Brahmarakshas - Last Part books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - અંતિમ ભાગ


“ પણ અઘોરી દાદા મારા મનમાં હજુ એક પ્રશ્ન છે..!" શિવમે કહ્યું.


“ શિવમ હું જાણું છું તારે શું પૂછવું છે." અઘોરી દાદાએ કહ્યું.


“ દાદા તો મને જણાવો કે આખરે બ્રહ્માસ્ત્ર..." શિવમ હજુ બોલતો જ હતો ત્યાં....


સ્વચ્છ વાતાવરણમાં પલટો આવી ગયો. કાળા ડિમાંગ વાદળોથી આકાશ આખું ઘનઘોર થઈ ગયું હતું. રાત વધુ ડરામણી થઈ ગઈ અને જંગલમાંથી પક્ષીઓનો અવાજ આવવા લાગ્યાં. ગામની હદની અંદર ઊભેલા લોકોની નજર જંગલની તરફથી આવી રહેલાં અવાજ તરફ મંડાણી. ધીમે ધીમે એ અવાજ વધુ ઘેરો અને ભયાનક બની રહ્યો હતો. અચાનક આંખોની સામે અસંખ્ય ચામાચીડિયોને ગામની તરફ આવતાં જોયા.


જરાય પણ વિલંબ કર્યા વિના કાલિંદી, શિવમ વૃદ્ધ અઘોરી દાદા, રાજેશ્વરી દેવી અને ગુરુમા નીચે ઝુકી ગયા. તેમની ઉપરથી ઉડી ગયેલા ચામાચીડિયાં ગામમાં કોઈના ઘરના દરવાજા તો કોઈની બારીઓ ઉપર જઈને લટકી ગયા. વૃદ્ધ અઘોરી દાદાની સાથે બધાની નજર હજુ પણ ચામાચીડિયાં ઉપર હતી. પહેલી નજરમાં જે સામાન્ય દેખાતાં હતા એ ચામાચીડિયાં ધીરે ધીરે પોતાના કદમાં વધારો કરી રહ્યા હતા.

જોતજોતામાં એ ચામાચીડિયાં લાકડામાંથી બનેલા દરવાજા અને બારીઓ ખાઈ ગયા અને ઘરની અંદર ઘુસી ગયા ઘરમાં પુરાઈ રહેલાં લોકો ડરના માર્યા ઘરની બહાર પોતાનો જીવ બચાવવા ભાગી આવ્યા.


ચામાચીડિયાં લોકોની પાછળ પાછળ ઉડવા લાગ્યાં. લોકો ડરના માર્યા આમ તેમ ભાગી રહ્યા હતા.


“ થોભી જાવ બધાં, અહીંયા આવો બધાં." અઘોરી દાદાએ કહ્યું.

અઘોરી દાદાની વાત સાંભળીને બધા ગામલોકો તે તરફ ભાગ્યાં. તેમની સાથે ચામાચીડિયાં એ પણ પોતાની દિશા બદલી.


“ અઘોરી દાદા કઈક કરો નહિતર આ રાક્ષસી પક્ષીઓ આપણને મારી નાખશે." શિવમે સામેથી આવી રહેલાં ચામાચીડિયાં સામે નજર નાખતા કહ્યું.

“ શિવમ હવે એનો ઉપાય તારા અને કાલિંદી પાસે જ છે." અઘોરી દાદાએ શિવમના હાથ પર રહેલ નિશાન તરફ આંગળી ચીંધતા કહ્યું.


શિવમ અઘોરી દાદાએ કરેલા ઈશારા દ્વારા સમજી ગયો કે દાદા કાલિંદી અને તેના હાથ પર રહેલા નિશાનની શક્તિ વિશે કહે છે. કાલિંદી પણ સમજી ગઈ અને એ ચામાચીડિયાં તેમની પાસે આવે એ પેલાં જ શિવમ અને કાલિંદી એ પોતાના નિશાન વાળા હાથને એકબીજાના હાથથી સ્પર્શ કર્યો જેનાથી બંને અર્ધ ત્રિશૂળનું નિશાન પૂર્ણ થતાં એક તેજ પ્રકાશ બહાર નીકળ્યો.


