Runanubandh - 56 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ.. - 56

અજય પ્રીતિની સ્પીચ સાંભળીને અવાચક થઈ ગયો હતો. એને જેટલો જુસ્સો હતો સ્તુતિને મળવાનો એ ઓસરી ગયો હતો. અજય ખુદની નજરમાં જ સાવ પડી ભાગ્યો હતો, મહામહેનતે એણે અહીં આવવાની હિમ્મત કરી હતી. પણ આ પ્રીતિની સ્પીચ સાંભળીને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠો હતો. અજયનું મન ફરી ચકરાવે ચડ્યું હતું. ઘડીક એને થયું કે, જેમ જીવન ચાલે છે એમ જ ચાલવા દવ, તો ઘડીક એને થતું હતું કે, મેં ભૂલ તો કરી જ છે તો માફી મારે માંગવી જ જોઈએ. સ્તુતિ માફ કરે તો સારું છે અને જો માફ ન કરી શકે તો પણ એનો ગુસ્સો વ્યાજબી જ છે. સ્તુતિ ઓગણીશ વર્ષની થઈ ગઈ છે છતાં હું એની સાથે ઓગણીસ દિવસ પણ રહ્યો નથી. હું ખરેખર બહુ જ મોટો દોષી છું. અજયનું મન અચાનક એટલી બધી હદે નિરાશ થયું કે, એને એવો વિચાર પણ આવી ગયો કે, મારા આ જીવનનો કોઈ ઉદેશ્ય જ નથી. હું જીવનમાં કંઈ જ ન કરી શક્યો. શું મેં આવા જીવન માટે રૂપિયાવાળું થવાના સ્વપ્ન જોયા હતા? આવું જીવન.. જીવન જ નહીં પણ મોત સમાન જ છે. હા, આમ જીવવું એના કરતા મરી જવું જ સારું! અતિશય અફસોસની સીમાને અજય પાર કરી ગયો હતો. આથી જીવનથી મન ઉઠી ગયું હતું. અને મૃત્યુને મન ઝંખવા લાગ્યું હતું. હોટલના રૂમના પંખા પર જ એની નજર સ્થિર થઈ ગઈ! આજ આવું જીવન જીવવા કરતા મરવું વધુ યોગ્ય લાગવા લાગ્યું હતું.

દિલની દરેક ઈચ્છા આજ અણગમતી લાગી,
જાણે જીવનની આ ક્ષણ અંતિમ ઘડી લાગી,
જિંદગીથી જજુમીને દેહને અફસોસની આગ લાગી,
દોસ્ત! રાખ થયેલ જિંદગીને મૃત્યુની ચાહ લાગી.

અજય પોતાની ભૂલને સુધારી તો નહીં જ શકે એ ડરથી મૃત્યુ નજીક ખેંચવા લાગ્યો હતો. પરિસ્થિતિ હજુ એને જોઈ નહોતી બસ કલ્પના માત્રથી જ નિરાશાના વમળમાં ઊંડો ઉતરવા લાગ્યો હતો. પોતાના નેગેટિવ વિચાર એના પર એટલા હાવી થઈ ગયા હતા કે, એ વિચારને જ અંજામ આપવા જઈ રહ્યો હતો. અજયે ત્યાં કોઈ દોરી તો ન હોય પણ પોતે પહેરેલી ટાઈને ચાર્જિંગ વાયર સાથે બાંધી લાબું કરી અને પાંખમાં બાંધ્યું હતું. એ ક્ષણે એને પોતાનો પરિવાર યાદ આવ્યો. છેલ્લે પ્રીતિનો ચહેરો નજર સમક્ષ આવ્યો અને એને અચાનક 'કોફી કોર્નર' વાળા શબ્દો યાદ આવ્યા. તમારે આવી જ વાત કરવી હોય તો મારે કોઈ વાત જ નથી કરવી. અજયની નેગેટિવ વાતથી ગુસ્સે થઈ ને પ્રીતિ વાત કર્યા વગર જ જતી રહી હતી. આ શબ્દોએ અજયને એ વિચારવા મજબુર કર્યો કે, તો મારુ આવું મૃત્યુ પ્રીતિને કેટલી તકલીફ આપશે? પ્રીતિ આજ એનો પ્રેમ જીતી ગઈ હતી. અચાનક અજયને આ વિચાર આવતા એના હાથ ટાઇને ટાઈટ કરવા જતા અટકી ગયા હતા. પ્રીતિ દુઃખી થશે એ વિચારે મૃત્યુ સમીપ જતો અજય અટકી ગયો હતો. હા, આજ પ્રીતિનો ખરો પ્રેમ હતો કે જે એને યમના મોઢામાંથી પણ ખેંચી શકવાની તાકત ધરાવતો હતો.

