Doast Mane Maf Karis Ne - Part-14 books and stories free download online pdf in Gujarati

Dost Mane Maf Karis Ne - 14

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૪

ખાલીખમ્મ ક્ષણો...

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૪. ખાલીખમ્મ ક્ષણો...

“ આ પ્રતીક્ષાવત ક્ષણોનો એમ સથવારો થયો

કોઈ બારી ખોલવામા એક જન્મારો ગયો..”

રાત આખી ખરતી રહી. રંગ ઉડી જતાં ઝાંખા પડી ગયેલ કપડાં જેવી સાવ નિસ્તેજ... ઝાંખીપાંખી સવાર ઉગી હતી. પંખીઓ ટહુકયા વિના જ... કોઈ ક્લરવ વિના જપ કામકાજે નીકળી ગયા હતા. ઉષા પોતાની રંગછટાના કામણ પાથર્યા સિવાય જ જાણે કોઈની વેદનાની અદબ જાળવતી હોય... કોઈના મોતનો મલાજો પાળતી હોય તેમ ગૂપ-ચુપ સરી ગઈ હતી. વૃક્ષો ડોલવાનું ભૂલીને શૂન્ય નજરે આસમાનને તાકતા ઉભા હતાં. ઘાસ પરના ઝાકળ બિંદુઓ આજે પ્રભાતના પ્રથમ કિરણોની સાથે જ જલદી-જલદી ઉડી ગયા. આ ભારી ભરખમ ક્ષણોનો તાપ તેમના કોમળ શરીરથી કેમ જીરવાય ? ઈતિનું રોજનું મુલાકાતી પેલું ચંચળ સસલુ ધીમે પગલે બગીચામાં આવ્યું, આમતેમ નજર ફેરવી ચૂપચાપ કોઈને શોધતું રહ્યું. આજે તેને વહાલ કરવાવાળુ કોઈ ન દેખાયું. થોડીવાર તો પ્રતીક્ષા કરી જોઈ. પરંતુ અંતે થાકીને, નિરાશ થઈ તે બહાર ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગયું. આસપાસ નજર ફેરવતી ખિસકોલી પોતાની ચંચળતા ભૂલીને સાવજઇધીમે ધીમે ઝાડ ઉપર ચડી રહી હતી. બધાએ ઉદાસીના વસ્ત્રો ધારણ કરી લીધા હતા કે પછી ઉદાસ દ્રષ્ટિને બધે ઉદાસીનું પ્રતિબિંબ દેખાતું હતું ?

વિચારોના વમળમાં ફસાયેલ, થાકેલ અરૂપની આંખો છેક વહેલી સવારે જરાવાર માટે મીંચાઈ હતી. અર્ધઉંઘમાંયે તેને ઈતિની ચિંતા થતી હતી. આ વેદના, આઘાતમાંથી તેને બહાર કેમ લાવવી? શું કરવું જોઈએ તે તેને સમજાતું નહોતું. અચાનક તેની આંખ ખૂલી ગઈ. ઘડિયાળમાં જોયું તો આઠ વાગતા હતા. તેની નજર બાજુમાં ગઈ. ઈતિ કયાં ? હમેશની માફક ગાર્ડનમાં છે ? તેણે બારીમાંથી નીચે નજર કરી. રોજ આ સમયે રણકતો હીંચકો સ્થિર... ખાલીખમ્મ હતો.

અરૂપ સફાળો ઉભો થઈ ગયો. ગભરાઈને જલદી જલદી પલંગમાંથી નીચે ઉતર્યો. કદાચ બાથરૂમમાં હશે માની દોડયો. પણ બાથરૂમ ખાલી હતો. તેનો શ્વાસ અધ્ધર ચડી ગયો. એક ક્ષણમાં તો કેટ કેટલા અમંગળ વિચારો મનમાં દોડી આવ્યા. હાંફળો-ફાંફળો તે ગાંડાની માફક બધે દોડયો. ત્યાં તેની નજર બાલ્કનીમાં ગઈ. હાશ..!

