Kyank Bahu Varsaad Jevu Laage Chhe books and stories free download online pdf in Gujarati

ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ , શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.
સમૃદ્ધિ આ અખંડ દીવાની તને દઈ, ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ...!!!!

સપાટ શબ્દ અને જળહળાટ છોડીને ૨૭ ઓક્ટોબર ૨૦૦૩ના રોજ સીધી વાટ છોડીને અનંત રસ્તે ચાલ્યા ગયેલા કવિ શ્રી મનોજ ખંડેરિયાનો જન્મ છઠ્ઠી જુલાઈએ નરસિહ મહેતાની પાવન ભૂમિ જુનાગઢમાં થયેલો . રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા , અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા . શબ્દો જ શણગાર અને શબ્દો જ વહેવારમાં માનતા મનોજભાઈ સાચા અર્થમાં ગુજરાતી ભાષાના પ્રયોગશીલ કવિ હતા . શબ્દોની સાચવણી અને ઉપયોગ કરવા બાબત અતિ જાગૃત આ મૃદુ હ્રદય કવિએ એટલે જ લખેલું કે - મોગ્ધ્ય ચોપાસ સાચવી રાખો , કાવ્યનો શ્વાસ સાચવી રાખો . કાવ્યને શ્વાસ ગણતા મનોજભાઈ લખેલું વ્યર્થ નહિ જ જાય એની હૈયાધારણ આપતા આગળ લખે છે કે - લાગશે કામ બીજી ગઝલોમાં ,જે બચ્યા પ્રાસ સાચવી રાખો . શબ્દ પર એમને કેટલો ભરોસો હશે એ આ એમની લખેલી બે પંક્તિઓ વાચતા જ સમજાય જશે - કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો, કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી..

કવિતાનો શ્વાસ લઈને ૧૯૪૩ની છઠ્ઠી જુલાઈએ મહેસુલી અધિકારી પિતા વ્રજલાલભાઈને ત્યાં જન્મેલા મનોજભાઈ પિતાની વારંવાર થતી બદલીઓને લીધે મોરબી , જામનગર , ધોરાજી જેવા શહેરોમાં ઉછરતા રહ્યા . ૧૯૬૫માં બી.એસ.સી. અને ૧૯૬૭માં એલ.એલ.બી.થયા પછી ૧૯૬૮માં એમણે જન્મસ્થળ જૂનાગઢથી વકીલાતનો વ્યવસાય શરુ કર્યો . લગભગ સત્તરેક વર્ષ વકીલાત કર્યા પછી ૧૯૮૫માં એમણે પથ્થરના ધંધામાં જ્મ્પ્લાવ્યું. વિજ્ઞાન , કાયદો અને પથ્થરો સાથે માથા પછાડવા છતાં આ આગવા ગુજરાતીના દિલમાં કવિતાઓ જાણે કોઈ સખત પથ્થરના પહાડમાં કુમળો છોડ ઉગી નીકળે એમ ઉગી નીકળતી અને કદાચ એ ઉગી નીકળતી ઉર્મીઓને જ એમણે આ પંક્તિઓ માં રજુ કરી હશે - હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે કદી આંખમાં જો તરી જાય પીછું .

મનોજભાઈના સમ્પર્કમાં આવનાર બધા જ એમની સરળતા અને સહ્રદયતાથી અભિભૂત થઇ જતા એટલા સરળ આ કવિ પોતાની કાવ્ય ક્ષમતા વિષે પણ એટલા જ જાગૃત હતા . ‘ ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું? સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી !!! ‘ મનોજભાઈની આંગળીઓ વચ્ચે જકડાયેલી કલમમાંથી આવી એકએકથી ચઢિયાતી રચનાઓ કંકુની જેમ ખરતી રહી અને કાગળને રંગીન કરતી રહી , જાણે કોરા કાગળ પર કંકુ છાટણા ન કર્યા હોય !!! આમ તો મોટેભાગે એવું બને છે કે કવિના જીવનમાં શ્રી અને સરસ્વતી બંને સાથે નાં હોય પણ મનોજભાઈ એમાં અપવાદ રૂપ હતા . એમને સંપતિ અને સરસ્વતી બંને અઢળક વરેલા પણ છતાય એમને બન્નેનું લેશમાત્ર અભિમાન નહિ . શબ્દ અને સંપતિની દોમદોમ સમૃદ્ધિ વચ્ચે પણ સરળતાના ચાહક આ કવિ પોતાને દુર રાખી શકેલા , મનોજભાઈને સંપતિનું કે શબ્દોની વાહવાહીનું લેશમાત્ર પણ અભિમાન નહોતું ઉલટાનું દિવસે દિવસે સરળતા જ એમની સમ્પતિ બનતી ગઈ .

પણ આ સરળતા ખાલી વર્તનમાં જ હતી એવું નહોતું . એમની બધી જ રચનાઓમાં પણ આ સરળતા અનુભવી શકાતી . મનોજભાઈએ કવિતા લખવાની શરૂઆત તો કદાચ ૧૪-૧૫ વર્ષની નાની ઉમરથી જ કરેલી પણ કવિતા સંગ્રહ તો છેક ૧૯૭૦માં અચાનક નામે પ્રસિદ્ધ થયો . લખવાનું શરુ કર્યા પછી લગભગ ૧૦ વર્ષે પ્રથમ કાવ્યસંગ્રહ બહાર પાડવા પાછળનું એક કારણ એ હતું કે મનોજભાઈ એવું દઢ પણે માનતા કે લખ્યા પછી તરત જ પ્રગટ કરવાને બદલે મેં જે લખ્યું છે એના યથાર્થતા અને ભાવનાઓ જ્યાં સુધી એમને ખુદને અસર ના કરે ત્યાં સુધી એને પ્રકટ કરવો જોઈએ નહિ . લખવા બાબત મનોજભાઈ એમ માનતા કે અંદરથી અવાજ ન ઉઠે કે લખવાની અનિવાર્યતા જેવું લાગે ત્યારે જ લખવું . સતત કવિતાને જીવતા મ.ખ. નો આ શેર જુવો : ‘ સદા શબ્દોના અગ્નિ-સ્તંભને મેં બાથ ભીડી છે , સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે ‘ અંદરથી આગ્રહ થયા વગર એમણે લખેલી અને પછી સાર્વજનિક નહિ કરેલી અનેકો પંક્તિઓને ધ્યાનમાં લઈને જ કદાચ એમણે આ શેર લખ્યો હશે : ‘ લખાયા પહેલાં જ પોઢી ગયેલ ,.ઘણા શબ્દની છે કબર આંગળીમાં ‘

ભલે ને પ્રથમ કાવ્યસંગ્રહ ઘણા વર્ષ પછી આવ્યો હોય પણ એ પહેલાના મનોજભાઈ તો દરેક મુશાયરાની જાન બની ગયેલા . એટલે જ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લે મનોજભાઈને આ એક શેરમાં જ સરસ બીરદાવેલા : ‘ કરતાલ કરતાલ વિષે જબ અલખની શોધ હશે , દેખાય ન દેખાય ભલે , બાજૂમાં મનોજ હશે ‘ શરૂઆતી સમયમાં એમને એક ગઝલકાર / ગીતકાર તરીકે ઘડવામાં જુનાગઢની સાહિત્ય પ્રવૃત્તિનો મહત્તમ ફાળો રહ્યો . ‘ મંગળવારીયું ‘ અને ‘ મિલન ‘ સંસ્થાના બેનર નીચે બધા કવિમિત્રો મળતા એનો લાભ મનોજભાઈને થયો . આવી જ બેઠકોમાંથી એમને મનુભાઈ ત્રિવેદી અને રુસ્વા મઝલુમી જેવા દિગ્ગજ સાહિત્યકારોના પ્રોત્સાહનની સાથે સાથે પ્રો.તખ્તસિંહ પરમાર જેવા કાવ્યમર્મજ્ઞ ગુરુ પણ મળ્યા . આ ઉપરાંત રમેશ પારેખ , ચિનુ મોદી , અનીલ જોશી જેવા સર્જકોની દોસ્તી પણ સાંપડી તો સુરેશ દલાલ , રઘુવીર ચોધરી ,ચંદ્રકાંત શેઠ , કુમારપાળ દેસાઈ જેવા સાહિત્યકારોનો સહવાસ પણ મળતો થયો . આવા મર્મી લોકની વચ્ચે મનોજભાઈની કવિતાઓમાં નવું જોમ , જુસ્સો અને ખાસ તો નવા શબ્દો પ્રયોજાતા રહ્યા . કોઈની પણ દરકાર રખ્યા વગર એમની રચનાઓમાં સાવ સરળ પણ નવીન શબ્દો ઉગતા રહ્યા અને શબ્દોનો નશો મનોજભાઈની સાથે સાથે દરેક મુશાયરાઓમાં છવાતો રહ્યો . ‘ શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ , લોક સહુ માને છે ગંજેરી મને ‘

