Chhappar Pagi - 54 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 54

છપ્પર પગી ( ૫૪ )
——————————
લક્ષ્મી તો અવાક્ બની, અનિમેષ નજરે જોતી જ રહી. બસ પાંચ સાત પગલાં એ સાધુ મહારાજ આગળ વધ્યા જ હશે ને લક્ષ્મી એકદમ સભાન થઈ ગઈ. અત્યાર સુધી જે બન્યું તે કદાચ બહુ જ સહજ રીતે બન્યુ હતુ પણ હવે લક્ષ્મી સતર્ક બની અને એકદમ જ એ સાધુ મહારાજને ને સાદ કર્યો,
‘આપ ઉભા રહો… મને મારા પ્રશ્નનો જવાબ આપતા જાઓ..!’
એ મહારાજ જાણે સ્પષ્ટ ગુજરાતી સમજતા હોય તેમ સાંભળીને અટકી ગયા અને પુછ્યુ,
‘બોલો બેટી..’
‘આપ કૌન હૈ ? મુજ પર હી યહ કૃપા કયોં ? કયા ઉસ દિન કી એક સમય કી રોટીમેં ઈતની તાકત હૈ કી આપને હમેં ઈતના ઐશ્વર્ય દે દિયા !? આપ કે દર્શન ફિર કભી કરના હો તો ?
‘દેખો બેટી… કુછ સવાલોં કે જવાબ સમય પર છોડ દિયા કરો… ના મૈને કુછ કિયા હૈ.. ના તુમ કુછ કર રહી હૌ… હમ સબ યહાં સિર્ફ એક નિમિત્ત માત્ર કે સિવા ઓર કુછ નહી. કિસી કો મૈ સહી લગા હોગા તો મુજ પે કૃપા હુઈ, મુજે તુમ સહી લગી તો તુમ્હે ચૂના, તુમ્હે કોઈ ઔર યા કુછ ઔર સહી લગેગા વહ કરોગી.. યહા પર હમ સબ એક સંયોગ હૈ, સબ નિમિત્ત હૈ…! જ્યાદા બોલના ઉચિત નહીં હોગા બસ ઈતના હી સમજ લો, કાફી હૈ.
બાકી તુમ રાધાવલ્લભજીસે પૂછ લેના.. વહ સહી હૈ તુમ્હારે સભી સવાલોં કે જવાબો કે લિયે… કલ્યાણ હો..!’ આટલું કહી ચાલતા રહ્યા અને આગળના માર્ગે અંધારામાં અદ્રશ્ય થયા.
લક્ષ્મી પરત ફરી. સ્વામીજીની સૂચનાથી બધાં બસમાં બેસી ગયા હતા… લક્ષ્મી આવી એટલે વિશ્વાસરાવજી અને સ્વામીજી પણ બસમાં પ્રવેશ્યા અને ચાલીસેક મિનિટની મુસાફરી પછી આશ્રમ પહોંચી ગયા.
બધા જ પોતપોતાના રૂમમાં સૂવા જઈ રહ્યા. બીજા દિવસે સવારે નાસ્તો વિગેરે પતાવી મુંબઈ પરત જવાનું હોવાથી બધા જ વહેલા સૂઈ જાય છે.
બીજા દિવસે સવારે બધા જ વહેલી સવારે જાગી નિત્ય કર્મ પતાવી, સ્વામીજી અને વિશ્વાસરાવજી જોડે થોડી જરુરી વાતચીત અને પછી નાસ્તો કરી બસમાં મુંબઈ જવા પ્રયાણ કરે છે. મોડી રાત્રે મુંબઈ પહોંચી જાય છે. એ દિવસે રાત્રે અભિષેકભાઈ અને એમના પત્ની અમેરિકા જવા નિકળી જાય છે.
પ્રવિણ પોતાની ઓફિસ જોઈન કરી લે છે. તેજલબેન અને હિતેનભાઈ હવે એક બ્રેક લેવા ઈચ્છતા હતા એટલે હિતેનભાઈએ પ્રવિણને ઓફિસનુ બ્રિફિંગ કરી દીધું અને એ બન્ને હવે એક નાનકડી તિર્થ યાત્રા કરવા એક અઠવાડીયા માટે નિકળી પડે છે.
