What does it mean to be in pain? books and stories free download online pdf in Gujarati

દુઃખમાં આળોટ્યાં કરવાનો શો મતલબ?

આપણી આસપાસ ઘણાં લોકો જોવા મળે છે કે જેમનાં મોં હંમેશા ઊતરેલી કઢી જેવા જ હોય છે. કોઈને ધંધામાં નુકસાન ગયું છે એટલે દુઃખમાં છે, કોઈને પરીક્ષાનું પેપર સારું નથી ગયું એટલે દુઃખમાં છે, કાં તો કોઈ લવર મૂછીયાનું પ્રેમમાં દિલ તૂટ્યું છે એટલે દુઃખમાં છે. કોઈ ને કોઈ બાબતે લોકો પોતાનાં દુઃખમાં આળોટ્યાં કરે છે. એમાં ઘણા બુદ્ધિશાળી લોકો હોય છે કે જેમને ગમે તેટલું દુઃખ હોય પણ થોડી વારમાં પોતાનાં દુઃખમાંથી બહાર આવીને પોતાનાં આગળનાં કાર્યોમાં રત થઈ જાય છે. જ્યારે અમુક લોકોને ખબર નહિ કે એમનાં નાનકડાં દુઃખનાં ખાબોચિયામાં એવી તો શું મજા આવે છે કે એમાં પડ્યાં પાથર્યાં જ રહે છે. પોતે તો દુઃખી થાય અને સાથે ગામ આખાને દુઃખી કરે!

આમાં તકલીફ એ છે કે આજના યુવાનો પાસે પ્રેક્ટિકલ એપ્રોચ (વ્યવહારુ અભિગમ) નથી. દુઃખ, ચિંતા, ડિપ્રેશન, રોગ આ બધું આજે એટલું સામાન્ય થઈ ગયું છે કે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ દુઃખથી પીડિત હોય જ છે. પરંતુ બુદ્ધિશાળી લોકો એ દુઃખ પકડીને પડી નથી રહેતાં. જે વ્યક્તિ જીવંત છે, તે એ દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જે વ્યક્તિ તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જ નથી કરતો, તે કોઈ કાળે જીવંત હોઈ જ ન શકે. તે ફક્ત નામ માત્રનું જીવે છે. કહેવાય છે કે લહેરોની દિશામાં તો નિર્જીવ લાકડું પણ તરે છે. જેનામાં લહેરોને ચીરીને આગળ વધવાની હામ હોય તે જ જીવંત કહેવાય.

આગળ કહ્યું એમ, ધંધામાં નુકસાન, પરીક્ષામાં પેપર ખરાબ ગયું કે પછી પ્રેમ સંબંધ તૂટ્યો તો એના દુઃખમાં દિવસો પસાર કરવાથી દુઃખ અને તકલીફ સિવાય કંઈ જ પ્રાપ્ત નથી થવાનું. હા, માણસ લાગણીથી બંધાયેલો હોય છે એટલે દુઃખ થાય એમાં ના નથી. એમાં પણ જ્યાં લાગણીના તાર હૃદયથી જોડાયેલાં હોય ત્યાં એ તાર તૂટવાથી ઘણી તકલીફો થાય જ છે. પણ, હવે એ દુઃખમાં આળોટ્યાં કરવાનું કે એમાંથી ઊભા થઈને આગળ શું કરવું અને હવે પોતે કંઈ રીતે સફળ થવાય તે બાબત પર વિચારવિમર્શ કરવો એ પણ આપણાં જ હાથમાં છે. પડી જવું એ ગુનો નથી, પણ પડ્યાં રહેવું તે ગુનો છે તથા પડ્યાં પછી તરત ઊભા થઈ જવું, એ છે પ્રેક્ટિકલ એપ્રોચ. આ અભિગમ આજે બધાએ કેળવવાની જરૂર છે.

આજના યુવાનો પાસે આ પ્રેક્ટિકલ એપ્રોચ નથી એનું કારણ છે કે આજના યુવાનોના આદર્શ બોલીવુડના હીરો- હીરોઇન હોય છે, નહિ કે રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર. જો રામ આદર્શ હોય તો સમજાય કે, રામે જે દુઃખ ભોગવ્યું એટલું દુઃખ કોઈએ નથી ભોગવ્યું. અહીં કોણ છે એવું કે જેને કહેવામાં આવ્યું હોય કે સવારે તમને બધી પ્રોપર્ટી સોંપવામાં આવશે, પરંતુ તેની જગ્યાએ બીજા દિવસે બધું જ છીનવી લેવામાં આવે અને વર્ષો સુધી જંગલમાં ભટકવા માટે છોડી દેવામાં આવે? રામને રાજગાદીની જગ્યાએ વનવાસ મળ્યો, છતાં પણ રામ ક્યાંય રોકાયા નથી. તેઓ સતત આગળ વધતાં રહે છે અને આયોધ્યાપતિ બને છે. કૃષ્ણનું જીવન પણ દુઃખોથી ભરેલું હતું. રાજાનો પુત્ર હોવા છતાં જેલમાં જન્મ થયો. જન્મતાની સાથે જ મા-બાપનો સાથ છૂટ્યો. રાજમહેલમાં ઉછેર થવાની જગ્યાએ ગોકુળમાં ગાયો ચરાવવા જવું પડ્યું. સમય આવ્યે પોતાના પાલક માતાપિતાનો પણ સાથ છોડવો પડ્યો અને પ્રેમિકા રાધાનો પણ હાથ છોડવો પડ્યો. આજકાલ યુવાનોનો પ્રેમ લગ્નમાં ન પરિણમે તો ઘાયલ આશિક બનીને દુઃખોમાં ડૂબી જાય છે. લગ્ન તો રાધા અને કૃષ્ણના પણ ન'તા થયાં, છતાં આજે તેમનો પ્રેમ આદર્શ છે. રાધાનો સાથ છૂટ્યા પછી કૃષ્ણ મથુરા ગયા અને એક સમયે મથુરા છોડીને પણ જવું પડ્યું. મહાભારતનું યુધ્ધ જોવું પડ્યું અને છેલ્લે ગાંધારીના શ્રાપના કારણે પોતાના વંશનો પોતાની આંખે વિનાશ જોયો. આટલું દુઃખ હોવા છતાં આપણને કૃષ્ણ દરેક સંજોગોમાં હસતાં જોવા મળે છે.

છતાં પણ આપણને રામ અને કૃષ્ણનું જીવન બહારથી જોતા સુખમય અને લીલામય લાગે છે, કારણ કે તેમણે ક્યારેય પોતાનાં દુઃખને મહત્ત્વ આપ્યું જ નથી. તેમણે હંમેશા પોતાના કર્મને મહત્ત્વ આપ્યું. તેમણે આપણને સમજાવ્યું કે દુઃખ તો જીવનનું અવિભાજ્ય અંગ છે. તે તો રહેવાનું જ છે, પછી ભલેને માનવનો વેશ ધરી પરમેશ્વર પોતે જ કેમ ન આવ્યા હોય. પરંતુ આપણે તેમની શીખને ઘોળીને પી ગયા છીએ. આપણે એમ કહીને વાત સમજવાનો ઇનકાર કરી દીધો કે એ તો અવતારી પુરુષ હતા, આપણે તેમના જેવું ન કરી શકીએ. જો એવું જ હોત તો કૃષ્ણ ગીતામાં મનુષ્યને સ્થિરબુદ્ધિ થવાની શીખ ન આપત, પણ આપણી પાસે સમય જ ક્યાં છે કાંઈ વાંચવાનો? પછી કાંઈ પણ દુઃખ પડે એટલે વાંક તો ભગવાનનો જ હોય, આપણો તો હોય જ નહિ. આવો અભિગમ રાખનાર જીવનમાં સૌથી વધુ દુઃખી થાય છે.

એક સમયની વાત છે. સ્વામી વિવેકાનંદ એક માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યાં રસ્તામાં મંદિર બાંધકામનું કામ ચાલતું હતું. એમની નજર બે મૂર્તિકારો પર પડી. બંને ભગવાનની મૂર્તિ બનાવી રહ્યાં હતાં. તેમણે જોયું કે, પ્રથમ મૂર્તિકાર ઘણાં ઉદાસ મનથી મૂર્તિ બનાવી રહ્યો હતો. તે ઘણો દુઃખી જણાતો હતો. તેની પાસે જઈને સ્વામી વિવેકાનંદે તેના દુઃખનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું કે," જુઓને સ્વામીજી, ભગવાને મને કેટલું દુઃખ આપ્યું છે કે આ બળબળતા તાપમાં પથ્થરો છીણીને મૂર્તિ બનાવી રહ્યો છું. મારે તો આજીવન આ પથ્થરો જ ઘડ્યાં કરવાના! " ત્યારબાદ સ્વામીજી બીજા મૂર્તિકાર પાસે ગયા. તે ઘણો ખુશ દેખાતો હતો. સ્વામીજીએ તેને તેની ખુશીનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું કે," ખુશ તો હોઉં જ ને સ્વામીજી, ભગવાને મને કેટલું અદ્ભુત કૌશલ આપ્યું છે કે હું પથ્થરમાંથી સરસ મજાની મૂર્તિ બનાવી શકું છું અને આ તો મારું સૌભાગ્ય છે કે આટલાં ભવ્ય મંદિર માટે ભગવાનની સુંદર મૂર્તિ બનાવવાનું કાર્ય મને મળ્યું." અહીં કામ તો બંને મૂર્તિકાર સરખું જ કરતા હતા, પણ બંનેનો પોતાનાં કામને લઈને અભિગમ ( એટિટ્યુડ ) જુદો હતો. તેથી એક પોતાનાં કામને લઈને દુઃખી થતો હતો, જ્યારે બીજો પોતાનાં કામને માણીને ખુશ હતો. અહીં દુઃખી થવાનો કોઈ મતલબ નથી નીકળતો. કામ તો કરવાનું જ હતું, તો પછી ખુશ થઈને કેમ ન કરી શકાય?

કોઈ પણ પરિસ્થિતમાં તમે ખુશ થશો કે દુઃખી એ તમારો અભિગમ નક્કી કરે છે. દરેક પરિસ્થિતિને હકારાત્મક દૃષ્ટિકોણથી જોવી એ પોઝિટિવ એટિટ્યુડ થયો. માનવ સ્વભાવ છે એટલે કેટલીક ઘટનાઓને લઈને દુઃખ તો થશે જ, પણ તે દુઃખમાંથી બહાર આવીને આગળના કામમાં ધ્યાન પરોવવું અને આવનારો સમય સુધારવો એ પ્રેક્ટિકલ એપ્રોચ કહેવાય. હંમેશા આગળનું વિચારવું જોઈએ. જે થઈ ગયું તે ભૂતકાળ છે. તેને બદલી શકાતો નથી, તેથી તેના વિશે વિચારવું વ્યર્થ છે. જે થઈ રહ્યું છે તે વર્તમાન છે. તે તો ભોગવવાનું જ છે, પણ તમે વર્તમાનને કઈ રીતે ભોગવો છો, જે તે પરિસ્થિતિ સામે તમારી પ્રતિક્રિયા શું છે અને તમારો અભિગમ શું છે વગેરે બાબતો તમારું ભવિષ્ય નક્કી કરશે...

લેખક :- પાર્થ પ્રજાપતિ