Lilo Ujas – Chapter – 14 - And Manisha cried with a tremble – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૪ - અને મનીષા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી! – દિવ્યેશ ત્રિવેદી

સોનલ દેખાતી બંધ થઈ ત્યાં સુધી મનીષા બહાર જ ઊભી રહી. સોનલ એની સાથે સ્કૂલમાં ભણતી હતી અને કૉલેજમાં પણ બંને સાથે હતાં. છતાં આ વખતે બંને ખૂબ નજીક આવ્યાં હોય એવું લાગતું હતું. મનીષાને આજે એકદમ સૂનું સૂનું લાગતું હતું. એ અંદર આવીને બેઠી. એને કંઈ ચેન પડતું નહોતું. વિનોદિનીબહેન રસોડું અવેરવાં ગયાં હતાં. મનીષા પણ ઊભી થઈને રસોડામાં ગઈ. એને જોતાં જ વિનોદિનીબહેન બોલી ઊઠયાં. “તું તારે શાંતિથી બેસ. બહુ કામ નથી. હું ફટાફટ અવેરીને આવું છું.” તો પણ મનીષાએ થોડું કામ કર્યું. કામ પતી ગયું એટલે બંને બહાર આવ્યાં. વિનોદિનીબહેનના મનમાં તો થયું કે મનીષા સાથે કંઈક વાત કરવી જોઈએ. પરંતુ એમને થયું કે મનીષાનું મન પણ આળું થઈ ગયું હશે. એની સાથે તો સોનલ જ વાત કરે એ ઠીક રહેશે. એટલે એ ચૂપ રહ્યાં.

મનીષા ઊભી થઈ અને આલ્બમ લઈ આવી તથા વિનોદિનીબહેનના ખોળામાં મૂક્યું. વિનોદિનીબહેને તરત પૂછયું, “આ શું છે?” પછી પ્રશ્નના જવાબની રાહ જોયા વિના જ એમણે આલ્બમ ઉઘાડ્યું. પહેલા પાના પર મનીષાનું અને નયનનું નામ વાંચીને બોલ્યાં. ‘નયને આપ્યું? ક્યારે આપ્યું?” મનીષાએ નવાઈ પામતી હોય એમ કહ્યું, “કેમ? તેં જોયું નહોતું? ટ્રેન ઊપડી ત્યારે જ આપ્યું હતું...” વિનોદિનીબહેન કંઈક યાદ કરતાં હોય એમ બોલ્યાં, “અમારી નજર પિનાકીનભાઈ અને સરોજબહેન પર જ હતી... તારા પપ્પા નસીબદાર છે કે એમને આવો સરસ મિત્ર મળ્યો છે...” વિનોદિનીબહેન સહેજ વાર માટે જાણે વડોદરા પહોંચી ગયાં. મનીષા તરત બોલી, અને તારા જેવી પત્ની મળી છે એય એમનું નસીબ જ છે ને!" પછી સહેજ અટકીને બોલી. એક છોકરી જ નસીબદાર નથી...” આમ કહીને એ સહેજ ઉદાસ થઈ ગઈ.

“એવું કેમ બોલે છે, બેટા? અમારા માટે તો તું પણ નસીબદાર જ છે... દરેકના જીવનમાં કંઈક ને કંઈક તો ખરાબ બનતું જ હોય છે. ઈશ્વરની મરજી આગળ કોઈનું ચાલતું નથી. એટલે મનમાં જરાય ઓછું ન લાવીશ. તને ખબર છે? તારા જન્મ પછી અમે કેટલાં સુખી થયાં છીએ..." વિનોદિનીબહેન થોડા ભાવાવેશમાં આવી ગયાં. પછી આલ્બમ જોવા લાગ્યાં.

વિનોદિનીબહેન જેમ જેમ આલ્બમ ઉથલાવતાં ગયાં તેમ તેમ એમના ચહેરા પર વિસ્મય અને આનંદની રેખાઓ ઊપસી આવતી હતી. લગભગ અડધું આલ્બમ જોયું હશે ત્યાં એ બોલ્યાં, “આ બધા ફોટા એણે જ પાડયા છે?”

