Youth World - Ank 1 - Part - 2 books and stories free download online pdf in Gujarati

યુથ વર્લ્ડ : અંક ૧ ભાગ ૨

અંક – ૧

ભાગ – ૨

ઓલનાઇન ગુજરાતી મેગેઝિન

Fb.com/YouthWorldOnline


આજનું મોતી

જીવનમા ફક્ત એક સારી વ્યકિતનો સાથ હોય તો આખી જીંદગી આસાનીથી જીવી શકાય છે,પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યકિતની શોધમાં આખી જીંદગી વીતી જાય છે.


યુથ વર્લ્ડ વિશે

યુથવર્લ્ડની શરૂઆત ફેસબુક પેજ સ્વરૂપે થઇ હતી. પરંતુ જેમ જેમ વાંચકોનો સારો પ્રતિસાદ મળતો ગયો એમ એમ યુથ વર્લ્ડે વધારેને વધારે સારૂ પીરસવાનો પ્રયત્ન કર્યો. ફેસબુક પેજથી યુથવવર્લ્ડ GujjuWorld.net વેબસાઇટ પર આવ્યુ.

યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ માહિતી પૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું મીશન છે.


અનુક્રમણિકા

૧. અવગત – પિયુષ કાજાવદરા

૨. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ

૩. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ

૪. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ

૫. ભલે પધાર્યા – મનસ્વિ ડોબરીયા

૬. વેલકમ – બીનિતા કંથારીયા

૭. નવી દ્રષ્ટિએ – પૂજન જાની

૮. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ


૧. અવગત – પિયુષ કાજાવદરા

મારું નામ પિયુષ કાજાવદરા અને અભ્યાસ પર જોઈએ તો હું એક મિકેનિકલ ઇજનેર છું. સાદો અને સિમ્પલ માણસ. મારી વાર્તા માં જોઈએ તો મારો ફેવરીટ ટોપિક છે લવ સ્ટોરી અને મારી ઘણી વાર્તા પબ્લીશ થઇ ચુકી છે માતૃભારતી એપ પર. જેમાં પ્રેમ ની પૂજા કે પૂજા નો પ્રેમ, ઇશ્ક, અને અમર પ્રેમ ખાસી એવી વખણાયેલી વાર્તા ઓ છે. અને મોટીવેશનલ માં કહું તો ઓહ જિંદગી, સ્ટીવ જોબ્સ અને એક પત્ર પણ રીડર મિત્રો દ્વારા બહુ વંચાયેલી છે પણ મારા મગજ માં કાઈ અલગ જ ચાલી રહ્યું હતું અને એ હતું એક મેગેઝીન બનાવવાનો વિચાર પણ કઈ રીતે એની કાઈ ખબર ના હતી. મેગેઝીન તો માર્કેટમાં આવે જ છે પણ આ મેગેઝીન કાઈ અલગ જ બનાવવાનો વિચાર હતો. કાઈ અલગ જ જેમાંથી બધા ને માર્ગદર્શન મળતું રહે. પહેલા જ જઇ ને ભાવીશાબેન સાથે વાત કરી અને તેમણે મારી હા માં હા ભેળવી. પહેલો ટાર્ગેટ હતો થોડા એવા લેખકો ને શોધવાનો જે એમની ફિલ્ડ માં માહીર હોય. એ પત્યું અમારી પાસે ૧૪ લેખકો હતા જે પોતાની ફિલ્ડ માં એવા માહીર હતા કે જ્યાં તેમને કોઈ ના પહોંચી શકે અને તેમાંથી ઘણા લેખકો એવા પણ છે જેઓ માતૃભારતી એપ પર ના ટોપ ૨૫ માં સામેલ પણ છે. આવી રીતે યુથ વર્લ્ડ ઘડાયું અને એટલો જલ્દી સારો રિસ્પોન્સ મળશે એવી આશા નહોતી પણ બહુ જલ્દી સારો રિસ્પોન્સ મળ્યો.

ખરી વાત તો હવે શરુ થાય છે. જેટલા લેખકો મળ્યા એમની અવનવી છાપ તો મગજ માં બેસી જ ગઈ હતી પણ આ લેખક ની વાત કાઈ અલગ જ હતી. મારા અને એમના વિચારો ઘણા સરખા હતા જે મેં અને ભાવીશાબેન એ વિચાર્યું હતું એ એમના મગજ માં ઘણા સમય થી હતું પણ એમની પાસે પુરતો સમય ના હતો. અમારા પેજ ની શરુવાત ફેસબુક પરથી થઈ અને અમે તેને ફેસબુક પુરતું જ રાખ્યું હતું એક એફ મેગેઝીન જે કદાચ પહેલું બધા કરતા અલગ પડતું મેગેઝીન હતું અને પછી કલાઈમેક્સ ની શરુવાત થઇ અને અમને મળ્યા હિરેનભાઇ. હિરેનભાઈ એ આવી ને અમારા આ મેગેઝીન ને ખરી રાહ બતાવી અને ફેસબુક પરથી અમને બધા ને માતૃભારતી સુધી પહોચાડ્યા. હિરેનભાઈ ના સાથ વગર અહીં સુધી પહોચવું બહુ મુશ્કેલ હતું અને ભાવીશાબેન ના સાથ વગર યુથ વર્લ્ડ ની સ્થાપના કરવી મુશ્કેલ હતી. ભાવીશાબેન અને હિરેનભાઈ મારા પાયા ના સાથીદારો બની ને રહ્યા છે અને હિરેનભાઈ ની મહેનત સૌથી વધુ રહી છે કારણ કે આજકાલ તો પૈસા વગર તો કોઈ કામ કરવા તૈયાર જ નથી એવા માં હિરેનભાઈ એ પોતાનો કિંમતી સમય અમને આપી ને ફેસબુક પેજ સંભાળવું અને બધા લેખો ના કવર પિક્ચર બનાવવા એ પણ કોઈ પણ જાત ના સ્વાર્થ વગર એ બહુ મોટી વાત હતી અમારા માટે.

લાસ્ટ માં અમારા લેખક મિત્રો જેમના વગર યુથ વર્લ્ડ નું ચાલવું જ મુશ્કેલ હતું.

બધા મિત્રો નો ખુબ ખુબ દિલ થી આભાર કે મારા સપના સાથે જોડાય ને પુરતું યોગદાન આપ્યું.

યુથ વર્લ્ડ પર આવશે શું પણ?

આ સવાલ બધા ના મગજ માં ચાલતો જ હશે.

જવાબ માં યુથ વર્લ્ડ નો ગોલ હંમેશા કાઈ નવું નવું લાવી ને તમને બધા ને પીરસવા નો રહ્યો છે અને રહેશે. જે આજ થી ઘણા વર્ષો પછી પણ વંચાશે તો પણ ત્યારે નવું અને માર્ગદર્શન આપતું રેહશે. બધા પાસે એક એક અલગ ટોપિક છે જેમાં લેખક પોતાને નીચોવી ને પણ તમને મજા કરાવશે એની ખાતરી મારી.

કોઈ એક ટોપિક બે વખત તો લગભગ નહી આવે કારણ કે બધા જ ટોપિક ને ગોતી ગોતી ને આપવામાં આવ્યા છે અને પ્રેમ કરવા વાળા માટે લવ સ્ટોરીઓ પણ છે તો પૌરાનિક કથા માં રસ રાખવા વાળા ઓ માટે જૂની કથા ઓ પણ અને એ પણ અત્યારની જનરેશન ના મગજ માં બેસી જાય એવી ભાષા માં. અહી કૃષ્ણ સાથે ની વાતો પણ છે તો સસ્પેન્સ થી ભરેલી થ્રીલર વાર્તા ઓ પણ. અને રસોયાઓ માટે રેસીપી પણ છે અને મશીન માં રસ ધરાવતા ઓ માટે ટેકનોલોજી જ્ઞાન પણ. અહી પર્યાવરણ અને કુદરત ની વાતો સાથે રસદાર કવિતા ઓનો સાથ પણ છે અને સાથે સાથે ટ્રાવેલિંગ પ્રેમી ઓ માટે ખાસ દુનિયા ની સફર માટે નું માર્ગદર્શન પણ છે. અહી ચાલતા દિવસ માં ઘણા એવા કિસ્સા ઓ જેના થી બધા જાણીતા છે પણ નજર અંદાજ કરે એવા કરંટ અફેર્સ પર ના મોટીવેશનલ વાતો જે જરૂર બદલાવ લાવશે. ફિલ્મો ની દુનિયા ની રસપ્રદ માહિતી અને રીવ્યું જે તમને મૂવી વિશે પુરતી માહિતી સાથે અમુક ફિલ્મી જગત ના કલાકારો સાથે પણ કરાવશે અને દુનિયા ના કોઈ પણ છેડા માં હસ્તી છુપાય ગયેલી હશે તો તેમના જીવન વિશે ની પૂરી માહિતી શોધી ને લાવશે જે તમને ખુબ જ નોલેજ પૂરું પાડશે અને સાથે સાથે જીવન જીવવાના રંગો પણ સીખવશે.