ફેરે ફર્યા વચનને આજ નિભાવી રહી છું,
મૃત્યુ પહેલા મને આવશે એ યાદ કરાવી રહી છું,
નોખી રહી છતાં તમારી જ બની જીવી રહી છું,
દોસ્ત! ઋણાનુબંધી રહી જિંદગી જીવવા પ્રેરી રહી છું.

અજય એટલો વિવશ થઈ ગયો કે એણે મરવાનો વિચાર જ માંડી વાળ્યો હતો. એને ગુસ્સામાં ટાઈનો ઘા જ કરી દીધો હતો. ચેર પર માથું પકડીને બેસી ગયો. આંખમાંથી આંસુ સરીને જમીન પર પડી રહ્યા હતા. થોડી મિનિટ એ એમ જ બેસી રહ્યો હતો.

સાયકોલોજીસ્ટ પણ કહે છે નર્વસબ્રેકડાઉન એટેક આવે ત્યારે એ થોડી ક્ષણ પણ એ પીડિત સચવાય જાય તો એનું આખું જીવન સમાપ્ત થતું બચી જાય છે. બસ, અમુક મિનિટને જ સાચવી લે તો જીવન બચી જાય છે. અને જે લોકો એ મિનિટ સાચવી શકતા નથી એ લોકો આટલો સુંદર મનુષ્યવતાર ગુમાવી બેસે છે. કોઈપણ વ્યક્તિ અતિ નેગેટિવ બાબતને વિચારે રાખે તો આવી સ્થિતિ બની શકે છે. હંમેશા સારા વિચાર અને પોઝિટિવ વિચાર ને જ યાદ રાખવાથી જીવન વધુ સુંદર બની જાય છે.

અજયે પોતાના નર્વસબ્રેકડાઉન સમયને સાચવી લીધો હતો. એ ચેર પરથી ઉઠ્યો. રૂમની બાલ્કની પાસે ગયો. ત્યાંથી પસાર થતા લોકોને જોઈ રહ્યો હતો. એક વ્યક્તિ અવિકસિત શરીર વાળો જોયો. જેનો એક હાથ અને એક પગ આખા શરીરના પ્રમાણમાં થોડા નાના અને વાંકા હતા. એટલે એ સરખું ચાલી પણ નહોતો શકતો કે એ હાથે કઈ ઉપાડી પણ નહોતો શકતો, છતાં એ ફ્રૂટની લારી લઈને વેચવા નીકળ્યો હતો. આ જોઈને અજયને થયું, આ વ્યક્તિ કરતા મને કેટલું સારું શરીર ભગવાને આપ્યું છે અને હું એનો જ હમણાં નાશ કરવા જઈ રહ્યો હતો! પારાવાર ગુસ્સો એને પોતાના પર આવ્યો અને એજ ક્ષણે એણે પોતાની જાત સાથે પ્રણ લીધું કે ભગવાને આપેલ આ મારી કાયાનો હું ક્યારેય આમ નાશ કરવાનો વિચાર નહીં કરું.

