Artificial Intelligence - 6 in Gujarati Motivational Stories by Ramesh Desai books and stories PDF | આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 6

Featured Books
Categories
Share

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 6

                       :  પ્રકરણ - 6 :

          માંકવાથી પાછા ફર્યા બાદ મારા બધા જ ઘા રૂઝાઇ ગયા હતાં..બદલાયેલા વાતાવરણને કારણે હું મારી જાતને સલામત, સ્વસ્થ અનુભવી રહ્યો હતો. વેકેશન પણ પૂરું થઈ ગયું હતું.

          હું સ્કૂલે જવા લાગ્યો હતો.. પરંતુ અતીતની યાદો મારો પીછો છોડતી નહોતી . હર પળ, હર ક્ષણ અનન્યા સાથે વીતેલી, તેણે કહેલી વાતો મારા કાનોમા દસ્તક દઇ રહી હતી. તેની આ વાત મને વીંછીની માફક ડસી રહી હતી..

          " I am not your lover!, "

          હું દુનિયાદારીથી બિલ્કુલ અજાણ હતો.. મારા પિતાજીએ મને કાંઈ શિખવાડ્યું નહોતું.. હું જે કાંઈ જાણતો, શીખતો થયો હતો તેમાં અનન્યાએ એક શિક્ષિકાની ભૂમિકા નિભાવી હતી. તે મારે માટે બધું જ હતી..મેં આ વાતનો તેની સમક્ષ સ્વીકાર પણ કર્યો હતો. ત્યારે તેનો ઇન્કાર કરતાં તેણે મને કહ્યું હતું.

         " હું ભલા તને શીખવાડનાર કોણ? હું જે કાંઈ જાણું છું, શીખી છું તેનો યશ દિવ્યેશને જાય છે. તે ખરેખર મારો ગુરુ છે. "

           પણ મારે મન દિવ્યેશની કોઈ ઈજ્જત રહી નહોતી. તેણે અનન્યા સાથે મેં જે કર્યું હતું તેનું પુનરાવર્તન કરીને પોતાની જાતને હલકી કોટિમાં રાખી દીધી હતી. મારા મનમાં તેના પ્રતિ ધિક્કારની લાગણી વછૂટી રહી હતી. તેના વર્તનથી અનન્યાએ પણ મેં પહેલી વાર તેના  પ્રત્યે નારાજ થતી નિહાળી હતી. આટલુ બધું થવા છતાં મેં તેનો કોઈ નેક ઈરાદો હોવાનો ખ્યાલ સેવ્યો હતો.

           એસ એસ સી નું વર્ષ મારે માટે ખૂબ જ મહત્વનું હતું. સત્રિય પરીક્ષા નજીક આવી રહી હતી..મેં તે સારી રીતે પાસ કરી હતી. ત્યાં સુધી બધું ઠીક ચાલતું હતું.  પછી એકાએક મારી તબિયત બગડી આવી હતી.. હું ટાઇફોઇડની બીમારીમાં પટકાઈ ગયો હતો. અને હું મહિના સુધી બિસ્તરનો મહેમાન બની ગયો હતો .

           તે દિવસોમાં અનન્યાની યાદો મારા દિલો દિમાગ પર આરુઢ થઈ ગઈ હતી. હું તેની આગોશમાં કેદ થઈ ગયો હતો..

           તે વખતે મારા દિમાગ પર આત્મહત્યાના વિચારો પોતાનું આસન જમાવીને બેઠા હતાં.

           હું આત્મહત્યા કરી રહ્યો છું. એ મતલબની ચિઠ્ઠી પણ મેં પિતાજીના નામે લખી નાખી હતી.

           ત્યારે અનન્યા એ મને ફિલ્મ ' સુજાતા ' ની વાર્તા કહી હતી તે યાદ આવી ગઈ હતી.

           તેણે મને ફિલ્મની પૂર્ણ વાર્તા કહી હતી.

           તે એક અછૂત કન્યા હતી. બધા લોકો તેને ધૂતકારતા હતાં, તેનાથી દૂર રહેતા હતાં. કોઈ જ તેને પસંદ કરતુ નહોતું.

           આ વાત તે બરદાસ્ત કરી શકતી નહોતી. તેની જીવવાની ઈચ્છા જ મરી પરવારી હતી.

       .   આ સ્થિતિમાં તે ધોધમાર વરસાદ વચ્ચે ઘરની બહાર નીકળી પડે છે. તેના દિમાગમાં આત્મહત્યાના વિચારો ઘોળાઈ રહ્યા હતાં.

