Anwar ane Maandviyen - 2 books and stories free download online pdf in Gujarati

અણવર અને માંડવિયેણ  - 2

અણવર અને માંડવિયેણ 2



આ ભાગની વાર્તા સમજવાં માટે આ ધારાવાહિકના આગળનાં ભાગ એક વાર અવશ્ય વાંચી લેજો.


"અક્કલનો છાંટો મારામાં નથી એમ? પિયુષ ક્યાં છે? મેં એને કેટલાં ફોન કર્યા ખબર છે? પાર્લરની બાહર મને મૂકીને મસાલા ખાવા જતો રહ્યો. અરે મસાલા ખાવા માટે અમેરિકા ગયો છે કે શું? મારો ફોન પણ ના ઉપાડ્યો એણે. ખબર છે તમને લોકોને કે હું અહીંયા કેવી રીતે પહોંચી? એ અક્કલનો ઓથમીર ગયો ક્યાં એમ કહો પહેલાં મને." એ છોકરીએ કહ્યું.

"શ્રી મેડમ હું અહીંયાજ છું. મને સરે ફોન કરીને બોલાવી લીધો હતો એટલે હું આવી ગયો. મેં નીકળતાં પહેલાં તમને ત્રણ ફોન પણ કર્યા પણ તમે એક પણ ના ઉપડ્યા." ભીડમાંથી પિયુષ (ડ્રાઈવરે) આગળ આવતાં કહ્યું.

"એય તું તો ચૂપ જ રહે જે સમજ્યો ને? ઊભો રહે.." શ્રી બોલતાં બોલતાં પિયુષને મારવા માટે ભાગવા ગઈ.

"આ શું કરે છે બેટા? ઉપર યાશવી તારી ક્યારની રાહ જોવે છે અને હવે જાન પણ દરવાજે છે. બસ કર. અને આ ફૂલોની પાંખડીઓની થાળી પકડ. જાનૈયાઓનાં સ્વાગત માટે તારે અહીંયા જ ઊભું રહેવાનું છે." પ્રભાએ શ્રીને થાળી સોંપતા કહ્યું.

"મમ્મી આ બહું જ ઓલ્ડ ફેશન લાગે યાર. આમ જાનૈયાઓ પર ફૂલો કોણ નાખે?હવે તો બધા પાયરો ક્રેકર્સનો જ ઉપયોગ કરે છે. અને એ આપણે લાવ્યાં પણ છીએ." શ્રીએ જવાબ આપ્યો.

"એ બધું પિયુષ, સુહાની, સેજલ અને ઋતવી પાસે કરાવશે. એ બધાં નાના છે એમને એ શોભે. આપણે તો આજ કરવાનું છે અને એમાં કોઈ આર્ગુમેન્ટ ના જોઈએ. ઓકે?" પ્રભાએ વાતમાં વજન મૂકતાં કહ્યું તો શ્રી પણ માનીને ત્યાં ઊભી રહી ગઈ.

"અચ્છા મમ્મી હું કેવી લાગું છું?" શ્રીએ પ્રભાને એક સ્મિત સાથે પૂછ્યું.

શ્રીએ લાલ ઇવનિંગ ગાઉન પહેર્યું હતું. તેમાં સાચા લાલ ગુલાબ લગાવેલાં હતાં. એનાં ડાબા હાથમાં ધડીયાળ અને જમણાં હાથમાં લાલ રંગનાં સોનાથી જડિત પાટલા હતાં. એણે માથા પર એક નાની બિંદી કરી હતી જેમાં એનું રૂપ એકદમ ખીલેલું લાગતું હતું. જાણે આખું ગુલાબનું બાગ સામે ઊભું હોય તેવું લાગતું હતું. તેનામાંથી ગુલાબની સુગંધ સતત આવતી હતી. વાળ તેણે કર્લ કરીને ખુલ્લા રાખ્યાં હતાં. શ્રી એ ડ્રેસમાં પરી જેવી લાગતી હતી.

