Narad Puran - Part 23 books and stories free download online pdf in Gujarati

નારદ પુરાણ - ભાગ 23

સનકે કહ્યું, “યમ અને નિયમો દ્વારા બુદ્ધિ સ્થિર કરીને જિતેન્દ્રિય પુરુષે યોગસાધનાને અનુકુળ ઉત્તમ આસનોનો વિધિપૂર્વક અભ્યાસ કરવો.

        પદ્માસન, સ્વાસ્તિકાસન, પીઠાસન, સિંહાસન, કુકકુટાસન, કુંજરાસન, કૂર્માસન, વજ્રાસન, વારાહાસન, મૃગાસન, ચૈલિકાસન, ક્રૌંચાસન, નાલિકાસન, સર્વતોભદ્રાસન, વૃષભાસન, નાગાસન, મત્સ્યાસન, વ્યાઘ્રાસન, અર્ધચંદ્રાસન, દંડવાતાસન, શૈલાસન, ખડ્ગાસન, મુદ્ગરાસન, મકરાસન, ત્રિપથાસન, કાષ્ઠાસન, સ્થાણુ-આસન, વૈકર્ણિકાસન, ભૌમાસન અને વીરાસન- આ સર્વ યોગસાધનનાં હેતુ છે. મુનીશ્વરોએ આ ત્રીસ આસનો કહ્યાં છે. સાધક પુરુષે શીત-ઉષ્ણ આદિ દ્વંદોથી પૃથક થઈને ઈર્ષ્યા-દ્વેષ આદિનો ત્યાગ કરી ગુરુદેવનાં ચરણોમાં ભક્તિ રાખી ઉપર કહેલાં આસનોમાંથી ગમે તે એક સિદ્ધ કરીને પ્રાણોને જીતવાનો અભ્યાસ કરવો.

        જ્યાં કોઈ પ્રકારનો ઘોંઘાટ ન થતો હોય એવા એકાંત સ્થાનમાં પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ દિશા ભણી મોઢું રાખીને અભ્યાસપૂર્વક પ્રાણાયામનો અભ્યાસ કરવો. હૃદયમાં રહેલા વાયુનું નામ પ્રાણ છે. તેના વિગ્રહ (વશ કરવાની ચેષ્ટા) ને આયામ કહેવામાં આવે છે, એને જ ‘પ્રાણાયામ’ કહ્યો છે. એના બે ભેદ છે : એક અગર્ભ પ્રાણાયામ અને બીજો સગર્ભ પ્રાણાયામ. આમાંનો બીજો શ્રેષ્ઠ છે. જપ અને ધ્યાનરહિત પ્રાણાયામ અગર્ભ છે અને જપ તથા ધ્યાન સહિત કરતો પ્રાણાયામ સગર્ભ કહેવાય છે.

        મનીષી પુરુષોએ આ બે ભેદવાળા પ્રાણાયામને રેચક, પૂરક, કુંભક અને શૂન્યક ભેદથી ચાર પ્રકારનો કહ્યો છે. જીવોની જમણી નાડીનું નામ ‘પિંગલા’ છે. તેનો દેવતા સૂર્ય છે. તેને પિતૃયોની પણ કહેવામાં આવે છે. એવી જ રીતે ડાબી નાડીનું નામ ‘ઈડા’ છે; એને દેવયોનિ પણ કહે છે. ચંદ્રમા તેનો અધિદેવતા છે. આ બંનેના મધ્યભાગમાં ‘સુષુમ્ણા’ નાડી છે. આ અત્યંત સૂક્ષ્મ અને પરમગુહ્ય છે. બ્રહ્મા તેના અધિદેવતા છે. ડાબા નસકોરામાંથી વાયુને બહાર કાઢવો. રેચન કરવાને લીધે તેનું નામ ‘રેચક’ છે. ફરીથી જમણા નસકોરાથી વાયુને પોતાના શરીરમાં પૂરવો. વાયુ પૂરવાને કારણે તેને ‘પૂરક’ કહ્યો છે. પોતાના દેહમાં ભરેલા વાયુને રોકી રાખવો, છોડવો નહીં, પણ ભરેલા કુંભની જેમ સ્થિરભાવથી બેસી રહેવું. કુંભની પેઠે સ્થિર રહેવાથી આ પ્રાણાયામનું નામ ‘કુંભક’ છે. બહારના વાયુને ન તો અંદર લેવો કે અંદરના વાયુને ન બહાર કાઢવો. આ પ્રકારના પ્રાણાયામને ‘શૂન્યક’ કહ્યો છે.

        મસ્ત ગજરાજને જેમ ધીરે ધીરે વશ કરવામાં આવે છે, તેવી રીતે પ્રાણને ધીરે ધીરે જીતવો જોઈએ. તેમ ન કરવાથી ભારે ને ભયંકર રોગો થાય છે. હે મુનીશ્વર, વિષયોમાં ફસાયેલી ઇન્દ્રિયોને સંકુચિત કરીને જે માણસ પોતામાં નિયંત્રિત કરીને રહે છે, તેના આ પ્રયત્નનું નામ ‘પ્રત્યાહાર’ છે.

