Nehdo - 76 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 76

રાધીએ બીક રાખ્યાં વગર છાણું ત્યાં મૂકી દીધુ. તેણે બીજા હાથમાં બીજું છાણું લઈ બીજી દિશામાં મૂકવા હાથ લંબાવ્યો, એટલે કાળોતરાએ એ તરફ ફેણની દિશા ફેરવી. રાધીએ લાગ જોઈ ફેણની નીચેથી હાથ ખેંસવી લીધો. પછી રાધીએ પોતાના બંને હાથ જોડી નાગદેવતાને નમન કરી કહ્યું, "હે ખેતલીયા આપા અમારી રક્ષા કરજો. અમી માલધારી અને તમી આપડે બધા વગડામાં રેનારા. અમી તમારું ધ્યાન રાખવી, તમી અમારી રક્ષા કરો. હે ખેતલીયા આપા અમારા માલઢોરનું રખોપું કરજો.જો ભૂલથી અહૂર હવારમાં અમારો પગ બગ તમારી ઉપર પડી જાય તો અમને ડંખશો નહીં.હે નાગદેવતા ફેણનો ફૂફાડો મારીને અમને સજાગ કરજો."
એટલું બોલી રાધીએ માથું નમાવી નાગ દેવતાના દર્શન કર્યા. ને જાણે નાગદેવતા પણ રાધીની વાત સમજી રહ્યા હોય તેમ શાંત થઈ ફેણ ચડાવી બેઠા હતા.
રાધીને વાડામાં ગયાને ઘણી વાર થઈ હોવાથી તેની માડી કાશી રાધીને શોધતી પાછળ આવી. રાધીને વાતો કરતા સાંભળીને તેની માડી કાશીએ દૂરથી જ કહ્યું, "આ વાલા મૂઈ ન્યા કણે કોની હનગાથે વાતું કરે સે?"નજીક આવીને જોયું તો છાણાના મોઢવા પર કાળોતરો ફેણ ચડાવીને બેઠો હતો. ને રાધી બે હાથ જોડી માથુ ઝુકાવી ઉભી હતી.આ જોઈ રાધીની માડીની રાડ ફાટી ગઈ, "અલી ન્યાથી આઘી ગુડા જો તારો બાપ કાળોતરો આભડી જાહે!"
રાધીએ જરાય ડર રાખ્યા વગર પાછું ફરી જોયું અને તેની માને કહ્યું, "માડી બસારા નાગ દેવતાને હૂકામ ભાંડે સો? તેં કેદયે એવું હાંભળ્યું કે નેહડે માલધારીને કાળોતરો આભડ્યો ને કોયનો જીવ ગયો? ઈ તો બસારા આપડી રક્સા કરે હે.અને માલઢોરની નીણ અને ખાણનો બગાડ કરનારા ઊંદડાને ખાય જાય સે.એટલે આપણને ઉપયોગી સે.તું બીયા વગર નળીયામાં દેવતા લેતી આય.ને દેવતા ઉપર્ય થોડુંક ગાયનું ઘી નામતિ આય એટલે ઈનો ધૂપ આપી દેવી.જો દાદા હહે તો અલોપ થય જાહે."
કાશી રાધીની વાત માની ચૂલામાંથી દેશી નળિયાની નાળમાં દેવતા લઈ તેના પર ગાયનું ઘી નાખીને હવનના ગોટેગોટા ઉડાડતી આવી. રાધીએ નળિયાનો હવન પોતાના હાથમાં લઇ લીધો. હવનનો ધુમાડો ફેણ ચડાવી બેઠેલા નાગદેવતા તરફ ધરાવી રાધી જોરથી બોલી, " હે દાદા, અમારો હવન માથે સડાવી અમારી ભૂલસૂક માફ કરી આયાથી તમારા થાનકે પધારો."