"હમેશાંની જેમ સુંદર. ફોન કેમ ના ઉપાડ્યો બેટા?" પ્રભાનો ગુસ્સો શાંત થઈ ગયો તો તેણે પ્રેમથી પૂછ્યું.

"મમ્મી હું ડરી ગઈ હતી કે હું લેટ થઈ ગઈ હઈશ એટલે તમે બધાં મને ફોન પર ફોન કરી છો અને મને ધમકાવશો. ઉપરથી રસ્તા પર ભર અંધારું કોઈ વાહન પણ ના મળે..." શ્રી એકદમ માસૂમિયતથી બોલી રહી હતી પણ બેન્ડના અવાજો કાનોમાં પડતા હતા અને કઈં જ સંભળાતું ન હતું. પ્રભાએ તેનાં માથે હાથ મૂક્યો. એટલી વારમાં જાન મહેલનાં દરવાજા પાસે પહોંચી ગઈ હતી. વિધિવત્ જાનૈયાઓનું સ્વાગત કર્યું અને તેમને મહેલમાં તેડાવ્યા. જાનૈયાઓનાં આગમન માટે ફ્રૂટ ડીશ, જ્યુસ, બદામ પાક અને મીની સમોસા પણ હતાં. શ્રી બધાં પર ક મને ફૂલની પાંખડીઓનો વરસાદ કરી રહી હતી. અને બધા એક પછી એક અંદર પ્રવેશી રહ્યાં હતા. અચાનક શ્રીને એહસાસ થયો જાણે એ ગાડીમાં હતી ત્યારે જે પરફ્યુમની સુગંધ એની બાજુમાં બેઠેલ વ્યક્તિની હતી એ વ્યક્તિ ક્યાંક તેની આસપાસ જ છે. પણ તેણે જોયું સામે તો માત્ર યુગ અને તેનાં પરિવાર વાળા હતાં જે એને મહેલમાં લઈ જઈ રહ્યાં હતાં. શ્રીએ બધાની સામે હસી અને બધાને વેલકમ કહીને અંદર આવવા કહ્યું. બધાં જ મહેલમાં પ્રવેશી ગયા પછી પ્રભાએ ઈશારો કર્યો તો શ્રી પણ ફૂલોની ડીશ એક બાજુ મૂકીને લીફ્ટથી સીધી ઉપર યાશવી પાસે તેને મંડપમાં લાવવા માટે પહોંચી ગઈ.

"સોરી સોરી સોરી સોરી સોરી સોરી..." શ્રીએ જેવો દરવાજો ખોલ્યો એ તરત આંખો બંધ કરીને બોલવા લાગી.

"બસ હવે. તું અને તારા નાટક! મેં તો તને પાર્લર જવાની ના જ પાડી હતી ને?" યાશવીએ શ્રીને કહ્યું.

"કહેવું પડે! બાકી માલ લાગે છે. પાર્લરનો કમાલ છે કે મુંબઈની ટુ બી એક્ટ્રેસ હવે બહું જ હોટ બની ગઈ છે?" યાશવીએ કહ્યું તો બન્ને બહેનો જોરજોરથી હસવા લાગી. હસતાં હસતાં યાશવીના આંખમાં આંસું આવી ગયા.

"દી કેમ રડો છો? તમે ખુશ તો છોને?" શ્રીએ યાશવીના આંસું લૂછતાં કહ્યું.

"હાં. બહું જ ખુશ છું. તારી સાથે થોડાં દિવસ રહેવું હતું. તું તો જાણે છે ને યુગ બિઝનેસ માટે ટૂંક સમયમાં વિદેશ શિફ્ટ થવાના છે. એમનાં તો વિઝા પણ તૈયાર છે. પછી ખબર નહીં ક્યારે આપણે બે બહેનો આમ સાથે બેસીશું અને બહું બધી વાતો કરીશું." યાશવીએ કહ્યું.

"કંઈ વાંધો નહીં દી પછી વિડિયોકોલ જિંદાબાદ." શ્રીનો બાલિશ જવાબ સાંભળીને યાશવીએ કમને એક સ્મિત રેલાવી દીધું મુખ પર. અને બન્ને બહેનો નીચે મંડપમાં આવી ગઈ.

