Najuk Namni Priytama - 10 books and stories free download online pdf in Gujarati

નાજુક નમણી પ્રિયતમા - 10

મનગમતું – ૧

કાયમથી આપણે જોતા- સાંભળતા આવ્યાં છીએ કે દરેક પ્રેમકહાની સાથે એક પિકચર, એક ગીત જોડાયેલું હોય છે. જીવાતી કહાનીના હીરો હીરોઇનને એવું લાગે કે આ તો અદ્દ્લ અમારા દિલની જ વાત. આવું જ કંઇક આપણી જોડે પણ થઈ રહ્યું છે, થઈ ચૂક્યું છે.. સંવેદનાને આમ શબ્દે મઢી શકીએ એવી કલા નથી નહીં તો અમે પણ આવું જ કંઈક સર્જન કરી નાંખત..!!

એ અદભુત દિવસ મગજમાં તાજો તાજો..લીલોછમ્મ અકબંધ સચવાઇ ગયેલો છે.

કયો તે .. રેડિયો જોકી ધ્વનીતે જેને ચાર મીર્ચીનો સ્કોર આપી દીધેલો અને સતત ચર્ચાના કેન્દ્રમાં રહેતું રોમાન્ટીક મૂવી જોવા મિત્રો સાથે ગયેલા એ જ તો. શહેરના નવા જ ખુલેલા આધુનિક મલ્ટીપ્લેક્ષમાં મિત્ર-વૃંદ સાથે પહોંચ્યા પછી જાણ થઈ કે થિયેટર તો મલ્ટીપ્લેક્ષમાં છે..ક સાતમા માળે…લિફ્ટમાં જ જવું પડશે.

ખરી વાર્તા અહીંથી જ ચાલુ થઈ.

મલ્ટીપ્લેક્ષની પેલી રુપેરી બારણાવાળી લિફ્ટ જોઇને જ મારી આંખો આગળ લાલ-લીલી-પીળી ધારીઓવાળા ચકકર આવવાના ચાલુ થઇ ગયેલા. મગજમાં ડર ધબાધબ ધોકાવા લાગ્યો.. મેં આડકતરી રીતે બધાની વચ્ચે એકાદ-બે વાર સરકતા દાદરવાળો -એસ્કલેટરનો રસ્તો પસંદ કરવાની વાત કરી જોઇ (જોકે એ પ્રસ્તાવમાં કોઇ જ દમ નહતો એની મને ખબર હતી.) મલ્ટીપ્લેક્ષના ‘પાવર બચાવોના’ વેપારી ક્રૂર એટીટ્યુડના કારણે પાંચ માળ સુધીની સીડીઓ તો બંધ જ હતી..!! ૭ માળમાંથી ૫ માળ તો જાતે દાદરા ચડીને જવાના. આ આખી પ્રક્રિયા ખાસી ટાંટીયાતોડ મહેનત માંગી લેનારી હતી. એટલે હવે આપણી જોડે પેલી ભયાવહ લિફ્ટ સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો જ નહતો.

તમે બધા મિત્રો તો આ વાતથી અજાણ પણ એ સજ્જ્ડબંધ દરવાજા જોઇને કાયમ મારા દિલમાં ભયના સાગરો ઉફનવા માંડે છે. કોઇ ફોબિયા જેવું જ કંઇક..!! પેલી કાળી કાળી સળિયાવાળી જૂની સ્ટાઇલની લિફટ્માં તો હવાની અવરજવર થાય, સક્કરપારાના આકારની એની ડિઝાઇનમાંથી બહારની દુનિયા પણ દેખાય અને ભૂલે ચૂકે લાઈટ જાય તો પણ એને સરળતાથી ખોલી શકાય (લિફ્ટ અટકી જવાના ભયે આ કળા મને હસ્તસિધ્ધ કરાવી દીધેલી ) પણ આ રુપેરી દરવાજાવાળી લિફટની અંદરની દુનિયા તો જબરી ભયાવહ… અંદર સામેની બાજુનો કાચ..પ્રતિબિંબ..જમણાં હાથે રુપકડી રાતા રંગની ઝાંય ધરાવતી ચોરસ ચોરસ સોફટટચ સ્વીચીસ..મનગમતી મંજિલનો આંકડો દબાવો, નજર ઉચકીને માથા ઉપર ઝબૂકતી પેલી પેનલમાં આપણા મુકામની રાહ જોયા કરવાની..ત્રાસજનક સ્થિતી.. મનમાં ને મનમાં હનુમાન ચાલીસા ચાલુ થઈ ગયા.

