Faqt Ek Savaar books and stories free download online pdf in Gujarati

ફકત એક સવાર

''ફકત એક સવાર''

કિર્તી ત્રાંબડીયા

રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


''ફકત એક સવાર''

ટ્રીન...ટ્રીન....ટ્રીન....ઘડિયાળની સવારની સાડાચારની ઘંટડી વાગી. નીશાએ ઝડપથી મોબાઈલને બંધ કરીને મીઠી ઉંઘને આંખોમાં ભરીને જ બંધ આંખે બેઠી થઈ. પથારીમાં જ ભગવાનને સાંજે સુતા પછી સવારે સ્વસ્થ ઉઠડવા માટે થેન્કયુ એટલે કે, પ્રાર્થના કરીને, લાંબા કાળા વાળનો બરાબર અંબોળો વાળીને બાથરૂમમાં રૂટીન ક્રિયા પતાવીને પાંચ વાગ્યે ઓરેન્જ કલરની સાડીમાં તૈયાર થઈ લાંબા ચોટલાની ગુંથણી સાથે ભગવાનનું કામ પુર્ણ કરીને રસોડામાં બીટુ માટે બોનવીટા વાળુ દુધ, સાસુમાં માટે એલચી વાળુ દુધ, મોના માટે ઓટસ સાથેનું દુધ, સસરા માટે હળદર વાળુ દુધ આંતો હજુ સવારના પહેલા રાઉન્ડની તૈયારી છે.

બધાંયના અલગ દુધને ઠંડા થવા માટે મુકીને બીટુના શાળાના ટાઈમટેબલ પ્રમાણે આજનો નાસ્તો ઈડલી, તેની તૈયારી કરી, સાસુમાં માટે મોણવાળા પોચા પોચા દાંત વગરના હોઠેથી પેટ ભરાય તેવા પરોઠાની કણક તૈયાર કરી, સસરા માટે ભાખરીની કણક તૈયાર કરી, બીટુ માટે બે્રડ બટરની તૈયારી કરી, મોના માટે શાળાના મેનુ પ્રમાણે પૈવાબટાટાની તૈયારી કરી, આ બધી તૈયારી કરતાં ઘડીયાળ પણ જાણે નીશા સાથે હરીફાઈમાં ઉતરી હતી. કારણકે, છ વાગી ગયા.

ઝડપથી મોનાને ઉઠાડીને હાથમાં બ્રશ આપી બાથરૂમ સુધી પહોંચાડી, ફરી હાથમાં બ્રશ લઈને બીટુને તો બથમાં લઈને બે–ત્રણ જાદુની જપ્પી–પપ્પી મળે તોય ઉંઘ ભાગવાનું નામ ન લે, છતાં પણ નીશા મોઢામાં બ્રશ આપીને બાથરૂમ સુધી પહોંચાડી આવી.

થોડીવાર થતાં જ સાસુની બુમ સંભળાય, વહુ બેટા ઉભા થવામાં જરા હાથ દે જેને. નીશા દોડતી સાસુને ટેકો આપી ઉભા કરીને ફરી બીટુની મોઢામાં બ્રશ સાથે ઉંઘતા જોઈને પે્રમથી હચમચાવી આવી. પતિના મોબાઈલમાં એક રીંગ મારીને કાપી નાંખે. નીશા તરફથી પતિને ઉઠવા માટેની પહેલી રીંગ સમજો. મોનાનો અને બીટુનો નાસ્તાનો ડબ્બો પેક કરીને સ્કુલબેગ સાથે નાસ્તાનો ડબ્બો, પાણીની બોટલ, તેમજ જરૂરી નોટબુક અને પુસ્તકોમાં કાંઈ રહી તો નથી ગયું ને તેમાં પુર્ણ રીતે નજર નાંખીને બેગને લઈને ડ્રોઈંગરૂમમાં મુકી આવી તેની સાથે બુટ–મોજા, રૂમાલ પણ હાજર કરી દીધા.

મોના નાહીને આવતાં વ્યવસ્થીત રીતે બે ચકા બનાવી આપી. ડે્રસની ટાઈ વ્યવસ્થીત કરીને ને તેમનો નાસ્તો આપીને ફરી બીટુની ખબર લેવા જાય છે તો સાહેબ તો બાથરૂમના ખુણામાં જ આરામથી સ્વપ્નોની દુનિયામાં ખોવાયેલ હોય એમ સુઈ રહ્યા છે. ઝડપથી તેમને બ્રશ કરાવીને નવરાવીને તૈયાર કરીને નાસ્તો આપી. સાસુનો નાસ્તો તેમજ દુધની તૈયારી કરે છે.

સાસુમાં નાસ્તાના ટેબલ સુધી પહોંચ્યા જ હોય છે. મોનાની બસનો વોર્ન વાગ્યું મોનાને દરવાજા સુધી વિદાય આપીને નાસ્તો કરતાં બીટુના ખંભે સ્કુલબેગ ગોઠવી આપી છે. સસરાની ઉઘરસનો અવાજ કાને પડયો એટલે તેમના નાસ્તાની તૈયારી કરતાં કરતાં સાસુ માટે બીજા ચુલ્લા પર તેલ ગરમ કરવા મુકયું.

