Nishti - 24 - Khul ja Simsim books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - ૨૪ - ખૂલ જા સિમસિમ..

નિષ્ટિ

૨૪ .ખૂલ જા સિમસિમ....

‘અરે અરે .... ઓહ શીટ....’

‘શું થયું નિશીથ?’

‘જો.. જો.... આપણી બસ નીકળી ગઈ...’

‘શું થઇ ગયું એમાં? હમણાં બીજી બસ આવશે.... ચલ બેસ ને અહિયાં નિરાંતથી..’

‘ઓકે.. ઓકે.... તમે કહેશો એમ જ થશે... બસ?’

‘બસ.... સ્ટોપ......’

‘ઓહ... હું એવું તે શું બોલી ગયો કે તમને ખોટું લાગ્યું?’

‘કંઈ નહિ... બસ.. સ્ટોપ.. પર જઈએ હવે?

‘ઓહ... એમ.. સોરી..’

ક્રિષા અને નિશીથ વચ્ચે આમ જ ધીંગા મસ્તી ચાલ્યા કરતી... ક્રિષા વિચારતી કે બંને જણ ઘરની બહાર કોલેજમાં હોય તો મહત્તમ સમય એકબીજાની સાથે ગુજારે છે.. બંનેને એકબીજા વગર ઘડીવાર પણ ગોઠતું નથી... લડે ઝઘડે તો પણ ભેગા થઇ જાય... આ બધું પ્યાર નહિ તો બીજું શું છે? હવે તો કંઈ કરવું પડશે..

આજે નિશીથ ક્રિષા કરતા પહેલા કોલેજની બહાર આવી ગયો હતો. તે રસ્તાની એક બાજુએ ક્રિષાની વાટ જોતો મિત્રો સાથે બેઠો હતો.. બધા મિત્રો ગપ્પાં મારી રહ્યા હતા પણ નિશીથનું ધ્યાન કોલેજના મેઈન ગેઇટ તરફ હતું... કોલેજમાં બધાને ધીરે ધીરે ખ્યાલ આવી રહ્યો હતો કે નિશીથ અને ક્રિષાની દોસ્તી કંઈ અમસ્તી જ નથી. એક મિત્રને ટીખળ સૂઝી અને એણે તરત એનો અમલ કર્યો...અંતે ક્રિષા ગેઇટ પર દેખાઈ અને નિશીથના બેચેન ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ.. એ ઉત્સાહભેર ઊભો થવા ગયો તો પાછળ કંઇક ભાર જેવું લાગ્યું.. તેના એક મિત્રે તેની નજર ચૂકવીને શર્ટના કોલર અને ગરદન વચ્ચેથી શર્ટની અંદર દસ-પંદર કાંકરા સેરવી દીધા હતા... ઉપસ્થિત બધા મિત્રો તાળીઓ આપીને હસવા લાગ્યા. નિશીથ શરારત કરનાર મિત્રને મારવા દોડ્યો પણ એ હાથતાળી આપીને છટકી ગયો..

‘ડુ યુ હેટ મી?’મિત્રોથી અલગ થતાં એકલતા મળતાંવેંત ક્રિષાએ નિશીથને સીધું જ પૂછી નાખ્યું..

‘નો... નોટ એટ ઓલ..’ નિશીથે ખભા ઊલળતાં કહ્યું..

‘આઈ લવ યુ ટ્યુ...’

‘મેં એવું ક્યાં કહ્યું... મેં તો માત્ર એમ જ સ્વીકાર્યું કે આઈ ડોન્ટ હેટ યુ... એનો એવો થોડો મતલબ છે?

‘હવે જવા દે ને.... આખી કોલેજ આપણી વાતો કરે છે...’

‘એમ.. ? ના હોય!!!!!! ઓહ માય ગોડ!!!!!!’

‘યેસ્સ.... ઇટ’ઝ એબ્સોલ્યુટલી રાઈટ... ક્યાં સુધી સત્યથી પીછો છોડાવતો રહીશ?..’

‘એમ નહિ.. એમાં એવું છે કે... હું.... મને... મારું.... મારાથી..... ઓહ.......’

‘અરે સીધેસીધું કહી દે ણે કે તું ડરે છે સાચી વાત સ્વીકારતાં.....’

