palbhar, relgadi books and stories free download online pdf in Gujarati

પળભર, રેલગાડી

૧. દેવ

બાપથી સાવ કંટાળી ગયો હતો. જિંદગીભાર એણે કંજૂસાઇ કરી હતી – કરાવી હતી.

બે વરસથી ખાટલે પડ્યો હતો.

પોતાનો પગાર ખાટલો ખાઇ જતો હતો. બાપનું પેન્શન સમંદરમાં ટીપાં સમાન હતું. હકીકતમાં તો બાપા મરી જાય એવું એ ઇચ્છતો હતો.

ને બાપા દેવ થઇ ગયા. એ ખુશ હતો.

સરસ મજાનો ફોટો ફ્રેમમાં મઢાવી લીધો. ચંદનનો હર ચડાવ્યો. અગરબત્તીથી વાતાવરણ સુવાસિત હતું. જોનારને અદભુત પિતૃપ્રેમ દેખાઇ આવે.

બાપા મરતાં મરતાં ગ્રેચ્યુઇટી, પેન્શન, વીમો, ઇ.ની દોઢેક લાખની રકમ છોડી ગયા હતા.

૨. ધક્કો

વાત સાચી હતી. એની મા મૃત્યુ પામી હતી. બધા એણે એમ જ કહેતા, ‘તારી મા મરી ગઇ છે.’ આ સાંભળી-સાંભળીને એ બધિર શો બની ગયો. અંતિમક્રિયા પછીના થોડા દિવસોમાંય એની આંખમાં એક આંસુ મેં ન જોયું. બાર વરસના અનાથ થયેલા છોકરા માટે આ બધું વધુ પડતું હતું.

કેટલાક દિવસો સુધી એ ગૂંગળાયા કર્યો, ગૂંચવાયા કર્યો. મારાથી આ જોયું ન ગયું.

એની પાસે જઇને હું બેઠો. પીઠ પર હાથ પસવારતાંક મેં એને કહ્યું : ‘ભઇલા, મા ક્યારેય, કોઇનીય મરતી નથી’ કે ડેમની દિવાલો અચાનક આવેલા પાણીના જોરદાર ધક્કાથી તૂટી પડે એમ એ રડી પડ્યો.

રડતાં રડતાં મને કહે : હું યે એમ જ કવ સું, તોય બધા મને.....

૩. પહોંચ

રાકેશના મનમાં ભારે ગડમથલ ચાલી. હૃદય વલોપાતથી ઘમરોળાઇ રહ્યું. એ આખો દિવસ અપસેટ રહ્યો.

એ સિનિયર ક્લાર્ક હતો. રાકેશના એકદમ નજીકના એક સંબંધી એમની બેબીને હાયર સેકન્ડરી સ્કૂલમાં એડમીશન અપાવવા રાકેશ પાસે આવ્યા હતા.

રાકેશે શાળાની પ્રણાલિકા, સિદ્ધાંતો અને નિયમો ઇ.ની સમજ આપીને ભારપૂર્વક છાતી ઠોકીને કહ્યું હતું કે શાળામાં બહારની કોઇપણ બાળાને એડમીશન અપાતું નથી.

એમના સંબંધીએ આગ્રહ શરૂ જ રાખ્યો ત્યારે રાકેશે અગાઉ શાળા પર કોઇએ કરેલા કેઇસની ફાઇલ બતાવી. એમની પહોંચ છેક દિલ્હી સુધીની હતી છતાં એમની હાર થઇ હતી.

તો પણ એમણે જીદ્દ શરૂ રાખી હતી.

છેવટે એઓ ચાલ્યા ગયા.

ત્રીજે દિવસે રાકેશને જ એમની બેબીને શાળામાં એડમીશન મળ્યા અંગેની ફી ભર્યાની પહોંચ કાઢી આપવી પડી.

બધું રાકેશની પહોંચ બહાર ગયું હતું.

૪. પળભર

આવતાની સાથે જ સીમાએ રોષથી ચંપલને આમતેમ ફેંક્યા. માથું દુ:ખવા માંડ્યું હતું. કેટલો કંટાળો આવતો હતો ! કંઇ જિંદગી છે ?! સવારથી સાંજ સુધી કામ, કામ ને કામ. પળભરેય નિરાંત ખરી ? એક તો એકલાં જ બધું કરવાનું ને વધારામાં અગિયારથી પાંચ ઓફીસ. ટાઇપ કર્યા કરો. ફાઇલોમાં માથું ભરવી રાખો. મમ્મી-પપ્પા પણ અઠવાડિયાથી બહાર. હજુય બે દિવસ નહિ આવે. ઓ ગોળ ! હજુ રસોઇ કરવાની, એ યાદ આવતાં જ ભૂખ મરી ગઇ. માથું વધારે દુ:ખવા માંડ્યું.

ટી.વી. ઓન કર્યું. ‘ગ્રામીણ મહિલાઓ કે લિએ’ કાર્યક્રમ આવતો હતો. ઓહ ભગવાન ! ટી.વી. – ભંગાર ગીતો, બી.બી.સી. ન્યુઝ, કેટલીયે ચેનલ ફેરવી. આ લોકોને મનોરંજન જેવું કંઇ આપતા જ નથી આવડતું. ટેબલ પર પડેલા ફ્લાવરવાઝને જોરથી ફેંકી જ દેત. મનને માંડ કાબૂમાં રાખ્યું.

ત્યાં નીચે પગમાં પુસ્તક ઠેબે આવ્યું. એનો ગુસ્સો વધારે આક્રમક બન્યો. પુસ્તકનો જોરથી બેડ પર ઘા કર્યો.

મન ઉદ્વિગ્ન થઇ ગયું. આંખોમાં ભાર લાગવા માંડ્યો. ડ્રેસને ચેન્જ કરવાની દરકાર કર્યા વિના એ બેડ પર પોતાના શરીરને ફેંકવા જતી હતી ત્યાં અચાનક જ ટેલિફોન રણકી ઉઠ્યો.

“ વાઉ ! સુમિત ?! જુહુ બીચ ?!! ”

પળભરમાં બધું જ બદલાઇ ગયું.

૫. પાયો

મકાનને આખરી ઓપ અપાઇ ગયો ત્યાં સુધી ભગત માથે રહ્યા હતા. રાત દિવસ એક કરી, બાર છેડા બાંધીનેય એણે મકાન બનાવ્યું હતું.

ઓણસાલ બેય દિકરાનાં લગન ધામધૂમથી ઉજવી ન્યાત આખીમાં વટ પાડી દીધેલ.

બાપા ખર્યું પાન છે એમ સમજી મોટા દિકરાએ સુરતથી લખી નાખ્યું કે ઘર, જમીનને મિલ્કતનાં ભાગ વિશે વિચારી રાખજો. અમે આ મહિના પછી આવીએ છીએ.

ભગત કાગળ વાંચી નિમાણા થઇ ઓટલે બેઠા’તા એ જોઇ લાડુ દોશી અંદરથી બોલી : હું કાર્યના વિશાર્યા કરોસ ?’

ભગત થોડા ખચકાઇને કહે : ‘કાંઇ નંય, આ તો વિશારતો થો કે બવ ધ્યાન રાખ્યું તોય માળું હાળું મકાનનાં પાયામાં જરીક ખામી રૈ ગઇ હોય એવું લાગેસ.’

૬. રેલગાડી

આખાય ભાદ્રોડમાં સીસાનું પાત્ર બધાને હળવું કરી દેનારું. સીસાના મોઢાનાં કે કપડાનાં કોઇ ઠેકાણા ન હોય. એકદમ નિજાનંદી માણસ. એકવાર વગર વાંકે મારા મિત્રને જોરદાર લાફો પડી ગયેલો.

સીસો કોઇપણનાં કહેવાથી રેલાગાડીનો સરસ પાવો વગાડી દે. કૂકડોય બોલાવી દે. ને તરત જ કૂ–કૂ–છૂ-કના ભેળસેળિયા અવાજમાં કૂકડાની જેમ ઠેકતો દોડવા લાગે.

રેલગાડી જોવી એને એટલી ગમે કે એ રોજ રેલ્વે સ્ટેશન આવે. હું નિશાળે જતો હોઉં ત્યારે અચૂક એ રસ્તામાં મળે જ, ને હું યે સીસા પાસે....

સીસો રેલગાડીને જુએ એટલે બધું ભૂલીને રેલગાડીના પાવા સાથે એના પાવાના સૂરને હવામાં ભેળવી દે. ઝીણી આંખો કરી રેલગાડીના દરેક ડબ્બાને પસાર થતો જોઇ રહે અને આનંદમાં આવી નાચે.