“હાસ્તો! બહુ સારા ફોટોગ્રાફર છે. એમણે ઉદયને પણ એના જન્મદિવસે આવું જ આલ્બમ ભેટ આપ્યું હતું અને મને પણ મારા જન્મદિવસે જ ભેટ આપવાના હતા. પણ.." મનીષા અટકી ગઈ...

વિનોદિનીબહેને વાતને વાળી લેતાં આગળ ચલાવ્યું. “તો એને સ્ટુડિયો છે? ફોટા પાડવાનું કામ કરે છે? ”

“ના, રે ના! ઘરના બહુ સુખી છે. એમના પપ્પા તો લખપતિ છે. ફોટોગ્રાફી તો એ શોખથી કરે છે... મમ્મી, એ નેચર-લવર છે. પ્રકૃતિ પ્રેમી છે અને પાછા કવિતાઓ પણ લખે છે. વચ્ચે એમણે ગીરના જંગલમાં જઈને સરસ ફોટા પાડયા હતા. એક સિંહનો ફોટો તો એટલા નજીકથી પાડ્યો હતો કે આપણને એમ જ લાગે કે સિંહ હમણાં આપણી ઉપર તરાપ મારશે..."

વિનોદિનીબહેન વિસ્મયથી હાથ હોઠ પર દબાવીને સાંભળી રહ્યાં. આલ્બમ જોઈ લીધા પછી વિનોદિનીબહેને પૂછયું, “નયને હજુ લગ્ન કેમ નથી કર્યા?"

“એમને કોઈ છોકરી જ પસંદ પડતી નથી. એક વાર અમે એમના ઘેર ગયાં હતાં ત્યારે એમનાં મમ્મીએ જ મને કહ્યું હતું કે, તું નયન માટે તારા જેવી જ કોઈક છોકરી શોધી કાઢ... હવે તું જ કહે, મારા જેવી છોકરી હું ક્યાંથી શોધું?"

“સોનલ કેવી?" વિનોદિનીબહેનથી સહજ પૂછાઈ ગયું.

“સોનલની વાત કહે છે? નયનભાઈનું કામ નહિ. સોનલ એમને ઊભા ઊભા નચાવે એવી છે... અને નયનભાઈનાં મમ્મીને પણ સોનલ પસંદ ન પડે... એ વાત જ કરવા જેવી નથી...” મનીષાએ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો.

બંને થોડીવાર સૂઈ ગયાં. મનીષાને ઊંઘ નહોતી આવતી. પણ બીજું કંઈ સૂઝતું પણ નહોતું. એટલે આંખ બંધ કરીને પડી રહી અને એમાં ને એમાં ક્યારે ઊંઘ આવી ગઈ એ પણ ખબર ન પડી. લગભગ સાડા પાંચે તો મનહરભાઈ પણ આવી ગયા. એમની ફેકટરીના લગભગ બધા જ માણસો એક પછી એક એમને મળવા આવી ગયા. ત્રણ-ચાર જણા તો ઘરે આવવાનું પણ કહેતા હતા. મનહરભાઈએ એમને ના પાડી હોવા છતાં એ લોકો આવશે જ એવી એમને ખાતરી હતી.

રાત્રે જમ્યા પછી મનીષા ગુમસુમ ખુરશીમાં બેઠી હતી. મનહરભાઈએ એને પૂછયું. “શું વિચારે છે. બેટા? હવે વડોદરાથી મુંબઈ આવી જા... ઘરમાં અમે બંને એકલાં પડી ગયાં હતાં. હવે તારે કારણે વસ્તી રહેશે...”

મનીષા એક ઊંડો નિસાસો નાખીને બોલી, “પપ્પા, કંઈ જ ગમતું નથી. આમ ને આમ તો હું કંટાળી જઈશ. હું તમારી સાથે ફેક્ટરી પર આવું?" મનહરભાઈ સહેજ ખચકાયા, પછી બોલ્યા, “આવે એનો વાંધો નથી, પણ હમણાં આવે તો સારું ન લાગે! થોડા દિવસ પછી એકાદ દિવસ આવવું હોય તો આવજે."

મનીષા એમની વાત સમજી ગઈ. થોડીવાર રહીને બોલી, “પપ્પા, બે-ત્રણ મહિના પછી મારા માટે કોઈ જોબ શોધી કાઢો ને! મારો ટાઈમ તો પાસ થાય ને?"

“એ વિષે વિચારીએ... પણ જયાં સુધી જોબ ન મળે ત્યાં સુધી સોનલની ઇન્સ્ટિટ્યૂટ પર જઈને બેસને! એને એના કામમાં મદદ કરજે અને એની કંપની પણ રહેશે!”

મનીષા કંઈ બોલી નહિ. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ બોલી, “પપ્પા, હું કોઈક કોર્સ કરું?"

“શેનો કોર્સ કરીશ?”

“કમ્પ્યુટરનો... અથવા ફોટોગ્રાફીનો...” મનીષા સહેજ ઉત્સાહ સાથે બોલી ગઈ.

નયન યાદ આવ્યો એટલે ફોટોગ્રાફી સૂઝયું કે ફોટોગ્રાફી સૂઝયું એટલે નયન યાદ આવ્યો એ મનીષાને પણ સમજાયું નહિ. એને તો પણ એટલું તો સમજાયું જ કે નયને એના અર્ધજાગ્રત અને અજાગ્રત મનમાં તો પ્રવેશ કરી જ લીધો છે. નયન યાદ આવતાં જ એને આલ્બમ યાદ આવ્યું. એ ઊભી થઈને આલ્બમ લઈ આવી અને મનહરભાઈના હાથમાં મૂકતાં બોલી. “પપ્પા, તમે તો આ નથી જોયું ને!”

મનહરભાઈ આલ્બમ ઉથલાવતા હતા ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મનહરભાઈએ ફોન ઉપાડયો. સામેથી પિનાકીનભાઈ બોલતા હતા. પ્રાચી સવારે જ આવી હતી અને મનીષાને મળી શકાયું નહિ એ માટે અફસોસ વ્યક્ત કરતી હતી. એને જાણ ન કરી એ બદલ પિનાકીનભાઈ પર નારાજ હતી. પિનાકીનભાઈએ બધાંના ખબરઅંતર પૂછ્યા અને ખાસ તો સોનલના સમાચાર પૂછ્યા. સોનલને ખાસ યાદ આપવા કહ્યું.

બપોરે ઊંઘ ખેંચી હતી એટલે મનીષાને મોડી રાત સુધી ઊંઘ ન આવી. એ બે-ત્રણ વાર પાણી પીવા અને બાથરૂમ જવા ઊભી થઈ. મનહરભાઈ તો સૂઈ ગયા હતા, પરંતુ વિનોદિનીબહેન જાગતાં હતાં. થોડીવારે મનીષા ઊઠી અને બહાર ગેલેરીમાં જઈને ઊભી રહી. રસ્તા પર ખાસ અવરજવર નહોતી. રસ્તો સાવ ભેંકાર લાગતો હતો. મનીષા જાણે શૂન્યમાં તાકી રહી હતી.

મનીષાને બહાર વાર લાગી એટલે વિનોદિનીબહેન હળવે રહીને ઊભાં થયાં અને બહાર ગેલેરીમાં આવ્યાં. એમણે મનીષાની પીઠ પર હાથ મૂક્યો એટલે જાણે મનીષા ચમકી ગઈ હોય એમ એણે વિનોદિનીબહેન તરફ જોયું અને પછી એમને વળગી પડી. વિનોદિનીબહેને એના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી પૂછયું, “ઊંઘ નથી આવતી? વિચારે ચડી ગઈ છું?”

મનીષા કંઈ બોલી નહિ. વિનોદિનીબહેને એમનો અનુભવ સિધ્ધ ઉપચાર બતાવતાં કહ્યું, “ગાયત્રી મંત્ર બોલતાં બોલતાં સૂઈ જા, ઊંઘ આવી જશે!”

