Time Tiffin books and stories free download online pdf in Gujarati

ટાઇમ ટિફિન

પંદર વર્ષ પહેલાંની એ સવાર સુરતના એ જૂના મોહલ્લામાં સામાન્ય સવારો જેવી નહોતી. લીમડાના ઘેઘૂર ઝાડ નીચે આવેલા નળિયાંવાળા મકાનમાં ભાઈબીજનો તહેવાર જાણે સોનાના વરખ જેવો ચમકી રહ્યો હતો. ઓટલા પર ગેરુની લીંપણવાળી જમીન પર ચૂનાના પાવડરથી ઝીણી ઝીણી સાથિયાની ભાત પાડેલી હતી. બારસાખ ઉપર આસોપાલવ અને ગલગોટાના કેસરી-પીળા ફૂલોનું તોરણ ધીમા પવનમાં ઝૂલતું હતું. રસોડાની બારીમાંથી ઘીમાં શેકાતી પુરણપોળીની સુગંધ, સાથે વણેલી ચણાના લોટની કઢીની વઘારેલી રાઈ-મેથીની સોડમ આખી ગલીમાં મહેકી ઊઠી હતી. આ ઘરમાં ભાઈબીજ એટલે માત્ર કેલેન્ડરની એક તારીખ નહોતી, પણ આખા વર્ષની મીઠી ક્ષણોનો સરવાળો હતો.
સવિતાબેન સવારના ચાર વાગ્યાથી ઊઠીને રસોડામાં આંટાફેરા કરી રહ્યાં હતાં. પિત્તળની તપેલીઓ, કાંસાની કટોરીઓ અને ચાંદીની એ જૂની થાળી—જે સવિતાબેનને તેમના દાદી સાસુ પાસેથી વારસામાં મળી હતી—તે બધું માંજીને કાચ જેવું ચોખ્ખું કરી રાખ્યું હતું. તેમની એક અતૂટ માન્યતા હતી: ભાઈબીજે કાંસાની વાટકીમાં પીરસેલી ગરમ ઘી-ગોળની પુરણપોળી અને વચ્ચે મૂકેલા માટીના કોડિયાનો ઘીનો દીવો જો અખંડ રહે, તો ભાઈ-બહેનના સ્નેહને ક્યારેય કોઈનું ગ્રહણ ન લાગે. પણ એ સવારે વાતાવરણમાં એક વિચિત્ર તાણ હતી, જે કઢીના ઉકળતા વઘાર કરતાં પણ વધુ તીવ્ર હતી.
     ઘરના આગલા ઓરડામાં, જૂના ખાટલાના બે સામસામે ખૂણે તેર વર્ષનો ધ્રુવ અને દસ વર્ષની યમી મોં ફુલાવીને બેઠાં હતાં. બંને વચ્ચેનું અંતર માંડ પાંચ ડગલાંનું હતું, પણ તેમની વચ્ચે પથરાયેલું મૌન હિમાલય જેટલું ઊંચું અને બરફીલું હતું. ઝઘડો ગઈકાલ સાંજનો હતો, પણ તેનો ધુમાડો હજી આખા ઘરની હવાને ગૂંગળાવી રહ્યો હતો. મોહલ્લાના મેદાનમાં સંધ્યાકાળે ક્રિકેટ રમતી વખતે યમીએ ધ્રુવના બોલ પર જોરદાર ફટકો મારવાની લાલચમાં ધ્રુવનું પ્રિય કશ્મીરી વિલો બેટ જમીન પર પટક્યું હતું. પપ્પાએ છેલ્લા જન્મદિવસે મુંબઈથી સ્પેશિયલ મંગાવેલું એ બેટ વચ્ચેથી બે ફાડિયાં થઈ ગયું હતું. ધ્રુવ માટે એ માત્ર લાકડું નહોતું, એનું આખું બાળપણ, એનો ગર્વ અને મેદાન પરની એની બાદશાહી હતી.
સવિતાબેને રસોડામાંથી બહાર આવીને બેઉની સામે હાથ જોડ્યા. "મારા બાપ, આજે તો ભાઈબીજ છે. આંગણેથી કાગડોય ભૂખ્યો ન જાય. બેય જણા મોં ધોઈને પાટલે બેસી જાવ. હું થાળી પીરસું છું. સાંજે પપ્પા આવશે એટલે નવું બેટ લઈ આવીશું."
     "મારે નવું બેટ નથી જોઈતું!" ધ્રુવની આંખોમાંથી અંગારા ઝરતા હતા. તેર વર્ષની ઉંમરનો અહંકાર કાચો પણ બહુ ધારદાર હોય છે. એણે યમી સામે આંગળી ચીંધી, જે રડમસ ચહેરે પોતાના ફ્રોકના છેડાથી આંગળીઓ મચકોડી રહી હતી. "આણે જાણીજોઈને મારું બેટ તોડ્યું છે. એને ખબર હતી કે કાલે મારી ફાઈનલ મેચ છે!"
     "મેં જાણીજોઈને નથી તોડ્યું, ભાઈ..." યમીનો અવાજ રુદનથી ધ્રૂજી રહ્યો હતો. "હું તો ખાલી શોટ મારતી હતી... તું કહે તો હું મારા ગલ્લાના બધા રૂપિયા તને આપી દઉં. આપણે બીજું લાવી દઈશું."
     "તારો ગલ્લો તારી પાસે રાખ!" ધ્રુવનો અવાજ ફાટી ગયો. "મારે તારી સાથે બેસવુંય નથી ને તારા હાથનું કશું ખાવુંય નથી. તું મારી બહેન જ નથી!"
     એ વાક્ય—"તું મારી બહેન જ નથી"—એ માત્ર શબ્દો નહોતા. એ જાણે ઓરડાની જૂની ચૂનાવાળી દીવાલોમાં તિરાડ પાડી દેતો લોખંડનો ઘણ હતો. યમીના ગાલ પરથી દળદળ આંસુ વહી નીકળ્યાં. એણે કશું બોલ્યા વિના નીચું જોઈ લીધું. સવિતાબેનના હાથમાંથી કંકુની વાટકી સરકી પડી અને લાલ ચટક કંકુ ઓસરીના લીંપણ પર વેરણછેરણ થઈ ગયું.
     ધ્રુવે એક ક્ષણ પણ વિચાર્યા વિના પગમાં ચંપલ ભેરવ્યાં અને બારણું એટલા જોરથી પછાડ્યું કે ઉપર લટકાવેલું આસોપાલવનું તોરણ પણ ધ્રૂજી ઊઠ્યું. યમી બારીના સળિયા પકડીને ઊભી રહી. ગલીના ધૂળિયા વળાંક પર જ્યાં સુધી ધ્રુવની ધૂંધળી પીઠ દેખાતી રહી, ત્યાં સુધી એ આંખો પલકાર્યા વિના જોતી રહી. ધ્રુવ વળ્યો નહીં. સવિતાબેને કોઈ શબ્દ બોલ્યા વિના ચાંદીની થાળી પર કાંસાનું ઢાંકણ ઢાંકી દીધું. ઓસરીમાં મૂકેલો માટીનો દીવો તેલ ખૂટી જવાથી ધીમે ધીમે ધુમાડો છોડીને હોલવાઈ ગયો. એ દિવસે એ ઘરમાં ચૂલો ફરી ન સળગ્યો. કોઈએ અનાજનો એક દાણો પણ મોંમાં ન મૂક્યો. એક અધૂરી થાળી અને એક વણબોલાયેલો પસ્તાવો એ ઘરના ખૂણામાં કાયમ માટે જડાઈ ગયા.
