Narad Puran - Part 17 books and stories free download online pdf in Gujarati

નારદ પુરાણ - ભાગ 17

સનકે આગળ કહ્યું, “હે નારદ પ્રણવ, સાત વ્યાહૃતિઓ, ત્રિપદા, ગાયત્રી તથા શિર:શિખા મંત્ર- આ સર્વ ઉચ્ચારણ કરતા રહીને ક્રમશ: પૂરંક, કુંભક અને રેચક ક્રિયા કરવી. પ્રાણાયામમાં ડાબી નાસિકાના છિદ્રથી વાયુ ધીરે ધીરે પોતાનાં ફેફસામાં ભરવો. પછી ક્રમશ: કુંભક કરી વિરેચન દ્વારા બહાર કાઢવો.

        (પ્રાણાયામનો મંત્ર અને તેની વિધિ નીચે પ્રમાણે છે:

પ્રાણાયામ મંત્ર : ૐ ભૂ: ૐ ભુવ: ૐ સ્વ: ૐ મહ: ૐ જન: ૐ તપ: ૐ સત્યમ ૐ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત, ૐ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવ: સ્વરોમ.

        પહેલાં જમણા હાથના અંગૂઠાથી જમણી બાજુનું નસકોરું દબાવી ડાબા નસકોરાથી વાયુ અંદર ખેંચવો. એ સાથે જ નાભિ દેશમાં નીલકમલદલ સમાન શ્યામ વર્ણ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી પ્રાણાયામ મંત્ર ત્રણ વાર ભણવો. જો ત્રણ વાર ન ભણી શકાય તો એક વાર ભણવો. આ ક્રિયાને પૂરક કહેવામાં આવે છે. પૂરક કર્યા પછી અનામિકા અને કનિષ્ઠિકા અંગુલીઓથી ડાબું નસકોરું દબાવી શ્વાસને રોકી રાખવો ને પ્રાણાયામનો મંત્ર ત્રણ વાર ભણી જવો.  તેમ ન થઇ શકે તો એક વાર ભણવો. આ ક્રિયાને કુંભક કહેવામાં આવે છે. આ ક્રિયા દરમ્યાન કમલાસન પર વિરાજમાન ગૌરમિશ્રિત વર્ણવાળા ચતુર્મુખ બ્રહ્માનું ધ્યાન ધરવું.

        કુંભક ક્રિયા થઇ ગયા પછી જમણા નસકોરા પર દબાવેલો અંગૂઠો  નસકોરા પરથી ઉપાડી લઈને ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવો અને પ્રાણાયામનો મંત્ર ત્રણ વાર ભણવાનું ચાલુ જ રાખવું. આ ક્રિયાને રેચક કહેવાય અને આ દરમ્યાન શ્વેતવર્ણવાળા, ત્રણ નેત્રવાળા ભગવાન શંકરનું ધ્યાન કરવું. આ પૂરક, કુંભક અને રેચકની આખી ક્રિયાને પ્રાણાયામ કહેવામાં આવે છે.)

        પ્રાણાયામ કરી રહ્યા પછી પ્રાત:કાળની સંધ્યા કરતી વખતે સૂર્યના મંત્ર બોલીને આચમન કરવું અને સાંયકાલની સંધ્યામાં અગ્નિનો મંત્ર ભણી આચમન કરવું.

        આચમન કર્યા પછી सुमित्रा न आप औषधय: सन्तु दुर्मित्रियास्तस्मै  सन्तु योस्मन्द्वेष्टि यं च वयं द्विष्म:  મંત્ર બોલીને હથેળીમાં જળ લઇ નાકને અડાડવું અને અંતરમાંના કામક્રોધાદિ શત્રુઓ તે જળમાં આવી રહ્યા છે એવી ભાવના કરીને તે જળને એક બાજુ નાખી દેવું. ત્યારબાદ મંત્રયુક્ત જળ માથા ઉપર છાંટવું. અધમર્ષણ કર્યા પછી એક વાર આચમન કરવું.

        હે નારદ, ત્યારબાદ સૂર્યને વિધિપૂર્વક ગંધ, પુષ્પ અને જળની અંજલી આપવી. સવારે સ્વાસ્તિકના આકારની અંજલી બનાવી સૂર્યનું પૂજન કરવું. મધ્યાન્હે બંને હાથ ઊંચા કરી અને સાયંકાલે હાથ નીચે રાખીને પૂજન કરવું.

