Doast Mane Maf Karis Ne - Part-23 books and stories free download online pdf in Gujarati

Dost Mane Maf Karis Ne - 23

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૨૩

દોસ્ત, મને માફ કરીશ ને ?

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૩. દોસ્ત, મને માફ કરીશ ને ?

“ સૂર્યને ઝંખના છે દર્શનની પાંપણો એણે પાથરી,

આવો મૌનનો બરફ ઓગળે આખર...”

કોઈ નાનકડી, કોમળ કૂંપળ કાળમીં ખડકને તોડીને પણ બહાર આવી શકે છે. અને ત્યારે પથ્થર જેવો પથ્થર પણ લીલોછમ્મ બની જાય છે. એ માટે ખડકે ધીરજ રાખવી રહી. યોગ્ય સમયની પ્રતીક્ષા કરવી રહી. એ એની કસોટી છે. અને એ કસોટીમાંથી એ સાંગોપાંગ પાર ઉતરી શકે તો અને ત્યારે એ લીલોછમ્મ બની શકે.

અરૂપ પણ અત્યારે કાળની કસોટીની એરણે ચડયો હતો. એમાં ધીરજ કે શ્રધ્ધા ગુમાવવી પાલવે તેમ નહોતી. કોઈ પ્રાયશ્વિત કયારેય આસાન નથી હોતું. આવનાર ક્ષણની કલ્પનાથી અરૂપ અસ્વસ્થ બન્યો હતો. પરમ, પરિનિ જશે ત્યારે ઈતિ સહન કરી શકશે ? સંભાળી શકશે એ પોતાની જાતને ? કે પછી પોતે તેને સંભાળી શકશે ખરો ? કાશ ! સમય અહીં જ રોકાઈ જાય તો ? આ પળ કયારેય ન ખૂટે તો?

પરંતુ એ શકય નહોતું. એનાથી તે કયાં અજાણ હતો? જે સમયનો ડર માનવીના મનમાં હોય તે સમય માનવીની ઈચ્છા હોય કે ન હોય આવી જ પહોંચે છે ને?

અરૂપ ધારે તો પણ આવનાર ક્ષણને કેમ રોકી શકે?

છેલ્લા ત્રણ દિવસની માફક આજે પણ સવાર તો પરમ, પરિનિ અને ઈતિના કિલકિલાટથી ચહેકી રહી. રોજની જેમ ઈતિ પરમ, પરિનિમાં ગૂંથાયેલી રહી. વૈશાલી અને અંકુર સામાન પેક કરતાં હતાં એ જોઈ પરમ, પરિનિને મજા ન આવી. થોડીવાર તો ધમાલ પણ કરી જોઈ. પરંતુ આજે તો તેઓ પણ સમજતાં હતાં કે હવે પોતાનું કશું ચાલવાનું નથી. ગમે કે ન ગમે આજે જવું જ પડશે. તેથી થોડા ઉદાસ થઈ ગયા. ઈતિએ પરિનિને નવડાવી, દૂધ પીવડાવ્યું અને તૈયાર કરી. તે ઈતિને ચોંટેલી જ રહી. તૈયાર થઈ થોડું બાકી રહી ગયેલું શોપીંગ પતાવવા બધા બહાર નીકળ્યાં.

અરૂપે પરમ, પરિનિ માટે પણ ઘણી ખરીદી કરી.

‘ ઈતિ, જો તો આ ફ્રોક પરિનિને સારૂં લાગશે? કે પછી આ કલર તેને વધારે સારો લાગશે ? અરૂપે હાથમાં લાલ અને સફેદ રંગના બે ફ્રોક લઈને પૂછયું. ઈતિ જોઈ રહી. તેણે બંને ફ્રોક હાથમાં પકડયા. પરંતુ કશું સમજાયું નહીં. ત્યાં પરિનિનું ધ્યાન જતાં તે બોલી ઉઠી.