પલ પોતાની નવી કંપની શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દે છે અને જોડે જોડે અડધો દિવસ પોતાના પપ્પાને મદદ કરવા ઓફિસ પણ એટેન્ડ કરવા લાગે છે.
પ્રવિણ, લક્ષ્મી અને પલ હરીદ્વાર આયોજન થયુ અને જે કામ કરવાના હતા એ માટે પૈસાની જરૂર હોવાથી કંપનીમાં પોતાનો અમુક શેરનો હિસ્સો વેચવાની તૈયારીઓ શરૂ કરી દે છે એટલે પ્રવિણ અને પલે પછીના દિવસે કંપનીના કર્મચારીઓ જોડે એક મિટીંગનુ આયોજન કરી બધાને લંચ સાથે એક મિટીંગ ગોઠવી દીધી હતી.
બીજા દિવસે એ મિટીંગનુ સંપૂર્ણ સંચાલન પલે શરૂ કર્યુ.
પલે મિટીંગમાં બધાને વેલકમ કરી મિટીંગની શરૂઆત કરી. સૌ પ્રથમ પલે જે. ક્રિષ્નમૂર્તિના ટ્રસ્ટીશીપના સિંદ્ધાંતની વિગતે વાત કરી અને એ પૂર્વભૂમિકા સાથે પોતે શા માટે ઘરનાં લોકોનો શેર વેચવા માંગે છે તે આયોજન સમજાવ્યું. પછી પલે દરેક કર્મચારીઓને સલાહ આપી કે જેમની પાસે પણ બચત હોય અને યોગ્ય રોકાણ કરવા માંગતા હોય તે તમામ લોકો આપણી જ કંપનીના શેર ખરીદી લે, કેમ કે આગામી દિવસોમાં હજી પણ સારું વળતર મળવાની ખાત્રી છે જ… આ વાત સાથે અને કંપનીના માલિકોના નેક ઈરાદાઓ સાથે બધા જ કર્મચારીઓ સહમત હતા જ… એટલે કંપનીના કર્મચારી એસોસિએશનના પ્રમુખ રાકેશભાઈએ પ્રવિણ અને પલને સૂચન કર્યું, ‘ જો તમને બન્ને ને વાંધો ન હોય તો હુ બધા જ કર્મચારીઓ વતીથી જાહેરમા એક સૂચન કરવા ઈચ્છુ છું.’
પ્રવિણે કહ્યુ, ‘ રાકેશ… તું તો મારો મિત્ર છો અને વળી પાછો કર્મચારીઓ નો પ્રમુખ પણ છો એટલે તારો પુરો હક્ક છે… આવો અને જે કહેવું હોય તે કહો..!’
રાકેશે કહ્યુ, ‘સાહેબ અમે કંપનીમાં કુલ ૨૬૦ જેટલા કર્મીઓ છીએ અમારા બધા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ… સમાજ કલ્યાણ માટે અને સમાજનુ રૂણ અદા કરવા જે પણ કરી રહ્યા છો તે માટે અમારુ પણ ઉત્તરદાયિત્વ છે એટલે અમારા કર્મચારી એસોસિએશન તરફથી પણ અમે કંઈ યોગદાન આપવા ઈચ્છીએ છીએ. તમારી બન્ને શાળા માટે અમે અગિયાર અગિયાર લાખની રકમ એક નાનકડી ભેટ તરીકે આપવા ઈચ્છીએ છીએ…’
રાકેશભાઈએ આ વાત કરી એટલે બધા જ ઉપસ્થિત કર્મચારીઓએ તાળીઓથી વધાવી એમની વાતને અનુમોદન આપ્યું.