        સવારે તથા બપોરે ઊભા થઈને અને સંધ્યાકાળે બેસીને ભક્તિભાવથી ગાયત્રીના ધ્યાનમાં જ મન પરોવી જપ કરવો જોઈએ. દરેક સંધ્યા વખતે ગાયત્રીના એક હજાર જાપ કરવામાં આવે તો ઉત્તમ, સો જપને મધ્યમ અને દશ જપને સાધારણ માનવામાં આવ્યા છે. આરંભમાં પ્રણવ, પછી ભૂર્ભુવ:સ્વ: અને તે પછી તત્સવિતુ: ઈત્યાદિ ત્રિપદા ગાયત્રી જ જપવા યોગ્ય છે.  બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને યતિ દ્વારા કરવામાં આવતા ગાયત્રીમંત્રના જપમાં છ પ્રણવ લગાડવા અથવા આદિ અંતમાં પ્રણવ લગાડીને મંત્રને તેમાં સંપુટિત કરવો, પરંતુ ગૃહસ્થમાં આદિમાં એક પ્રણવ લગાડવાનો નિયમ છે.

        યથાશક્તિ જપ કરીને તે સૂર્યને અર્પણ કરવો. ત્યારબાદ ગાયત્રી તથા સૂર્યને એક એક અંજલી જલ આપવું. ત્યારબાદ ગાયત્રીનું વિસર્જન કરતી વખતે કહેવું ‘હે દેવિ, શ્રી બ્રહ્મા, શિવ તથા ભગવાન વિષ્ણુની અનુમતિ લઈને સાદર સિધાવો.’

        ત્યારબાદ દિશાઓ અને દિગ્દેવતાઓને હાથ જોડીને પ્રણામ કરીને પોતાનું જે કર્મ કરવાનું છે તે પૂર્ણ કરવું. ગૃહસ્થ પુરુષે પ્રાત:કાલ અને મધ્યાન્હકાલમાં સ્નાન કરવું, પરંતુ વાનપ્રસ્થ અને સંન્યાસીએ ત્રણેય સમયે સ્નાન કરવું જોઈએ. જેઓ મંદવાડથી પીડાતા હોય તેમના માટે તેમ જ પથિકો માટે એક જ વાર સ્નાન કરવાનું વિધાન છે.

        હે મુનીશ્વર, સંધ્યોપાસન થઇ રહ્યા પછી દ્વિજે દર્ભ ધારણ કરીને બ્રહ્મયજ્ઞ કરવો. દિવસે કરવાનાં કર્મ પ્રમાદને લીધે ન કરી શકાયાં હોય તો રાત્રિના પહેલા પ્રહારમાં ક્રમે ક્રમે પૂરાં કરી લેવાં જોઈએ. જે દ્વિજ આપત્તિકાળ ન હોવા છતાં પણ સંધ્યાની ઉપાસના કરતો નથી તેને ધર્મથી ભ્રષ્ટ થયેલો તેમ જ પાખંડી જાણવો જોઈએ. જે માણસ સંધ્યા આદિ કર્મો કરવાની કાંઈ જ જરૂર નથી એમ બોલીને તેમનો ત્યાગ કરે છે તેને મહાપાતકીઓનો શિરોમણી જાણવો.

        સંધ્યા કરી રહ્યા પછી વિધિપૂર્વક દેવપૂજા અને બલિવૈશ્વદેવકર્મ કરવાં. તે સમયે આવી પહોંચેલા અતિથિને મધુર વચનોથી આવકારી અન્ન-જળ અથવા કંદ-મૂળફળથી તેની સેવા કરવી. જેના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછો ફરે છે, તેને તે પોતાનું પાપ આપીને બદલામાં તેનું પુણ્ય લઈને ચાલ્યો જાય છે.

        જેનું નામ અને ગોત્ર આગળથી ખબર ન હોય અને જે બીજા ગામથી આવ્યો હોય. એવા માણસને વિદ્વાન પુરુષો અતિથિ કહે છે. તેનું શ્રીવિષ્ણુની પેઠે પૂજન કરવું.