પંદર વર્ષ વીતી ગયાં. સમયની રેતી એટલી ઝડપથી સરકી ગઈ કે સુરત શહેરના જૂના નળિયાંવાળા મકાનો તૂટીને બાર માળના સિમેન્ટ-કોંક્રિટના ટાવરો બની ગયા. તાપી નદી પર નવા પુલ બંધાઈ ગયા અને ગલીઓના ધૂળિયા રસ્તા ડામર નીચે દબાઈ ગયા. એ જ રીતે ધ્રુવ અને યમી વચ્ચેનો પેલો સાંજનો ઝઘડો પણ સમયની ધૂળ નીચે દબાતો ગયો, પણ ક્યારેય સાફ ન થયો.

      અડાજણના એક પોશ એપાર્ટમેન્ટના નવમા માળે આવેલા ફ્લેટમાં સવારના સાડા નવ વાગ્યે પણ કાળો સન્નાટો છવાયેલો હતો. બારીઓ પર ભારે પડદા ખેંચેલા હતા, જેથી સુરજનો કોઈ તડકો અંદર ન પ્રવેશી શકે. રૂમના ફ્લોર પર કાગળો, વાયરો, અડધી પીધેલી બ્લેક કોફીના મગ અને ટેબલ પર ત્રણ-ત્રણ મોનિટર ચાલુ હાલતમાં ઝબૂકતા હતા. અઠ્યાવીસ વર્ષનો ધ્રુવ પટેલ પોતાના ગાદલામાં અડધો લપેટાયેલો પડ્યો હતો. તે હવે સુરતના સ્ટાર્ટઅપ વર્લ્ડનો એક જાણીતો ચહેરો હતો. તેણે "ઝટપટ" નામની એક લોજિસ્ટિક્સ અને હાઇપર-લોકલ ડિલિવરી એપ શરૂ કરી હતી. કંપનીનું નામ ઝટપટ હતું, તેનું કામ સેકન્ડોમાં વસ્તુઓ પહોંચાડવાનું હતું, પણ ધ્રુવના અંગત જીવનમાં બધું જ વર્ષો પાછળ ચાલી રહ્યું હતું. તે કામનો ગુલામ બની ચૂક્યો હતો. ઇન્વેસ્ટર્સ, પિચ ડેક્સ, સર્વર ડાઉનટાઇમ અને પ્રોફિટ માર્જિન સિવાય તેની દુનિયામાં કોઈ લાગણીને સ્થાન નહોતું.
સાઈડ ટેબલ પર પડેલો તેનો મોંઘો આઈફોન સતત વાઇબ્રેટ થઈ રહ્યો હતો. સ્ક્રીન પર ચમકતું નામ હતું: "યમી 🐒".
ધ્રુવે આંખો ચોળતાં, ઊંઘ ભરેલા અવાજે ફોન કાન પર મૂક્યો. "યાર યમી, સવાર સવારમાં શું છે? રાત્રે ત્રણ વાગ્યે તો હું સૂતો છું."

     "ગુડ મોર્નિંગ, મિસ્ટર સીઈઓ!" સામેથી યમીનો અવાજ આવ્યો. એ અવાજમાં એક વિચિત્ર ધ્રુજારી હતી, જેમાં બાળપણની જીદ અને વર્ષોની ઉપેક્ષા બંને ભળેલાં હતાં. "સૂરજ ક્યારનોય માથે આવી ગયો છે. કેલેન્ડર જોવાની તસ્દી લીધી છે આજે?"

      "સોમવાર છે, મને ખબર છે. આજે મારે બેંગ્લોરના વેન્ચર કેપિટલિસ્ટ સાથે અગિયાર વાગ્યે ઝૂમ કૉલ છે."
     "આજે ભાઈબીજ છે, ધ્રુવ!" યમીનો અવાજ થોડો ઊંચો થયો, એટલો કે ધ્રુવે ફોન કાનથી બે ઇંચ દૂર કરવો પડ્યો. 
     "પંદર વર્ષ થયાં. દર વર્ષે તારી કોઈ ને કોઈ મીટિંગ હોય છે. ગયા વર્ષે તું કહેતો હતો કે સર્વર ક્રેશ થઈ ગયું છે. એની પહેલાં તારી ફ્લાઇટ કેન્સલ થઈ હતી. એની પહેલાં કોઈ ક્લાયન્ટ બીમાર પડ્યો હતો. આ વર્ષે તો જૂના ઘરે આવ! મેં સવારથી પુરણપોળી બનાવી છે. મમ્મી જેવી બનાવતી હતી ને, બિલકુલ એવી જ. ઊંધિયું બનાવ્યું છે, અને તારી ફેવરિટ ખાટી-મીઠી કઢી."
     ધ્રુવ પલંગમાંથી ઊભો થયો, માથું ખંજવાળ્યું અને કાચની બારી તરફ ચાલ્યો. "યમી, તું સમજતી કેમ નથી? આ બિઝનેસ છે. જો હું આજે એમને સમય નહીં આપું તો કરોડોનું ફંડિંગ જતું રહેશે. હું તને સાંજે પૈસા ગૂગલ-પે કરી દઈશ, તારે જે સાડી કે ગિફ્ટ લેવી હોય એ લઈ લેજે. પ્લીઝ, અત્યારે મને હેરાન ન કર."સામે છેડે સન્નાટો છવાઈ ગયો. એટલો ઊંડો સન્નાટો કે ધ્રુવને લાગ્યું કૉલ કપાઈ ગયો છે. તેણે સ્ક્રીન જોઈ, કૉલ ચાલુ હતો. લગભગ ત્રીસ સેકન્ડ પછી યમીનો અવાજ આવ્યો. આ વખતે એ અવાજમાં ગુસ્સો નહોતો, એક અકળ, ઊંડો થાક હતો.
     "ધ્રુવ, તને ખરેખર લાગે છે કે મને તારા કાગળના ટુકડા જેવા રૂપિયા જોઈએ છે? ભલે, તારે ન આવવું હોય તો કંઈ નહીં. પણ હું તારા માટે ટિફિન મોકલું છું. અને હા, યાદ રાખજે, આ ટિફિન તારા આખા જીવનનો સૌથી મહત્વનો ડબ્બો સાબિત થશે. જમતાં પહેલાં અંદર મૂકેલી સૂચના ધ્યાનથી વાંચજે. ભૂલ ન કરતો."
     "હા ભાઈ હા, પુરણપોળી ખાવામાં વળી કઈ પીએચડી કરવાની હોય!" ધ્રુવ હસી પડ્યો. પણ એ હાસ્ય પૂરું થાય તે પહેલાં યમીએ સામેથી ફોન કાપી નાખ્યો હતો.
ધ્રુવે ફોનને પલંગ પર ફેંક્યો. છાતીમાં ક્યાંક ઊંડે એક જૂનો કાંટો ભોંકાયો હોય એવો આભાસ થયો. તેણે ખભા ઉલાળ્યા. દર વર્ષે આ જ નાટક થતું હતું. બહેનો તો આવી જ હોય, બે દિવસ નારાજ રહેશે પછી માની જશે. તેણે બાથરૂમ તરફ પગ ઉપાડ્યા.
     બરાબર બપોરે બાર વાગ્યે ફ્લેટની ડોરબેલ વાગી. ધ્રુવ ટી-શર્ટ પહેરતાં પહેરતાં દરવાજે ગયો. દરવાજો ખોલતાં જ સામેનું દૃશ્ય જોઈને તે ક્ષણભર માટે અટકી ગયો.
સામે એક વૃદ્ધ કાકા ઊભા હતા. શરીર પર ખાદીની સફેદ ધોતી, માથે જૂની ગાંધી ટોપી, આંખો પર જાડા ગોળ કાચવાળા ચશ્માં અને કાંડા પર એક વિચિત્ર, પિત્તળની મોટી ડાયલવાળી ઘડિયાળ, જેના કાંટા સામાન્ય ઘડિયાળ કરતાં સાવ અલગ ગતિએ ફરી રહ્યા હતા. તેમના હાથમાં ચમકતો, ત્રણ માળનો સ્ટેનલેસ સ્ટીલનો ડબ્બો હતો. એ સુરતના જાણીતા 'ટિફિન કાકા' હતા. આખા શહેરમાં વાતો ચાલતી કે કાકાનું ટિફિન ક્યારેય ટ્રાફિકમાં અટવાતું નથી, અને તેઓ ક્યારેય ઘડિયાળ જોઈને ડિલિવરી નથી કરતા. લોકો કહેતા કે કાકાનો ડબ્બો ત્યારે જ પહોંચે છે જ્યારે માણસને અન્નની નહીં, પણ કોઈ અદૃશ્ય જરૂરિયાતની ભૂખ હોય.
કાકાએ ધ્રુવ સામે એવી રીતે જોયું જાણે કોઈ જૂના ગુનેગારને પકડી પાડ્યો હોય. "તમે તો હજી અહીં જ છો? મને લાગ્યું કે તમે ગઈકાલે જ આ ડબ્બો જમી ગયા હતા."
     ધ્રુવ અકળાયો. "કાકા, તમે શું બકો છો? હું પહેલી વાર તમારી સર્વિસ વાપરી રહ્યો છું. મારી બહેને મોકલ્યો છે આ ડબ્બો."
     "હશે ભાઈ, હશે," કાકાએ માથું હલાવ્યું. "આજકાલ આ શહેરના રસ્તાઓ કરતાં માણસોના સમય બહુ વાંકાચૂંકા થઈ ગયા છે. લ્યો, પકડો તમારો ડબ્બો અને અહીં સહી કરો." કાકાએ પોતાના ખિસ્સામાંથી પીળા પડી ગયેલા કાગળની એક નાની પાવતી કાઢી.ધ્રુવે પેનથી સહી કરવા હાથ લંબાવ્યો ત્યારે તેની નજર પાવતી પર પડી. ડિલિવરી એડ્રેસ નીચે પેન્સિલથી કશીક વિચિત્ર નોંધ લખેલી હતી: "કટોકટીના સમયે: જૂનું ઘર, ભોંયરું, પાછલી બારી."
     "આ શું લખ્યું છે તમે?" ધ્રુવે પૂછ્યું.
     "મેં નથી લખ્યું, દીકરા. જેણે મોકલ્યું છે એણે લખાવ્યું છે," કાકાએ પાવતી પાછી ખેંચી લીધી. "બિલ પછી લઈશ. કાલે... અથવા ગઈકાલે." આટલું કહીને કાકા લિફ્ટ તરફ જવાને બદલે દાદર તરફ વળ્યા અને ક્ષણવારમાં તો જાણે પગથિયાં પરથી ગાયબ થઈ ગયા. ધ્રુવે માથું ધુણાવ્યું. સુરતમાં આવા વિચિત્ર માણસોની ખોટ નહોતી. તે ડબ્બો લઈને ડાઇનિંગ ટેબલ પર આવ્યો. ડબ્બો ખોલતાં જ અંદરથી એવી સુગંધ ઊઠી કે ધ્રુવની ભૂખ અચાનક સો ગણી વધી ગઈ. પહેલા માળમાં નરમ, ઘીથી લથબથ પુરણપોળી હતી. બીજા માળમાં સુરતી ઊંધિયું—જેમાં પાપડી, કંદ અને રીંગણનો અસલ મસાલો હતો. ત્રીજા માળમાં ગરમ કઢી.
પણ જેવો તેણે કઢીનો ડબ્બો બહાર કાઢ્યો, ડબ્બાના સૌથી નીચેના પોલાણમાં તેને કંઈક અવાજ સંભળાયો. તેણે અંદર હાથ નાખ્યો. તળિયેથી એક ગોળ, ભારે ઉપકરણ બહાર આવ્યું. એ કાંડા ઘડિયાળ જેવું હતું, પણ તેના પર કોઈ આંકડા નહોતા. માત્ર તાંબાના ઝીણા ચક્રો હતા અને કાંટા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે એન્ટી-ક્લોકવાઇઝ ફરી રહ્યા હતા. તેની વચ્ચે એક લાલ રંગનું નાનું સ્વીચ-બટન હતું. ઉપકરણ સાથે સેલોટેપથી એક નાની કાગળની ચિઠ્ઠી ચોંટાડેલી હતી. અક્ષરો યમીના હતા:
     "જમતાં પહેલાં વચ્ચેનું લાલ બટન દબાવજે. ભૂલથી પણ બટન દબાવ્યા વિના મોંમાં કોળિયો ન મૂકતો, નહીં તો પસ્તાવાનોય સમય નહીં મળે. – તારી યમી."
      ધ્રુવ મોટેથી હસી પડ્યો. "ઓહ ગોડ! યમી હજી પણ એની એ જ રહી. આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ કર્યું એટલે હવે ટિફિનમાં પણ રમકડાં મોકલવા માંડી!" ધ્રુવને લાગ્યું કે આ તેની બહેનની કોઈ નવી પ્રેન્ક છે. નાનપણમાં પણ તે ધ્રુવના સ્કૂલ બેગમાં પ્લાસ્ટિકના વંદા અને રબરના સાપ મૂકીને તેને ડરાવતી હતી.
     તેણે એ ઉપકરણને એક બાજુ ટેબલ પર ફેંકી દીધું. ભૂખ એટલી જોરદાર લાગી હતી કે તેણે બટન દબાવવાની કોઈ પરવા ન કરી. તેણે ગરમ પુરણપોળીનો એક મોટો ટુકડો તોડ્યો, ઘીમાં બોળ્યો અને મોંમાં મૂક્યો.
સ્વાદ અદ્ભુત હતો. એ સ્વાદ જીભ પર અડતાં જ ધ્રુવની આંખો મીંચાઈ ગઈ. એ માત્ર ગોળ અને ઘી નહોતું; એ બાળપણ હતું, એ મમ્મીના હાથની મમતા હતી, એ લીમડાવાળા ઘરની ઓસરી હતી. પણ એ સુખ માત્ર બે સેકન્ડ ટક્યું.
અચાનક ધ્રુવના કાનમાં સીટી વાગવા જેવો તીણો અવાજ સંભળાયો. રૂમની હવા ભારે થઈ ગઈ. ટેબલ પર પડેલું પાણીનું ગ્લાસ ધ્રૂજવા લાગ્યું. ધ્રુવે આંખો ખોલી તો આખો રૂમ ગોળ-ગોળ ઘૂમી રહ્યો હતો. દિવાલો ખેંચાઈ રહી હતી, રંગો ઓગળી રહ્યા હતા. તેને લાગ્યું કે ધરતીકંપ આવ્યો છે. તે ખુરશી પકડવા ગયો પણ તેના હાથ હવામાં જ થીજી ગયા. શ્વાસ રુંધાવા લાગ્યો અને આંખો સામે ઘોર અંધારું છવાઈ ગયું.
