દીકરી મારી દોસ્ત - 10 (13) 447 1.9k 8 દીકરી મારી દોસ્ત . યાદોંની કુંજગલીમાં.. ઘૂઘવતો સાગર ..વહાલનો દરિયો ...ઓટ વિનાની ભરતી વહાલી ઝિલ, “ બારી ખોલો ! ચોઘડિયું બેઠું ફૂલોનું , ઘર આખું આકળ વિકળ છે, લો શુકન થયા. ” આજે સવારથી હું પરમ આશ્ર્વર્યથી તારી દોડાદોડી જોઇ રહી હતી. આજે શુભમ યુ.એસ. પાછો જવાનો હતો. અને હવે એક વરસ પછી લગ્ન માટે આવવાનો હતો. આજે તો તને મારી સાથે વાત કરવાનો યે સમય કયાં હતો ? હું સોફા પર બેઠી બેઠી પતંગિયાની જેમ ઉડતી પુત્રીને નીરખી રહી હતી. ઘડીકમાં શુભમની ચિંતા કરતી, ઘડીકમાં શુભમને પ્રેમથી ખીજાતી.. ‘ તારે રૂમાલ લઇ જવાના હતા ને ? ભૂલાઇ ગયા ને ? હવે છેલ્લી મિનિટે દોડાદોડી કરશે.! કપડા બધા ધોબી ને ત્યાંથી આવી ગયા ? એકે ય ભૂલાઇ નથી ગયા ને ? કંઇ રહી નથી જતું ને ? ’ હું તો બસ મૌન રહી સાંભળી જ રહી. અરે,આ બધા તો મારા રુટિન ડાયલોગ હતા ! વેકેશન પૂરુ થાય અને તું હોસ્ટેલે જતી હોય ત્યારે બોલાતા મારા શબ્દો..સમજદારીનું આ મૂળ તારામાં કયારે...કયાંથી ઉગી નીકળ્યું ? આ અંકૂર કયાંથી ફૂટી નીકળ્યા ? કયા ખાતર પાણી એને મળ્યા હશે ? કદાચ શુભમના પ્રેમના ખાતર પાણી હશે ! મનમાં એક વિચાર ખબર નહીં કેમ ઝબકી ગયો...આજે તો બંને એકબીજાને સર્વગુણ સંપન્ન દેખાય છે. .આ જ દ્રષ્ટિ હમેશ માટે જ્ળવાઇ રહેશે ને ? ગુણ વ્યક્તિ કરતાં દ્રષ્ટિમાં વધુ હોય છે ને ? ત્યાં અચાનક શુભમને ન જાણે શું સૂઝયું. મારી પાસે આવી ને કહે, ‘મમ્મી, મારી ઝિલનું ધ્યાન રાખજો..’ ’ હા, બેટા,તું ચિંતા ન કર...’( અને કદાચ મનમાં જ બોલી કે આટલા વરસોથી તું જ જાણે એનું ધ્યાન રાખતો હતો નહી..!!!) અને હું હસી પડી... હજુ કાલ સુધી હું જેની બેગ પેક કરી આપતી હતી..તે આજે કોઇની બેગ પેક કરી રહી હતી. હં..તો બહેનને બધું આવડતું હતું...આ તો મમ્મી કરી આપે એના નખરા હતા બહેન ના...મારી લાડલી ના. “ હતી સાયબી કંઇ અમારી નવાબી; હવે એ યાદના થોડા સિક્કાઓ બચ્યા છે. ” અને “ લાડલી ” શબ્દની સાથે જ મને યાદ આવી ગયા..દીકરા...મીતના શબ્દો.. નાનપણમાં ભાઇ બહેન ને ઘણીવાર કોઇ વસ્તુ માટે કે કોઇ વાત માટે ઝગડા થતા..ત્યારે મીત હમેશા મને ફરિયાદ કરતો, ‘ મમ્મી, આ તારી લાડલી ને કહી દેજે હોં.! ‘ અને તું પણ આવું જ કહેતી, ‘ મમ્મા, આ તારા લાડલાને કહી દેજે..’ અને હું હમેશા ગૂંચવાતી રહેતી બંને ની વચ્ચે..અને હસીને કહેતી, ‘ મને કયારેય નથી સમજાયું કે મારા લાડલી અને લાડલા કોણ છે ? અને આજ સુધી એ પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે કે મને કોણ વધારે ગમે છે ? આજે યે બંને ભાઇ બહેન વચ્ચે આ મીઠો ઝગડો ઉભો જ રહ્યો છે. ને ઉભો જ રહેશે તેની ખાત્રી છે. કયારેય આ વાતનો મારી પાસે જવાબ નહીં હોય.. કેમકે કોઇ મા પાસે જવાબ ન હોય કે તેને ડાબી આંખ વધુ ગમે કે જમણી ? યાદ છે..? જોકે આ તો તને બહુ યાદ છે...