Shodhu chhu khudne tari aankhoma books and stories free download online pdf in Gujarati

શોધું છું ખુદને તારી આંખોમાં

શોધું છું ખુદને તારી આંખોમાં

‘હેપી વેલેન્ટાઈન ડે.’ વિશ્વાસે શ્રધ્ધા તરફ હાથ લંબાવતા કહ્યું.

‘વિશ્વાસ, તારી તબિયત તો ઠીક છે ને. આજે ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર છે, ૧૪ મી ફેબ્રુઆરી નથી.’

‘ઓહ, સોરી, હેપી ફ્રેન્ડશીપ ડે.’

‘કેમ વેલેન્ટાઈન ડે યાદ આવી ગયો. મને પ્રપોઝ કરવાનો ઈરાદો છે.’ શ્રધ્ધાએ હસતાં હસતાં કહ્યું.

‘વિચાર તો એવો જ છે.’

‘ખરેખર...!’

સાંજનો સમય હતો. દરિયામાં મોજા બમણા જોશથી ઊછળી રહ્યા હતાં. આવાં મસ્તીભર્યા વાતાવરણમાં સૂરજ ક્ષિતિજને મળવા માટે ધીમે ધીમે પણ મક્કમ ગતિથી આગળ વધી રહ્યો હતો. વિશ્વાસની નજર અટકી ગઈ હતી સૂરજ અને ક્ષિતિજના મિલનની સાક્ષી બનવા માટે.

‘વિશ્વાસ, હું રાહ જોઈને બેઠી છું. ચાલ હવે જલ્દીથી પ્રપોઝ કરી દે. મારે ઘરે જવામાં મોડું થાય છે.’

‘શ્રધ્ધા, હું મજાક નથી કરતો. તને એવું નથી લાગતું કે હવે આપણા સંબંધને નામ આપવાનો યોગ્ય સમય આવી ગયો છે.’

વિશ્વાસની નજર ક્ષિતિજમાં પોતાનું અસ્તિત્વ ઓગાળતા સૂરજ પરથી હટીને શ્રધ્ધાની આંખોમાં અટકી ગઈ.

‘કેવું નામ.’ શ્રધ્ધાને પણ લાગ્યું કે વિશ્વાસ મજાક નથી કરતો.

‘તું અને હું ફક્ત સારા મિત્રો જ છીએ.’

‘ફક્ત સારા નહિ ખૂબ સારા મિત્રો છીએ. એટલે જ તો સાંજના સમયે પણ દરિયાકિનારે હું એકલી તારી સાથે બેઠી છું.’

‘પણ હું આપણા સંબંધને ફક્ત મિત્રતાનું નામ આપવા નથી માંગતો.’ વિશ્વાસ સ્પષ્ટ રીતે અસ્પષ્ટ જણાતો હતો.

‘તો બીજું શું નામ.’

વિશ્વાસ બોલવા જતો હતો ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો,

“કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ...’”

‘હા મને યાદ છે... હું આવું છું... દસ-પંદર મિનીટ થશે.’ વિશ્વાસે મોબાઈલમાં વાત કરતાં કહ્યું.

‘શ્રધ્ધા મારે જવું પડશે. હું સાવ ભૂલી ગયો, બહાર જમવા જવાનું છે. ઘરે ગેસ્ટ મારી રાહ જોઈને બેઠા છે.’

‘પણ તે જવાબ ન આપ્યો, બીજું શું નામ.’ શ્રધ્ધાએ જતાં જતાં પૂછ્યું.

‘કાલે ફરી મળીશું. અત્યારે ઉતાવળને લીધે હું બોલી નહિ શકું.’

**********

રાતનાં બાર વાગતા સુધીમાં તો વિશ્વાસે રૂમમાં સો જેટલા ચક્કર મારી લીધાં. તેનાથી કાલના દિવસની રાહ ન જોવાઈ. મોબાઈલ ઉપાડ્યો ને ફટાફટ મેસેજ ટાઈપ કરવા લાગ્યો,

‘શ્રધ્ધા, હું તને ચાહું છું, આઈ રીયલી લવ યુ, તું મારા જીવનમાં આવનારી પ્રથમ છો એવું કહીને ખોટું નહિ બોલું, પરંતુ હા તને ખાતરી આપું છું કે તું અંતિમ જરૂર છો. કાલે હું તારી મારા ઘરે રાહ જોઈશ. મારા ઘરેથી કાલે બધા બહાર ફરવા જવાના છે, આવીશને? પ્લીઝ ગીવ મી રીપ્લાઈ સૂન.’

રાતે ઘડિયાળના ભેગા થયેલા બંને કાંટા એકબીજાની સામસામે આવી ગયાં, પરંતુ શ્રધ્ધાનો મેસેજ ન આવ્યો. વિશ્વાસ માટે તો સમય થંભી ગયો હતો. સવાર સુધીમાં તો લગભગ હજારેક વાર મોબાઈલમાં જોઈ લીધું, પરંતુ દરેક વખતે હાથ લાગી નિરાશા. છેક સવારે આઠ વાગ્યે મેસેજ આવ્યો,

‘સોરી વિશ્વાસ મેં તારો મેસેજ હમણાં જ વાંચ્યો. હું બપોરે આવીશ. ત્યાં સુધી તારે જવાબની રાહ જોવી પડશે.’

વિશ્વાસે રાહતનો શ્વાસ લીધો. રાતની ઊંઘ સવારે પુરી કરી. બપોરે બે વાગે ડોરબેલ વાગી.

‘વેલકમ શ્રધ્ધા.’ વિશ્વાસે ઉષ્માભર્યો આવકાર આપતા કહ્યું.

વિશ્વાસ ખૂબ જ ખુશ હતો. તેને વિશ્વાસ હતો શ્રધ્ધા પર કે તેનો જવાબ હા જ હશે. વિશ્વાસ તો એ ક્ષણની કલ્પનામાં ખોવાઈ પણ ગયો.

‘બધા ફરવા ગયાં છે. તું એકલો જ છો.’ શ્રધ્ધાના પ્રશ્નથી વિશ્વાસ હકિકતની દુનિયામાં પાછો આવી ગયો.

‘હા કેમ. તારી નિયત તો બરાબર છે ને.’ વિશ્વાસે શર્ટનું ઉપરનું બટન બંધ કરતા કહ્યું.

‘કેમ મારાથી ડર લાગે છે.’ શ્રધ્ધાએ વિશ્વાસની નજીક આવતાં કહ્યું.

‘હા, આજકાલ તો કોઈના પર ભરોસો કરવા જેવો નથી. છોકરાઓને પણ પોતાની ઈજ્જત બચાવવી પડે એવો જમાનો આવી ગયો છે.’ વિશ્વાસે આંખ મિચકારતા કહ્યું.

પરંતુ આ વાત સાંભળતા જ શ્રધ્ધા એકદમ સ્તબ્ધ થઈ ગઈ.

‘શું થયું શ્રધ્ધા... ખોટું લાગ્યું. હું કંઈ વધારે બોલી ગયો.’ વિશ્વાસે શ્રધ્ધાના બદલાયેલાં હાવભાવ પારખી લીધાં.

‘ના એવું નથી. તારી મજાકનું શું ખોટું લગાડવાનું, જયારે હું ખુદ એક મજાક બની ગઈ છું ત્યારે.’ શ્રધ્ધાનો મૂડ ઓચિંતાનો બદલાઈ ગયો.

‘કેમ આવું બોલે છે. રાતવાળો મેસેજ તને મજાક લાગે છે. બટ આઈ એમ સિરિયસ. મારી લાગણી મજાક નથી.’ શ્રધ્ધાના બદલાયેલા મૂડને લીધે વિશ્વાસ પણ ગંભીર થઈ ગયો.

‘વિશ્વાસ આમ તો બે વરસમાં ક્યારેય આપણને એકબીજાનો ભૂતકાળ જાણવાની જરૂરિયાત ઉભી થઈ નથી, પરંતુ આજે પહેલા તારે મારા અતીત સાથે ઓળખાણ કરવી પડશે... પછી જરૂર લાગશે તો હું તારા મેસેજનો જવાબ આપીશ.’

‘શું વાત છે શ્રધ્ધા.’ વિશ્વાસનું ભવિષ્ય શ્રધ્ધાનાં ભૂતકાળમાં ભટકી ગયું.

‘તને એ વાત જાણીને કદાચ આઘાત લાગશે કે ચાર વરસ પહેલાં મારી સગાઈ વચન સાથે થઈ હતી.’