જ્યારે ધ્રુવની આંખ ખૂલી, ત્યારે બધું શાંત હતું. તે હજી પણ પોતાની ખુરશી પર જ બેઠો હતો. પણ કંઈક બદલાઈ ગયું હતું.
ટેબલ પરથી સ્ટીલનું ટિફિન ગાયબ હતું. રૂમમાં પુરણપોળીની સુગંધ નહોતી, પણ વાસી મેગી અને જૂની સિગરેટની વાસ હતી. બારીમાંથી આવતો તડકો સવારનો નહીં, પણ ઢળતી બપોરનો હતો. ધ્રુવે ઝડપથી ખિસ્સામાંથી ફોન કાઢ્યો. સ્ક્રીન પર નજર પડતાં જ તેના રૂંવાડાં ઊભાં થઈ ગયાં.
તારીખ હતી: ગઈકાલની! એટલે કે દિવાળીનો દિવસ, બેસતું વર્ષ!
"આ શું મજાક છે?" ધ્રુવ બબડ્યો. "મારો ફોન હેક થઈ ગયો છે કે શું?"
ત્યાં જ અંદરના બેડરૂમમાંથી એક જોરદાર અવાજ આવ્યો: "અરે યાર! આ શિટ કંટ્રોલર કામ કેમ નથી કરતું! આ લેવલ પર આવીને જ મરવાનું હતું?!"
ધ્રુવનું લોહી થીજી ગયું. એ અવાજ... એ અવાજ કોઈ બીજાનો નહોતો, એ તેનો પોતાનો જ અવાજ હતો!
ધ્રુવ ધીમા પગલે, ચોરની જેમ બેડરૂમના દરવાજા તરફ ગયો. દરવાજો સહેજ ખુલ્લો હતો. અંદરનું દૃશ્ય જોઈને ધ્રુવને ચક્કર આવી ગયાં. પલંગ પર ગંદી ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને, વિખરાયેલા વાળ સાથે એક યુવાન બેઠો હતો, જે હાથમાં પ્લે-સ્ટેશનનું કંટ્રોલર પકડીને ટીવી સ્ક્રીન પર તૂટી પડતો હતો. બાજુમાં કોલ્ડડ્રિંકની ખાલી બોટલો પડી હતી. એ યુવાનનો ચહેરો, તેના હાથ પરનું ઘડિયાળનું નિશાન, તેના ગાલ પરનો જૂનો તલ—બધું જ આબેહૂબ ધ્રુવ જેવું હતું. એ ગઈકાલનો ધ્રુવ હતો!
આજના ધ્રુવના મોંમાંથી અજાણતાં જ ચીસ નીકળી ગઈ: "એય!"
પલંગ પર બેઠેલા ગઈકાલના ધ્રુવે ઝટકા સાથે પાછળ જોયું. બંનેની આંખો મળી. બેડરૂમમાં પાંચ સેકન્ડ સુધી એવો સન્નાટો છવાયો કે બંનેના ધબકારા એકબીજાને સંભળાતા હતા. પછી બંનેએ એકસાથે કાન ફાડી નાખે તેવી બૂમ પાડી:
"તું કોણ છે સાલા?!"
"હું ધ્રુવ છું! તું કોણ છે મારા ઘરમાં?!"
"આ મારું ઘર છે! તું મારા જેવો કેમ દેખાય છે?!"
ગઈકાલનો ધ્રુવ પલંગ પરથી કૂદ્યો અને આજના ધ્રુવ પર ધસી આવ્યો. બંને વચ્ચે જોરદાર ઝપાઝપી શરૂ થઈ ગઈ. ગાદલાં હવામાં ઊડ્યાં, બાજુમાં પડેલું લેમ્પ શેડ જમીન પર પટકાઈને તૂટી ગયું. બંને એકબીજાના ગળા પકડવાનો પ્રયત્ન કરતા હતા, પણ વિચિત્ર વાત એ હતી કે બંનેના હુમલા એકસરખા હતા. જેવો આજના ધ્રુવે મુક્કો મારવાનો વિચાર કર્યો, પેલાએ બરાબર એ જ ક્ષણે પોતાનો બચાવ કરી લીધો, કારણ કે બંનેનું મગજ એક જ હતું!
"તું કોઈ સીઆઈડીનો જાસૂસ છે ને? મારા કોમ્પિટીટરે મોકલ્યો છે ને તને મારું સ્ટાર્ટઅપ ચોરવા?!" ગઈકાલનો ધ્રુવ હાંફતાં હાંફતાં બોલ્યો.
"અરે મૂરખ! હું તારું ભવિષ્ય છું! આજે ભાઈબીજ હતી... એટલે કે કાલે ભાઈબીજ છે!" આજના ધ્રુવે તેને સોફા પર ધકેલતાં કહ્યું. "યમીએ ટિફિન મોકલ્યું હતું. એમાં પેલું ઘડિયાળ જેવું મશીન હતું. મેં બટન ન દબાવ્યું ને પુરણપોળી ખાઈ લીધી, એટલે હું અહીં ફેંકાઈ ગયો!"
"શું બકવાસ કરે છે? યમી તો જૂના ઘરે છે, એણે મને સવારે ફોન કર્યો હતો અને મેં કહી દીધું કે મારી પાસે ટાઈમ નથી!" ગઈકાલના ધ્રુવે બચાવ કર્યો.
"મને ખબર છે તેં શું કહ્યું હતું!" આજના ધ્રુવે ગુસ્સામાં કહ્યું. "તેં એવું કહ્યું હતું કે ઇન્વેસ્ટર્સ સાથે મીટિંગ છે, જ્યારે તું અહીં બેસીને વિડીયો ગેમ રમતો હતો! તું રાત્રે ઊઠીને મેગી ચોરીને ખાય છે, તારી તિજોરીનો પાસવર્ડ યમીની જન્મતારીખ છે, અને તું હજી પણ કબાટના છેલ્લા ખાનામાં પેલું તૂટેલું પ્લાસ્ટિકનું બેટ સાચવીને બેઠો છે!"
ગઈકાલનો ધ્રુવ સ્તબ્ધ થઈને સોફા પર બેસી પડ્યો. આ વાતો દુનિયામાં કોઈ ત્રીજી વ્યક્તિ જાણી શકે તેમ નહોતી. "તો... તો તું સાચે જ હું છું? પણ આ કેમ બન્યું?"
બરાબર એ જ ક્ષણે મુખ્ય દરવાજાની ઘંટડી ફરી વાગી.
બંને ધ્રુવ એકબીજા સામે જોઈ રહ્યા. આજના ધ્રુવે ઈશારો કર્યો કે તું ચૂપ રહેજે. તે દરવાજે ગયો અને બારણું ખોલ્યું. સામે ફરી એ જ ટિફિન કાકા ઊભા હતા! પણ આ વખતે તેમના હાથમાં સ્ટીલનો ડબ્બો નહોતો. તેમના હાથમાં માત્ર પેલી જૂની ડાયરી હતી.
કાકાએ દરવાજામાંથી ડોકિયું કરીને અંદર જોયું. અંદર બે ધ્રુવ ઊભા હતા. કાકાના ચહેરા પર આશ્ચર્યનો એક પણ ભાવ નહોતો. તેમણે શાંતિથી પોતાના ચશ્માં નાક પર સરખા કર્યા અને પેન્સિલથી ડાયરીમાં કંઈક ટપકાવ્યું.