          કોને માટે જીવવું? એ પ્રશ્ન તેને સતત સતાવી રહ્યો હતો.

           રસ્તામા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર તેની નજર પડે છે.

         તેની નીચે એક સંદેશો કોતરવામાં આવ્યો હતો.

         "મરે કૈસે આત્મ હત્યા કર કે કભી નહીં.. આવશ્યકતા હો તો જિંદા રહને કે લિયે મરે. "

          આ વાંચીને તેની આંખો સમક્ષ છવાયેલો અંધકાર હટી ગયો હતો. તેની આંખો ખુલી ગઈ હતી.. અને તેણે આત્મહત્યાના વિચારને દિલો દિમાગથી કાઢીને દૂર  ફગાવી દીધો હતો.

         આ વાત યાદ કરીને મને મારી જાત પર બહું ગુસ્સો આવ્યો હતો. મારી પાસે તો પિતાજી હતાં, મા હતી બહેન હતી મારે આત્મહત્યા કરવાની શી જરૂર હતી? જો મેં આવું પગલું ભર્યું હોત તો એ લોકોનુ શું થાત?

           મારા દિમાગમાં અનેક સવાલ ઊઠ્યા હતા.

           તેમણે મારી સાથે શું ખોટું કર્યું હતું? એક ને કારણે બીજાને સજા આપવાનો મને શું અધિકાર હતો? તેઓ બધા મારા પ્રત્યે અપાર લાગણી ધરાવતા હતાં..

           હું ઝેરની શીશી મોઢે સુધી લઈ પણ ગયો હતો.. આખરી ક્ષણે ભગવાને મને મોટા પાપમાંથી ઉગારી લીધો હતો. આ બદલ મેં તેનો અંતઃકરણ પૂર્વક પાડ માન્યો હતો.

        સ્કૂલના થોડા જ દિવસો બચ્યા હતાં.

         માધ્યમિક શિક્ષણનો દોર પૂરો થવાને માંડ એક મહિનો બચ્યો હતો. તે વખતે મને એક મિત્રની બહેન પ્રત્યે આકર્ષણ જાગ્યુ હતું. તેની હેર સ્ટાઇલ અભિનેત્રી સાધના જેવી હતી. રંગે રૂપે પણ માનો તેની હમશકલ હતી. તેની સગાઈ થઈ ગઈ હતી. હું તેની સાથે વાત પણ કરી શક્યો નહોતો. ખાલી તેને જોઈને સંતોષ માનવાની કોશિશ કરી હતી.

        વિદાય સમારોહ માં તેણે બીજાની જેમ મને પણ નાસ્તાની ડિશ આપી હતી.. મારા ખાતામાં બસ આટલી જ વાત જમા હતી.              તે દિવસોમાં મેં એક ફિલ્મ જોઈ હતી..' મેરે મહેબૂબ ' તેની હિરોઈન સાધના હતી.. મને તેમાં એ દોસ્તની બહેનની છબી દેખાઈ હતી.                 મેઁ આ વાત મારા પરમ મિત્ર કહેવાતા શ્યામ ને કહી હતી. પ્રેમ તેનો વિષય નહોતો..

        તેણે મારી વાતને ફિલ્મો જોવાની આદત જોડે સાંકળી લીધી હતી અને મને જવાબદાર લેખ્યો હતો.અને મને ફિલ્મ જોવાની મના ફરમાવી હતી. તેને બ્રહ્મ વાક્ય માની મેં ફિલ્મ જોવાનું બંધ કરી દીધું હતું.

         પણ લાંબો વખત હું મારી જાતને ફિલ્મ જોયા વગર રોકી શક્યો નહોતો.. ત્રણ મહિના બાદ મેં ફિલ્મો જોવાનું શરૂ કરી દીધું હતું.

        શ્યામ અમારા ક્લાસનો હોશિયાર છોકરો હતો.. પણ તેનો બીજો નંબર હતો. પહેલે નંબરે એક અન્ય છોકરો હતો જેને કોઈ શારીરિક ખોડ હતી. તેને જોઈને શ્યામને બહું જલન થતી હતી.. તેણે પહેલો નંબર મેળવવા માટે ખૂબ ઉધામા કર્યા હતાં.

        બીજી તરફ તેના કાકા કાકીને શ્યામનું ભણતર ખૂંચતું હતું. તેને આગળ વધતો રોકવા માટે તેમણે ગંદા રાજ કારણનો આશરો લઈ તેની ઝળહળતી કારકિર્દીનો ભોગ લીધો હતો. આ સ્થિતિમાં તેનો દોસ્તો પ્રત્યેનો વિશ્વાસ પણ ડગમગી ગયો હતો.