એની મને ખબર છે. તમારા માટે પહેલીવાર બે પૈડાની નાની સાઇકલ પપ્પા લાવ્યા હતા. અને પહેલા કોણ ચલાવે તે માટે તમારા બંને ની લડાઇ ચાલતી હતી. તમારે જ તમારું ફૉડી લેવાનું હતું. કેમકે મેં તો હમેશની જેમ કહી દીધું હતું કે ‘ હું કંઇ ન જાણું..તમે બંને નક્કી કરી લો.’ કેમકે મારે તો લાડલા અને લાડલી....બંને ને સાચવવાના હોય ને ? એટલે એવું કોઇ જોખમ હું તો કયારેય લેતી જ નહીં. અંતે તેં તારા ભાઇલાને કેવી યે સરળતાથી પૂછયું, ‘ ભાઇલા,તને પ્લેન ગમે કે સાઇકલ ? ‘ અને ભોળા ભાઇલાએ નિર્દોષતાથી જવાબ આપ્યો, ‘પ્લેન..!! ’ અને તેં તરત કહ્યું, ‘તો જો તું પ્લેન આમ ચલાવ..મારે તો સાઇકલ ચાલશે ’ આમ કહી તેં પ્લેન ચલાવવાની એક્શન કરી બતાવી. અને તારો ભોળો ભાઇલો પ્લેનની ઘરઘરાટી બોલાવતો કમ્પાઉન્ડમાં આંટા મારવા લાગ્યો.અને તું સાઇકલ લઇ ઉપડી ગઇ.!! પણ પછી મારાથી ન રહેવાયું..મેં મીતને ઉભો રાખી પૂછયું, ’ બેટા,શું કરે છે ? ‘ તે કહે, ‘ પ્લેન ચલાવું છું ‘ મેં કહ્યું, ‘ પણ પ્લેન કયાં ? ‘ અને..........અને અચાનક તેને ખ્યાલ આવ્યો કે બહેન તેને ઉલ્લુ બનાવી ગઇ છે..!! અને પછી..પછી તો..... પણ ત્યાં તો તું સાઇકલ લઇ ને આવી ગઇ હતી..અને પ્રેમથી ભાઇલાને આપી દીધી.! આજે યે તારા જીનીયસ ભાઇલાને એ વાત યાદ કરાવીને તું એની મસ્તી કરવાનો મોકો ચૂકતી નથી . શુભમને આમ કયારેય ઉલ્લુ ન બનાવતી હોં ! ના,ના, આજે તો તું ડાહી થઇ ગઇ છે. (મતલબ ત્યારે.....?? ) અને આજે તો તારો ભાઇલો યે તને ઉલ્લુ બનાવે એવો થઇ ગયો છે. આજે માસીનો લંડનથી ફોન આવ્યો ત્યારે તારા સમાચાર પૂછતા હતા. તેની ત્રણ વરસની મીઠડી દીકરી તાન્યા એ તારી સગાઇની કેસેટ જોઇ અને કહે, ‘ મારે પણ ઝિલદીદી જેવા રેડ ફૂટપ્રીન્ટ લેવા છે...!! ’ સગાઇ પછી તારા ઘરમાં કરાવેલ તારા કુમકુમ પગલાં નું દ્રશ્ય જોઇને તે કહેતી હતી. યાદ છે..? તાન્યા અહીં આવેલ ત્યારે એકવાર ચોકલેટ ખાઇને હાથમાં તેનો કાગળ લઇ ફરતી હતી. કયાં ફેંકવો તેની ખબર નહોતી પડતી..તેથી મૂંઝાતી હતી. ત્યારે કોઇએ તેને કહ્યું કે, ‘ વાંધો નહીં...અહીં ફેંકી દે...’ તો કેવા યે આશ્ર્વર્યથી જોઇ રહી..રસ્તા પર ચોકલેટનો કાગળ થોડો ફેંકાય ? ત્રણ વરસની એ છોકરીને રસ્તા પર કંઇ ન ફેંકાય..એની જાણ હતી...જયારે અહીં કોઇને કંઇ પણ કચરો વિના સંકોચે ગમે ત્યાં ફેંકતા જોઇએ છીએ...ત્યારે થાય છે..સ્વચ્છતાના પાઠ તો આપણે પશ્વિમ પાસે થી શીખવા જ રહ્યા. સ્વચ્છતામાં જ પ્રભુતા વસે છે..એ આપણે જાણી ને અમલ કરતાં કયારે થઇશું ? આપણે નદીને પવિત્ર માનીએ છીએ. માનો દરજ્જો આપીએ છીએ..પરંતુ દુ:ખ સાથે સ્વીકારવું જ પડે છે કે એને ગંદી કરતાં આપણે જરાયે અચકાતા નથી. ગંગા જેવી પવિત્ર નદી ની અવદશા માટે આપણે જ જવાબદાર છીએ ને ? કે પછી આપણી અંધશ્રધ્ધા ? પાણી નો રજવાડી ઠાઠ જાણે આજે નજરાઇ ગયો છે. આપણા મોટા ભાગના મંદિરોમાં જે ગંદકી જોવા મળે છે..