‘ના એવું નથી...’

‘હા.. હા... એવું જ છે... ડરપોક છે તું.... અવ્વલ દરજ્જાનો ડરપોક..’

‘અરે એવું નથી...’

‘તો કેવું છે? શું સમજે છે તું મને હે? આ રોજ મારી સાથે બસમાં આવવું.. મારી ગેરહાજરીથી બેચેન બની જવું... મારી સાથે હસવું... ચાલવું.... દોડવું... મસ્તી કરવી.... કંઈ સમજાય છે તને?’

‘ઓહો... છોડને યાર...’

‘શું છોડું? તને છોડી દઉં? ખરેખર? તો લે આ ચાલી હું.....’

‘ઓકે... બાબા..... હું બધા હથિયાર હેઠાં મૂકું છું... બસ.... હું હાર્યો ને તું જીતી.. ખુશ?’

નિશીથ જે બોલ્યો એ સાંભળી ક્રિષા ખુશીથી ઊછળી પડી..... આ એ પલ હતી જેનો તેને કેટલાય દિવસોથી ઇન્તજાર હતો. તે એકદમ નિશીથની નજીક આવી ગઈ.... એને ભેટી પડવા જતી હતી પણ સ્થળ અને સમયનો ખ્યાલ આવતાં પાછી હટી ગઈ...

‘ચલને આપણે ગાર્ડનમાં જઈને બેસીએ... મનભરીને દિલની વાતો કરીએ.. ‘ ક્રિષા ખૂબ જ ખુશ હતી... નિશીથ સાથેના સંબંધોનું આજે નામકરણ થઇ ચૂક્યું હતું... હાથમાં હાથ પરોવીને બંને જણ ચાલતાં ચાલતાં કોલેજથી દોઢ-બે કીલોમીટર દૂર આવેલા શહેરના પ્રખ્યાત ગાર્ડનમાં પ્રવેશ્યાં.... એક સલામત બાંકડા પર ગોઠવાયાં..

‘થેંક યુ સો મચ...નિશીથ...’ લગભગ સોમી વાર ક્રિષા નિશીથનો આભાર માની રહી હતી...

‘થેંક યુ પાંચસો મચ...’ નિશીથ એની ખાસ અદામાં ઉત્તર વાળતો રહ્યો...

‘ટેલ મી ધોઝ થ્રી મેજિક વર્ડ્ઝ.. નિશીથ..’ ક્રિષાના શબ્દે શબ્દમાં પ્રણયરસ ઘૂંટાતો હતો..

‘હું હવે નાનો કીકલો નથી...’ નિશીથનો નટખટ વળતો ઘા...

‘હા.. હું એ જ કહું છું કે તું હવે નાનો કીકલો નથી.. રહ્યો.. તો પછી આટલું બધું કેમ શરમાય છે? કહી દે ને પ્લીઝ..’

‘ઓકે.. ઓકે... કહી દઉં છું... પણ મારા કહેવાથી કંઈ વળવાનું નથી... તું આટલો બધો આગ્રહ કરે છે તો કહી જ દુ છું.. બસ..’

‘હા જલ્દીથી કહી દે ને..... થ્રી મેજિક વર્ડ્ઝ.’ નિશીથે સંમતી દર્શાવતાં ક્રિષા એના મોઢાનાં વેણ સાંભળવા આતૂર હતી..

‘લે... તો.. સાંભળ... એક દમ ધ્યાન દઈને સંભાળજે હોં???’ નિશીથ મર્માળુ હસી રહ્યો હતો....

‘અરે જલ્દી બોલને.. ઇડીયટ.....’ ક્રીષાએ હળવેથી નીશીથનું નાક ખેંચ્યું..

‘હા... બોલું છું બાબા.. ધોઝ મેજિક વર્ડ્ઝ આર.... ખૂલ જા સિમસિમ......’

નિશીથને હતું કે તેની એ ચેષ્ટાથી ક્રિષા નારાજ થઇ જશે અને મારવા દોડશે પણ આ શું?...... નિશીથના ખૂલ જા સિમસિમ બોલવાથી જાણે ધડાકાભેર વાસ્તવિક દુનિયાના પડળો તોડી એક સ્વપ્નવત દુનિયાનો દરવાજો ખૂલી ગયો જેની પેલે પાર બધું સ્વર્ગ સમું ભાસી રહ્યું હતું.. ક્રિષા આંગળી પકડીને નિશીથને એ કલ્પનાતીત દુનિયામાં ઢસળી ગઈ.... બંનેને સમજાતું નહોતું કે શું થઇ રહ્યું છે.. આસમાનમાંથી સૂરજ ચાંદની રેલાવી રહ્યો છે.... આકાશ સોને મળ્યું હોય એવું લાગી રહ્યું છે... બાજુમાં જ સ્થિત એક રૂપેરી ટેકરી પરથી ખળખળ વહી આવતું ઝરણું કુદરતની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે.. પંખીઓનો કલરવ મન તરબતર કરી દેતા સુમધુર સંગીતની સુરાલીઓ વહાવતો હોય એવું લાગી રહ્યું છે..... હરણ અને સસલાંના બચ્ચાં આમ તેમ કૂદાકૂદ કરી રહ્યાં છે.. બસ આનાથી રૂડું અખિલ બ્રહ્માંડમાં કોઈ સ્થળ અસ્તિત્વમાં ના હોઈ શકે...

રાત્રિના નવેક વાગ્યા હતા.. બગીચાનો દરવાજો બંધ કરવાનો સમય થઇ ગયો હતો.. સિક્યોરીટી ગાર્ડ સિસોટી મારતો મારતો નિશીથ અને ક્રિષા બેઠાં હતાં એ બાંકડા તરફ આવી રહ્યો હતો.. સામાન્ય રીતે આ ગાર્ડનમાં બધા કપલ્સ અસભ્ય રીતે બેઠેલાં જોવા મળતાં હોય છે એની જગ્યાએ એક છોકરો અને એક છોકરી એક બીજાથી અલગ એક જ બાંકડાના અલગ અલગ ધ્રુવ પર બેઠેલા જોઈ ગાર્ડને પણ નવાઈ લાગી,,, બંને જણ એકદમ સ્થિર પૂતળા સમાન લાગતાં હતાં. આશ્ચર્યભાવથી બંનેના મોઢાં ખૂલ્લાં રહી ગયાં હતાં.. સીટી વગાડીને ગાર્ડે બંનેને ધરતી પર ઊતાર્યા.. બંને જણ શરમના માર્યા ત્યાંથી ભાગી છૂટ્યાં..

આજે નાતાલનો દિવસ હતો... કોલેજમાં રજા હતી... દરેક રજાની જેમ આજે પણ ક્રિષા અને નિશીથ એકબીજાને ના મળી શકવાથી બેચેન હતાં... ક્રિષા ઘરે એકલી હતી... એણે નિશીથને ફોન કરવાનો વિચાર કર્યો પણ પછી થયું કે બીજું કોઈ ફોન ઉપાડશે તો? એમ વિચારીને એણે દસેક વાર ફોનનું રીસીવર ઉપાડીને પાછું મૂક્યું... અંતે તે વધુ સમય કાબૂ ના રાખી શકી અને છેવટે નિશીથના ઘરનો નંબર ડાયલ કરી જ દીધો... સદનસીબે સામા છેડે નિશીથે જ ફોન ઉપાડ્યો...

‘હેલો.. નિશીથ... હાય...’

‘હેલ્લો...’

‘હાઉ આર યુ?’

‘ઓલ રાઈટ.. ‘

‘હેય.... આઈ એમ અલોન એટ હોમ...’

‘તો બારી બારણાં બરાબર વાસજે... ચોર લુંટારાનો તો આપણા ત્યાં કોઈ ભય નથી પણ કૂતરાં બિલાડાં ઘરમાં ઘૂસી જશે તો ખબર પણ નહિ પડે તને....’ કહી નિશીથ ખડખડાટ હસી પડ્યો...

‘જોઈ લઈશ તને તો હું..’

‘જોઈ લે જે ને.. કોણ ડરે છે...’

‘એમ? તો નથી ડરતો ને તું? આજે હું તારા ઘરે આવું છું અને આંટીને બધી વાત કરું છું..’

