Chhappar Pagi - 41 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 41

છપ્પરપગી ( ૪૧ )
—————————-
સપ્તર્ષિ આશ્રમ પરથી હવે બસ રવાના થઈ પહોંચે છે ભારતમાતા મંદીર.આ મંદીર ઉત્તર હરિદ્વારમાં સ્થિત છે. ભારત માતાનું આ એકમાત્ર મંદિર છે. આ મંદિર સાત માળનું બનેલું છે. જેમાં દેશ-વિદેશમાંથી ભક્તો/પ્રવાસીઓ દર્શન કરવા આવે છે. ભારત માતા મંદિરમાં દરેક ફ્લોર પર પેઇન્ટિંગ છે. ભારત માતા મંદિર દેશભક્તો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ સમર્પિત છે. ભારત માતા મંદિરમાં, જ્યાં ભારત માતાની પ્રતિમા નીચે સ્થિત છે…. આ પ્રતિમાના દર્શન કરી બધા જ લોકો ત્યાં એક ભોજન કક્ષમાં એકત્રિત થાય છે.સ્વામીજી બહારનું કંઈ જ ખાતા ન હોય એટલે આશ્રમનું બનાવેલું ભોજન ત્યા પહોંચી ગયુ હતુ.રૂષિપંચમી હોવાથી ભોજન અખેડ ધાન્યમાંથી બનાવેલ હતુ. ખૂબ સાદુ અને સાત્વિક ભોજન હોવા છતાં બધાને ખૂબ ભાવ્યું… ભોજનની સાથે થોડાં ફળો પણ બધાએ લીધા.
હવે બે ત્રણ કલાક જેટલો સમય આરામ માટે વિતાવવાનો હોવાથી સ્વામીજીની ઈચ્છા મુજબ નિલેશ્વર મહાદેવ મંદીરે આરામ કરવા બસ નિકળી પડે છે.હરિદ્વાર નજીબાબાદ રોડ પર સ્થિત આ નિલેશ્વર મહાદેવ ખૂબ જ પ્રાચીન છે. પ્રવિણે જ્યારે એવું પૂછ્યું કે ભારત માતા મંદીર પર સરસ સગવડ હોવા છતાં કેમ અહી આરામ માટે થોડો સમય આવ્યા છીએ..તો સ્વામીજીએ જણાવ્યું કે આ એક સ્વયંભુ શિવલિંગ છે. એવુ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયુ હતુ ત્યારે વિષ નિકળ્યુ હતુ તે પી લીધા પછી આરામની જરુર પડી ત્યારે આ સ્થળે આવી ગયા હતા અને એથી જ આ જગ્યા નિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.. એટલે એ ઘટનાને યાદ કરી આપણે પણ સૌ અહીં જ થોડો સમય આરામ કરીએ.પછી હરિદ્ધાર દર્શનનું મુખ્ય ધાર્મિક સ્થળ મનસાદેવીનુ મંદીર છે જે બિલવા પર્વત પર આવેલું છે ત્યાં જઈશું. ત્યાં જવા માટે પગપાળા અને રોપ-વે એમ બે વિકલ્પ છે. પગપાળા જવા માટે પણ બે રસ્તા છે જેમાં એકમાં પગથિયા ઓછા છે પરંતુ અંતર વધારે છે. આ રસ્તે તમને પ્રસાદી, ખાણી-પીણીની દુકાન અને બેસવા માટે વ્યવસ્થા છે. પરંતુ વાંદરાઓથી થોડા સતર્ક રહેજો… એમ જણાવી સ્વામીજી થોડુ હસ્યા… એ દર્શન કરીને પછી આપણે સૌ જઈશું
હરી કી પૌડી જે મુખ્ય ગંગા ઘાટ છે. તમે જ્યારે પણ હરિદ્ધાર આવો તો સૌથી પહેલા તમારે અહીં આવીને સ્નાન કરવું જોઇએ. આ સ્થળને બ્રહ્મકુંડ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ સ્વયં અહીં સ્નાન કરવા આવતા હતા. નજીકમાં વિષ્ણુ ઘાટ પણ છે. આ સ્થળે સાંજે થતી ગંગા આરતીમાં આપણે સૌ સામેલ થઈશુ.
