Article 370 books and stories free download online pdf in Gujarati

આર્ટિકલ 370

આર્ટિકલ 370

- રાકેશ ઠક્કર

ફિલ્મ આર્ટિકલ 370રાષ્ટ્રીય ભાવના જગાવવા સાથે કલમ 370 હટાવવાની જરૂરરિયાત પર ભાર મૂકે છે. નિર્દેશક આદિત્ય જાંભલેની આર્ટિકલ 370ને એક રાજકીય મુદ્દા પ્રેરિત ફિલ્મ તરીકે ઓળખવામાં આવી હતી. એક ફિલ્મ તરીકે આર્ટિકલ 370 ક્યાંય નિરાશ કરતી નથી. ઉરી ના નિર્માતાઓએ ફરી કમાલ કર્યો છે. એને એક્શન- સસ્પેન્સ- થ્રીલર તરીકે પણ બનાવી છે.

કલમ 370 હટાવવામાં આવી હતી એ વાતથી બધા જ માહિતગાર છે પણ એ કલમ હટાવતા પહેલાં કેવી તૈયારીઓ થઈ હતી એ બધું જ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આખી વાર્તા વડાપ્રધાનના કાર્યાલયના એક સિક્રેટ નિર્ણય પર આધારિત છે. જમ્મુ-કાશ્મીરના સંવિધાનની તપાસ કરી અને ખામીઓને જાણી એ પછી 370 હટાવી હતી.

લેખકોએ આ મુદ્દાને બહુ સરળતાથી અને પ્રેમથી સમજાવ્યો છે. રાજકારણમાં કે આવા ટેકનિકલ ઇસ્યુમાં રસ ના ધરાવતા પણ સમજી શકે છે. બધા જ વર્ગના દર્શકોને એ વાર્તા સાથે જોડી શક્યા છે. એક ગંભીર મુદ્દાને મનોરંજનના માધ્યમથી રજૂ કરવામાં સફળ રહ્યા છે. રાષ્ટ્રીય ભાવના જબરદસ્તી ઊભી કરવાનો પ્રયત્ન કરવાને બદલે એને સહજ રીતે આવવા દીધી છે. નિર્દેશક પહેલા જ દ્રશ્યથી ફિલ્મનો મિજાજ બતાવી દે છે.

ફિલ્મની વાર્તા એક જાસૂસી અધિકારી તરીકે ફરજ બજાવતી જૂની હકસર (યામી ગૌતમ) થી શરૂ થાય છે. જૂનીને આતંકવાદી સંગઠનના બુરહાન વાની વિષે ખબર પડે છે. એને તે એક અથડામણમાં મારી નાખે છે. આ કારણે કાશ્મીરમાં પથ્થરમારો શરૂ થાય છે. એ માટે જૂનીને જવાબદાર ગણીને એની બદલી દિલ્હીમાં કરવામાં આવે છે. દરમ્યાનમાં સરકાર 370 ની કલમ હટાવવાની કાર્યવાહી શરૂ કરે છે. એ માટે પીએમઓ સચિવ રાજેશ્વરી (પ્રિયામણિ) એક ટીમ બનાવે છે અને એમાં એનઆઈએ ઓપરેશન માટે જૂનીનો સમાવેશ કરે છે. તે ખીણમાં શાંતિ અને એકતાનો માહોલ બનાવવા પ્રયત્ન કરે છે. એમાં સ્થાનિક ભ્રષ્ટ રાજકારણીઓ અને ઉગ્રવાદીઓ અવરોધ ઊભા કરે છે.

પહેલા ભાગમાં વાર્તા રોચક બની છે. નિર્દેશક જબરદસ્ત તણાવ ઊભો કરે છે. બીજા ભાગમાં ફિલ્મ થોડી ધીમી પડી જાય છે. પોણા ત્રણ કલાકની ફિલ્મમાં સિક્રેટ ઓપરેશનની વાત હોવાથી દર્શકો સીટ સાથે બંધાયેલા રહે છે.

યામી ગૌતમ પોતાના અભિનયથી જબરદસ્ત છાપ છોડી જાય છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે એ પાત્રમાં સમાઈ ગઈ છે. એણે પડકારરૂપ ભૂમિકાને બરાબર અંજામ આપ્યો છે. કેટલીક ફિલ્મોમાં કલાકારનું કામ એવું હોય છે કે દર્શકો હીરો- હીરોઈનને નહીં કોઈ પાત્રને મળતા હોય એવો અનુભવ કરે છે. યામીએ આવું જ કામ કરીને પોતાની કાબેલિયત સાબિત કરી છે. એક દ્રશ્યમાં યામી કાશ્મીરના આતંકવાદ વિષે કહે છે ત્યારે રૂંવાડા ઊભા થઈ જાય છે. તેણે મેકઅપ વગર પાત્રને વાસ્તવિક બનાવ્યું છે. પાત્રનો અંદરનો ગુસ્સો જે રીતે વ્યક્ત કર્યો છે એ એના અભિનયની વિશેષતા બને છે. યામીનો અત્યાર સુધીનો આ શ્રેષ્ઠ અભિનય છે. યામી આવી ફિલ્મો કરવા માટે જ બની હોય એવું લાગશે.

દક્ષિણની પ્રિયામણિ યામીની જેમ જ પોતાના અભિનયથી પ્રભાવિત કરી જાય છે. નારીશક્તિનો એ પરિચય આપે છે. ગૃહમંત્રી તરીકે કિરણ કરમાકર અને વડાપ્રધાનના રૂપમાં અરુણ ગોવિલ પોતાની ભૂમિકાને ન્યાય આપી જાય છે. આ એક એવી ફિલ્મ છે જેની કલાકારોનો અભિનય જોવા માટે ભલામણ થઈ છે. ફિલ્મના નેગેટિવ પાત્રને હજુ દમદાર બનાવવાની જરૂર હતી. ફિલ્મમાં સંગીતનું પાસું નબળું રહી ગયું છે. એક જ સામાન્ય ગીત છે અને એ બેકગ્રાઉન્ડમાં વાગે છે. બેકગ્રાઉન્ડ સંગીત પણ સામાન્ય છે.

કોઈ એજન્ડા આધારિત સમજીને જોવા કરતા એક ફિલ્મ તરીકે જોવાથી એ વધારે ગમે એવી છે. પોતાનું જ્ઞાન વધારવા પણ જોઈ શકાય એમ છે. અને ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક જેટલી જોરદાર ના લાગતી હોય પણ 370 ની કલમને દૂર કરવાના એક ઐતિહાસિક મુદ્દા પર પોતાની છાપ છોડી જવામાં સંપૂર્ણ સફળ રહી છે. નિર્દેશકે કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન બનાવી રાખ્યું છે.