Gumnam Shodh - 2 books and stories free download online pdf in Gujarati

ગુમનામ શોધ - 2

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id – brgokani@gmail.com

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 2

લેખકના બે બોલધન્યવાદ મિત્રો મારી નવલકથા વાંચવા માટે પસંદ કરવા બદલ. “ગુમનામ શોધ” રહસ્ય અને રોમાંચથી ભરપુર નવલકથા જેમાં ઘણા ઉતાર ચડાવ રહેલા છે. આપણા જીવનના અનેક રંગોથી ભરપુર આ નવલકથા તમને શરૂઆત ખુબ જ ધીમે ધીમે આગળ વધતી જણાશે. પરંતુ તેના એક એક પ્રકરણ રોમાંચથી ભરેલા છે. તો તેનો આનંદ માણતા રહેજો અને હા, મે મારો ભરપુર પ્રયાસ કર્યો છે છતાંય તમને જરા સરખી પણ કચાસ જણાય તો તાત્કાલિક મને મેસેજ કરજો. આભાર (અગાઉના પ્રકરણમાં આપણે જોયુ કે પ્રતિક્ષાની તબિયત ખુબ જ ખરાબ છે પરંતુ કંદર્પ તેના પ્રેમને કારણે પ્રતિક્ષાને હોસ્પિટલ મોકલવા માટે તૈયાર નથી. આખરે શુ થયુ પ્રતિક્ષા સાથે? કંદર્પ ફલેશબેકમાં જતો રહ્યો. જેમા તેને પ્રતિક્ષાની પહેલી મુલાકાત યાદ આવી. પ્રતિક્ષાને રમતા જોઇ કંદર્પ પ્રેમના બાણથી ઘાયલ થઇ ગયો. પ્રથમ નજરે જ પ્રતિક્ષા તેના દિલમાં વસી ગઇ. તે પ્રતિક્ષા સાથે વાત જ કરવા માંગતો હતો ત્યાં તેની મમ્મીનો ફોન આવ્યો કે તેના પિતાજીની તબિયત ખરાબ છે. તે દોડતો ઘરે ગયો.) કંદર્પ ઘરે પહોચ્યોં તો તેના મમ્મી લગભગ તૈયાર જ હતા. તેમને પોતાનો સામાન પણ ભરી લીધો હતો. તેઓ એક અઠવાડિયુ રોકાવાના હતા પરંતુ ઓચિંતા આવુ બની જતા તે જવા તૈયાર થઇ ગયા.