બધાનું ધ્યાન યાશવી અને શ્રી પર જ હતું. યાશવીની સાથે સાથે શ્રી પણ ધીરે ધીરે ચાલતી ચાલતી એને મંડપમાં લઇ ગઈ અને યાશવીની બાજુની સીટ જે માંડવિયેણ માટે હતી એમાં બેસી ગઈ. શ્રીએ પિયુષ ને જૂતા તરફ ઈશારો કર્યો અને પાછી એક નાનકડા સ્મિત સાથે આમ તેમ જોવા લાગી. શ્રી તો મનમાં અને મનમાં હરખાતી હતી કે બધા એને જ જોઈ રહ્યાં છે પણ એને નહીં યાશવીને જોઈ રહ્યાં હતા. સેન્ટર ઑફ અટરેક્ષન તો શ્રી પણ હતી જ. નજીકનાં સગાવહાલા તો એનાં મોંઢે એનાં વખાણ કરી ગયાં અને અમુક લોકો એની પાછળ પણ એની તારીફ કરતાં હતાં. કેટલાક લોકો તો એવું પણ કહી ગયા કે આ તો શ્રી બહાર કંઇક ભણવા ગઈ છે ને એટલે આમ બદલાઈ ગઇ છે. લોકોને એમ જ જણાવ્યું હતું કે શ્રી માસ્ટર કરવા મુંબઈ ગઈ છે. પણ હકીકત ખાલી ઘરનાં લોકોને જ ખબર હતી. યાશવી પણ ખૂબ સરસ લાગતી હતી. સામે બેઠેલો યુગ તો બસ એની આંખોમાં જોયાં જ કરતો હતો.

યુગનો અણવર ક્યાંક ગાયબ હતો. થોડીવારમાં મહારાજે મંત્રોચ્ચાર શરૂ કર્યો. અને એટલામાં યુગનો અણવર યુગની બાજુની ખુરશી પર આવીને બેસી ગયો. શ્રીની નજર એની પર જ હતી. અને એ છોકરાએ પણ એક નજર શ્રી તરફ જોયું અને મોઢું ફેરવી લીધું. શ્રીને અણસાર આવી ગયો એટલે એણે એ છોકરાને ધ્યાનથી જોયો. એને લાગ્યું પરફયુમની સ્મેલ પણ એજ અને કાનમાં બુટ્ટી પણ છે. બલેઝર પણ પહેર્યું છે. નક્કી આ એજ છે. પણ કન્ફર્મ કેવી રીતે કરવું? કારણકે એતો શ્રીને ભાવ પણ ન હતો આપતો. શ્રીએ એક નાટક રચ્યું. તેણે ઋત્વીને મેસેજ કર્યો અને એ પ્રમાણે ઋત્વી યુગ પાસે આવી અને બોલી.

"એક પ્રોબ્લેમ થઈ ગયો છે જીજુ. અહીંયા હાજર છે તેમાંથી કોઈએ કોઈ છોકરીને મહારાજા પેલેસથી અમરગઢ સુધી લિફ્ટ આપી હતી તે બહાર બેભાન પડી છે. અને એ ગાડીના ડ્રાઈવરે તેની છેડતી કરી એમ જણાવે છે."

ઋતવીની વાત સાંભળતા જ સૌ કોઈ પોતાની જગ્યાએ થી ઉભા થઇ ગયા. અને તેને ફરી પૂછ્યું કે એ શું કહેવા માંગે છે? કારણકે કોઈ કંઈ સમજી જ ના શક્યા.

શિવ: આ શું નાટક છે? મહારાજા પેલેસથી લિફ્ટ તો મેં તને આપી હતી. અને તું તો અહીંયા ઠીકઠાક છે. મેં ક્યારે તારી છેડતી કરી?" અણવરે શ્રીની નજીક આવીને ધીમેથી તેને કહ્યું. જ્યારે બધાની નજર તો ઋતવિ પર જ અટકી હતી. ચોરીમાં બેઠેલાં યુગ અને યાશવી એ બન્નેની વાતો સાંભળતા હતાં. આ સાંભળતા જ શ્રીએ ઈશારો કર્યો તો ઋત્વિએ બધાને હું મજાક કરતી હતી એમ કહી દીધું અને ત્યાંથી ચાલી ગઈ. ઋત્વિ અગિયારમાં ધોરણમાં હતો એટલે નાની છોકરી સમજીને કોઈ કંઈ બોલ્યું પણ નહીં. આખા લગ્ન દરમિયાન શ્રી શિવને અને શિવ શ્રીને બાજની જેમ જોયાં કરતાં હતાં. શિવ દેખાવમાં ખૂબ જ હેન્ડસમ હતો અને એનાં ગાલમાં ખંજન પડતાં હતાં જેથી તે ખૂબ જ સુંદર લાગતો હતો. પણ શ્રીને એનાં માટે ધૃણા જ હતી. ગાડીમાં શિવ જે કંઈ બોલ્યો એનો બદલો લેવા શ્રી હાંફળી ફાંફળી થતી હતી.

મંડપમાં ફેરા ફરાતા હતાં ત્યારે શ્રી ફૂલની પાંખડીઓ યુગ અને યાશવી પર અને એનો બચેલો કળીઓનો ભાગ શિવ પર ફેંકતી હતી એ પણ એટલું જોરથી કે શિવને પણ સામે ગુસ્સો આવી ગયો અને તે પણ શ્રી પર આખાને આખા ફૂલો ફેંકતો હતો જેથી શ્રીના વાળમાં ફૂલોની કળીઓ ફસાઈ ગઈ હતી. ફેરા પૂરાં થયાં એટલે ગુસ્સામાં માથામાં અને પોતાના ડ્રેસ પર વિખરાયેલા પડેલા ફૂલો અને કળીઓ સાફ કરવા માટે તે વોશરૂમ માં ગઈ.


શ્રીની પાછળ પાછળ શિવ પણ પાણી પીવાનું બહાનું કાઢીને મંડપની બહાર ચાલ્યો ગયો. તે બન્નેનાં ફૂલ યુદ્ધનો અણસાર યુગ અને યાશવી બન્નેને હતો. બન્ને આંખના ઈશારે એકબીજાને શિવ અને શ્રીના કારસ્તાનો ચીંધતા હતાં.

"ગુલાબનાં ફૂલ પર બે ચાર ગલગોટા પડ્યા હોય એવું લાગે છે નહીં?" શ્રીને પોતાના કપડાં પરનાં ફૂલો ખંખેરતી જોઈને શિવે પાછળથી આવતાં કાચમાં જોઈને કહ્યું.

"હા. જોને મારો આખો રીયલ રોઝનો ડ્રેસ પેલાં બેવકૂફ માણસે ખરાબ કરી દીધો. મિસ્ટર શિવ. આવાં ભયાનક માણસોના નામ શિવ કેવી રીતે હોય મને તો એજ નથી સમજાતું. મારી સામે આવે ને તો એનું ગળું દબાવી દઉં." શ્રીએ પાછળ ઊભેલા વ્યક્તિની સામે જોયાં વગર જ તેને જવાબ આપ્યો. પણ એક સેકન્ડ પછી તેણે એહસાસ થયો કે લેડીસ વોશરૂમ માં કોઈ જેન્ટ્સનો અવાજ ક્યાંથી? તેથી તેણે તરત પાછળ ઊભેલી વ્યક્તિને જોવા માટે સામે અરીસામાં જોયું.

"તું?" શ્રીએ મોટેથી કીધું.

શિવ દોડતો શ્રી પાસે આવ્યો અને એનું મોઢું દબાવી દીધું.

"કોઈ સાંભળી જશે. ધીમે બોલ. પાગલ છોકરી." શિવે શ્રીને કહ્યું અને એનાં મોઢાં પરથી હાથ લીધો.

