Power of apology books and stories free download online pdf in Gujarati

માફી માંગવાની શક્તિ



ખૂબ જ નજીવી મિલકતના મુદ્દે, પાર્વતીએ તેના ભાઈ મધુસૂદન સાથે લગભગ પંદર વર્ષ સુધી વાત ન કરી. બંને વાટ જોઈ રહ્યા કે સામે વાળો આવીને માફી માંગશે. એક સમય એવો આવ્યો, જ્યારે મધુસૂદન અત્યંત બીમાર પડ્યો અને મૃત્યુશૈયા પર આવી પહોંચ્યો. તેના શરીર પર દવાનો કોઈ અસર નહોતો થઈ રહ્યો અને ડોકટરો સમજવામાં નિષ્ફળ ગયા, કે એને કેવી રીતે જીવિત રાખવો. એવું લાગી રહ્યું હતું કે જાણે મધુસૂદનનો જીવ કોઈ બાબતમાં અટવાઇ ગયો હોય અને તેના સમાધાન વિના તેની આત્મા પૃથ્વી છોડવા તૈયાર નહોતી.

લાંબુ વિચાર્યા પછી, મધુસૂદનનો પુત્ર ગયો અને તેની ફઈ પાર્વતીને વિનંતી કરી કે તે મધુસૂદનને હોસ્પિટલમાં મળવા આવે, "મારા પિતા જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યા છે. તદુપરાંત મને ખાતરી છે કે તેઓ તમારી રાહ જોઈ રહ્યા છે. પ્લીઝ ફઈ, કૃપા કરો! કમસેકમ હવે તેના મૃત્યુશય્યા પર, જૂની દ્વેષ ભૂલી જાઓ અને તેમને શાંતિથી જવામાં મદદ કરો."

પાર્વતી હોસ્પિટલ આવી. આખો પરિવાર મધુસૂદનના પલંગની આસપાસ ઊભો હતો. તેનામાં તમામ પ્રકારની નળીઓ અને પાઈપો લાગેલા હતા. જ્યારે ભાઈ અને બહેન બંનેએ એકબીજા સામે આંખ ચાર કરી, તો જાણે વર્ષો જૂના પૂરના દરવાજા ખુલી ગયા અને તેમના ચહેરા પર આંસુની નદી વહેવા લાગી. પાર્વતી આવીને તેની બાજુમાં બેઠી. ચુપચાપ, એક પણ શબ્દ વિના મધુસૂદને તેના હાથ જોડીને ઊંચા કર્યા. પાર્વતીએ ભાઈના બંને હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, "મધુ, મને માફ કર અને હું પણ તને માફ કરું છું."
હળવા સ્મિત પછી, ત્યાં ને ત્યાં એક જટકામાં મધુસૂદનનો જીવ નીકળી ગયો!!!

બે અક્ષરનો નાનકડો શબ્દ, 'સોરી', પરંતુ આપણા જીવનના સૌથી મહત્વપૂર્ણ સંબંધોને સુધારવાની તાકાત અને શક્તિ ધરાવે છે. તેમ છતાં જ્યારે તમે સમયસર માફી નથી માંગતા, ત્યારે તમે ફક્ત અફસોસ અને તૂટેલા હૃદય સાથે એકલા રહી જાવ છો.

આ મીની ક્વિઝ લો. તેનો જવાબ 'હા' અથવા 'ના'માં આપજો. તમારે કોઈને કહેવાની જરૂર નથી, ફક્ત તમારી જાત સાથે પ્રમાણિક રહેજો.
૧. જો તમે ભૂલ કરી હોય, તો શું તમે તેને સરળતાથી સ્વીકારો છો?
૨. તે તમારી ભૂલ હતી, એ જાણ્યા પછી, શું તમે તેને સુધારવાની પહેલ કરો છો?
૩. આ બધું તમારા કરેલાનું પરિણામ હતું એ અહેસાસ હોવા છતાં પણ શું તમે દોષની રમત રમો છો?
૪. શું તમે સામેની વ્યક્તિની માફીની રાહ જુઓ છો?
૫. શું તમે તમારા સંબંધોને સંજોગોના સંઘર્ષથી ઉપર મહત્વ આપો છો?
૬. માફી માંગવાની વાત આવે ત્યારે શું તમારો અહંકાર અવરોધક બને છે?

ઉપરોક્ત હૃદયસ્પર્શી સત્ય ઘટના અને આ પ્રશ્નોએ તમને અત્યાર સુધીમાં પ્રબુદ્ધ કરી દીધા હશે કે તમારી ભૂલ સ્વીકારવી અને માફી માગવી કેટલું અગત્યનું છે. ચાલો જોઈએ માફી માંગવાના ફાયદા, જે તમને વધુ સરળતા સાથે સોરી બોલવાની ટેવને પ્રેક્ટિસ કરવામાં સહાયક થશે.

* જ્યારે તમે સોરી કહો છો, ત્યારે તમે બીજી વ્યક્તિનું સન્માન અને ગૌરવ જાળવી રાખો છો. તમારી માફી તેમની પીડાને ક્ષમામાં ફેરવી નાખે છે.
* માફી વિશ્વાસને પુનઃસ્થાપિત કરે છે અને સંચાર માટે દરવાજા ખોલી નાખે છે. તમારું ભાવનાત્મક બંધન વધુ મજબૂત બની શકે છે.
* તમારી માફી તમારા પોતાના અપરાધને પણ ઓગાળી દેશે અને તમને નવેસરથી શરૂઆત કરવામાં મદદ કરશે.
*સોરી કહેવાથી તમને ખ્યાલ આવે છે કે હા, ક્યાંક હું ખોટો હતો.
* તમારી માફી અન્ય વ્યક્તિની નજરમાં તમારું સન્માન વધારશે.
* માફી તમારી આંતરિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે.

વાહ!! આટલા બધા ફાયદા! તો પછી સોરી કહેવું આટલું મુશ્કેલ કેમ લાગે છે?!? અમુક કારણો જે મને યાદ આવ્યાં, તે આ મુજબ છે:
* માફી માંગવી એ આપણા અહંકાર, આપણા ગૌરવ માટે ખતરો બની શકે છે.
* પરિણામની જવાબદારી કોઈ લેવા માંગતું નથી.
*ક્યારેક લોકોને લાગે છે કે માફી માગીને ભૂલને રેખાંકિત કરવા કરતાં અજ્ઞાનતા વધુ સારી છે.
* જો હું માફી માંગું તો સામે વાળી વ્યક્તિ મારી મજાક ઉડાવશે તો?
* "રહેવા દો, સમય સાથે ઘા રૂઝાઈ જશે." ના, એવું નહીં થાય. ઘા કદાચ વધુ ઊંડો થઈ જશે.

હું કોઈ નિષ્ણાત નથી, બસ એક મા અને એક શિક્ષક છું. વર્ષોના અનુભવથી જે સમજમાં આવ્યું એ તમારી સાથે શેર કરી રહી છું. સાચા અર્થમાં, દિલથી માફી કેવી રીતે માંગવી તે અંગે અહીં અમુક ટીપ્સ આપી છે.
* તમારી ભૂલ સ્વીકારો.
* ઢોંગ ન કરો. જો તમે દિલગીર છો, તો નિષ્ઠાપૂર્વક, દિલથી માફી માંગો.
* રક્ષણાત્મક બની બહાના અને નબળા ખુલાસા ન આપો. સમજો, કે અગર ભૂલ થઈ છે તો તે માફી માંગે છે.
* યાદ રાખો કે તમે ભૂતકાળને સુધારી નથી શકતા, પરંતુ માફી માંગવાથી ભવિષ્ય જરૂર સુધરી જશે.
* તમારી પસંદગીનું માપતોલ કરો. શું વધુ મહત્વનું છે, તમારો અહંકાર કે તમારો સંબંધ?
*સોરી કહેવું હિંમતનું કામ છે, કાયરતાની નિશાની નથી.

આ બધું સમજ્યા પછી, હું એક વાત કહીશ: ક્ષમા માટે પૂછવું અને અન્યને માફ કરવું એ સમાન માપદંડમાં નોંધપાત્ર છે. બંને આપણા નજીકના અને પ્રિયજનો સાથે શાંતિ અને સંવાદિતા માટે મહત્વપૂર્ણ છે, અને બંને આપણી આંતરિક શાંતિ અને સંતુલન માટે પણ એટલું જ જરૂરી છે.

"ભૂલ હંમેશા ક્ષમાપાત્ર હોય છે જો વ્યક્તિમાં તેને સ્વીકારવાની હિંમત હોય તો." ~ બ્રુસ લી

શમીમ મર્ચન્ટ, મુંબઈ
___________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=