“બેટા તુ આજે કોલેજે ગયો પછી થોડી વારમાં જ તારા પપ્પાનો ફોન આવ્યો કે તેને ઝાડા અને ઉલ્ટી થઇ ગયા છે. ઘરમાં રહેલી દવા પણ લીધી પરંતુ કાંઇ ફરકના પડયો. ડો. પારેખને બતાવ્યુ તો તેમને કહ્યુ કે તારા પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. નૈમિષ તેમને હોસ્પિટલમાં લઇ ગયો છે. હવે હુ પણ નીકળુ છુ. તુ ચિંતા ન કરજે મને પોરબંદર જતી બસમાં છોડી દે. હુ જલ્દીથી પોરબંદર પહોંચી જાવ.” “પણ ઓંચિતા આ શુ થઇ ગયુ? કાલે આપણે નીકળા ત્યારે તો કાંઇ જ નહોતુ. તે એકદમ સાજા સારા જ હતા. એટલી વારમાં શુ થઇ ગયુ?” “બેટા કાંઇ નથી થયુ કાલે જ આપણે નીકળા ત્યારે તેને પેટમાં દુ:ખાવો હતો. પરંતુ તેને કીધુ કે ગેસ જેવુ છે અને ગોળી ખાઇ લીધી છે સારું થઇ જશે. પરંતુ વળી બાપ દીકરા રાત્રે બહારનુ જમ્યા હશે એટલે તકલીફ વધી ગઇ. તને ખબર તો છે તારા પપ્પાને જરાય તબિયતની કાંઇ પડી જ નથી.” “મમ્મી, હુ પણ તમારી સાથે આવુ. તુ એકલી કયાં એટલે દુર જઇશ. મને અહીં પપ્પાની ચિંતા થયા કરશે. પછી પાછો પપ્પાને સારું થઇ જશે એટલે પાછો આવતો રહીશ.” “બેટા તુ ચિંતા ન કરજે. ગેસના ઝાડા હોય હમણાં જઇને ફાકી આપી દઇશ અને ગ્લુકોઝ પી લેશે એટલે એક દિવસમાં નોર્મલ થઇ જશે. વળી તેને હોસ્પિટલમાં તો દાખલ કર્યા છે. તુ આવી નાની નાની બાબતમાં તારા અભ્યાસમાંથી ધ્યાન ન હટાવજે. આવુ તો બન્યા રાખે. તુ તારા ભણવામાં ધ્યાન આપ અને મને સ્ટેશને મુકી જા. જે બસ મળશે તેમાં હુ જતી રહીશ. હુ પાછી થોડા સમય પછી આવીશ અને તારી બધી વસ્તુઓ વ્યવસ્થિત કરી લેશુ અને ઘટતુ કરતુ બધુ બજાર માંથી લઇ પણ આવીશુ. તારા માટે અને જયેશ માટે નાસ્તો રાખ્યો છે અને ટિફિનનુ પણ કહી દીધુ. રોજ સવાર સાંજ તમને ટિફિન આપી જશે.” “ઓ.કે મમ્મી પરંતુ એવુ લાગે તો મને તરત જ કહેજો. હજુ અભ્યાસ શરૂ જ થયો છે. હુ તરત જ આવી જઇશ. એન્ડ થેન્ક્યુ સો મચ કે તમે બધી વ્યવસ્થા કરી દીધી.” “ અરે ગાંડા મા બાપને થેન્ક્યુ કહેવાનુ ન હોય. બાળક ગમે તેવડુ મોટુ થઇ જાય માતા પિતા માટે બળક જ રહે છે અને અમારી જવાબદારી આજીવન તમારા માટે રહે જ છે. અને બેટા કાંઇ ઉપાધિ ન કર કાલે તારા પપ્પા ઘોડા જેવા થઇ જશે. વર્ષોથી હુ આવી રીતે ઇલાજ કરી રહી છુ.” કહી સુભદ્રાબહેન હસવા લાગ્યા. કંદર્પ તેના મમ્મીને લઇને બસ સ્ટેશને ગયો અને પોરબંદરની સીધી બસ મળી તેમાં બેસાડી દીધા. બરોડાથી પોરબંદર ઘણુ દુર થાય અને બુકિંગ વિના જવુ મુશ્કેલ છે પરંતુ જવુ જરૂરી હતુ એટલે તે ગયા. પરંતુ તેને એક પુરતી સીટ મળી ગઇ એટલે વાંધો ન આવ્યો. કંદર્પ તેના મમ્મી સુભદ્રાબહેનને બસમાં બેસાડીને આવ્યો. તે ઘરે આવ્યો તો તેના પિતાજી યાદ આવી ગયા. કંદર્પ તેના પિતાજી ભુપેન્દ્રભાઇ અને માતા સુભદ્રાબહેનનો સૌથી નાનો દીકરો. ઘરમાં નાનકડો હોવાને નાતે તે સૌનો લાડકો હતો. તેમના મોટાભાઇ નૈમિષ તેના કરતા ત્રણ વર્ષ મોટા હતા. બે ભાઇઓ જ હતા. આથી બધા કંદર્પને ખુબ જ લાડ લડાવતા હતા. છતાંય તે નાનપણથી ખુબ જ સમજુ અને ઠરેલ હતો. નૈમિષ બિઝનેશ ચલાવતો હતો. નાનપણથી જ કંદર્પ લાડકો હતો છતાંય ભણવામાં ખુબ જ તેજસ્વી હતો. ભુપેન્દ્રભાઇ અને સુભદ્રાબહેન તેને ખુબ જ ચાહતા હતા. મોટાભાઇ નૈમિષ માટે પણ તે લાડકો જ હતો. “કંદર્પ જેવો દીકરો તો કોઇક નસીબદાર જ ને જ મળે” એવુ તેના પિતા ભુપેન્દ્રભાઇ હમેંશા તેને કહેતા રહેતા હતા. પિતાજીના શબ્દો યાદ આવતા કંદર્પની આઁખમાં આંસુ આવી ગયા. તે પહેલીવાર ઘરથી આટલે દુર એકલો આવ્યો હતો. તેને નૈમિષને ફોન જોડયો. “હેલો ભાઇ પપ્પાને હવે કેમ છે? શુ કહે છે ડોકટર સાહેબ. મમ્મીને બરોડા પોરબંદર ગુર્જર નગરી બસ માં બેસાડયા છે.” “કંદર્પ ચિંતા ન કર કાંઇ નથી. હોસ્પિટલે બાટલા ચડાવી દીધા છે અને બપોર પછી રજા પણ મળી જશે. ખાસ કાંઇ નથી મમ્મી આવશે એટલે હુ તેને રિસીવ કરી આવીશ. તુ તારા અભ્યાસ પર ધ્યાન આપ.” “કાંઇ મારી જરૂર હોય તો કહેજે.” “ના કંદર્પ તુ ત્યાં અભ્યાસ પર ધ્યાન આપજે. એવુ કાંઇ છે જ નહિ અને હુ છુ ને અહીં. તુ તારુ ધ્યાન રાખજે કદર્પિયા.” “થેન્કસ ભાઇ મને તમારા બધાની ખુબ જ યાદ આવી રહી છે.” “મને પણ કંદર્પ તારી ખુબ જ યાદ આવી રહી છે. ચીકુ હવે તુ બધુ ભુલીને તારુ ધ્યાન અભ્યાસ પર પોરવી દે. કોઇ જાતની ચિંતા કરજે નહિ.” “લવ યુ ભાઇ” કહીને કંદર્પે ફોન મુકી દીધો ત્યારે તેની આઁખનો ખુણો ભીનો થઇ ગયો. સુભદ્રાબહેન રાત્રે ઘરે પહોંચ્યા ત્યાં તો ભુપેન્દ્રભાઇને રજા પણ મળી ગઇ હતી. તેઓને થોડી નબળાઇ જણાતી હતી બાકી તબિયત એકદમ સુધારા પર હતી. “તમને કેટલીવાર કહ્યુ કે છે કે બહારનુ જયાં ત્યાં ફાવે નહિ તો જમવુ નહિ. આવડી ઉંમરે પણ સાવ બાળક જેવા જ રહ્યા છો.”