વર્ષો પછી ગામમાં આવતાં સીસાને ન જોયો. બાને પૂછ્યું ત્યારે જાણ્યું કે રેલગાડી બંધ પડી ગઇ છે !

૭. લખમીનાં પગલાં

દિવાળીના દિવસેય તે રસાનું આંગણું સૂનું હતું. આ જોઇને ઘણાયે કે’વાની હિંમત કરી પણ કોઇ કાંય કય શક્યું નય.

હવથી પે’લો વે’લો રંગોળી અને પગલાં ચિતરનારો રસો આવું બધું કરવામાં રસમય બની જતો ને પાડોશીઓને ત્યાં પણ આવા ચિતરડા કરવા જવું પડતું જ.

પોરથી લખમીનાં પગલાં પડ્યા તે દિ’થી રસાના ચડતા દિ’ હતા. બજારો અને ડુંગળીને કારણે એ માલામાલ થઇ ગયેલો. એમાં ને એમાં તરેડને કેડે જમીન લઇ લીધી’તી. લખમીની ના છતાં એની સારું કેડકંદોરો લઇ દીધેલો. દિવાળી ટાણે ઘરને પણ ઉજળું બનાવી દીધું’તું.

વળી લખમીના ચડતા દિ’ હતા. શીમંત કરીને એને ખાઠુરે લઇ ગ્યેલો તેદુનો રસો આખા ભાદ્રોડમાં મધમાખી થઇ ફર્યા કરતો’તો. મનમાં હરખ નો’માણો તે ખાનગીમાં એકાદ બે વાર ખાઠુરે પણ જ્યા વે’લો.

આ વખતે ધનતેરસને દિ’ રસો સવારનો વેલો ઊભો થઇ ગ્યો’તો. ફાનસ અને પરોઢના અજવાળે રસો ચિરોડીના રંગની થાળી લઇને લીટીઓ પાડીને નાનું ચોરસ કર્યું. પછી વચાળે લખમીના પગલાં પાડવા એણે લાલ રંગની ચપટી ભરી. એણે અર્ધું પગલું દોર્યું ને અચાનક લખમી ઊડીને આંખે વળગી ગઇ.

‘આ ઇ જ લખમી ? મારા સોકરાંની હાર્યે, મને મુકીને મોટે ગામતરે ગ્યેલી આ ઇ જ લખમી ? નય નય. આ મારી લખમી નો જ હોય. મારી લખમીના પાછાં પગલાં તો ન જ હોય.’

રસો લખમીના અધૂરાં પગલાં પૂરાં કરી શક્યો નહીં.

તેની આંખમાંથી અશ્રુનાં ટીપાં સરી પડ્યાં.

૮. શિખામણ

ભૂતનાથના મેળે જઇ રહેલ રચના અને વિવેકને અવની આમ કરજો, તેમ ન કરજો, આ ન ખાશો, તે ન ખાશો, વહેલા આવી જજો – શિખામણ આપી રહી હતી. મેં હિંચકેથી હિંચતા હિંચતા જ એને કહ્યું ‘બસ હવે રાખ્ય ! એ કંઇ નાના નથી.’ આનાથી એ વધુ ગરમ થઇ મનેય શિખામણોનું પોટલું પકડાવ્યું.

હજુ બંને ભાઇ-બહેન તૈયાર થતાં હતાં. એટલે મેં એને બોલાવીને કહ્યું : ‘શું તુંય તે છોકરાઓને બહાર જાય ત્યારે વારંવાર ટોક્યે રાખે છે. જન્માષ્ટમી છે. છોકરાઓ મેળે જાય અને આનંદ કરે, એમની ઉંમર છે.’

ત્યારે એ છણકો કરીને કહે ‘તમે તો સાવ બુદ્ધુ જ રહ્યા.’ અને પછી અમારા લગ્નના બે વરસ પહેલાનો કિસ્સો યાદ કરાવ્યો.

એ મહુવાથી આવેલી અને હું ભાદ્રોડથી આવેલો. મેળે અમારી આંખો મળેલી ને પછી એની ચમક એવી તો આવી કે....

એ જ સમયે બંને ભાઇ-બહેન ઘરની બહાર નીકળ્યા. ક્યારેય શિખામણ ન આપતાં મેં અવનીના શિખામણના સૂરમાં મારો સૂર પૂરાવ્યો ત્યારે એ બંને મારી સામે આશ્ચર્યથી તાકી રહ્યાં.