‘થઈ હતી મતલબ.’

‘મતલબ કે સગાઈ તૂટી ગઈ.’

‘પણ કેમ.’

‘બળાત્કાર...’

‘તું શું બોલે છે.’ વિશ્વાસ કોયડાનો ઉકેલ શોધવા મથી રહ્યો હતો.

‘હા, મારા પર રેપ થયેલો એટલે મારી સગાઈ તૂટી ગઈ.’

‘વ્હોટ રબીશ. શ્રધ્ધા તને ભાન છે કે તું શું બોલી રહી છે. જો આ મજાક હોય તો બહુ ગંદો મજાક છે. પ્લીઝ સ્ટોપ ધીસ નોનસેન્સ.’

‘વિશ્વાસ આ મજાક નથી, મારી જિંદગીની કડવી વાસ્તવિકતા છે કે જે ક્યારેય બદલવાની નથી. સગાઈના લગભગ છ મહિના બાદ મારા પર...’ શ્રધ્ધા આગળ બોલી ના શકી. વિશ્વાસ ઊભો થયો અને પાણીનો ગ્લાસ લઈ આવ્યો. શ્રધ્ધાએ ફરી સ્વસ્થ થતાં વાત આગળ વધારતાં કહ્યું,

‘જેની જાણ વચનને થતાં તેણે મારો સાથ આપવાને બદલે સમાજની પરવા કરી. તેને થયું કે જો આ ઘટના બાદ તે મારી સાથે લગ્ન કરશે તો તેનો સામાજીક મોભો, માન-સન્માન ઘટી જશે. તેણે મને મળવાનું બંધ કરી દીધું. બળાત્કારીને સજા મળે એ પહેલાં તો મને સજા મળી ગઈ, મારી સગાઈ તૂટી ગઈ.’

વિશ્વાસ માટે તો આ વજ્રાઘાત હતો. તેની આંખો સામે થોડીવાર માટે અંધારપટ છવાઈ ગયો. વાસ્તવિકતાની વરવી થપાટે તેને હચમચાવી મૂક્યો. સૂનમૂન બનીને સોફા પર ફસડાઈને બેસી ગયો.

‘વિશ્વાસ તારે હજી મારો જવાબ સાંભળવો છે.’

વિશ્વાસ તો જાણે બોલવાનું જ ભૂલી ગયો હોય તેમ શ્રધ્ધાની સામે જોઈ રહ્યો. ત્યાં જ શ્રધ્ધાનો મોબાઈલ રણક્યો.

‘વિશ્વાસ મારે તાત્કાલિક ઘરે જવું પડશે. બાય...’

શ્રધ્ધા તો જતી રહી, પણ તેના શબ્દો વિશ્વાસના કાનમાં ગૂંજતા રહ્યા.

**********

એક જ દિવસમાં વિશ્વાસની જિંદગી સાવ બદલાઈ ગઈ. ચાર-પાંચ દિવસ બાદ થોડી સ્વસ્થતા કેળવીને વિશ્વાસે શ્રધ્ધાને સાંજના સમયે દરિયાકિનારે મળવા માટે બોલાવી.

આ વખતે દરિયો એકદમ શાંત હતો. સૂરજ પણ વાદળોની સોડમાં છૂપાઈ ગયો હતો. સૂરજ અને ક્ષિતિજનું મિલન અસ્પષ્ટ જણાતું હતું. પરંતુ વિશ્વાસ એકદમ સ્પષ્ટ હતો.

‘શ્રધ્ધા તને શું લાગ્યું કે હું વચન છું કે તારી વાત જાણીને સંબંધ તોડી નાખીશ. બળાત્કાર તો નામર્દોનું કામ છે. એવા વાસનાભૂખ્યા વરૂને તો હું પુરૂષમાં ગણતો જ નથી. રેપિસ્ટની સાથે સાથે વચન જેવા કાયર અને ડરપોક લોકોને પણ સજા મળવી જોઈએ. બળાત્કાર થવાથી શું સ્ત્રીનું ચારિત્ર્ય ખરડાઈ જાય. એમાં એનો શું વાંક.’

વિશ્વાસે શ્રધ્ધાની આંખોમાં ડૂબતાં આગળ કહ્યું,

‘શ્રધ્ધા મને તારા ભૂતકાળની સાથે કોઈ જ મતલબ નથી, જેવો છે તેવો સ્વીકાર્ય છે. તને મારો સાથ મંજૂર છે. મને સમાજની કોઈ પરવા નથી.’