“અરે શુભુ મને કાંઇ પણ થયુ નથી. તુ નાહક દોડતી અહીં આવી ગઇ.” “આવી જ જાવને. જો ને કેવા હાલ થઇ ગયા છે. થોડુ ધ્યાન રાખતા હોય તો, કંદર્પને ત્યાં બધુ ગોઠવાયુ નહિ. નૈમિષનો ફોન આવ્યો એટલે ફટાફટ રસોઇ કરીને દોડતી આવી ગઇ.” “શુભુ મને કાંઇ પણ થયુ નથી. હમણાં સવારે હુ દોડતો થઇ જઇશ. તુ કાલે જ બરોડા પાછી જતી રહેજે અને અઠવાડિયુ રોકાઇને આવજે.” ભ્યુપેદ્રભાઇએ હસતા હસતા કહ્યુ. “જાવ હવે તમે. વાતો કરો છો. એમ વારંવાર વડોદરા થોડુ જવાઇ છે. તે નજીક થોડુ છે. હવે સુઇ જાવ છાના માના. હુ ય આરામ કરી લઉ. અને હા પહેલી ફાકી લઇ લેજો.” સુભદ્રા બહેને મીઠો છણકો કરતા કહ્યુ.

બંન્ને મીઠી તકરાર કરીને સુઇ ગયા.