"એક ગ્રાહક, બે નકલ," કાકા ગણગણ્યા. "સમયનું ભાડું હવે ડબલ થશે."
"કાકા! તમે બધું જાણો છો!" આજના ધ્રુવે કાકાનો હાથ પકડી લીધો. "આ શું થઈ રહ્યું છે? હું પાછો કેમ આવી ગયો? અને આ બીજો હું અહીં શું કરે છે?"
કાકાએ ધ્રુવનો હાથ ધીમેથી છોડાવ્યો. તેમનો અવાજ ગંભીર થઈ ગયો. "દીકરા, જેને સંબંધોની કિંમત સમયસર સમજાતી નથી, કુદરત એને સમયના ચક્રોમાં ફસાવી દે છે. તારી બહેને તારા માટે ત્રણ વર્ષ સુધી લોહીનું પાણી કરીને એક સાધન બનાવ્યું હતું. એ ઈચ્છતી હતી કે તું સમયને સમજે. પણ તેં હંમેશની જેમ ઉતાવળ કરી. સૂચના વાંચ્યા વિના અન્ન પેટમાં પધરાવ્યું, એટલે સમયનું સંતુલન બગડી ગયું. તું ગઈકાલમાં અટવાઈ ગયો છે."
"તો હવે મારે શું કરવાનું?" ધ્રુવ કરગરી પડ્યો.
"તારી બહેન ત્રણ વર્ષથી એક જ ઓરડામાં બેસીને તારી રાહ જુએ છે," કાકાએ કહ્યું. "હવે તમે બે છો. એક જણ અહીં રહીને આજ સાચવે, અને બીજો ભૂતકાળમાં જઈને પેલી તૂટેલી કડી જોડે. જો સાંજ સુધીમાં એ કડી નહીં જોડાય, તો તમે બંને આ ગઈકાલના વમળમાં જ સડી જશો. ક્યારેય આવતીકાલ નહીં આવે."
"પણ અમારે જવાનું ક્યાં?" ગઈકાલના ધ્રુવે પાછળથી પૂછ્યું.
કાકાએ આજના ધ્રુવના ખિસ્સા તરફ આંગળી ચીંધી. "પાવતીમાં સરનામું લખ્યું જ હતું. જે ઘરમાંથી ભાગ્યા હતા, એ જ ઘરમાં ઉકેલ છે." આટલું કહીને કાકા પાછળ વળ્યા અને એપાર્ટમેન્ટના કોરિડોરના અંધારામાં અદૃશ્ય થઈ ગયા.
બંને ધ્રુવ સોફા પર સામસામે બેઠા. હવે કોઈ લડાઈ નહોતી, માત્ર ભય હતો.
"કાકાએ કહ્યું ત્રણ વર્ષ," ગઈકાલનો ધ્રુવ બોલ્યો. "યમી ત્રણ વર્ષથી શું કરતી હતી?"
આજના ધ્રુવે ફોન કાઢ્યો. તેણે કૉલ ડિટેઈલ્સ ખોલી. વર્ષ ૨૦૨૩ ની ભાઈબીજ: યમીનો કૉલ, વાતચીત ૪૫ સેકન્ડ. વર્ષ ૨૦૨૪ ની ભાઈબીજ: યમીનો કૉલ, વાતચીત ૩૦ સેકન્ડ. વર્ષ ૨૦૨૫ ની ભાઈબીજ: યમીનો કૉલ, વાતચીત માત્ર ૧૨ સેકન્ડ. દર વર્ષે વાત ઘટતી ગઈ હતી. દર વર્ષે ધ્રુવ વધુ ને વધુ પથ્થર બનતો ગયો હતો.
"આપણે કેટલા સ્વાર્થી છીએ..." ગઈકાલના ધ્રુવની આંખો ભીની થઈ ગઈ. "આપણે વિચાર્યું કે આપણે કંપની બનાવી રહ્યા છીએ, પણ આપણે આપણું ઘર ખોઈ બેઠા."
"ચાલ, જૂના ઘરે જઈએ," આજના ધ્રુવે કહ્યું.
ગઈકાલનો ધ્રુવ ઊભો થયો અને દીવાલ પર લટકાવેલી જૂની તસવીર પાસે ગયો. એ તસવીરમાં મમ્મી, નાની યમી અને પોતે ત્રણેય લીમડા નીચે બેઠાં હતાં. તેણે તસવીર પાછળ હાથ નાખ્યો. ત્યાં સેલોટેપથી એક નાની પિત્તળની ચાવી ચોંટાડેલી હતી. સાથે યમીની એક જૂની ચિઠ્ઠી હતી: "ભોંયરાની ચાવી. ભાઈ, જ્યારે કામમાંથી નવરો પડે ત્યારે આવજે, તારું બાળપણ અહીં સાચવીને રાખ્યું છે."
બંને ધ્રુવ ફ્લેટમાંથી બહાર નીકળ્યા. રસ્તા પર આવીને રિક્ષા ભાડે કરી. રિક્ષાવાળો અરીસામાંથી વારંવાર બંનેના ચહેરા જોઈ રહ્યો હતો. "ભાઈ, તમે બંને જોડિયા છો?"
ગઈકાલનો ધ્રુવ હસીને બોલ્યો, "ના ભાઈ, હું આનો અહંકાર છું અને આ મારો પસ્તાવો છે." રિક્ષાવાળાએ માથું ખંજવાળ્યું અને ચૂપચાપ રિક્ષા ચલાવવા માંડી.
સુરત શહેરના જૂના ભાગમાં આવેલા એ મોહલ્લામાં જ્યારે રિક્ષા ઊભી રહી, ત્યારે સાંજ ઢળવા આવી હતી. શેરીઓમાં બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. લીમડાનું ઝાડ હજી ત્યાં જ હતું, પણ મકાન સાવ સૂમસામ લાગતું હતું. બારણે મોટું તાળું લટકતું હતું.
આજના ધ્રુવે પાછલી ગલીમાં જઈને જોયું. બારી હંમેશની જેમ સહેજ ખુલ્લી હતી. બંને એકબીજાને ટેકો આપીને બારીમાંથી અંદર કૂદ્યા. ધૂળ અને જાળાંથી ભરેલા ઓરડા વટાવીને તેઓ ભોંયરાની સીડી પાસે આવ્યા. પિત્તળની ચાવી તાળામાં ભરાવીને ફેરવી. એક કર્કશ અવાજ સાથે ભોંયરાનો ભારે લાકડાનો દરવાજો ખૂલ્યો.
નીચે ઉતરતાં જ બંને સ્તબ્ધ થઈ ગયા.
જે ભોંયરું નાનપણમાં જૂના વાસણો અને અનાજના કોઠારોથી ભરેલું રહેતું હતું, તે આજે કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મના લેબ જેવું દેખાતું હતું! ચારેય દીવાલો પર બ્લેકબોર્ડ લગાવેલા હતા, જેના પર ભૌતિકશાસ્ત્રના જટિલ સમીકરણો, ટાઈમ-ડાઈલેશનના ગ્રાફ્સ અને ક્વોન્ટમ મિકેનિક્સની થિયરીઓ ચોકથી લખેલી હતી. ટેબલ પર અસંખ્ય વાયરો, કાચની વેક્યુમ ટ્યુબ્સ, તાંબાના વિશાળ કૂંડળાઓ અને જૂની ઘડિયાળોના સ્પેરપાર્ટ્સ વિખરાયેલા હતા.