અજયને પ્રીતિ માટે ખુબ લાગણી ઉદ્દભવી રહી હતી. આજ પ્રીતિના વિચારે જ અજય આત્મહત્યા જેવું મોટું પાપ કરતો અટક્યો હતો. અજયે ફેસબુક ચાલુ કર્યું અને સ્તુતિએ મુકેલ પ્રીતિનો ફોટો એણે જોયો હતો. ડાબા હાથમાં મોબાઈલ હતો અને જમણા હાથથી એ પ્રીતિના ફોટાને સ્પર્શી રહ્યો હતો. અજયે એના લગ્ન પછી ક્યારેય પ્રીતિના ફોટાને આમ જોયો નથી. આજ એ પ્રીતિના ફોટાને જોઈ રહ્યો. આજ જે ઉદભવ્યું એ આકર્ષણ નહોતું જ પણ પ્રેમનું બીજ જે પ્રીતિનું રોપેલું હતું એમાં અંકુર ફૂટી રહ્યું હતું. આજ ફરી અજયનો હાથ પ્રીતિના હોઠ પાસેના તલ આગળ જઈ અટકી ગયો હતો. અજય થોડો નોર્મલ થઈ ગયો હતો. એને સમય જોયો તો રાત્રીના બાર વાગી ચુક્યા હતા. અજયે પલંગ પર ઝંપલાવ્યુ હતું. અને સવારે આઠ વાગ્યા પહેલા સ્તુતિની કોલેજે પહોંચવાનું નક્કી કરીને ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો હતો. થોડીવાર પડખા ફર્યા બાદ અજય ઊંઘમાં સરી પડ્યો હતો.

અજય કોલેજ સમય કરતા વહેલો પહોંચી ગયો હતો. એ સ્તુતિ ક્યારે કોલેજ આવે એની રાહ જોઈ રહ્યો હતો. અજયને એમ થઈ રહ્યું હતું કે, સ્તુતિ મને ઓળખશે તો ખરાને! ત્યાં જ અચાનક સ્તુતિ એક્ટિવા લઈને આવતી નજરે ચડી હતી. સ્તુતિનો ચહેરો એકદમ પ્રીતિ જેવો જ દેખાય રહ્યો હતો. અજયે હાથ લાંબો કરીને સ્કૂટર રોકવા કહ્યું હતું. સ્તુતિનું જેવું અજયના ચહેરા તરફ ધ્યાન ગયું કે, સ્કૂટર ઉભું રાખવા જતી હતી અને સ્તુતીએ વધુ જોરથી લીવર મારી સ્કૂટર સાઈડમાંથી આગળ જવા દીધુ હતું. અજય ત્યાં ઉભો હતો એ જોઈને સ્તુતિ કદાચ જતી રહી એમ સમજી અજયે જોરથી સ્તુતિ..... બુમ પાડી અને ઊંઘમાંથી અજય સફાળો જાગી ગયો હતો. અજયના ચહેરા પર સેજ પરસેવો વળી ગયો હતો, હૃદયના ધબકાર સેજ ઝડપી થઈ ગયા હતા. એક બે સેકન્ડ પછી એને ધ્યાન ગયું કે, મેં આ સ્વપ્ન જોયું હતું. એક હાશકારો અજયને થયો હતો. ઘડિયાળમાં સમય જોયો તો સવારના સાત વાગી ચુક્યા હતા. અજય પથારી માંથી ઉઠ્યો અને પોતે ફ્રેશ થવા બાથરૂમ તરફ વધ્યો હતો. વીસ મિનિટમાં તો એ તૈયાર થઈને રૂમની બહાર નીકળી ગયો હતો. રૂમ ચેકઆઉટ કરી અને કોલેજ જવા માટે રીક્ષા બાંધી હતી.

કેવી રહેશે અજય અને સ્તુતિની મુલાકાત?
શું હશે સ્તુતિનો એના પપ્પાને જોઈને પહેલો પ્રશ્ન? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