ઈતિ બાલ્કનીમાં રાખેલ હીંચકા પર બેઠી હતી. આંખોમાં શૂન્યતા અને શરીરમાં નિર્જીવતા... જડતાના કોચલામાં પૂરાયેલ ઈતિ જાણે પથ્થરની મૂર્તિ. બધાથી સાવ નિર્લિપ્ત. નજર કયાંય દૂર દૂર સુધી કોઈને શોધતી હતી કે શું ? પણ.. ના, એ આંખોમાં એવો કોઈ ભાવ પણ કયાં હતો? કયાંય કોઈ અનુસન્ધાન નહીં... કોઈ સંવેદનનું દૂર દૂર સુધી નામોનિશાન નહીં. અફાટ રણમાં યે કયાંક દૂર દૂર મૃગજળનો ભાસ તો જરૂર થતો હોય છે. જે માનવીને આશા આપતા રહીને દોડતો રાખે છે. પણ અહીં તો એ સુખદ ભ્રમણા.. એ મૃગજળ પણ કયાં ?

અરૂપે તેની પાસે જઇ મૃદુતાથી ઉચ્ચાર્યું. ‘ ઈતિ...’

ઈતિ પર કોઈ અસર નહીં. તે એમ જઇ ચિત્રવત બેસી રહી. શબ્દો તો સંભળાતા હતાં... અર્થ ખોવાઈ ગયો હતો. અરૂપ હળવેથી ઈતિ પાસે બેઠો. તેના વાળમાં સ્નેહથી હાથ ફેરવતો રહ્યો. ઈતિની આંખો નિર્જીવ... સાવ કોરીકટ્ટ... પણ અરૂપની આંખો આજે કોઈ શરમ વિના છલકતી રહી. તે ઈતિને પ્રેમ કરતો હતો. ખરેખર સાચા દિલથી પ્રેમ કરતો હતો. ફકત પ્રેમનો મર્મ સમજી નહોતો શકયો. પ્રેમ એટલે બંધન નહીં. એ સત્યથી તે કદાચ અજાણ હતો. ઈતિને ખોઈ બેસવાના ડરે ઈતિની દુનિયામાંથી અનિકેતનું નામો-નિશાન મિટાવવાના પ્રયત્નો તે કરતો રહ્યો. ઈતિની સામાન્ય વાતને, સામાન્ય ઈચ્છાને પણ તે અનિકેત સાથે જોડતો રહ્યો.

હવે ? હવે ઈતિની આ નિર્જીવતા, આ મૌન તેને દઝાડી રહ્યું હતું. શું બોલવું તે તેને સમજાતુ નહોતું. ઘણું કહેવું હતું, માફી માગવી હતી..પણ કોઈ શબ્દો મળતા નહોતા. શબ્દો સાવ પોલા... ખોખલા બની ચૂકયા હતા. ઈતિ કશું સમજી શકે તેવી માનસિકતા પણ કયાં બચી હતી ? તો હવે ? શું કરવું ? શું કરી શકે તે ? અરૂપની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં નીચે બેલ વાગી.

અરૂપ નીચે ગયો. કામ કરવા માટે તારાબેન આવ્યા હતા. વરસોથી અહીં તે જ બધું કરતા હતા. અરૂપે તારાબેન સાથે વાત કરી લીધી. ઈતિની તબિયત સારી નથી કહી રસોઈની અને ઘરની બધી જવાબદારી તેને સોંપી દીધી. તારાબેન ઓછાબોલા હતા. સાહેબને વધારે પૂછ-પરછ કર્યા સિવાય તે કામે વળગ્યા.