દરિયાના મોજાનો ઘૂઘવાટ ધીરે ધીરે સંભળાવા લાગ્યો. સૂરજની આડેથી વાદળો ખસી ગયાં. પરંતુ શ્રધ્ધાનાં મનમાં હજી પણ શંકાના વાદળો મંડરાયેલા હતા.

‘કેટલા સમયના સાથની અપેક્ષા છે.’ શ્રધ્ધાએ વિશ્વાસની આંખમાં આંખ મેળવીને કહ્યું.

‘આજીવન સાથની.’ વિશ્વાસે મક્કમ અવાજે કહ્યું.

‘મતલબ કે મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે.’

‘બિલકુલ નહિ.’

‘કેમ, હમણાં તો તું બોલ્યો.’ શ્રધ્ધાને આશ્ચર્ય થયું.

‘આજીવન સાથ માટે લગ્નનું બંધન જરૂરી નથી.’

‘વિશ્વાસ લગ્ન એ બંધન નથી, એ તો સંબંધનાં સ્વીકારનું સરનામું છે.’

‘હું નથી માનતો આવા રિવાજને. બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોવો જરૂરી છે, લગ્ન નહિ.’

‘તો તારો કહેવાનો મતલબ છે કે લગ્ન વગર સાથે રહેવું ઉચિત છે.’

‘આઈ ડોન્ટ નો. પણ લગ્ન એ એકબીજા પર હક જમાવવાનું હથિયાર બની જાય છે. લગ્ન પછી પ્રેમ ગાયબ થઈ જાય છે અને એવાં લગ્ન ફક્ત અને ફક્ત દુઃખ જ આપે છે.’

‘તું તો એવી રીતે વાત કરે છે જાણે કે તને કોઈ અનુભવ હોય.’ શ્રધ્ધાએ કટાક્ષ કરતાં કહ્યું.

‘અનુભવ નથી પણ ઘટનાઓનો મૂક સાક્ષી જરૂરથી રહ્યો છું.’

‘હું સમજી નહિ તું શું કહેવા માંગે છે.’

‘શ્રધ્ધા તારા અતીત સાથે તો મારી ઓળખાણ થઈ ગઈ, હવે તારો વારો છે મારા ભૂતકાળ સાથે પરિચય કરવાનો.’

‘એવી તો શું ઘટના બની છે.’ શ્રધ્ધાએ આતુરતાપૂર્વક પૂછ્યું.

‘મારા માતા-પિતાના છૂટાછેડા. એમના માટે લગ્ન એક બોજ બની ગયાં હતા. એક એવું બંધન કે જે છૂટવા માટે હંમેશા તત્પર રહેતું. દરરોજ લડાઈ-ઝગડા, અપેક્ષા-આક્ષેપો અને આ બધાનો હું એકમાત્ર મૂક સાક્ષી. પંદર વરસ સુધી આ બધું મારા નસીબમાં લખાયેલું હતું. એ પછી બંધન તૂટી ગયું અને બંને અલગ થઈ ગયાં, એકબીજાથી તો ખરા પણ સાથે-સાથે મારાથી પણ. મારા દાદા-દાદી ન હોત તો ખબર નહિ મારૂં શું થયું હોત. એટલે જ મને લગ્ન પર તો બિલકુલ વિશ્વાસ નથી. લગ્નનાં નામમાત્રથી મારી ભૂતકાળની કડવી યાદો તાજી થઈ જાય છે. હું સંબંધોનો આવો કરૂણ અંજામ નથી ઈચ્છતો.’

શ્રધ્ધા શાંતિથી એકચિત્તે વિશ્વાસની વાત સાંભળતી હતી. આજે ચકિત થવાનો વારો શ્રધ્ધાનો હતો. તેણે વિશ્વાસના ખભા પર હાથ મૂકતાં કહ્યું,

‘વિશ્વાસ હું સમજી શકું છું તારી વેદના. પણ એક લગ્ન નિષ્ફળ જવાથી જરૂરી તો નથી કે બધાં લગ્ન નિષ્ફળ જ જાય. લગ્ન એ તો જરૂરી પ્રથા છે, સમાજ-વ્યવસ્થાને સારી રીતે ટકાવી રાખવા માટે... આપણા સંસ્કાર છે. લીવ-ઈન-રિલેશનશીપ તો સંબંધની સ્વતંત્રતાના નામે સ્વછંદતાનું મ્હોરું બનીને રહી જાય છે. તન-મન ભરાઈ જાય એટલે છૂટ્ટા પડી જવાનું. સંબંધનો અંત આણવાની છટકબારી.’