‘ રેડ... આંટી, મને રેડ કલર ગમે છે. ‘અને તેણે ઈતિના હાથમાંથી રેડ ફ્રોક લઈ લીધું. વૈશાલી, અંકુર ના, ના, કહેતા રહ્યા. અને અરૂપ ઈતિને બતાવી બતાવીને પરમ, પરિનિ માટે ખરીદી કરતો રહ્યો. આજે ખરીદીમાં તેને જે આનંદ આવતો હતો તે જીવનમાં પહેલાં કયારેય નહોતો આવ્યો. જોકે પહેલાં કયારેય આવી કોઈ ખરીદી કરવાનું પણ કયાં આવ્યું હતું ? ખરીદી માટે નાના બાળકના સેકશનમાં જવાનું નશીબમાં કયારેય આવ્યું જ નહીં. આજે ખરીદી કરતી વખતે ઈતિના ચહેરા પર એક ચમક અરૂપે જોઈ હતી. અને એ ચમક તેના ઉત્સાહને વધારતો રહ્યો હતો. વૈશાલીએ પણ ઈતિ માટે એક સુંદર ડરેસ લીધો હતો.

પૂરા ત્રણ કલાક ખરીદીમાં વીત્યાં. બધા ખુશ હતા. જમીને આવ્યા ત્યારે સાંજ થવા આવી હતી. અને અંકુર, વૈશાલીને જવાનો સમય થઈ ગયો હતો.

‘ અરૂપ મને લાગે છે કે હવે અમારે નીકળવું જ રહ્યું. મન તો નથી થતું. છોકરાઓની સ્કૂલનો પ્રોબ્લેમ ન હોત તો જરૂર હજુ થોડા દિવસો રોકાઈ જાત. શું કરૂં દોસ્ત ? ’

‘ અંકુર, હું સમજી શકું છું. તમારા આવવાથી ઈતિના ચહેરા પર જે ચમક આવી છે..જે હાસ્ય આવ્યું છે તે માટે હું તમારા બંનેનો આભાર કયા શબ્દોમાં માનું ? ’

બોલતાં બોલતાં અરૂપનો અવાજ રૂન્ધાયો.

‘ દોસ્ત કહીને આભાર માનવાની ફોર્માલીટી કરીશ ? ’

અંકુર અને અરૂપ ભેટી પડયા.

‘ એક કામ કરો... થોડાં દિવસો તમે બંને અમારે ત્યાં આવો. મને લાગે છે... ઈતિની દવા આપણે કોઈ નહીં, પરંતુ પરમ, પરિનિ જ બની શકશે. તમે બંને ચોક્કસ આવો. અમે રાહ જોઈએ છીએ. ’

વૈશાલીએ પ્રેમથી કહ્યું

‘ હા, મને પણ તમારી વાત સાચી લાગે છે. કાલે ઈતિની પરિસ્થિતિ જોઈ પછી શું કરવું તે નક્કી કરીશું. અરે, પણ ઈતિ કયાં ? ’

‘ ઈતિ બીજે કયાં હોય ? પરિનિ તેને બહાર હીંચકા પર ખેંચી ગઈ હશે. જતાં જતાં જેટલો લાભ લેવાય તેટલો લઈ લે ને..પરિનિને તો ઈતિ પાસેથી લેવી પણ સહેલી નહીં થાય. ભેંકડો તાણવાની જ. તેને મનાવવી પડશે. તમે બંને સામાન લઈ બહાર આવો ત્યાં હું પરિનિને જરા ફોસલાવતી થાઉં.’

કહેતાં વૈશાલી બહાર ગાર્ડનમાં ગઈ.

પરિનિ, તેં આંટીને આપણા ઘેર આવવાનું કહ્યું કે નહીં ? ’

ધીમેથી ઈતિ પાસેથી પરિનિને લેતાં વૈશાલીએ કહ્યું.

પરિનિએ જવાબ ન આપ્યો. મોં ફૂલાવી બેસી રહી.

ઈતિના ચહેરા પરની ચમક ગાયબ.

અંતે થોડીવારે અંકુર, વૈશાલી પરમ, પરિનિને લઈને નીકળ્યા ત્યારે ઈતિની આંખો છલકી રહી. એક પણ શબ્દ તે બોલી નહી. શબ્દોમાં દરેક વખતે અભિવ્યક્તિનું સામર્થ્ય કયાં હોય છે ? આજે પણ ફરી એકવાર શબ્દો વામણા..સાવ વામણા બનીને,ચૂપ થઈ ગયાં.

પરમ, પરિનિને પણ તેના વહાલા આંટી પાસેથી જવું નહોતું.