અરૂપે પોતાને હાથે બંને માટે ચા બનાવી. ઈતિને ચામાં હમેશા ખૂબ આદુ અને એલચી નાખવા જોઈએ. જયારે અરૂપને આદુ વિનાની ચા પસંદ હતી. આજે તેણે પોતાને માટે પણ આદુવાળી ચા બનાવી. અને હાથમાં બંનેની ચાના કપ લઈ ઉપર આવ્યો. કશું બોલ્યા સિવાય ઈતિના હાથમાં ચાનો કપ આપ્યો... મેન્ટલી રીટાર્ડેડ બાળક જોઈ રહે... બરાબર તેની માફક ઈતિ ઘડીકમાં ચા સામે તો ઘડીકમાં અરૂપ સામે જોઈ રહી. હાથમાં પકડેલ ચાના કપનું શું કરવાનું હોય તે સમજાતું ન હોય તેમ ! અરૂપે ધીમેથી કપ ઈતિના હોઠે લગાડયો. ઈતિને ઘૂંટડો ભરાવ્યો...

થોડીવારે અરૂપે ખાલી કપ ધીમેથી નીચે મૂકયો. નેપકીનથી ઈતિનું મોં લૂછયું. પોતે પણ ચા પીધી. સવારે દસ વાગ્યે બંને સાથે જમી જ લેતા. તેથી નાસ્તો કરવાની બેમાંથી કોઈને આદત નહોતી. પછી અરૂપ ઓફિસે જાય અને ઈતિ હાથમાં છાપા અને મેગેઝિનો લઈને બેસે. પરંતુ આજે અરૂપને ઓફિસે જવું નહોતું. ઈતિને આમ એકલી મૂકીને તે કયાંય જ ન જઇ શકે. અરૂપે ઓફિસમાં ફોન કરી પોતે હમણાં થોડા દિવસો નથી આવવાનો એવી સૂચના આપી દીધી.

હવે ? હવે શું કરવું ? શું બોલવું ?

તે હળવેથી ઈતિની બાજુમાં બેઠો.

‘ ઈતિ, મને માફ નહીં કરે ? ના... ના... મારે માફી નથી જોઈતી. તું કહે એ સજા મને મંજૂર છે. હું જાણું છું કે મારી ભૂલ માફીને પાત્ર નથી જ. અરે ? સજાને લાયક પણ હું નથી. ઈતિ, હું તને સમજી ન શકયો. તને ખોવાના ડરમાં હું ભાન ભૂલી ગયો... ઈતિ પ્લીઝ... અરૂપ આગળ બોલી ન શકયો.

તે ફરી એકવાર ધુ્રસકે ધુ્રસકે રડી ઉઠયો. ઈતિની આ હાલત તેનાથી જોઈ નહોતી શકાતી. પોતે કેટલો લાચાર બની ગયો હતો એનો અહેસાસ તે દરેક પળે કરી રહ્યો હતો. દોષ પણ કોને આપે ? પોતે જ આ માટે જવાબદાર હતો અને હવે...

અરૂપનો વલોપાત ઈતિને કાને કદાચ અથડાતો તો હશે પરંતુ અંદર સુધી સ્પર્શતો નહોતો.

તારાબહેન ઉપર આવ્યા. અરૂપે જલદીથી આંખો લૂછી.

તારાબેને ઈતિ સામે જોઈ પૂછયું

‘ બહેન, આજે જમવાનું શું બનાવું ? ‘

ઈતિને મૌન જોઈ તેને થયું કે બહેનને સંભળાયું નથી. તેથી તેણે પોતાનો પ્રશ્ન ફરીથી રીપીટ કર્યો. ઈતિની આવી હાલતની તેને કલ્પના કેમ આવે?

ઈતિ તારાબેનને ઓળખતી ન હોય તેમ ચૂપચાપ તેની સામે જોઈ રહી.

અરૂપે જવાબ આપ્યો,

’ બહેનની તબિયત હમણાં સારી નથી... તમને જે ઠીક લાગે તે બનાવી લેવાનું. પહેલાં તમે બનાવતા જ હતા ને ? બહેનને શું ભાવે છે તેનો ખ્યાલ તમને છે જ. બરાબર ને ? ‘

તારાબેને માથુ હલાવી હા પાડી. ઈતિને શું થયું છે તે તેને સમજાયું નહીં. પરંતુ વધારે પૂછપરછ કર્યા સિવાય તે નીચે ગયા.

અરૂપ પોતાની જાતને કોસતો બેસી રહ્યો... અંતે જમવાનો સમય થતાં તે નીચેથી બંનેની પ્લેટ લાવ્યો. તારાબહેને ઈતિને ભાવતું ઉંધિયુ અને પૂરી બનાવ્યા હતા.

‘ ઈતિ, તારૂં ફેવરીટ ઉંધિયુ આજે તારાબહેને બનાવ્યું છે. તું જાતે ખાઈશ કે મારી ઈતિને હું ખવડાવું ? ‘

જવાબની રાહ જોવાનો કોઈ અર્થ નહોતો. તે જાણતા અરૂપે નાના બાળકની જેમ ઈતિને કોળિયા ભરાવ્યા. તે જમતો ગયો અને ઈતિને જમાડતો ગયો. ઈતિને ખવડાવી, પાણી પીવડાવી અરૂપે તેને ધીમેથી ઉભી કરી. અને પલંગ પર સૂવડાવી. પોતે તેની પાસે તેના માથા પર હાથ ફેરવતો બેસી રહ્યો. ઈતિને લાગેલ આઘાતનો, ઈતિની વેદનાનો અહેસાસ તેને થયો હતો. પણ હવે... હવે શું કરી શકે તે ?

આ ક્ષણે તેને સમજાયું હતું કે અનિકેતની વિદાય કરતાં પણ પતિની આ અપરિચિત ઓળખાણનો, કદી ન કલ્પેલ આ સ્વરૂપનો આઘાત ઈતિને વધારે લાગ્યો હતો. આ કંઈ ફકત અનિકેતની વિદાયનો આઘાત જ નહોતો. એ તે સમજી શકયો હતો. અને તેથી જ...

અઠવાડિયું આમ જ પસાર થયું...

આકાશમાં વાદળો ઘેરાયેલ જ રહ્યા. ઘનઘોર વાદળોએ ઝળહળતા સૂર્યને પણ ઢાંકી દીધો હતો. અસ્ત થવું અને ઉગવું એ ક્રમ પણ જાણે સૂર્ય ભૂલી ગયો હતો કે શું ? વાદળો હટે તો એનું અસ્તિત્વ અનુભવી શકાય ને? પણ આકાશનો ગોરંભો હટવાનું નામ જ નહોતો લેતો... દિવસો ફિક્કા, તેજહીન.

વરસાદની ૠતુ હતી. કાળા ડિબાંગ વાદળો નહોતા ખસતા કે નહોતા વરસતા. સઘળું કોરૂંધાકોર. વાતાવરણમાં નહીં ઉજાસ કે નહીં અંધકાર.

અરૂપના જીવનમાં, મનમાં અનેક નવી ક્ષિતિજો ઉઘડી હતી. કયારેય ન સમજાયેલ સત્યો સમજાયા હતા. ન જોઈ શકેલ અનેક વાતો આજે દીવા જેવી સ્પષ્ટ દેખાતી હતી. નાની-નાની વાતોમાં પ્રેમને નામે ઈતિ પર કરેલ અદ્રશ્ય અત્યાચાર, અને દરેક વાતમાં ઈતિનું મૌન સમર્પણ! તે શું ભૂલે અને શું યાદ કરે? અરે, દરિયે જવા જેવી સામાન્ય વાતને પણ તે ટાળતો આવ્યો હતો. શા માટે? કેમકે અનિકેતને દરિયે જવું ગમતું હતું..! ઈતિને ડાન્સીંગ કલાસ ચાલુ નહોતા કરવા દીધા... શા માટે? છળ કરીને ઈતિને અનિકેત પાસેથી ઝૂંટવી લીધા બાદ પણ તે એક પછી એક અદ્રશ્ય અત્યાચાર નિર્દોષ ઈતિ પર કરતો રહ્યો હતો. અને સરળ ઈતિ અટલ વિશ્વાસથી પોતાની બધી વાત સ્વીકારતી આવી હતી. અરૂપની આંખોમાં સમુદ્રની છલોછલ ભરતી આવી હતી. જેને તે પોતાની જીત માનતો હતો તે કેવડી મોટી હાર હતી એ તેને સમજાયું હતું. પરંતુ કયારે ? સર્વસ્વ ગુમાવી બેઠા પછી.