*************************

ધડામ કરતો ધડાકો થયો. કંદર્પ ધડાકો સાંભળીને ફટાક કરતો પથારીમાંથી બેઠો થઇ ગયો. એવો જોરદારનો અવાજ હતો કે તેનો પલંગ પણ હલવા લાગ્યો હતો.

રાત્રિના બાર વાગ્યા હતા. હજુ હમણાં અડધો કલાક પહેલા તો તે સુતો હતો અને થાકના હિસાબે ગાઢ ઉંઘ આવી ગઇ હતી અને ઓંચિંતા આવો ધડાકો સાંભળાતા થોડી વાર તો તેના ધબકારા વધી ગયા. હજુ પણ કાનમાં ધાક હતી. તે હાંફળો ફાંફળો થઇને ઉઠી ગયો. ધરતી ધ્રુજતી હોય તેવુ લાગતુ હતુ. તેને ફટાફટ શર્ટ પહેરી લીધો. બહાર ખુબ મોટે મોટેથી કોલાહલ સંભળાતો હતો. તેનો રૂમ પાર્ટનર જયેશ આજે તેના બરોડામાં જ રહેતા દુરના કાકાના ઘરે ગયો હતો અને ત્યાં જ રાત્રિ રોકાઇ ગયો હતો. આથી કંદર્પ એકલો જ હતો તેથી તે દોડીને બહાર જોવા ગયો આખરે શુ થયુ? કોઇ બોમ્બ ધડાકો થયો હોય તેવો અવાજ લાગતો હતો. બહાર ગયો તો તેને જોયુ કે તેના ઘરથી ત્રીજા નંબરનુ ઘર સળગી રહ્યુ હતુ અને ઘણા બધા લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને પાણી લઇને આગ બુઝાવાની કોશિષ કરી રહ્યા હતા. ગરમી અને ધુમાડો ચારે તરફ ફેલાયેલો હતો. લોકો વાત કરી રહ્યા હતા તેમાંથી કંદર્પને એટલુ સમજાયુ કે બાટલો ફાટયો હતો. ઘરના બધા બહાર ગયા હતા એટલે સારુ હતુ કે કોઇને કાંઇ થયુ નહિ પરંતુ આસપાસના ઘરોમાં તેની અસર થઇ અને તેઓની પણ દીવાલો પડી ગઇ હતી અને તેમાં રહેતા લોકોને થોડી થોડી ઇજાઓ થઇ હતી. કંદર્પનો રૂમ દુર હતો એટલે સારું થયુ નહિ તો કારણ વિના પ્રથમ દિવસે જ બરોડા માં હેરાન થવુ પડત. થોડીવારમાં ફાયર બ્રિગેડ અને 108 આવી ગઇ. કંદર્પ દોડીને બધા ઘાયલોને ટેકો આપવા લાગ્યો અને ત્યાં સળગ્યા વગરની વસ્તુઓ હટાવવા માટે મદદ કરવા લાગ્યો. થોડીવારમાં જ મકાન માલિક આવી ગયા જેમના ઘરે બ્લાસ્ટ થયો હતો. પોતાનુ ઘર બળતુ જોઇને તેઓ ખુબ જ ઉદાસ થઇ ગયા. આ દુનિયામાં કશુ પણ શાશ્વત નથી. શ્વાસ લઇને ચાલતુ આપણુ આ શરીર પણ કયારે આપણને દગો દઇને છોડીને જતુ રહેશે તેની આપણને ખબર નથી તો સંપત્તિ અને પૈસાની તો શી વિસાત છે. મન છે તે આપણુ બધુ સમજે છે પરંતુ જ્ઞાનની બધી વાતો બીજા પર દુ:ખ પડે ત્યારે એકસાથે યાદ આવી જાય છે બાકી જયારે આપણા પોતાના પર કોઇ મુસીબત આવી પડે ત્યારે થોડીવાર માટે તો બધુ જ વિસરાઇ જાય છે. જેનુ મકાન સળગી ગયુ હતુ તે સાઇકટ્રાયિકસ ડો. ચંદ્રેશ વોરા હતા અને જે પોતાના પેશંટને મનમાંથી દુ:ખ અને તકલીફ દુર રાખીને હસતા રહેવાની સલાહ આપતા હતા. પરંતુ આજે વર્ષોની મહેનતથી વસાવેલુ ઘર જેમાં તેઓએ જીંદગીની તડકી છાંયી જોઇ હતી અને જે ઘર તેમના પરિવારની ખુશીથી ધબકતુ હતુ તેને આમ સળગતુ જોઇને તે ઘડી વાર માટે તો નિરાશ થઇ ગયા. કંદર્પે તેના ખભે સાંત્વના ભર્યો હાથ મુકીને તેમને બચી રહેલી વસ્તુઓ બચાવવા માટે મદદ કરવા લાગ્યો. દુર્ઘટના ગમે તેના જીંવનમાં ઘટી શકે છે. પરંતુ બીજાની મુશ્કેલી વખતે એકબીજાને મદદમાં ઉભુ રહેવુ એ જ માનવતાની સાચી પરખ છે. આ બધા સંસ્કાર કંદર્પને તેના માતા પિતાએ સારી રીતે આપ્યા હતા. સવાર સુધી દોડધામ ચાલુ રહી. આજે કોલેજ પર સમયસર જવાનુ હોવાથી તે ચારેક વાગ્યે આરામ કરવા રૂમ પર ગયો. બહાર આગ પાસે રહીને ખુબ જ તરસ લાગી હતી. આવીને બે ત્રણ ગ્લાસ પાણી પી ને સવારે સાત વાગ્યાનો એલાર્મ મુકીને સુઇ ગયો. પથારીમાં પડતા જ આઁખ મિચાઇ ગઇ. હજુ સુતો ત્યાં જ એલાર્મ વાગ્યો માંડ માંડ આઁખ ઉઘાડીને જોયુ તો સાત વાગી ચુક્યા હતા ફટાફટ બેડ પરથી ઉઠીને તે તૈયાર થવા બાથરૂમ પર જતો રહ્યો. ફ્રેશ થઇને હાથે ચા બનાવીને પીને કોલેજ તરફ નીકળી ગયો. કોલેજ પર પહોચ્યો ત્યારે હજુ આઠમાં પાંચની વાર હતી. તે સમયસર કોલેજ પર પહોંચી ગયો હતો. કોલેજના ગેઇટ પર પહોંચતા જ પ્રતિક્ષાની યાદ આવી ગઇ. આજે તો ગમે તે થાય તેની સાથે વાત કરવી જ છે પરંતુ તેની પહેલા જે કામ માટે વતન છોડી બરોડા આવવુ પડ્યુ તે સર્વોપરી હતુ. આથી તે પોતાનો ફર્સ્ટ યર સાયન્સનો વર્ગ શોધીને તેમાં જતો રહ્યો. આમ તો તે કલાસમાં કાલે ગયો હતો પરંતુ કોલેજની ભુલભુલાયમાં તેને આજે પણ કલાસ શોધવો પડયો.લેકચરમાં કયાંય મન લાગતુ ન હતુ. બસ મન દોડીને પ્રતિક્ષા પર જતુ રહ્યુ હતુ. તેનુ ઉડતુ સોર્ટ સ્કર્ટ અને તેના લાંબા લાંબા પાતળા ગોરા ગોરા પગ, ચકચકતી ત્વચા, પરસેવાથી નીતરતો સુંદર ગોળમટોળ ચહેરો વારંવાર તેની સામે આવતો જ રહેતો હતો. તેની અનુપમ સુંદરતા નજર સામેથી ખસતી જ ન હતી. લેકચરમાં પ્રોફેસર શુ બોલતા હતા તેનો કોઇ ખ્યાલ જ ન હતો. બસ તે પોતાના વિચારો અને ધુનમાં ખોવાયેલો હતો. પ્રતિક્ષા સાથે મુલાકાત અને પરિચયની લાલચમાં લેકચર બંક કરવાનુ નક્કી કરી દીધો.