સવાર સવારમાં સાસુમાના પગ જકડાઈ ગયા હોય એવી સ્થિતિમાં હોય છે. તેથી રોજ ગરમ તેલની માલીશ કરવી પડે છે. સસરા ટેબલ પહોંચતા જ સાસુ–સસરા બંનેનો નાસ્તો ટેબલ પર પહોંચાડીને સાથે સાસુના પગ માટેનું ગરમ તેલ આપતા નીશા બોલી, બા હમણાં બીટુને બસમાં બેસાડીને આવુ છું ત્યાં તેલ થોડું ઠંડુ થાય. હા...હા.. જા બેટા, બીટુના માથે હાથ મુકતાં બોલ્યા ખુબ ભણજે, બેટા પાછી ફરતાં બહાર છાપુ પડયું હશે ? સસરાની વાત વચ્ચેથી જ કાપતાં નીશા બોલી હા બાપુ હમણાં જ લાવી આપું, બીટુને ઉબરાં સુધી મુકી આવીને બાપુને છાપુ દેવા પાછી વળી, દોડતાં જ બીટુને તેડી લીધો, અને ઝડપી ચાલે બસના સ્ટોપ સુધી પહોંચતા જ બસ આવી ગઈ તેમને બસમાં બેસાડીને નીશા ફળીયામાં જ પહોંચી હતી, ત્યાં તો કોર્પોરેશનની ગાડી કચરો લેવા માટે સીટી વગાડતી આવી. કચરાને પણ સવાર સવારમાં વીદાય આપીને પરસેવે નાહતી, છતાં પણ સ્ફુર્તિથી એક પછી એક કામ કરતી ટેબલ પરથી એઠાં વાસણો ભેગા કરીને ચોકડી સુધી પહોંચાડયા.

સાસુને પગે માલીશ કરીને ગરમ પાણીના ટબમાં પગ રાખાવીને પતિદેવને કપડાં, રૂમાલ, બધી તૈયારી કરી ઉઠાડીને તેમના માટે ટોસ્ટ અને જયુશની તૈયારી કરી બાપુ માટે એક કપ તુલસી–આદુવાળી ચા મુકી. ધોવા માટેના કપડાંને બધી જગ્યાએથી ભેગાં કરીને ચોકડી સુધી પહોંચાડી દીધા. પતિદેવ તૈયાર થઈને નાસ્તા ટેબલ પર હાજર થઈ ગયા. તેમનો નાસ્તો પીરસીને નીશા તેમની લેપટોપ, ચાર્જર, ચશ્મા, બધું બરાબર યાદ કરીને બેગમાં મુકીને સાથે ગાડીની ચાવી, ઓફીસની ચાવી બધી તૈયારી પુરી કરીને ફરી રસોડામાં પહોંચી ગઈ.

બાપુની ચા ધીમા તાપે ઉકડી રહી હતી. તેમને ચા–દવા અને પાણીની ટે્ર પહોંચાડીને મેલાં કપડાંને ધોવા માટે મશીનમાં નાખ્યાં અને ફરી રસોડામાં સફાઈ કરવા લાગી. રસોડાની સફાઈ કરતાં કરતાં કપડાં પણ ધોવાઈ ગયા. કપડાંને દોરીએ બરાબર સુકવીને, દરેકના રૂમની સફાઈ, ડાયનીંગ ટેબલ, હોલ, ફળીયાની સફાઈ કરતાં કરતાં ઘડીયાળ તેમની સાથેની હરીફાઈમાં અગીયારના કાંટે પહોંચી ગઈ, અને નીશા પોતાના સવારના કામમાંથી હજુ તો ફ્રી થઈ જ હતી, સાસુનો અવાજ કાને આવ્યો, બેટા શાક લેવાનું હોય તો બાબુ આવી ગયો છે. સાસુને જવાબ આપી ફ્રીજમાં જોયું, શાક તો છે.

આરામ કરવાનું બહાનું શોધી નીશા ડાયનીંગ ટેબલ પર આરામથી બેઠી. નીશાના બેસવા માટે બે મિનિટનો પણ સમય લીધો ન હતો અચાનક યાદ આવ્યું. આજ તો પેટપુજા જ ભુલાય ગઈ છે. એટલે જ થોડો થાક વધારે લાગે છે. નાસ્તો કરવા માટે ઉભી થતી નીશાને ચક્કર આવતાં ત્યાં જ પડી ગઈ. બાળકો શાળાએ, પતિદેવ ઓફીસે, સાસુ–સસરા તેમના રૂમમાં કોઈના ધ્યાનમાં નીશા ન હતી. સાસુએ પાણી માટે બે–ત્રણ વખત માંગણી કરી. કોઈ જવાબ ન મળતાં થોડા ગુસ્સા સાથે રૂમની બહાર આવ્યા. નીશાને જમીન પર જ બેભાન હાલતમાં પડેલ જોતાં. ઝડપથી પોતાના પતિને ડોકટરને ફોન કરી બોલાવવા કહ્યું. આજુબાજુની બહેનોને અવાજ મારી નીશાને રૂમમાં પલંગ સુધી પહોંચાડી.

ડોકટરે આવીને તપાસ કરતાં કહ્યું, શરીરમાં ખુબ કમજોરી છે, હાલ પુરતી દવા આપી દઉં છું. પરંતુ ખાવામાં ધ્યાન રાખવું. આવી જ નીશાઓ દરેક ઘરમાં છે. સવારથી ઘડીયાળની સાથે ભાગતી–ભાગતી કામ કરે છે. દરેકની જરૂરીયાત મુજબ હાજર કરે છે. કયારેય ભુલથી પણ કોઈ દરકાર તો શું પણ ભુલભુલામણીમાં પણ કોઈ પુછતું પણ નથી કે તે નાસ્તો કર્યો ? તમે વિચારો જોઈએ સવારથી ઉઠીને દરેક દરેકની હાજરી આપવી. ઘરનાં દરેક વ્યકિત પોતાના થોડુ થોડુ કામ કરતાં શીખી લે તો પણ સ્ત્રીઓને કેટલો આરામ મળી શકે છે. જરા વિચારો, આખો દિવસ તો બાકી જ છે. આ તો હતી ફકત એક સવાર.

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