Sacho Prem books and stories free download online pdf in Gujarati

સાચો પ્રેમ

રીમા સોહમને ખૂબજ પ્રેમ કરતી હતી, સોહમ વારંવાર તેને એક જ વાત કહ્યા કરતો હતો કે, તું મને છોડી દે, મને ભૂલી જા, તું ખૂબજ રૂપાળી છે, હોંશિયાર છે તને બીજો કોઈ સરસ છોકરો મળી જશે. મારી પાછળ આમ આખી જિંદગી વેઢાળવાનો કોઈ મતલબ નથી.

પરંતુ રીમા સોહમની એક પણ વાત માનવા તૈયાર ન હતી. તે બસ, એમ જ કહ્યા કરતી હતી કે, " મેં તમારી સાથે જિંદગી જોડ્યા પછી તમારા સુખ અને દુઃખ બંનેમાં હું ભાગીદાર છું, તો તમારી તકલીફમાં હવે હું તમને કેવી રીતે છોડીને ચાલી જવું..?? "

રીમાને તેના સિવાય બીજી ચાર બહેનો હતી. બધીજ બહેનો એક કરતાં એક ચડિયાતી હતી, દેખાવમાં અને હોંશિયારીમાં બધી જ રીતે. પણ રીમાનું નસીબ થોડું પાછળ ચાલતું હતું. સોહમ અને રીમા બંને કૉલેજમાં એકજ ક્લાસમાં સાથે જ ભણતાં હતાં. બંને એકબીજાને ખૂબજ પસંદ કરતાં હતાં. કૉલેજના છેલ્લા વર્ષમાં આવ્યા પછી સોહમે રીમાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. રીમાને પણ દેખાવમાં હેન્ડસમ અને બોલવામાં ઠાવકો સોહમ પહેલેથી જ ખૂબ ગમતો હતો તેથી તેણે પોતાની મોટી બહેનને આ વાત જણાવી, મોટી બહેનને છોકરા તરફથી બધું બરાબર લાગતાં તેણે આ વાત પોતાના મમ્મી-પપ્પાને જણાવી, મમ્મી-પપ્પાની સંમતિ મળતાં બંનેનાં એન્ગેજમેન્ટ કરવામાં આવ્યા.

લગ્નને હજી થોડા સમયની વાર હતી અને એક ઍક્સિડન્ટમાં સોહમને બંને આંખમાં ખૂબજ ઈજા પહોંચી, શહેરના સારામાં સારા ડૉક્ટરને બતાવવામાં આવ્યું પરંતુ સોહમની બંનેમાંથી એક પણ આંખ બચે તેમ ન હતી.

સોહમે, તેના પરિવારના સભ્યોએ તેમજ રીમાની બધીજ ફ્રેન્ડસે, તેના પરિવારના સભ્યોએ રીમાને સોહમની સાથે લગ્ન ન કરવા માટે ખૂબજ સમજાવી પણ રીમા સોહમને સાચા દિલથી ❤️ ચાહતી હતી તે પોતાના સોહમને આમ રખડતો મૂકવા કે તકલીફમાં જોવા બિલકુલ તૈયાર ન હતી. બધાનાં ખૂબજ સમજાવ્યા છતાં તે એકની બે ન થઈ તે ન જ થઈ.

રીમા અને સોહમના ધામધૂમથી લગ્ન લેવાયા.

રીમા સોહમને એમજ કહ્યા કરતી કે, " હું તમારી આંખો છું, તમારે સહેજ પણ ચિંતા કરવાની નહીં હું જ્યાં પણ જઈશ ત્યાં તમારો હાથ પકડીને, દોરીને હંમેશા તમને મારી સાથે લઈને જ જઈશ.

આમ, રીમા અને સોહમના લગ્ન જીવનની શરૂઆત તો થઇ ગઈ પણ પછી આજીવિકા માટે પણ તો કંઈક કરવું પડેને..?? તે પણ એક પ્રશ્ન હતો.

પરંતુ સોહમને તેનાથી મોટો એક ભાઈ અને નાનો એક ભાઈ એમ બે ભાઈ હતાં. તે બંનેએ પોતાના ભાઈના ઘરની આજીવિકાનો પ્રશ્ન હસતે મોઢે ઉપાડી લીધો.

સોહમના નામે એક એલ.આઈ.સી. ની એજન્સી લેવામાં આવી અને સોહમ અને તેની પત્ની રીમાના નામનું બેંકમાં એક જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી દેવામાં આવ્યું. સોહમના બંને ભાઈઓએ આ વાત અને સોહમની હાલની પરિસ્થિતિની જાણ સમગ્ર ફેમિલીમાં કરી દીધી.

પછી તો આખાય ફેમિલી વાળા સામેથી જ સોહમના ભાઈઓને ફોન કરતાં અને વિમો આપતાં.

આમ કરતાં કરતાં સોહમ તો એલ.આઈ.સી. માં એમ.ડી.આર.ટી. ની પોસ્ટ ઉપર પહોંચી ગયો. અને કહેવાય છે ને કે ઈશ્વર બધા દરવાજા બંધ નથી કરતો ગમે તે એક દરવાજો ખુલ્લો રાખે છે તેમ સોહમ પોતાનું મિત્ર વર્તુળ, પોતાનું ફેમિલી અને જીગરજાન એવા પોતાના બંને ભાઈઓની મદદથી ખૂબજ પૈસા કમાવા લાગ્યો.

લગ્નના એક વર્ષ સુધી તેની પત્ની રીમાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો અને પછી બીજા બે વર્ષ બાદ રીમાએ એક દિકરાને જન્મ આપ્યો. દીકરીનું નામ સેજલ અને દિકરાનું નામ પાર્થિક રાખવામાં આવ્યું.
દીકરી સેજલ ખૂબજ, ખૂબજ રૂપાળી હતી તેને પૂનાનો એક કરોડપતિ છોકરો સામેથી માંગું મૂકીને, લગ્ન કરીને લઈ ગયો અને દીકરા પાર્થિકના પણ ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા. તેને ઘરે પણ બે સુંદર નાના બાળકો છે અને અત્યારે રીમા અને સોહમ બંને પોતાના દીકરા પાર્થિકની સાથે જ રહે છે અને હવે સોહમને તેનો પૌત્ર અને પૌત્રી, " ચલો, દાદા હું તમને લઈ જવું. ચલો દાદા હું તમને લઈ જવું...." એમ કહેતા જાય છે અને દોરીને બધે લઈ જાય છે.
સત્ય ઘટના ✍️

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