‘ચાલો, પરમ, આંટીને બાય કરો. પરમે બાય બાય કહેતાં ઈતિને કહ્યું

‘આંટી, તમે આવશોને અમારે ઘેર ? હું તમને મારી બધી ગેઈમ્સ, બુકસ અને બધું બતાવીશ. મારી પાસે બહું બધી બુકસ છે. ’

પરિનિ તો ઈતિને વહાલથી વળગી જ રહી.

ઈતિ પાસેથી પરિનિને લેતા વૈશાલીની આંખ પણ ભરાઈ આવી.

‘ પરિનિ, આંટીને બાય કરો. આંટી આપણે ઘેર આવવાના છે હોં. ‘ પરિનિએ મોં ફૂલાવી પરાણે હાથ હલાવ્યો.

‘ ઈતિ, હવે તું અને અરૂપ અમારે ત્યાં આવો છો હોં. આ છોકરાઓને તારી એવી માયા તેં લગાડી છે ને કે મારે તો હવે તેમને સાચવવા પણ ભારે થઈ પડશે.’ કહેતી વૈશાલી ઈતિને ભેટી રહી.

અરૂપને કહેવાનું મન થઈ ગયું. ‘ મને પણ હવે ઈતિને સાચવવી ભારે પડશે. બાળકો તો કાલે ભૂલી જશે. દરેક પરિસ્થિતિમાં બાળક જેટલું એડજેસ્ટ કોઈ નથી થઈ શકતું. કેમકે બાળકના મનમાં અતીતની કોઈ ભૂતાવળ કે ભવિષ્યનો કોઈ તણાવ નથી હોતા. તે સંપૂર્ણપણે આજમાં જીવે છે. તેના મનમાં કોઈ આગલી, પાછલી ભૂમિકા, કોઈ આગ્રહો કે પૂર્વગ્રહો નથી હોતા. પ્રત્યેક ક્ષણે વર્તમાનમાં જીવતું બાળક સહજતા અને સરળતાથી અનુકૂલન સાધી શકે છે. કાશ ! આપણે સૌ બાળકની માફક ફકત આજમાં જીવી શકતા હોઈએ તો ? ’

આવા વિચારોમાં અટવાયેલ અરૂપને અંકુરે બાય કર્યું ત્યારે તે સફાળો ભાનમાં આવ્યો. થોડાં દિવસોમાં આવવાનો વાયદો લઈ અંકુરની કાર ઉપડી ત્યારે ઈતિ ચિત્રવત્ દરવાજામાં ઉભી હતી. પરમ, પરિનિ બારીમાંથી હાથ હલાવીને બાય કરતાં કરતાં ન જાણે શું બોલી રહ્યાં હતાં ? ધીમેથી ઈતિનો હાથ ઉંચકાયો. બે ચાર ભારી ભરખમ ક્ષણો...અંકુરથી પણ ગાડી જલદીથી સ્ટાર્ટ કયાં થતી હતી ?

પાછળ ધૂમાડાના લિસોટા છોડતી કાર નજરથી અદ્રશ્ય થઈ. હવે ?

હવે ખાલીખમ્મ ક્ષણો અને ખાલીખમ્મ ઈતિ..! શું કરવું તે અરૂપને પણ સમજાયું નહીં. બે પાંચ મિનિટ સમય થીજી ગયો.

અરૂપે ધીમેથી ઈતિનો હાથ પકડયો. અને બંને ઉપર ગયા.

ફરી પાછો એ જ પ્રશ્ન... હવે ?

અરૂપની નજર બારીની બહાર દેખાતા ખુલ્લા આસમાન પર પડી. સ્વચ્છ આકાશમાં ફરીથી વાદળો ઘેરાયાં હતાં.

‘ઈતિ, આપણે થોડા દિવસો પછી પરમ, પરિનિ પાસે જીશુંને ? એમના વિના ઘર કેવું સૂનુ લાગે છે ? ઘરની રોનક જતી રહી નહીં ? મને પણ આજે નથી ગમતું.’

અરૂપ બાળકોની વાતો કરતો રહ્યો. ઈતિ એમ જ સાંભળતી રહી. જોકે કયારેક માથુ હલાવી સમજયાનો સાદ પૂરાવતી રહી. અને અરૂપને થોડો હાશકારો મળતો રહ્યો.

‘ઈતિ, તારૂં ફેવરીટ પિકચર લગાડીશું ? હમણાં ઘણાં સમયથી આપણે નથી જોયું.’