આ છે અમારા બધા ટોપિક જેના પર બધા લેખકો કાર્યરત છે .

અને હવે બધા લેખકો નો નાનો એવો ઇન્ત્રો. બધા મોસ્ટ ઓફ બધા ને ઓળખતા જ હશે તો પણ બધા પોતાના વિશે કાઈ કહે છે જે તમે જાતે જ વાંચી લ્યો.

1)

સુલતાન સિંહ મારુ નામ અને સામાન્ય રીતે હુ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર સાથે જોડાયેલો અને ભગવત ગીતાના મર્મ સાથે વણાયેલો વ્યક્તિ. મારી સફળતાના આધારમાં એવું ભારે તો કઇજ નથી તેમ છતાં હું સતત પ્રયત્નશીલ રહું છું. વધુ જાણવા માટે મને વાંચતા રહો કહેવાય છે શબ્દોમાં વ્યક્તિને સારી રીતે ઓળખી શકાય છે. .

2)

અર્ચના ભટ્ટ પટેલ

ઉંમર 39 વર્ષ

પ્રશ્નોરા નાગર જ્ઞાતિની દિકરી અને ધર્મજ ગામે છ ગામ લેઉઆ પાટીદાર જ્ઞાતિની વહુ, બાળપણ લેખિકા માતા જ્યોતિ ભટ્ટ, અને પિતા થિયેટર કોમેડિયન આર્ટીસ્ટ સતિષ ભટ્ટની સાથે નાના નાના જોડકણાં લખવાથી અને સિરિયલ તેમજ નાટકમાં બાળકલાકારથી લઈને નાટકોમાં અભિનય કરતાં કરતાં યુવાની સુધી પહોંચ્યું.

અભ્યાસ ભારતીય સંસ્કૃતિ વિષય સાથે સ્નાતક, અને એ ઉપરાંત પરફોર્મિંગ આર્ટ્સ તેમજ નાટ્ય દિગ્દર્શન પરનો એક વર્ષીય અનુસ્નાતક ડિપ્લોમાં તેમજ નર્સીંગ ઈન ફર્સ્ટ એઈડ્ઝ નો અનુસ્નાતક ડિપ્લોમાં કરેલ છે. મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયેલા છે, ‘તુલસીદાસની કવિતાવલીનો રસાસ્વાદ’, "શમણાં તો અશ્રુની જાત" અને ત્રીજું પુસ્તક "હૃદય નામે ઉખાણું" કે જેમાં જુદા જુદા અલંકાર અને પ્રાસવાળી કવિતાઓ તેમજ થોડાં હાઈકુની રચનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

3)

પૂજન જાની ભુજ કચ્છના વતની છે જે અત્યારે વડોદરાની M.S.University બીજા વર્ષમાં engineering નો અભ્યાસ કરી રહ્યા છે. કચ્છમિત્રમાં લખી વર્તમાનપત્ર અને માતૃભારતી પર છેલ્લા થોડા સમયથી લખી રહ્યા છે

4)

મેહુલ એમ. સોની "યાર"

રણમલપુર (ધ્રાંગધ્રા) ના વતની

બિઝનેસની સાથે લેખનની દુનિયામાં તરબોળ.

ન્યુઝપેપર, મેગેઝીનમાં ઘણાં આર્ટિકલ, સ્ટોરી,કાવ્ય પ્રસિધ્ધ થયાં છે.માતૃભારતી પર ઈ-બૂક તરીકે 3 બૂક પબ્લિશ થઈ છે તેમ જ થતી રહે છે. અને મિત્રો સાથે ઈ-મેગેઝીન યુથ વલર્ડમાં સતત પ્રગતિના શિખરો સર થઈ રહ્યાં છે.

વધું પરિચય માટે વાંચતા રહેજો હું કયાંકને ક્યાંક મલી રહીશ.

5)

જીજ્ઞા પટેલ

જેવું નામ તેવા ગુણ. મને અવનવું જાણવું અને તેને માણવું તે હંમેશા મારી પહેલી પસંદ રહી છે. નવા લોકો અને નવા લેખકો ના વિચારો જાણવા વધુ ગમે છે મને. મારું વતન જૂનાગઢ છે અને હું એક શિક્ષિકા ની ફરજ પૂરી પાડું છું.

6)

કંદર્પ પટેલ

જન્મથી નામ 'કંદર્પ' સાચવવાનો પ્રયત્ન કરતો રહું છું.

જિંદગીની મોજીલી ગલી એ હસાવતો રહું છું,

જો કોઈ લગાવે બારણે મળવા ટકોરા,

હૃદય ખોલીને ભેટવા દરવાજો ખોલ્યા કરું છું.

7)

જિતેન્દ્ર પટેલ

બાળપણ થી કલા માં રુચિ ધરાવતો અને મોકો મળે ત્યાં મંચ પર છટાબાજી બતાવતો , લેખન ના સૌંદર્ય ને મારી રીતે રજુ કરતો 20 વર્ષ નો અને હા, થોડો સ્માર્ટ દેખાતો યુવાન એટલે હું જીતેન્દ્ર પટેલ. અને હા પાર્ટ ટાઈમ માં હું દુનિયા ની ચિંતા કરવી , અઢળક પ્રેમ કઈ રીતે મળે એની પ્લાનિંગ કરવી અને સંતૃપ્ત રહેવું જેવા કામ પણ કરું છું.

8)

મારૂ નામ રવિ અતુલભાઈ રાજ્યગુરુ છે. હું મૂળ રાજકોટનો વતની છું. શહેરની ખ્યાતનામ વીવીપી એન્જીનિયરીંગ કોલેજના ઇ.સી. વિભાગમાં આંઠમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું. બહુ મોટો લેખક તો નથી પરંતુ હા, માતૃભારતી એન્ડરોઈડ એપ્લીકેશન પર મારી કુલ બે નવલકથા પબ્લીશ થઈ છે. ‘ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર’ અને ‘સ્પીચલેસ વર્ડ્સ – અ લવ સ્ટોરી બિયોન્ડ ફ્રેન્ડશિપ’. રાજકોટના અગ્રગણ્ય વર્તમાનપત્ર ફૂલછાબમાં હું કોલમનિસ્ટ છું. ‘ફિલ્મ્સમીક્ષા’ જે દર સોમવારે ફૂલછાબ વર્તમાનપત્રમાં આવે છે. જે મુખ્યત્વે દર શુક્રવારે રિલિઝ થતાં ફિલ્મોની સમિક્ષા રજૂ કરવામાં આવે છે. હવે મારૂ લેખન કૌશલ્ય કેવું છે? તે આપ યુથવર્લ્ડમાં પ્રકાશિત થતાં લેખમાં જ વાંચી શકશો. આભાર.

9)

હિરેન કવાડ એક લેખક છે, જેમણે થોડા સમય પહેલા જ એમની ફર્સ્ટ નોવેલ ધ લાસ્ટ યર પૂરી કરી. એના સિવાય એમના બીજા ત્રણ પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. ગુજરાતી ભાષા સિવાય એ અંગ્રેજીમાં પણ લખે છે. લેખન સિવાય એમને ટેકનોલોજીમાં પણ ખુબ જ રસ છે. એમની વાર્તાઓમાં તમને ૨૧ સદિના પ્રશ્નો અને ટેકનોલોજી સાથે આજના લોકો સંબંધ દેખાઇ આવે.

10)

મારુ નામ ભાવિશા આર.ગોકાણી છે.હુ વ્યવસાયે પ્રાથમિક શિક્ષિકા છુ.મને બાળપણથી જ વાંચનનો ખૂબ જ શોખ છે.મે આજ સુધી ઘણી નવલકથા,ટૂંકી વાર્તાઓ, નિબંધો, લેખો લખ્યા છે.જેમાથી matrubharti પર ઘણા પ્રકાશિત થઇ ચુક્યા છે અને અને પ્રતિલિપિના સંકેત અને પંક્તિ મેગેઝિન માં મારી રચનાઓ પ્રસ્તુત થાય છે.