અરે.. અચાનક આ શું ? લિફટ ઉપરના બદલે નીચે સરકવા લાગી..!! ‘ગ્રે’ યુનિફોર્મધારી લિફ્ટમેનને કારણ પૂછ્યું, તો એણે પાર્કિંગના લોકોને પણ આ ફેરામાં જ સાથે લઇ લેવાનો નેક ઇરાદો જાહેર કર્યો.અમારો રસ્તો ઉપરના બદલે નીચેની બાજુ ફંટાણો.ઉર્ધ્વગમન..!!

લિફ્ટમેનની કમાન છટકી તો નથી ગઈને..લિફ્ટમાં સહેજ પણ જગ્યા શેષ નથી. તો પણ એ એક પછી એકને અંદર સમાવતો જ જાય છે.!! સૌથી પહેલાં લિફટમાં પ્રવેશેલા એવા આપણે, સાવ છેલ્લે ધકેલાયા..છે…ક અંદર..અને આ સંક્ડામણે મારા ભયની આગને હવા આપવાનું કામ ચાલુ કરી દીધું..વિચારો પરનો કાબૂ ગુમાવી બેઠી. લાખ પ્રયત્નો છતાં મગજમાં નકારાત્મક વિચારોએ ભરડો જમાવવા માંડ્યો..રખે ને આ સમયે લાઈટ જાય, એકાએક આ લિફ્ટ બંધ થઈ જાય તો..!! સિક્યોરીટી,જનરેટર્સ બધાય ઉપાયો કારગત નીવડે ત્યાં સુધીનો આ બંધબારણે પુરાયેલ સજ્જડ સમય કેમનો પસાર કરવાનો..?

મારા માથા પર પસીનાની બૂંદો છલકવા લાગી..કપાળની એક બાજુથી એનો રેલો થઈને નીચે દદડવા માંડ્યો. ઉપર માથે ફરતો ગોળ ગોળ નિઃશબ્દ ચાલી રહેલો પેલો પંખો જોઇ જોઇને મને ચક્કર આવવા લાગ્યાં.લિફ્ટમાં જમણી બાજુ એક સફેદ કાગળમાં થોડા કોન્ટેકટ નંબર અને સૂચનાઓ જેવું લખેલું એ બધો ‘ડેટા’ મારી આંખો એની જાતે જ મગજમાં ‘ફીડ’ કરવા લાગી. ગમે ત્યારે એની જરુર પડી શકે.હાથ ટાઈટ જીન્સના આગલા પોકેટમાં સરકયો અને એમાં રહેલા સ્લીમ મોબાઇલ પર હાથની પકડ આપ-મેળે જ વધી ગઈ..એની બેટરી ફુલ ચાર્જ કરીને નીકળવાના નિર્ણય પર ગર્વ થઈ ગયો.

આહ, મારો શ્વાસ જાણે છાતીમાં ભરાઈ ગયો. અંદર ગયા પછી જાણે બહાર આવવાનો રસ્તો જ ભૂલી ગયો હતો. હમણાં જાણે ઉલ્ટી થઇ જશે.

આ આટલી બધી વાર કેમ લાગી, ૭મા માળે જ તો જવાનું છે..!! આ આખીય પ્રક્રિયા દરમ્યાન ખબર જ ના રહી કે ક્યારે મેં આ બધા વિચારોથી પીછો છોડાવવાની ગરજે તારી વધારે નજીક સરકીને, તારા બાવડા પર મારું માથું મૂકીને આંખો કચકચાવીને બંધ કરી દીધેલી. મારા લાંબા અણીયાણા નખ તારા બાવડામાં ખાસા એવા ખૂંપેલા હતા એનું પણ મને ધ્યાન ના રહ્યું. તું ચૂપચાપ એ બધુંય સહન કરતો રહ્યો. મારા માથા પર તારો હેતાળ હાથ મૂકીને મને આશ્વાસન આપતો હતો અને મારા કાનમાં ધીમેથી કહેતો હતો, ‘આટલી ‘ટેન્શ’ ના થા. હું છું ને તારી સાથે…તને કશું નહીં થવા દઉં, વિશ્વાસ રાખ. થોડું ‘ડીપ બ્રીથ’ કર..!! ખબર નહીં એ શબ્દોમાં શું જાદુ હતો..મારી અંદરનો બધો કોલાહલ એક્દમ શાંત થઈ ગયો.વિચારો સ્થગિત..અને મગજ એક્દમ રીલેક્સ..

અને આપણો સાતમો માળ આવી ગયો. જોકે, આ સમય દરમ્યાન ભયના ક્રૂર આક્રમણના કારણે તારી એ નજદીકી,અજાણતાં થઈ ગયેલો સ્પર્શ સમજવાની, અનુભવવાની મારી કોઇ તાકાત નહોતા બચી.

