Slow down books and stories free download online pdf in Gujarati

સ્લો ડાઉન ધીમા પડો



➡️.આ વખતે પહેલીવાર એવું બન્યું કે મેં સોમવારની રજા રાખી. સામાન્ય રીતે હું એટલો બધો કામ પ્રત્યે જાગૃત છું કે કોઈ ‘કામકાજના દિવસે ( ‍on working day)" કામ ન કર્યાનો મને અપરાધભાવ થતો હોય છે. એમાંય સોમવાર તો હું ક્યારેય ન પાડું. I just Love Mondays. કારણકે મને મારું કામ ગમે છે. કોઈ જગ્યાએ વાંચેલું કે ‘If you really hate Mondays then you need to change your work.’ ( જો તમને સોમવાર ન ગમતો હોય તો તમારૂં કામ બદલી નાખો).

પણ આ વખતે સોમવારે કામ ન કરવાનું કારણ એવું હતું કે મારો જન્મદિવસ મારે માત્ર મારી દીકરી અને ફેમિલી સાથે વિતાવવો હતો. આ બાહ્ય જગત મારું એટેન્શન ચોરી ન જાય એ માટે દર વર્ષની જેમ આ વખતે પણ મોટાભાગનો સમય મારો ફોન Switched off કે Unavailable હતો.

ધીમે ધીમે મને એવું સમજાઈ રહ્યું છે કે આપણું કામ ક્યારેક આપણી જરૂરીયાત કરતા આપણો અહંકાર વધારે હોય છે. મજૂરવર્ગ કે રોજિંદા વેતન પર જીવનારા લોકોની વાત નથી કરતો, પણ આ મારા જેવા એવા કેટલાય લોકોની વાત છે જેમને રજા કે વેકેશન પર જવાનું પોસાઈ શકે છે પણ કોઈ અજ્ઞાત ડર, અસલામતી કે Conditioned ( રૂઢ) થયેલી માનસિકતાને કારણે કામ નથી છોડી શક્તા.

‘મારા’પેશન્ટ્સ', 'મારા ગ્રાહકો' , 'મારા કસ્ટમર્સ', 'મારા શોઝ' અને એ બધું જ જે ‘મારા’ અહમને પોષે છે. મૂળભૂત રીતે એ છેવટે તો આપણા ‘અહમ ’ને આપેલો ભરોસો જ છે ને કે આપણી હજુય માંગ છે. લોકો કામ આપે છે આપણને ! માર્કેટમાં હજી આપણી વેલ્યુ છે.
➡️જો થોડા દિવસ રજા પર ઉતરી જઈશું કે આરામ કરી લઈશું તો ધીમે ધીમે આપણી ઉપયોગીતા સમાપ્ત થતી જશે એવી અસલામતીથી આપણે વિરામ નથી લેતા. દોડ્યા કરીએ છીએ. મુઠ્ઠીઓ વાળીને આપણે સતત દોડ્યા કરીએ છીએ. ⬅️

➡️પૈસા, પ્રસિદ્ધિ, પ્રશંસા કે પદવી માટેની આ દોડ ક્યારેય પૂરી જ નથી થતી અને અચાનક એક દિવસ આપણો સમય પૂરો થઈ જાય છે. પણ સાચું કહું ? કેટલાક ચમત્કારો નિહાળવા માટે સમયસર અટકી જવું અનિવાર્ય હોય છે. સાઉથ કોરિયન શિક્ષક હેમીન સુનીમનું એક અદભૂત પુસ્તક છે, ‘The Things You Can See Only When You Slow Down.’( તમે જ્યારે તમારી ગતિ ધીમી પાડશો ત્યારે જ સૌંદર્ય જોઇ શકશો) આંખના પલકારામાં પૂરી થઈ જતી આ જિંદગીમાં એવી અસંખ્ય બાબતો છે જેને નિહાળવા માટે ‘ધીમું પડવું’ જરૂરી છે.સંતાનોના ચહેરા પર રહેલો વિસ્મય, પત્નીની વાતો, પપ્પાના જોક્સ, મમ્મીનો સ્પર્શ. આ બધું ચૂકી જવું આપણા માટે બહુ સામાન્ય અને સહજ બની ગયું છે. કારણકે આપણે ક્યારેય ‘Pause’ અર્થાત વિરામ નથી લેતા. ન તો સોશિયલ મીડિયામાંથી, ન તો કામમાંથી. ⬅️

➡️જેમને માટે કમાતા હોઈએ, એમનાથી જ દૂર થતા જઈએ તો એ કમાણી શું કામની ? શું કામની એ રઝળપાટ, જો આપણા જ બાળકનું હાસ્ય કે મમ્મી-પપ્પાના ચહેરા પર રહેલો સંતોષ માણી ન શકીએ. એકઠું કરવાની પ્રક્રિયામાં આપણે ક્યારેક એટલા વ્યસ્ત થઈ જતાં હોઈએ છીએ કે ‘કોના માટે’ અને ‘શું કામ’ એકઠું કરીએ છીએ એ જ ભૂલી જઈએ છીએ.
દૂર રહેલા લક્ષ્યને વીંધવામાં આપણે સૌથી વધારે અવગણના આપણી નજીક રહેલી વ્યક્તિઓની કરતા હોઈએ છીએ. કશુંક પામવાની દોડમાં જે મળ્યું છે એનો આભાર માનવાનું ચૂકી જઈએ છીએ. બે દિવસ ફોન બંધ કરવાથી એટલું તો સમજાયું કે મારા વગર આ જગત અટકવાનું નથી. આપણે એટલા મહત્વના છીએ જ નહીં. આપણા falsely inflates ego ને ( ખોટી રીતે વધારેલા અહમને) ટાંકણી મારવી હોય, તો બે દિવસ ફોન બંધ કરી દેવો. આપણને રીયલાઈઝ થશે કે આ જગતને આપણી એટલી બધી જરૂર ક્યારેય હતી જ નહીં. આપણી જરૂર આપણી સાથે રહેલી વ્યક્તિઓને છે. ⬅️

*માનવ સ્પર્શ અને માનવ સંપર્ક માટે વલખા મારતા સ્વજનોને બાજુ પર મૂકીને સ્માર્ટ-ફોન કે કામને વળગી રહેવું, એ એક એવો અપરાધ છે જેનો પસ્તાવો આપણને વર્ષો પછી થશે. નિવૃત્તી એ ફક્ત ૬૦ વર્ષે જ થનારી ઘટના નથી. એ તો દરરોજની જરૂરીયાત છે કે આટલું કામ કર્યા પછી હવે આજના દિવસ માટે હું નિવૃત્ત થાઉં છું.

*આપણને બાળપણથી ‘ફાસ્ટ’ દોડવાની તાલીમ આપવામાં વ્યસ્ત થઈ ગયેલું જગત આપણને ‘Time Please’ કહેતા શીખવવાનું તો ભૂલી જ ગયું. મને યાદ નથી કે છેલ્લે આપણને ‘Slow Down’ ( ધીમા પડો) કોણે કહેલું ? કદાચ કોઈ કહેશે પણ નહીં. ‘સ્લો ડાઉન’ એવા હિંમતભર્યાં, ક્રાંતિકારી અને બળવાખોર શબ્દો છે જે માત્ર આપણે જ પોતાની જાતને કહેવા પડશે. અહીંયા તો એ જ જીતે છે જે દોડમાં ભાગ નથી લેતું. આપણે જિંદગીને મુલતવી કરતા જઈએ છીએ અને પછી મૃત્યુને ફરિયાદ કરીએ છીએ કે ‘તું વહેલું કેમ આવ્યું ?’ પ્રત્યેક પળમાં રહેલી જિંદગી માત્ર એમના માટે જ ઉપલબ્ધ હોય છે જેઓ સમયસર ધીમા પડે છે.

લેખકશ્રી -ડૉ. નિમિત્ત ઓઝા

એક ચિંતનાત્મક શાંતિ થી વાંચીને સમજવા જેવો લેખ