કંદર્પ વિચાર્યુ આમ પણ આર્ટસના સ્ટુડન્ટ લેક્ચર બંક કરીને કેન્ટિનમાં જ બેઠા હશે. આથી તે ઉતાવળા પગે કેન્ટિન શોધવા લાગ્યો. કોલેજનુ સંકુલ નવુ અને અજાણ્યુ હતુ. આથી કોલેજમાં ઘણાં ચક્કર લગાવ્યા ત્યારે માંડ કેન્ટિન તેને મળી જે ફુલ હતી. કોલેજની કેન્ટિન એકદમ વિશાળ અને સુંદર હતી. કેટલા બધા સ્ટુડન્ટસ તેમાં બેઠેલા હતા. જયાં ચારે ફરતે નજર ફેરવી પરંતુ કયાંય પણ તેને તેની પ્રતિક્ષા દેખાયી નહી. પરંતુ કોઇએ તેને હાય કહ્યુ તો પાછળ ફરી જતા તેના કદમે કેન્ટિનમાં નજર દોડાવી તો જયેશ હતો. જે તેના મિત્રો સાથે નાસ્તો કરવા બેઠેલો હતો. કંદર્પ તેની પાસે ગયો. “હાય દોસ્ત ચાલ નાસ્તો કરવા.” જયેશે કહ્યુ. “અરે ના તમે નાસ્તો કરોને હુ સવારે જ નાસ્તો કરીને નીકળ્યો છુ. મારે લેકચર છે. જરા ફ્રેશ થવા નીકળો હતો. બાય ચાલો પછી મળુ.” કંદર્પે સવારનુ કશુ ખાધુ ન હતુ અને ભુખ પણ ખુબ જ લાગી હતી છતાંય તે પ્રતિક્ષાને શોધવાની ઉતાવળમાં તે ખોટુ બોલ્યો. “અરે યાર તમારે સાયન્સ વાળાને બહુ અઘરુ હો. અમારે તો જલ્સા.” “હા દોસ્ત એન્જોય યોર સેલ્ફ બાય” એમ સ્માઇલ આપીને કહીને નીકળી ગયો. તે કોલેજ પાછળ આવેલા મેદાન પર ગયો કદાચ ત્યાં ટેનિસ પ્રેકટિસ કરતી પ્રતિક્ષા જોવા મળે પરંતુ ત્યાં પણ તેને હતાશા મળી. પ્રતિક્ષા કયાંય ન હતી. તે નિરાશ થઇને ત્યાં રાખેલા બાંકડા પર બેસી ગયો. તેની સામે થોડે દુર એક વૃક્ષ નીચે બે પ્રેમી પંખીડા એક બીજાના હાથમાં હાથ પોરવીને પ્રેમ ભરીને વાતો કરી રહ્યા હતા તેને જોઇને કંદર્પનુ મન પણ પ્રતિક્ષા તરફ વધારે દોડવા લાગ્યુ તે બંન્ને ને જોઇને તેમાં તેને પોતે અને પ્રતિક્ષા દેખાવા લાગ્યા. તેને પ્રતિક્ષાના નામ સિવાય કાંઇ પણ ખબર ન હતી. કદાચ તે પણ તેના પ્રેમી સાથે કોઇ ખુણામાં બેસી ને....................................... “ના એવુ ન હોય પ્રતિક્ષા...” જાત જાતના વિચારો કરતો કંદર્પ વિચાર મગ્ન બેઠો ત્યાં તો. “એક્સ ક્યુઝ મી” તેના ખભા પર કોઇએ હાથ મુક્યો અને મીઠા મધુર અવાજે કહ્યુ. કંદર્પે ઉંચે ઉપાડીને જોયુ તો.................... ક્રમશ........................વળી કોણ આવ્યુ? કેવી રીતે થશે કંદર્પ અને પ્રતિક્ષાની મુલાકાત. શાંત અને સરળ રીતે ચાલતા તેમના આ જીંવનમાં એવુ તે શુ બની ગયુ કે પ્રતિક્ષાની હાલત ખરાબ બની ગઇ? જાણવા માટે વાંચતા રહો “ગુમનામ શોધ” અને હા, તમારા સારા નરસા પ્રતિભાવો આપવાનુ ના ચુકતા......