ઈતિ પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહી. તેનું ફેવરીટ પિકચર કયું હતું ?

અરૂપ ખુશ થયો. એટલીસ્ટ ઈતિની આંખોની એ પથરીલી શૂન્યતા અદ્રશ્ય થઈ શકી હતી. તેની આંખમાં પ્રશ્ન જાગતા હતા. અને અરૂપ માટે એ આશ્વાસન પણ કયાં ઓછું હતું ?

આ ત્રણ દિવસમાં અરૂપ,અંકુર કે વૈશાલી સાથે ઈતિ ભાગ્યે જ કશું બોલી હતી. મોટે ભાગે પરમ, પરિનિ સાથે મસ્તીમાં જ રહી હતી. પરમ, પરિનિની પણ બધી વાતોના જવાબ તે કયાં આપી શકી હતી ? જલદીથી શબ્દો સૂઝતા નહોતા. તે તો બસ... પરમ, પરિનિ સાથે હસતી રહી હતી. દોડતી રહી હતી. તેનું બધું કામ તેઓ કહે તે મુજબ કરતી રહી હતી. તેના ગળામાંથી બહુ ઓછા શબ્દો સરી શકયાં હતાં. પરંતુ બાળકોને એવી જરૂર કે ખબર પણ કયાં હતી ? તેમની જીભ સતત ચાલુ રહેતી હતી. બંને ભાઈ બહેન અંદરો અંદર વાતો કરીને કે લડી, ઝગડીને મસ્તીમાં જ રહેતા અને ઈતિને પણ એ જ મસ્તીમાં ઈનવોલ્વ કરતાં રહેતાં.

અરૂપ,વૈશાલી કે અંકુર પણ ઈતિને બહું બોલાવવાના પ્રયત્નો કરી તેને મૂંઝાવવાને બદલે ઈતિ આ રીતે પણ કશાકમાં ઈનવોલ્વ રહે છે તેથી ખુશ હતા. ઈતિ ખુશ છે, હસે છે. આટલું આશ્વાસન તેમને માટે પૂરતું હતું. અને બાળકોને તો આંટી પોતાની સાથે રમે છે, તેમની વાતો સાંભળે છે અને બધી ફરમાઈશ પૂરી કરે છે એથી વિશેષ શું જોઈએ ?

ઈતિ તરફથી કશો જવાબ ન મળતા અરૂપે ફરી પૂછયું,

‘ઈતિ, આપણે પિક્ચર જોઈશું ?’

કહેતાં અરૂપે ‘બેબીઝ ડે આઉટ’ પિકચરની સી.ડી. લગાડી. ઈતિનું આ ઓલટાઈમ ફેવરીટ પિકચર હતું. એ પિકચરની નાનકડી બેબી તેને ખૂબ ગમતી. તેના નખરા જોઈ તે તાળી પાડી ઉઠતી. નાના બાળકની જેમ હોંશથી તેણે કેટલીયે વાર આ પિકચર જોયું હતું. ત્યારે અરૂપને કયારેય ન સમજાતું કે આ પિકચરમાં એવું છે શું ? તેને થતું આ ઈતિ પણ ખરી છે. ગાંડાની જેમ આ એક જ પિકચર પાછળ પડી છે.

પણ આજે આ ક્ષણે કદાચ એક વધારે સત્ય અરૂપની સામે ઉઘડયું હતું. ઈતિને આ પિકચર કેમ ગમતું હતું તેનો અરૂપને અચાનક ખ્યાલ આવ્યો હતો. તેનું રહસ્ય, મર્મ આજે અરૂપ સમજી શકયો હતો. અને આ સમજણે અરૂપને વિચારતો કરી મૂકયો...

ઈતિ પિકચરમાં મશગૂલ બની રહી. અને અરૂપ હવે આગળ શું કરવું જોઈએ તેના વિચારોમાં ખોવાઈ રહ્યો.