તેજ પ્રકાશના કિરણોથી એ ચામાચીડિયાં ક્યાં ગાયબ થઈ ગયા કોઈને ખબર પણ ના પડી. બધાએ રાહતનો શ્વાસ લીધો ત્યાં તો ફરીથી કયામત આવી પહોંચી.


ધરતી એકાએક ધ્રુજવા લાગી. એક મુસીબત હજુ માંડ ટાળી હતી ત્યાં તેમની સમક્ષ બીજી આવીને ઉભી રહી.


“ અઘોરીજી આ શું થઈ રહ્યું છે, આજની રાત આટલી ભયંકર કેમ?" એક ગામવાસી વ્યકિતએ પોતાના પગોનું સંતુલન જાળવતા પૂછ્યું.


ધરતી ધ્રૂજતાંની સાથે નિવાસ્થાનમાં રહેલા વિરમસિંહ, નંદિની અને શ્રેયા બહાર આવી પહોંચ્યા. બહાર શું થઈ રહ્યું હતું તેમને તો બહાર આવ્યા પછી જ જાણ થઈ. અઘોરી દાદાએ નિવાસ્થાનની આજુબાજુ એક રક્ષાકવજ બનાવી દીધું હતું જેના કારણે કોઈ મેલી આત્મા નિવાસ્થાન માં પ્રવેશ ન કરી શકે.


ધરતી હજુ ધ્રૂજતી હતી જેમ જેમ જંગલમાંથી કોઈના ડગલાંઓનો અવાજ વધુ નજીક સંભળાઈ રહ્યો હતો તેમ તેમ ધરતી વધુ કંપી રહી હતી. આવામાં નંદિનીની નજર રાજેશ્વરી દેવી ઉપર પડી તે તુરંત વર્ષો જૂના ચહેરાઓને ઓળખી ગઈ.


આજની રાત એટલે કાળી શૈતાની શક્તિની રાત.આજની અમાવસ્યાની રાત્રે આ બ્રહ્મરાક્ષકે ખુંખાર સ્વરૂપ ધારણ કર્યું હતું. એ ડગલાંઓ આખરે ગામની હદમાં આવીને ઉભા રહી ગયા.

“ ઓ માય ગોડ..!" શ્રેયાના મોંમાંથી શબ્દો નીકળી પડ્યાં.


બાવીશ વર્ષમાં બ્રહ્મરાક્ષકનું આવું ખુંખાર સ્વરૂપ પહેલી વાર જોવા મળ્યું હતું. તેના કદમાં વધારો થયો હતો તદ ઉપરાંત તેના શરીર પર અગ્નિની જ્વાળાઓ પ્રગટી રહી હતી. ગુરૂમાના શ્લોકો દ્વારા ડરીને ભાગી ગયેલ બ્રહ્મરાક્ષક વધુ શક્તિઓ સાથે પરત ફર્યો હતો બસ હવે તો બ્રહ્માસ્ત્ર જ બ્રહ્મરાક્ષકના અંતનુ આખરી શસ્ત્ર બચ્યું હતું.


બ્રહ્મરાક્ષકે ભયંકર ત્રાડ સાથે પોતાની આંખોમાંથી કાળી શક્તિને ગામલોકો તરફ ફેંકી. ફાટેલી નજરે બધાં એ કાળી શક્તિને ધુમાડા સ્વરૂપે પોતાની તરફ આવતા જોઈ રહ્યા હતા. હવે તો ગામલોકો ફક્તને ફક્ત ઈશ્વરનું નામ જ લઈ રહ્યા હતા. તેમને મનમાં થઈ ગયું હતું કે મૃત્યુ આવી પહોંચ્યું છે ત્યાં જ એક બુલંદ અવાજ આવ્યો.


“ શિવમ આ લે બ્રહ્માસ્ત્ર અને એ શૈતાનનો હંમેશા માટે વધ કરી દે. દરેક નિર્દોષોના મોતનો બદલો પણ લેવાનો છે." એ અજાણ્યા ચહેરામાં એક જાણીતો અવાજ સંભળાયો.


તેના હાથમાં બ્રહ્માસ્ત્ર હતું. તેણે શિવમ તરફ ફેંક્યું.


“ દેવુલ્લા...!" શિવમથી એકાએક બોલાઈ ગયું.

ત્યાં હાજર બધાની આશા ભરેલ નજર એ અજાણ્યા વ્યક્તિ તરફ મંડાણી.


જોરદાર અવાજ સાથે એ કાળો ધુમાડો ગાયબ થઈ ગયો. આજે બ્રહ્મરાક્ષકના દરેક દાવ નિષ્ફળ જતાં હતાં આખરે તે ગુસ્સામાં પોતાના શૈતાની શરીર સાથે હુમલો કરવા આવી પહોંચ્યો.


શિવમ બ્રહ્માસ્ત્રની સાથે તૈયાર જ હતો જેવો એ બ્રહ્મરાક્ષક શિવમની તરફ હુમલો કરવા આવ્યો કે શિવમે પોતાની પૂરી તાકાત લગાવીને એક ઊંચો કૂદકો લગાવીને બ્રહ્માસ્ત્ર સીધું બ્રહ્મરાક્ષકના પેટમાં ખુંપી નાખ્યું.


એક ભયંકર ત્રાડ પડીને બધા સ્તબ્ધ થઈ ગયા.


****


બધા સ્તબ્ધ હતા. શ્રેયાના ઉદાસ ચહેરા સામે જોઇને બધાં ચૂપ હતાં અંતમાં બધાં હસી પડ્યા.

શ્રેયાના હાવભાવ એવા હતા કે બધાને જોઈને એક પળમાં હસવું આવી જાય. અને તેની વાત પણ સાચી હતી કે જેના કારણે બધાને દુખ પહોંચી જાય.


“ કાલિંદી તમે બધા આ હવેલીમાં હંમેશા માટે ગોઠવાઈ જશો અને હું પાછી રાજસ્થાન..." શ્રેયા બોલતાં બોલતાં અટકી ગઈ.

ના ના હું ક્યાંય નહિ જાવ તને છોડીને." શ્રેયા ફરી પોતાનું વાક્ય પૂરું કરતાં બોલી.


“ ના હો..! અહીં આ હવેલીમાં તો ફક્ત મારો પરિવાર અને શિવમનો પરિવાર જ રહેશે. તું અહીંયા નહિ રહી શકે તારે પાછું રાજસ્થાન જવું જ પડશે." કાલિંદી એ શ્રેયાના ઉદાસ ચહેરાને વઘુ ઉદાસ કરતા કહ્યું.


“ હા,હા.. તને તો શિવમ મળી ગયો એટલે તું તો મને ભૂલી જ જઈને.." શ્રેયાએ કાલિંદી સામે મોઢું ચડાવતાં કહ્યું.


“ અરે ભગવાન..! ફરી તમારાં બન્નેની ચકચક શરૂ થઈ ગઈ." નંદિની એ કહ્યું.

નંદિનીની વાત સાંભળીને શ્રેયા અને કાલિંદી હસવા લાગ્યાં.


“ અરે મમ્મી હું તો...." કાલિંદી બોલતી હતી ત્યાં...

“ અરે આ બધું છોડો. શ્રેયા તું ઉદાસ ના થા, તારી મમ્મી પપ્પા ને મે ફોન કરીને જણાવી દીધું છે તેઓ પણ અમરાપુર હંમેશા માટે આવી રહ્યા છે." નંદિની એ કહ્યું.


“ સાચે આંટી? તેઓ માની ગયા?" શ્રેયાએ ખુશી તેમજ નવાઈના મિશ્રિત ભાવ સાથે પૂછ્યું.


“ હા જ તો, દીકરીની ખુશીથી વધારે કંઈ હોઈ શકે ભલા.. અરે ભગવાન...! બધા ભેગા મળીને વાતો કરવા લાગ્યાં. શું ભૂલી ગયા કે આજે સાંજે શિવમ અને કાલિંદીની સગાઈ છે." નંદિની એ ગોટે વળેલાં વિરમસિંહ, શ્રેયા, રાજેશ્વરીદેવી, ગુરુમા, કાલિંદી તમામને યાદ અપાવતાં કહ્યું.


“ અરે હા, હું દેવભાઈ પાસે જતો આવું મારે થોડું કામ છે." શિવમે કહ્યું.


“ હા શ્રેયા ચાલ આપણે પણ થોડી તૈયારી કરી લઈએ." શ્રેયા અને કાલિંદી પોતાના ઓરડામાં ગયા.


“ દેવભાઈ..." ઓરડામાં ઢળતાં જ શિવમે કહ્યુ.


“અરે શિવમ તું, આવ અંદર આવ." દેવ ઓરડામાં એકલો બેઠો હતો.


“ ભાઈ તમે તૈયાર થઈ જાવ, આપણે હવેલીમાં આજે હંમેશા માટે સ્થાઈ થવાનું છે. અને તમને ખબર તો છે જ છતાં જણાવી દવ કે આજ રાત્રે જ કાલિંદી અને મારી સગાઈ થવાની છે." શિવમ એ હસતાં મોંઢે કહ્યું.


“ શિવમ માફી ચાહું છું પણ હું તારી સગાઈમાં હાજરી નહિ આપી શકું." દેવે કહ્યું.


“ પણ ભાઈ જો તમે હાજર નહિ રહો તો હું સગાઈ નહિ કરું." શિવમે કહ્યું.



“ અરે શિવમ તું વાતને સમજવાની કોશિશ તો કર. હું મારો ઉદાસ ચહેરો લઈને ત્યાં આવીશ તો બધાં ઉદાસ થઈ જશે. અને હું ક્યારેય એવું નથી ઈચ્છતો કે મારા કારણે તારો આટલો ખુશીનો પ્રસંગ ખરાબ થાય." દેવે કહ્યું.


“ દેવભાઈ તમારા કારણે ક્યારેક મારો કોઈ પ્રસંગ ખરાબ થયો છે જો આજે થશે..!? અરે, બ્રહ્મરાક્ષકના મૃત્યના પ્રસંગે પણ આપ સમયસર આવ્યા એટલે જ તેનું મૃત્યુ થયું." શિવમ એ દેવના ચહેરા ઉપર હાસ્ય લાવવા માટે સરસ ઉદાહરણ આપ્યું.


“ અને તમે મારી હિંમત છો. તમે જીવીત હતાં છતાં પણ અમારાથી એ સત્ય છુપાવ્યું કારણ ? કારણ હું પણ જાણું છું અને તમે પણ જાણો છો." વધુમાં ઉમેરતાં શિવમે કહ્યું.


“ કારણ એજ હતું કે તું મને તારાથી હંમેશા માટે દૂર થઈ ગયો અને એ પણ એ શૈતાનના કારણે એવું માની બેસે, જેના કારણે હું તારા માટે એક કારણ બનું એ શૈતાનના અંતનું. બન્યું પણ એવું જ. કદાચ હું તારી સાથે હોત તો આ શક્ય ન થઈ શક્યું હોત કારણ કે તારી અંદર જે બદલાની આગ પ્રજવલિત થઈ એ જો હું તારી સાથે હોત તો ના થઈ શકોત." દેવે કહ્યું.


“ ભાઈ ત્યારે સ્થિતિ એવી હતી એટલે તમારે મારાથી દુર રહેવું પડ્યું પરંતુ હાલમાં બધું જ સારું થઈ ગયું છે. સાચે તમે નહિ આવો તો હું સગાઈ નહિ કરું.


“ ઓહ..! તો કાલિંદીની સાથે કોઈ અન્ય એ લગ્ન કરી લીધા તો...!?" દેવના મુખ ઉપર આખરે સ્મિત આવ્યું.


“ દેવભાઈ..." શિવમે ઉદાસી ભર્યા હાવભાવ સાથે કહ્યું.

બંને ભાઈઓ એકબીજાને સ્નેહથી ભેટી પડ્યાં.


યુવાનો ચાલ્યા ગયા વિરમસિંહ પણ કામથી નિવાસ્થાનની બહાર નીકળી ગયા. ત્યાં હવે ફક્ત ત્રણ લોકો જ હતા. નંદિની, રાજેશ્વરી અને ગુરુમા.


“ બાવીશ વર્ષ બાદ આપણે મળ્યા છીએ કઈ કેટલુંય બદલાઈ ગયું. આ અમરાપુર ગામનો નકશો તો એવો જ રહ્યો પરતું અહીંના કેટલાંય નિર્દોષ લોકો, વગર વાંકે માર્યા ગયા. એ શૈતાને મારી પુત્રવધુને પણ મારી નાખી." રાજેશ્વરીદેવીના મોં માં ડૂમો ભરાઈ આવ્યો.


“ રાજેશ્વરી કાળને કોણ ટાળી શકે. ભગવાને જે ધાર્યું એજ થયું, થવાનું હતું તે થઈ ગયું. ભગવાનનો આભાર માનવો જોઈએ કે તમારો દીકરો દેવ સહીસલામત છે. અને શિવમની આજે સગાઇ છે, તમે ઉદાસ ન થાઓ." નંદિની એ રાજેશ્વરી ને સાંત્વના આપતા કહ્યું.


“ દેવ નાનો હતો ત્યારે મેં એને મૃત્યુંજય મંત્ર શીખવ્યો હતો જેના કારણે જ તે આજે જીવીત છે. પણ પુત્રવધુ પૂજાને હું ન બચાવી શકી એ બાબતનું મને ખૂબ દુઃખ છે." ગુરૂમા એ નિસાસો નાખતાં કહ્યું.


“ ગુરુમા તમે જ શીખવ્યું હતું કે મોતને કોઈ ટાળી શકે નહિ, શાયદ પૂજાની ઉંમર ટુંકી હશે. હવે જે થઈ ગયું એના વિશે વિચારીને ખોટું ઉદાસ શું કામ થવું, જે શુભ થવા જઈ રહ્યું છે એના વિશે વિચારવું જોઈએ." નંદિની એ ખૂબ જ ધીરપૂર્વક વાત કરતાં કહ્યું.


“ હા નંદિની તમે સાચું કવ છો. ચાલો તમે તૈયાર થઈ જાવ પછી આપણે બધાં હવેલી તરફ પ્રસ્થાન કરીએ." ગુરૂમા એ કહ્યું.



***


આખરે નિવાસ્થાનના નિવાસી હવેલીએ આવી પહોંચ્યા.


બાવીશ વર્ષ બાદ આખરે આજે અમરાપુરમાં ખોવાઈ ગયેલો ખુશીનો ખજાનો એજ ખાલી પેટીમાંથી મળી આવ્યો જેની અંદર બ્રહ્મરાક્ષકના ખાખ થઈ ગયેલાં શરીરની રાખ પડી હતી. એ પેટીને કાલિંદી પાસે જે ચાવી હતી તેના દ્વારા બંદ કરીને હંમેશા માટે તેને અઘોરી દાદાએ કોઈ રહસ્યમય જગ્યાએ દફનાવી દીધી જેનાથી ફરી એ બ્રહ્મરાક્ષકનો ઓછાયો આ અમરાપુર ગામ ઉપર તો શું ધરતી ઉપર પણ ન પડે.


ગામલોકો એ હવેલીને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરી હતી. વર્ષોથી વિરાન પડેલી હવેલી આજે ફૂલોના મહેકથી મહેકી રહી હતી.


કાલિંદી એ જેવો હવેલીમાં પ્રવેશ કર્યો કે ગામલોકો એ કાલિંદી ઉપર ફૂલોની વર્ષા કરી. પોતાના પૂર્વજોની હવેલીમાં પ્રવેશ કરતાં જ કાલિંદી ખૂબ જ ખુશખુશાલ દેખાઈ રહી હતી. શિવમ અને કાલિંદીની સગાઈ બાદ આ ખુશી હંમેશા માટે તેના ચહેરા ઉપર સ્થાપિત થઈ ગઈ.


અમરાપુર ગામમાં ફરીએકવાર ઠાકુર વંશની સ્થાપના થઈ તેમજ તેની સાથે ખુશીઓનું પણ આગમન થયું આમ આ વાર્તાનું અંત ઘણું જ સુખદ આવ્યું.


સમાપ્ત
- Jignya Rajput