‘શ્રધ્ધા આ બધી વાતોમાં મૂળ વાત તો ભૂલી ગયાં. મારી લાગણી વિશે તારો શું પ્રતિભાવ છે, હા કે ના...’ વિશ્વાસે એકદમથી વાતનો રસ્તો બદલાવતાં કહ્યું.

‘હું પછી જવાબ આપીશ.’ શ્રધ્ધાએ વાત ટાળતાં કહ્યું.

‘મારે અત્યારે જ તારો જવાબ સાંભળવો છે. મારાથી હવે વધારે સહન નથી થતું. હું છેલ્લા કેટલાય દિવસોથી તડપી રહ્યો છું તારા માટે. હવે જે હોય તે અત્યારે જ ફેસ-ટુ-ફેસ જણાવી દે.’

‘મારો જવાબ ના છે. ફ્રેન્ડ સિવાયનો એકપણ સંબંધ મને મંજૂર નથી. હું બીજું કોઈ પણ પ્રકારનું વિશેષ નામ આપણા સંબંધને આપવા નથી માંગતી.’

‘પણ કેમ. આપણે આટલા સમયથી એકબીજાને ઓળખીએ છીએ અને હવે તો એકબીજાના અતિતથી પણ પરિચિત થઈ ગયાં છીએ. તો પછી ના શું કામ. તારા મી. પરફેક્ટની છબીમાં હું બંધ-બેસતો નથી.’

‘એવું નથી વિશ્વાસ તું ખોટું નહિ લગાડતો. જે ભાગ્યશાળી હશે તેના નસીબમાં તું લખાયેલો હોઈશ. પણ મારા માટે શક્ય નથી.’

‘કેમ શક્ય નથી. એ ભાગ્યશાળી તું કેમ નહિ.’ વિશ્વાસની આંખોમાં દરિયાની ખારાશ ઉતરી આવી.

‘કારણ કે એક મહિના પછી મારી સગાઈ છે અને પછી તરત જ લગ્ન. ઓસ્ટ્રેલિયા પપ્પાના ફ્રેન્ડનો સન છે. તીર્થ નામ છે.’

દરિયાના મોજાની એક પ્રચંડ થપાટ વિશ્વાસને હચમચાવીને ગૂમ થઈ ગઈ.

‘તારા ભૂતકાળની જાણ થશે તો.’ વિશ્વાસે મરણિયો પ્રયાસ કર્યો.

‘એને ખબર છે. એ ત્યાં ડોક્ટર છે, એને બે સંતાન પણ છે અને તીર્થની વાઈફ આ દુનિયામાં નથી.’ શ્રધ્ધાએ દરિયામાં પાછી ફરતી લહેરોને જોતા વિશ્વાસથી વિશ્વાસને જવાબ આપતા કહ્યું.

‘અને તે હા પણ કહી.’ વિશ્વાસે નિઃસહાય બનીને પૂછ્યું.

‘ના પાડવાનું કોઈ કારણ પણ ન હોતું. મમ્મી-પપ્પાને હું હવે વધારે દુઃખી જોવા નથી માંગતી. એમની કેટલાય સમયથી એવી ઈચ્છા છે કે હું કોઈ જગ્યાએ લગ્ન કરીને ઠરીઠામ થઈ જાઉં. આમ પણ મને અને મારા ભૂતકાળને ત્યાં ઓળખનારા કેટલાં. તીર્થ ડોક્ટર છે, એજ્યુકેટેડ છે, એના માટે આ બધી વાતો ગૌણ છે. તીર્થ માટે એના સંતાન અને એનું ઘર વધારે મહત્વનાં છે.’

‘અને આ બધામાં તારૂં મહત્વ, તારી ઈચ્છાનું શું.’

‘વિશ્વાસ મેં રાજી-ખુશીથી જ હા કહી છે, મારા પર કોઈ પ્રકારનું દબાણ કરવામાં નથી આવ્યું. કેમ તું ખુશ નથી હું લાઈફમાં સેટ થઈ જાવ તો.’

‘અપસેટ થઈને સેટ થવું છે.’

‘શું કહ્યું.’

‘તું ખરેખર ખુશ છો આ સંબંધથી.’ વિશ્વાસે શબ્દો બદલતાં કહ્યું.

‘હા.’

‘તો પછી હું ક્યાંથી ખુશ હોવ.’

‘તો એ તારો પ્રોબ્લેમ છે મારો નહિ.’ શ્રધ્ધા વિશ્વાસની સામે જોયાં વગર ત્યાંથી જતી રહી.

વિશ્વાસમાં હવે વધારે આઘાત સહન કરવાની ક્ષમતા ન હતી. શ્રધ્ધાને નજર સામે જતાં જોઈને વિશ્વાસ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. પણ સાગર માટે ખારાશની ક્યાં નવાઈ હતી. આટલા મોટા દરિયામાં તેનાં અશ્રુબિંદુ ક્યાંય ખોવાઈ ગયા. ત્યાં તેને કોણ આશ્વાસન આપે. દૂર રેડીયો પરથી આવતું ગીત સંભળાતું હતું,

“ઈશ્ક હોતા નહિ સભીકે લિયે... યે બના હૈ... યે બના હૈ કિસી કિસી કે લિયે...”

**********

એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા. શ્રધ્ધા લગ્નની ખરીદીમાં વ્યસ્ત થઈ ગઈ. વિશ્વાસે આ સમય દરમિયાન શ્રધ્ધાને મળવાના ઘણા પ્રયત્નો કર્યા પણ દરેક વખતે શ્રધ્ધા લગ્નનું બહાનું ધરીને મળવાનું ટાળતી રહી. પણ હારનો સ્વીકાર કર્યા વગર વિશ્વાસે પ્રયત્નો ચાલુ રાખ્યા. અંતે શ્રધ્ધાને છેલ્લીવાર મળવા માટે રાજી કરવામાં સફળતા મળી ગઈ.

એ જ સ્થળ, એ જ દરિયો, એ જ વ્યક્તિ, બધું જ સરખું હતું. અલગ હતા સંબંધોના સમીકરણ.

‘વિશ્વાસ તારે જે કહેવું હોય તે ઝડપથી બોલજે, મારી પાસે તને આપવા માટે વધારે સમય નથી.’

‘એ જ તો પ્રોબ્લેમ છે ને શ્રધ્ધા. જ્યારે સમય હતો ત્યારે હું નાદાન હતો અને હવે જ્યારે સમજણ આવી છે તો સમયનો અભાવ છે. વાહ રે નિયતિ તારા ખેલ.’ વિશ્વાસે ઉપર આકાશ સામે જોતાં કહ્યું.

‘વિશ્વાસ મને અહી બોલાવવાનું કારણ.’ શ્રધ્ધાએ એકદમ કઠોર થઈને પૂછ્યું.

‘શ્રધ્ધા શું કામ તારા અંતરાત્માને છેતરીને લગ્ન કરવા માટે તૈયાર થઈ છો.’

‘તો શું કરૂં હું. મમ્મી-પપ્પાને એમ કહું કે વિશ્વાસ મને બહુ પ્રેમ કરે છે, એ આજીવન મારો સાથ નિભાવવા તૈયાર છે પણ લગ્ન કરવા તૈયાર નથી. તને શું લાગે છે એ મને આવું પગલું ભરવાની પરવાનગી આપશે.’

‘પણ હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું શ્રધ્ધા.’ વિશ્વાસ ખુદને શોધી રહ્યો હતો શ્રધ્ધાની આંખોમાં.

‘પણ તારા માટે તો લગ્ન બંધન છે ને કે પછી મારી દયા આવી તને.’