નળિયામાં રહેલા દેવતા પર ઘીના અભિષેકથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. જેની અલગ પ્રકારની જ સુગંધ વાતાવરણમાં ભળી રહી હતી. આ ધુમાડાના ગોટા ફેણ ચડાવી બેઠેલા નાગદેવતા તરફ જવા લાગ્યા. નાગદેવતા જાણે રાધીની વાત સમજી રહ્યા હોય તેમ ઘડી પોતાની ફેણ ડોલાવી પછી ફેણ નીચે કરી છાણાના મોઢવાથી નીચે ઉતરી વાડાની વાડમાં થઈ બહાર જંગલમાં નીકળી ગયા. નાગદેવતાના ધૂળમાં ચાલવાને લીધે થયેલા લીસોટાને રાધીએ નીચા નમીને પ્રણામ કરી તેની ધૂળને માથે ચડાવી કહ્યું,
"હે ખેતલીયા આપા અમારાને અમારાં માલઢોરના રખોપાં કરજો."
રાધીની માએ કહ્યું, "હવે ઉતાવળી થા જરાક.આયા વાડામાં જ આખો દાડો કાઢીશ? હમણે મેંદડેથી મેમાન આવીને ઊભા રેહે. ઈની હારું રાંધવું જોહે ને.તારા આપા ય હમણે માલઢોર રાગે પાડી ને આતાને ભળાવિને હાલ્યા આવહે. ને તું હજયે પોદળા જ સુથે સો."
રાધીએ આશ્ચર્યથી પૂછ્યું, "હે માડી કોણ મેમાન આવે હે?"
રાધીની મા કાશીએ મોઢા પર ખોટો ગુસ્સો લાવીને કહ્યું, "આટલા દાડાથી તું હૂ હાંભળે સો? તની હજી ખબર નહીં કે કોણ આયે સે? એ... મેંદડેથી તારા આપાના મોહાળિયા આયે સે. ઈ મોટા માણા સે. ન્યાં ઈને ખેતીવાડી બવ મોટી સે.કાયમ આપડી હારું માંડવી ન્યાંથી જ આયે સે. ઈ મેરામણભાઇનો એકનો એક છોરો લાખો તારી હારું જોય રાખ્યો સે.લગભગ બધું પાકું જ સે. મેરામણભાઇ તારા આપાના મામાના છોરા થાય એટલે કાયમ આપડે નેહડે આવતા જાતા રે સે. ઈણે તો તને જોયેલી જ સે.પણ આજયે વેવારિક રીતે તને જોવા આવે સે.ને પાક્કું હહે તો ઝાંઝરીની જોડ આલતા જાહે."
રાધીની માની આ આખી વાત જાણે રાધીની ઉપર થઈને ઉડી ગઈ હોય તેવું લાગતું હતું. રાધી હજી પણ બીજા વિચારોમાં ખોવાયેલી હતી. રાધીએ આખી વાતમાં ઝાંઝરી એટલું જ સાંભળ્યું હોય એવું લાગ્યું. રાધીએ એની માડી સામે નજર ખોડીને કહ્યું,
" હે માડી મારે તમે જે ઝાંઝરી આપો ઈ પેરી જ લેવાની? તમી મને પૂસ્યુ ય નય કે છોરી તારે કોની ઝાંઝરી પેરવી સે!? તને તો ખબર હે! આપડે માલધારી ભેંહ કે ખડેલું લાયા હોવી ને એને જો વધાર દાડા આપડા ઘરે નો ગોઠે ને આખો દાડો માલઢોર જૂનું ઘર હંભારીને રિગ્યા કરે તે દી આપડે ઈના ગમે એટલા રૂપિયા આલ્યા હોય તોય એનો ગાળો કાઢી મેલવી પસી ઈને ઘરે મેલી આવીએ સીએ. તો તારી આ રાધીને મેંદડે ગોઠશે? એવું તો તે પૂસ્યું હોત માડી!!! ભેંહનો તો ગાળિયો કાઢી મેલાય પણ આ ઝાંઝરીનો ગાળિયો જિંદગીભર નય કાઢી હકાય ઈ તો તન ખબર હે ને માડી?"
આટલું બોલતા રાધીની આંખોમાં ઉભરાયેલા આંસુ ટપ ટપ કરતા વાડાની જમીન પર પડવા લાગ્યા. પોતાની એકની એક લાડલી દીકરીની આંખોમાં આવેલા આંસુ જોઈને તેની માની આંખો પણ સજળ થઈ ગઈ. ઘડીક વાતાવરણ ભારેખમ થઈ ગયું. આકાશમાં ઉપરથી કલકલીયો કરકશ અવાજ કરતો નીકળ્યો. બાજુના ઘરેથી બુઝારું ખખડાવવાનો અવાજ આવ્યો. ગામડામાં એવી માન્યતા છે કે કલકલીયો જેના ઘર ઉપરથી બોલતો બોલતો ઉડે એ ઘરે કજિયા કંકાસ થાય છે. અને તેના નિવારણ માટે ગોળા પર ઢાંકેલું બુઝારુ ખખડાવવાનો રિવાજ છે.
રાધીની મા કાશીએ કહ્યું, " વાલા મૂઈ તું મને આટલ્યું બોલી તો હકી. અમારાં હગપણ અને વિવા ક્યારે થય જ્યા ઇ ય અમને ખબર નહી.અમી ઘરે કોયની હામે હા કે ના બોલી હકતા નોતા.ને વિવા થ્યા ને માંડ સંસાર માંડીને બેઠાં ત્યાં તારા આપા લાંબા ગામતરે ઉપડી જ્યાં. ઈ તો ભલું થાય આ તારા નવા આપાનું કે ઇને તની અને મની વેંઢારી. નકર આખી જિંદગી રંડાપો ગાળવો પડત.તારા આપાએ મેરામણભાઇને જીભ આલી દીધેલી સે.હવે તું જ કે ઈને આપડે કેમ કરીને ખોટા પાડી હેકવી?તું મારા પેટ પડેલી સો.એટલે તારું મન હું કળું સુ.તારું મન ક્યાં અટવાણેલું સે ઇય હું જાણું સુ મારા પેટ.તારે મને કેવાની જરૂર નો પડે,મને તારા મનની બધી ખબર ઈમનીમ પડી જાય. તારી પેલા મેં તારા આપાને તારી હગાઈ ગેલા ભાયને નેહડે કરવાની વાત કરી તી. પણ તારા આપાને તની ન્યા આપવાનો જરાય વશાર નહીં. તારા આપા તની સુખી દેખવા માંગે સે. ઈને બસારાને ઈમ સે કે મેરામણભાય મોટા જમીન જાગીર વાળાને બંગલા, મોટરુંવાળા સે નયા મારી રાધી હખમાં જાય.ઈમાં ઈનોય બસારાનો વાક નહી.તારા આપાના આખી જંદગી પગ ધોયને પાણી પીવી તોય ઈનો ઉપકાર નો ઉતરે એટલું એને આપડી ઉપર રહેમ કર્યું છે. નકર આ તારી મા રાંડેલી હતી, ઈને કોણ હાસવે? તારા આપાએ મને કોય દાડો ઉસુ વેણ નહીં કીધું. અને તારી ઉપર હેત ઓસુ નો થાય એટલા હારું થય બીજું સંતાન નો થાવા દીધું.છોડી આપડી બેય હારું તો તારા આપા ભગવાન કરતાય મોટા રૂપે કેવાય.અને તને થોડાં દાડા એવું લાગશે,પસી જેની હંગાથે કાયમ રેવી ઈની માયા તો બંધાય જાહે.એકના એક ઝાડવાને છાંયડે કાયમ બેઠાં રેવી તો ઈ ઝાડવાની ય માયા લાગે.છોરી દખનું ઑહડ દાડા સે.દાડા જાતા જાહે ઈમ બધું વિસરાતું જાહે. આવા દેવ જેવા તારા આપાનો બોલ હું તો કેદાડેય નો ઉથામી હકુ. બાકી તારા પેલા આપા તો તે જોયા નો હોય, ઈ ઇન્દર દેવ જેવાં હતાં.તોય ઈની હારે માંડેલા સંસારના બે વરહ પણ મે વિસારે પાડી નો દીધા? આટલું બોલી કાશી ગમગીન થઈ આકાશ તરફ તાકી રહી.કાશીને આજે વર્ષો પછી રાધીના અવસાન પામેલા પિતા યાદ આવી ગયા. રાધી તેની માડીને ભેટી ગઈ. બંને મા દીકરીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. આંસુ ભરેલી આંખો સાથે કાશીએ હીબકા ભરતી રાધીના માથે હાથ ફેરવતા કહ્યું, "બધા હારા વાના થય જાહે મારા પેટ!"
નેહડાના દરવાજે મોટર આવીને ઉભી રહી.
ક્રમશ: .......
(નેહડાનો ત્યાગ,હેત,પ્રીત જાણવા માટે વાંચતા રહો, "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts app no. 9428810621