પણ આ કેવો યોગાનુયોગ.. પિકચરમાં હીરોઇન અદદ્લ એવી જ સ્થિતીમાં મૂકાઇ અને એની હાલત પણ મારી જેવી રડમસ થઇ ગઈ, ત્યારે અચાનક જ તું મારી સામે જોઇને મર્માળુ હસી પડ્યો..આ હાસ્ય..એની પાછળના અર્થ..આ બધું મને બે જ પળમાં અંદરથી હચમચાવી ગયું. પળમાં જાણે મારી આખી દુનિયા બદલાઇ ગઇ..હૈયાના પેટાળમાં ‘હું’ માંથી ‘આપણે’ જેવી ભાવનાઓ આકાર લેવા માંડી. ‘અછડતા સ્પર્શ’ના મર્મ સમજાતા જ લાગણી હેલીએ ચડી.બધી સામાન્ય હાલત અસામાન્ય થતી ચાલી.

તનની સિતાર પર તારા શ્વાસોવાસ અફળાયા

અને

અજાણ્યા સળ ઊખળી ગયા

લપસણું મન

સરરરર…સટ્ટાક

સરક્યું

તારા મનની મેડીના

દરવાજા ખખડાવી બેઠું

જાકારો..આવકારો..?

દિલના ખૂણે આશંકા સેવાય

ધ્રિબાંગ ધ્રિબાંગ

ધડકન-નાદ

સંવેદના રેલમછેલ.

ખુરશીના વેલ્વેટીયા હાથા પર તને બેફિકરાઇથી સ્પર્શેલો હાથ આપમેળે જ પાછો ખેંચાઇ ગયો. કોકડું વળી ગઈ. પણ વાત ત્યાં ક્યાં પતતી હતી.? આ દિલને શું થતું હતું..વારંવાર થોડી ત્રાંસી નીકળેલી તારી કોણીને મારી કોણીનો સ્પર્શ કેમ કરાય એની ભાંજગડમાં મગજ ભમવા માંડ્યું ..મન સામે પિકચરમાં શું ચાલી રહ્યું છે એનાથી સાવ બેધ્યાન થઇ ગયું, પડદાની બહાર એક નવી જ વાર્તા આકાર લેવા માંડી. આ બધું કેમ..કારણોની કોઇ જ સમજ, ચિંતા નહીં બસ એક અર્જુનધ્યેય..તારો સ્પર્શ. ત્યાં તો તેં મારા હાથ પર તારો હાથ મૂકી દીધો..બે પળ તો મારું દિલ ગળામાં જ અટકી ગયું. વળતી પળે મારા કાનમાં તારા શબ્દો રેલાયા : ‘ચાલ,બહારથી કોફી કે પોપકોર્ન લઇ આવીએ, આ બોરીંગ ગીત છે.’

તું તો નિખાલસતાથી મને બહાર જવા માટૅ જ કહી રહેલો પણ મારા દિલમાં ફુટતી લાગણીએ એનો ‘મનગમતો’ અર્થ કાઢી લીધેલો..હું મનોમન થોડી શરમાતી શરમાતી હસી પડી. આખે આખું પિકચર આવી મીઠી મનફાવતા અર્થ કાઢેલી વાતોના સધિયારે પત્યું.

થિયેટરમાંથી નીકળ્યા ત્યારે અંધકારે પોતાનો પ્રભાવ દેખાડવા માંડેલો. એકલી છોકરી અને અંધકાર…આ કોમ્બીનેશન આપણા ભારતીય સમાજમાં ક્યાં ઇરછનીય..! તેં પ્રસ્તાવ મૂક્યોઃ

‘ચાલો મારી બાઇક પર તમને લિફ્ટ આપી દઊં..ઘરે ઉતારી દઊં’

હું થોડી ચમકી..શું આ સહેતુક આમંત્રણ હતું કે..મન ફરી ‘મનગમતા’ અર્થ કાઢવા બેઠું..સાવ અવળચંડુ મર્કટ જસ્તો.

મનગમતી પળો નો અસ્વીકાર તો કેમનો થાય..જોકે તે મિત્રો સામે એક અર્થસૂચક તોફાની હાસ્ય ઉછાળી લીધેલું એ વાત આંખના ખૂણેથી મારા ધ્યાનમાં આવી જ ગઈ.પણ એ વાત ઉખેળવાને બદલે ‘મનગમતા’ સહવાસની લાલસા વધુ તીવ્ર હતી. એટલે અર્થઘટનોની ભાંજગડમાં ના પડી.

ક્રમશ :