        હે બ્રહ્મન, પ્રતિદિન પિતૃઓ તૃપ્ત થાય એવા ઉદ્દેશથી પોતાના ગામમાં રહેતાં શ્રોત્રિય તેમ જ વૈષ્ણવ બ્રાહ્મણને અન્ન આદિથી તૃપ્ત કરવા. જે દ્વિજ પંચમહાયજ્ઞ કરતો નથી તેને વિદ્વાન પુરુષો બ્રહ્મઘાતક કહે છે. આથી દરરોજ પંચમહાયજ્ઞ કરવા જોઈએ. દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ આ પંચમહાયજ્ઞ ગણાય છે.

        પોતાના સેવકો તથા બંધુઓ અને મિત્રવર્ગની સાથે મૌન ધારણ કરીને ભોજન કરવું અભક્ષ્ય પદાર્થ કદી ખાવો નહિ. સુપાત્ર વ્યક્તિનો કદી ત્યાગ ન કરવો, તેને જરૂર જમાડવો. પોતાના આસન ઉપર પગ રાખીને અથવા અડધુંવસ્ત્ર પહેરીને જે માણસ ભોજન કરે છે અથવા મોઢામાંથી  બહાર કાઢેલા અન્નને જે ફરીથી ખાય છે, તેને ‘મદ્યપાન કરનારો’ જાણવો. પાણી પીતી વખતે, આચમન કરતી વખતે અને પદાર્થો ખાતી વખતે મોઢામાંથી અવાજ થવો ન જોઈએ. અન્નની નિંદા કરવી નહિ. જમતાં પહેલાં એકવાર જળનું આચમન કરવું. તે સમયે ‘अमृतोपस्तरणमसि’ અને જામી રહ્યા પછી ફરીથી આચમન કરવું અને ‘अमृतापिधानमसि’ આમ બોલવું.

        જમતાં પહેલાં આચમન કર્યા પછી ‘પ્રાણાય સ્વાહા’, ‘અપાનાય સ્વાહા’, ‘વ્યાનાય સ્વાહા’, ‘સમાનાય સ્વાહા’, ‘ઉદાનાય સ્વાહા’- આમ બોલીને પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉડાન એમના નિમિત્તે અન્નની પાંચ આહુતિઓ પોતાના મુખમાં આપવી. પછી જમવાની શરૂઆત કરવી.

        હે નારદ, આ પ્રમાણે ભોજન કરી રહ્યા પછી આચમન કરીને શાસ્ત્રચિંતનમાં તત્પર થવું જોઈએ. રાત્રીના સમયે પણ જો કોઈ અતિથિ આવે તો તેણે ભોજન અને રહેઠાણ આપીને સત્કાર કરવો.

        વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરેલા દ્વિજે સુગંધી દ્રવ્યનું શરીર ઉપર વિલોપન, તૈલનો અભ્યંગ, મૈથુન. નિદ્રા અને આળસનો ત્યાગ કરવો. તેણે ભગવાન નારાયણનું ચિંતન તથા ચાંદ્રાયણ આદિ તપોમય વ્રત કરવાં, ટાઢ-તડકાના દ્વંદને સહન કરવાં, અગ્નિહોત્ર કરવું.

        સર્વ વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે જ સંન્યાસ ગ્રહણ કરવો. અકાળે તે કરવાથી તે પતિત થઇ જાય છે. સંન્યાસીએ વેદાંતના અભ્યાસમાં તત્પર રહેવું. શમ, દમ આદિ ગુણોથી યુક્ત તથા કામ ક્રોધ આદિ દોષોથી દૂર રહેવું. સંન્યાસી દ્વિજે નગ્ન રહેવું અથવા જૂની લંગોટી પહેરવી, માથે મુંડન રાખવું. તેણે શત્રુ-મિત્ર તથા માન-અપમાનમાં સમાનભાવ રાખવો. ગામમાં એક રાત અને શહેરમાં ત્રણ રાતથી વધારે સમય રહેવું નહિ. સંન્યાસીએ હંમેશાં ભિક્ષાન્નથી ઉદરનિર્વાહ કરવો. ખાસ અમુક જ ઘરનું અન્ન ખાવાનો આગ્રહ ન રાખવો. લોભવશ થઈને શરીરને લાડ લડાવવામાં લાગી રહેલ સંન્યાસીને ચાંડાલ સમાન જાણવો.

        હે નારદ, વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મના પાલનમાં તત્પર તેમ જ સર્વ પાપોથી રહિત ભગવદ્ભક્તો વિષ્ણુના પરમ ધામને પ્રાપ્ત થાય છે.

 

ક્રમશ: