The Mind wants oiling of Thoughts – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

મન માગે છે વિચારોનું ઊંજણ! – દિવ્યેશ ત્રિવેદી

સિકંદરે કહ્યું હતું કે મારા કોઈ પણ કાર્યને બે બાજુથી મારી વિચારણાનો ટેકો મળે છે. હું કોઈ પણ કાર્ય હાથ ધરતાં પહેલાં એના માટે વિચારું છું અને એ કાર્ય પૂરું થયા પછી એના વિષે વિચારું છું. સિકંદરની વાતને બરાબર સમજીએ તો કહી શકાય કે પહેલી વિચારણા કોઈ પણ કાર્યને ઉપાડવા માટે છે અને પછીની વિચારણા કાર્યનો ભાર ઉપાડવા માટે છે. આને પરિણામે કરેલું કાર્ય કદી એળે જતું નથી. સહેજ ઊંડાણથી વિચારીએ તો બે વખતની વિચારણાની વચ્ચે કાર્ય સેન્ડવિચ બને છે. પહેલી વિચારણા એ કાર્યની પૂર્વ તૈયારી અથવા આયોજન છે અને પાછળથી થતી વિચારણા કાર્યનું મૂલ્યાંકન છે. ખરેખર તો આ એક સાંકળ છે. કાર્ય સમાપ્ત થયા પછી કરાતી મૂલ્યાંકનલક્ષી વિચારણા જ આડકતરી રીતે નવા કાર્યની પૂર્વ તૈયારી બને છે.

વિચારવું એ માણસનું વિશિષ્ટ લક્ષણ છે. બધા જ માણસો વિચારતા તો હોય છે, પરંતુ એમાં ઉપયોગી વિચારણા કેટલી એ સવાલ રહે છે. માનવીના દિમાગની ખૂબી એ છે કે એની સ્વીચ કદી ઓફ થઈ શકતી નથી. દિમાગની સ્વીચ ઓફ થાય ત્યારે બધી જ સ્વીચો ઓફ થઈ જાય છે. એટલે દિમાગને મૂળભૂત રીતે વિચારવાનો આદેશ આપવો પડતો નથી. શું વિચારવું અને કેવી રીતે વિચારવું એનો જ આદેશ આપવો પડે છે. વિચારવાનું કાર્ય આપમેળે ચાલ્યા કરતું હોવાથી જો એને નિયંત્રિત કરવામાં ન આવે કે યોગ્ય દિશા આપવામાં ન આવે તો આપણા દિમાગમાં પણ અંધાધૂંધી વ્યાપી જાય છે. આપણે જેને અકળામણ કહીએ છીએ એ વિચારોની અંધાધૂધી જ છે. વિચારો ઊલટા સૂલટી ચાલે, સામસામે અથડાય, એક બીજાને કાપે કે એક્બીજાની ઉપર પડતાં નાખે ત્યારે કશું જ સ્પષ્ટ સૂઝે નહિ અને એને જ આપણે અકળામણ કહીએ છીએ.

વિચારોની આ અંધાધૂંધીને આપણે શહેરી ટ્રાફિક સાથે સરખાવી શકીએ. આડેધડ વાહનો અવર જવર કરતાં હોય ત્યારે કેટલાંક વાહનો એમાં અટવાઈ જતાં જોવા મળે છે અને કેટલાક એકબીજા સાથે ઘસાય છે અથવા ટકરાય છે. એમાંથી જ ઉગ્ર બોલાચાલી થતી હોય છે અને ક્યારેક વાત મારામારી સુધી પણ પહોંચી જતી હોય છે. પરિણામે બીજાં વાહનોને પણ સહન કરવું પડે છે. પરંતુ એ જ ટ્રાફિક ધોરણસર અને નિયમસર ચાલતો હોય ત્યારે કોઈને તકલીફ પડતી નથી. બધાં જ પોતપોતાના રસ્તે શાંતિથી ગતિ કરે છે. વિચારોનું પણ આવું જ છે. વિચારોની ગતિ અને દિશાને જો નિયંત્રિત કરી શકીએ તો ભીડભાડ સર્જાતી નથી. પરંતુ મોટા ભાગના માણસો આવું ગતિ-નિયંત્રણ કેળવતા નથી. પરિણામે એમના દિમાગમાં વિચારોનો ટ્રાફિક-જામ સર્જાય છે અને વિચારો આડેધડ ફંગોળાતા જોવા મળે છે. મહાન તર્કશાસ્ત્રી ડેકાર્ટ કહેતો હતો કે માનવીના મનમાં વિચારોની ભીડ થઈ ગઈ છે. ભીડમાં શું હોય? ધક્કામુક્કી અને મારામારી. મનોવિજ્ઞાન કહે છે કે ભીડ થાય ત્યાં બુધ્ધિ અને તર્ક ગાયબ થઈ જાય છે. એટલે આપણે એવા તારણ પર આવી શકીએ કે મનમાં વિચારોની ભીડ સર્જાય ત્યારે તર્ક અને બુધ્ધિની બાદબાકી થઈ જાય!