તે જોઇને ઘણીવાર આપણી આસ્થા ડગી જાય છે. જયાં જઇ ને મન પ્રસન્નતા ન અનુભવી શકે તે જગ્યાને પવિત્ર કેમ કહી શકાય ? આ સાથે જ એક બીજી સરસ વાત યાદ આવે છે. આપણી બાજુમાં નવા રહેવા આવેલ ડોકટરને ચાર વરસનો પુત્ર હતો. તેનું નામ આદિત્ય હતું. એકવાર આપણે બધા સાથે ફરવા ગયેલ ત્યારે એક જગ્યાએ કાર ઉભી રાખી હતી. અને આદિત્ય એ વેફર ખાઇને કાગળ ત્યાં રસ્તા પર ફેંકયો. નાનપણથી એ આવું જોતો આવ્યો હતો. તેથી એને એમાં કંઇ અસ્વાભાવિક કયાંથી લાગે ? આજે અમારી સાથે તેના કાકા પણ હતા..તેણે બહુ પ્રેમથી આદિત્યને કહ્યું, ‘ તારું ઘર ગંદુ થાય એ તને ગમે ? તું ઘરમાં આમ કચરો ગમે ત્યાં ફેંકે છે ? ‘ આદિત્યએ સ્વાભાવિક રીતે જ ના પાડી. તો કાકા કહે, ’ઘરની જેમ આ દેશ પણ આપણો જ છે ને ? બેટા, તારો દેશ ગંદો છે..એવું કોઇ કહે તો તને ગમે ? કોઇ કચરો કરે એટલે આપણે પણ કરવાનો ? આપણે તો કોઇ કચરો કરતા હોય એને પણ ના પાડવી જોઇએ..કે આપણા દેશને ગંદો ન કરો... બરાબર ને ? ’ કાકા એ એટલી સરસ રીતે સમજાવ્યું કે આદિત્ય તરત કારમાંથી નીચે ઉતરી પોતે નાખેલ વેફરનો કાગળ તો ઉપાડી આવ્યો..પણ સાથે સાથે ત્યાં પડેલ બીજા બે ચાર કાગળો પણ ઉપાડી આવ્યો અને ડસ્ટબીન ન દેખાયું ત્યાં સુધી સાચવી રાખ્યા..અને પછી તો કોઇ પણ જરાક કંઇ ફેંકે એટલે નાના આદિત્યની જીભ ચાલુ થઇ જાય, નહી..’ મારા દેશને ગંદો નહીં કરવાનો. ’ ખરેખર દરેક માતા પિતા નાનપણથી પોતાના બાળકને સ્વચ્છતાના આ સંસ્કાર આપે તો આપણા દેશની પરદેશમાં જે છાપ છે એ ભૂંસાઇ જાય. અને પછી કોઇ આપણા દેશને ગંદો કહી ને અપમાન ન જ કરી શકે. ચોખ્ખાઇના આ સંસ્કાર ગળથૂથી માંથી મળવા જોઇએ...દરેક વ્યક્તિ પોતાનું આંગણુ વાળી નાખે તો આખું ગામ એની જાતે સાફ થઇ જાય.આ માટે સમાજમાં..લોકોમાં જાગૃતિ આવવી રહી.અને આ જાગૃતિ આવે શિક્ષણથી...સાચા શિક્ષણથી. આજે તો ભણેલ ગણેલ...પરદેશ જઇ આવેલ વ્યક્તિ પણ અહીં આવે ત્યારે આરામથી રસ્તા પર કચરો ફેંકતા અચકાતી નથી. અહીં તો બધું ચાલે..!! અને પછી એ જ વ્યક્તિ પરદેશની સ્વચ્છતાના વખાણ કરતી હોય. !! આ મેન્ટાલીટી જયાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આપણો દેશ સ્વચ્છ કેમ થાય ? પરદેશમાં દંડના ભયથી એ સુધરી જાય છે..” ભય વિના પ્રીતિ નહીં..” એ કદાચ સાચું જ છે. સ્વચ્છતાની વાત આવે એટલે મારું લેકચર ચાલુ. ખરું ને ? તું પરદેશ જવાની છે..જોકે તમને તો નાનપણથી આ બધી આદતો પાડવાનો પ્રયત્ન અમે કર્યો જ છે. એટલે કહેવાની જરૂર નથી. આજે શુભમની બેગ પેક કરતી તને જોઇને એક મા ના આશીર્વાદ સરી પડે છે..’ બેટા, હમેશા આવા જ પ્રેમથી છલકતા રહો. સાચા અર્થમાં સહપ્રવાસી ..મિત્ર બની રહો. અને તમારા મધુર કલરવથી અમારું જીવન છલકી રહો.’ રાત્રે એરપોર્ટ પર તો તમારા બે સિવાય જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ચાંચ માં ચાંચ નાખી ઘૂ ઘૂ કરતાં પારેવાની જેમ બંને એકબીજાને બાય કહેવામાં, ગુફતુગુ કરવામાં જ ખોવાઇ ગયા હતા. અમે બધા વડીલો બંને ની ઘૂસપૂસને દૂરથી માણી રહ્યા હતા. અંતે છૂટા પડવાનો સમય આવ્યો.. શુભમને ખ્યાલ આવ્યો..