         તેની માનસિક હાલત બહું જ ખરાબ થઈ ગઈ હતી.. તેના વર્તને બધા જ દોસ્તોને ખોઈ બેસવાનો વારો આવ્યો હતો. તેને શકની ચેપી બીમારી લાગુ પડી ગઈ હતી. આ સ્થિતિમાં તે ઘરમાં બહું ધાંધલ કરતો હતો.. ગુસ્સામાં આવીને માત પિતા પર પણ હાથ ઉપાડતો હતો.

         મેં તેને કપરીથી કપરી પરિસ્થિતિમાં સાચવ્યો હતો. તેને બહાર કાઢવા ખૂબ જ મથામણ કરી હતી. તેની સાથે ને સાથે રહ્યો હતો. છતાં તેણે મારી વફાદારી પર શક કર્યો હતો.. અને મારે તેને ના છૂટકે  પડતો મુક્વો પડ્યો હતો. છતાં તે મારા ઓફિસના સરનામાં ગોતી મને સઘળે મળવા દોડી આવતો હતો.

        મારા લગ્ન પછી પણ તેની આદત બદલાઈ નહોતી.. આ વાત હું કેમેય સાંખી શક્તો નહોતો. મેં તેને મોઢા પર કહી દીધું હતું :

        " જ્યાં સુધી તને મારી નિર્દોષતા ના સમજાય ત્યાં સુધી તારું મોઢું નહીં બતાવતો. "

         મેં કદી સપનામાં પણ તેનું બૂરું ચાહ્યું નહોતું. છતાં તેણે મારી વફાદારીને લલકારી હતી.

         હું અમારી હર પેઢીમાં પહેલો છોકરો હતો જે એસ એસ સી માં પાસ થયો હતો. તે બદલ મારા માતા પિતા બેહદ ખુશ થયા હતાં. પિતાજીએ મને રિસ્ટ વોચ ભેટ આપી હતી.

          એટલું જ નહીં પણ મારું કોલેજમાં આસાનીથી એડમિશન પણ થઈ ગયું હતું. જેને માટે મારી સગી મા ના મમેરા ભાઈએ અહમ ભૂમિકા નિભાવી હતી.

         તે વ્યકિતને મેં વર્ષો બાદ એસ એસ સી ની પરીક્ષામાં સુપરવાઇઝર તરીકે નિહાળી હતી .

          અને મેં પિતાજી ને આ વાત કરી હતી.. ત્યારે તેમણે મને માહિતી આપી હતી.

          " બેટા આ તો તારી માના સગા મામા નો છોકરો છે. "

          તેમને મળીને મને ઘણો આનંદ થયો હતો.

          તેમને કારણે મારું એડમિશન નિર્વિઘ્ન પતી ગયું હતું.

          અને હું કોલેજ માં જવા લાગ્યો હતો

          મારે માટે આ બિલ્કુલ નવું વાતાવરણ હતું. અહીં છોકરા છોકરી સાથે બેસીને ભણતા હતાં.

                    0000000000  

           મારી બાજુના બિલ્ડિંગ માં મનિષ નામનો છોકરો રહેતો હતો. તેણે પણ મારી કોલેજમાં એડમિશન લીધું હતું. તે મારા જ ક્લાસમાં હતો.. અમારી નજીવી ઓળખાણ ધીરે ધીરે ગાઢ દોસ્તીમાં પલોટાઇ ગઈ હતી.

          તેની સાથે ચાર પાંચ મિત્રો અમારા ગ્રુપમાં શામેલ થઈ ગયા હતાં.

          અમારી અંગ્રેજી ની પ્રોફેસર અંજના તવકકલી બહું જ સુંદર હતી.. તે એક ફિલ્મી પરિવાર સાથે સંમિલિત હતી. તેના પતિ નું નામ મોતી સાગર હતું. જેમણે  ' છોટી છોટી બાતે ' સહિત બે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના કાકા મોતી લાલ પણ ફિલ્મ ઉદ્યોગના સફળ ચરિત્ર અભિનેતા હતાં.

          તેમની દીકરી પ્રીતિ સાગરે પણ પ્લે બેક સિંગર તરીકે ફિલ્મ ' જુલી ' માં એક અંગ્રેજી ગીત ગાયું હતું.

                    00000000000  ( ક્રમશ :)