Yaad karo kurbani - 5 books and stories free download online pdf in Gujarati

યાદ કરો કુરબાની - 5


અમે સરકારે આપેલ ઉતારે આવી ત્યાં સાઉથ ઇન્ડિયન ભોજન કર્યું. ત્યાં તો ત્યાં નવા નિમાએલા લેફ્ટેનન્ટ ગવર્નર સાહેબ મારા દાદા અને સ્વાતંત્ર્યસેનાની સાથીઓને મળવા આવ્યા.

દાદા અને સાથીઓને એમણે કહ્યું, "આપ સહુને અહીંના આદિવાસીઓ સિવાયના આ ટાપુના મૂળ રહેવાસીઓ કહું તો ખોટું નથી. એ જેલમાં તમે સહુ હતા એ વાતને બત્રીસ ઉપર વર્ષ થઈ ગયાં. હવે 1947 ઓગસ્ટથી ભારત આઝાદ દેશ છે અને આંદામાન એ સ્વતંત્ર રાષ્ટ્રનો જ એક ટુકડો છે."

વચ્ચે ચારુદત્ત દાદાએ કહ્યું, "સર, આંદામાન પ્રદેશ તો એ પહેલાં 1945માં જ સ્વતંત્ર થઈ ગયેલો. 1942માં જાપાને અંદામાનનો કબજો લઈ લીધો અને બ્રિટિશરોને અહીંની આ જ જેલમાં પૂર્યા. એ પછી ફરી 1945માં બ્રિટને જાપાન ઉપર જીત મેળવી પણ આ પ્રદેશ બ્રિટને પોતાની પાસે ન રાખ્યો."

"થેન્ક્સ ફોર ઇન્ફર્મેશન. હા. મેં પણ એ સાંભળ્યું છે." ગવર્નર સાહેબે કહ્યું અને આગળ ચલાવ્યું - "માનનીય વડાપ્રધાન મોરારજી દેસાઈ ઈચ્છે છે કે આંદામાન કાળાપાણીની સજા કે જેલની યાતનાઓની જ યાદો તરીકે ભારતીઓનાં મનમાં ન રહે, બલ્કે એક પ્રગતિશીલ રાજ્ય તરીકે રહે. માનનીય વડાપ્રધાનને અહીં ખેતીલાયક જમીન બનાવી, ઉદ્યોગ ધંધા સ્થાપી સામાન્ય લોકોને વસાવવા છે. એ માટે સરકાર એક રૂપિયે વાર જમીન નજીકનાં શહેરો જેવાં કે નીલ આઇલેન્ડ, ભરતપુર, દિગલીપુર, રાધાનગર, રોસ આઇલેન્ડ વગેરે પર ડ્રો કરી એક રૂપિયે વાર અને પોર્ટ બ્લેર અને નજીકના સાત કિમી શહેરી વિસ્તારમાં ડ્રો થી પાંચ રૂપિયે વાર જમીન ફાળવે છે. અત્યારે 1979 ઓગસ્ટ ચાલે છે. તમે કે હું બીજાં ચાલીસ વર્ષ પછી નહીં હોઈએ પણ જે ભારતીયો 2019માં અહીં આવશે તે એક વિકસિત રાજ્ય જોશે. સરકાર અહીંના ટાપુઓને આદર્શ ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ વિકસાવવા માંગે છે. પ્રથમ પસંદગી આપ સહુને. અલબત્ત, ડ્રો સાથે."

નૌતમ દાદાએ તો ડ્રો માટે પૈસા ભરી બે ચાર ટુકડા રાધાનગર, બરાકપુર વગેરે પર બુક કર્યા. ચારુદત્ત દાદા કહે આ જેટી મેં ખભે પથ્થરો ઊંચકી બાંધી છે. બને તો એની નજીકની જમીન હું લઈશ. સામે એક ગેસ્ટહાઉસ અને રમણીય બાગ બનાવીશ. બને કે મારું કલકત્તા છોડી અહીં અંતિમ વર્ષો ભૂરા સમુદ્ર વચ્ચે ગાળું. એમણે તો ગાયું 'નીલે ગગન કે તલે.. ધરતી કા પ્યાર પલે..' સહુએ ગીત વધાવ્યું. "હું આ ભૂરા સમુદ્ર અને નીલી ધરતી પર રહીને ખેતી પણ કરીશ. ક્યારેક મેં જમીન સમથળ કરેલી ત્યાં." વિઠ્ઠલરાવે કહ્યું.

દાદાએ તો કહ્યું કે તેઓ ક્યારેક નારીયેળી પર ચડ્યા ઉતર્યા છે ને રબરનો રસ ભેગો કર્યો છે. રાધાનગર તેમ જ પોર્ટ બ્લેર નજીક તેમણે આનાં પ્લાન્ટશન થાય એવી જમીન માટે પૈસા ભરી ડ્રો માટે નામ લખાવ્યું.