ઈતિની વેદના તેને કોરી ખાતી હતી. શું કરે તે ? શું કરી શકે કે હવે શું કરવું જોઈએ તે સમજાતું નહોતું. ઈતિ માટે તે ગમે તે કરવા તૈયાર હતો. પોતે કરેલ પાપનું પ્રાયશ્વિત કેમ કરી શકાય તે સમજાતું નહોતું. અને ઈતિ કશું સાંભળી કે સમજી શકવાની સ્થિતિમાં કયાં રહી હતી ? જો આમ જ લાંબુ ચાલ્યું તો..? અરૂપ ધુ્રજી ઉઠયો.

ઈતિએ તેને કોઈ પ્રશ્ન નહોતો કર્યો. કશું જ બોલી નહોતી. અભેદ મૌનની દીવાલ ઓઢીને તે બેસી હતી. તેની કોરી આંખોમા પથરાયેલ જડતા અરૂપને હચમચાવી રહી હતી. અરૂપ સાથે તે ઝગડી લે... તેને સજા કરે... તેને હલબલાવીને તેની પાસે જવાબ માગે તો અરૂપ પોતાનો ગુનો કબૂલ કરી માફી કે સજા માગી શકે. પણ... પણ તે કદાચ તેને પણ લાયક નહોતો. ઈતિની નફરતનો ઓથાર કેમ જીરવવો ? જોકે ઈતિની આંખોમાં નફરત હતી કે દયા હતી ? કે પછી એક પથરીલી શૂન્યતા ? તે પણ તેને સમજાતું નહોતું. ઈતિ એક જીવતી લાશ બની ચૂકી હતી.

કોઈ સાનભાન વિના ચાવી દીધેલ પૂતળીની માફક અરૂપ કહે તેમ ઈતિ કર્યા કરતી. અરૂપ ખાવાનું આપે અને કહે ત્યારે ચૂપ-ચાપ ખાઈ લેતી. અરૂપ પાણી આપે ત્યારે પાણી પી લેતી. અરૂપ કહે ત્યારે બેસતી, તે કહે ત્યારે સૂઈ જતી.

ઈતિને તેના પિયર એકાદ મહિનો જવાનું સૂચન અરૂપે કરી જોયું. પણ ઈતિને તેની વાત સમજાઈ ન હોય તેમ ટગર-ટગર તે અરૂપ સામે જોઈ રહી. આટલા વરસોમાં ઈતિને કયારેય અળગી ન કરનાર, કયાંય એકલી ન મૂકનાર અરૂપે તેને એકાદ મહિનો પિયર જવાની કે કયાંય પણ બીજે બહાર જવાની વાત કરી જોઈ. પણ જવાબ આપવાની સભાનતા ઈતિમાં કયાં બચી હતી ? આખો દિવસ બાલ્કનીમાં બેસી દૂર દૂર સુધી નિર્જીવ આંખે ન જાણે તે શું તાકી રહેતી.

’ ઈતિ, ચાલ, આપણે દરિયે જીશું ? ભીની રેતીમાં સરસ મજાનું ઘર બનાવીશું.’

કે ‘ ઈતિ તારે ડાંસીંગ કલાસ જોઈન કરવા છે ? ‘

‘ ઈતિ, તારે નોકરી કરવી છે ? ‘

પણ કોણ જવાબ આપે તેને ? અરૂપ શું કહે છે તે ઈતિને પૂરૂં સમજાતુંજઇકયાં હતું ? બધિર ઈન્દ્રિયો લઈ તે ફકત શ્વાસ લઈ રહી હતી.

અરૂપ, જે કયારેય અનિકેતની વાત ભૂલથી પણ ન નીકળે તેનું સતત ધ્યાન રાખતો હતો..તે હવે અનિકેતની વાતો કરતાં થાકતો નહોતો. તેને આશા હતી કયારેક અનિકેતની વાતો ઈતિના કાનમાં અથડાશે અને તેની ચેતના જાગૃત થશે... ઈતિ રડશે તેની પર ગુસ્સો કરશે કંઈક પ્રતિભાવ મળશે એ આશાએ તે અનિકેતની યાદ અપાવવા મથતો રહેતો.

સમય માનવીને કેટલી હદે બદલાવી દે છે ?

‘ ઈતિ, અનિકેત પ્રત્યેનો તારો પ્રેમ હું અનુભવી શકતો હતો. પણ સ્વીકારી નહોતો શકતો. પ્રેમનું એક જ સ્વરૂપ નથી હોતું... તે સત્ય સમજી નહોતો શકતો. તને ખબર છે ઈતિ, તને અનિકેતથી દૂર રાખવા માટે હું કેવા કેવા પેંતરા કર્યા કરતો હતો... હું મૂરખ... સાવ મૂરખ હતો... હું અનિકેતની ઈર્ષ્યા કરતો હતો. શૈશવના તમારા ર્નિવ્યાજ સ્નેહને સમજી શકવાની અક્કલ મારામાં કયાં હતી? ઈતિ, તારા અરૂપને તું માફ નહીં કરે? તેં મને આટલો પ્રેમ આપ્યો. પણ તારા પ્રેમને હું લાયક નહોતો. ઈતિ, મારી ભૂલ મને સમજાય છે. તારા અતીત સાથે સંકળાયેલી દરેક વાતથી તને દૂર રાખવાના પ્રયત્નો હું કર્યા કરતો. ‘

અરૂપ ઈતિ આગળ પોતાની જાતને કોસ્યા કરતો. પણ ઈતિ તો જાણે બહેરી... સાવ બહેરી..! આજે ઈતિના પ્રેમને તે સમજી શકયો હતો, સ્વીકારી શકયો હતો. પ્રેમના અનેક સ્વરૂપો હોય છે..અનિકેત પ્રત્યેનો પ્રેમ એ અરૂપ માટેની બેવફાઈ નહોતી. કે અરૂપ પ્રત્યેના પ્રેમની કચાશ નહોતી. ઈતિના સ્નેહમાં કયાંય ખોટ નહોતી. પોતે મનોમન વિચારતો રહ્યો હતો કે અનિકેતથી દૂર રાખીને તે ઈતિને મેળવી શકશે... કેવા મોટા અને ખોટા ભ્રમમાં તે હતો !

પરંતુ કેટલાક સત્યો માટે બહું મોડું થઈ જતું હોય છે. ‘ પોઈન્ટ ઓફ નો રીટર્ન ‘ પર પહોંચ્યા પછી કોઈ વાતનો અર્થ નથી રહેતો.એનો અહેસાસ અરૂપ કરી રહ્યો હતો. આગળ જવાતું નહોતું. અને પાછળ જવાની કોઈ ગૂંજાઈશ નહોતી રહી. શું કરવું ? હથોડાની જેમ અરૂપના મગજમાં આ એક જ વિચાર અથડાતો રહેતો. જે થઈ ગયું હતું તે ન થયું કેમ કરી શકાય ? અનિકેત, મારા દોસ્ત, એકવાર એકવાર આવ..હું તારો ગુનેગાર છું..હું હારી ગયો છું અનિકેત, હારી ગયો છું. કોઈ વ્યક્તિને ઝૂંટવીને મેળવી તો શકાય પણ પામી ન શકાય. દોસ્ત, સમજાય છે આજે મને સમજાય છે. અરૂપ પશ્વાતાપના પાવક અગ્નિમાં જલતો રહેતો. પણ નકામું હતું... બધું નકામું... સાવ અર્થહીન..

પણ એમ હિમત હાર્યે પણ કામ ચાલે તેમ નહોતું. ઈતિની હાલત માટે તેજઇજવાબદાર હતો અને ઈતિની આ હાલત તે જોઈ શકતો નહોતો. શું કરે તે ? શું કરી શકે ?

પ્રશ્નનો ઉતર કોણ આપે તેને ? શું હમેશા આમ જ..? તેના પાપનું કોઈ પ્રાયશ્વિત નહીં હોય ?