આવીને તેની મમ્મીને અને મને પગે લાગ્યો. હું મૌન હતી...બિલકુલ મૌન... “ છૂટા પડતી વખતે બોલવાનું શું ? શબ્દોમાં હૈયાને ખોલવાનું શું ? “ બસ.... શિવાસ્તે તવ પંથા: “ આજે સંયુકત કુટુંબની પ્રણાલિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એના કારણો દરેક માટે અલગ હોઇ શકે. કદાચ કોઇ બાહ્ય કારણસર અલગ રહેવાનું થાય ત્યારે પણ મન જોડાયેલ હોય તો એકબીજાને સ્નેહની હૂંફ મળી રહે. અને મનને જોડાયેલ રાખવાની જવાબદારી સ્ત્રી ની જ રહે છે. સ્ત્રી ધારે તો જોડી શકે ને ધારે તો તોડી શકે. બેટા,તારા કુટુંબને જોડી રાખવાનો પ્રયત્ન કરવાનું કયારેય ચૂકીશ નહીં. તને ખબર છે..? વાંસના જંગલમાં કયારેક કોઇ વાંસ તૂટી જાય છે, છતાં એ જમીન પર પડતો નથી. કેમકે એકબીજાની બિલકુલ અડોઅડ ઉભેલા બીજા વાંસ તેને જમીન પર પડવા દેતા નથી. જીવનમાં પણ જો જોડાયેલ હોઇએ તો એકબીજાની મદદ વડે કયારેય પડવાનો ભય રહે નહીં. અને પડીએ તો પણ ઉભા કરનાર મળી જ રહે. પાંચ આંગળી ભેગી થાય ત્યારે મુઠ્ઠી બને છે. અને મુઠ્ઠી ને ખોલવી આસાન નથી હોતી. આજે સામાન્ય રીતે સગાથી બધા દૂર ભાગે છે. કારણકે સ્નેહની ગાંઠ ઢીલી પડી છે. સ્નેહનું સ્થાન શુષ્ક વહેવારે લીધું છે. બેટા, સ્નેહ તો જીવનનું ચાલક બળ છે. શરૂઆતમાં એકલા રહેવાની હોંશ હોય, અને ત્યારે બીજાની હાજરી બિનજરૂરી લાગે..પણ દરેક દિવસ કયારેય એકસમાન જતાં નથી. અન્યની જરૂર જીવનમાં ગમે ત્યારે પડી શકે છે. ત્યારે આ સ્નેહ જો જળવાયેલ હોય તો જ એ જરૂર પડયે હૂંફ આપી શકે. આ વાત અનુભવે જ સમજાઇ શકે. પણ જે વ્યક્તિ બીજાના અનુભવે શીખી જાય એ જ હોંશિયાર કહેવાય ને ? તારા ઘરના સભ્યો સાથે સ્નેહની ગાંઠ કયારેય ઢીલી ન પડે..તેનું ધ્યાન રાખીશ ને ? “ ”સ્નેહની કડી સર્વથી વડી...” ‹ Previous Chapter દીકરી મારી દોસ્ત - 9 › Next Chapter દીકરી મારી દોસ્ત - 11 Download Our App Rate & Review Send Review nihi honey 11 months ago Bharat 2 years ago Tiku 2 years ago Rushi 4 years ago Dëvanshi Âńď Hardik 4 years ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Nilam Doshi Follow Novel by Nilam Doshi in Gujarati Novel Episodes Total Episodes : 30 Share You May Also Like દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1) by Nilam Doshi દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 2) by Nilam Doshi દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 3) by Nilam Doshi દીકરી મારી દોસ્ત - 4 by Nilam Doshi દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 5) by Nilam Doshi દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 6) by Nilam Doshi દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 7) by Nilam Doshi દીકરી મારી દોસ્ત - 8 by Nilam Doshi દીકરી મારી દોસ્ત - 9 by Nilam Doshi દીકરી મારી દોસ્ત - 11 by Nilam Doshi