અર્થશાસ્ત્રનો એક નિયમ છે કે વ્યવસ્થા અને શિસ્તથી ઉત્પાદનક્ષમતા અને કાર્યદક્ષતા બન્ને વધે છે. આપણા વિચારોમાં પણ જો આપણે વ્યવસ્થા, શિસ્ત અને નિયમબધ્ધતા લાવી શકીએ તો એ વિચારો ઉત્પાદનક્ષમ અને કાર્યક્ષમ બને. વ્યવસ્થિત અને શાંતચિત્તે વિચારનારને જ નવા નવા નુસખા સૂઝે છે. ઉધમાત અને અકળામણ સારા અને ઉપયોગી વિચારોનો પણ માર્ગ અવરોધે છે. કોઈ પણ કામમાં સફળ થવા માટે શાંત અને સ્વસ્થ વિચારણા ખૂબ જરૂરી છે. ક્યારેક કલાકો, દિવસો અને વર્ષો સુધી પણ વિચારવું પડે, પરંતુ જો એ સ્વસ્થ વિચારણા ન હોય તો સદીઓ સુધી વિચારવા છતાં સાચી દિશા મળતી નથી. કહે છે કે સિકંદરે વિશ્વવિજેતા બનવા માટે વર્ષો સુધી વિચાર્યા કર્યું હતું. એ વીસ વર્ષની વયે રાજગાદી પર બેઠો એ પહેલાંથી એ વિજેતાપદ મેળવવા વિષે વિચારતો હતો.

અગાઉ કહ્યું એ વાતને એક વાર દોહરાવીએ. વિચારવાથી કદી થાક લાગતો નથી. મગજ કદી થાકતું નથી. થાક તો જ્ઞાનતંતુઓને લાગે છે. આપણે જ્ઞાનતંતુઓને જ આરામ આપતા હોઈએ છીએ, કારણ કે મગજને આરામ આપી જ શકાતો નથી. આપણા દિમાગની વિચારવાની શક્તિ ચપ્પુની ધાર જેવી છે. ચપ્પુનો જેટલો વધુ ઉપયોગ થતો રહે એટલી એની ધાર તેજ રહે છે. એ વપરાયા વિના પડી રહે તો એની ધાર બુઠઠી થઈ જાય છે. એટલે દિમાગને સતત વિચારતું જ રાખવું પડે છે. નહિતર કુંઠા - જડતા પ્રવેશી જાય છે.

હવે આપણી વિચારવાની ક્ષમતા અને શક્તિ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની બાબતોનો વિચાર કરવા જેવો છે.