પિકચર પૂરૂં થતાં બંને સૂતા ત્યારે રાતના બાર વાગી ગયા હતા. અરૂપની આંખોથી ઉંઘ કોસો દૂર હતી. ઈતિ તો નાનકડા બાળકની જેમ તુરત ઘસઘસાટ ઉંઘી ગઈ હતી. અરૂપના મનમાં અનેક વિચારોની ઉથલપાથલ ચાલુ રહી. અને કોઈ નિર્ણય સપનામાં લેવાયો કે જાગતામાં તે સમજ તેને પોતાને પણ ન પડી. પરંતુ મનમાં પહેલીવાર એક સંતોષ કે સમજ જાગ્યા. અને અંતરમાં જાગી એક શાંતિ.

સિમલાથી આવ્યા બાદ અરૂપ આજે પહેલીવાર થોડો રીલેક્ષ થઈને સૂઈ શકયો.

બીજે દિવસે સવારે અરૂપની આંખ ખૂલી ત્યારે બાજુમાં ઈતિ નહોતી. અરૂપ સફાળો ઉભો થઈ ગયો.

ઈતિ... ઈતિ કયાં? તેણે બારીમાંથી નીચે નજર કરી. હીંચકા પર કે બગીચામાં ઈતિ દેખાઈ નહીં. બાલ્કનીના હીંચકા પર પણ ન દેખાઈ. અરૂપે બાથરૂમમાં નજર કરી. બાથરૂમ ખુલ્લો હતો અને તેમાં કોઈ નહોતું. અરૂપ બધે ફરી વળ્યો. ઉપર કયાંય ઈતિ દેખાઈ નહીં. હવે તે ગભરાયો. બે બે પગથિયા એકી સાથે ઉતરતાં તે નીચે આવ્યો.

‘ ઈતિ ’

નીચે ઉતરતાં ઉતરતાં જ તેનાથી મોટેથી બૂમ પડાઈ ગઈ. તેના અવાજનો રઘવાટ સાંભળીને ઈતિ તો નહીં, પરંતુ તારાબેન દોડી આવ્યા. જરા હસીને તેણે સમાચાર આપ્યા..

‘બેન રસોડામાં આવ્યા છે.’

‘શું કરે છે ? કશું બોલ્યા ?’ અરૂપે અધીરતાથી પૂછયું.

‘હજુ તો કશું બોલ્યા નથી. પણ સાહેબ, તમે ચિંતા ન કરો. હવે જરૂર સાજા થઈ જશે. આજે સામેથી રસોડામાં આવ્યા છે. અને ચા બનાવે છે.’

તારાબેને વિગતવાર સમાચાર આપ્યા.

અરૂપને માન્યામાં ન આવ્યું. ઈતિ... ઈતિ રસોડામાં ? શું તે નોર્મલ બની ગઈ હતી? એકી સાથે બે બે પગથિયા ઉતરતો તે નીચે આવી રસોડામાં ઘૂસ્યો. ગેસ પર તપેલીમાંથી ચા ઉભરાતી હતી અને ઈતિ હાથમાં સાણસી પકડી બેધ્યાન ઉભી હતી. અરૂપે જલદીથી ગેસ બંધ કર્યો. ઈતિના હાથમાંથી સાણસી લીધી.

‘ઈતિ, તારી તબિયત સારી નથી. તું કેમ રસોડામાં આવી ?’

તારાબેનને ચા ગાળવાનું કહી તે ઈતિને લઈને બહાર આવ્યો. બંને બહાર ઈતિની પ્રિય જગ્યા હીંચકા પર બેઠા. અચાનક અરૂપનું ધ્યાન સામે ટીંગાતા કેલેન્ડર પર ગયું. ૨૧ જુલાઈ... ઓહ... આ તો અનિકેતનો બર્થ ડે. ઈતિને તો કયાં કશું યાદ હતું ? નહીંતર આ દિવસે તે અચૂક અનિકેતને યાદ કરતી અને કહેતી,

‘અરૂપ, આજે અનિકેતનો બર્થ ડે છે. તે તો ન જાણે કઈ દુનિયામાં ખોવાઈ ગયો છે. મને એકવાર પણ યાદ નથી કરતો. જોને તે એક ફોન પણ નથી કરતો.’

આ દિવસે તો ઈતિથી અરૂપને જરૂર ફરિયાદ થઈ જ જતી. અને અરૂપ તેને ગમે તેમ સમજાવીને બીજી વાતોએ ચડાવી દેતો. આજે અરૂપને આ બધું યાદ આવી ગયું. પોતે કેવો...

તેનાથી એક નિશ્વાસ નખાઈ ગયો. જરાવારે થોડા શાંત બન્યા પછી તેણે ઈતિને પૂછયું,

‘ઈતિ, આજે કઈ તારીખ છે તને યાદ છે ?

ઈતિ અનિકેત સામે જોઈ રહી.

‘ઈતિ, આજે ૨૧ જુલાઈ..આજે શું છે ? કોનો બર્થ ડે છે ?’

હમેશા જે તારીખ ઈતિને ભૂલાવવાની કોશિશ કરતો હતો તે તારીખ ઈતિને યાદ અપાવવા આજે અરૂપ મથી રહ્યો. સમયની સાથે કેટકેટલું બદલાય છે !

‘ ઈતિ, એક મિનિટ.’

કહી અરૂપ ઈતિનો હાથ પકડી તેને પૂજારૂમમાં લાવ્યો.

‘ ઈતિ, આજે અનિકેતનો બર્થ ડે છે ને ? ’

ઈતિ મૌન...એકીટશે ફોટા સામે ચકળવકળ જોઈ રહી.

અરૂપે ફોટા ઉપર ચાંદલો કર્યો. ગુલાબનું ફૂલ ચડાવ્યું. પછી વંદન કરી ધીમેથી બોલી રહ્યો,

‘ઈતિ, તારા અનિને કહેને કે મને માફ કરી દે..ઈતિ, હું તમારા બંનેનો ગુનેગાર છું. પાપી છું. ઈતિ, આજે અનિનો જન્મદિવસ છે. ઈતિ, મને માફી નહીં.. જે સજા આપવી હોય તે આપ. હું ખરાબ છું... ઈતિ, બહું ખરાબ...’

અરૂપનું ગળુ રૂન્ધાઈ આવ્યું. ઈતિના ખોળામાં માથું રાખી તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો.

ઈતિ અવાચક... તે થોડીવાર અનિકેતના ફોટા સામે તો થોડીવાર રડતા અરૂપ સામે જોઈ રહી... તેનો હાથ અનાયાસે અરૂપના માથામાં ફરી રહ્યો. તેની આંખમાંથી પણ ગંગા જમના વહી રહી હતી. તેને શું સમજાયું હતું એ ખબર નહોતી. પણ આ ક્ષણે અરૂપ કે અનિકેતના ભેદભાવ મટી ગયા હતા કે શું ? અરૂપના સાચા પશ્વાતાપમાં ભીતરનો બધો મેલ ધોવાઈ ગયો હતો. કયાંય સુધી બંને એમ જ...

થોડીવારે અરૂપ શાંત થયો.

‘ઈતિ, આપણે નાસ્તો કરી લઈએ પછી તૈયાર થઈ જા. બહાર જવું છે.’

ઈતિ પ્રશ્નાર્થભરી નજરે તેની સામે જોઈ રહી. સાન, ભાન તો આવ્યા હતા. પરંતુ શબ્દો ન જાણે કયાં ખોવાઈ ગયા હતા.

ઈતિની આંખનો પ્રશ્ન વાંચી અરૂપે કહ્યું,

‘ એ સરપ્રાઈઝ છે. તું નાહીને તૈયાર થઈ જા.. આજે અનિકેતનો બર્થ ડે છે ને ? તે ઉજવવા જવું છે. અનિને બદલે આજે હું તને સરસ મજાની ગીફટ આપીશ ચાલ, જલદી....’

થોડીવારમાં ઈતિ ઉપર નહાવા ગઈ. આજે ઈતિ પહેલીવાર એકલી જાતે ઉપર ગઈ હતી. એ નિહાળી રહેલ અરૂપે ફોન જૉડયો.

કલાક પછી અરૂપ અને ઈતિ બહાર નીકળ્યા. કયાં જવાનું છે તે ઈતિએ કશું પૂછયું નહીં અને અરૂપે કહ્યું નહીં. કદાચ ઈતિએ માની લીધું હશે કે અરૂપની કોઈ પ્રિય જગ્યાએ લંચ માટે જતા હશે. જોકે આમ તો આવું કશું વિચારવાની ક્ષમતા ઈતિમાં ફરીથી આવી હતી કે કેમ ? તેની જાણ કયાં હતી ?

