Kudaratna lekha - jokha - 41 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 41

કુદરતના લેખા - જોખા - 41


આગળ જોયું કે મીનાક્ષી મયુરના વર્તનથી વિહવળ થાય છે. મયુર સાગરને તેની પાસે બોલાવીને એક વચન માંગીને કહે છે કે તે સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખે. સાગર આ વાતનો વિરોધ કરીને મયૂરને સમજાવવાના પ્રયત્નો કરે છે...


હવે આગળ.......


* * * * * * * * * * * * * *


"જો સાગર મારી પાસે અત્યારે તારી વાતનો એકપણ જવાબ નથી. તું મારી સાથે વચને બંધાયેલો છે હવે એ વચન પાળવું કે ના પાળવું એ તારા ઉપર છે. પણ એક વસ્તુ પાકી છે કે જો તું આ વચન પાળીશ તો એમાં અમારું કલ્યાણ થશે. હવે તારી મરજી તારે જે કરવું હોય તે તું કરી શકે છે." નિસંકોચ ભાવે મયુરે પ્રત્યુતર વાળ્યો.


સાગરને તો મયુરનો એક એક જવાબ વ્રજઘાત સમાન છાતીમાં વાગી રહ્યો હતો. સાગર મુંઝવણમાં મુકાઈ ગયો કે મયૂરને કેવી રીતે સમજાવવો હવે તેની પાસે મયૂરને કહેવા જેવા કોઈ શબ્દો બાકી જ નહોતા. છતાં સાગરે હિંમત કરીને મયૂરને કહ્યું કે "મયુર, મહેરબાની કરીને એકવાર હજુ વિચારી લે, જો હું આ સગાઈ તોડીશ તો મારા માતા પિતાની સમાજમાં શું ઇજજત રહશે?


જાણે કેટલોય વજન ઉંચકીને ઉપર ઉઠાવી હોય તેમ મયુરે પાંપણો ઉઠાવી અને આંખો સાગર તરફ સ્થિર કરી. પરાણે જવાબ વાળતો હોય તેમ મયુરે નફ્ફટાઈ થી એનો એ જ જવાબ વાળ્યો "એ વિશે મારી પાસે કોઈ જવાબ નથી. તે મને વચન આપ્યું છે કે તું મારું આ કાર્ય કરી આપીશ. અને મને વિશ્વાસ છે કે તું આ કાર્ય આપણી મિત્રતા ખાતર કરીશ જ. હવે તું જઈ શકે છો. આંઠ દિવસમાં તું મને જવાબ આપજે." આટલું બોલીને મયુર સાગરનો જવાબ સાંભળ્યા વગર જ પથારીમાં સુઈ ગયો.


સાગર મયુરના આવા નફ્ફટાઈ ભર્યા વર્તનથી ચિડાઈ ગયો. સાગરને લાગ્યું કે મયુર હવે તેની કોઈ વાત નહિ સાંભળે માટે એ ગુસ્સામાં જ એ રૂમની બહાર આવતો રહ્યો.


સાગર રૂમની બહાર આવી દાદર પાસે લમણે હાથ દઈને બેસી ગયો. તે વિચારવા લાગ્યો કે એવો તો કયો દોષ હતો સંસ્કૃતિમાં કે એની સાથેની સગાઈ તોડવા મયુર આટલો પાગલ થયો છે. આ સગાઈ તોડાવિને મયુર શું હાંસિલ કરવા માંગે છે? મયુર શા માટે મારી જિંદગી સાથે રમત રમે છે? મયુરનું આવું વર્તન સાગરે ક્યારેય જોયું જ નહોતું. એણે ક્યારેય આવી નફ્ફટાઈ વાળું વર્તન પણ નહોતું કર્યું. મયુર હર હંમેશ પોતાના મિત્રોના હિત વિશે જ વિચારતો એ સાગર સારી રીતે જાણતો હતો પણ આ સગાઈ તોડાવિને મયૂરને મારું ક્યું હિત દેખાતું હતું એ સાગરને નહોતું સમજાતું. આવા અનેક વિચારોએ સાગર વિચલિત અને દુઃખી થતો હતો. સાગરની આંખો હવે આંસુનો ભાર સહન કરી શકે તેમ નહોતી માટે ત્યાં જ એ ચૌધાર આંસુએ રડી પડ્યો.


બરોબર એ જ સમયે મીનાક્ષીએ સાગરને રડતો જોયો અને તેણે રીતસરની તેની પાસે પહોંચવા દોટ મૂકી. તેની પાસે પહોંચી તેની બાજુમાં બેસી ગઈ અને હળવેથી તેની પીઠ પર હાથ ફેરવતા સાગરને કહ્યું કે "કેમ શું થયું સાગર? કેમ તું રડે છો?"


આવા સમયે સાગરને મીનાક્ષી નો મધુર સ્પર્શ વધારે વહાલો લાગ્યો. તેણે પોતાના હાથથી આંસુને લૂછીને મીનાક્ષી તરફ આંખો સ્થિર કરી. તેણે હીબકા ભરતા ભરતા જ મયુર સાથે થયેલી વાત વિગતે મીનાક્ષી સમક્ષ રજૂ કરી.


મીનાક્ષી પણ સાગરની વાત સાંભળીને ચોંકી ગઈ. તેણે આ વાત સાંભળીને મયુર પર થયેલી શંકા વધુ મજબૂત થઈ. તે એક એક મુદ્દાને જોડીને આ શંકાની ખરાઈ કરવા લાગી. સાગરની સગાઈ વખતે મયુરનું સંસ્કૃતિ તરફ અપલક નજરે જોવું. સતત મોબાઈલમાં કોઈ સાથે છુપી રીતે વાત કરવી. અઠવાડિયામાં બે વાર અમદાવાદ જવું અને હવે સાગરની સંસ્કૃતિ સાથે સગાઇ તોડાવવી. આટલા મુદ્દાઓ કાફી હતા મયુર પ્રત્યે જાગેલી શંકાને સાબિત કરવા માટે. મીનાક્ષી હજુ વિચારોમાં હતી ત્યાં જ એના કાને સાગરના શબ્દો અથડાયા "ક્યાં ખોવાઈ ગયા ભાભી."


"અરે કંઈ નહિ. તમે ચિંતા ના કરો હું મયૂરને મનાવી લઈશ. એ મારી વાત જરૂર માનશે. તમે સગાઈ તોડવાનો નિર્ણય ના લેતા." સાગરને સમજાવતા મીનાક્ષીએ કહ્યું.


"તમે એને કેવી રીતે મનાવશો? એ તમને પણ કેટલાય દિવસથી નથી મળ્યો. શું એ તમને મળવાની પરમિશન આપશે?" સાગરે શંકા વ્યક્ત કરતા કહ્યું.


"હું મયૂરને મળવાના બધા પ્રયત્નો કરીશ."


"પણ ભાભી મયુરે મને આ સગાઈ તોડવા માટે આંઠ દિવસ નોજ સમય આપ્યો છે. માટે બની શકે તો જલ્દી મયૂરને મનાવજો."


"હું મારા બધા પ્રયત્નો કરીશ. મયુર દ્વારા આ જે સમસ્યા ઉદભવી છે એ જેટલી તમારી જિંદગીમાં અસર કરશે એટલી મારી જિંદગીમાં પણ અસર કરવાની છે માટે હું આ સમસ્યાને હલ કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. જાવ તમે થોડો આરામ કરિલો. મારે મયુર સાથે વાત થશે તો હું તમને ફોન કરીને જણાવીશ."

સાગર મીનાક્ષીને ઉપજેલી શંકા પારખી નહતો શક્યો પણ મીનાક્ષી ના શબ્દો દ્વારા એને સહાનુભૂતિ તો જરૂર મળી હતી. સાગર ત્યાંથી ઊભો થઈને ઓફિસ જવાના બદલે પોતાના રૂમમાં આરામ કરવા જતો રહ્યો. જ્યારે મીનાક્ષી મયુરની રૂમ તરફ આગળ વધી.


જેવી મીનાક્ષી મયુરની રૂમ પાસે પહોંચી ત્યાં જ ભોળાભાઇ એ તેને રૂમમાં જતા અટકાવતા કહ્યું કે "બેન તમને તો ખ્યાલ જ છે ને કે મયુર હમણાં કોઈ સાથે મળવા નથી માંગતો."


"ભોળાભાઈ હું મયુરની પત્ની છું. તમે જ મારા જવતલ હોમ્યા છે. શું એક પત્નીને એના પતિને મળવા માટે પણ પરવાનગી લેવી પડે? એક ભાઈ થઈને પણ તમે મને મયૂરને મળવા માટે અટકાવો એ કેટલા અંશે વ્યાજબી છે? અત્યાર સુધી તો એમ હતું કે મયુર કંઇક મુશ્કેલીમાં હશે અને એ મુશ્કેલીનો સામનો એ એકલો કરવા માંગતો હશે માટે એ કોઈને નહોતો મળવા માંગતો અને હું પણ એ વાત સમજી ગઈ હતી એટલે જ્યાં સુધી મયુર સામેથી મળવા ના બોલાવે ત્યાં સુધી હું તેને મળવા આવવાની પણ નહોતી પરંતુ આજે મારી સામે ચાર જિંદગી તબાહ થતી મને નજરે દેખાઈ છે માટે જ મારે મયૂરને મળવું જરૂરી છે. માટે મહેરબાની કરીને આજે મને મયૂરને મળવા જવા દો હું તમારી આગળ હાથ જોડું છું." મીનાક્ષી હાથ જોડીને ભોળાભાઈ સામે ઉભી રહી ગઈ.


