Astitva books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વ

"અમૃતા, તું મારી વસ્તુઓને હાથ શું કામ લગાવે છે? તને ના પાડી છે ને.. અને કેટલીવાર કીધું છે કે મારા માટે આટલા તેલમાં બ્રેડ ના શેક. ભાભી પાસેથી તું એક ટોસ્ટર યુઝ કરતા નથી શીખી શકતી..? "

"મમ્મીજી, આજે અમૃતાના લીધે મારે સિરિયલ પણ ના જોવાઈ. આ ગામડીયણ સિરિયલમાં એક્સિડેન્ટ જોઈ સાચે જ રડવા બેસી ગઈ.."

"મમ્મી, આજે તારી આ વહુએ મારી બ્લેક ટી માં દૂધ નાખી દીધું. ઉપરથી મને કહે કે નણંદબા આપણા ઘરમાં ઘણુંય દૂધ છે. તમારે કાળી ચા પીવાની જરુર નથી. હમ્...હ્.."

"દાદી, તમે અમને સ્કુલેથી લેવા કાકીને કેમ મુક્યા? એમને નોર્મલ અંગ્રેજી બોલતા પણ નથી આવડતું. અમારા ફ્રેન્ડ્સ સામે અમારી કેટલી ઈન્સલ્ટ થાય છે.."

ઉપરના દરેક વાક્ય અનુક્રમે અમૃતાના પતિ અવિનાશ, જેઠાણી નમ્રતા, નણંદ કોમલ અને જેઠાણીના બાળકોની અમૃતાના સાસુ અને ખુદ અમૃતાને કરાતી રોજ-બરોજની ફરિયાદના છે. ગામડાની અભણ અમૃતા જ્યારે પરણીને શહેરમાં આવી, ત્યારે પણ પરિવારમાં એ કોઈને પસંદ ન્હોતી. આઠ મહિનાથી એ પોતાના માટે આવી જ ફરિયાદ પરિવારના બધાં જ સભ્યોના મોઢે સાંભળતી આવી છે. હવે એને ટેવ પડી ગઈ છે, આ બધું સાંભળવાની અને પતિનો તિરસ્કાર સહન કરવાની.

આજેપણ અવિનાશને પ્રમોશન મળવાની ખુશીમાં એણે હોટલમાં પાર્ટી રાખી હતી. પરિવારના બધાં સભ્યોને એ પાર્ટીમાં લઈ ગયો, પણ અમૃતાને એણે તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને ઘરે જ રહી જવાનો આદેશ આપી દીધો. જેથી માના કહેવાથી પણ અમૃતાને પોતાની સાથે પાર્ટીમાં ના લઈ જવી પડે. અમૃતા જેવી અભણ સ્ત્રી પોતાની પત્ની છે, એ કહેવામાં એને શરમ આવતી.

સાંજના સમયે બધા પાર્ટીમાં ગયા ત્યારે અમૃતા ઘરમાં એકલી હતી. મનથી તો એ આઠ મહિનાથી એકલી જ હતી. પરંતુ, આજે એની કાયા પણ એકલી હતી...!! એ ફટાફટ કામ સમેટીને મંદિરની સાફ-સફાઈ કરવામાં લાગી ગઈ. ઘરના એક ખુણામાં મોટુ મંદિર બનાવેલું હતું. જેમાં સ્થપાયેલી માતાજીની વિશાળ પ્રતિમા સામે હાથ જોડવા માટે પણ એના સાસુ-સસરા સિવાયના વ્યક્તિઓ કોઈ ખાસ વાર-તહેવારની રાહ જોતા..!! ધાર્મિક વૃત્તિવાળા નિવૃત્ત સસરાજીના અધિકારક્ષેત્ર જેવા આ મંદિરમાં અમૃતા પણ ભાગ્યે જ પ્રવેશતી. આજે મંદિરની સાફ-સફાઈ કરવાનો આદેશ મળતા અમૃતા મંદિરમાં પ્રવેશી, મંદિર સાફ કરી, દીવા કરી, માતાજી સામે બે હાથ જોડી પરિવારના સુખ અને શાંતી માટે પ્રાર્થના કરવા લાગી.