થોડીવારમાં ગાડી શહેરના એક અનાથાશ્રમ પાસે આવીને ઉભી. અરૂપ નીચે ઉતર્યો. ઈતિ જોઈ રહી આ કયાં આવ્યા તે તેને કદાચ સમજાયું નહોતું. પરંતુ હમેશની જેમ મૌન બની તે અરૂપની પાછળ ચાલી. અહીં કોઈ ફંકશન હતું કે શું ?

ત્યાં અરૂપને જોઈ અનાથાશ્રમના સંચાલિકા બહેન આવ્યા. તેને ટ્રસ્ટી તરફથી કદાચ સૂચના મળી ગઈ હતી. તેથી તે અરૂપ, ઈતિને માનપૂર્વક ઓફિસમાં લઈ ગયા.

‘ અમે થોડીવાર અહીં બેઠા છીએ. પછી તમને કહીએ. ‘

‘ તમે આરામથી બેસો. હું તમારે માટે પાણી મોકલું. ‘ કહી અરૂપનો સંકેત સમજી જી બહેન ઓફિસમાંથી બહાર નીકળ્યા.

ઈતિ, અરૂપ બેઠા. ઈતિ ત્યાં ટીંગાડેલ બાળકોના ફોટા સામે જોઈ રહી. અહીથી દત્તક અપાયેલ બાળકોના એ ફોટા હતા.

‘ ઈતિ, અહીં પરમ, પરિનિ જેવા સરસ મજાના ઘણાં બાળકો છે. આપણે એક લઈશું હમેશ માટે ?’

ઈતિ સમજી ન શકી કે પછી જે સમજી તે સ્વીકારી ન શકી. તે અરૂપ સામે એકીટશે જોઈ રહી.

‘ હા, ઈતિ, તેં એકવાર કહ્યું હતું ને કે આપણે બાળક દત્તક લઈએ તો ? આજે આપણે એ માટે જ અહીં આવ્યા છીએ...’

ઈતિ મૌન.

પણ મૌન રહેવું હવે અરૂપને કયાં પાલવે તેમ હતું ?

‘હા, ઈતિ આપણે અહીંથી કોઈ પરિનિ કે પરમને દત્તક લઈશું. તું મમ્મી બનીશ અને હું પપ્પા..ઈતિ, હું તારી વાત..તારી ઝંખના સમજી ન શકયો. ’

બોલતા બોલતા અરૂપનો અવાજ રૂંધાયો.

‘ ઈતિ, આપણે બાળક જોઈશું ? પરમ જેવો છોકરો લેશું કે પરિનિ જેવી મીઠ્‌ડી છોકરી..? ’

ઈતિની આંખોમાં પાણી તગતગી રહ્યા. તે કશુંક બોલવા ગઈ પરંતુ ગળામાં થીજી ગયેલ શબ્દોએ સાથ ન આપ્યો.

‘ એક મિનિટ. હું આવું. ’

અરૂપ બહાર નીકળ્યો. અને થોડીવારમાં પાછો આવ્યો ત્યારે તેની સાથે પેલા બહેન અને બે થી ત્રણ વરસની ઉમરના લાગતા પાંચ બાળકો હતા. ત્રણ છોકરીઓ અને બે છોકરાઓ કશું સમજયા વિના ત્યાં ઉભા રહી ગયાં.

‘ ઈતિ જો તો..તને કોણ જોઈએ છે ? ’

ઈતિ બધા સામે જોઈ રહી. આ બધું શું થઈ રહ્યું હતું ? તેની આંખમાં દરિયો છલકાણો.

અચાનક એક છોકરો ઈતિ પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો,

‘ તમે કેમ રડો છો ? ’

ઈતિ જોઈ જ રહી.

અચાનક તેના હાથ આપોઆપ લંબાયા. અને બીજી જ પળે તેણે છોકરાને ઉંચકી લીધો. અને કશું બોલ્યા સિવાય જાણે પરમને તેડયો હોય તેમ ઓફિસની બહાર નીકળી ગઈ. અરૂપ પણ જલદીથી તે બહેનને કશુંક કહી ઈતિની પાછળ બહાર નીકળ્યો.

ઈતિ બાળકને તેડીને લોબીમાં ચાલતી હતી. ત્યાં પાછળથી એક નાની છોકરીએ તેનો છેડો પકડયો. ઈતિએ પાછળ ફરીને જોયું. એક મિનિટ ઉભી રહી ગઈ. છોકરી થોડી ગભરાઈ હોય તેવું લાગ્યું. તેના નાનકડા હાથમાં હજુ છેડો પકડેલ હતો. ઈતિએ અરૂપ સામે જોયું.