લોક ગંજેરી નાં માને તો શું માને ? એક એક રચનાનો નશો વાચનાર / સાંભળનારને મદહોશ કરી મુકવા સક્ષમ હતો , હતો નહિ પણ આજે પણ છે જ . પણ એ નશાને જામ સુધી પહોચાડવામાં કેટલી લાગણીઓ અને શબ્દોને પેલે પાર જવું પડ્યું હશે એ વાત મનોજભાઈએ આ શેરમાં બખૂબી વર્ણવી છે - ‘ વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ, ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા ‘ કે પછી આ શેર વાંચો - ‘ નહીંતર મને આમ વ્યાકુળ ન રાખે , હશે શબ્દનું પણ ગયા ભવનું લેણું ‘. લગભગ ચાર દાયકા સુધી ગુજરાતી ભાષાને ઉત્તમ ગઝલો અને ગીતો આપતા રહેલા આ કવિએ સર્જન કેટલું કઠોર હોય શકે એનો નાનકડો ઈશારો આ શેરમાં ખુબ જ સરળતાથી પણ વેધક રીતે કર્યો છે : ‘ પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને , આ હાથ આખે આખો બળે, એમ પણ બને ‘ અથવા તો આ શેર જુઓ : ‘ મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું , મને કોઈ મનમાંથી આપે છે જાસો ‘ એટલે જ અગાઉ લખ્યું એમ મનોજભાઈને અંદરથી કોઈ ધમકાવે કે જાસો ના પાઠવે ત્યાં સુધી એ કશું જ નાં લખવું એના હિમાયતી હતા એ આ શેરમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે - ‘ ઘણા શબ્દ દોરી જતા અવળે રસ્તે, સતત કાફિયાના સવાલો નડે છે.”

મિત્રોના આગ્રહને લીધે ૧૯૬૫માં બે રચનાઓ કુમાર સામયિક માટે મોકલેલી જે ૧૯૬૬માં પ્રકાશિત થયેલી એ શરૂઆતી અપવાદને બાદ કરતા મનોજભાઈનો પ્રથમ કાવ્યસંગ્રહ છેક ૧૯૭૦ માં ‘ અચાનક ‘ નામે આવ્યો . એ પછી ‘ અટકળ ‘ ( ૧૯૭૯ ) અને અંજની કાવ્યોનો સંગ્રહ ‘ અંજની ‘ અને ગઝલ સંગ્રહ ‘ હસ્તપ્રત ‘ બંને ૧૯૯૧ માં આવ્યા . કોઈ કહેતું નથી ( ૧૯૯૪ ) મા એમની ગઝલોને સંપાદિત કરી ને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરાયેલું તો મનોજભાઈએ લખેલ બધા જ પ્રકારના લખાણોમાંથી ૧૨૫ કાવ્યોને સંપાદિત કરી ને ‘ એમ પણ બને ‘ નામનો સંગ્રહ ૨૦૦૪ માં પ્રકાશિત થયો છે . ક્યાય પણ ગયો નથી એ મનોજભાઈનો અંતિમ કાવ્યસંગ્રહ છે . કવિના ‘અચાનક’, ‘અટકળ’ અને ‘અંજની’ સંગ્રહો અનુક્રમે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે; તો ‘હસ્તપ્રત’ને અકાદમી અને પરિષદ બંનેના પારિતોષિકો મળ્યા છે.

મનોજભાઈએ પોતાની રચનામાં અનેક નવા પણ સરળ શબ્દો નો ભરપુર ઉપયોગ કર્યો . પ્રાસના પુજારી આ પ્રયોગશીલ કવીએ સરળ અને ઓછા શબ્દોમાં પણ કેટલીય વેધક વાતો કહેલી છે . આવો આચમન કરીએ આવા જ કેટલાક શેર નું . કેમ ફૂલો ભરવસંતે આથમતાં ? બાગમાં વિખવાદ જેવું લાગે છે. - વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા , કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા - કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં, અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.- બે લખી ગઝલ મોથ શું મારી, એ તારી ક્યાં કમાલ ભૂલી જા…- હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે, હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું…- હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ? રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ. - બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છા નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા - લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી- બે ઘડી આ ગઝલ ગમી તો બસ, દોસ્ત અહીં થાવું છે અમર કોને.- કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ? ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.- સતત ઊંઘના રોજ ફુરચા ઊડે છે ,ભીતર કોઈ જામગરી દાગે અવિરત , અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી ,ખબર છે હજી કોઈ તાગે અવિરત . અનેક સરળ અને નવા શબ્દો ની વચ્ચે મનોજભાઈ ની ગઝલો માં એક શબ્દ હમેશા પુનરાવર્તિત થતો રહ્યો અને એ હતો ‘ શબ્દ ‘ કવિના શબ્દ ને એમણે શબ્દ સ્વરૂપે ઘણા બધા શેર માં રજુ કર્યો , શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો, એક ઝંઝાવાતને ખાળી લીધો- મને તું મૌન દઈને શબ્દ તારો લઈ જજે , પડી છે એક જાસાચિઠ્ઠી મારા ઉંબરે- ક્યાં સરળ શબ્દનો છે ખજાનો, એ ફણીધર નીચેનો ચરુ છે- એકેય પાન શબ્દનું લીલું નહીં રહે ,ઊડી રહ્યા છે તીડનાં ટોળાંઓ ગામ પર - હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો, મને એ રીતે હું પ્રસારી શકું તો.

જેમની કવિતામાં ક્યારેય બરછટતા કે કટાક્ષ ના જોવા મળે એવા ઋઝું દિલ કવિને ગળાના કેન્સરનું નિદાન થયું ત્યારે ચાહકોએ ઊંડો આઘાત અનુભવ્યો. પણ આ તો મનોજ , કેન્સર સામે પણ હસતા મોઢે જંગ લડ્યા અને જીત્યા પણ ખરા . ઓપરેશન પછી ડોક્ટરોએ એમને સ્વસ્થ જાહેર કર્યા હતા પણ પછી અચાનક ૬૦ વર્ષ ની ટુકી આયુમાં ગુજરાતી કવિતાને રડતી મૂકી ચાલી નીકળ્યા . મૃત્યુના સંભવિત પગલાઓ જાણે કેમ સાંભળી ગયા હોય એમ મનોજભાઈ એ કેટલીય રચનાઓમાં એ દર્દ અને છૂટી જવાની ઘટનાઓને બખૂબી રજુ કરી છે . નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી , સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ- તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા, મહામોંઘા અવસરનો સોદો ન કર. - લાખ રસ્તા ખુલી ગયા જ્યારે , થઈ ગયા બંધ શ્વાસના રસ્તા. - શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં, એક મારામાં અને એક આભમાં - પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે , ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ .- ભીતરથી છું ઝળહળ ઝળહળ , મેં સંભારણું ગજવે નાખ્યું , જીવ, ખરચ તું જીવન છૂટથી , લે, મેં મરણું ગજવે નાખ્યું - કે પછી એમના એક ગીતની આ પંક્તિઓમાં છૂટવાની વેદના સુપેરે સમજાય છે - આપણે ન આંગણાનો તુલસીનો ક્યારો કે આપણે ન ભીંત ઊભી અંધ , પાંદડાની લીલપને હોઈ શકે એટલો જ આપણો આ ઘરથી સંબંધ , ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના પંખી તો ઊડતું આકાશમાં. , કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ આપણે યે સરવાનું ઘાસમાં. સાપ કાચળી ઉતારે એમ જિંદગીનો મોહ ઉતારીને મનોજભાઈ તો ચાલ્યા ગયા પણ એમના શબ્દોના કંકુ ચોખા હજુ પણ દરેક મુશાયરામાં અબીલ ગુલાલ બનીને ચાહકોને રંગીન કરતા રહે છે . એમના ગયા પછી એમના પરિવારજનો અને સહૃદયોની મહેનતથી – ‘વરસોનાં વરસ લાગે’ (મનોજ ખંડેરિયાની સમગ્ર કવિતા), ‘શબ્દ જન્મ્યા પરવાળામાં (મનોજ ખંડેરિયાના કાવ્યોનો આસ્વાદ), ‘હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે’ (મનોજ ખંડેરિયા વિશેના સ્મરણલેખો-અભ્યાસલેખો).પ્રગટ થયા છે . પીંછાં સમી મૃદુ અને કમળતંતુ સમી મુલાયમ ગઝલોથી ગઝલ-કવિતાને રળિયાત કરનારાં સંવેદનશીલ , કલ્પનાશીલ અને પ્રયોગાત્મક એવા શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે ગુજરાતી ગઝલો ના ચાહકો તરફથી કોટી કોટી વંદન .

આ ઘરની ભીંતો ને ઝાંપો એને એવો ધક્કો આપો , આઘે દૂર ક્ષિતિજે સ્થાપો ....ત્યાર પછી જુઓ !

ઘરની આ સંકડાશ ન રહેશે , ઓછો કૈં અજવાશ ન રહેશે , ગૂંગળામણના શ્વાસ ન રહેશે ... ત્યાર પછી જીવો !

- અંજની કાવ્ય (મનોજ ખંડેરિયા )