Lilo Ujas – Chapter – 13 The Sky of No-words – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ – દિવ્યેશ ત્રિવેદી

ટ્રેન ઉપડયા પછી ખાસ્સી વાર સુધી કોઈ બોલ્યું નહિ. મનીષા બારીમાંથી બહાર તાકી રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક, લાઈટોની ઝાકમઝાળ અને આવતાં જતાં માણસોને એ જોયા કરતી હતી. એણે નયને આપેલું પેકેટ થોડીવાર ખોળામાં રાખીને બાજુ પર મૂક્યું હતું. એના મનમાં એમ હતું કે સોનલ કદાચ એ પેકેટ ખોલશે. પરંતુ સોનલ તો ધ્યાનમાં સરકી ગઈ હોય એમ આંખો બંધ કરીને શાંત અને સ્થિર બેઠી હતી. થોડીવારે એણે આંખો ખોલી ત્યારે જાણે એની આંખ ખોલવાની જ રાહ જોઈ રહ્યા હોય એમ મનહરભાઈએ કહ્યું, “તમે બંને નીચેની સીટ પર સૂઈ જજો. અમે બંને ઉપરની બર્થ પર જતાં રહીએ છીએ.”

સોનલ કંઈ બોલી નહિ. મનહરભાઈ અને વિનોદિનીબહેન ઉપરની બર્થ પર જતાં રહ્યાં એટલે સોનલ ઊભી થઈને સામેની સીટ પર આવી ગઈ. એ મનીષાને જ જોયા કરતી હતી અને એના મનમાં શું ચાલતું હશે એનું અનુમાન કરવાનો પ્રયત્ન કરતી હતી. થોડીવાર બંને કંઈ બોલ્યાં નહિ. પછી મનીષાએ પેલું પેકેટ હાથ લાંબો કરીને સોનલને આપ્યું. સોનલે એ ખોલવાને બદલે બાજુ પર મૂકી દીધું. મનીષા એની સામે જોઈ રહી અને પછી હસી પડી. સોનલથી પણ હસી દેવાયું. એણે બારીની બહાર જોવા માંડયું. એટલે મનીષાએ જ એને કહ્યું, “મેં તને આ પેકેટ બાજુ પર મૂકી દેવા નહિ, ખોલવા આપ્યું છે...”

સોનલે કહ્યું, “તું પણ એ ખોલી જ શકતી હતી. હાથે કરીને આપણી જિજ્ઞાસાને દબાવવી જોઈએ નહિ.”

મનીષા એની તરફ આંખો કાઢીને જોઈ રહી. સોનલે પ્લાસ્ટિકની કોથળીમાંથી પેકેટ બહાર કાઢ્યું. એના પર કાગળ વીંટાળેલો હતો. મનીષા એકીટશે જોયા કરતી હતી. સોનલે પૂછયું. “ચાલ, કલ્પના કરી જો તો, આમાં શું હશે?"

“જે હોય તે, ખોલ ને!” મનીષા જરા અકળાઈને બોલી.

“હું તને કલૂ આપું!" સોનલે રમત કરતાં કહ્યું.

“તું કલૂ ક્યાંથી આપવાની હતી? તને ખબર છે કે, એમાં શું છે?" મનીષા ફરી અકળાઈ.

“કલૂ નહિ, ઓપ્શન આપું છું... બોલ, આમાં કોઈક મીઠાઈ હોઈ શકે?" સોનલે ક્વિઝ્-માસ્ટરની અદાથી કહ્યું.

“ના, મીઠાઈ તો ન જ હોય. અને હોય તો બારીમાંથી બહાર ફેંકી દેજે.” મનીષા ઠંડા કલેજે બોલી.

“બહાર શા માટે ફેંકી દેવાની? તારે ન ખાવી હોય તો ના ખાઈશ. મને તો ખાવા દે.. પહેલાં તો આમાં મીઠાઈ છે કે નહિ એ જ સવાલ છે!” એમ કહીને એણે પેકેટ સૂંઘી જોયું. પછી નકારમાં ડોકું ધુણાવ્યું અને બોલી. “ચાલ, બીજો વિકલ્પ... આમાં કોઈક ગિફ્ટ હશે?"

“કદાચ હોય પણ ખરી... અને હોય તો તારા માટે જ હોય!” મનીષા મોં વાંકું કરતાં બોલી.