‘ આ છોકરીને લેવી છે ? ’

ઈતિએ હકારમાં ડોકુ હલાવ્યું.

‘ ઓકે તો લાવ, આને પાછો આપી આવીએ અને આને લઈએ. ઓકે ? ’

અને અરૂપે છોકરાને ઈતિના હાથમાંથી લેવા હાથ લંબાવ્યો.

‘ ના, ‘ કહેતી ઈતિ પાછી હટી ગઈ. અને છોકરાને પકડી રાખ્યો. કયાંક કોઈ લઈ લેશે તો ? છોકરો પણ ઈતિ પાસેથી જવા ન માગતો હોય તેમ ઈતિને વળગી રહ્યો. અરૂપ મૂંઝાયો.

‘ ઓકે ઈતિ, આ જ જોઈએ છીએ ને ? તારી પાસેથી કોઈ તેને નહીં લઈ લે બસ.. ચાલ, આપણે જીશું ? ’

ઈતિએ નકારમાં માથુ ધૂણાવ્યું.

તો ?

‘ આ..આ..ઈતિના ગળામાંથી શબ્દ નીકળ્યો..આને..આને પણ...’

ઈતિએ છોકરી સામે આંગળી કરી.’

‘ આને પણ લેવી છે ? ’

ઈતિએ માથુ હલાવી હા પાડી. અને અરૂપ સામે જોઈ રહી.

અરૂપે કશું બોલ્યા સિવાય હસીને પેલી બાળકીને ઉંચકી લીધી.

ઈતિની આંખોમાં ઉજાસ અંજાયો.

અરૂપે પેલા બહેનને કશુંક કહ્યું..અને પોતે કાલે આવીને બધી વાત કરીને ફોર્માલીટી પૂરી કરી જશે એમ જણાવ્યું. ટ્રસ્ટીની ભલામણ હોવાથી તે બહેનને કશું કહેવાનું હતું નહીં.

અરૂપ “પરિનિ” ને તેડીને અને ઈતિ “પરમ” ને તેડીને બહાર નીકળ્યા ત્યારે ઈતિની આંખો ચમકતી હતી. અરૂપ છલકતો હતો. બાળકો કશું સમજયા સિવાય બંનેને ચોંટી રહ્યા હતા.

સમય પણ આજે સાક્ષીભાવે નિર્લિપ્ત રહી શકયો હશે કે પછી તેણે પણ આ ચારે પર વહાલ વરસાવ્યું હશે ?

હવે તો સમયને બે નહીં અસંખ્ય પાંખો ફૂટી. અને તેની ગતિ ઝડપી...અતિ ઝડપી બની રહી. અને એક મહિનામાં તો કાળદેવતા એક સરસ મજાના,અનુપમ દ્રશ્યના સાક્ષી બની રહ્યાં.

મહિના પછી અરૂપ અને ઈતિ તેમના વહાલા બાળકો “ અમી” અને “ઉજાસ” ને લઈને વૈશાલીને ત્યાં ગયા.

પરમ, પરિનિ તો અમી, ઉજાસને જોઈ જે છલકાણા... જે છલકાણા... કે ઈતિને પણ ભૂલી ગયાં. થોડીવારમાં તો ચારે બાળકોના કિલકિલાટથી વાતાવરણ લીલુછમ્મ..

સાથે સાથે કાળદેવતાએ એ પણ જોયું કે ઈતિ હસતાં હસતાં વૈશાલી સાથે કોઈ વાત કરી રહી હતી અને પછી ઈતિ અને વૈશાલી બંને સાથે મોટેથી કોઈ ગીત લલકારી રહ્યા હતાં.

અરૂપે ઉંચે આકાશમાં જોયું.

રાત્રિના નીરવ અન્ધકારમાં દૂર દૂર એક તારો ચમકતો દેખાતો હતો.

અરૂપને એ તારામાં અનિકેત કેમ દેખાયો ?

તેના રૂંધાયેલ ગળામાંથી એક ધીમો અવાજ નીકળ્યો.

‘દોસ્ત, મને માફ કરીશ ને?’