પછી, મુર્તી સામે જ ખોળો પાથરીને બેસી ગઈ અને દીકરી જેમ પોતાના સુખ-દુઃખની વાત પોતાની માને કરે એમ કહેવા લાગી, "મા, મને આઠ મહિના થયા આ ઘરમાં પરણીને આવ્યે, પણ હજી સુધી હું કોઈના મનમાં મારી જગ્યા ના બનાવી શકી, મારા પતિના મનમાં પણ નહીં...!! મા, મને એ નથી સમજાતું કે હું આ ઘરમાં કોઈને પસંદ ન્હોતી, તો સાસુમાં મને પોતાની વહુ બનાવીને લાવ્યા જ શું કામ? મારા કારણે એમને બધાની ફરિયાદ સાંભળવી પડે છે. હું પણ શું કરું માતાજી, ગામડામાં જન્મી છું. ગામની શાળામાં હતી એટલી ચોપડી ભણી, આગળ ભણવા તો શહેર જવું પડે એમ હતું. વળી, મારી બહેનપણીઓ મીના, લતા, ગૌરી પણ તો પાંચ જ ચોપડી ભણી 'તી ને.. મા-બાપ તો આજેય ગરીબ છે. કો'ક ના ખેતરમાં મજૂરી કરીને રોટલા રળે છે. બાપુ બિમાર થઈ ગયા હતા એટલે મા બિચારી એકલી મજૂરી કરતી. હું ઘરની મોટી દીકરી હતી; તો માને મદદ થાય એમ વિચારીને, કો'કે મને ગામમાં રહેવા આવેલા સરકારી દવાખાનાનાં ડૉક્ટર બેનને ત્યાં ઘરકામમાં લગાડી. એ બેન મને હંમેશા કહેતા કે તું કેવું સરસ અને ચોખ્ખું કામ કરે છે અમૃતા..!!"

"એક વાર વાતવાતમાં એમણે મને કીધુ હતું કે સારી નોકરી કરવા માટે ડીગ્રી જોઈએ. તમારી લાયકાત જેટલી વધારે હોય એટલી સારી નોકરી મળી શકે. ડૉક્ટર, ટીચર, વકીલ બધાંની ચોક્કસ લાયકાત હોય. પણ ડૉક્ટર બેને એમ તો ક્યારેય ના કીધું કે, શહેરમાં તો વહુ બનવા પણ લાયકાત જોઈએ. આ ટોસ્ટર, ઑવન, જ્યુસર, વૉશિંગ મશીન જેવા મશીનો ચલાવતા આવડવા જોઈએ. નમ્રતા ભાભીની જેમ લેપટોપ અને ગાડી ચલાવતા આવડવા જોઈએ, અંગ્રેજી બોલતા આવડવું જોઈએ..."

"માતાજી, હવે તમે જ કહો, મને આ બધું ક્યાંથી આવડે? આ બધાંના નામ બોલતા પણ હું છ મહિને શીખી, વાપરવાનું શીખતા તો જીંદગી નીકળી જશે..!! મારા ગામની ડોશીયું તો એમ જ કે'તી કે પારકે ઘરે જાય તો બધું ઘરકામ, ભરતકામ, વ્યવહાર, અને ઘરના ઓસડ તો આવડવા જ જોઈએ. એ ડોશીયું ને શું ખબર કે મને આ બધું આવડે છે, એ તો સાવ નકામું છે. જે શીખવાનું હતું એ જ ના શીખી..!! ઉપરથી નિશાળમાં જે બે-ચાર અક્ષર વાંચતા-લખતા શીખી હતી, એટલાંય ભુલી ગઈ મોટી થઈને.. બિચારા મારા મા-બાપનેય શું ખબર કે એમની દીકરી આવા રાજમહેલમાં પરણશે, કે મને આવું બધું શીખવાડે...!! અને ખબર હોત તોય ક્યાંથી શીખવાડત? એમણે થોડું કંઈ આવું બધું જોયું હશે."

"મારી પાસે વહુ બનવાની ડીગ્રી જ નથી, માતાજી..!! એ (અવિનાશ) તો કેટલા હોંશિયાર છે. કેવું ફટાફટ અંગ્રેજી બોલે છે. આજે એમની પાર્ટી છે. મને લઈ જાત તો ચાર લોકોની વચ્ચે એમની મજાક બની જાત. તે દિવસે ભાભીની બહેનપણીઓ વચ્ચે પણ મારી મજાક બની ગઈ હતી. મને શું ખબર કે આ ટીવીમાં જે આવે એ બધું ખોટું હોય.., મને તો સાચું લાગ્યું 'ને મારાથી રોવાઈ ગયું. તમે મને આવી બુદ્ધિ વગરની શું કામ બનાવી? મારા કરતાં તો શહેરના કુતરા પણ વધારે હોંશિયાર હોય છે. મારી સામે જ કોઈ મારી મજાક કરે તોય મને ખબર ના પડે. બધાં મારી મજાક કરે છે. મને બુદ્ધિ વગરની, ગામડિયણ અને અભણ કહે છે. મને શું ખબર કે શહેરમાં વહુ બનવું હોય તો અંગ્રેજી પણ આવડવું જોઈએ...!! સાસુમા મને જોવા આવ્યા ત્યારે એમણે મને પુછી લેવું જોઈએ ને, કે મને અંગ્રેજી આવડે છે કે નહીં? હું એમના ઘરની વહુ બનવાને લાયક છું કે નહીં? ખબર નહીં શું જોઈને લઈ આવ્યા મને? સરસ મજાનું હું ડૉક્ટર બેનના ઘરનું કામ કરતી હતી."

