Rajashri Kumarpal - 33 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 33

૩૩

છોકરાંની રમત

વહેલા પ્રભાતમાં એક દિવસ બંને ત્યાં સરસ્વતીને કિનારે ફરી રહ્યા હતા. સેંકડો નૌકાથી નદીના બંને કાંઠા ભર્યાભર્યા લગતા હતા. પાટણ તરફ દ્રષ્ટિ કરતાં ઇન્દ્રની કોઈ અપ્સરાનું જાણે શતકોટિ આભરણ-વસ્ત્ર નીચે પડી ગયું હોય તેમ સેંકડો ને હજારો કનકકળશોથી નગરીમાં રમ્ય મહાલયો શોભી રહ્યાં હતાં. પૃથ્વીને કોઈ દિવસ તજવાનું મન ન થાય એટલી  મોહક રમણીયતા ત્યાં રેલાઈ રહી હતી. 

બંને સાધુ નગરીને પ્રેમથી નિહાળી રહ્યા.

હેમચંદ્રાચાર્યે અચાનક કહ્યું: ‘પ્રભુ! આવી ઇન્દ્રપુરી જેવી નગરી છે, વિક્રમ સમો રાજા છે...’

‘અને, હેમચંદ્ર! તારા સમો ગુરુ છે...’ દેવચંદ્રજીએ હસતાં-હસતાં કહ્યું.

‘પણ એક વસ્તુ આંહીં નથી!’

‘શું?’

‘આંહીં કોઈ જ અકિંચન નથી, એમ નથી; કેટલાય એવા છે, જેઓ ઋણધારણ કરતા જીવનભર વેઠ ઉતારે છે – જીવંત પશુ સમા! એનું શું થાય, પ્રભુ! વિક્રમી સિંહાસનની એ અપકીર્તિ કેમ ટળે?’

‘રાજભંડાર ખુલ્લા મુકાય તો!’

‘રાજભંડારને પણ મર્યાદા તો ખરી જ. અને આંહીં શ્રીનો પાર નથી, તો ઋણનો પણ પાર નથી!’

‘એનો તો શો ઉપાય, હેમચંદ્ર? અસમાનતા તો અનાદિ છે ને અનંત પણ છે!’

‘ઉપાય એક જાણમાં તો છે, પ્રભુ!’

શો?’

હેમચંદ્રાચાર્ય ગુરુ સામે જોઈ રહ્યા. એટલામાં એક લાકડાંનો ભારો વેંચનારી ત્યાંથી પસાર થતી એમણે દીઠી. અચાનક કાંઈક સાંભરી આવ્યું હોય તેમ તેઓ બોલ્યા: ‘પ્રભુ! યાદ છે? પેલી એક અદ્ભુત વેલ, આવી કોઈ ભારો વેચનારી પાસેથી, તમે મને અપાવી હતી તે?’

દેવચંદ્રને સાંભર્યું: ‘હા હા, પેલી આપણી શિશુરમત!’

હેમચંદ્રાચાર્યના ગાત્ર ઠંડા થઇ ગયાં. તેમણે હાથ જોડ્યા: ‘અરે, ભગવન્! એ આપણી શિશુ રમત? એ વેલના પાનનો રસ તમે મને વિધિ પ્રમાણે, તાંબાના કટકાને લગાડવાનું બતાવ્યું હતું. મેં એ લગાવ્યો હતો. પછી અગ્નિનો તાપ આપ્યો હતો. પછી મેં ત્યાં જોયું ને હું છક થઇ ગયો. એ જોઇને તમે હસી પડ્યા હતા, પ્રભુ! યાદ છે?’

‘યાદ છે, યાદ છે. હેમચંદ્ર! એટલે જ હું કહું છું કે એ આપણી છોકરાંની રમત હતી!’

‘પણ, પ્રભુ! પછી ત્યાં તાંબાનો કટકો હતો જ નહિ. શુદ્ધ કાંચન અગ્નિમાં શોભી રહ્યું હતું. હું છક થઇ ગયો. તમે હસી પડ્યા. આ સુવર્ણસિદ્ધિના આપણા પ્રયોગની વાત છે, પ્રભુ! રમતની વાત ક્યાં છે?’

દેવચન્દ્રાચાર્ય હજી હસી રહ્યા હતા: ‘હું પણ એ સુવર્ણસિદ્ધિની વાતને જ ઉદ્દેશીને કહું છું, હેમચંદ્ર! ત્યારે આપણે કેવી બાલીશ રમત રમી રહ્યા હતા, જેમાં કાંઈ ન હતું તેને સિદ્ધિ માનીને અભિમાન લઇ રહ્યા હતા! તે વખતે હજી નાના હતા નાં? આપણી છોકરમત કહેવાય.’

હેમચંદ્રાચાર્ય આશ્ચર્યમાં સ્થિર જ થઇ ગયા, એક શબ્દ બોલી શક્યા નહિ. શું બોલવું તે એમને સુઝ્યું જ નહિ. એમણે ફરીને મોં ઊઘાડ્યું ત્યાં દેવચન્દ્રાચાર્યની દ્રષ્ટિ કાંઈક દૂર તરફ ફરતી જોઇને તેમણે ત્યાં નજર કરી. તેઓ આશ્ચર્યથી નિહાળી રહ્યા. મહારાજ કુમારપાલ એકલા આ તરફ આવી રહ્યા હતા.