“નયન મને શા માટે ગિફ્ટ આપે? તું શેના પરથી કહે છે કે મારા માટે જ હોય?” સોનલે આંખો ઝીણી કરતાં કહ્યું.

“એટલા માટે કે મને ગિફ્ટ આપવાનો આ અવસર પણ નથી અને એ માટેનું કોઈ કારણ પણ નથી. તું પહેલી વાર આવી છું અને કદાચ...” મનીષા બોલતાં બોલતાં અટકી ગઈ અને મોં સંતાડીને હસવા લાગી.

“વાક્ય પૂરું કરી નાંખ. ‘કદાચ' કહીને કેમ અટકી ગઈ?" સોનલે પ્રશ્ન કર્યો.

“કહી દઉં? હું એમ કહેતી હતી કે કદાચ એને તું ગમી ગઈ પણ હોય!" મનીષાએ સહેજ નટખટ થતાં કહ્યું.

“તો હવે તને કહી દઉં... હું કોઈને પણ ગમું એવી તો છું જ... પણ પછી તરત એ પણ સમજાઈ જાય છે કે અહીં દાળ ગળે એવી નથી...” સોનલે ગૌરવના ભાવ સાથે કહ્યું અને પછી ઉમેર્યું. “હવે પેકેટ તોડવું જ પડશે.” એણે ઉપરનું કાગળનું આવરણ ફાડી નાખ્યું તો અંદર એક બીજી કોથળી હતી અને ઉપર એક નાનકડું કવર મૂકેલું હતું. એ કવર પર સોનલનું નામ હતું. સોનલે કવર ફોડ્યું અને વાંચવાનું શરૂ કરતાં પહેલાં જ બોલી, “અક્ષર બહુ જ સરસ છે!”

મનીષાએ ઊભા થઈને કાગળમાં ડોકિયું કર્યું તો સોનલે હાથ વડે કાગળ પાછળ સંતાડી દીધો અને ઠપકો આપતી હોય તેમ બોલી, “કાગળ મારા નામે છે અને કોઈનો કાગળ વંચાય નહિ, ઈડિયટ!”

મનીષા મોં મચકોડીને પાછી બેસી ગઈ. સોનલે કાગળ વાંચવા માંડયો અને સંબોધન વાંચતા જ બોલી પડી, “હત્તે રે કી! આ તો સોનલબહેન પરનો કાગળ છે!” એણે ‘બહેન’ શબ્દ પર વિશેષ ભાર મૂક્યો. મનીષા સહેજ જોરથી હસી પડી. કાગળમાં લખ્યું હતું: “સોનલબહેન, મને ખબર નથી મારાથી આ રીતે તમને કાગળ લખાય કે નહિ અને આ રીતે મારી ભેટ મોકલાય કે નહિ. છતાં કાગળ લખું છું અને ભેટ પણ મોકલું છું. આમ તો આ ભેટ હું મનીષાને એના જન્મ દિવસે જ આપવાનો હતો. ઉદયને એના જન્મદિવસે આવી ભેટ આપી ત્યારે મેં મનીષાને પણ કહ્યું જ હતું. પરંતુ હવે એના જન્મદિવસે કદાચ ન મળાય. એથી જ ભેટ આપવાનો આ અવસર નહિ હોવા છતાં આપવાની હિંમત કરું છું. હવે એક વિનંતી-આ ભેટ મળ્યા પછી મનીષાએ એનો સ્વીકાર કર્યો કે નહિ અને સ્વીકાર કર્યો હોય તો એનો પ્રતિભાવ શું છે એ મને જણાવશો? મને ખબર છે કે તમે પત્ર તો નહિ લખો, પણ તમારા ફોનની રાહ જોઈશ.- નયનનાં પ્રણામ.”

“આ જો તો, મને પ્રણામ કરે છે! લખ્યું છે મારા નામથી, પણ પત્ર તો તારા માટે જ લખ્યો છે!” કહેતાં સોનલે એ પત્ર મનીષાના હાથમાં મૂક્યો અને કોથળી ફાડી નાખી. અંદર આસમાની રંગનું એક આલ્બમ હતું. એ આલ્બમમાં મનીષાની લગભગ પંદર તસવીરો હતી. દરેક તસવીર એક એકથી ચડિયાતી હતી. દરેકમાં કાં તો એંગલ અથવા લાઈટની કમાલ જોવા મળતી હતી. સોનલે ઝટઝટ પાનાં ફેરવ્યાં ત્યાં સુધીમાં મનીષાએ કાગળ વાંચી લીધો એટલે આલ્બમ એના હાથમાં મૂક્યું. આલ્બમ જોતાં જ મનીષા બોલી ઊઠી, “નયનભાઈએ ઉદયને આવું જ આલ્બમ એના જન્મદિવસે ભેટ આપ્યું ત્યારે મને પણ કહ્યું હતું કે તારા જન્મદિવસ માટે હું આલ્બમ તૈયાર કરી રહ્યો છું અને તને તારા જન્મદિવસે જ ભેટ આપીશ.”

મનીષાએ ખૂબ જ કાળજીથી આલ્બમ હાથમાં લઈને ખોલ્યું. પહેલા જ પાને સોનેરી અક્ષરથી લખેલું હતું - ‘ટુ મનીષા ઉદય વ્યાસ - ફ્રોમ નયન દેસાઈ.' મનીષાએ અકારણ પાનું ફેરવી નાખ્યું. પછીના પાને રંગબેરંગી અક્ષરમાં એક કવિતા લખેલી હતી. મનીષા બે વાર એ કવિતા વાંચી ગઈ. પણ એને એનો અર્થ બરાબર સમજાયો નહિ. એથી, એણે એ પાનું ખુલ્લું રાખીને આલ્બમ સોનલને આપ્યું. સોનલે એ કવિતા પર નજર કરી અને આંખમાં આશ્ચર્યના ભાવ લાવીને બોલી, “ઓહો! તો નયન કવિતા પણ લખે છે? નક્કી એ પ્રેમમાં પડયો છે!”

“કેમ એવું કહે છે?" મનીષાને કંઈ સમજાયું નહિ એટલે એણે પૂછયું.

“પછી કહું છું! પહેલાં કવિતા તો વાંચવા દે!” કહીને સોનલે કવિતા વાંચવા માંડી.

શબ્દોના જંગલમાં

તરસનું રણ

ધોમધખતા તાપમાં

તરફડતી ક્ષણ.

વૃક્ષ પર શબ્દોનાં ફૂલ અને ફળ

નદીમાં શબ્દોનું જ જળ

પર્વતની ટોચ પર શબ્દો

ડરામણી ખીણમાં ય શબ્દો

આકાશના તારા શબ્દો

સૂરજ ને ચન્દ્ર પણ શબ્દો

શબ્દનો જ ઘોંઘાટ

અને

શબ્દનો જ સૂનકાર

ચારેકોર

એ જ એક ચિત્કાર!

“વાહ, કવિરાજ નયન દેસાઈ, આદાબ અર્ઝ હૈ!” એમ કહીને સોનલે એમ જ કુરનિશ બજાવી.

“હવે મને આ કવિતાનો અર્થ સમજાવ!” મનીષાએ સોનલને વિનંતી કરતી હોય એમ કહ્યું.

પહેલાં તો સોનલ ખડખડાટ હસી પડી. પછી હસતાં હસતાં બોલી. “એક માણસ એક વાર એક જાણીતા કવિ પાસે આવ્યો અને એમની જ કવિતાનો અર્થ સમજાવવા વિનંતી કરી. કવિએ એને કહ્યું, આ કવિતા મેં લગભગ છ મહિના પહેલાં લખી ત્યારે બે જ જણ એનો અર્થ સમજ્યા હતા. હું અને મારો ઈશ્વર. આજે છ મહિના પછી એક જ જણને એનો અર્થ ખબર છે - મારા ઈશ્વરને!”

સોનલ પ્રશ્નસૂચક નજરે મનીષા તરફ જોઈ રહી એટલે મનીષાએ કહ્યું, “તારો કહેવાનો મતલબ શું છે?"

“મારો કહેવાનો મતલબ એ છે કે નયનભાઈએ જ આ કવિતા હમણાં થોડા દિવસોમાં જ લખી હશે તો કદાચ એમને એનો અર્થ ખબર હશે. પરંતુ જો છ મહિના પહેલાં લખી હશે તો એમને ય અર્થ ખબર નહિ હોય. પછી તો એમના ઈષ્ટ દેવને જ પૂછવું પડે!” સોનલે નિઃસહાયતા પ્રગટ કરતાં કહ્યું.

“હવે ચાંપલી થયા વગર કહે ને!” મનીષાએ કૃત્રિમ ગુસ્સો કર્યો. “ચાંપલી થયા વગર કહું તો કવિતાનો અર્થ કદી સમજાવાય નહિ. જેટલું સમજાય એટલું સાચું. અને મોનુબહેન, તમને એ અત્યારે નહિ સમજાય!” સોનલે ઠાવકાઈથી કહ્યું.

“પહેલાં નયનની બાબતમાં તું કંઈક બોલી એ વાત પણ તેં ઉડાડી દીધી. હવે મને કહે છે કે તને નહિ સમજાય. તું ખરેખર શું કહેવા માગે છે?” મનીષાએ થોડી ચીડ સાથે કહ્યું.

“આમ તો બંને સવાલોનો જવાબ એક જ છે. કવિતા લખવા માટે અને કવિતા સમજવા માટે પ્રેમમાં પડવું પડે. સમજી? મેં કહ્યું કે, નક્કી નયન પ્રેમમાં પડયો છે ત્યારે મારો કહેવાનો આશય આ જ હતો અને તું નહિ સમજે એવું કહ્યું ત્યારેય મારો કહેવાનો આશય આવો જ હતો!” સોનલે ચોખવટ કરી.

“તું ક્યાં પ્રેમમાં પડી છે? તને ય નથી સમજાયું એમ કહે ને!" મનીષાએ સોનલ પર પ્રહાર કર્યો.

સોનલ સહેજ વાર એના તરફ જોઈ રહી અને પછી બોલી, “એ પણ તને નહિ સમજાય.”

“ચાલ, જવા દે એ વાત! આ કવિતામાં તું શું સમજી એટલું તો કહે!” મનીષાએ પોતાની અસલી જિજ્ઞાસા વ્યક્ત કરી.

“સમજવા માટે બહુ મહેનત કરવી પડે એવી નથી. આ કવિતાનો અર્થ એટલો જ છે કે શબ્દ એને મૂંઝવે છે. એને કંઈક કહેવું છે પણ શબ્દો જડતા નથી. જડે છે તો અધૂરા લાગે છે. શબ્દનો ઉપયોગ કરવા જતાં કંઈક બફાઈ જવાનો અને ઉપયોગ ન કરવા જતાં કશુંક રહી જતું હોવાનો અનુભવ થાય છે. એ જ એની પીડા છે!” સોનલે કવિતાના અર્થને પામવાનો પ્રયત્ન કર્યો.

મનીષા શૂન્ય ચહેરે સોનલને તાકી રહી. સોનલે હળવે રહીને કહ્યું, “મોનુ, એક વાત કહું?”

“બોલ ને!”

“જો, ખિજાવાનું નહિ!”

“પણ, બોલ તો ખરી!”

કોઈ કવિતા સમજવાની ઈચ્છા થાય એ પણ પોઝિટિવ નિશાની છે... એમ કહીને સોનલ બર્થ પર આડી પડી. ભરૂચ પસાર થઈ ગયું. ત્યાં સુધીમાં તો એ જાણે ગાઢ નિદ્રામાં સરી ગઈ હતી. મનીષાને ઊંઘ નહોતી આવતી. એણે ત્રણેક વખત આલ્બમ ખોલીને તસવીરો જોઈ. દરેક તસવીર પાસે એ અટકી જતી હતી. એને દરેક તસવીરની સિચ્યુએશન યાદ આવતી હતી. મનમાં એ કોઈક મીઠી લાગણી અનુભવી રહી હતી.

આલ્બમના છેલ્લા પાને નયને વળી એક કવિતા લખી હતી. મનીષા અને સોનલની ચર્ચા તો પહેલા પાના પર જ અટકી ગઈ હતી. સોનલે તો બધી તસવીરો પણ ધ્યાનથી જોઈ નહોતી. છેલ્લા પાના પરની કવિતા પણ એણે વાંચી નહોતી. મનીષા એ કવિતા પણ ત્રણ વાર વાંચી ગઈ:

રોજ સવારે

નિઃશબ્દતાનું આકાશ

ભરી જાય એક પક્ષી

આંખમાંથી સરી જાય

સ્વપ્નના રાજકુમારનાં

શરીર પરનું

સોનાનું આવરણ

આજે

સાંજ પડી ગઈ

પણ અંધારું નથી થયું

કેમ, આજે કોનો દિવસ છે?

આકાશનો? પંખીનો?

રાજકુમારનો

કે

તારી નિઃશબ્દતાનો?