11)

પ્રવિણ પીઠડીયા:

સસ્પેન્સ જે મારા દિલો અને દિમાગ માં હંમેશા દોડતું રહે છે અને તેનું એક જ કારણ છે અશ્વિની ભટ્ટ. જેમની બુકો વાંચી ને આજે મારી સસ્પેન્સ અને થ્રીલર નોવેલો લખવાની ક્ષમતા વધતી જ જઇ રહી છે. મારી ઘણી બુક્સ માતૃભારતી પર અવેલેબલ છે જેમાંની અંજામ અત્યારે એપિસોડ સ્વરૂપે પીરસવા માં આવે છે અને પ્રતિસાદ પણ બહુ સારો મળે છે .

12)

ભાવિક મેરજા

ભાવિક મેરજા મોરબી ના વતની છે..જે અત્યારે રાજકોટની RK Univercity માં બીજા વર્ષમાં physiotherapy નો અભ્યાસ કરી રહ્યા છે.. પોતાની એક નવલકથા "લવ મી લાઈક યુ ડુ" થોડા સમય પહેલા જ લોન્ચ થઇ..

૨. બુક રીવ્યુ – જિજ્ઞા પટેલ

સફળતા કરે છે સાદ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

ડૉ.ચંદ્રકાન્ત મહેતા એક શિક્ષક કમ સર્જક છે.તેમના પુસ્તકો ક્રિએટીવ કટાર જેવા છે.ગુજરાતી સાહિત્યને તેમણે રળિયાત કર્યું છે.તેમના માંગલિક લખાણોમાં જીવનનું પંચામૃત ઘોળાયેલું લાગે છે.એક કટ્ટર સમાજ સુધારાવાદી લેખક પોતાની કલમથી જાણે માતૃભાષાને તરબતર કરે છે તેવા તેમના પુસ્તકો ગીતાજી સમાન છે.આજના યુવાનોએ ખાસ વાંચવા જેવા છે.

તેમણે માતૃભાષા સિવાય પણ હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ વાર્તા,નિબંધ,કાવ્યો,બાળ સાહિત્ય,યુવા સાહિત્ય, ચિંતન,જીવન ચારિત્ર્ય વગેરે ઘણું પ્રદાન કર્યું છે. માતૃભાષાને ખોળે રમીને તેમણે ‘ગુજરાત સમાચાર’ને પણ જાતને ઉલેચીને ઉછેર્યું છે.

‘સફળતા કરે છે સાદ’ નામ સંભાળતા જ તેની અસર છેક ઊંડે સુધી થતી હોઈ તેમ લાગે છે.આજના દોડતા યુગમાં હર કોઈ ને સફળ થવાની ચાહ છે અને આ પુસ્તક માં સફળ થવાની ચાહ વાળાઓ માટે રાહ છે.સફળતા ના શિખરો સર કરવા માટેની પગદંડીને અહી પાંગરેલી છે.

‘ગુફતેગુ શ્રેણીનું’ ‘સફળતા કરે છે સાદ’ પુસ્તકમાં મનમાં ઉદભવતા સવાલો અને એ સવાલોનું હકારાત્મક રીતે સોલ્યુસન સમાવિષ્ટ છે.પુસ્તકનો ઉદેશ્ય સફળતા વાંછુંઓને સફળતાના રાજમાર્ગથી વાકેફ કરવાનો છે.જેને ગુજરાત સમાચારમાં ‘ગુફતેગુ’માં વાંચકોએ બહુ સત્કારી છે.

૪૫ જેટલા શીર્ષક હેઠળ લેખકે જીંદગીના અકળ રહસ્યોને જાણીને તેને વશ થવાને બદલે તેને જ વશ કરીને જુદા-જુદા પરીમાણોથી પ્રસ્તુત કરી છે.યુવાને સફળતા માટે યાદ રાખવા જેવી બાબતો.હકારાત્મક વિચારોની અસર, દ્રષ્ટિકોણને સકારાત્મક બનાવવાના ઉપાયો, વિવેકની વિશેષતા, દિમાગના બ્રોડ કાસ્ટિંગની ચેનલો,પુરુષાર્થ નું બળ,લક્ષ્ય સિદ્ધિનું પથ નિર્માણ,આયોજન પૂર્વકનું જીવન. વગેરે જેવા પ્રભાવી લેખોથી પુસ્તકને જીવંત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

પુસ્તક વાંચતા જ કેટલાક ધારદાર વાક્યો, પંક્તિઓને આપણી ડાયરીમાં ટપકાવી લેવાનું મન થઈ જાય તેવું શક્તિની ગોળી જેવું આ પુસ્તક છે.વળી,નાના- નાના સવાલો,મુંજવણો અને તેમના સચોટ જવાબો હૃદયસ્પર્શી છે.જેને આપને આપણી અનુકુળતા મુજબ વાંચી શકીએ છે.એવા એક જ બેઠકે વાંચી જાય તેવા રસપ્રદ લેખો આપને વાંચન માટે પ્રેરણાદાયી છે.

જીંદગી લંગડી નો દાવ નથી પણ દોડની સ્પર્ધા છે,તેવી ફિલોસોફીથી હૃદયને હચમચાવી નાખે તેવું આ પુસ્તક દરેક સફળતા વાન્છુઓ માટે વાંચવું જરૂરી છે. કેમકે એકે- એક શબ્દ, લીટી અને પન્નામાં એક જીવંત વ્યક્તિ આપણને સીખ અને સલાહ આપે છે.આપણો કોઈ અંગત હિતેચ્છું જાણે બુમો પડી-પાડીને કહે છે કે ‘આ વસ્તુ કરવા જેવી છે અને આ વાતનો ત્યાગ કરવા જેવો છે’,સફળ થવું છે તો જોડાઈ જા કાર્યમાં અને છોદીડે આળસ, નિંદા, ખુશામત અને બનીજા એક સક્સેસફૂલ અને પરફેક્ટ વ્યક્તિ.’

કેટલીક નાની વાર્તાઓ અને દ્રષ્ટાંતોથી વિચારની અસરકારકતા લગાવી છે.જેથી સોને પે સુહાગા જેવું લાગે છે. આમ વ્યક્તિત્વને સોળે કળાએ ખીલવતા શીખવે તેવું આ પુસ્તક જાણે સ્વયં વાચાળ બનીને આપને આહ્વાન કરે છે કે તું મારી પાસે આવી જા, જ્યા ‘સફળતા કરે છે સાદ’.

~ જિજ્ઞા પટેલ


૩. કાવ્ય કુંજ – અર્ચના ભટ્ટ પટેલ

એક ગોપી ગીત

રાધા અને કૃષ્ણ વિશે અત્યાર સુધીમાં ઘણું કહેવાયું છે, તો આવું જ એક ગોપી ગીત કે જેમાં રાધા-કૃષ્ણનો સંવાદ છે.. આખું ગોકુળિયું ગામ આજે એક વાત લઈને ઊભું છે કે કાન છે તે રાધાનો જ શાથી છે તો જોઈએ કે કષ્ણ હવે શું જવાબ આપે છે ?

એક ગોપી ગીત

ગોકુળિયું ગામ આજ વાતો કરે છે
કે આ કાનો રાધા નો જ કેમ છે ?

કાના ની ચાલે જો રાધા ચાલે છે
ને એનું દલડું ન જરી હેમખેમ છે.

હવે મીરાંય પાછી એમાં ભેગી ભળી છે
ને પૂછે રાધા કાનો તારો એકલીનો કેમ છે ?

વાતો સાંભળીને કાનો આવ્યો છે તાનમાં
કારણ રાધા એનાં જન્મો નો પ્રેમ છે.

મીરાં તું યે નથી જરી રાધા થી કમ મારે
ને એટલે જ તુજ પર મારી થતી ર્યે રે'મ છે.

ગોકુળિયું ગામ આજ વાતો કરે છે
કે આકાનો રાધાનો જ કેમ છે ?

- અર્ચના ભટ્ટ પટેલ


૪. પ્રેમ પ્યાલો – સુલતાન સિંઘ

લવ ટ્રાએંગલ – પ્રકરણ - ૧

કુદરત પણ ઢળતા દિવસના ફરતા પડઘા સાથે પોતાના સ્વરૂપને ઢાળી દેવા માટે જાણે અભૂતપૂર્વ રૂપે સંકળાયેલી કડી છે. હા માઉન્ટ આબુ પર્વતના સનસેટ પોઈન્ટની ઢળતી સાંજ જ્યાં, દેશ-વિદેશથી સહેલાણીઓ કદાચ કુદરતના ખોળામાં સમાઈ જતા સૃષ્ટિના અનુપમ સોંદર્યને નિહાળવા માટેજ આવતા હોય છે. એક ઊંચા પર્વતની ટેકરી પર ઉભા રહીને સામેના છેડે બંને તરફની ટેકરીઓના વચ્ચે કુદરતે પાથરેલો ખોળો જેમાં સુઈ જવાની તૈયારી કરતો સોનેરી સુરજ. કદાચ સુરજની જેમજ દિલમાં ઉગતી લાગણીઓનો અને આથમતા દિવસની જેમ ઓગળતી આશાઓ મનમાં અને દિલમાં સમાઈ જતી હોય છે. આજે પણ હંમેશની જેમજ પ્રકૃતિ અને માનવ મનની ગહેરાઈઓ વચ્ચેનો તફાવત સમજાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. આથમતા સુરજની એ સોનેરી કિરણો આંખોના આરપાર ઉતરીને મનના ઓરતાને ફરી વાર અંધકારમાજ ઓગાળી દેવા આતુર થઈ રહી હતી. દિલના ઊંડાણમાં હિલોળે ચડેલો એ આકાર જાણે આજેય આકાશને બાહુપાશમાં જકડીને બ્રહ્માંડના શૂન્યાવકાશમાં આછા ઉજાશે ઝળહળતો નજરે પડતો હતો.

ઉનાળાનો સમય અને દિલના પેટાળમાં પ્રગટેલો અજંપો કદાચ આ બંનેના નિદાન માટે હાલના સમયનું આબુ પર્વતનું આ સ્થળ સંપૂર્ણ રીતે યોગ્ય વાતાવરણ પૂરું પાડનારું હતું. એક ઉત્તમ લ્હાવો ગણી શકાય એવી આ પળ જયારે તમે સાઈટ સીન વખતે અહીજ રોકાઈને સનસેટ પોઈન્ટ પરથી સુરજના વિદાય વેળાના અહલાદક રૂપને માણી શકો. આજનો આ દિવસ કદાચ મારા માટે આબુ પરનો છેલ્લો દિવસ હતો મારે કાલેજ સવારની બસથી સિરોહી માટે નીકળી જવાનું હતું. મારે બસ હવે નીકળવુંજ હતું પણ જાણે હજુય કઈક બાકી રહી જતું હોય એમ મારા દિલમાં બેચેની ઘેરાઈ રહી હતી. હજુય સામેના શૂન્યાવકાશમાં પથરાયેલો એ આકાર મને અહીજ રોકાઈ જવા માટે મઝબુર કરતો હતો. મારે આજે કુદરત સાથે વાત કરવી હતી, મન ભરીને, દિલ ખોલીને મારા દિલના વહેણો આજે અહી વહાવી દેવા હતા. “ ખરેખર તો આકાશ અને કુદરત પણ આપણી વાતો સાંભળી શકે છે... બસ દિલને કુદરત સાથે જોડવાની જરૂર હોય છે... દુનિયાના વિચારોથી પર થઈને કૃષ્ણ સાથે નાતો જોડવાનો હોય છે... જ્યાં કૃષ્ણનો અર્થ પ્રેમ સાથે વણી લેવાય છે...”

હવે એ શક્ય હતું લગભગ સુરજ સામેના છેડે દેખાતી બંને ટેકરીઓની પાછળ ઢળી ચુક્યો હતો. એક અદભુત દ્રશ્ય અત્યારે હું જોઈ રહ્યો હતો કદાચ એ પર્વતના માથા પાછળ જે તેજ પ્રકાશિત હતું એ એની પવિત્રતાની સાક્ષી પુરતું હતું. કુદરતની કળા પણ અદભુત અને નિરાળી હોય છે જે માનવ ચિત્રકારની સોચ સમજ કરતાય પર હોય છે. અત્યારના સમયે સામેના છેડાનું આકાશ ઘેરા મરુન અને લાલ રંગ સાથે પીળા અને નારંગી રંગોને ભેળવી રહ્યું હતું. દિલના ઉછળાટને આ સમયે જાણે રોકી રાખવો મુશ્કેલ હતો આજ પળહતી જાણે મારા દિલની વાતો કુદરતના વહેતા વહેણ સાથે વહાવી દેવાની. મેં મારા બંને હાથ હવામાં પહોંળા કરીને આંખો મીંચી દીધી મારી આંખોના ઊંડાણમાં જાણે એક સોનેરી પ્રકાશ અંધકારમાં ઉભરતો અનુભવાઈ રહ્યો હતો કદાચ હું પ્રકૃતિમય બની રહ્યો હતો. પણ, ઠંડા પવનની ઝાપટાભરી લહેરે મારી આંખોની પાંપણ ફરી ઉઠાવી લીધી અને આસપાસની સળવળાટ મારા કાનના પડદા પર પડઘાતા મારી નઝર સહસા ચારેકોર ફરી વળી.

“ તમે... અભિષેક ભટ્ટના મિત્ર બરાબર ને... ?” મારી સામે પણ જાણે લગભગ એકાદ મીટર દુર ઉભેલા એ બાવીશ વર્ષના યુવાને મને મૂંઝવણ ભરી નઝરે પૂછ્યું અને કદાચ જવાબ મળવાની અધુરી આશાઓ સાથે એ મને જોઈ રહ્યો.

“ હા પણ તમે...” હું હજુય ખોવાયેલોજ હતો મેં જેમ તેમ જવાબ આપ્યો મને એના પર એ સમયે ગુસ્સો પણ આવ્યો. એકતો એણે મારી કીમતી પળ મારાથી છીનવી લીધી પણ તેમ છતાં હું શાંત રહ્યો. મારી નઝર મારા ત્રણેક પગલા આગળની ઊંડી ખાઈ તરફ પડી અને મારા પગ જાણે ત્યાજ થંભી ગયા. કદાચ એ વ્યક્તિ અથવા પવનની ઝપાટ મને ના અડી હોત તો અત્યારે હું નીચેના કોઈ ખડક પર પછડાયેલો પડ્યો હોત.

“ હું વિમલ સોની...” એણે ફરી વાર મને જાણે બોલાવ્યો અને મારી તરફ અભિવાદન માટે હાથ લંબાવ્યો.

“ માફ કરજો પણ...” મેં પ્રથમ એના અભિવાદન ભર્યા મારી તરફ વધેલા હાથને માન આપી હાથ મિલાવ્યા પણ, જાણે હજુય હું એને ચોક્કસ પણે ઓળખી શક્યો નહિ. અત્યારે તો મારે કદાચ એને મારો જીવ બચાવવા બદલ થેંક્સ કહેવું જોઈએ પણ હું ચુપ રહ્યો કદાચ બોલીજ ના શક્યો.

“ મને અભિષેક ભટ્ટે તમારા વિષે કહ્યું... કે... અભી જર્નાલીસ્ટ ઇન દિવ્ય ભાસ્કર...” એ અટક્યો એણે પોતાની વાત પેલા અભિની ઓળખાણ આપી કદાચ મારા ચહેરાના બદલાતા ભાવ એને રોકી રહ્યા હતા.

“ ઓહ... હા... અભી ફ્રોમ સુરત...” મને અચાનક મારા ફેસબુકના અને ત્રણેક વાર રૂબરૂ મળેલા ફેસબુક મિત્રની યાદ ઝબકી. કદાચ ધીરુભાઈ અંબાણી દુનિયાને મુઠ્ઠીમાં કરવાનું સપનું સેવતા એ આજે મને સાર્થક થઇ જતું દેખાતું હતું. “ એની વે હું અનંત રાઓ... રાજસ્થાન થી...”

“ તમે સમસ્યાઓનું નિદાન કરી શકો છો... કદાચ માનસિક રોગના નિષ્ણાંતની જેમજ...”

“ માનસિક...?” મારાથી પુછાઈ ગયું પાછળથી લાગ્યું કદાચ હું વધુ બોલી ગયો હતો.

“ કદાચ...” હજુય એના ચહેરા પર મૂંઝવણ હતી. કદાચ વ્યક્તિ તરીકે પોતાની માનસિક સમસ્યાને કોઈકના સામે સ્વીકારવી અને જણાવવી અઘરું ઘણી શકાય એવું કાર્ય છે.

“ કદાચ...?” મેં પૂછ્યું મારે એને કહેવું જોઈતું હતું કે અરે મૂરખ માણસ તારે મને પેલા બધું કહેવું તો પડેશે ને જો તું પોતેજ નથી જાણતો તો પછી મને શું કહીશ અને એમને એમ હું કાઈ મહાભારતનો પાંડુપુત્ર સહદેવ નથી કે તારા મનને વાંચી લઉં... પણ અત્યારે તો હું બસ ચુપ રહ્યો.

“ વાત જરા લાંબી છે... અને સમય...” એણે પોતાની એક આંગળી આકાશ તરફ કરતા કહ્યું અને જાણે મને સમયનું ભાન કરાવતો હોય તેમ મારી સામે જોઈ રહ્યો.

“ તો... નિરાંતે મળીયે ક્યારેક...” કદાચ મારે એને કહી દેવું હતું કે કાલ હું સિરોહી માટે નીકળી જવાનો છે એટલે હવે ક્યારેક્જ મળી શકાશે પણ અજાણ્યા ને બધી માહિતી આપવી મને ઉચીત ના લગતા હું ચુપ રહ્યો.

“ મારે તમને ઘણું બધું કહેવું છે...” એણે ફરી વખત એજ વાત દોહરાવી.

“ મનેજ કેમ... પણ... એ પણ અત્યારે...” મને થોડુક વિચિત્ર લાગ્યું એકતો મારે જલ્દી હોટલ પર પહોચવાનું હોવાથી મને થોડોક ગુસ્સો પણ આવ્યો. અને એમાય આટલી સાંજે અહીંથી સાધન મળવું મુશ્કેલ હતું.

“ હું તમને ઘર સુધી છોડી શકું... ઓહ આઈ મીન જ્યાં રોકાયા છો ત્યાં... સુધી...” કદાચ એણે મારી રસ્તા પર ફરતી નઝરના આધારે મારા મનની મૂંઝવણ સમજી લીધી હોય એમ એણે કહ્યું “ મારી પાસે કાર છે... ડોન્ટ વરી...”

“ ઓહ... શ્યોર... ચાલો... હોટેલ બ્લુ ડાયમંડ....” મેં કાર તરફ ચાલવાનો ઈશારો કરતા કહ્યું... અને અમે બંને સાથેજ ત્યાંથી ચાલવા લાગ્યા.

“ તમે કેટલા દિવસ રોકાશો... ?” એણે કારમાં બેસી એક્સ્લેરેટર પર પગ મુકતા કહ્યું અને અમારી કાર ત્યાંથી નીકળી ગઈ. એ આબુના સર્પાકાર રસ્તાની રાહે...

“ આજનો દિવસ...” મેં જવાબ આપ્યો અને બારીમાંથી આછા પ્રકાશમાં એ ટેકરીઓ પરના સર્પાકાર વળાંકો અને સાધનોની બત્તીઓ જોવા લાગ્યો. મારે કાલ માટેની પેકિંગ પણ હજુ જઈને કરવાની બાકી હતી.

“ આજે જમ્યા પછી મળીયે તો...” એણે કાર ચલાવતા ચલાવતાજ મને પછ્યું અને મારી સામે જોઈ રહ્યો.

“ સમય...?” મેં પૂછ્યું. પણ એણે હાલ મને જમવાની ઓફર આપી કે પછી બસ સમયનું ભાન કરાવવા માટેજ કહ્યું એ એના શબ્દોના આધારે હું સમજી ના શક્યો.

“ હોટેલ માઉન્ટેઇન હિલ... નવ વાગે... આજે ડીનર પણ મારી સાથેજ...” એણે મને હોટેલનું કાર્ડ આપ્યું અને મારા પ્રતિભાવ માટે મારી સામે જોઈ રહ્યો.

“ ઓકે... પણ હાલ મારે રૂમ પર જવું પડશે... હજુ નવ વાગવામાં વાર છે...” મેં ઘડિયાળમાં સમય જોતા જોતાજ પૂછી લીધું.

“ તમે આવશો ને...?” એણે ફરી વાર પૂછ્યું.

“ હા જરૂર...” મેં હકારમાં ડોકું ધુણાવ્યું.

બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો પાણીના રેલાની જેમ સરકી રહી હતી. થોડીકજ વાર પછી કાર હોટેલ બ્લુ ડાયમંડ સામે રોકાઈ જ્યાંથી માઉન્ટેઇન હિલ બસો મીટરના અંતરેજ હતી. મેં ઉતારીને મારા રૂમ તરફ ચાલવા પગ ઉપડ્યા એણે ફરી વાર મને નવ વાગ્યાનો સમય યાદ કરાવ્યો અને એ બ્લેક સ્કોર્પિયો ઝડપભેર માનવમેદની ચીરતા બઝારમાં ખોવાઈ ગઈ. મારા મનમાં અત્યારે કેટલાય વિચારો ઘમરોળાઇ રહ્યા હતા. એકતો આ માણસ બધા કરતા મને થોડોક વધુ ઉલજેલો લાગ્યો જેણે એક તરફ મારી કુદરત સાથેની નિકટતામાં ખલેલ પાડી હતી બીજી તરફ મને પટકાઈ જતા બચાવ્યો પણ હતો. ખરેખર કુદરત દરેક પળમાં આપણી સાથે જોડાયેલીજ રહે છે. કદાચ આજે નવું જે મળવાનું હતું એ આજ વ્યક્તિ પણ હોઈ શકે...? એક નવી દ્રષ્ટીએ દુનિયા...? નવી સમસ્યા સુલજાવાનો અનુભવ...?

[ ક્રમશઃ ..... ]

લેખક :- સુલતાન સિંહ

મોબાઈલ :- ૯૯૦૪૧૮૫૦૦૭ [ વોટ્સએપ ]

મેઈલ :- raosultansingh@gmail.com

ઓફીસીયલ પેજ :- @imsultansingh [ ટ્વીટર, ફેસબુક, લિન્ક્ડ ઇન,..]


૫. ભલે પધાર્યા – મનસ્વિ ડોબરીયા

માસુમ

18th ફેબ્રુઆરી, 2016.

"આજે હું એક એવા છોકરાં ને મળી

જેણે મારાં વિચારો નું હરણ કર્યું હોવા છતાં પણ દિલ તેના પર મહેરબાન છે.

ચળકતું કપાળ

આત્મવિશ્વાસ થી તરબોળ આંખો

માપસરનું નાક

ને

મારી નજરમાં ફસાઈ ગયેલા એના

ફ્રેન્ચ કટ થી રક્ષાયેેલા હસતાં હોઠ

એક ક્ષણે જરા થમ્ભી ને મને કહ્યું પણ ખરુ કે,

'ચૂમી લે'

પણ એના પહોળા માંસલ રુઆબદાર

શરીર આગળ

મારી હિમ્મત નાની પડી."

માસૂમે ધડકતી બીકે પત્તુ ફેરવ્યું. કોરુ પત્તુ પણ જાણે શ્વસતું હતું. માસૂમે હળવેક થી હાથ ની આંગળીઓ પસવારીને પત્તુ ફેરવી નાખ્યું,

20th ફેબ્રુઆરી, 2016.

" આજે કોકટેઈલ માં ધૂમ મચાવી દીધી

હમ્મેશ ની જેમ..

પરન્તુ,

આજે એ હવા માં જાણે વાઈન હતી

શ્વાસ ઝુમતા હતાં

આંખો 'માસૂમ-રસ' પીતા ધરાતી નહોતી..!

હા,

આજે માસૂમ પણ હતો."

માસૂમ નું હૃદય જાણે એક ધબકાર ચુકી ગયું. તેની બીક સજીવન થઈ ગઈ. ધ્રુજતા હૃદયે તેણે પત્તુ ફેરવ્યું. ફરી એ જ કોરાશ.. એ જ લાગણીઓ ની ભીંજાશ.. પત્તુ પલટાયું,

22nd ફેબ્રુઆરી, 2016.

" મારા માં કોઈ લાગણી જન્મ લઈ રહી છે

જે નથી મારુ

તેને જ મારુ કહેવા જઈ રહી છે"

માસૂમ સાવ સૂનમૂન અવાક બની ને જોઈ રહ્યો. તેને કંઈ જ ના સમજાયું કે પોતે શું કરવું જોઈએ. તે તેની બીક પર પત્તાઓ ફેરવી ને પદડાં નાખવા લાગ્યો,

" તને ખબર છે માસૂમ

મારા ફોન માં 337 વોટ્સ એપ કોન્ટેક્ટસ છે

પણ મારી ઉર્મિઓ તારા લાસ્ટ સીન થી શમે છે

દિવસ માં સત્તર વખત હું તારી એક ની એક પ્રોફાઈલ

ખોલી ને બેસતી હોઇશ

અને

મારા મન ને મારા દિલ ને ખુશીઓ થી પોશતી પંપાળતી હોઈશ

એક મિનિટ માં વિસરાઈ જતી એ બોત્તેર પળો માંથી સિત્તેર તારા નામ ની ફૂંકાતી હશે

ઊંઘ માંથી ઊઠું ત્યારે પણ

તું જાણે મારા કાંડા પર બાંધેલ ઘડિયાળ હોય તેમ

તને મારા માં સામેટવા ઘડીભર આળોટી લઉં છું..

હું જાણું છું માસૂમ કે

તારા માં શૈલી ધબકે છે..

મને એ પણ ખબર છે કે

તારા માટે હું માત્ર એક ખરાબ લેખિકા છું.

એનાથી વિશેષ કંઈ જ નહીં

પરન્તુ

મેં મારા દરેક શ્વાસ તને આપી દીધા છે

મારે તારો કંઈ જ પ્રત્યુત્તર નથી જોઈતો માસૂમ..!

હું માત્ર મને ખોલું છું

તારી આગળ..!!!"

માસૂમનું આશ્ચર્ય તેના પત્તાં ફેરવવાની ઝડપ માં દેખાયું.

"તું

એટલે

મારા અધકોરાં વાળ ની ફ્રેશ ભીંજાશ..

તું

એટલે

મારા માં ઘૂંટાતો કક્કો

તું

એટલે

મારુ સવાર નું કલબલતું આકાશ

તું

એટલે

મારા કેલેન્ડર માં વારંવાર જોવાતી તારીખ

તું

એટલે

મને ખોલી ને મળતુ સર્વસ્વ..!!"

માસૂમે સુપરફાસ્ટ દોડી રહેલાં દિલ ને શાંત કરતા કરતા પત્તાઓ ફેરવ્યાં,

" માસૂમ..

તું મને એક મિનિટ પણ આપી જાય ને

તો એમાં હું મારી આગળ ની

અનિશ્ચિત ધડકનો ને

નિશ્ચિત કરી દઉં છું..

એને ધડકવું જ પડશે

આખરે તને મુક્યો છે એ શ્વાસ માં..!!!"

તૃષા નું આટલું સ્પષ્ટ લખાણ માસૂમ ને પાણી-પાણી કરી ગયું. હવા ની લહેરો પણ જાણે ટલ્લી ટલ્લી થઈ ગઈ ડાયરી માં ચિતરાયેલા જીવંત રમકડાંથી..!

"હેયય.. માસૂમ..! ક્યાં ખોવાઈ ગયો..? કેવું લાગ્યું મારુ લખાણ..? તારું મોં તો જો.. હા હા હા.. યુ આર સિરિયસ.."

"વોટટટ..??" માસૂમ ને કંઈ જ સમજાયું નહિ.

"અરે પાગલ.. તું મને ઓલ્વેઝ એમ કે છે ને કે તું બહુ બકવાસ લખે છે.. કોઈને ટચ કરી જાય એવું નથી હોતું.. બલા.. બલા.."

"હા.. તો..??"

"સો, ઇટ્સ ડેમો..હા હા હા.. તારું મોં જોઈ લે મિરર માં.."

માસૂમ તૃષા ની સામે જ જોઈ રહ્યો.


૬. વેલકમ – બિનીતા કંથારીઆ

હક વગર જ

લોકો મતલબ વગર સભંળાવી રહ્યા હતા

ખોટા આક્ષેપો મુકી એને ગભરાવી રહ્યા હતા

શબ્દો મા કાતર ફેરવી રજુઆત કરી રહ્યા હતા

હજારો ની ભીડ મા એના અસ્તિત્વ પર હવે સવાલ ઉથાવી રહ્યા હતા

સમજવાની વાત તો ઘણી દુર હતી ,પરંતુ લોકો તો વેર વગર જ દુશમની કાધી રહ્યા હતા

જાણે કે એક સ્ત્રી ના વ્યક્તિત્વ પર

કોઇ હક વગર જ આજના લોકો એક નિરર્થક કહાની બનાવી રહ્યા હતા.


૭. નવી દ્રષ્ટિએ – પૂજન જાની

એમ થોડું ભણવાનું છોડાય?

ભણતરથી કંટાળેલા અને અલગ અલગ અધૂરા સપનાના માલિક કેટલાક યુવાનો ચાની લારી વાતો પર પોતાનો બળાપો કાઢતા હતા. ગરમ ગરમ ચા સાથે બિસ્કીટ ડુબાવાને બદલે તેઓ પોતાના સ્વપ્નનો ડૂબવતા હતા એમ લાગતું હતું. વાત તો ત્યાં સુધી અટકી કે "આજે કોણ ભણીને આગળ વધ્યું છે ?”

"
ભાઈ આ બધી મોહ માયા છે" બીજો બોલ્યો

"તો મૂકી દેને ભાઈ" ત્રીજાએ મો પર ફેંકી માર્યું.


ફરી એક બોલ્યો કે "યાર જોવો અત્યારે જે લોકો આગળ છે એ ક્યાં ભણવામાં હોશિયાર હતા""
એમાં શું નવી વાત કીધી માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ હાવર્ડ ડ્રોપ આઉટ."

"
અલ્યા માર્ક ઝુકરબર્ગ આખી દુનિયાને નચાવે છે એ પણ એમ જ છે અને પેલો જોબ્સ તો કોલેજ 6 જ મહિના ગયો છે"

થોડી શાંતિ બાદ ફરી એક જણો બોલ્યો કે" આ ધોની સચિન સ્પૉર્ટ પર્સન પણ ખાસ ક્યાં ભણ્યા છે બોલો""
તો ટાગોર નોબેલ પ્રાઈઝ જીત્યા હતા પણ એ પણ બહુ ન તા ભણ્યા"


ફરી શાંતિ થઈ ગઈ અને ચા પીવામાં મશગુલ થઈ ગયા અને પછી આખી ઘટના ભૂલી ગયા હોય ઉપડી પડ્યા....

આખી ઘટના બહુ સામાન્ય છે ગલી ગલી ભણતરથી કંટાળનાર લોકો બહુ હશે અને આવી ચર્ચા કરી માનસિક શાંતિ મેળવી લેતા હોય છે કે અમે કંઈક તો કરીયે છીયે,પણ વાંચનનો અભાવ કયો કે માત્ર પોતાને ગમતી સાઈડ જોવાની આદત કયો પણ આ બંનેમાં સત્ય ઇગ્નોર થાય છે એ વાત ભુલાઈ જાય છે.


આપણે એક વાતનો રટો મારી લીધો હોય છે કે ભાઈ ભણશો તો જ કંઈક વળશે અને ગધા વેતરું કરતા કરતા સવારના પ્રહોરમાં પ્રકૃતિને જોવાને બદલે ક્લાસ રૂમની દીવાલો જોઈએ છીયે તો ટિફિનનું ખાઈ ખાઈ કસરત કરવાના સમયના અભાવે દિવસેને દિવસે મોટા થઈએ છીયે.


આપણી બાજુ જોવાની આદત એટલે એમ કહી શકાય પેલો બિલ ડ્રોપ આઉટ તો પણ નામ કરી ગયો ને પણ વાસ્તવિકતા જોઈએ તો બિલે અમેરિકાની અઘરામાં અઘરી ગણાતી પરીક્ષામાં ટોપ કર્યું હતું અને કહેવાય છે પોતાનું એક સ્વપ્ન હતું કે ચાલ હું એક એવું કમ્યુટર બનાવીશ કે જે નાનામાં નાનો વ્યકિત લઈ શકે એક માટેના પ્રોગ્રામ લખવાની શરૂઆત બહુ નાની ઉંમરમાં કરી લીધેલી.


દરેક સફળ વ્યક્તિની સફળતા જ આપણે ઉજળી દેખાય છે બાકી એને કરેલો સંઘર્ષ એટલો જ કાળો હોય છે. મહેનત માંગી લેતો હોય છે જેમ કહેવું easy છે કે જોબ્સ તો કોલેજ 6 મહિના ગયો તો પણ એને જે એપલ ઉભી કરવામાં મહેનત કરી છે એ મહેનત તમે કરી શકવાના કે નહીં એ જોવું પડે તમારી જ કંપની કઈ દે gate out અને એ જ કંપની સામેથી રેડ કાર્પેટ બિછાવી બોલાવે એ યાત્રાના ઉજાગરા ન દેખાય આપણે આપણે એપલના ફોનમાં ઉજાગરા કરીયે ખાલી


એમ નથી કે શિક્ષણના ક્ષેત્રે સિદ્ધિ નથી સિદ્ધિ તો બધી બાજુએ છે જો આપણે પરસેવો
પાડવામાં માનતા હોઈએ. જો આપણે જ ટોપ પર રહી અને પાસ આઉટ થઈએ તો ફિલ્પકાર્ટ જેવી કંપની પણ ખોલી શકીયે.


એક વાર રુચિ જાણ્યા પછી વાસ્તવિકતા ધ્યાનમાં રાખી એની પાછળ ફના થશું તો જ દુનિયા આપણા જન્મદિવસ યાદ રાખશે. હંમેશા એક ડાળ છોડવી હોય તો બીજી ડાળ પકડાય એમ હોય તો જ છોડવી હિતાવહ રહેશે નહીં તો ભટકાવાનો વારો આવશે એ જોઇ લેવું.


માત્ર એમ વિચારી ભણવાનું ન છોડાય કે પેલા લોકો ન તા ભણયા તો હું પણ શું કરીશ ભણીને આવા તો ન ભણેલા દરેક માર્કેટ યાર્ડમાં પણ મળી રહેશે રેલવે સ્ટેશન પર મળી રહેશે એ કોઈ કોલેજ કે લગભગ સ્કૂલમા પણ નહીં ગયા હોય તો થોડા ટાગોર જોબ્સ કે ધોની છે....

"
હું નિશાળ ન ગયો કારણ કે મારી કેળવણીમાં નિશાળ ખલેલ પહોચાડે એમ ઈચ્છતો ન હતો "

માર્ક ટ્વેઈનલગભગ 55 જેટલા પુસ્તક લખનાર એક મહાન લેખક પોતાના જીવનમાં આવું સ્ટેટમેન્ટ આપેલું કે શાળા તેને નડતી હતી અને એટલે છોડી દીધી એક લેખક આવું કહે ત્યારે એટલું વિચારતા નથી કે એની પાછળ શું હશે માત્ર પહેલા કહ્યું એમ ખાલી આપણી ગમતી સાઈડ જોઈને મનને મનમાં હસ્યાં કરીયે છીયે.

આપણા દ્વારા થતા બહાના માત્ર આળસના પાયા પર રચાતા હોય છે જેના પર આપણે બધું છોડી દેવું છે એમાં ક્યાંક creativity નથી કે આગળ ક્યાંક વધી શકાય આપણે જલસા કરવા હોય છે જેમાં સ્કૂલ બાધા બનતી હોય એટલે નિશાળ જવાનું બંધ કરવું છે.

એક વાર જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણું વૈદિક સાહિત્ય કહે છે 'સા વિદ્યા યા વી મુક્તયે" જ્ઞાન દ્વારા મુક્તિ મળવી જોઈએ એ બોજ બનતું હોય ત્યારે કંઈક અલગ વિચાર આવવા એ સ્વભાવિક છે પણ જયારે એ બોજનો છે ઉકેલ જ ન હોય તો એને સમજ પૂર્વક મજા લેતા સહન કરી લેવો


Winning shot સારી છોકરી કે છોકરો લગ્ન માટે શોધવો હશે તો પણ ભણવું તો પડશે જ ને

~ પૂજન જાની


૮. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ

આર્યભટ્ટ

વિચાર મહાન છે. વિચાર આવવો તે વધુ મહત્વની સિદ્ધિ કહેવાય. એક વ્યક્તિને વિચાર આવ્યો.

“ચાર ને ૧૦૦ માં ઉમેરો. આઠ વડે ગુણાકાર કરો. તેમાં ૬૨૦૦૦ ઉમેરો. આ રીતે ૬૨૦૦૦ ના વ્યાસ ધરાવતા વર્તુળનું પરિધ જાણી શકાય છે.” આ વિચાર હતો.

“ચતુરાધિકમ શત-મસ્તગુણમ દ્વષાસસ્તિ-સ્તથા સહશરણં

આયુતાદ્વયા વિષકમ ભાસ્યાસન્નો વૃત્તપરિનહા”

પરંતુ તેનું શું?

તે વ્યક્તિએ સાબિત કર્યું કે, પરિધ અને વ્યાસનો ગુણોત્તર ((૪+૧૦૦) * ૮ +૬૨૦૦૦)/૨૦૦૦૦) = ૩.૧૪૧૬

આ મૂલ્ય – આંક – નંબર યાદ આવ્યો?

(pi) = ૩.૧૪૧૬

આ વ્યક્તિ એટલે આર્યભટ્ટ.

આર્યભટ્ટ આ અંક માટે આસન્ન (બિલોન્ગ્ઝ ટુ) – {નજીક જતું} આ શબ્દનો ઉપયોગ કરે છે. તેનું મૂલ્ય અનંત છે. (પાઈ)ની આ વ્યાખ્યાની સાબિતી અને તેની અતાર્કિકતા અંગે યુરોપને ઈ.સ.૧૭૬૧ માં જાણ થઇ. તેની સાબિતી લામ્બર્ત એ આપી હતી. આર્યભટ્ટિયનો અરેબિકમાં અનુવાદ થયા બાદ અલ-ખ્વારિઝીમના બીજગણિત પરના પુસ્તકમાં પાઈ (pi) માટે તેની નજીકના મૂલ્યનો ઉલ્લેખ કરાયો હતો.

  • શૂન્ય :
  • આંકડાની સ્થાન-મૂલક (ડેસિમલ – દશાંશ) પદ્ધતિ સૌ પ્રથમ ત્રીજી સદીમાં બખશાલિ હસ્તપ્રતમાં જોવા મળી હતી અને તેમની રચનાઓમાં સ્પષ્ટપણે આ પદ્ધતિ અમલમાં હોવાનું જોવા મળે છે. તેઓએ નિશ્ચિતપણે પ્રતીકનો ઉપયોગ નથી કર્યો, પરંતુ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જ્યોર્જસ ઈફ્રાની દલીલ છે કે આર્યભટ્ટની સ્થાન-મૂલક પદ્ધતિમાં શૂન્યના જ્ઞાનનો ઉલ્લેખ છે, કારણ કે દસની ગણતરી માટે મૂલ્યવિહિન પ્લેસ હોલ્ડરનો ઉપયોગ કરાયો છે.

    આર્યભટ્ટ એ ‘૦’ની શોધ કરી તેવું કહેવાય છે. પરંતુ, તેના પહેલા ગણતરી કરવા માટે ‘૦’ અલગ-અલગ સિમ્બોલ્સ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આર્યભટ્ટ એ માત્ર ‘૦’ જ નહિ પરંતુ પૂર્ણત: દશાંશ પદ્ધતિને સરળ બનાવી. આ સિમ્બોલનો ઉપયોગ સમગ્ર ગણતરીને સરળ બનાવનાર બન્યો. આ શોધ પહેલા ઉપયોગમાં લેવાતા ‘શૂન્ય’ણી સંકલ્પના અઘરી હતી. જે સમગ્ર પદ્ધતિને વ્યાખ્યાયિત નહોતી કરતી. જેથી ‘૦’નો આકાર ખૂબ સરળ હોવાને લીધે તે ઉપયોગમાં લેવાયો. તેમ જ, દસના ગુણિત તરીકે આ શૂન્ય એ ગાણિતિક ગણતરીઓમાં ખૂબ સરળ બન્યો.

    અંકગણિત, બીજગણિત અને ત્રિકોણ મિતિ. આ ત્રણેય ગાણિતિક અભિવ્યક્તિનો આર્યભટ્ટ દ્વારા ખૂબ સારો ચિતાર અપાયો છે. અપૂર્ણાંક, વર્ગની ગણતરીઓ, અનંત (finite) સંખ્યાની ગણતરી અને સાઈન – કોસાઈનના કોષ્ટકનો સમાવેશ થાય છે.

  • ક્ષેત્રફળ (ક્ષેત્રમાપન)
  • “ત્રિભુજસ્ય ફલશરીરમ સમદલકોટિ ભુજારધઅશ્વમેઘ”

    અર્થ : ત્રિકોણ માટે, લંબનું પરિણામ અને તેની અડધી બાજુ એટલે વિસ્તાર.

    આર્યભટ્ટે તેમની રચના અર્ધ-જ્યા દ્વારા સાઈન ની ચર્ચા કરી છે. તેનો સીધો અર્થ થાય છે "અર્ધ-ચાપકર્ણ". સરળતા ખાતર લોકોએ તેને ‘જ્યા’ કહેવા માંડ્યું. અરબી લેખકોએ જ્યારે તેમની રચનાનું સંસ્કૃતમાંથી અરબીમાં ભાષાંતર કર્યું ત્યારે તેઓ આને ‘જિબા’ (ઉચ્ચારોની સમાનતાથી પ્રેરાઈને) કહેતા. બાદમાં લેખકોને જ્યારે ખબર પડી કે jb એ જિબા નું ટૂંકાક્ષર છે, તેમણે ફરી પાછો તેના બદલે જિબા નો ઉપયોગ શરૂ કર્યો, જેનો અર્થ થાય છે "ખાડી" અથવા "અખાત" (અરબીમાં જિબા એ તકનીકી શબ્દ હોવા ઉપરાંત તેનો મતલબ થાય છે અર્થ વગરનો શબ્દ). પાછળથી ૧૨મી સદીમાં ઘેરાર્ડો ઓફ ક્રેમોનાએ આ લખાણોનું અરબીમાંથી લેટિનમાં ભાષાંતર કર્યું ત્યારે તેમણે અરબીના જિઆબ ના બદલે તેના લેટિન અર્થ સાઈનસ નો ઉપયોગ કર્યો (જેનો અર્થ પણ "ખાડી" અથવા "અખાત" થાય છે). ત્યાર બાદ અંગ્રેજીમાં સાઈનસ નું સાઈન થઈ ગયું.

  • ખગોળશાસ્ત્ર :
  • ખગોળશાસ્ત્રની આર્યભટ્ટની પદ્ધતિ ઔડઆયક પદ્ધતિ તરીકે ઓળખાતી હતી (દિવસની ગણતરી ઉદયથી કરાય છે, પરોઢ લંકા ખાતે, વિષુવવૃત્ત). ખગોળશાસ્ત્ર અંગેના તેમના પાછળના કેટલાક લખાણો કે જેમાં સ્પષ્ટપણે સેકન્ડ માળખાનો પ્રસ્તાવ છે (અર્ધ-રાત્રિકા , મધ્યરાત્રિ), તે અપ્રાપ્ય છે, પરંતુ અંશતઃ બ્રહ્મગુપ્તાના ખંડઅખઅદ્યાકા (khanDakhAdyaka)માં થયેલી ચર્ચામાંથી પુનઃનિર્માણ કરી શકાય છે. કેટલાક લખાણોમાં સ્વર્ગની ગતિને પૃથ્વીના પરિભ્રમણ માટે કારણભૂત ગણવામાં આવી હોય તેવું જણાય છે.

    સૂર્ય પદ્ધતિની ગતિ :

    પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોવાનું આર્યભટ્ટ માનતા હોય તેવું લાગે છે. લંકાનો ઉલ્લેખ કરતાં તેમના વિધાનમાં આ અંગે સૂચન છે કે જેમાં પૃથ્વીના પરિભ્રમણના કારણે સર્જાતી ગતિ સંદર્ભે તારાઓ ગતિ કરતા હોવાનો ઉલ્લેખ છે.

    જે રીતે નૌકામાં બેઠેલ વ્યક્તિ જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ-તેમ સ્થિર વસ્તુઓ દૂર જતી લાગે છે, તે રીતે લંકામાં લોકોને સ્થિર તારાઓ (દા.ત.વિષુવવૃત્ત પર) પશ્ચિમ દિશામાં ખસતા દેખાતા હતા.

    પરંતુ ત્યાર બાદની પંક્તિમાં તારાઓ તથા ગ્રહોની ગતિને વાસ્તવિક ગતિ તરીકે વર્ણવવામાં આવી છે: “તેમના ઉગવા અને આથમવાનું કારણ અવકાશનું વર્તુળ અને પવન દ્વારા પશ્ચિમમાં લંકા તરફ ગતિ કરતાં ગ્રહો છે”. લંકા (lit. શ્રીલંકા) અહીં વિષુવવૃત્ત પરનો સંદર્ભ છે અને તેને અવકાશીય ગણતરીઓ માટે સૂર્ય-તારાની સ્થિતિની સમાનમાં ઉલ્લેખ છે. આર્યભટ્ટે સૌરમંડળનું ભૂકેન્દ્રીય સ્વરૂપ વર્ણવ્યું છે, કે જેમાં સૂર્ય અને તારા બંને ભ્રમણકક્ષા મુજબ ગતિ કરે છે અને આ ભ્રમણ પૃથ્વીની ફરતે થાય છે. આ નમૂનાનો મુદ્દો પૈતામહાસિદ્ધાંતા માં (ca. CE 425) પણ જોવા મળે છે- ગ્રહોની દરેક ગતિનું સંચાલન બે ભ્રમણકક્ષા દ્વારા નક્કી થાય છે, નાની મંદા (ધીમી) ભ્રમણકક્ષા અને મોટી શિઘ્ર (ઝડપી) ભ્રમણકક્ષા છે. પૃથ્વીથી અંતરની દ્રષ્ટિએ ગ્રહોનો ક્રમ આ મુજબ છે: ચંદ્ર, બુધ, શુક્ર, સૂર્ય, મંગળ, ગુરુ, શનિ, અને તારામંડળો.

    ગ્રહોની સ્થિતિ અને સમયગાળાની ગણતરી કરવા માટે તેમની ભ્રમણકક્ષાનો સંદર્ભ લેવાયો હતો, બુધ અને શુક્રના કિસ્સામાં તેઓ પૃથ્વીની ફરતે એટલી જ ઝડપે ફરે છે જેટલી ઝડપ સૂર્યની હોય છે અને મંગળ, ગુરુ તથા શનિ એક નિશ્ચિત ગતિએ પૃથ્વીની આસપાસ ફરતા હોય છે અને દરેક ગ્રહની ગતિ રાશિચક્રને દર્શાવે છે.ખગોળશાસ્ત્રના મોટાભાગના ઇતિહાસકારો આ બંને ભ્રમણકક્ષાઓના સ્વરૂપના તત્વોને પૂર્વ-ટોલેમિક ગ્રીક ખગોળશાત્રનું પ્રતિનિધિત્વ કરતાં ગણાવે છે. આર્યભટ્ટના મોડેલમાં અન્ય ઘટક છે, સિઘરોક્કા , સૂર્યના સંબંધમાં મૂળ ગ્રહ સમય, જેને કેટલાક ઇતિહાસકારો પાયાનું સૂર્યકેન્દ્રીય મોડેલ કહે છે.

    *****

    ઈ.સ. પૂર્વે (૪૯૯ – ૨૩) આર્યભટ્ટનો ભારતીય ધરતી પરનો અમૂલ્ય સમય. આર્યભટ્ટ ગણિત અને ખગોળવિજ્ઞાનના અનેક સમીકરણોના સર્જક છે, આમાંથી કેટલાક અપ્રાપ્ય છે. તેમની મુખ્ય રચનાઓમાંથી ગણિત અને ખગોળવિજ્ઞાનના સંગ્રહ ‘આર્યભટ્ટિય’ના પુષ્કળ સંદર્ભો ભારતીય ગાણિતિક સાહિત્યમાં આપવામાં આવે છે અને તે આધુનિક સમયમાં પણ ટકી રહ્યું છે.

    ~ કંદર્પ પટેલ

    અમને સંપર્ક કરો

    જો તમે પણ ગેસ્ટ કોલમમાં લખવા માંગતા હો તો અમને અમારા ફેસબુક પેજ કે ઇમેઇલ એડ્રેસ પર સંપર્ક કરો. મેગેઝિન વિશેની વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. જો તમને અમારા મેગેઝિનનો કન્ટેન્ટ ગમ્યો હોય તો રેવ્યુ અને રેટીંગ આપવાનું ભૂલતા નહિ. પ્લીઝ શેર એન્ડ સ્પ્રેડ વર્ડ.

    Facebook Pages

    Fb.com/YouthWorldOnline

    Fb.com/GujjuWorld.net

    Website

    Email Address