૧. સ્વપ્ન અને દિવાસ્વપ્ન: Dream and Day-Dreaming

સ્વપ્ન એ ઊંઘમાં ચાલતી પ્રક્રિયા છે. એનો જન્મ તો આપણા વિચારોમાંથી જ થાય છે. પરંતુ સ્વપ્ન જોતી વખતે એના પર વિચારોનો સીધો અને સક્રિય પ્રભાવ નથી હોતો. સ્વપ્ન મૂળભૂત રીતે આપણી અધૂરી ઇચ્છાઓ, એષણાઓ, અતૃપ્તિઓ, હતાશાઓ, વંચિતતાઓ અને લાગણીઓનું પ્રતિબિંબ છે. એમાં વિવિધ બાબતોની ભેળસેળ થઈ જતી હોય છે. મનોવિજ્ઞાનીઓએ સ્વપ્નની પ્રક્રિયાને સમજવાના ઘણા પ્રયાસો કર્યા છે. ફ્રોઈડ અને યુંગે તો સ્વપ્ન મીમાંસાનું આખું શાસ્ત્ર રચ્યું છે. પૌરાણિક માન્યતા પ્રમાણે સ્વપ્ન ભાવિનો સંકેત આપે છે. સ્વપ્નના આટલા અભ્યાસો પછી પણ હજુ આપણા માટે રહસ્ય રહ્યું છે. કેટલાક માણસોને ઊંઘમાં જોયેલાં સ્વપ્નો યાદ નથી રહેતાં તો કેટલાકને પૂરેપૂરાં યાદ રહે છે. આપણે જોયેલાં સ્વપ્નને આપણી ઇચ્છાઓ, લાગણીઓ વગેરેના સંદર્ભમાં મૂલવીએ તો આપણને આપણી વિચારવાની તરાહ વિષે ઘણું બધું સમજાવા માંડે છે.

દિવાસ્વપ્ન જોવા માટે આંખ મીંચીને બેસવું જરૂરી નથી. ઉઘાડી આંખે દેખાતા આ સ્વપ્નમાં આપણું જાગ્રત અસ્તિત્વ પણ ભળે છે. દીવાસ્વપ્ન ખરેખર તો તર્ક અને આયોજનની ગેરહાજરી સાથેનું લાગણીઓનું ઘોડાપૂર છે. દિવાસ્વપ્નને ભલે કોઈ વિકૃતિ કહે, વાસ્તવમાં દિવાસ્વપ્ન વિચારોની બેફામ દોડનો પુરાવો આપે છે. દિવાસ્વપ્નો ક્યારેક આપણને હળવાશ અને આનંદ પણ આપે છે. દિવાસ્વપ્ન જોવું એ ગુનો નથી. પરંતુ જો એમાં તર્ક અને આયોજનનું ઉમેરણ કરવાનો પ્રયત્ન કરીએ તો એ ઉપયોગી વિચારોનું રૂપ લે છે. ક્યારેક દિવાસ્વપ્નમાંથી જ કોઈક ઉપયોગી અને રચનાત્મક વિચાર જાગે છે, જે જીવનને અણધારી દિશા આપે છે. અલબત્ત, દિવાસ્વપ્નનું વ્યસન થઈ જાય તો તે ખતરનાક નીવડે છે. એથી જ વિચારો જ્યારે દિવાસ્વપ્નના રવાડે ચડી જાય ત્યારે એના પર લગામ નાખવી ખૂબ જરૂરી બને છે.

૨.વિચારોમાં મોકળાશ: Openness in Thinking

આપણી વિચાર-પ્રક્રિયા અને વિચારવાની તરાહ પાછળ અનેક પરિબળો હોય છે. આપણા જન્મથી માંડીને ઉછેર, કૌટુંબિક અને સામાજિક વાતાવરણ, ભણતર, વાચન, સોબત અને તમામ પ્રકારના અનુભવો આપણી વિચાર-પ્રક્રિયાને ઘડે છે. મહત્ત્વની વાત એ છે કે આપણી વિચાર-પ્રક્રિયાનું સતત ઘડતર થતું જ રહે છે. એ માટે આપણું અનુભવ-જગત પણ સતત વિસ્તરતું રહેવું જોઈએ. ઘણી વાર આપણા કાચા-પાકા અનુભવો આપણા મનમાં કેટલાક પૂર્વગ્રહો બાંધી આપે છે. એ પછી આપણે આપણા અનુભવ-જગતની આસપાસ પૂર્વગ્રહો અને માન્યતાઓનો કિલ્લો ચણી દઈએ છીએ. દિમાગના બારી-દરવાજા બંધ કરી દઈએ છીએ અને બહારથી હવાને અંદર આવવા જ દેતા નથી. પરિણામે બંધિયાર દિમાગના વિચારો ગંધાઈ ઊઠે છે. જે માણસ દિમાગના બારી-બારણા ખુલ્લા રાખે છે, પોતાના અનુભવ-જગતને વિસ્તરવા દે છે એના જ વિચારોમાં તાજગી દેખાય છે. એટલે વિચારોમાં મોકળાશ એ સ્વસ્થ અને ઉપયોગી વિચારણાની અનિવાર્ય શરત છે.

૩. સમય સંગત વિચાર: Time – Compatible Thinking

સ્વસ્થ અને ઉપયોગી વિચારણાને સ્પર્શતું એક અત્યંત મહત્ત્વનું પાસું સમય સંગત વિચારનું છે. કોઈ પણ બાબત વિષે વિચારતી વખતે એની પૂર્વભૂમિકા, આનુષંગિક બાબતો, કારણો અને પરિણામો તથા સમય સંગતતાને ધ્યાનમાં લેવી જરૂરી બની જાય છે. દરેક બાબતને એનો સમય હોય છે. પરંતુ ઘણીવાર આપણે સમય કરતાં ખૂબ વહેલું વિચારવાનું શરૂ કરી કઈએ છીએ. આ વલણનો આપણે ‘અગમચેતી’ શબ્દ વાપરીને બચાવ પણ કરીએ છીએ. પરંતુ ખરી વાત એ છે કે બહુધા આપણે આમ કહીને સમય અને શક્તિ વેડફીએ છીએ. કેટલીક વાર આ રીતે વિચારવાની પધ્ધતિ આપણને ઊંધા રવાડે પણ ચડાવી દેતી હોય છે. ‘ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ’ એવી ઉક્તિ આવી વિચારણાનું જ પ્રતિબિંબ પાડે છે. જે વાત જે સમયે વિચારવાની હોય એને અગાઉથી વિચારવા બેસીએ ત્યારે અગત્યની બીજી વાતો છૂટી જતી હોય છે.

૪. નિરર્થક વિચાર: Pointless Thoughts

વિચારવું એ આપણા દિમાગનું લક્ષણ છે. એટલે ગમે ત્યારે ઘસી આવતા વિચારને હંમેશાં, આપણે બહાર ઊભો રાખી શકતા નથી. પરંતુ વિચાર આવી જાય તો ભલે, એને કેટલીવાર આપણા દિમાગનું ભેલાણ કરવા દેવું એ આપણા હાથમાં છે. કેટલીક વાર આપણે એવી બાબતો વિષે વિચારીએ છીએ, જેના પર આપણો કોઈ સીધો કે આડકતરો કાબૂ નથી હોતો. જેના પર આપણે કોઈ તાત્કાલિક કે દૂરગામી પ્રભાવ પાડી શકીએ તેમ નથી, આપણા ગમે તેટલું વિચારવાથી પણ કોઈ ફર્ક પડી શકવાનો નથી. છતાં આપણે વિચારીએ છીએ અને વિચારવા જેવી બીજી બાબતોને ટાળી દઈએ છીએ. આફ્રિકાનો દુષ્કાળ કે લાતુરનો ભૂકંપ આપણામાં સંવેદના જગાવે અને સહેજ વાર આપણે એ વિષે વિચારીએ ત્યાં સુધી ઠીક છે, પરંતુ આખો દિવસ દુષ્કાળ અને ભૂકંપના જ આંચકા ખાધા કરીએ તો જરાય મેળ પડે નહિ. ઘણી વાર ઑફિસમાં બેઠા બેઠા પણ આપણે બીજા માણસો શું કામ કરે છે, એમના ઘરમાં કેવા ડખા ચાલે છે એ બધું વિચારવામાં ખૂબ સમય વેડફીએ છીએ. પરિણામે આપણે જે કરવાનું કે વિચારવાનું હોય છે એ તો બાજુ પર જ રહી જાય છે.

૫. વિચારોમાં સ્પષ્ટતા: Clarity in Thoughts

અસ્પષ્ટ વિચારો એ મોટા ભાગના માણસોની સૌથી મોટી સમસ્યા છે. કોઈપણ બાબતને એનાં હકારાત્મક અને નકારાત્મક પાસાં હોય છે. કેટલાક માણસો વિચારવા બેસે છે ત્યારે એક જ દિશામાં વિચારવા માંડે છે. આને કારણે એમને સાચી અને સ્પષ્ટ દિશા મળતી નથી. કોઈ પણ બાબતને તબક્કાવાર એનાં હકારાત્મક અને નકારત્મક પાસાં સાથે વિચારવામાં આવે તો એમાં સ્પષ્ટતા આવે છે. વિચારો તો ધૂમધડાકા ભેર આવતા જ હોય છે. કોઈ પણ બાબતમાં તમામ પાસાં તપાસીને છેલ્લે કોઈક તારણ મેળવવાની ટેવ પાડવી જરૂરી છે. એ વિના કદી વૈચારિક સ્પષ્ટતા આવતી નથી.

૬. લાગણીની સમજ અને અભિવ્યક્તિ: Understanding and Expression of Emotion

સ્વસ્થ વિચારણા માટે કદાચ લાગણીને સમજવી અને એને વ્યક્ત કરવી એ અત્યંત મહત્ત્વની બાબત છે. આપણે મૂળભૂત રીતે સંવેદનશીલ પ્રાણી છીએ. આપણને અવનવી લાગણીઓ થતી જ રહે છે. પરંતુ ઘણી વાર બને છે એવું કે આપણને જ આપણી લાગણી સમજાતી નથી. આપણને કોઈક વાતે ખૂબ આનંદ થાય, કોઈક વાતે ગુસ્સો આવે કે દુઃખ થાય, કોઈક વસ્તુ ગમે અથવા કોઈક વાત પ્રત્યે સખત અણગમો ઊપજે ત્યારે એ કેમ થયું એ સમજવું જરૂરી છે. ક્યારેક આપણે અકારણ ખૂબ ખુશમાં હોઈએ છીએ તો ક્યારેક આપણને અકારણ રડવાનું મન થાય છે. આ લાગણીને આપણે ‘અકારણ’ એટલા માટે કહીએ છીએ કે આપણને કારણ સમજાતું નથી. બીજી ભૂલ આપણે એ કરીએ છીએ કે રડવાની ઇચ્છા થતી હોવા છતાં રડી લેતા નથી, ખરેખર તો અમુક લાગણી શાથી થઈ અને થઈ તો એને વ્યક્ત કેમ કરવી એ શીખવા જેવું છે. મનોવિજ્ઞાન કહે છે કે લાગણી વ્યક્ત નહિ કરવાથી એ અંદર તોફાન સર્જે છે અને વ્યક્તિત્વમાં કોઈક વિકૃતિ સ્વરૂપે પાંગરે છે.

લાગણીને અભિવ્યક્ત કરવાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે. ઘણી વાર આપણે કોઈ એક વાત પર ખૂબ વિચારીએ છતાં સ્પષ્ટતા આવતી નથી. પરંતુ આ જ વાતને અભિવ્યક્ત કરીએ ત્યારે ઘણી બધી સ્પષ્ટતા આવે છે. એક લેખક મિત્ર નવલકથાના અંત અંગે મૂંઝવણ અનુભવતા હતા. છેવટે એમણે બીજા એક મિત્રને પોતાનો પ્લોટ સમજાવ્યો. પરિણામે અંત બાબતમાં એમના મનમાં સ્પષ્ટતા થઈ ગઈ.

લાગણીની અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ ડાયરી છે. રોજ રાત્રે ડાયરી લખવાનો પ્રયોગ કરી જોવા જેવો છે. થોડા જ સમયમાં અનુભવ થશે કે વિચારો ખૂબ સ્પષ્ટ થતા જાય છે અને વ્યક્તિત્વમાં એક પ્રકારે હળવાશ આવતી જાય છે. ક્યારેક તો આવી રોજનીશી કે ડાયરીનું લેખન સાહિત્યનો ઉત્તમ નમૂનો બની રહે છે. ઇતિહાસમાં આવા ઘણા દાખલા છે!