સવારે ઊઠતાંવેંત જ મનીષાએ કહ્યું, “આજે તો સોનુડી આવશે જ!”

“કહ્યું છે તો આવશે જ! પણ એ તો રાત્રે જ આવશે. હજુ તો આખો દિવસ પડયો છે!" વિનોદિનીબહેને કહ્યું. પછી બોલ્યાં, “કાલે તો એ એને ઘેર ગઈ હશે. મા-બાપને મળવાનું એનેય મન થાય ને?”

“જોજે વહેમમાં રહેતી. એને મન ના થાય. એનાં મમ્મી-પપ્પાને એને મળવાનું મન થાય એ બરાબર છે!” મનીષાએ સોનલના વ્યવહાર વિષે સ્પષ્ટતા કરી.

“મને તો એ જ સમજાતું નથી કે એનાં મા-બાપ કઈ રીતે આવું ચલાવે છે? જવાન છોકરી મન ફાવે ત્યારે ઘેર આવે અને મન ફાવે ત્યારે ન આવે તો પણ એનાં મા-બાપ એને કંઈ કહેતાં નહિ હોય?" વિનોદિનીબહેનને આખી વાતનું આશ્ચર્ય હતું.

“કહેતાં તો હોય જ ને! પણ આ નમૂનો સાંભળે તો ને?” મનીષાએ મોં વાંકું કરીને કહ્યું.

“આજે તો હું એને પૂછીશ જ કે...." વિનોદિનીબહેન વાક્ય પૂરું કરે એ પહેલાં જ મનીષા બોલી ઊઠી, “જોજે, એવી ભૂલ ન કરતી. તું એક જ સવાલ પૂછીશ અને એ એક કલાકનું લેક્ચર આપી દેશે!” મનીષાએ હાથ વડે નકારનો ઈશારો કરતાં કહ્યું.

સાંજે ચાર વાગ્યે સોનલનો ફોન આવ્યો. વિનોદિનીબહેને ફોન ઉપાડયો. સોનલે કહ્યું, “આન્ટી, કેમ છો? હું સોનલ બોલું છું. મોનુ શું કરે છે?"

મનીષાએ ફોન લીધો અને તરત એકી શ્વાસે બોલી ગઈ, “હું આજે નથી આવવાની એ સિવાયની બીજી કોઈ પણ વાત કરજે. બોલ, શું કહે છે?”

“હું વાત કરું એ પહેલાં જ આદેશ આપી દે છે. પહેલાં મારી વાત તો સાંભળ... પરમજિતે એની લેડિઝ ક્લબમાં આજે કોઈક સુધા કુલકર્ણીનું લેક્ચર રાખ્યું છે. એ મને પણ સાથે આવવા આગ્રહ કરે છે... મલાડ જવાનું છે અને લેક્ચર કેટલા વાગ્યે પૂરું થાય એ ખબર નથી. તો હું કાલે આવું તો?” સોનલ જાણે ડરતાં ડરતાં કહેતી હોય તેમ બોલી.

“મેં તને પહેલાં જ કહી દીધું છે. કાલની વાત નહિ, આજે એટલે આજે જ... અને તારે વળી લૅક્ચર સાંભળવાની શી જરૂર છે? પરમજિતને જવા દે ને...” મનીષાએ પોતાની વાતને વળગી રહેતાં કહ્યું.

“પણ પરમજિત બહુ આગ્રહ કરે છે... કહે છે કે, સોનલ, આ લેક્ચરમાં તારી ખાસ જરૂર છે...” પછી હસીને બોલી, “એની ફીરકી ઉતારવાની છે!”

“એની એટલે કોની? પરમજિતની?" મનીષાએ નિર્દોષ થઈને પૂછયું.

“ના, ઈડિયટ! સુધા કુલકર્ણીની! ” સોનલે ભારપૂર્વક કહ્યું.

“એ કેવું? પરમજિતે લૅક્ચર ગોઠવ્યું અને એ જ એની ફીરકી ઉતારે?” મનીષાને આશ્ચર્ય થયું.