"આ મીના, લતા અને ગૌરીનાય લગન થઈ ગયા, પછી પણ કેટલી ખુશ હતી ત્રણેય. એમને કોઈએ નહીં કીધું હોય કે તમને અંગ્રેજી નથી આવડતું, કે તમે અભણ અને ગામડિયણ છો..!! તો મને જ શું કરવા કહે છે બધાં? હું આ ઘરના લોકો કરતા સાવ અલગ વાતાવરણમાં ઉછરી છું. તો પણ બધા મારી પાસે સમજવાની આશા રાખે છે, પણ મને કોઈ નથી સમજતું...!! હું ગરીબ ઘરમાં જન્મી એમાં મારો શું વાંક? " માતાજીને ફરિયાદ કરતી અમૃતા મુર્તિના ચરણોમાં જ માથું નમાવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

અચાનક પાછળથી કંઈક અવાજ આવતા એણે પાછળ તરફ વળીને જોયું, તો પાછળ અવિનાશ ઊભો હતો. અવિનાશને જોતા જ અમૃતા પોતાના આંસુ લૂંછીને ઊભી થઈ ગઈ. એણે ડરતા-ડરતા અવિનાશને પુછ્યું," તમે અહીંયા? તમે તો પાર્ટીમાં ગયા હતા ને.."

"હા.., પણ એક જરુરી પેપર ઘરે ભુલી ગયો હતો. એ જ લેવા તારા આ માતાજીએ મને આ સમયે ઘરે મૂક્યો." અવિનાશે પહેલીવાર અમૃતા સાથે આટલી સારી રીતે વાત કરી હતી.

"કેવા પેપર?"

"ડિવોર્સ પેપર.., પણ હવે એની કોઈ જરુર નથી. કારણ કે મેં તારી અને તારા માતાજીની બધી વાત સાંભળી લીધી. અને હું એ પણ સમજી ગયો કે મારા મા-બાપે તને મારા માટે પસંદ કેમ કરી. મેં હંમેશા તારું અપમાન જ કર્યું છે. મને માફ કરી દે, અમૃતા. આ ઘરમાં અત્યાર સુધી તારું જે અપમાન થયું છે, એના માટે હું જ જવાબદાર છું. જો હું તારું સન્માન કરતો હોત, તારી સાથે સારું વર્તન કરતો હોત, મેં તને સમજવાની કોશિશ કરી હોત, તો આજે આ ઘરમાં કોઈની હિંમત ના હોત તારી સાથે આવું વર્તન કરવાની. તારી જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત તો મારા પદ-પ્રતિષ્ઠા પર મારાથી વધુ ઘમંડ કરતી હોત. આ ઘર મારા પતિના પૈસાથી ચાલે છે, એ વાતનો એક્સિડેન્ટમાં પોતાનો એક હાથ ગુમાવી ચુકેલા મારા મોટા ભાઈને પલ-પલ અહેસાસ કરાવતી હોત. અને એક તું છે, જે એમની પત્નીના મહેણાં પણ ચુપચાપ સાંભળે છે. પણ હવે આ બધાનો અંત આવી ગયો છે, અમૃતા. મને મારી ભુલ સમજાઈ ગઈ છે. અમૃતા, હું તને બધું જ શીખવાડીશ. કોઈને તારી મજાક બનાવવા દઉં. ફરજ નિભાવે છે ને તું...? તો હવે હક્ક જમાવતા પણ શીખ.. પોતાના અસ્તિત્વ માટે લડતા શીખ. હું તારી સાથે છું અને હવે હંમેશા તારો સાથ નિભાવીશ. તને સમજવાની કોશિશ કરીશ. આજથી અને અત્યારથી જ હું તારી સાથે એક નવી શરુઆત કરવા માંગુ છું." અવિનાશે અમૃતાની માફી માંગી દીવા ની જ્યોતમાં ડિવોર્સ પેપર સળગાવી દીધાં.

"આ શું કરો છો તમે? આ કાગળ સળગાવો છો કેમ?"

"આ કાગળ મારી જીંદગીની સૌથી મોટી ભુલ હતી, અમૃતા..!! માતાજીની દયાથી સમયસર મને મારી ભુલ સમજાઈ ગઈ. અને આજે માતાજીને સાક્ષી માનીને હું આપણાં લગ્ન-જીવનની નવી શરુઆત કરવા માંગુ છું. આ ઘરમાં બધાને તારા અસ્તિત્વની ઓળખ કરાવવા માંગુ છું." અવિનાશે પહેલીવાર અમૃતાની નજરથી એને જોવાની કોશિશ કરી, એ જોઈ અમૃતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.

અવિનાશ અને અમૃતા બંન્ને માતાજીના આશિર્વાદ લઈ નવી શરુઆત કરવા, બે હાથ જોડી માતાજીના ચરણોમાં નમી પડ્યાં. એ જ સમયે માતાજીની મુર્તીના હાથમાં મુકેલું ફુલ જમીન પર સરી પડ્યું, જેને અવિનાશ અને અમૃતાની એક-એક હથેળીથી બનેલા ખોબાએ ઝીલી લીધું..!