Prem Kshitij books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૮

"આવો કાકા! આવો.... આ બાજુ પાર્ક કરી દઈએ ગાડી, અહી છાયડો છે." નયને મહેશકાકાને ગેટ પાસે જોતાં વેત કહ્યું.
"ભલે...ભઈલા, એન્ટ્રી કરાવવાની હશે ને?"- મહેશભાઈએ ગાડીનો કાચ ખોલતાં કહ્યું.
"જી, એ તો હું કરાવી દઉં છું તમે આવતાં રહો." નયને સન્માનભેર તેઓને આવકાર્યા.
"ભલે, શ્યામા...આવી જાઓ તમે આ બાજુ, નયનભાઈ ગાડી પાર્ક કરાવી દે છે."
શ્યામા અને સરલાકાકી ગાડીમાંથી ઉતર્યા, શ્યામાનો સફેદ દુપટ્ટો બહાર આવતાની સાથે પવનની લહેરખીમાં લહેરાવા માંડ્યો, એની જૂલ્ફો જાણે ગરમીમાં પવન ચાળીને એને શીતળતા આપવા માંડી, લાઈટગ્રીન કમીઝ અને એના પર ખૂબ સુંદર લાગી રહ્યું હતું.
સરલાકાકી અને શ્યામા નયન આવે ત્યાં સુધી બાજુમાં પડેલા બાંકડે બેઠાં,મહેશભાઈએ ત્યાં સુધી દાદાને ફોન કરીને સમચાર આપી દીધા, નયન આવી ગયો, તેઓ એકસાથે ફ્લેટમાં ઉપર ગયા, હાઈરાઈઝ હોવાથી લિફ્ટ વગર મેળ પડે એમ નહોતો, લીફ્ટમાં બારમા માળનું બટન દબાવતા કાકીને અચંબો લાગ્યો, જિંદગીમાં પહેલી વાર એટલી હાઇટ પર જશે! લગ્ન બાદ શહેર છૂટી ગયું, અમરાપરની ધરતીના ખોળામાં જીવતા શીખી ગયા હતા, શ્યામા માટે પણ નવા જેવું જ હતું, પરંતુ કોલેજ સમયે આવી બિલ્ડિંગ જોઈ હોવાથી એને સરલાકાકી જેટલું ના લાગ્યું.
લિફ્ટ ઉભી રહી, દરવાજો ખૂલ્યો અને સામે જ ઘરના બારણાં પાસે રીનાબેન અને અનુભવભાઈ ઊભા હતા, એમની થોડી આડમાં ઊભેલો શ્રેણિક એમનાં આવકાર માટે સ્મિત સહ ઊભો હતો, એની નજર તો માત્ર શ્યામાને શોધી રહી હતી, લિફ્ટમાંથી બહાર આવેલી શ્યામા પર એની નજર પડી, એને શ્યામા પેલા દિવસ કરતાં પણ વધારે રૂપાળી લાગી, એની નજર તો જાણે એના પર જ ટકી ગઈ, શ્યામા પણ જાણે શ્રેણિકને શોધી રહી, પોતાની નજરને નીચી ઝુકાવીને જાણે ચોર નજર કરી એ શ્રેણીકને શોધવા માંડી, એને અણસાર આવી ગયો કે શ્રેણિક અનુભવભાઈની બાજુમાં ઊભેલા છે પરંતુ સીધી નજર કરીને જોઈ લેવું એની મર્યાદા બહાર હતું, એનો શરમાળ આંખો ઝૂકેલી જ હતી પરંતું ધબકતા દિલે શ્રેણિકને જોઈ લીધો.
ઔપારિકતાઓ પતાવીને તેઓ ઘરમાં પ્રવેશ્યા, એકબીજાનો પરિચય આપતાં તેઓ સોફા પર બેઠા, ઘરમાં સજાવેલા શો પીસ અને કુંડા ઘરની શાનને વધારી રહ્યા હતા, બારમી મજિલને પણ આવી રીતે લીલોતરીમાં ઢાળી રાખવી મુશ્કેલ હતું પરંતુ રીનાબેનની આત્મસૂઝ નીરખી આવતી હતી, તેઓ એકદમ સરળ હતા, અનુભવભાઈ પણ નિખાલસ હતા, તેઓના આવા સ્વભાવના કારણે જ શ્રેણિક અહી રોકાયો હશે એવું અનુમાન મહેશભાઈ મનોમન કરવા માંડ્યા.
"મહેશભાઈ, આવવામાં અગવડતા તો નહિ પડી ને?" અનુભવભાઇએ પૂછ્યું.
"ના... પરંતું અમદાવાદ એટલે ગરમી અને ટ્રાફિકની સમસ્યા તો થોડી નડે!"- મહેશભાઈએ હસતાં હસતાં કહ્યું.
"એ તો રહેવાનું! દિવસો ગરમીના આવી ગયા છે તો!"- સરલાબેન એમાં બોલ્યાં.
"બાકી તો ગૂગલ મેપ હોય એટલે પહોંચી ગયા!"- મહેશભાઈએ શ્યામા સામે જોતા કહ્યું અને એમની વાતમાં ઈશારો હતો કે શ્યામા એ મેપ ખોલીને આપ્યો હતો.
"સાચી વાત છે!" અનુભવભાઈએ શ્યામા તરફ જોતાં અભિવાદન આપ્યું.
"દીકરા! તું એલ ડી માં જ હતી ને?"- અનુભવભાઈએ એને પૂછ્યું.
"જી!"- શ્યામા એ ટુંકમાં જવાબ આપ્યો.
"તો તો તને અમદાવાદમાં બધું મળી જતું હશે નહિ?"
"હા મળી જાય,સીટીના એરિયામાં ના મળે!"
"એ તો અમેય અટવાઈ જઇએ છીએ આટલા વર્ષે!"- રીનાબેને એની વાતમાં સાથ આપ્યો.
"કેમ? સિટી એરિયા એટલે પાછું બીજું?"- નયને આશ્ચર્ય સાથે પૂછ્યું.
"માણેક ચોક જોયો? કાલે ગયા હતા એ? એને સિટી કહેવાય!" અનુભવભાઈએ કહ્યું.
"આઈ મીન ઓલ્ડ હેરિટેજ અહમદાબાદ?"
"જી હા, એની નાનકડી શેરીઓ અને પોળમાં નવા નિશાળિયા તો ગોળ ગોળ જ ફરે!"
"પણ મને તો બહુ જ ગમ્યું!"- નયને કહ્યું.
"અને શ્રેણિક કુમાર તમને ગમ્યું કે નહિ?"- મહેશભાઈએ શાંત બેઠેલા બધાની વાતો સંભાળતા શ્રેણીકને પૂછ્યું.

ક્રમશઃ.....