"લેડીઝ વોશરૂમમાં મારો પીછો કરતાં કરતાં અંદર આવતાં તને શરમ નથી આવતી? તું ઊભો રે. હું હમણાં જ બહાર બધાને કહું છું." આટલું બોલી શ્રી ત્યાંથી ચાલવા લાગી. પણ એટલામાં જ એની નજર આજુબાજુમાં ગઈ. ભૂલથી તે પોતે જેન્ટ્સ વોશરૂમમાં આવી ગઈ હતી.

"ઓહ નો." શ્રીને પોતાની ભૂલનો એહસાસ થયો તો પોતે ભાગતી ત્યાંથી બહાર નીકળી ગઈ. અને પાછળ શિવ જોરજોરથી તેનાં પર હસતો હતો.

શ્રી બહાર આવી ત્યારે ડિનર શરૂ થઈ ગયું હતું. અડધા ગેસ્ટ ડિનર તરફ હતાં અને નજીકનાં લોકો ચોરીની ફરતે હતાં અને યુગ અને યાશવીને આશીર્વાદ આપી રહ્યાં હતાં. યાશવી ખૂબ રડી રહી હતી તેથી શ્રી તેની પાસે જતી રહી અને તેને સાંત્વના આપવા લાગી. થોડીજ વારમાં બધાં ચોરીથી ડિનર કરવા હોલમાં જવા લાગ્યા. ત્યારે યુગનાં જૂતા પર ધ્યાન ગયું જે ક્યાંય દેખાઈ રહ્યા ન હતા એટલે પિયુષે શ્રીને ઈશારો કર્યો.

શ્રી: "જીજુ પર્સ ખાલી કરવુ પડશે એટલે જૂતા મળી જશે. કારણકે જૂતા અમારી પાસે છે."

"એની કોઈ જ જરૂર નથી કારણકે યુગનાં જૂતા મારી પાસે જ છે." શિવે પાછળથી યુગનાં ખભા પર હાથ મૂકતાં કહ્યું.

"અરે, જૂતા અમારી પાસે છે. લાવ પિયુષ." શ્રીએ ગુસ્સામાં કહ્યું.

"સુજલ લાવ તો ભાઈના જૂતા. ગાડીમાં છે એમની." શિવે સુજલને કહ્યું અને પાછળનું વાક્ય ધીમેથી તેના કાનમાં કહ્યું.

થોડીવાર પછી પિયુષ અને સુજલ બન્ને જૂતા સાથે હાજર હતાં. બન્ને પાસે એકસરખા દેખાતાં જૂતા હતાં.

"પપ્પા આ તો ચિટિંગ છે. જીજુ આવ્યા હોલમાં પછી એમનાં જૂતા પિયુષે તરત લઈ લીધા હતા. આ લોકો ખોટું બોલે છે જૂઓને." શ્રીએ માસૂમિયતથી કહ્યું તો બધાં હસવા લાગ્યા.

શિવ: "અરે પણ જૂતા તો અમારી પાસે પણ છે. અને એ ભાઈના જ છે."

રુદ્ર પ્રતાપ સિંહ: "બેટા, બસ. કવર શ્રીને આપી દો. રિવાજ પોતાની જગ્યાએ અને બે ઘડીની મજાક પોતાની જગ્યાએ."

રુદ્ર પ્રતાપ સિંહ પહેલેથી ગરમ સ્વભાવનાં હતાં. અને પિતાના કડક સ્વભાવનો ડર શિવને પહેલેથી જ લાગતો હતો.

પિતાની વાત સાંભળીને શિવે શ્રીના હાથમાં કવર આપ્યું. અને બધાની સામે કહ્યું કે, "ખરીદી કરતી વખતે એક જ જેવા દેખાતાં બે જૂતા ભાઈ માટે સુજલે લીધા હતા. જેથી જૂતા કદાચ સામેના પક્ષમાં કોઈ લઈ પણ લે કોઈ તો બીજા જૂતા બતાવીને કહી શકાય કે જૂતા તો અમારી પાસે જ છે."

શિવની વાત સાંભળીને બધા હસયા અને પછી સાથે ડિનર કરવા બેઠાં. એક બાજુ કન્યા પક્ષ અને બીજી બાજુ વર પક્ષ એમ વીસેક ખુરશીઓ ગોઠવેલી હતી. શિવ અને શ્રી બરાબર એકબીજાની સામે હતાં. અને યુગ અને યાશવી શરૂઆતની બે ખુરશીમાં અને તે પછી બધા પરિવારવાળા બેઠેલાં હતાં.

જમવામાં એટલી બધી વસ્તુઓ હતી કે ખાલી જોઈને જ પેટ ભરાઈ જાય. ત્રણ જાતનાં સૂપ, ચાઇનીઝ ભેળ, પાણીપુરી, પનીર ચીઝ બોલ્સ, મીની ઢોંસા, ઈડલી, ઉત્તપા, મેંદુવડા, ખમણ, લાઈવ ઢોકળાં, ડ્રાય ફ્રૂટ હલવો, માવા મીઠાઈ, ગુલાબ પાક, રસ મલાઈ, પનીર પસંદા, મિક્સ વેજીટેબલ, મીની ઉંધીયું, જલેબી, પૂરી, નાન, રોટી, દાલ મખની, બિરયાની, દાળ ભાત રાજસ્થાની સ્ટાઈલના અને છ જાતનાં અથાણાં અને સલાડ એ બધું જ રાજસ્થાની સ્ટાઈલમાં. છેલ્લે આઈસ્ક્રીમ અને લાઈવ પાન.

જમણવાર પત્યો પછી વિદાય તરતજ હતી. વિદાય વખતે ખુશાલચંદની આંખોમાં લોકોએ પહેલી વખત આંસું જોયાં હતાં. બાકી નામ પ્રમાણે જ હતાં ખુશાલચંદ. હમેશાં હસતાં જ રહે પણ દીકરી વળાવવી અને કન્યાદાન જેવા પ્રસંગમાં ભલભલાની આંખ ભરાઈ આવે પછી એતો એક બાપ હતાં. પ્રભા પણ યાશવીને ભેટીને ખૂબ રડતી હતી . શ્રી ક્યાંક ગાયબ હતી. યાશવીની નજર બસ શ્રીને જ શોધી રહી હતી. એટલામાં હાથ પાછળ રાખીને શ્રી યાશવી સામે આવીને ઊભી રહી ગઈ. અને એણે ધીમે રહીને પાછળથી એક થેલી આગળ કરી જેમાં કંઇક વસ્તુઓ હતી.

"આ પહેલી પેન્સિલ. યાદ છે દી તમે મને આ પેન્સિલ આપવાનાં જ ન હતાં કારણકે આ પેન્સિલ તમારી પણ ખાસ હતી. પપ્પા લંડન ગયા હતા ત્યારે આ ટોમ એન્ડ જરીની કેપ વાળી પેન્સિલ લાવ્યાં હતાં. અને હું નાની હતી એટલે મારાં માટે ડોલ લાવ્યાં હતાં. પણ મને તો આ પેન્સિલ જ ગમી ગઈ અને રડારોળ કરી મૂકી મેં એ પેન્સિલ માટે. તમારાથી ના જોવાયું એટલે તમે મને આ પેન્સિલ આપી દીધી.

આ રૂમાલ જેમાં એફિલ ટાવર દોરેલું છે. યાદ છે દી. આપણે પેરીસ ગયા હતાં ત્યાંથી આ રૂમાલ લીધો હતો. રૂમાલ બન્ને માટે લીધા હતા પણ મારો તો મેં ત્યાંજ ખોવી નાખ્યો અને પછી તમારો લઈ લેવા જીદ પકડી. અને મારી આંખમાં એક આંસું ના આવે એટલા માટે તમે મને એ રૂમાલ તરત આપી દીધો.

આ ફોન. જેમાં ચાર પાંચ ગીતો વાગે અને લાઈટ થાય. આ પપ્પા મસુરીથી લાવ્યાં હતાં. મારો તો મેં ગુસ્સામાં ફેંકી દીધો એટલે તૂટી ગયો અને પછી તમારો પણ મેં લઈ લીધો હતો. તમે બધે શોધતા રહ્યાં કે ફોન ક્યાં ગયો અને મેં કહી દીધું કે એ ખોવાઈ ગયો હશે પછી ઘણીવાર તમે મને આ ફોન સાથે રમતાં જોઈ હતી પણ તમે ક્યારેય મારા પર ગુસ્સે ના થયા.

અને આ કી ચેન. યાદ છે દી. આવા સેમ બે કિચન મમ્મી દ્વારકાથી લાવી હતી જેમાં ચોખા પર એક બાજુ તમારું અને બીજું બાજુ મારું નામ લખેલું છે. મારું કી ચેન હું રોજ સાઇકલ ચલાવતી એ સાઈકલની ચાવીના કી ચેનમાં મેં ભરવાઈ દીધું અને એ તો એક દિવસ હું સાઇકલ પરથી પડી એ સાથે જ તૂટી ગયું. પછી હું રડતી રડતી ઘરે આવી એટલે તમે તમારું સંભાળીને મૂકેલું કી ચેન મને આપી દીધું અને એ જોઈને હું એકદમ ખુશ થઈ ગઈ.

નાનપણથી જ મેં વસ્તુઓની કદર કરી જ ન હતી ને? પણ વાત જ્યારે તમારા તરફથી મળેલી વસ્તુઓની આવતી ત્યારે હું બેદરકાર નહીં પણ જવાબદાર બની જતી હતી. આ દરેક નાની મોટી વસ્તુઓ સાથે કેટલીય વાતો અને યાદો જોડાયેલી છે. અને એ વસ્તુઓ તમારી હતી એટલે મેં સંભાળી પણ હતી. કદર વસ્તુઓની નહીં માણસની હોય છે. એમ તમે જ શીખવાડ્યું હતું ને દી? તમારાં લગ્નમાં તમારા માટે આ નાની બહેન ખાસ કંઈ લાવી નથી શકી. પણ આ નાનપણની યાદો અને એમાં છુપાયેલો અનંત પ્રેમ હું તમને સોંપું છું. તમને મારી યાદ આવે ત્યારે જો હું પાસે ના હોઉં તોય આ વસ્તુઓમાં છુપાયેલો મારો તમારા તરફનો પ્રેમ હમેશાં તમારી સાથે રહેશે."

શ્રી એક પછી એક વસ્તુઓ ઠેલીમાંથી કાઢતી અને એને જોડાયેલી વાત રજૂ કરતી. અને એની વાત સાંભળીને ત્યાં ઊભેલાં બધાજ લોકોના આંખોના કિનારા ભીંજાઈ ગયા હતા.

આટલું બોલતાં શ્રી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. યાશવી પણ તેને ગળે મળીને ખૂબ રડી અને તેની આપેલી બાળપણની યાદોની બહુમૂલ્યવાળી થેલી લઈને મહેલનાં જે સ્થળ પર યુગનાં પરિવારનો ઉતારો હતો ત્યાં યુગ અને તેના પરિવાર સાથે જતી રહી. એનાં ગયા પછી શ્રી, પ્રભા અને ખુશાલચંદ ખૂબ રડતાં હતાં પણ શ્રીએ તેમને સાંભળ્યા અને બીજા દિવસના રિસેપ્શનની તૈયારી પણ કરવાની છે એમ સમજાવી તેમને સૂઈ જવા કીધું અને પોતે પણ પોતાનાં રૂમમાં જતી રહી. આ બાજુ યાશવી ખૂબ રડતી હતી પણ યુગ, શિવ અને શાલીનીએ તેને બીજી વાતમાં વાળી અને શિવે જોક્સ કહીને એને હસાવી અને મોડી રાતે બધાં બીજા દિવસના પ્રસંગના વિચાર કરતાં કરતાં સૂઈ ગયા.





આગળની વાર્તા આગળનાં ભાગમાં પ્રકાશિત થશે. પણ જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય જરૂર આપજો.