        ઇન્દ્રિય સમુદાયને વશમાં કર્યા વિના જે માણસ ધ્યાનમાં તત્પર થાય છે, તેને મૂર્ખ જાણવો. મનુષ્ય જે જે વસ્તુને જુએ, તે તે વસ્તુને પોતાના આત્મામાં આત્મસ્વરૂપ જાણવી. પ્રત્યાહાર દ્વારા વશમાં આવેલી ઇન્દ્રિયોને પોતાના આત્મામાં ધારણ કરીને અંતર્મુખ કરવી. આ પ્રમાણે ઇન્દ્રિયોને આત્મામાં ધારણ કરવાની ક્રિયાને ‘ધારણા’ કહેવામાં આવે છે. પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોને જીતીને ધારણા દ્વારા ઇન્દ્રિયોને હૃદયમાં ધારણ કરીને સાધકે પરમાત્માનું ધ્યાન કરવું. બે ઘડી ધ્યાન કરીને પણ મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે, ધ્યાનથી પાપ નષ્ટ થાય છે. ધ્યાનથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મોક્ષ મળે છે.

        નિરંતર ધ્યાન કરવાથી ધ્યેય વસ્તુની સાથે પોતાનો અભેદભાવ સ્પષ્ટ અનુભવાય છે. જેની સર્વ ઇન્દ્રિયો વિષયોથી નિવૃત્ત થઇ જાય છે અને તે પરમાનંદથી પૂર્ણ થઈને વાયુરહિત સ્થાનમાં બળતા દીપકની જેમ અવિચળભાવથી ધ્યાનમાં સ્થિર થઇ જાય છે, ત્યારે તેની આ ધ્યેયકાર સ્થિતિને ‘સમાધિ’ કહેવામાં આવે છે. હે નારદ, યોગીપુરુષ સમાધિઅવસ્થામાં જોતો નથી, સાંભળતો નથી, સૂંઘતો નથી, સ્પર્શ કરતો નથી તેમ કંઈ બોલતો પણ નથી. તે અવસ્થામાં યોગીઓને સર્વ ઉપાધિઓથી મુક્ત, શુદ્ધ, નિર્મળ, સચ્ચિદાનંદસ્વરૂપ તથા અવિચળ આત્માનો સાક્ષાત્કાર થાય છે. યોગીઓ પોતાના હૃદયમાં જે અજન્મા, શુદ્ધ, વિકારરહિત, સનાતન પરમાત્માનું દર્શન કરે છે, તેનું જ નામ પરબ્રહ્મ છે.

        હે મુનિશ્રેષ્ઠ, હવે બીજું ધ્યાન કહું છું તે સાંભળો. પરમાત્માનું આ ધ્યાન સંસારના તાપથી સંતપ્ત મનુષ્યોને અમૃતની વર્ષા સમાન શાંતિ આપનારું છે. પરમાનંદસ્વરૂપ ભગવાન નારાયણ પ્રણવમાં રહેલા છે-એમ ચિંતન કરવું. તેઓ પ્રણવની અર્ધમાત્રાની ઉપર વિરાજમાન નાદસ્વરૂપ છે. અકાર બ્રહ્માનું રૂપ છે, ઉકાર વિષ્ણુનું સ્વરૂપ છે, મકાર રુદ્રરૂપ છે તથા અર્ધમાત્રા નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્માસ્વરૂપ છે. આ સર્વનો સમુચ્ચય જે ૐકાર છે, તે પરબ્રહ્મનો બોધ આપનારો છે. દરરોજ પ્રણવનો જપ કરનારો સર્વ પાતકોમાંથી મુક્ત થઇ જાય છે અને નિરંતર જેઓ તેના અભ્યાસમાં લાગેલા રહે છે, તેઓ પરમમોક્ષ પામે છે.

        જે પ્રણવમંત્રનો જપ કરે છે, તેણે પોતાના અંત:કરણમાં કરોડો સૂર્યના જેવા નિર્મળ તેજનું ધ્યાન કરવું જોઈએ અથવા પ્રણવના જપના સમયે ભગવાનની પ્રતિમાના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અથવા પાપનાશક તીર્થાદીક વસ્તુઓનું હૃદયમાં ચિંતન કરવું જોઈએ. આ વૈષ્ણવજ્ઞાન જાણ્યા પછી યોગીશ્વર પુરુષ ઉત્તમ મોક્ષ પ્રાપ્ત કરી લે છે.”

        નારદ બોલ્યા, “હે મહામુને, આપે યોગોના સર્વ અંગોનું વર્ણન કર્યું. આપે કહ્યું કે જેમનામાં ભક્તિ હોય તેમને જ યોગ સિદ્ધ થાય છે, તેમના ઉપર સર્વેશ્વર પ્રસન્ન થાય છે. હે સર્વજ્ઞ, સર્વના દેવ જનાર્દન જે રીતે સંતુષ્ટ થાય તે ઉપાય મને કહો.”

        સનક બોલ્યા, “હે નારદ, જો મુક્તિની ઈચ્છા હોય તો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન નારાયણનું એકચિત્તથી ભજન કરવું. ભગવાન વિષ્ણુને શરણે જનાર મનુષ્યને શત્રુઓ મારી શકતા નથી; ગ્રહો પીડા આપી શકતા નથી તેમ જ રાક્ષસો તેના તરફ આંખ ઉઠાવીને જોઈ શકતા નથી. ભગવાન જનાર્દનમાં દૃઢભક્તિ ધરાવનાર મનુષ્યની સર્વ શુભકામનાઓ સિદ્ધ થાય છે.  તેથી જ ભક્ત પુરુષ સર્વના કરતાં શ્રેષ્ઠ છે. જેમનામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે, તેમના પર જ શ્રીહરિ સંતુષ્ટ થાય છે.

        જે સર્વ પ્રત્યે દયાભાવ રાખે છે, ભગવાન અને ભક્તોની કથામાં પ્રેમ રાખે છે, પોતે ભગવાનની કથા કહે છે, મનમાં અહંકાર આણતો નથી, ભૂખ-તરસ તેમ જ આપત્તિ વખતે પણ ભગવાન વિષ્ણુના નામનું ઉચ્ચારણ કરે છે, તેમના ઉપર ભગવાન અધોક્ષજ પ્રસન્ન થાય છે. તમારે સદા શ્રીહરિનું ભજન કરવું. શરીર મૃત્યુ સાથે જોડાયેલું છે. જીવન અત્યંત ચંચળ છે. ધન વગેરે ઉપર રાજા તરફથી હંમેશાં ભય રહેતો હોય છે. હે દેવર્ષિ, શું તમે જોતા નથી? અડધું આયુષ્ય તો ઊંઘવામાં જ નષ્ટ થઇ જાય છે અને કેટલુંક ખાવાપીવામાં જ પૂરું થઇ જાય છે. આયુષ્યનો કેટલોક ભાગ બાળપણમાં, કેટલોક વિષયભોગોમાં અને કેટલોક ઘડપણમાં વહી જાય છે, તો પછી તમે ધર્મનું આચરણ ક્યારે કરશો? બાળપણમાં અને ઘડપણમાં ભગવાનની આરાધના થઇ શકતી નથી, તેથી અહંકારનો ત્યાગ કરીને યુવાવસ્થામાં જ ધર્મનું આચરણ કરવું જોઈએ.

        આ જીવન ક્ષણભંગુર છે તો પછી મનુષ્યો એને સદાકાળ સ્થાયી માનીને વ્યર્થ પાપ શા માટે કરે છે? તેથી દેહબંધનની નિવૃત્તિ માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. હે સત્તમ, જીવોને કરોડો વર્ષ સુધી સ્થાવર આદિ યોનિઓમાં ભટક્યા બાદ તેમને ક્યારેક કોઈ રીતે મનુષ્યશરીર મારે છે. મનુષ્યજન્મમાં પણ દેવારાધનની બુદ્ધિ, દાનની બુદ્ધિ અને યોગસાધનની બુદ્ધિ પ્રાપ્ત થવી એ મનુષ્યોના પૂર્વજન્મની તપશ્ચર્યાનું ફળ છે. ધ્યાન, સ્મરણ, પૂજન અથવા પ્રણામ માત્ર કરવાથી ભગવાન જનાર્દન જીવના સંસારબંધનને કાપી નાખે છે.

        હે નારદ, હાથ ઊંચો કરીને આ સત્ય વારંવાર કહેવામાં આવે છે કે પાખંડપૂર્ણ આચરણનો ત્યાગ કરીને માણસે ભગવાન વાસુદેવની આરાધનામાં લાગી જવું. ક્રોધ માનસિક સંતાપનું કારણ છે તેથી ક્રોધનો ત્યાગ કરવો. કામ આ જન્મનું મૂળ દુષણ છે, કામ પાપ કરાવનાર છે અને યશનો નાશ કરનાર છે તેથી તેનો ત્યાગ કરવો. માત્સર્યને સમસ્ત દુઃખસમુદાયનું કારણ માનવામાં આવે છે, તેથી તેનોય ત્યાગ કરવો.

        દૈવી અને આસુરી સૃષ્ટિના ભેદથી સૃષ્ટિ બે પ્રકારની કહી છે. જ્યાં ભગવાનની ભક્તિ અને સદાચાર છે, તે દૈવી સૃષ્ટિ છે અને જે સૃષ્ટિ ભક્તિ અને સદાચારથી હીન છે, તે આસુરી સૃષ્ટિ છે.

        જેઓ મંદિરને વાળવું-ઝાડવું વગેરે કાર્ય કરી વિષ્ણુની સેવામાં પરાયણ રહે છે અને સત્પાત્રોને દાન આપતા રહે છે, તેઓ પરમપદને પામે છે.”

 

ક્રમશ: