Vansaladi dot com - 2 books and stories free download online pdf in Gujarati

વાંસલડી ડોટ કોમ - 2

આગળ ના પ્રકરણ માં આપને જોયું કે દિવ્યેશભાઈ અને સરલાબેન આ સોસાયટી માં રહેવા આવ્યા ત્યાર થી તેમનો લાડલો દીકરો સોસાયટી નો તોફાની કાનુડો બની ગયો હતો. મિત અને વેણુ ને મિત્રતા થઇ ગઈ હતી અને એમજ તોફાન મસ્તી કરતા કરતા તેમનું બાળપણ પૂરું થયું અને હવે બંને કિશોરાવસ્થા માં પહોચ્યા હતા, એટલે વેણુ ને ઘરે થી બહાર રમવા જવાની ના પાડવા માં આવી, પણ શા માટે તે વેણુ સમજી શક્તી ન હતી...... હવે આગળ

પ્રકરણ-૨

વેણુ ને તેના મમ્મીએ છોકરાવ સાથે રમવા ની ના શા માટે પાડી તે બંને ને સમજાતું ન હતું. શા માટે નહિ રમવું એ જવાબ તો વેણુને ન મળ્યો પણ ધીમે ધીમે તેનું રમવાનું બંધ થઇ ગયું. મિત ને તેના વગર રમવું જરા પણ ન ગમતું.જોકે સ્કુલે તો બંને સાથે જ આવતા જતા. સ્કુલ માં પણ મિત્રો નું ગ્રુપ હતું મેહુલ, મિત, નેહા, પ્રણવ અને વેણુ. બધા મિત્રો સાથે જ હોય. રીસેસ માં પણ સાથે જ નાસ્તો કરવાનો નિયમ. આટલું સ્કુલ માં સાથે રહ્યા પછી પણ મિત વેણુ ને કહેતો, તારા વગર સાંજે રમવા ની મજા નથી આવતી. તું ઘરે બધા ને મનાવીને રમવા આવ ને. પણ વેણુ હવે નીકળી શક્તી ન હતી. વેણુ રમવા જવા માટે ઝીદ કરવા લાગી એટલે ઘરે થી તેને સાંજે સંગીત ના ક્લાસ શરૂ કરાવી દીધા. જોકે વેણુ ને સંગીત માં ખુબ રસ હતો એટલે તેણે સ્વીકારી લીધું. પણ મિત ને મળ્યા વગર તેને ગમતું નહિ. શાળા માં રજા હોય ત્યારે તે કોઈ પણ બહાનું કરી મિત ના ઘરે પહોચી જતી.

પરશોત્તમ મહિનો ચાલતો હોવાથી સોસાયટીવાળાઓએ સાથે મળી ને ફરવા જવાનું નક્કી કર્યું. નજીક ના ધાર્મિક સ્થળોએ સવાર થી સાંજ બસ બંધાવી બધાએ સાથે દર્શન કરવા જવું. બાળકોને પીકનીક થઇ જાય અને મોટાઓને દર્શન થઇ જાય. નક્કી થયું ત્યાર થી બાળકો તો પીકનીક ની વાત સાંભળી ને ખુશખુશાલ થઇ ગયા હતા. તો મિત અને વેણુ પણ આખો દિવસ બધા સાથે રમવા મળશે વિચારી ને ખુશ હતા. અંતે બધા ની આતુરતા નો અંત આવ્યો અને પીકનીક નો દિવસ પણ આવી ગયો. બધા સવાર માં વહેલા તૈયાર થઇ, બસ આવતા તેમાં ગોઠવાઈ ગયા. વેણુએ આજે સફેદ કલર નો લાલ ભરત વાળો ડ્રેસ પહેર્યો હતો. સફેદ કલર તેનો ફેવરીટ કલર હતો અને તેમાં તે ખુબ સુંદર લાગતી હતી. મીતે તેને જોઈ તરત કહ્યું વાહ વેણુ આજ તો તું એન્ટ્રી પડે છે હો. વેણુ,”જાને મિત તને તો કઈ બોલતા જ નથી આવડતું કહી તે ત્યાંથી જતી રહી”,

પછી શરુ થઇ હસી ખુશી ની સફર. બસ માં બાળકો અને મોટો ના બે ભાગ પડી ગયા. બાળકો પોતાની રીતે અંતાક્ષરી અને બીજી રમતો રમતા હતા. જયારે મોટાઓ ભજન ની અંતાક્ષરી રમતા અને વાતો કરતા હતા. એમને એમ બે ત્રણ સ્થળોએ દર્શન પણ કરી લીધા. હવે બપોર પડતા બસ ખુબ જ રમણીય સ્થળ પર પહોચી. ત્યાનું વાતાવરણ જોઈ બધા ખુશ થઇ ગયા. નાનકડી એવી ટેકરી હતી તેમાંથી ખળખળ નાનકડુ ઝરણું વહેતું હતું. ઝરણા ની બાજુ માં સમથળ જગ્યા હતી. જેની ચારે તરફ હરિયાળી જ હતી. બેસવા માટે થોડા બાંકડા પણ હતા. ત્યાજ જાહેરાત થઇ કે જમવાનું તૈયાર થાય ત્યાં સુધી જેને નજીક માં ફરવું હોય તે ફરી શકે છે. મિત અને બીજા બાળકો નજીક માં ફરવા લાગ્યા, વેણુ પણ તેમની સાથે હતી. ફરતા ફરતા બધા બાજુ ની ટેકરીએ પહોચી ગયા. વાતાવરણ ખુબ રમણીય હતું, ટેકરી માં એકલી લીલોતરી જ નજરે ચડતી હતી. ધીમે ધીમે બધા ટેકરી પર ચડી ગયા. અહી ઉંચે થી નીચે નજર કરતા કુદરતે કરામત કરી હોય તેવું લાગતું હતું. ચારે તરફ હરિયાળી જ નજરે ચડતી હતી.બધા વાતાવરણ જોઈ ખુશ થઇ ગયા. પછી બધા રમતે ચડ્યા કે કોણ પહેલા નીચે ઉતરી બતાવે? પછી તો બધા નીચે ઉતરી અને પાછા ચડ્યા, તેમને ટેકરી ચડવા ઉતારવાની મજા આવી ગઈ. પણ ત્યાજ તેમને જમવા બોલાવવા આવ્યા એટલે કકડી ને ભૂખ લાગી હોવાથી તરત બધા દોડતા દોડતા ત્યાં જવા લાગ્યા. દોડતા દોડતા મિત નું ધ્યાન ગયું કે વેણુ તો તેમની સાથે ન હતી. થોડીવાર પહેલા તો મેં તેને જોઈ હતી, એટલી વાર માં ક્યાં જતી રહી હશે ? નક્કી તે પાછળ ક્યાંક રહી ગઈ છે. મીતે બીજા છોકરાવ ને કહેવાની કોશીશ કરી પણ કોઈ કઈ સાંભળતું ન હતું. એટલે તેણે એકલા જ પાછા વળવાનું નક્કી કરી તે પાછો વળ્યો, કોઈ નું ધ્યાન તેની તરફ ન હતું.

જે ટેકરી પર રમતા હતા ત્યાં પહોચી મીતે જોયું પણ વેણુ ક્યાય દેખાણી નહિ. આજુબાજુ બધે જોયું પછી વેણુ ન બતાતા તેને ડર લાગવા લાગ્યો. પછી ટેકરી ની પાછળ ની તરફ જોવાનું નક્કી કરી તે ટેકરી ચડવા લાગ્યો. ઉપર થી જોયું તો પાછળ ની તરફ ટેકરી એકદમ સીધી હતી એટલે જરા પણ સંતુલન ખોરવાય એટલે લસરી ને સીધા નીચે પહોચી જવાય અને ત્યાં ખુબ પથ્થર પણ હતા એટલે ખુબ વાગે પણ ખરું. તે ખુબ ધ્યાન રાખતો રાખતો ધીમે ધીમે નીચે ઉતારવા લાગ્યો. છતાં તેનો પગ લસર્યો અને તે લસરવા લાગ્યો પણ થોડી સમથળ જગ્યા આવતા અટકી ગયો. પણ હાથ અને પગ બધું છોલાય ગયું. છતાં તે જરા પણ ગભરાયા વગર આગળ વધવા લાગ્યો. ત્યાજ તેને કૈક અવાજ સંભળાણો તેણે આજુ બાજુ જોયું પણ કોઈ દેખાણું નહિ. તેણે સાદ પાડ્યો વેણુ તું ક્યાં છે ? ત્યાં વેણુ નો અવાજ સંભળાયો... મિત હું મોટા ઝાડ ની બાજુ ની ઝાડી પાસે છું. અવાજ ની દિશા માં મિત આગળ વધ્યો ત્યાં ઝાડ ની બાજુ માં વેણુ દેખાણી. અને તે એટલી વિચિત્ર રીતે ફસાણી હતી કે મિત ને આવી પરિસ્થિતિમાં પણ હસવું આવી ગયુ.. “મિત આવી પરિસ્થિતિ માં મને મદદ કરવાને બદલે હસે છે કેમ”? મીતે હસતા હસતા કહ્યું તને મદદ કરવા તો શોધતો શોધતો અહી આવ્યો પણ તું કેવી ફસાઈ ગઈ છે તો હસવું આવેજ ને કહી પાછો હસવા લાગ્યો. પણ પછી વેણુ બીજું કઈ કહે અને ગુસ્સો કરે એ પહેલા તેની બાજુ માં પહોચી તેને મદદ કરવા લાગ્યો. વેણુ નો ડ્રેસ કાંટાળી ઝાડી માં ફસાઈ ગયો હતો. ઢાળ હોવાથી વેણુ કાંટો કાઢવા જાય ત્યાં લસરી જતી હતી. ધીમે ધીમે મિત કાંટા માંથી તેનો ડ્રેસ કાઢવા લાગ્યો, પણ કાંટા ખુબ વાગતા હતા અને લોહી પણ નીકળતું હતું પણ તેની તેને કોઈ પરવા ન હતી. વેણુ એજ જોતી હતી કે મિત પોતાની મદદ કરવા કાંટા વાગતા હતા તે પણ જોતો ન હતો. તેને ઘણું વાગ્યું પણ હતું. એટલે તેણે કહ્યું મિત ધ્યાન તો રાખ તને કેટલું વાગે છે, એટલે મીતે કહ્યું,

“ વાત વિચારે સંજય એનું નામ દોસ્તી,

એક ને વાગે નીજને દર્દ થાય તેનું નામ દોસ્તી”

એ સાંભળી વેણુ મન માં હસતી હસતી ચુપ થઇ ગઈ.પછી માંડ માંડ વેણુ ના ડ્રેસ માંથી કાંટા નીકળ્યા. પછી તેણે ધીમે ધીમે વેણુ ને ઉભા થવા માં મદદ કરી. લસરી જવાનો ડર હોવાથી તેણે વેણુ ને કહ્યું મારો હાથ પકડી લે તો લસરી જવાનો ચાન્સ ઓછો થઇ જશે. એક મિનીટ તો વેણુ ખચકાણી પણ પછી મિત નો હાથ પકડી લીધો. ધીમે ધીમે દયાન રાખતા રાખતા બંને ટેકરી ચડવા લાગ્યા. આટલી મુશ્કેલી માં ચડતા ચડતા પણ બંને હાથ પકડી ને ચડતા હતા તો બંને ને એક ન સમજાય તેવી બેચેની થતી હતી. પણ એ બેચેની ગમતીલી પણ હતી. પણ કઈ સમજાતું ન હતું.

“પ્રથમ સપર્શ ના એ વરસાદ માં અમે ભીજાય ગયા,

એવા તો ભીંજાયા કે મન ચાહે છે બસ એ મેઘ અનરાધાર વરસ્યા કરે.....”

આવી ન બોલાયેલી ઘણી વાતો મિત ના મન માં ચાલી રહી હતી. મિત થોડી વારે વેણુ સામે જોઈ લેતો હતો પણ કોઈ કઈ બોલી શકતું ન હતું. એમજ ટેકરી પર ચડ્યા પછી બંને નો શ્વાસ નીચે બેઠો. ત્યાતો હિરલબેન અને સરલાબેન અને બીજા છોકરાવ તેમને શોધતા શોધતા ત્યાં આવી પહોચ્યા. બંને ને વાગેલું હોવાથી લોહી નીકળતું હતું. તેમાં પણ વેણુ એ સફેદ ડ્રેસ પહેર્યો હતો એટલે તેતો લોહીલુહાણ બતાતી હતી. એટલે બંને ની મમ્મીઓ ચિંતા કરતા પૂછવા લાગી કે શું થયું ? એટલે વેણુ એ કહ્યું કે અમે બધા ટેકરી ઉતરતા હતા ત્યારે હું પાછળ રહી ગઈ હતી અને એ લોકો ને બોલાવવા ગઈ ત્યાં અચાનક ધ્યાન ન રહેતા લસરવા લાગી અને લસરતા લાસરતા વચ્ચે ઝાડી આવતા તેના કાંટા માં ફસાઈ ગઈ હતી. મિત જો સમયસર ન આવ્યો હોત તો કદાચ હું લસરી ને નીચે ખીણ માં જતી રહી હોત. જોકે ખીણ છે તો નાની પણ તેમાં પથ્થર વધારે છે એટલે ખુબ વાગી પણ જાય કદાચ. આ સાંભળી ને હિરલબેને મિત નો આભાર માન્યો. મિત, “અરે આંટી તેમાં આભાર શું માનવાનો ? વેણુ તો મારી મિત્ર છે. ત્યાંથી બધા જમવા ગયા, બધા ને ખબર પડતા બધા મિત ના વખાણ કરવા લાગ્યા અને મિત ના સાહસ ને બિરદાવ્યું. પછી તો હસી મજાક અને સાવચેતી સાથે બધા ની પીકનીક પૂરી થઇ અને રાત્રે બધા પાછા ફર્યા

પછી ઘણા દિવસો સુધી બધા એ પીકનીક ને યાદ કરતા રહેતા. વેણુ અને મિત તો ખાસ એ ભૂલી જ નહોતા શકતા. તેમાં પણ ખાસ હાથ માં હાથ રાખી ટેકરી ચડવાની સુંદર ક્ષણો તો આંખ માંથી ઓઝલ થતી જ ન હતી. ત્યારપછી ખબર નહી કેમ પણ બંને નું વર્તન થોડું બદલાય ગયું હતું. કોઈ પણ વાત એકબીજા સાથે કોઈ પણ સંકોચ વગર શેર કરતા બંને કઈ પણ વાત બોલતા પહેલા અચકાતા હતા. પણ એકબીજા ને મળ્યા વગર તો રહેતા જ નહિ. સ્કુલે તો સાથે જ જાય બંને. પણ પરીસ્થિતી બદલાઈ ગઈ હતી. એક પણ મિનીટ વાત કર્યા વગર ન રહેનારા, બંને ને વાત કરવા જાણે શબ્દો જ મળતા ન હતા. છતાં પણ જાણે એક પણ શબ્દ બોલ્યા વગર મૌન માંજ એકબીજા નું સાનિધ્ય માણતા હતા. મિત્રો પણ કહેતા હતા મિત અને વેણુ તમે બંને કેમ હમણાં કઈ બોલતા નથી. તમારી વાતો વગર તો બહુ સુનકાર લાગે છે, કઈ ઝગડ્યા તો નથી ને બંને ? અને બંને એકબીજા ની સામું જોઈ હસી પડતા. એટલે મિત્રો ને નિરાકરણ થઇ જતું.

હમણાં ખબર નહિ કેમ પણ મિત ઉઠી ને સીધો બહાર જઈ વેણુ ના ઘર સામે જોતો રહેતો. દિવસ દરમ્યાન કોઈ પણ કામ માટે બહાર નીકળે તો પણ તેની નજર તો ત્યાં જ હોઈ કે વેણુ તો બહાર નથી ને ? રાત્રે પણ સુવા જતા પહેલા એકવાર તો જોઈ આવે જ. ઘર માં કે સ્કુલ માં કોઈ પણ વાત હોઈ પણ વેણુ તેની દરેક વાત માં ઇન્વોલ્વ હોઈ જ. જયારે સામે વેણુ ની હાલત પણ એવીજ હતી. બંને ને નવાઈ લાગતી હતી પોતાના વર્તન માટે તેમને સમજાતું તો નહોતું પણ તેમાં પણ કૈક ગમતીલું હોય તેવો અહેસાસ થયા કરતો.

“ના જાણે કેમ મન મૂંઝાય છે, દરેક જગ્યાએ ખોટ તમારી વર્તાય છે,

કારણ શોધવા ઘણા પ્રયત્નો કર્યા, પણ વળી એમાં નવી મુંઝવણ ઉભી થાય છે...”

રાત્રે ઊંઘ આવતી નથી એટલે આજે ઉઠવા માં મોડું થતા સ્કુલે પહોચવા માં થોડું મોડું થઇ ગયું અને વળી વેણુ પણ જતી રહી, મન માં બોલતા બોલતા મિત સ્કુલે પહોચ્યો. ત્યાતો મિત્રો ઘેરી વળ્યા. સ્કુલ માંથી નાટ્ય સ્પર્ધા ના નામ લખતા હતા. અમે બધાએ નામ લખાવી દીધા હવે મિત તું પણ લખાવી દે. અરે પણ મને વિચારવા તો દો. પ્રણવ કહે, ‘એમાં વિચારવાનું શું ? હજી તો સિલેકશન થશે. ચલ હુ જ તારું નામ લખાવી દવ છું’. પ્રણવે નામ તો લખાવી જ દીધું. મિત ને પછી ખબર પડી કે વેણુએ પણ નામ લખાવ્યું છે, એટલે તે ખુશ થઇ ગયો. રીષેસ પછી પ્રાર્થના હોલ માં સિલેકશન હતું. નામ લખાવેલ બધા વિદ્યાર્થી હોલ માં પહોચી ગયા.

વારા ફરતી બધા ના ઓડીશન શરુ થયા. જેટલા સિલેક્ટ થતા તેમને બેસાડતા હતા અને બાકીનાને ક્લાસ માં મોકલતા હતા. વેણુ નો વારો આવતા તેને આપવા માં આવેલ સ્પીચ મુજબ તે સરસ બોલી એટલે તેને બેસાડી એટલે મિત ખુશ થયો. પછી મિત ને બોલાવવા માં આવ્યો, જોકે શિક્ષકો ને પણ ખબર જ હતી કે મિત સરસ જ બોલશે એટલે એ તો સિલેક્ટેડ છે જ, છતાં પણ નિયમ મુજબ તેને સ્પીચ આપવા માં આવી, અને બધા ની ધારણા મુજબ મિત ખુબ સરસ બોલ્યો. સિલેકશન પૂરું થતા બધા ને સુચના આપવામાં આવી કે કાલ થી પ્રેક્ટીસ શરુ થશે, એટલે રીસેસ પછી બધા એ સમયસર હોલ માં પહોચી જવું.

મિત અને વેણુ ની મિત્રતા ક્યાં પહોચી વાંચતા રહો ભાગ-૩.....

(ક્રમશઃ)