બધાએ સરસ આરામ કરી, સ્વામીજીએ જણાવ્યું હતું તે મુજબ મનસાદેવીના દર્શન કરી ગંગામૈયાના મુખ્ય ઘાટ હરી કી પૌડી પહોંચી જાય છે…
સ્વામીજીના વર્ષોથી સંબંધ અને પરીચય હોવાને કારણે એમણે શેઠ-શેઠાણીની ઉંમર ને ધ્યાને લઈ અગાઉથી ગંગા આરતી માટે વિશેષ વ્યવસ્થા કરાવી હતી. સ્વામીજીએ ગોઠવણ કરાવી એ મુજબ એક સરસ જગ્યાએ બધા જ પોતાની આરતી સ્વયં કરી શકે તેવુ આયોજન હતુ. સ્થાનિક પંડીતોની હાજરી હતી અને એમનાં માર્ગદર્શન મુજબ આરતી શરુ થવાની હતી એને પાંચ સાત મીનીટની વાર હતી એટલે સ્વામીજીએ થોડી વાત કરીને સમજાવ્યું,
‘ગંગા આરતીનુ એક ખાસ મહત્વ રહ્યુ છે. એમાં પણ ખાસ કરીને હરિદ્વારની ગંગા આરતીનો લ્હાવો એક વખત માણવા જેવો છે. પરંતુ આટલી વિશાળ ગંગા નદી માત્ર હરિદ્વાર જ નહીં અન્ય શહોરોમાંથી પણ પસાર થતી હોવાને કારણે ત્યાં પણ પરંપરા અનુસાર, આરતી કરવામાં આવે છે. આ શહેરોમાં હરિદ્વાર સિવાય, ઋષિકેશ, પ્રયાગરાજ, વારાણસીનો સમાવેશ થાય છે. દેવભૂમિ ઉત્તરાખંડ સિવાય પણ પશ્ચિમ બંગાળમાં હુગલી નદીની પૂજા કરવામાં આવે છે.
હરિદ્વારમાં સવાર અને સાંજ બંને સમયે આરતી થાય છે. પરંતુ, સંધ્યા આરતીનું ખાસ મહત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહીં આરતીના દર્શન માટે આવે છે. આરતીના સમયે આ જગ્યાનો નઝારો પણ જોવા જેવો હોય છે. ઢોલ-નગારા અને ઝાલરના નાદ સાથે ગંગા આરતી કરવામાં આવે છે. જ્યારે આરતી થાય છે ત્યારે ગંગા નદીનો શાંત થઇ જાય છે. આ સમયે અવિરત રહેતી ગંગા થોડા સમયે વિરામ લઈને આરતીને સ્વીકારે છે. ત્યાર બાદ ફરીથી વહેવાનું શરૂ કરી દે છે.’
હવે મૈયાની આરતીનો સમય થઈ ગયો છે એટલે સ્વામીજી પોતાની વાત બંધ કરી શાંત થઈ જાય છે.. ઘાટ પરનું દ્રશ્ય અલૌકિક છે… ભક્તોમાં એક અનેરો ઉત્સાહ, સમર્પણ અને ભક્તિભાવ છે…ઘાટ પર માનવ મહેરામણ ભક્તિરસમાં તરબોળ થઈ, હાથમાં આરતી, અસંખ્ય દિપજ્યોતિઓ પ્રજ્જવલિત થઈ ગઈ છે… જાણે હજ્જારો ભક્તો એક મા ની દિવ્ય આરતી માટે પૂરા સમર્પિત અને તલ્લીન થઈ ગયા.. એમની અને મા ગંગાની વચ્ચે કોઈ જ નહી, કોઈ વિચારો નહી, કોઈ આવેગો નહીં… માત્ર ને માત્ર દિવ્યતા, પવિત્રતા અને ભક્તોનો મૈયા માટે અહોભાવ અને શરુ થાય છે એ અદ્ભુત, અલૌકિક અને દિવ્ય ભાવધારા…
‘ओम जय गंगे माता श्री जय गंगे माता
जो कोई तुमको ध्याता भागीरथी है माता
मन वांशित फल पाता ओम जय गंगे माता
ओम जय गंगे माता श्री जय गंगे माता
जो कोई तुमको ध्याता भागीरथी है माता
मन वांशित फल पाता ओम जय गंगे माता
चन्द्र सी ज्योत तुम्हारी, जल निर्मल आता
मैया जल निर्मल आता
शरण पड़े जो तुम्हारी शरण पड़े जो तुम्हारी
सो नर तर जाता ओम जय गंगे माता
ओम जय गंगे माता श्री जय गंगे माता
जो कोई तुमको ध्याता भागीरथी है माता
मन वांशित फल पाता ओम जय गंगे माता…’
આરતી પૂર્ણ થતાં જાણે એક ટૂંકા ધ્યાનમાંથી બહાર આવ્યા હોય તેમ એક અદ્ભુત શાંતિના અહેસાસ પછી હજારો ભાવિકોના ગગનચૂંબી અવાજથી ગંગામૈયાના જયઘોષ સાથે આરતી પૂર્ણ કરી, મૈયાને પુનઃ વંદન કરી હવે બધા જ આશ્રમ પર પરત ફરે છે.

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા