Nishti - 23 - I Love You books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - ૨૩ - આઈ લવ યુ..

નિષ્ટિ

૨૩. આઈ લવ યુ....

‘ક્રિષા નામ હતું એનું... અમે એન્જીનીયરીંગ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતાં હતાં..બંને એક બીજાને માત્ર નામથી જાણતા હતા બાકી ખાસ પરિચય નહોતો. ક્રિષા ખૂબ જ સુંદર છોકરી હતી. પ્રમાણસર દેહ, માંજરી આંખો, તીણું નાક, કર્ણગમ્ય સુમધુર અવાજ.... કોલેજના બીજા વર્ષ દરમ્યાન અમારો પરિચય થયેલો. કોલેજના વાર્ષિકોત્સવમાં એક સ્પર્ધા હતી... on negative note... મેં એ સ્પર્ધામાં ભાગ લીધેલો.... એક કાવ્યપઠન કરેલું.... એટલી સુંદર કવિતા હતી કે ઓડીટોરીયમમાં ઉપસ્થિત બધા જ લોકોને ખૂબ જ સ્પર્શી ગઈ..... અલબત્ત પ્રથમ ઇનામ એ કવિતાને જ મળેલું...

‘એમ.... અભિનંદન... મને તો સંભળાવો એ કવિતા?’ ત્રિનાદ બોલ્યો...

‘હા... તો સંભાળ...

ઉડી લઉં સ્વપ્નોના નભમાં,

કાશ મને પાંખ મળે.

ડૂબી જાઉં પ્રેમસાગરમાં,

પ્રેમસભર જો આંખ મળે.

જે ઈચ્છ્યું જે ચાહ્યું એ ક્યાં મળ્યું છે જગમાં?

દોડવા મથુ ને બેડી હોય પગમાં.

અરમાનોના જંગલમાં એવો દાવાનળ ભભૂકે

કે હાથ નાખું જ્યાં જ્યાં દોસ્તો સ્ટુડન્ટસ

બસ મને ત્યાં રાખ મળે.........’

‘વાહ.... માન ગયે ઉસ્તાદ...’

‘આ કવિતાએ મને કોલેજમાં એક નવી ઓળખ અપાવી... સામાન્ય રીતે મૂંગો અને બધાથી અળગો રહેતો હું સ્ટુડન્ટસપર કોઈ પ્રભાવ પડી શક્યો નહોતો. પણ હવે બધા મને ઓળખવા લાગ્યા. બાકી ભણવામાં હોશિયાર હોવાના લીધે હું સાવ લાફીંગ સ્ટોક તો નહોતો બની ગયો પણ બધા જોડે છૂટથી ભળી પણ નહોતો શકતો. હવે લોકો મને સામેથી બોલાવતા હતા.. મારી સાથે હસી મજાક પણ કરતા.. ખરેખર ખૂબ સારું લાગી રહ્યું હતું. ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામડામાંથી અમદાવાદ જેવા મોટા શહેરમાં આવવાને લીધે શહેરના લોકો જોડે ભળવામાં જે સંકોચ અને ડર હતો એ હવે ધીરે ધીરે દૂર થતો ચાલ્યો. અમદાવાદમાં કોલેજના પહેલા બે વર્ષ તો હું મારા કાકાના ઘરે રહીને ભણેલો. પછી તો મારા પપ્પા પણ સ્કૂલમાંથી શિક્ષક તરીકે વયનિવૃત થતાં અમદાવાદમાં જ મકાન રાખી લીધું અને અમે શહેરમાં સ્થાયી થયા.. તો હા.... મારા કાકાનો દીકરો ભૂષણ કે જે મારો ખાસ દોસ્ત છે એણે જ મને એ સ્પર્ધામાં ભાગ લેવા માટે હિંમત અને પ્રેરણા આપેલી.’

‘આ આખી વાતમાં ક્રિષા ક્યાં?’ ત્રિનાદ ક્રિષા વિષે જાણવા અધીરો બન્યો હતો...

‘હા... કોલેજના બીજા બધા લોકોની જેમ ક્રિષા પણ મારી એ કવિતાથી પ્રભાવિત થઇ...’

‘કવિતાથી જ?

‘હા.... એ વખતે તો કદાચ એમ જ હતું... હું મણિનગરથી સિટીબસમાં કોલેજ આવતો અને એ પણ ઘોડાસરથી......એ પણ એના ફોઈના ઘેર રહીને ભણતી.... ઘણી વખત અમે એક જ બસમાં સાથે થઇ જતા... પણ મારા શરમાળ સ્વભાવને લીધે ત્યાં સુધી અમે ક્યારેય વાત નહોતી કરી. વાર્ષિકોત્સવ પત્યાના બીજા જ દિવસે અમે ફરી એક વાર બસમાં ભેગા થઇ ગયા અને એ મારી બાજુની જ સીટમાં આવીને ગોઠવાઈ ગઈ..’

‘ઓહો.......... લોટરી લાગી ગઈ તમારી તો......’

‘તું ચૂપ રહીશ કે હું ચૂપ થઇ જાઉં???’

‘સોરી નિષ્ટિભાઈ..... આગળ ધપાવો... પછી શું થયું?’

‘એણે મારી બાજુમાં બેસીને મારી સામે હાથ લંબાવતાં કહ્યું.. ‘કોન્ગ્રેટ્સ મિ. નિશીથ.... ખૂબ જ સરસ કવિતા હતી તમારી’ સંકોચાઈને બેઠેલા મેં હસ્તધૂનન ન કરતાં માત્ર હાથ જોડીને આભાર માન્યો.’

‘પણ આટલી બધી નકારાત્મકતા? તમે જીવનથી બહુ નિરાશ લાગો છો... કવિતાની રીતે ભલે ખૂબ જ શ્રેષ્ઠ હોય.. સ્પર્ધાનો વિષય પણ એવો જ હતો.. પણ એ છતાંય તમારી કવિતામાં હતાશાની પરાકાષ્ઠા હતી... સોરી... ટુ આસ્ક યુ... પણ તમે ખરેખર જિંદગીથી આટલા બધા હતાશ છો?’

‘ના રે.... એવું કઈ નથી...’

‘હું નથી માનતી...’

‘એ તમારો વિષય છે..... મેં તો સ્પર્ધાના કન્સેપ્ટ પ્રમાણે લખેલું... બસ એટલું જ’

‘ઓહ.... તો પછી તમારા શબ્દોમાં આટલી ઉદાસી અને હતાશા કઈ રીતે?’

‘એ તો જેવો વિષય હોય એવું સર્જન કરવા માટે પરકાયા પ્રવેશ કરતાં આવડવું જોઈએ..’

‘વાઉ..... ઇન્ટરેસ્ટીંગ..... એ બધું તો મને માથાની છેક ઉપરથી જાય છે’

‘I think you are impausible..’

‘શું કહ્યું?’

‘તમે ક્યાય અટકતા નથી?’

‘ઓહો..... બોબડાને જીભ આવી ગઈને કંઈ!!!!!!!’

મને નવાઈ લાગી કે હું આટલું બધું કેવી રીતે બોલી ગયો? ક્યાંથી આવી ટપક્યો આટલો આત્મવિશ્વાસ..... શરમાળ સ્વભાવના લીધે આમ પણ ઓછું બોલતો અને એમાય છોકરીઓ જોડે વાત કરવું એટલ તો વાત જ જવા દે..’

નિશીથ એટલો રસ પૂર્વક વાત કરી રહ્યો હતો કે વર્ષો પહેલાની એક એક પળ જાણે ત્રિનાદની નજર સમક્ષ તાદ્રશ્ય થઇ ઊઠી..

પછી તો વારંવાર બંને જણ એક બસમાં ભેગાં થઇ જાય તો પાસપાસેની સીટ પર બેસીને જ મુસાફરી કરતાં. એ પછી જાણી જોઈને બંને સાથે જ બસમાં જવાનું થાય એવું ગોઠવવા લાગ્યા...

આવા જ એક દિવસે બંને જણા સાથે બસમાં જતા હતા ને સાબરમતી નદીના એક બ્રિજ પર બસ પહોચી તો જબરદસ્ત ટ્રાફિક જામ હતો. નિશીથને લાગ્યું કે આમ ને આમ તો કોલેજ પહોંચવામાં મોડું થઇ જશે એના કરતાં બસમાંથી ઊતરી જઈને જો ચાલીને જ બ્રિજ પસાર કરીને સામે છેડેથી બીજી બસ પકડી લઈએ તો જલ્દી કોલેજ પહોચી જવાશે. ક્રિષાને પણ નિશીથની વાત યોગ્ય લાગી.. બંને જણ ચાલતાં ચાલતાં બ્રિજની વચ્ચે પહોચ્યાં તો ટ્રાફિક જામ થવાનું કારણ સમજાયું. એક મેદસ્વી મુરબ્બી નદીમાં ઝંપલાવીને આત્મહત્યાની કોશિશ કરી રહ્યા હતા અને કોઈની નજર પડી તો તેમને બચાવી લીધા. તેમની જોડે ચાલતી રકઝક માણવા માટે ટોળું જમા થઇ ગયેલું જેને લઈને ટ્રાફિક જામ થયેલો.

એ ભાઈને એમ કરવાનું કારણ પૂછવામાં આવતાં એમણે જણાવ્યું, ‘મારા શરીરની મેદસ્વિતાને લીધે એ અનેક રોગોનું ઘર બની ગયું છે. મને એક વડીલે સલાહ આપી કે પહેલું સુખ તે જાતે ન રયા.. એટલે મને લાગ્યું કે આવા શરીર વાળાઓ માટે પહેલું સુખ આત્મવિલોપન માત્ર છે.. એનો કોઈ ઈલાજ નથી....’ બધાએ એમને માંડ માંડ સમજાવ્યા કે પહેલું સુખ તે જાતે ન રયા નહિ પણ પહેલું સુખ તે જાતે નર્યા.... નર્યા એટલે નરવા... તંદુરસ્ત...’ ઘણી વખત આપણે જે કહેવા માગતા હોઈએ એ સામે વાળો બરાબર સમજ્યો છે કે નહિ એની ખાતરી ના કરીએ તો ઘણું ઘાતક નીવડી શકે છે.

બ્રિજના સામે છેડે પહોચ્યા પછી સમયસર બીજી બસ મળી જતાં કોલેજનો સમય સચવાઈ ગયો. પણ બ્રિજ પર જે બનેલ ઘટના નિશીથના મનમાં ઘર કરી ગયેલી.. દુનિયામાં લોકો કેવી કેવી મનોસ્થિતિમાં પસાર થતા હશે અને પોતાની સમજ અને આવડત પ્રમાણે ઊભા થતા સંજોગોનો કઈ રીતે સામનો કરતા હશે અને કેવા પરિણામો ભોગવતા હશે એ વિચારોએ એને ઘેરી લીધો હતો.

‘એય.... ૨૧ નંબર........’ એક દિવસ બસ સ્ટોપ પર નિશીથ કોઈ વિચારોમાં ખોવાયેલો હતો અને એ જ સમયે ક્રિષા ત્યાં આવી પહોંચતા એનું ધ્યાન ખેચવા બૂમ પાડી. ક્લાસમાં નિશીથનો રોલ નંબર ૨૧ હતો અને એ બધા જોડે ઓછું બોલતો ત્યારે સહપાઠીઓ નિશીથનો ઉલ્લેખ ૨૧ નંબર તરીકે કરતા હતા.. ક્રિષાએ આજે પહેલી વાર નિશીથને ૨૧ નંબર કહીને બોલાવ્યો હતો.

‘હાય......ગૂડ મોર્નિંગ’ નિશીથે પ્રત્યુત્તર વાળ્યો..

‘એક વાત પૂછું? બધા તને ૨૧ નંબર કહીને બોલાવે છે તો તને ખોટું નથી લાગતું?’

‘ખરું કહું તો...... આમ તો..... એક્ચ્યુઅલી આઈ લવ યુ...’

‘ખરેખર..... પણ આમ અચાનક બેધડક કઈ રીતે કહી દીધું તે?’ ક્રિષા બેભાન થવાની અણી પર હતી.

‘ઓહ... સોરી... મારો એ મતલબ નહોતો...... આ કારણે જ હું લોકો જોડે ઓછું બોલવાનું પસંદ કરું છું... બધા પોતાનો મનઘડત અર્થ કાઢી લેતા હોય છે દુનિયામાં.... આઈ લવ યુ...... બિકોઝ યુ ઇસ ધ ટ્વેંટી ફર્સ્ટ લેટર ઓફ આલ્ફાબેટ....અને ૨૧ મારો લકી નંબર છે... મારી જન્મ તારીખ પણ ૨૧ મે છે... દર મહિનાની ૨૧ તારીખે હું અનેરી તાજગી અનુભવું છું.... ૨૧ તારીખનો મારો લગાવ એટલો બધો છે કે કોલેજથી પરત ફરતી વખતે તું સાથે નાં હોય તો કદાચ મણિનગર ના આવતી હોવા છતાં ૨૧ નંબરની બસમાં પણ બેસી જાઉં.... યોગાનુયોગ આજે પણ ૨૧મી તારીખ છે... જોઈએ આજે શું થાય છે’

‘બકા, આજની ૨૧ તારીખ તો તારા માટે બહુ મોટો દિવસ સાબિત થઇ ચૂકી છે... તે ભલે બીજા અર્થમાં ‘આઈ લાવ યુ’ કહ્યું હોય પણ મને તો તારું એ ‘આઈ લાવ યુ’ હૃદય સોંસરવું ઊતરી ગયું છે અને એ મેં સ્વીકારી પણ લીધું છે. વખત આવ્યે વાત હવે તો...’ ક્રિષા મનોમન બબડી.

કોલેજ જતી બસ આવી જતાં બંને બસમાં ગોઠવાયા... નિશીથ આજના લેકચર્સ વિષે વિચારવા લાગ્યો તો ક્રિષા કોઈ બીજા જ ગગનમાં વિહરી રહી હતી........

એક દિવસ કોલેજથી નીકળવાના સમયે જ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ક્રિષાનો મૂડ વરસતા વરસાદમાં સ્વાભાવિક રીતે રોમેન્ટિક થઇ રહ્યો હતો. બસ સ્ટોપ પર અડધો કલાક ઊભા રહેવા છતાં કોઈ બસ આવી નહિ તો ક્રિષાએ તક ઝડપી લીધી..

‘ચાલને નિશીથ આપણે વિજય ચાર રસ્તા સુધી ચાલતા જઈએ.. ત્યાંથી આપણને બીજા રૂટની બસ મળી જશે..’

નિશીથે મૂક સંમતિ આપી. વરસતા વરસાદમાં ક્રિષાનું તન અને મન થનગનાટ કરી રહ્યું હતું.. એ મનોમન ગાઈ રહી.

’યે બારીશકા આલમ કે મૌસમ હૈ ભીગા.......

કુછ મૈ ગુનગુનાઉં.. મેરે સંગ તૂ ભી ગા.......’

‘વરસાદની સીઝન મને બહુ જ ગમે... આકાશ કાળું ડીબાંગ થયું હોય... વિજળીનો ચમકારો... વાદળોનો ગસ્ગડાટ...આમ ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય... આખું વાતાવરણ કેટલું આહ્લાદક લાગે નહી.. નિશીથ?...’

‘તું કહે છે એ કારણો ઉપરાંત આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે જે મહદઅંશે વરસાદ પર નભે છે એ કારણથી વરસાદ મને પણ બહુ ગમે છે.... પણ એ હું મારા વતનના ગામમાં હોઉં ત્યારે જ.. શહેરમાં તો વરસાદની સિઝનમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. શહેરમાં હોઉં ત્યારે વરસાદ એ જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે એ ખપ પૂરતો જ મને ગમે છે બાકી .... આહ્લાદક જરા પણ નથી લાગતો....’

જે વરસાદનું ઝરમર વરસતી પાણી ક્રિષાના તનમનને ભીંજવીને રોમેન્ટિક બનાવી રહ્યું હતું એ જ વરસાદનો ઉપયોગ નિશીથે એના અરમાનો પર ઠંડુ પાણી ફેરવવા કર્યો.

‘ઓહ... નિશીથ તને મારી કંઈ પડી જ નથી.... આટલા સુંદર વાતાવરને લીધે હું કેટલી ખુશ હતી? તે તો મારો મૂડ જ બગડી દીધો..” ક્રિષા બનાવટી ગુસ્સો કરીને બોલી..

‘મારો ઈરાદો તારો મૂડ ખરાબ કરવાનો નહોતો..... આઈ એમ સોરી..’

‘સોરી.... બોરી.... કઈ નહિ ચાલે...’

‘ટેઈક ઇટ ઇઝી યાર....’

‘નો..વે...’

‘ઓકે.... ઓકે... ધેન ટેઈક ઇટ પીઝી........’

‘વ્હોટ?’

‘લેટ્સ એન્જોય પીઝા?’

‘પીઝા????? વાઉ.........’

‘આમ તો આવા વરસતા વરસાદમાં દાળવડા કે શેકેલી સિંગ ખાવાની જ સ્ટ્રેન્જમજા આવે..’

ક્રિષાએ ગુસ્સાભેર મૂઠી ઉલાળીને નિશીથને મારવા ઉગામી...

‘ઓકે... ઓકે.... પીઝા ઓન્લી...’

બંને જણ વિજય ચાર રસ્તા પાસે આવેલ પીઝા રેસ્ટોરામાં પ્રવેશ્યા.... રેસ્ટોરાના ટેબલ પરથી વરસાદી પાણીથી ભીંજાયેલા કાચની પેલે પારનું વાતાવરણ નયનરમ્ય લાગી રહ્યું હતું.... પીઝાનો ઓર્ડર અપાઈ ગયા પછી વળી પછી ક્રિષા નિશીથ જોડે વાતે વળગી....

‘એક વાત પૂછું નિશીથ? આમ તો તું મૂંગો મંતર રહેતો હોય છે....... થોડા મહિનાના ફલેશબેકમાં જાઉં તો તારી જોડે આટલી વાતો કરીશ એ વિચાર માત્ર મને બેભાન કરવા માટે ઈનફ છે... વેરી સ્ટ્રેન્જ.. હાઉ ઇટ ઈઝ પોસિબલ??

‘તું એન્જીનીયરીંગમાં ભણે છે એટલે હું તને આરામથી સમજાવી શકીશ...... તને ખબર છે... ઈલેક્ટ્રીક પંખામાં કેટલી મોટર હોય છે?’

‘હા... બે..’

‘કઈ કઈ?’

‘એક સ્ટાર્ટીંગ મોટર અને બીજી રનીંગ મોટર..’

‘બરાબર.... બંનેનું ફંક્શન ખબર છે?’

‘હા... પંખો બંધ હોય ત્યારે એને ચાલુ કરવા માટે પાંખોને ગતિ આપવા માટે વધુ બળ જોઈએ એટલે એના માટે વધારે પાવર વાળી સ્ટાર્ટીંગ મોટર અને પછી માત્ર પંખો ફરતી રહે એના માટે રનીંગ મોટર..’

‘એકઝેટલી... દરેક વ્યક્તિની બીજા વ્યક્તિઓ જોડે વાત કરવાની આદતોમાં એવું જ હોય છે.. ઘણા.. તારા જેવા વાતો કરવામાં પાવરધા લોકો ગમે ત્યારે ગમે તેની જોડે ચાલુ પડી જઈ શકે... જયારે મારા જેવા લોકો વાતચિતની શરૂઆત કરવાની પહેલ ના કરી શકે પણ સામે વળી વ્યક્તિ શરુ કરે તો પછી એમને ખાસ વાંધો ના આવે’

‘સમજી ગઈ....’

‘શું સમજી?’

‘એમ જ કે જો વાતચીત કરવાની કલાને ઇલેક્ટ્રિક પંખા જોડે સરખાવવામાં આવે તો તારી સ્ટાર્ટીંગ મોટર ડેમેજ છે...’

નિશીથે નાખેલી ગુગલીમા ક્રિષાએ સિક્સર રૂપી માસ્ટર સ્ટ્રોક મારતાં નિશીથની રનીંગ મોટર પણ ખોટવાઈ ગઈ... અને એને ફરી કાર્યરત કરવામાં વેઈટરે પીરસેલ ગરમા ગરમ સ્વાદિષ્ટ પીઝાએ મદદ કરી..

ક્રિષા જે રીતે પીઝા પર સોસનો બાટલો ઠાલવી રહી હતી એ જોઇને નિશીથ બોલ્યો...

‘તું કેટલી સોશિયલ છે એ તો ખબર નહિ પણ લાગી રહ્યું છે કે તું સારી એવી સોસીયલ છે..’

‘તારા વાણીવર્તન પરથી લાગી રહ્યું છે કે તું એન્ટીસોસીયલ છે.... ‘

‘અરે અરે .... ઓહ શીટ....’

ક્રમશ:.......