પ્રવિણે એ સૌની ભાવનાનો આદરપૂર્વક સ્વિકાર પણ કર્યો અને કહ્યું, ‘ આપ સૌ તરફથી મળેલ આ અમૂલ્ય ભેટ અમારો ઉત્સાહ વધારનારી ઘટના છે.. આપ સૌ પણ આ કાર્યમાં સામેલ થઈ રહ્યા છો અને જે યોગદાન આપી રહ્યા છો એ એક સરસ શરૂઆત થઈ છે… મારી ઈચ્છા હતી કે ક્યાંય થી પણ કોઈ જ મદદ ન લેવી અને અમને જે મળ્યુ છે તેમાંથી જ સમાજને પરત કરીએ પરંતુ આપ બધા પણ આ નેક કાર્ય મા સામેલ થઈ રહ્યા છો એ વિશેષ આનંદની વાત છે એટલે સપ્રેમ આ યોગદાન સ્વીકારીએ અને સૌને સંમિલિત કરીએ છીએ… સાથે સાથે આ શાળાઓના એક વહિવટી કારોબારી સભ્ય તરીકે આપણી કંપનીના કર્મચારીઓના જે પણ પ્રમુખ જે તે વખતે હોય તે હોદ્દાની રૂએ રહેશે એ વાત મારી પણ સ્વિકારો.’
આ વાતને પણ ઉપસ્થિત સૌએ વધાવી લીધી.
પછી પ્રવિણે પોતાની છેલ્લી વાત મૂકી અને કહ્યુ, ‘મારી ઈચ્છા હવે એવી છે કે હિતેનભાઈ અને પલ બન્ને મોટેભાગે કંપનીનું કામકાજ સંભાળશે. હુ અને લક્ષ્મી સ્કૂલ, એનજીઓ, હોસ્પિટલ વિગરે બાબતે વધુ ધ્યાન આપીએ. હિતેનભાઈ પણ હવે થોડો સમય પ્રવૃત રહે પછીથી એ પણ વધારે સક્રીય ન રહે તેવુ એમનું કહેવું હતુ એટલે મારો મિત્ર રાકેશ જે આપ સૌનો વિશ્વાસુ છે અને એક શ્રેષ્ઠ વહીવટકર્તા પણ છે તો એ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમા આવે તો ભવિષ્યમાં પણ કર્મચારીઓના હિત સચવાય અને અમે પણ વધુ નિશ્ચિંત બની શકીએ.’
આ વાત સાંભળી રાકેશે કહ્યુ, ‘આ બહુ મોટી જવાબદારી છે. હુ પણ ઈચ્છુ છુ કે નિવૃતિ લઈ તારી જોડે જ સમાજનું રૂણ અદા કરવા જોડાઈ જઉં અને કંપનીમાં કોઈ યુવાનને આ જવાબદારી સોંપીએ’
પણ પ્રવિણે કહ્યુ, ‘હિતેનભાઈ નિવૃત થાય પછી કોઈ તો અનુભવી વ્યક્તિ જોઈએ જ… તો જ કંપની અને કર્મચારીઓનું હિત સચવાય એટલે તું હમણાં તો અહીં જ સેવાઓ આપે એ યોગ્ય રહેશે અને તારી પાસે કંપની અને કર્મચારીઓ માટે જે લાગણી છે તે હમણાં અહીં જ રહે તે સૌ માટે જરૂરી છે, ભવિષ્યમાં તને યોગ્ય લાગે ત્યારે આવી જજે.. મને તો અત્યારે આ જ વિકલ્પ યોગ્ય લાગે છે.’
બધા જ કર્મચારીઓ એક અવાજે બોલી ઉઠ્યા.. ‘હા.. હા.. તમે બધા એક સાથે નીકળો એ યોગ્ય નથી.. રાકેશભાઈ તમે અમારી જોડે જ રહો, અમે સૌ તમને અને પલ ને કોઈ તકલીફ નહીં પડવા દઈએ.. આ કંપની આપણાં સૌની છે અને આજીવન અમારી આ જ ભાવના રહેશે.’
રાકેશભાઈ માન્યા, પલે સૌનો આભાર માની મિટીંગ પુરી કરી અને લંચ લઈ સૌ છૂટા પડ્યા.

(ક્રમશઃ)
લેખકઃ રાજેશ કારિયા