અને એ બધાની વચ્ચે, રૂમના મધ્યમાં એક વિશાળ લોખંડનું ગોળાકાર મશીન હતું. એ મશીનની બાજુમાં ટેબલ પર માથું ઢાળીને એક છોકરી બેઠી હતી.
એ યમી હતી.
તેના વાળ અસ્તવ્યસ્ત હતા, આંખો નીચે ઉજાગરાના કાળા કુંડાળા હતા, અને તેના હાથ ગ્રીસ અને વાયરના ઘસરકાથી ભરેલા હતા. તે ઊંઘમાં પણ કશુંક બબડતી હતી: "બસ એક વાર... મારે બસ એ સાંજ સુધારવી છે... ભાઈ આવશે... એ જરૂર આવશે..."
બંને ધ્રુવ થાંભલા પાછળ થીજી ગયા. આજના ધ્રુવની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો. આ એ જ યમી હતી જેને તેણે સવારે ફોન પર તરછોડી દીધી હતી! જે છોકરીએ ભાઈને પાછો મેળવવા માટે આખી દુનિયાના વિજ્ઞાનને પડકારી દીધું હતું, તેને પોતે 'ગૂગલ-પે' થી ખરીદવા નીકળ્યો હતો!
ટેબલ પર યમીની અંગત ડાયરી ખુલ્લી પડી હતી. આજના ધ્રુવે ધીમેથી આગળ વધીને એ ડાયરી વાંચી:
"૧૫ ઓક્ટોબર: મશીન લગભગ તૈયાર છે. મેં બે ટાઈમ-કપ્લર્સ બનાવ્યા છે. એક મુખ્ય મશીન સાથે જોડાયેલું છે અને બીજું ટિફિનના તળિયે ફિટ કર્યું છે. જો ભાઈ ટિફિનનું બટન દબાવશે, તો એનું કપ્લર મારા કપ્લર સાથે સિન્ક થશે અને અમે બંને સાથે પંદર વર્ષ પાછળ જઈ શકીશું. મારે એ દિવસે પાછા જવું છે જ્યારે મેં એનું બેટ તોડ્યું હતું. મારે એને કહેવું છે કે મને માફ કરી દે. પણ મશીનમાં એટલી જ ઊર્જા છે કે બે માણસો એક જ વાર જઈ શકે. જો ભાઈ બટન નહીં દબાવે... તો કદાચ સમય અનિયંત્રિત થઈ જશે. ભગવાન કરે ભાઈ મારી સૂચના વાંચે."
આજના ધ્રુવના હાથમાંથી ડાયરી છૂટી પડી ગઈ. આખો કોયડો હવે કાચ જેવો સાફ હતો. યમીએ આ મશીન કોઈ વૈજ્ઞાનિક ખ્યાતિ માટે નહોતું બનાવ્યું, એણે માત્ર એક અધૂરી થાળી ભરવા માટે બનાવ્યું હતું! અને પોતે? પોતે એ સૂચના વાંચ્યા વિના જ બટન દબાવ્યા વગર જમી ગયો, એટલે બંને કપ્લર્સનું સંતુલન તૂટી ગયું અને તે અધવચ્ચે ગઈકાલમાં અટવાઈ ગયો!
"આપણે શું કરીશું હવે?" ગઈકાલના ધ્રુવે ધીમા અવાજે પૂછ્યું.
આજના ધ્રુવે ખિસ્સામાંથી પેલું ટિફિનનું ગોળ ઉપકરણ બહાર કાઢ્યું. "યમી આટલી બધી પીડા એકલી નહીં ભોગવે. એ ઝઘડો મારો હતો, અહંકાર મારો હતો. મારે જ આ ભૂલ સુધારવી પડશે."
"પણ મશીન તો બે વ્યક્તિ માટે ડિઝાઇન થયેલું છે ને?" ગઈકાલના ધ્રુવે યાદ અપાવ્યું. "જો તું એકલો જઈશ તો?"
આજના ધ્રુવ મશીન પાસે ગયો. તેણે વચ્ચેના પ્લેટફોર્મ પર પગ મૂક્યો અને ઉપકરણનું લાલ બટન દબાવ્યું.
બટન દબાવતાં જ આખું ભોંયરું ધ્રૂજી ઊઠ્યું. તાંબાના ગોળાઓમાંથી વાદળી રંગના તણખા ઝરવા લાગ્યા. પણ અચાનક એક સાયરન વાગવા માંડ્યું. સામેની મોનિટર સ્ક્રીન પર લાલ અક્ષરોમાં ચેતવણી ચમકી: "ભૂલ: સિસ્ટમ અનબેલેન્સ્ડ. નિર્ધારિત વજન અને દ્રવ્યમાન ખૂટે છે. સમયયાત્રા રદ કરવામાં આવે છે."
ધ્રુવનો શ્વાસ થંભી ગયો. મશીનને આગળ ધપવા માટે બે વ્યક્તિઓના શરીરના ભાર અને તેમની વચ્ચેના આત્મીય દ્રવ્યની જરૂર હતી. તે એકલો હતો.
"ધ્રુવ, જો ત્યાં!" ગઈકાલના ધ્રુવે બૂમ પાડીને ટેબલના છેડે ઈશારો કર્યો.
ટેબલ પર, યમીના માથા પાસે, એક નાનકડું જૂનું પિત્તળનું ટિફિન પડ્યું હતું. એ એ જ ટિફિન હતું જે યમી બાળપણમાં સ્કૂલે લઈ જતી હતી. એ ટિફિનમાંથી હજી વરાળ નીકળી રહી હતી. યમીએ મશીન ચાલુ કરતાં પહેલાં તાજી પુરણપોળી બનાવીને એમાં ભરી રાખી હતી, જેથી ભૂતકાળમાં જઈને નાના ધ્રુવને ખવડાવી શકે. એ ટિફિનમાં માત્ર ખોરાક નહોતો, એમાં યમીના પંદર વર્ષનો પ્રેમ અને પ્રતીક્ષા સમાયેલી હતી.
આજના ધ્રુવે કશોય વિચાર કર્યા વિના દોડીને એ પિત્તળનું ટિફિન ઉપાડી લીધું. તેણે ટિફિનને પોતાની છાતી સરસું, કોટના અંદરના ખિસ્સામાં મજબૂતીથી દબાવી દીધું.
અને ચમત્કાર થયો!
જેવું એ ટિફિન મશીનના પ્રભાવક્ષેત્રમાં આવ્યું, સ્ક્રીન પરનો લાલ રંગ સોનેરી બની ગયો. મશીનને જોઈતું સંતુલન મળી ગયું હતું—એક તરફ ભાઈનો પસ્તાવો હતો અને બીજી તરફ બહેનનું સમર્પણ! બંને દ્રવ્યો ભેગાં થતાં જ સમયનું ગણિત પૂરું થઈ ગયું.
આજના ધ્રુવે પાછળ ફરીને ગઈકાલના ધ્રુવ સામે જોયું. "યાદ રાખજે, તું અહીં જ રહેજે. કાલે સવારે જ્યારે યમીનો ફોન આવે, ત્યારે એક પણ બહાનું કાઢ્યા વગર જૂના ઘરે પહોંચી જજે."
ગઈકાલના ધ્રુવની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. તેણે હાથ જોડ્યા. "વચન, ભાઈ. હું તને નિરાશ નહીં કરું."
ધ્રુવે સ્વિચ ખેંચી. એક પ્રચંડ અવાજ સાથે ભોંયરાની છત જાણે ફાટી ગઈ. સોનેરી પ્રકાશનો એક વિશાળ વમળ રચાયો અને ધ્રુવ એ પ્રકાશમાં ખેંચાઈ ગયો.
સમય પાછળ દોડી રહ્યો હતો. દિવસો, મહિનાઓ, વર્ષો ઊલટા ફરી રહ્યા હતા. સુરતની ઊંચી ઇમારતો જમીનમાં સમાઈ રહી હતી, રસ્તાઓ પાછા ધૂળિયા બની રહ્યા હતા. કેલેન્ડરના અસંખ્ય પાનાં પવનના સુસવાટામાં ઊડી રહ્યા હતા.
અને પછી, એક આંચકા સાથે બધું શાંત થઈ ગયું.
ધ્રુવ જમીન પર પટકાયો. માટીની ભીની સુગંધ તેના નાકમાં ભરાઈ. તેણે આંખો ખોલી. સામે એ જ લીમડાનું ઝાડ હતું. ઓટલા પર ગેરુનું તાજું લીંપણ હતું. બારણે આસોપાલવનું લીલુંછમ તોરણ લટકી રહ્યું હતું.
અંદરથી બે બાળકોના તીણા અવાજો આવી રહ્યા હતા:
"મારે નથી જોઈતું તારું બેટ! તું મારી બહેન જ નથી!"
ધડાકાભેર બારણું ખૂલ્યું અને તેર વર્ષનો નાનો ધ્રુવ આંખોમાં આંસુ અને હાથમાં ગુસ્સો લઈને બહાર દોડી આવ્યો. એ બરાબર એ જ ક્ષણ હતી! પંદર વર્ષ પહેલાંની એ કાળી ક્ષણ!
મોટા ધ્રુવે આગળ વધીને નાના ધ્રુવનો હાથ પકડી લીધો. "ઊભો રહે, ધ્રુવ!"
નાનો ધ્રુવ ચમકીને ઊભો રહી ગયો. તેણે સામે ઊભેલા અજાણ્યા કોટવાળા માણસને જોયો. "તમે કોણ છો? મારો હાથ છોડો! મારે ઘરમાં નથી રહેવું!"
મોટો ધ્રુવ ઘૂંટણિયે બેસી ગયો. તેણે નાના ધ્રુવના બંને ખભા પકડ્યા. તેની પોતાની આંખોમાંથી આંસુ વહીને ગાલ પર રેલાઈ રહ્યા હતા. "હું તું જ છું, ધ્રુવ. જો, તારા ડાબા કાન પાછળ જે નાનો તલ છે, એ જ તલ મારા કાન પાછળ પણ છે."
નાના ધ્રુવે અવિશ્વાસથી પેલા માણસનો ચહેરો જોયો. આંખો, નાક, કપાળની રેખાઓ... બધું જ પોતાનું મોટું સ્વરૂપ હતું. "આ... આ શું છે? તમે ક્યાંથી આવ્યા?"
"હું પંદર વર્ષ પછીના ભવિષ્યમાંથી આવ્યો છું," મોટા ધ્રુવનો અવાજ ધ્રૂજતો હતો. "સાંભળ મારી વાત, ધ્યાનથી સાંભળ. આજે તું આ ઉંબરો ઓળંગીને જતો રહીશ ને, તો તું જિંદગીમાં બહુ મોટો માણસ બનીશ. તારી પાસે ગાડીઓ હશે, બંગલા હશે, લાખો રૂપિયા હશે. પણ તારી પાસે આ ઘર નહીં હોય. તારી પાસે આ બહેન નહીં હોય. તું પંદર વર્ષ સુધી એક થાળી માટે, એક તિલક માટે અને મમ્મીના હાથની એક પુરણપોળી માટે તરસતો રહીશ."
નાના ધ્રુવની મુઠ્ઠીઓ ઢીલી પડી. "પણ એણે મારું બેટ તોડી નાખ્યું... મારે કાલે ફાઈનલ મેચ રમવાની છે..."
મોટા ધ્રુવે પોતાના કોટના અંદરના ખિસ્સામાંથી પેલું પિત્તળનું નાનું ટિફિન બહાર કાઢ્યું. એ ટિફિન ખોલતાં જ અંદરથી ઘી અને ગોળની ગરમ સુગંધ આખા આંગણામાં ફેલાઈ ગઈ.
"આ જો," મોટા ધ્રુવે ટિફિન નાનાના હાથમાં મૂક્યું. "બેટ તો બજારમાંથી ગમે ત્યારે નવું મળી જશે, મારા ભાઈ. પણ આ સ્વાદ, આ પ્રેમ અને આ બહેન આખી દુનિયાના રૂપિયા ખર્ચીનેય પાછી નહીં મળે. જા, અંદર જા. એક કોળિયો એના હાથમાંથી ખાઈ લે. તારો અહંકાર તારી બહેન કરતાં મોટો નથી."
નાના ધ્રુવે ટિફિન સામે જોયું, પછી મોટા ધ્રુવની આંખોમાં જોયું. બાળપણનો અહંકાર ક્ષણવારમાં આંસુ બનીને વહી ગયો. તેણે ટિફિન છાતી સરસું ચાંપ્યું અને દોડતો ઘરમાં ગયો.
મોટો ધ્રુવ ઓસરીની બારી પાસે ગયો અને સળિયા વચ્ચેથી અંદર જોયું.
યમી ખૂણામાં બેસીને રડતી હતી. નાનો ધ્રુવ ધીમે પગલે તેની પાસે ગયો. તેણે પિત્તળનું ટિફિન ખોલ્યું અને પુરણપોળીનો એક નાનો ટુકડો તોડીને યમીના મોં સામે ધર્યો. યમીએ ચોંકીને ભાઈ સામે જોયું. નાના ધ્રુવે હસીને પોતાની નાની આંગળીથી બહેનના આંસુ લૂછ્યાં. યમી રડતાં રડતાં હસી પડી અને તેણે એ કોળિયો મોંમાં મૂકી દીધો. પછી બંને એકબીજાને એવા વળગી પડ્યાં જાણે વર્ષોના વિખૂટાં પડ્યાં હોય!
રસોડામાંથી સવિતાબેન બહાર આવ્યાં. આ દૃશ્ય જોઈને તેમના હાથમાંથી થાળી છલકાઈ ગઈ. તેમણે તરત જ ચાંદીની થાળી પાટલા પર મૂકી, કંકુનો ચાંદલો કર્યો, અને હોલવાઈ ગયેલા માટીના દીવાને ફરી પ્રગટાવ્યો. આ વખતે દીવાની જ્યોત અખંડ, તેજસ્વી રીતે ઝળહળી ઊઠી. ત્રણેય જણા એક જ થાળી સામે બેસીને એકબીજાને કોળિયા ખવડાવવા લાગ્યાં.
બારી બહાર ઊભેલા મોટા ધ્રુવના શરીર પરથી એક અદૃશ્ય ભાર ઉતરી ગયો. તેની આસપાસ ફરી સોનેરી પ્રકાશ ફેલાવા લાગ્યો. તેનું શરીર હવામાં ઓગળવા માંડ્યું. પણ આ વખતે તેના ચહેરા પર કોઈ ભય નહોતો, એક પરમ શાંતિ હતી. તેણે જોયું કે ઘરની દીવાલોની પેલી તિરાડ પુરાઈ ગઈ હતી.
જ્યારે ધ્રુવની આંખ ફરી ખૂલી, ત્યારે તેના કાનમાં મંદિરમાં વાગતી સવારની આરતીનો અવાજ આવી રહ્યો હતો.
તે પલંગમાં બેઠો થયો. રૂમમાં કોઈ અંધારું નહોતું. બારીના પડદા ખુલ્લા હતા અને સવારનો મીઠો તડકો આખા રૂમમાં પથરાયેલો હતો. દીવાલો પરથી વિડીયો ગેમના પોસ્ટરો ગાયબ હતા. તેની જગ્યાએ પરિવારના સુંદર ફોટા ફ્રેમમાં મઢેલા હતા. એક ફોટામાં તે અને યમી કોલેજના પદવીદાન સમારંભમાં સાથે ઊભાં હતાં. બીજા ફોટામાં ગયા વર્ષની ભાઈબીજે તે યમી પાસે તિલક કરાવતો હસી રહ્યો હતો!
તેણે ઝડપથી પોતાનો ફોન જોયો. કેલેન્ડરમાં તારીખ હતી: ભાઈબીજ, આજનો જ દિવસ!
ત્યાં જ ફોન રણકી ઊઠ્યો. સ્ક્રીન પર ચમક્યું: "યમી 🐒".
ધ્રુવે ધ્રૂજતા હાથે ફોન ઉપાડ્યો. "હેલો, યમી?"
"અરે ઓ ભાઈસાહેબ! ક્યાં મરી ગયા છો?" યમીનો અવાજ હંમેશની જેમ ખડખડાટ વહી રહ્યો હતો. "બાર વાગ્યાનો સમય આપ્યો હતો. મમ્મી ક્યારની પૂછે છે કે ધ્રુવ ક્યારે આવશે? પુરણપોળી ઠંડી થઈ રહી છે!"
ધ્રુવની આંખમાંથી હર્ષનું એક આંસુ સરી પડ્યું. "મમ્મી... મમ્મી પણ ત્યાં જ છે?"
     "તો ક્યાં હોય? આપણા જૂના ઘરે જ છીએ બધા! અને સાંભળ, તારી 'ઝટપટ' એપ પરથી આપણી 'યમુના ટિફિન સર્વિસ'ના જે સો ઓર્ડર બુક થયા છે ને, એની ડિલિવરી સમયસર પહોંચવી જોઈએ, નહીં તો તારી કંપની સામે ફરિયાદ કરીશ!" યમી હસી પડી.
     ધ્રુવ સ્તબ્ધ થઈ ગયો. યમી વૈજ્ઞાનિક નહોતી! તેણે ક્યારેય ટાઈમ-મશીન બનાવ્યું જ નહોતું! કારણ કે જે ભૂતકાળને સુધારવા માટે તેણે ભોંયરું બનાવવું પડ્યું હોત, એ ભૂતકાળ તો પંદર વર્ષ પહેલાં જ સુધરી ચૂક્યો હતો! યમીએ મમ્મીની રેસિપી પરથી આખા સુરતમાં ટિફિન સર્વિસ શરૂ કરી હતી અને ધ્રુવની લોજિસ્ટિક્સ કંપની તેની પાર્ટનર હતી! બંને ભાઈ-બહેન ક્યારેય અલગ થયાં જ નહોતાં!
     "હું દસ મિનિટમાં પહોંચું છું, યમી!" ધ્રુવે ફોન મૂક્યો. તેણે કબાટમાંથી સફેદ કુર્તો-પાયજામો કાઢ્યો. ખિસ્સામાં હાથ નાખતાં જ તેના હાથમાં એક જૂની, પીળી પડી ગયેલી કાગળની ચિઠ્ઠી આવી. એ ચિઠ્ઠી પર યમીના અક્ષરો હતા: "જમતાં પહેલાં બટન દબાવજે..." પણ એ લખાણ ધીમે ધીમે હવામાં ઓગળી રહ્યું હતું અને તેની જગ્યાએ નવા અક્ષરો ઊપસી આવ્યા હતા: "આ વખતે થાળી પૂરી ભરાઈ ગઈ છે, ભાઈ."
     ધ્રુવ ઝડપથી કાર ચલાવીને જૂના મોહલ્લામાં પહોંચ્યો. શેરીના નાકે જ સફેદ ધોતી અને ગાંધી ટોપીવાળા ટિફિન કાકા સાયકલ ટેકવીને ઊભા હતા. તેમના ચહેરા પર એ જ ભેદી, અમર સ્મિત હતું.
ધ્રુવે કાર રોકી અને કાકા પાસે દોડી ગયો. "કાકા! તમારું બિલ કેટલું થયું?"
કાકાએ હસીને પોતાની જૂની ડાયરી બંધ કરી. "જે માણસ સમયસર સાચો રસ્તો પકડી લે, એનું કોઈ દેવું બાકી નથી રહેતું, દીકરા. આ સંસારમાં પ્રેમ કરતાં મોટો કોઈ નફો નથી અને અહંકાર કરતાં મોટી કોઈ ખોટ નથી. જા, તારી બહેન વાટ જુએ છે." કાકાએ આંખ મીંચકારી અને સાયકલનું પેડલ મારીને ગલીના વળાંકમાં એવા અદૃશ્ય થઈ ગયા જાણે કોઈ પવનનો ઝોકો હોય.
      ધ્રુવ દોડતો ઘરના આંગણામાં ગયો. લીમડાના ઝાડ નીચે રંગોળી સજાવેલી હતી. બારસાખે આસોપાલવનું તોરણ હસતું હતું. રસોડાના દરવાજે વાળમાં સહેજ સફેદી સાથે, લોટવાળા હાથે સવિતાબેન ઊભાં હતાં. ધ્રુવે જઈને તેમને પગે લાગીને વળગી પડ્યો. સવિતાબેને તેના માથે હેતથી હાથ ફેરવ્યો, "આવી ગયો મારો દીકરો? ચાલ, બેસી જા પાટલે."
વચ્ચેના ઓરડામાં ચાંદીની થાળી સજાવેલી હતી. કંકુ-ચોખા, માટીનો અખંડ ઘીનો દીવો, ગરમાગરમ પુરણપોળી અને કઢી.
યમી સામે બેઠી હતી. તેના ચહેરા પર એ જ બાળપણનું તોફાની સ્મિત હતું. તેણે ધ્રુવના કપાળે કંકુનો મોટો ચાંદલો કર્યો, ચોખા ચોંટાડ્યા અને હાથમાં આરતી લઈને ભાઈના ઓવારણાં લીધાં.
     "હંમેશા ખુશ રહે, ભાઈ," યમીએ મીઠાઈનો ટુકડો ધ્રુવના મોંમાં મૂક્યો.
      ધ્રુવે થાળીમાંથી પુરણપોળીનો મોટો ટુકડો તોડ્યો, ઘીમાં બોળ્યો અને પ્રેમથી યમીના મોંમાં મૂક્યો. બંનેની આંખો ભીની હતી, પણ એ આંસુમાં કોઈ પસ્તાવો નહોતો, માત્ર અપાર તૃપ્તિ હતી.
બારી બહાર ભાઈબીજનો સૂરજ ધીમે ધીમે સોનેરી કિરણો પાથરી રહ્યો હતો. ઘરના ઉંબરે મૂકેલો દીવો કોઈ પણ પવનના ઝોંકા વિના અડગ ઝળહળી રહ્યો હતો. સમયના વહેણમાં કેટલાય સંબંધો તણાઈ જતા હોય છે, પણ જ્યાં સાચો સ્નેહ હોય, ત્યાં સમયને પણ પોતાનું ચક્ર ઉલટાવવું પડે છે—એક અધૂરી થાળીને પૂર્ણ કરવા માટે.

સમાપ્ત