલીએ ડૉક્ટર આઝમની કારને જોતા લગાવી લીધું હતું. અલી અને મસૂદ જીપ લઈને આઝમની કારનો પીછો કરવા લાગ્યા ત્યારે એકાએક આઝમની કારની ગતિ વધી ગઈ.

ડૉક્ટર આઝમની કારની અચાનક વધેલી ગતિના લીધે અલીને પૂરતી ખાતરી બેસી ગઈ કે નક્કી અસદ આઝમ પોતાનાથી પીછો છોડાવવા મથી રહ્યો છે..આથી જ એને ડૉક્ટર આઝમની કારનો પીછો ચાલુ જ રાખ્યો, અને છેવટે ડૉક્ટરની કારને આંતરી લીધી.

"ડૉક્ટર..કોઈ ચાલાકી કર્યાં વિના કારમાંથી હેઠે ઉતરો." પોતાની રિવોલ્વરનું નાળચુ કારની ડ્રાઈવિંગ સીટ તરફ કરતા ધમકીભર્યા સૂરમાં અલી બોલ્યો. "સાથે તમારા દોસ્તોને પણ કહો કે કારમાંથી નીચે આવે."

ગુલામઅલીની આ ધમકીના પ્રત્યાઘાત સ્વરૂપે કાળા કાચ ધરાવતી કારમાંથી ડૉક્ટર અસદ આઝમ પહેલા નીચે ઊતર્યા અને એમની પાછળ એક યુગલ. અલી તુરંત એ લોકોની તરફ ધસી ગયો અને કારમાંથી ઉતરેલા યુગલ ભણી જોઈ આઝમને ઉદ્દેશીને બોલ્યો.

"કોણ છે આ બંને..?"

"તમારે મતલબ.!" આઝમના સ્વરમાં સંપૂર્ણ સ્વસ્થતા કાયમ હતી.

"ડૉક્ટર, મહેરબાની કરીને હું કહું એનો સીધા શબ્દોમાં જવાબ આપ.. અન્યથા.."

"અન્યથા શું કરશો તમે..બીજા નિર્દોષ બલૂચ વાસીઓ જોડે કરો છો એ મારા જોડે કરશો." આઝમના ઉચ્ચારેલા શબ્દો પરથી સ્પષ્ટ જણાતું હતું કે એ ગુલામઅલીને ઓળખતો હતો.

"મને જીભાજોડી પસંદ નથી..તમે નહિ જણાવો તો નકામા આ બંનેને મારે ઉઠાવી જવા પડશે." આઝમની પાછળ કારના દરવાજે ઊભેલા યુગલની તરફ ડગ ભરતા અલી બોલ્યો.

"કમાન્ડર.. તમારે એ તકલીફ લેવાની જરૂર નથી." આઝમના આમ બોલતા જ અલી આગળ વધતા અટક્યો અને આઝમની સામે આવીને ઊભો રહ્યો.

"જણાવો કોણ છે આ બંને.?"

"જનાબ શાહનવાઝ જંગનું નામ સાંભળ્યું છે?"

"શાહનવાઝ જંગ.." અલી મનોમન કંઈક વિચારીને બોલ્યો. "હા, યાદ આવ્યું..બ્લૂચીસ્તાનના એક સમયના સૌથી મોટા નેતા અને એક સમયના પ્રધાનમંત્રી પદના દાવેદાર; એ જ શાહનવાઝ જંગ? પણ એમને આ બંને સાથે શું લેવાદેવા.?" જંગનું નામ સાંભળી અલી બરાબરનો અકળાયો હતો.

"આ યુવકનું નામ છે ઝહીર અને ઝહીર શાહનવાઝ જંગનો પૌત્ર છે...ઝહીર જોડે જે મોહતરમા છે એ એમના થનારા બેગમ છે." આઝમના શબ્દોમાં મક્કમતા હતી. ખિસ્સામાંથી મોબાઈલ નીકાળી આઝમે આગળ કહ્યું  "વિશ્વાસ ના આવતો હોય તો શાહનવાઝ સાહેબને કોલ કરું?"

આ દરમિયાન મિર્ઝાએ મસૂદને જણાવી દીધું હતું કે આઝમની કારમાંથી ઉતરેલું યુગલ એ નથી જે અંસારીના ઘરે તપાસ કરવા ગયું હતું અને જેમની જોડે એમની ક્રિસ્ટ ચર્ચ નજીક ભારે મુઠભેળ થઈ હતી. આઝમ અને અલીની ચર્ચા સાંભળી રહેલો મસૂદ અલીની નજીક ગયો અને એને ખેંચીને આઝમથી દૂર લઈ આવ્યો.

મસૂદે અલીને જણાવ્યું કે આ એ યુગલ નથી જેને એ લોકો શોધી રહ્યા હતા..આ સાંભળી અલી ગુસ્સા સાથે આઝમની નજીક ગયો અને શક્યવત એટલો ગુસ્સો દબાવી આઝમની આંખોમાં આંખ પરોવીને બોલ્યો.

"ડૉક્ટર, મને વિશ્વાસ છે કે તું BLAની ખાનગી રાહે મદદ કરે છે..જ્યારે અમે દેશના દુશ્મનોને રેલવે સ્ટેશન પર શોધતા હતા ત્યારે તમારી ત્યાં હાજરી હોવી એ તમને શંકાના દાયરામાં મૂકે છે."

ધીરે-ધીરે એ લોકો જ્યાં હતા ત્યાં સ્થાનિક લોકોની ભીડ એકઠી થવા લાગી હતી...આઈ.એસ.આઈના માણસો પોતાના માટે દેવતા સમાન એવા ડૉક્ટર આઝમને પરેશાન કરી રહ્યા હોય એવું એ બધાને લાગ્યું એટલે ત્યાં એકઠી થયેલી ભીડ ઉગ્ર બની. આસપાસનું વાતાવરણ ગરમાયુ હોવાનું અલીએ અનુભવ્યું; આથી જ એને વાત નિપટાવી લેતા કહ્યું.

"આજે તો હું જાઉં છું ડૉક્ટર.. પણ, ભવિષ્યમાં હું તમને દેશદ્રોહી સાબિત કરીને જ રહીશ."

"એ માટે તમને તહેદિલથી શુભેચ્છાઓ." આટલું કહી આઝમ કાર તરફ વધ્યા..એમના ચહેરા પર અલીને શીકસ્ત આપવાનો આનંદ સાફ વર્તાતો હતો. ઝહીર અને એની સાથે ઊભેલી યુવતીને કારમાં બેસાડી ડૉક્ટર આઝમ જ્યારે અલી અને મસૂદના માણસો વચ્ચે થઈને રોફભેર પસાર થયા ત્યારે અલીનો ચહેરો જોવાલાયક હતો.

ડૉક્ટર આઝમે નક્કી કોઈ મોટી ગેમ રમી હતી,.. પણ શું? આ પ્રશ્ન એને વારંવાર ખૂંચી રહ્યો હતો. મસૂદ જે લોકોને શોધી રહ્યો હતો એમને વળાવવા ડૉક્ટર આઝમ કવેટા રેલવે સ્ટેશન આવ્યો હતો અને ત્યાંથી જ ઝહીર અને એની થનારી બેગમને લઈને પાછો વળ્યો..જાણીજોઈને આઝમે એવું ગોઠવ્યું કે એનો પીછો થાય અને એમ કરવામાં સમય વેડફાય પણ કેમ?

આ બધા જ પ્રશ્નો અંગે વિચારતા ગુલામઅલીએ સિગરેટ સળગાવી અને પોતાના ગુસ્સાને સિગરેટના ધુમાડામાં ઉડાવી દેવા માંગતો હોય એમ જોરજોરથી સિગરેટના કસ મારવા લાગ્યો.

એકાએક અલીને કંઈક યાદ આવ્યું હોય એમ એને બાકીની અડધી સિગરેટ નીચે ફેંકી એની ઉપર બુટ મૂકી એને ઓલવી નાંખી અને જીપમાં આવીને બેઠો.

"અલી, હવે ક્યાં ઊપડ્યો..આપણા દુશ્મનો હજુ હાથમાં નથી આવ્યા." મસૂદના સ્વરમાં બેચેની સાફ જણાતી હતી.

"એમને પકડવા જ જાઉં છું..!" જીપના એક્સીલેટર પર પગ મૂકતા અલી બોલ્યો.

"પણ ક્યાં..?" મસૂદે આશ્ચર્યમિશ્રિત સ્વરે જીપમાં ગોઠવાતા પૂછ્યું.

"ચમન રેલવે સ્ટેશન.. તમે જેને શોધી રહ્યા છો એ નક્કી ટ્રેઈનમાં જ હતા પણ આપણી નજરમાં આવવાથી બચી ગયા છે." અલી બોલ્યો. "ટ્રેઈન ચમન રેલવે સ્ટેશન પહોંચે એ પહેલા આપણું ત્યાં પહોંચવું આવશ્યક છે."

મસૂદના પ્રત્યુત્તરની રાહ જોયા વિના અલીએ કવેટાથી ચમન જતા રસ્તે જીપ દોડાવી મૂકી..બીજી જીપ પણ એમની પાછળ દોરવાઈ. ટ્રેઈન ઉપડે એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવાથી અલીએ પોતાની જીપને ફૂલ સ્પીડમાં ભગાવી હતી.

**********

દોઢ કલાક પહેલા, કવેટા રેલવે સ્ટેશન

ડૉક્ટર અસદ આઝમ ખૂબ જ ચાલાક માણસ હતો. શાહનવાઝ જંગ સાથે એને ઘરમેળ હતો એટલે એને સામે ચાલીને પેશાવરથી સાત વાગે કવેટા પહોંચતી ટ્રેઈનમાં આવી રહેલા જંગના પૌત્ર અને એની ફિયાન્સેને ઘર સુધી લઈ આવવાનું કામ હાથમાં ઝડપ્યું હતું. ઝહીર પોતે પણ BLAને મદદ કરવા ઈચ્છતો હતો એટલે એને પણ આ બધી ગેમમાં જોડાવવામાં રોમાંચ અનુભવ્યો.

દિલાવર ખાનને ઘાયલ કરનારો આતંકી મસૂદ નક્કી માધવ અને નગમાને શોધવા રેલવે સ્ટેશન આવશે એવી ગણતરી તો આઝમે કરી હતી પણ જ્યારે એમને ગુલામઅલીને પણ રેલવે સ્ટેશન પર જોયો ત્યારે એમનું શાતીર દિમાગ વધુ તીવ્ર ગતિએ દોડવા લાગ્યું.

ઝહીર અને એની ફિયાન્સેને કારમાં બેસવાનું કહી આઝમ મુસ્તફા, નગમા અને માધવને લઈને સ્ટેશનના પાછળના રસ્તેથી સ્ટેશનમાં પ્રવેશ્યા..જ્યાં ટ્રેઈનમાં અફઘાનિસ્તાન જતા ફળો અને સૂકોમેવો ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ઘણોખરો આઝમની માલિકીનો પણ હતો.

એમને મુસ્તફાને રિક્ષામાં ક્લિનિક પહોંચી, પોતાની કાર લઈને પાછું સેફહાઉસ જવા જણાવી દીધું. પોતે બધું હેન્ડલ કરી લેશે એવો વિશ્વાસ આપી આઝમે મુસ્તફાને મહાપરાણે સેફહાઉસ જવા સમજાવ્યો હતો..બાકી એ તો છેક સુધી ડૉક્ટરની પડખે ઊભો રહેવાની જીદ લઈને બેઠો હતો.

માધવ અને નગમાએ ગળે લગાવીને મુસ્તફાને વિદાય આપી..માધવે પોતાની રિસ્ટ વોચ મુસ્તફાને ભેટ સ્વરૂપ આપી જેને આજીવન સાચવી રાખવાનું વચન આપી મુસ્તફાએ ત્યાંથી ભારે હૈયે વિદાય લીધી.

મુસ્તફાના જતા જ આઝમ ત્યાં ગોદામમાં હાજર પોતાના ઓળખીતા અને વિશ્વસ્થ એવા બે લોકોને મળ્યા અને એમને કંઈક સમજાવ્યું. જૂની કોઈ ઓળખ અથવા તો આઝમે કરેલી મદદના કારણે એ બંને માણસો નગમા અને માધવને ટ્રેઈનના જે ડબ્બામાં સામાન રાખવામાં આવતો એમાં છુપાવવામાં મદદ કરવા માટે તૈયાર થયા.

એ લોકોએ પોતાનું કામ બખૂબી નિભાવ્યું. ગુલામ અલી અને મસૂદની નજરોથી બચીને એમને માધવ અને નગમાને ગુડ્સ કંપાર્ટમેન્ટમાં છુપાવી દીધા. અલીને આ કંપાર્ટમેન્ટમાં જડતી લેવાનો સ્વપ્નેય ખ્યાલ નહિ આવે એનો વિશ્વાસ હોવાથી ડૉક્ટર આઝમે આ જોખમ ઉઠાવ્યું હતું.

નગમા અને માધવ હાથમાં ના આવ્યા એટલે હતાશ અને નિરાશ એવા અલી અને મસૂદ જ્યારે પાછા વળવાની તૈયારી કરતા હતા ત્યારે જ આઝમ પાર્કિંગમાં રાખેલી પોતાની કારમાં આવીને બેસી ગયા. જેવો એમને અલીને આવતો જોયો એ સાથે જ એમને કારને ભગાવી. અલી પોતાની કારને ઓળખી જશે અને કારનો પીછો કરશે એવી આઝમની ગણતરી હતી, જે સાચી પણ ઠરી.

નગમા અને માધવને લઈ જતી ટ્રેઈન ખાસ્સી દૂર નીકળી જાય ત્યાં સુધી આઝમ ગુલામઅલીને પોતાની પાછળ-પાછળ ભગાવતા રહ્યા.

પોતે શિયાળ જેવા લુચ્ચા અને વાઘ જેવા ઘાતકી એવા ગુલામઅલીને આબાદ છેતર્યો હોવાની ખુશી તો આઝમને હતી પણ અલીને ઓછો આંકવાની ભૂલ કરવી યોગ્ય નહોતી એ સમજતા આઝમે અલીની ઘેરાબંધીમાંથી નીકળતા જ પોતાના મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો.

બે ત્રણ રિંગ પછી જેવો કોલ રિસીવ થયો એ સાથે જ આઝમે કહ્યું.

"હવે સ્ટેપ ટૂ તરફ આગળ વધવાનું છે...આગળની ગોઠવણ થઈ ગઈ છે..ખુદા હાફિઝ."

કોઈને સાંભળે તો સમજાય નહિ એવા આ શબ્દોમાં શું રહસ્ય હતું..? નગમા અને માધવ સલામત રીતે અફઘાનિસ્તાન પહોંચશે કે નહિ? અલી માધવ અને નગમાના સગડ મેળવી શકશે કે નહિ? આ સવાલોના જવાબ માટે ચમન રેલવે સ્ટેશન સુધીની યાત્રા કરવી જ રહી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)