‘શ્રધ્ધા આજ પછી આવું બોલીને મારી લાગણીનું અપમાન નહિ કરતી, દયાપાત્ર તો અત્યારે હું બની ગયો છું. મને મંજૂર છે તારી સાથેના દરેક બંધન. હું મારી ભૂતકાળની બધી કડવી યાદોને ભૂસી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને સફળ પણ થઈશ કેમ કે મેં સાયકાયાટ્રીસ્ટને કન્સલ્ટ કર્યા છે. તેમનું કહેવું છે કે ઘણાં કિસ્સામાં આવું થતું હોય છે, છૂટાછેડા લીધેલાં દંપતિના કૂમળી વયનાં સંતાનોમાં લગ્ન વિશે આવી ગેરમાન્યતા ઘર કરી જાય છે. પણ એ સાયકોથેરાપીથી ઠીક થઈ જશે અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ પણ થઈ ગઈ છે.’

‘ગમે તે હોય હું મારા નિર્ણયમાં અડગ છું.’ શ્રધ્ધાના શબ્દો મક્કમ હતાં, પણ અવાજમાં કંપન છૂપાવી ન શકી. તે વિશ્વાસની સામે નજર ન મેળવી શકી.

‘તો પછી આજે હું પણ જોઈશ કે દરિયો મને ડૂબાડે છે કે તું મને ઉગારે છે.’ આટલું બોલીને વિશ્વાસે દરિયા તરફ ડગ માંડવાનું શરૂ કરી દિધું.

‘વિશ્વાસ પાગલ થઈ ગયો છે કે શું.’

‘હા હા પાગલ થઈ ગયો છું. એક બાજુ તું તીર્થ સામે કબૂલ કરે છે કે તું મને પ્રેમ કરે છે અને બીજી બાજુ મને ના કહે છે. આ બધું નાટક શા માટે શ્રધ્ધા.’

શ્રધ્ધા તો અવાચક બની ગઈ કારણ કે વિશ્વાસના શબ્દોમાં પૂરેપૂરી સચ્ચાઈ હતી. પરંતુ એ કંઈ પણ વિચારે એ પહેલા એની નજર વિશ્વાસ તરફ ગઈ, જે દરિયામાં ઘણો જ આગળ વધી ચૂક્યો હતો.

‘વિશ્વાસ, પ્લીઝ બહાર આવી જા.’

‘મારે સત્ય જાણવું છે કે તારા મનમાં શું છે.’ વિશ્વાસની દરિયામાં સમાધી લેવાની પૂરી તૈયારી હતી.

‘વિશ્વાસ હું તને ગુમાવવા નથી માંગતી, આઈ લવ યુ.’ શ્રધ્ધાની આંખોમાં વિશ્વાસ તગતગતો હતો.

દરિયાના એક ઉછળતાં મોજાએ વિશ્વાસને કિનારે લાવી દિધો. વિશ્વાસ બહારથી આખો ભીંજાય ગયો હતો અને અંદરથી તરબોળ થઈ ગયો શ્રધ્ધાના લાગણીસભર જવાબથી.

‘તો પછી મને ના પાડવાનું કારણ.’

‘કારણ તારૂં ભવિષ્ય. હું ન હોતી ઈચ્છતી કે ભવિષ્યમાં તારે પસ્તાવાનો વારો આવે. લોકો તારા તરફ આંગળી ચીંધે કે તને લગ્ન માટે બીજું કોઈ પાત્ર ન મળ્યુ. શું કામ તારે કુટુંબ અને સમાજના વિરોધનો ભોગ બનવું જોઈએ. તારો નિર્ણય બાલીશ સાબિત થાય એના કરતાં બહેતર છે કે તું મને ભૂલી જા. સમય બધું અને બધાને ભુલાવી દે છે. હું તો ઓસ્ટ્રેલિયા જઈને સેટ થઈ જઈશ અને તું પણ કોઈ સારી છોકરી શોધીને...’ શ્રધ્ધાના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તે આગળ બોલી ન શકી.

‘બસ બોલી લીધું. હવે બહુ થયું. મારે હવે એક પણ વાત સાંભળવી નથી કે સમજવી નથી. હું લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે જ. બાકી આજીવન બેચલર રહેવામાં મને કોઈ વાંધો નથી. આઈ એમ રેડી ફોર ધેટ અને તારે પણ ત્યાગમૂર્તિ બનવું જરૂરી છે.’ વિશ્વાસે પરિસ્થિતિને હળવી બનાવતાં કહ્યું.

એકાએક શ્રધ્ધાને કંઈક યાદ આવ્યું હોય તેમ ઝબકીને વિશ્વાસને પૂછ્યું,

‘વિશ્વાસ મને એ ના સમજાયું કે તીર્થ સાથે તારી મૂલાકાત કઈ રીતે, ક્યાં અને ક્યારે થઈ.’