“એ બધી વાત તને પછી કરીશ... એ પરમજિતની પાછળ પડી હતી કે લેડિઝ ક્લબમાં મારું લૅક્ચર ગોઠવ. પરમજિત એનાથી કાયમ માટે જાન છોડાવવા માગે છે!” સોનલે વાતનો ફોડ પાડ્યો.

“તો એમ કહે ને કે તને એની ફીરકી ઉતારવામાં રસ છે? જો તને કહી દઉં... ગમે એટલું મોડું થાય તો પણ તારે આવવાનું છે. રાત્રે અહીં રોકાઈ જજે, બસ!” મનીષા અધિકાર સાથે જાણે આશ્વાસન આપતી હોય એમ બોલી.

“મોડું થાય તો મારો જીવ ના લઈ લેતી.. બસ, હું આવું છું!” કહીને સોનલે ફોન મૂકી દીધો.

મનહરભાઈ ફેક્ટરી પરથી આવ્યા ત્યારે આઠ વાગી ગયા હતા. એમણે આવતાંની સાથે જ પૂછયું, “સોનલ નથી આવી?"

“મોડી આવવાની છે!” મનીષાએ જવાબ આપ્યો.

“આઠ તો વાગ્યા... હજુ કેટલી મોડી આવવાની છે?" મનહરભાઈએ કાંડા પરની ઘડિયાળ જોતાં કહ્યું.

“એને માટે મોડા વહેલાનો ક્યાં હિસાબ છે? એ તો રાત્રે બાર વાગ્યે પણ આવે!" મનીષા એને બરાબર ઓળખતી હતી.

“એટલે રાત્રે બાર વાગ્યે આવવાની છે?" મનહરભાઈએ આંખો ઝીણી કરતાં પૂછયું.

“ના.. આ તો જસ્ટ કહું છું!” મનીષાએ નકારમાં ડોકું ધુણાવીને જવાબ આપ્યો.

“જમવામાં આપણે એની રાહ જોવાની છે? તારા પપ્પાને પણ ભૂખ લાગી હશે.” વિનોદિનીબહેને કહ્યું.

“એક કામ કર, તું પપ્પાને જમાડી લે... આપણે નવ વાગ્યા સુધી રાહ જોઈએ. નહિતર પછી જમી લઈશું...” મનીષાએ જવાબ આપ્યો.

“મને ઉતાવળ નથી. નવ વાગ્યે જ જમીશું!” મનહરભાઈએ કહ્યું.

નવ વાગ્યા છતાં સોનલ ન આવી. સવા નવે ત્રણેય જણ જમવા બેઠાં. દસ વાગ્યા, સાડા દસ વાગ્યા છતાં સોનલ ન આવી એટલે મનહરભાઈએ કહ્યું, “કદાચ હવે નહિ આવે! ક્યાંક અટવાઈ ગઈ હશે.”

“કહ્યું છે એટલે આવશે જ! ન આવે એવું તો બને જ નહિ.” મનીષા આટલું બોલી ત્યાં જ સોનલનો વાવાઝોડાની જેમ પ્રવેશ થયો. જાણે દોડતી આવી હોય એમ એના શ્વાસ ઝડપથી ચાલતા હતા. એણે કહ્યું, “નાસ્તો કરવા પણ રોકાઈ નથી... બિચારી આજે તો તારે કારણે બચી ગઈ. નહિતર આજે હું એને છોડવાની નહોતી...” સોનલે ચહેરા પર ખુમારીના ભાવ સાથે કહ્યું.

“તેં શું નામ કહ્યું? સુધા કુલકર્ણીને....? "મનીષાએ પૂછયું.

“હા, કહે છે કે બહુ મોટી વિમેન્સ એક્ટિવિસ્ટ છે અને કોઈક સંસ્થા પણ ચલાવે છે...”

“જાડી છે? કાળી છે? સોનેરી ફ્રેમનાં ચશ્માં પહેરે છે? વારે વારે ઘડિયાળ જુએ છે?” મનીષાએ એક સામટા સવાલ પૂછી નાંખ્યા.

“હા, બિલકુલ બરાબર, પણ તને ક્યાંથી ખબર?" સોનલે આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.

“યાદ છે તને, આપણે કૉલેજના ફર્સ્ટ ઈયરમાં હતાં એ વખતે ગર્લ્સ સ્ટડી સર્કલમાં પણ આ સુધા કુલકર્ણીનું જ લૅક્ચર રાખ્યું હતું અને તું થોડીવાર પછી નોટ ઉતારવાની હતી એટલે બહાર જતી રહી હતી...” મનીષા જાણે બધું યાદ અપાવતી હોય એમ બોલી ગઈ.

“હા, હા, યાદ આવ્યું! મને થતું તો હતું કે આ નમૂનાને કયાંક જોઈ છે!” સોનલ હસતાં હસતાં બોલી.

“તે એની શું ફીરકી ઉતારી?” મનીષાએ પૂછયું.

“જવા દેને! લાંબી વાત છે! એ મહિલા સ્વાતંત્ર્યની વાત કરતી હતી. મેં એને કહ્યું કે, વાતો કરવાથી મહિલાઓ સ્વતંત્ર નહિ થાય. વાત તો એ છે કે, મહિલાઓને જ સ્વતંત્ર થવું નથી. એમને ગુલામી ગમે છે. જે મહિલાને સ્વતંત્ર થવું હોય છે એને કોઈ રોકી શકતું નથી. મેં તો એમ પણ કહ્યું કે સુરક્ષા માટે પતિ જોઈએ છે. પ્રેમ માટે બાળક જોઈએ છે. સમાજમાં મોભો જોઈએ છે અને પાછા સ્વતંત્ર પણ થવું છે. આવી વિરોધાભાસી વાતો રહેવા દો. મેં એને કહ્યું કે, મહિલા-સ્વાતંત્ર્યની સૌથી વધુ જરૂર મુંબઈમાં નથી. ગામડાંમાં છે. ત્યાં જાવ અને મેં જ્યારે એમ કહ્યું કે સ્ત્રી સ્વાતંત્ર્યના નામે ચળવળ ચલાવનારાઓ મોટી મોટી આદર્શવાદી વાતો કરે છે અને એમની દુકાન ચલાવે છે ત્યારે તો તે એ મારા પર બગડી. પણ કશું બોલવા જેવું હતું નહિ. એટલે સમસમીને બેસી રહી...મને તો આવા દંભ કરનારા લોકોને જોઉં છું ત્યારે ભયંકર ગુસ્સો આવે છે.... અને હા, આજે સવારે મેં નયનભાઈને ફોન કર્યો હતો અને તારા વતી આલ્બમ માટે ‘થેંક યૂ’ કહ્યું છે."

તરત જ મનહરભાઈ બોલી ઊઠયા, “ગઈકાલે વડોદરાથી પિનાકીનભાઈનો પણ ફોન આવ્યો હતો. એ તને ખૂબ યાદ કરતો હતો. આજે જ એની દીકરી પ્રાચી આવી છે!”

“અંકલ, મને એમનો નંબર આપજો. હું એમને ફોન કરીશ.” સોનલે કહ્યું.

વિનોદિનીબહેન બોલ્યાં. “સોનલ, તે કંઈ ખાધું છે કે નહિ? તને આપી દઉં?”

“આન્ટી, મારી ખાવાની ચિંતા કરશો નહિ. તમે અને અંકલ સૂઈ જવું હોય તો સૂઈ જજો. અમે બંને વાતો કરીએ છીએ. ખાવાની ઈચ્છા થશે તો હું જાતે લઈ લઈશ.”

થોડીવાર પછી મનહરભાઈ અને વિનોદિનીબહેન સૂવા જતાં રહ્યાં. એમના ગયા પછી મનીષા બોલી, “યાર, તારા વગર એકદમ સૂનું સૂનું લાગે છે. ટાઈમ પાસ નથી થતો અને કંટાળો આવે છે... મેં પપ્પાને કહ્યું કે મારે કોઈક જોબ કરવી છે....."

સોનલ મનીષાનો હાથ હાથમાં લઈ આંગળીઓ વડે રમાડતાં રમાડતાં બોલી, “મોનુ? એક વાત પૂછું?”

“પૂછે ને!” મનીષાએ સાહજિકતાથી કહ્યું.

“આમ તો હું તને પૂછવાની નહોતી. પણ હવે પૂછવું જરૂરી છે. એટલે પૂછું છું!” સોનલે ગંભીરતાથી કહ્યું.

“મોનુ, ઉદયની આત્મહત્યાનું કારણ તું જાણે છે. બોલ, જાણે છે ને?" સોનલે ભાર દઈને કહ્યું.

“હા,” મનીષાએ એકાક્ષરી જવાબ આપ્યો.

“શું કારણ હતું એ મને કહીશ?" સોનલે એની આંખમાં આંખ મેળવતા પૂછયું.

“મને કહેવામાં તને કોઈ વાંધો છે?” સોનલે વાત ફેરવીને પૂછયું.

પરંતુ મનીષા નીચું જોઈને ચૂપચાપ બેસી રહી.

“અચ્છા ચલ, મને એ કહે કે સમસ્યા કયા પ્રકારની હતી?"

“... ... ...”

“ઓ.કે. હું જ પૂછું છું. સેકસની સમસ્યા હતી?" સોનલે સીધો સવાલ કર્યો.

“મેં તને આ સવાલનો જવાબ આપ્યો જ છે.” મનીષા ભવાં ખેંચતાં બોલી.

“ઓ.કે. એ સમસ્યા તારી હતી કે એની હતી?” સોનલ મૂળ મુદ્દા તરફ આગળ વધતી હતી. મનીષાએ કોઈ જવાબ ન આપ્યો એટલે સોનલે એ જ પ્રશ્ન દોહરાવ્યો.

સહેજ વિચારીને મનીષા બોલી, “સેક્સની સમસ્યા કોઈ એક જણની ના હોય. અમારા બંનેની હતી.”

“કબૂલ, પણ કોઈ એક જણની સમસ્યાને કારણે જ બંનેની સમસ્યા થઈ હોય ને!" સોનલે વેધક પ્રશ્ન કર્યો.

મનીષા એની સામે જોઈ રહી. સોનલે આગળ પૂછયું, “તમારી વચ્ચે શારીરિક સંબંધ સ્થપાયો હતો? તને એનાથી સંતોષ હતો?"

મનીષા સહેજ વાર ચૂપ રહીને બોલી, “હા.”

“મોનુ, મારી આગળ પણ ખોટું બોલવાનું?" સોનલે એના પર લાગણીનો પ્રહાર કર્યો. સોનલે જોયું કે મનીષાની આંખમાં પાણી ધસી આવ્યાં હતાં. પણ એ એને રોકવાનો પ્રયાસ કરતી હતી.

“મોનુ, તું જો સાચી વાત નહિ કરે તો તને જ નુકસાન છે. બહુ બધા લોકો હજુ આ વાત જાણતા નથી. પણ થોડા જ વખતમાં એ બધે જ ફેલાઈ જશે એ વાત પણ નક્કી છે."

“કઈ વાત?" મનીષાએ બંને શબ્દો પર ભાર મૂકીને પૂછયું.

“એ જ કે તું ઠંડી છું... ફ્રિજિડ છું અને ઉદયને તે શરીરસુખ આપ્યું નહોતું એથી જ એણે....” સોનલ વાક્ય પૂરું કરે એ પહેલાં જ મનીષા મોટેથી બોલી, “તદ્દન ખોટી વાત છે. ઓ ભગવાન, આ હું શું સાંભળું છું... આના કરતાં તો મરી જવું સારું...” એમ કહીને એ છૂટા મોંએ રડી પડી. એનો અવાજ સાંભળીને મનહરભાઈ અને વિનોદિનીબહેન પણ દોડી આવ્યાં. એમની નજર સોનલ તરફ તકાયેલી હતી. મનીષા તકિયામાં મોં છૂપાવીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી.