RRR books and stories free download online pdf in Gujarati

આરઆરઆર

આરઆરઆર

-રાકેશ ઠક્કર

નિર્દેશક એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' ત્રણ કલાક લાંબી હોવા છતાં એટલી મનોરંજક છે કે દર્શકોને ગીતોમાં પણ કંટાળો આવતો નથી. પ્રચારમાં વાર્તા વિશે ખાસ માહિતી આપવામાં આવી ન હતી. એ કારણે એક પછી એક ટ્વીસ્ટ અને ટર્ન જોઇને દર્શકો મોંમાં આંગળા નાખી જાય છે. 'બાહુબલી' થી પોતાનો એક અલગ ચાહક વર્ગ ઊભો કરનાર નિર્દેશક રાજામૌલી પાસે ઐતિહાસિક વાર્તાને રજૂ કરવાની સારી કળા છે. સમીક્ષકોએ એ વાતની ખાસ નોંધ લીધી છે કે સામાન્ય રીતે ફિલ્મ માટે એક ચોક્કસ વાર્તા હોય છે અને એમાં એક્શન, ડ્રામા વગેરે મિશ્ર કરવામાં આવે છે જ્યારે 'RRR' ની વાર્તા એક્શન અને ડ્રામાના દમ પર આગળ વધે છે. આઝાદી પહેલાંના ૧૯૨૦ ના દાયકાની એમાં વાર્તા છે. એક નાનકડી છોકરી મલ્લીનો અવાજ સારો લાગતો હોવાથી અંગ્રેજો એને ઉઠાવી જાય છે ત્યારે એમના સમાજનો રખેવાળ કોમારામ ભીમુડો (જુનિયર એનટીઆર) એને બચાવવાનું બીડું ઉપાડે છે. બીજી તરફ બ્રિટિશ સરકારમાં પોલીસ અધિકારી રામ (રામચરણ) નું કામ સરકાર સામે બંડ પોકારનારાને પકડીને સજા આપવાનું છે. રામ ભીમની ધરપકડ કરવાના મિશન પર નીકળે છે. જો તે રામને જીવતો પકડી શકે તો બ્રિટિશ સરકાર તેને મોટું પદ આપવાની છે. પણ એ પદ મેળવવામાં રામનો રહસ્યમય સ્વાર્થ હોય છે. પછી સંજોગો એવા સર્જાય છે કે રામ અને ભીમ પોતાની અસલિયતથી અજાણ રહીને એકબીજાના દોસ્ત બની જાય છે. તેમને જ્યારે ખબર પડે છે કે બંને એકબીજાના દુશ્મન છે ત્યારે શું થાય છે એ જાણવા ફિલ્મ જોવી પડે એમ છે.

ફિલ્મ દર્શકોની અપેક્ષા કરતાં વધુ મનોરંજન આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 'RRR' એવી એક ફિલ્મ સાબિત થઇ છે જેનો પહેલો ભાગ એકદમ રસપ્રદ બન્યો છે. બીજો ભાગ થોડો ધીમો છે પણ ક્લાઇમેક્સ બધી ફરિયાદ દૂર કરી દે છે. કોઇએ કલ્પના ના કરી હોય એવો અંત છે. નવાઇની વાત એ છે કે પોસ્ટર અને ટ્રેલર આવ્યા પછી માત્ર એક્શન ફિલ્મ હોવાનું લાગતું હતું. અસલમાં રાજામૌલીની આ ફિલ્મમાં એક્શન કરતાં ઇમોશન વધુ છે. એ સાથે દેશભક્તિની એક ફિલ્મ તરીકે પણ ઓળખવામાં આવી છે. દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામચરણ જાણે આ ભૂમિકા માટે જ જન્મ્યા હોય એટલી હદ સુધી પાત્રને નિભાવી જાય છે. બંને આંખોથી પણ અભિનય કરે છે. તેમના પ્રવેશનું દ્રશ્ય જ પ્રભાવશાળી વ્યક્તિત્વનો અંદાજ આપે છે. બંને દરેક એક્શન દ્રશ્યમાં પ્રભાવિત કરે છે. અજય દેવગન નાની ભૂમિકામાં જમાવટ કરે છે. તેનું પાત્ર વાર્તાને વધારે મજબૂત બનાવે છે. આલિયા ભટ્ટ મહેમાન ભૂમિકામાં નિરાશ કરતી નથી. તેણે કમાલનો અભિનય કર્યો છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત ધમાકેદાર છે. એ સંગીતથી દરેક દ્રશ્ય દમદાર બને છે. ગીત-સંગીતમાં 'નાચો નાચો' જબરદસ્ત છે. બંને મુખ્ય અભિનેતા અભિનય સાથે ડાન્સ જબરદસ્ત કરી જાણે છે. એમ.એમ. ક્રીમના સંગીતવાળા ગીતો વાર્તાની ગતિ વધારવાનું જ કામ કરે છે. શોલે, જનની અને 'દોસ્તી' જેવા ગીતોમાં ઇમોશન પણ અનુભવાય છે. બધું જ સારું હોવાથી હિન્દી ડબિંગ હજુ વધુ સારી રીતે કરવાની જરૂર હતી. દક્ષિણના બંને મુખ્ય અભિનેતાએ જાતે હિન્દી ડબિંગ કર્યું હોવાથી ઠીક કહી શકાય એવું છે. ફિલ્મમાં કેટલીક નબળાઇઓ હોવા છતાં દર્શકોને નિરાશ કરતી નથી. ફિલ્મને વધુ પડતી ભવ્ય બનાવવાનો મોહ રાજામૌલી છોડી શક્યા નથી. 'બાહુબલી' પછી લોકોની અપેક્ષા વધી જતાં એ એમના માટે જરૂરી પણ હતું. 'બાહુબલી' જેવી ભવ્ય ફિલ્મ ફરી ક્યારેય બની નહીં શકે એવી માન્યતા તેમણે જ ખોટી પાડી છે. રાજામૌલી લાર્જર ધેન લાઇફ પાત્રોનું સર્જન કરવા માટે જાણીતા રહ્યા છે. રાજામૌલીનો એ કમાલ જ કહેવાય કે એમાં પાત્રો સાચા છે પણ પ્રસંગો કાલ્પનિક છે. તેમણે અલ્લૂરી સીતારામા રાજુ અને કોમારામ ભીમ નામના ક્રાંતિકારીઓને પોતાની કલ્પનાથી બ્રિટિશ રાજ સામે લડાઇ લડતા બતાવ્યા છે. મોટા પડદા પર શરૂઆતથી અંત સુધી અદભૂત કહી શકાય એવી વિઝ્યુઅલ ટ્રીટ જોવાનો આનંદ ગુમાવવા જેવો નથી.