‘બહુ ફિલ્મી સિચ્યુએશન છે.’

‘મતલબ.’

‘મતલબ એમ કે હું જે સાયકાયાટ્રીસ્ટને કન્સલ્ટ કરી રહ્યો છું તે ડોક્ટર અને ડો. તીર્થ બંને ખાસ મિત્રો છે. મેં દિલ ખોલીને ડોક્ટર સાહેબને બધી જ મારી વાતો કરી હતી અને તેમાં ડો. તીર્થનો ઉલ્લેખ આવે એ તો સ્વાભાવિક જ છે. એમાંથી આખો કોયડો ઉકેલાયો. પછી તો મારી તીર્થભાઈ સાથે વાત પણ થઈ અને એ પણ જાણવા મળ્યું કે એમને એક પત્નીની નહિ પણ પોતાના સંતાન માટે એક માં ની જરૂર છે, બાકી એ તો આજે પણ એમની સ્વર્ગસ્થ પત્નીને એટલો જ પ્રેમ કરે છે.’

શ્રધ્ધાને તો હજી આ બધું સ્વપ્ન જેવું લાગતું હતું. વિશ્વાસે રસ્તામાં બીજું પણ એક રહસ્ય જાહેર કર્યું,

‘શ્રધ્ધા એટલે તો હું દરિયામાં ડૂબવા તૈયાર થયો હતો, કારણ કે મને ખબર હતી કે તું પણ મને પ્રેમ કરે છે. હું ફક્ત તારી પાસેથી સાંભળવા માંગતો હતો. એટલે તો હું ધીરે ધીરે આગળ વધતો હતો.’

‘બદમાશ, ચીટર... આજે તને નહિ છોડું...’ શ્રધ્ધા વિશ્વાસની પાછળ દોડી તેને મારવા માટે.

‘લાગે છે જરૂર ફક્ત

એક તારા આલિંગનની,

કોણ જાણે ક્યારથી

એક ધબકારો ફસાયો છે છાતીમાં.

શ્રધ્ધા, હું પકડાઈ જવા તૈયાર જ છું.’ વિશ્વાસે બે હાથ ફેલાવતાં કહ્યું.

‘બહુ શાયરી સૂઝે છે, આલિંગન જોઈએ છે.’ શ્રધ્ધાએ વિશ્વાસને આંગળી અડાડીને ચીડવતાં કહ્યું,

‘બસ ખુશ, મળી ગયું આલિંગન’.

વિશ્વાસે શ્રધ્ધાની આંગળી પકડી લીધી અને તેને નજીક ખેંચી.

‘વિશ્વાસ હવે ઘરે જવું જોઈએ.’ શ્રધ્ધાએ વિશ્વાસની સામે જોયાં વગર કહ્યું.

વિશ્વાસ કંઈ પણ બોલ્યા વગર શ્રધ્ધાની વધુ નજીક આવી ગયો. બંનેના ચેહરા હવે એકબીજાની સાવ નજીક આવી ગયાં. વિશ્વાસની આંખોમાં દરિયાનાં ઉછળતાં તોફાની મોજા દેખાઈ રહ્યાં હતાં.

‘વિશ્વાસ મોડું થઈ ગયું છે...’

‘મોડું થઈ ગયું હતું.’ વિશ્વાસે શ્રધ્ધાના હોંઠ પર આંગળી મૂકીને તેને આગળ બોલતા અટકાવી.

તેણે તેના હોંઠ શ્રધ્ધાના કાન પાસે લાવીને ધીમેથી કહ્યું,

‘હવે તું મને પૂર્ણતઃ જોઈએ,

જોજે અક્ષ રહી ના જાય પ્રતિબિંબમાં...’

આટલું બોલીને વિશ્વાસના હોઠ શ્રધ્ધાના કાન પાસેથી સરકીને તેના હોઠ પર બિડાઈ ગયાં. સૂરજ ધીરે ધીરે ક્ષિતિજમાં ઓગળી રહ્યો હતો અને વિશ્વાસ ધીરે ધીરે શ્રધ્ધામાં.

**********************

(કાવ્યાત્મક આભાર: રોહન રાજાણી, Title Photo Courtesy: www.pinterest.com)