‘ના... ક્રિષા... નહિ.... ક્રિષા... જોજે એવું કરતી.... પ્લીઝ ક્રિષા.... હું ડરપોક છું બસ... મારાથી વધુ ડરપોક દુનિયામાં બીજું કોઈ નથી.... હેપ્પી?’ નિશીથ ક્રિષાને લગભગ કરગરી રહ્યો...

‘હું તો મજાક કરતી હતી.... ભીગી બિલ્લી... મેં તો માત્ર તને વિશ કરવા જ ફોન કર્યો હતો...’

‘શું?’

‘મેરી ક્રિસમસ’ ક્રિષાના અવાજમાં હજુ મસ્તી હતી..

‘મેરી ક્રિસમસ’

‘મેરી કીસ મસ્ત.’ ક્રીષાનો અવાજ માદક બનતો જતો હતો...

‘ઓહ... અભી કીસ મત...’ નિશીથે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જણાવ્યો..

‘મેરી કિસ્મત... હહ......’ ક્રિષાએ પહેલા એક હાથ પોતાના કપાળે પછાડ્યો અને બીજા હાથ વડે ફોનનું રીસીવર પટકયું..

હજુ નિશીથ ફોનથી થોડ દૂર ગયો હશે ને ફોન ફરીથી રણકી ઊઠ્યો...

‘હેલો’

‘સોરી તને ફરીથી ફોન કરી રહી છું... આજે રજાનો દિવસ છે.... ચાલ ફરવા જઈએ?’

‘ફરવા???? ક્યાં?’

‘અરે હું ક્યાંય અમદાવાદની બહાર જવાની વાત નથી કરતી.. અમદાવાદમાં જ.... ઘેર એકલી જ છું તો બોર થવાય છે...’

‘આમેય મને બોર નથી ભાવતા.. તો તું પુરેપુરી બોર થાય એ પહેલાં નીકળી જઈએ’

‘દરેક વખતે મજાક નહિ... આવે છે કે નહિ, બોલ?’

‘ઓકે... એક કામ કરીએ... તું મણિનગર આવી જા.. આપણે બાઈક લઈને નીકળી જઈશું...’

‘ઓહો... ડન...’

અડધા કલાકમાં તો બાઈક આશ્રમરોડ પર પૂરપાટ ગતિએ દોડી રહી હતી... ક્રિષાએ દુપટ્ટાથી તો નિશીથે હેલ્મેટ વડે ચહેરો ઢાંકી દીધો હતો કે જેથી કરીને કોઈ તેમને ઓળખી ના જાય.. બંને જણા કોલેજ આવતાં જતાં તો ઘણી વાર સાથે રહેતાં હતાં પણ આમ આજે માત્ર ફરવા માટે જ પહેલી વખત સાથે નીકળ્યાં હતાં. સૌ પ્રથમ તો ગાંધીનગર જઈને ફિલ્મ જોવાનું નક્કી થયું.. એટલે નિશીથે બાઈક ગાંધીનગર તરફ લઇ લીધી. ફિલ્મ જોયા પછી નિશીથે ગાંધીનગરના ભૂલભૂલૈયા સમાન રસ્તાઓ પર અમસ્તી જ બાઈક દોડાવ્યા કરી. ઘણી વખત મંજિલ વગરની સફરમાં ખૂબ મજા આવે છે ખાસ કરીને મનગમતો હમસફર સાથે હોય ત્યારે...

‘નિશીથ, તને સૌથી વધારે શાનો શોખ છે?’ નિશીથ જોડે વાતો કરતા રહેવા માટે ક્રિષા મગજ ખોતરીને પ્રશ્નો ઠાલવી રહી હતી...

‘શ્વાસ લેવાનો... જો એ શોખ ના પડ્યો હોત તો અત્યારે આમ હું તારી જોડે ના ફરતો હોત.’

ક્રિષાને ખ્યાલ આવી ગયો કે એના સતત પ્રશ્નોના પ્રહારથી નિશીથ અકળાયો લાગે છે એટલે એ થોડીવાર માટે ચૂપ થઈ ગઈ... માંડ થોડી મિનિટો માટે મૂંગા રહ્યા પછી ના રહેવાયું એટલે એ ફરીથી ચાલુ પડી..

‘મને તો કપડાંનો બહુ શોખ છે...’

‘મને તો કપડાંનો જરાયે શોખ નથી પણ નાનપણથી જ મમ્મીએ શીખવ્યું છે કે લોકલાજે કપડાં તો પહેરવા જ પડે... એટલે નાનપણથી જ પહેરવાની આદત પાડી દીધી ને હવે ટેવાઈ ગયો છું..’

‘અરે નીશું.. તું પણ શું... કંઈ પણ બોલે છે’

પહેલી વાર ક્રિષાના મોઢે નિશીથના બદલે નીશું સાંભળવાનું નિશીથને ઘણું સારું લાગ્યું...

‘તો હવે બાઈક ક્યાં લઇ લઉં...... ક્રિષુ?’ નિશીથે પળભરમાં હિસાબ સરભર કરી દીધો.... ક્રિષા પણ પહેલી વાર પ્યારભર્યું સંબોધન સાંભળીને મૂડમાં આવી ગઈ..

‘જહાં તૂમ લે ચલો....’

‘ઓકે.... તો મમ્મીએ સવારે નીકળતાં શાક માર્કેટમાંથી કારેલાં અને કંટોળાં લઇ જવાનું કહ્યું છે તો હવે અહીંથી સીધા જમાલપુર જઈએ...’

‘ઓહ... નીશું... યુ ઓલ્વેઝ.....’ ક્રિષાના પ્રેમસભર નારાજગીના વેણનો પ્રત્યુત્તર આપવાને બદલે નિશીથે બાઈકની સ્પીડ વધારી દીધી.

બાઈક હવે અમદાવાદના રસ્તાઓ પર દોડી રહી હતી. નિશીથે સી.જી. રોડ પરના એક પ્રખ્યાત લેડીઝ ગારમેન્ટ શોરૂમ આગળ બાઈક થંભાવી.. શોરૂમની અંદર પ્રવેશતાં જ ક્રિષાની નજર એક ડ્રેસ પર પડી જે એને જોતાંવેંત જ ગમી ગયો.. પણ એની કિંમત વધુ હતી એ જોઇને એણે એ ડ્રેસ લેવાનું માંડી વાળ્યું...

‘તને એ ડ્રેસ ગમતો હોય તો લઇ લે...’

‘આજે નહિ બીજી કોઈ વાર..’ સેલ્સમેન પાસે સારી એવી મહેનત કરાવી અને આખરે એક ડ્રેસ પર ક્રિષાએ પસંદગી ઊતારી... નિશીથ વિચારી રહ્યો હતો કે આટલી વારમાં તો એનાં વર્ષભરનાં કપડાંની ખરીદી થઇ ગઈ હોત... કેશ કાઉન્ટર પર નિશીથ પેમેન્ટ કરવા જતો હતો તો ક્રિષાએ એને અટકાવ્યો..

‘નોટ નાઉ, નીશું..’

‘નોટ નાઉ? ધેન વ્હેન?’

‘વેરી સૂન...’ કહીને ક્રિષાએ ડ્રેસ માટે આપવાના થતા પૈસા ચૂકવી દીધા..

‘વેરી સૂન? હું કંઈ સમજ્યો નહિ....’

‘તું મારી જોડે આટલી વાતો કરે છે એનો અર્થ એ નથી કે તારી સ્ટાર્ટીંગ મોટર રીએસ્ટાબ્લીશ થઇ ગઈ છે... એટલે મારે જ કંઈ કરવું પડશે એની મને ખબર છે અને મેં એ શરુ કરી દીધું છે...’

‘શું શરુ કરી દીધું છે તેં?’ નિશીથ જાણવા અધીરો બન્યો..

‘જસ્ટ વેઇટ એન્ડ વોચ..’

‘વેઇટ તો મેં કાલે જ કરાવ્યું... પૂરું બાસઠ કિલો ને સાતસો ગ્રામ અને વોચ... આ જોઈ લે ઈન્ટરનેશનલ બ્રાન્ડની છે... ચલ હવે તો કહી દે...’

‘બસ થોડા ઇન્તઝાર’

‘ઓકે...’ કહી નિશીથે ઘર તરફ બાઈક મારી મૂકી......

ક્રમશ:.......