આ કવિતામાં પણ નયને શબ્દની જ વાત કરી હતી. મનીષાને કવિતાના અર્થની અનુભૂતિ થતી હતી. પણ કોઈ એને એ સમજાવવાનું કહે તો એ સમજાવી શકે તેમ નહોતી. એને સોનલની વાત યાદ આવી અને એ મનોમન હસી પડી. એણે એક નજર સોનલ પર નાખી. એ ઘસઘસાટ ઊંઘતી હતી. એને ઊંઘતી જોઈને થોડીવારમાં મનીષાને પણ ઊંઘ આવી ગઈ.

પરોઢે વિરાર પસાર થયું એટલે મનહરભાઈ નીચે ઊતર્યા. હજુ મનીષા અને સોનલ તો ઊંઘતાં જ હતાં. નિયમ મુજબ એમની પાછળ વિનોદિનીબહેન પણ ઊઠયા. એમણે મનીષા અને સોનલને જગાડયા. જોતજોતામાં તો ગાડી બોરીવલી પહોંચી ગઈ. આજે ગાડી થોડી મોડી હતી. ત્યાંથી લોકલ ટ્રેનમાં પાર્લા આવ્યાં. સ્ટેશનની બહાર નીકળ્યાં ત્યાં નન્નુ ટૅક્સીવાળો મળ્યો. કંઈ કામ હોય તો બોલાવજો એવું એણે કહ્યું.

ઘરે આવ્યાં ત્યારે બાર-પંદર દિવસથી ઘર બંધ હોવાને કારણે થોડી ધૂળ જમા થઈ હતી. રસોડામાં બધું એમ ને એમ પડયું હતું. પીવાનું પાણી પણ ઘરમાં નહોતું. વિનોદિનીબહેને ઝટપટ કચરો કાઢ્યો ત્યાં આજુબાજુમાં રહેતી ચાર-પાંચ સ્ત્રીઓ આવી ગઈ. એમને સમાચાર મળી ગયા હતા. મનહરભાઈને અને વિનોદિનીબહેનને આશ્ચર્ય જ એ વાતનું હતું કે એમણે તો આજુબાજુમાં કોઈને ય વાત નહોતી કરી. તો પછી એ લોકોને સમાચાર કઈ રીતે મળ્યા?

આજુબાજુવાળી સ્ત્રીઓએ રાબેતા મુજબ શોક પ્રદર્શિત કર્યો અને મનીષાની દયા ખાધી. એ સ્ત્રીઓ ઊભી થઈ કે તરત આજુબાજુમાંથી ચાર-પાંચ પુરુષો બેસવા આવ્યા. એમાંના એકે વાત વાતમાં કહી દીધું, “અમને તો ગઈકાલે જ ખબર પડી. પણ મનીષાનું વડોદરાનું સરનામું અમારી પાસે નહોતું.”

આવી આવન-જાવનમાં જ દસ વાગી ગયા. એમ લાગ્યું કે કદાચ હવે આજુબાજુમાંથી કોઈ નહિ આવે એટલે મનહરભાઈએ કહ્યું, “આજુબાજુ બધાંને ખબર પડી ગઈ છે! આપણે તો કોઈને વાત કરી નથી. આ લોકોને ખબર કઈ રીતે પડી?"

“અંકલ, તમને આશ્ચર્ય થાય એ બરાબર છે. પરંતુ એ પણ ભૂલવા જેવું નથી કે આજે તો માહિતી ટેકનોલૉજીની દુનિયા છે. માઈલો દૂર બનેલી કોઈક વાત બીજી જ ક્ષણે દુનિયાના બીજા ખૂણે પહોંચી જતી હોય તો વડોદરા અને મુંબઈ વચ્ચે તો માત્ર ૪૦૦ કિલોમીટરનું અંતર છે!”

“એ ખરું પણ...” મનહરભાઈને કંઈ સમજાયું નહોતું લોકો આ રીતે બેસવા આવે અને શોક પ્રદર્શિત કરે એથી વાતાવરણ ભારેખમ થઈ જતું હતું.

“પપ્પા, તમે બરોડાથી અહીં કોઈને જાણ કરી હતી?” મનીષાએ પૂછયું.

“ના રે, મેં તો નાગપાલ સિવાય કોઈને ય વાત કરી નથી. નાગપાલે માત્ર સોનલને જ વાત કરી હતી.”