મીનાક્ષી ની વિનવણી થી ભોળાભાઇ નું હૃદય પણ દ્રવી ઉઠ્યું. ભોળાભાઈ ને મીનાક્ષી ઉપર એટલી દયા ઉપજી આવી કે મયુરની આખી હકીકત મીનાક્ષી સમક્ષ રજૂ કરી દે પણ એ સમયે જ મયુરે આપેલા સોગંધ ભોળાભાઈને યાદ આવી ગયા એટલે ફરી પાછું તેના ચહેરા પર નિષ્ઠુર ભાવોનું મુખવટો પેહરીને મીનાક્ષીને કહ્યું કે "જુઓ બેન તમારી વાત એકદમ સાચી છે પણ મયુર જ્યાં સુધી તમને મળવાની હા નહિ પાડે ત્યાં સુધી હું તમને અંદર નહિ જવા દવ."


આટલું સાંભળતા જ મીનાક્ષી નો ગુસ્સો સાત આસમાને પહેંચી ગયો. તે ખૂબ જ ગુસ્સેથી ભોળાભાઈ સાથે તકરાર કરવા લાગી પણ ભોળાભાઈ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા છેવટે મીનાક્ષી ગુસ્સામાં જ પોતાના રૂમમાં જતી રહી.


મીનાક્ષી પોતાના રૂમમાં આવીને પલંગ પર પોતાના શરીરને ફેંક્યું. એ સાથે જ તેની આંખોમાંથી દડદડ આંસુઓ વહેવા લાગ્યા. તેં ખૂબ જ ગુસ્સામાં હતી. જે મયુર પ્રત્યે તેને માન ઉપસી આવતું તેની પ્રત્યે આજે ધૃણા થવા લાગી. તેને એ અફસોસ પણ થવા લાગ્યો કે તેનાથી સાગરનું કામ પણ ના થઈ શક્યું. તે સાગરને શું જવાબ આપશે એ વિચારીને જ વિહવળ થવા લાગી. તેને આજે એકલતા કોરી ખાતી હતી. આજે ફરી અનાથ બની હોય તેવો અહેસાસ થવા લાગ્યો. તેનું પોતાનું કહી શકાય એવું કોઈ રહ્યું જ નહોતું. મયુર પ્રત્યે જે વિશ્વાસ હતો એ ખોઈ બેઠી હતી. અને જેને ભાઈ માની ને જેની પાસે જવતલ હોમ્યા હતા એ પણ આજે મયુરનો ચોકીદાર બની બેઠો હતો. મીનાક્ષી પોતાની જાતને અસલામત મહેસૂસ કરવા લાગી. તેણે મનોમન જ નક્કી કર્યું કે તે હવે અહીંથી ચાલી જશે. જ્યાં પોતાની કોઈ કદર ના હોય, જ્યાં પોતાના પતિને મળવા માટે પણ પરવાનગી લેવી પડે ત્યાં રહીને શું ફાયદો. તેણે આ વિચારને ધ્યાનમાં રાખીને જ કેશુભાઈને ફોન લગાડ્યો.

"હેલ્લો, કેશુભાઈ. હું કાલે અમદાવાદ આવું છું." ફોન ઉપાડતાં જ મીનાક્ષીએ રડતા રડતા કહ્યું.


"અરે બેટા, તું કેમ રડે છે? આમ અચાનક આવવાનું કેમ કહે છે?" ગભરાતા સ્વરે કેશુભાઇએ પૂછ્યું.


"બસ હવે મને અહી નથી ગમતું હું હંમેશા માટે ત્યાં આવવા માંગુ છું." મીનાક્ષી નું રુદન વધવા લાગ્યું.


"પણ શું થયું છે એ તો મને કહે?"


ક્રમશઃ

પ્રમોદ સોલંકી


શું મીનાક્ષી મયૂરને મનાવી શકશે?


જો મીનાક્ષી ના મનાવી શકે તો સાગર, સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખશે?


શું મીનાક્ષી અમદાવાદ જતી રહશે?


કેશુભાઈ મીનાક્ષીને કેવો ઉતર આપશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

Rate & Review

Heena Suchak

Heena Suchak 2 months ago

Saryu

Saryu 2 years ago

Sheetal

Sheetal 2 years ago

asmita prajapati

asmita prajapati 2 years ago

Kajal Rathod...RV