દાદાએ જ સૂચવ્યું કે જેલની દીવાલો કાળી રંગવામાં આવેલી તે જાણી જોઈ કેદીઓનાં મન એકદમ શોકાતુર અને પાગલ જેવા કરી મુકવા જ છે. હવે તેને ક્રીમ યલો જેવા રંગથી રંગીએ. અધિકારીએ તરત એ સૂચન વધાવ્યું. વચ્ચે કહીશ કે બીજે દિવસે વહેલી સવારે ફરી જેટી પર જતાં પહેલાં હવે વૃદ્ધ થયેલા સેનાનીઓએ ફટાફટ થોડા કુંચડા હોંશથી માર્યા. એક પંજાબી દાદાએ તો પુરા જોશથી એ ફાંસી ખોલી લીલી રંગી દીધી. બાકીનું વ્યવસ્થિત કલરકામ કેન્દ્ર સરકારનું બાંધકામ ખાતું કરવાનું હતું.

એમના અધિકારીએ કહ્યું કે તમે સહુ જહાજમાં આવ્યા પણ જશો ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટથી મદ્રાસ. આવતી કાલે સવારે જે રાજકીય કેદીઓ જેલવાસ દરમ્યાન મૃત્યુ પામ્યા છે તેમને સમુદ્રમાં પૂજા કરી પુષ્પાંજલિ આપવામાં આવશે. પછીનો આખો દિવસ ફ્રી અને પરમદિવસે સવારે ફ્લાઈટ દસ વાગે ઉપડશે.

અંધારી રાતે મેં પક્ષીઓના વિચિત્ર અવાજો સાંભળ્યા. મોટા આગિયાઓ પ્રકાશ ફેંકતા ઉડતા હતા. દાદા એક ટોર્ચ લઈ મારી સાથે આવ્યા. મને જેલ પાછળનો એ ઢાળ બતાવ્યો જ્યાંથી ઇમારતી લાકડાં તણાઈને આવતાં અને તેઓ સાથે અન્ય કેદીઓ કૂદીને રોકતા પછી હાથીઓ ઉપાડતા.

મને કહે "હું તો એ સાતેક લોકોને દીવાલ કુદવા દઈ અંદર ઉભેલો. પછી સ્વાતંત્ર્ય સેનાનીઓને ચડામણી કરવાના આરોપસર એ મેં કહેલું તે સહુથી સમજુ સાવરકરને ગળે અને હાથપગે બેડીઓ પહેરાવી કામ કરાવતા. ખબર છે એમને કેટલા વર્ષની સજા થયેલી? પૂરાં પચાસ વર્ષ! પચીસ નાસિક કલેક્ટરની હત્યા માટે કાવતરું ઘડી શસ્ત્રો આપવા માટે ને પચીસ બ્રિટિશ વાઇસરોય લોર્ડ કર્ઝનની હત્યા માટે મદદ કરવા. તેઓ ખૂબ બુદ્ધિશાળી હતા. ક્યારેક લાગતું કે બ્રિટિશરોનો પક્ષ લે છે પણ એ રીતે એમણે ઘણા કેદીઓને મોતની સજા થતી બચાવેલી. એમને લાગ્યું કે અહીં કેદ ભોગવવાથી આઝાદી નહીં આવે એટલે એકવાર બહાર નીકળે પછી બીજા રસ્તા કરે એટલે એમણે બ્રિટિશરોને માફીપત્ર પણ લખી પોતાને છોડવા માંગણી કરેલી.

પણ બેટા, તને કહું, એક રાત્રે અમે કોઈક રીતે સુકાં પાંદડાંઓ પર સુઇને ધસડાતા ભાગેલા જેથી સાપ ફરે છે એમ લાગે. પણ અમે આકાશમાં ફાઈટર પ્લેનોની લાઈટો જોઈ. જેલ પર અને ટાપુ પર જાપાનીઓએ બૉમ્બ ફેંકેલા. જોતજોતામાં આખા ટાપુ પર આગ ફરી વળેલી. અમે દરિયામાં કૂદી થોડું તરતા આગળ એક ચીડિયા ટાપુ છે એ દિશામાં જતા રહેલા.

સુભાષચંદ્ર બોઝે આખરે ટાપુ જાપાનીઓની મદદથી કબજે કરી આંદામાન જેલના કેદીઓને છોડી મુકવા આદેશ કરેલો. કોઈ 1932 થી કોઈ છેક 1927 કે 28 થી એમ આશરે પચીસ વર્ષથી કેદ હતા! આખરે અમે છૂટેલા. મુક્ત માનવીઓ તરીકે."

"તો દાદા, તમે કહ્યું તેમ 963 કેદીઓ હતા. એમાંથી આટલી લાંબી અને કપરી સજા પછી જીવતા કેટલા રહેલા?" મેં પૂછ્યું.

"દર મહીને બે ત્રણ કેદીઓ ત્રાસીને આપઘાત કરતા. કેટલાયે સખત કામ અને ખૂબ ઓછા ખોરાકને લીધે કુપોષણથી અને કેટલાયે ઝેરી તાવ અને મેલેરિયાથી. એમને એમ ડેવિડ બેરી જેવા ક્રૂર બ્રિટિશરોએ મારી નાખ્યા હોય ને સજાને માંદગી કે અકસ્માતમાં ખપાવી હોય તે અલગ. 87 કેદીઓ પર ભાગવાની કોશિશ કે બળવાનો આરોપ લગાવી આ ખોલીમાં જ ફાંસી થયેલી. કહે છે કોઈ ને કોઈ રીતે 238 કેદીઓ મરી ગયેલા. પણ એક જાય ને બીજાને એ લોકો લઈ લાવે એટલે છૂટેલા લગભગ 963 જ."

"ઓહ, બહુ મોટું બલિદાન." મેં કહ્યું.

"હા બેટા. એ કુરબાની જ તમારી પેઢીએ યાદ રાખવાની છે. આ ખૂબ મુશ્કેલીથી મળેલી આઝાદી વધુ પડતી વિદેશી વસ્તુઓ ખરીદીથી, આતંકવાદને પોષતી પ્રવૃત્તિઓથી કે દેશ એનું કરે આપણે આપણું જેવી વૃત્તિથી માત્ર કહેવા પૂરતી ન રહે એ તમે જોજો. દેશ માટે નુકસાનકારક પ્રવૃત્તિઓથી દૂર રહીએ તો જ અમારી યાતનાઓ લેખે લાગશે.

ચાલ બેટા, અગિયાર જેવા વાગ્યા છે. અહીંની મધરાત થઈ. પાછા જઈએ." કહેતાં દાદાએ ટોર્ચ હવે કાચો રસ્તો હતો તે તરફ ફેરવી. ઘોર જંગલમાં ઘુવડ કે ચિબરીનો અવાજ થયો. દાદાએ સામો કર્યો. એક શિયાળની લાળી થઈ. સામે કોઈ જંગલી પક્ષીનો વિચિત્ર અવાજ સંભળાયો. ટોર્ચના શેરડા પડ્યા અને.. દાદા, વિઠ્ઠલરાવ, નૌતમ દાદા અને ચારુ દત્ત દાદા સામસામે આવી ખડખડાટ હસતા ભેટ્યા. સહુ છેલ્લે છેલ્લે આ શહેર નજીકનાં જંગલમાં ફરવા નીકળેલા જ્યાં તેઓએ કાળી મજૂરી કરેલી.

વહેલી સવારે સહુએ વૈદિક મંત્રો સાથે મૃત કેદીઓને અંજલિ આપી અને પ્લેનમાં ગોઠવાયા. હું પ્લેનમાંથી નીચે અફાટ સમુદ્ર જોઈ રહ્યો. નીચે અમુક જગ્યાએ સફેદ, ક્યાંક લીલો, દૂર ભુરો અને વિલીન થતી પર્વતમાળા નજીક સાચે જ કાળો!

હું દાદા ઉપરાંત એ સહુ સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાનીને નમન કરી રહ્યો."


મેં 'જયહિંદ' કહી શ્વાસ ખાધો અને.. મારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો તાળીઓનો પ્રચંડ ગડગડાટ ક્યાંય સુધી ચાલ્યે રાખ્યો.

આચાર્યએ મારી પીઠ થાબડી અને કહ્યું "આજે સ્વાતંત્ર્ય સેનાની શ્રીપ્રસાદના પૌત્ર આપણા વિદ્યાર્થી સ્વતંત્રએ તેના દાદા સાથે અંદામાનની તાજેતરમાં લીધેલી મુલાકાતની વાત સરસ રીતે વિસ્તારથી કહી. થ્રિ ચિયર્સ ફોર સ્વતંત્ર."

15 ઓગસ્ટ 1980 નું ધ્વજવંદન થયું અને રાષ્ટ્રગીત પહેલાં મારી સાથે ભણતી છોકરીએ '... જરા યાદ કરો કુરબાની' ગીત ગાયું. સહુ એકી સાથે મેં વર્ણવી એ કુરબાની યાદ કરતા નતમસ્તકે નમી રહ્યા.

(સમાપ્ત.)