“સોનલ, તેં કોઈને...” મનીષા પૂછવા જતી હતી ત્યાં સોનલે જવાબ આપી દીધો. “મારી વાત કોઈ સાંભળે એવું છે... તારા સિવાય..? અને કાલે તું અમેરિકા જાય ને, તો આ જ વાત તને અમેરિકામાં ય સાંભળવા મળે. એનું કારણ એ છે કે લોકો પાસે વાતો કરવાના વિષયો જ નથી. હજુ તો જોજે ને, આવું કેમ થયું એના વિષે જાતજાતની ચર્ચા થશે....” મનીષાને સોનલની આ વાત ગમી નહિ. પરંતુ એ સાચું કહેતી હતી એથી જ ચૂપ રહી.

મનહરભાઈએ કહ્યું, હું “આજે તો ફેક્ટરી પર જાઉં છું. કદાચ વહેલો આવી જઈશ. સોનલ, આજનો તારો કાર્યક્રમ શું છે? સાંજે આવે છે?”

“જો મનીષા રજા આપે તો હું આજે ઘેર જઈ આવું. મારાં માં-બાપને જરા મોં બતાવી આવું. એટલે એમને સંતોષ થાય કે એમનો નમૂનો સહીસલામત અને વન પીસ છે!” સોનલે રમતિયાળ શૈલીમાં કહ્યું.

“પણ, કાલે પછી આવજે!” મનીષાએ રડમસ ચહેરો કરીને કહ્યું.

મનહરભાઈ તૈયાર થવા જતા હતા. ત્યાં ટૅક્સીવાળા સિરાજભાઈ આવ્યા. એમણે આવતાં કહ્યું, “કાદરબખ્શે મને વડોદરાથી આવ્યા પછી વાત કરી તો મને બહુ દુઃખ થયું. કાલે આ બાજુ નીકળ્યો હતો ત્યારે થયું કે લાવો. સાહેબ આવ્યા હોય તો ભેગો થતો આવું. પણ ઘર પર તાળું હતું. બાજુ વાળાને પણ કશી ખબર નહોતી. મેં જ એમને સમાચાર આપ્યા. અત્યારે કાદરબખ્શે જ મને કહ્યું કે સાહેબ આવી ગયા છે. એટલે તમને મળવા આવ્યો.”

મનહરભાઈએ તરત સોનલ સામે જોયું અને પછી મનીષા તરફ જોયું. ત્રણેયના મનમાં એ રહસ્ય ઉકલી ગયું હતું કે આજુબાજુના લોકોને કેવી રીતે ખબર પડી.

સિરાજભાઈના ગયા પછી સોનલ બોલી, “જિંદગીનાં કેટલાંક રહસ્યો ચપટી વગાડતામાં ખૂલી જતાં હોય છે અને કેટલાંક રહસ્યો પર પડદો ઢંકાયેલો જ રહે છે. એથી રહસ્ય લાગે ત્યારે એને ઉકેલવાની મથામણ કરવી જ નહિ. તો જ જિંદગી જીવવાની મજા આવે.”

“સોનુ, હું ઝટપટ રસોઈ બનાવી દઉં છું. તું જમીને જ જા.” વિનોદિનીબહેન બોલ્યાં.

“આન્ટી, મારી ચિંતા ન કરશો. હું ભૂખી નહિ રહું. મને કોઈક તો ખવડાવશે જ!” સોનલ હસતાં હસતાં બોલી.

“એના પપ્પા પણ થોડું ખાઈને જશે. મનીષા પણ તારી સાથે જમશે.” વિનોદિનીબહેને કહ્યું અને ઝટપટ રસોઈ બનાવી દીધી.

બધાં સાથે જમ્યાં અને પછી તરત મનહરભાઈ તથા સોનલ સાથે જ નીકળવા લાગ્યાં ત્યારે મનીષાએ ફરી વાર કહ્યું, “સોનુ, કાલે તો આવીશ ને?"

“તું કહેતી હોય તો આજે જ આવું. ઘેર કાલે જઈશ. એક દિવસ ઓર....” સોનલે બેફિકરાઈથી કહ્યું.

“ના, આજે તો તું ઘરે જા. પણ કાલે અચૂક આવી જજે.” મનીષાએ ભાર દઈને કહ્યું.

સોનલ એના ગાલ પર ટપલી મારતાં બોલી, “કાલે તો આવી જ. હજુ તારા રિમાન્ડ બાકી છે!

મનીષા ઊંચા અવાજે બોલી, “એટલે?”

સોનલ હાથના ઈશારાથી બાય બાય કરીને મનહરભાઈ સાથે નીકળી ગઈ. મનીષા એને દૂર સુધી જતી જોઈ રહી.