BHOR BHAYE JAB books and stories free download online pdf in Gujarati

ભોર ભયે જબ

ભોર ભયે જબ......

વાસંતી કોયલ ફરીથી ટહૂકી અને મેં પરાણે આંખ ઉઘાડી.” “”””ઊગવાનું અને ઊઠવાનું તો ભળી ગયું છે ....હાડ-માંસ-મજ્જા-પેશી જેમજ, પણ ધગધગતું રક્ત જેવું લાલચટ્ટક જાગાવાનું મારે ભાગે ક્યારે આવશે? નખશીખ ગરમાટો ફેલાઇ ગયો.બારી બહાર ફરફરતો ઠંડો માદક સમય અને ચાર દીવાલોમાં બાફ મારતો સમય- એ બે વચ્ચે જેટલો ફરક છે એટલોજ ફરક છે “ઊઠવામાં અને જાગવામાં. સફેદ ચાદર પર પથરાયેલો સમય અસ્તિત્વની વાસ્તવિકતાને છતી કરે છે ત્યારે ઊઠતાવ્હેંત જ એ સફેદીના ઓળઘોળ સળોને પાસવારી, ગડીવાળીને સંકેલી દેવા પડે છે. સપનાનું સત્ય અને હકીકતનું સત્ય!!આનંદ અને વિષાદ!!

ચાર દીવાલોને સવાર પડી અને ગઈકાલે અનાયાસે જ આવેલાં અતિથીઓની નિશ્ચિંતતા તનમન પર અજાણતાજ બોજ બની રહે છે. દિલ અને દિમાગ ક્યાંક છે અને હાથપગ યંત્રવત રસોડાથી ડ્રોઇંરૂમમાં અને ગેસ્ટરૂમમાં એમ ચકરાવે ચડયા કરે છે.

બ્રેક્ફાસ્ટે મારી કેટલીય સુંદર સવારોને બ્રેક મારી મારીને બ્રેક કરી દીધી છે. ટી-ટેબલ-ટોક નાં ખરાખોટા ગપગોળા અને સગાઓની વૈમનસ્યભરી વાતોથી ચીડ ચડે છે.એક તો અચાનક આવવાનું અને એમાય પાયા વગરની નકામી વાતોમાં સાથ આપવાન્પ! આપણી અડધી જિંદગીનો વ્યય ડ્રોઈંગરૂમના ફિક્કાં, પ્લાસ્ટિકી હાસ્ય અને સમ્મતિસૂચક હકારોમાં જોઉ છું.સાડલાને છેડે ભીના હાથ લૂછતાં લૂછતાં, મનમાં સતત ચાલતા સર્જનાત્મ્ક વિચારોને કાચનાં ટૂકડાની જેમ સાચવીને રાખવું ખૂબ અઘરું છે.ટ્રેમાં કપ્રકાબીઓની વચ્ચેથી ઊઠતી ધૂમ્રસેરોસાથે ઉપર બાષ્પીભૂત થતી મને તો માત્ર હુંજ જોઈ શકું. “અતિથી દેવોભવ” તો ખરું જ વળી પણ દેવોને પણ દિલથી પૂજવામાં જે મઝા છે તે મઝા યંત્રવત અર્ચના-પૂજામાં તો નથીજ નથી.દરેકનો પોતાનો સમય કિમતી હોય છે.બીજાના સમયનો લિહાઝ કરતાં શીખી તો કેટલું સારું!!કમસે કામ હું તો બીજાનો સમય નઇ બગાડું એવા નિશ્ચય સાથે ખાલી કપરાકાબી ભરેલી ટ્રે રસોડામાં મૂકતાં મેં વિચારોને સંકેલી લીધાં. અને અહીં પડ્યો બ્રેક....ઓફકોર્સ મહેમાનોનો...મારો નઇ॥હું તો વળી પાછી “બેક-ટુ-પવેલીયન”...હવે મોટો પ્રશ્ન રસોઈનો....શું બનાવીશું?? આંતરિક ઉદ્વેગોનાં ઉચાટ શરૂ....કાકાને ભીંડા નથી ભાવતા, મામા ગળ્યું નથી ખાતા,ફોઈબા મોળું જ ખાય છે, બાને આગિયારાસ છે, “વડોદરાનો સુગમ શ્રીખંડ તો ખૂબ વખણાય છે!!”- એકની ફરમાઈશ છે તો વળી “ તમારે અહીં કેરી સારી મળે છે નઇ ?- કોકની નવીન આજમાઈશ છે...પાપડ,કાતરી, ખાંડવી,કચોરી, ધૂધપાક,પૂરી,ઊબ્ધીયું,જલેબી-રાયતું-અથાણું-પુલાવ-બિરીયાની,કઢી-પકોડાવાળી ને લચકોદાલ ને મેથીના ગોટા તો ખરાજ ખરા.....આ ને તે ને પેલું ને પેલું....”ખાવા માટે જીવવાનું કે જીવવા માટે ખાવાનું???”....પકોડાના ખીરામાં ભાજીને ભેળવતા ભેળવતા ખટમીઠાં ગળચટ્ટાં વિચારોમાં અચાનક ગરમ થયેલા તેલની ગરમી ભળી ગઈ!!...મને શું ભાવે છે??હા, મને શું ભાવે છે!!જીભ પર આતવાયેલી સ્વાદેન્દ્રિયોને પાસવારવાનો મને સમય નથી...હવે સમય નથી...તેલ આકરું થઈ રહ્યું છે કે શરીરમાનું પેલું લાલચટક લોહી ઉકળી રહ્યું છે એ નક્કી કરવું મુશ્કેલ છે....વ્યય...વ્યય...વ્યય....સામનો, શક્તિનો, બુધ્ધિનો....આ બધુ ક્યાં સુધી?...શાથી?...આ કેળવાવાનું, ઉકળવાનું, સમારાવાનું, સીઝયા કરવાનું ધીરું ધીરું ...અંદર અંદર...શા માટે?? કશુક નક્કર કરવું જ રહ્યું.....

આપણે જ આપણી રોજિંદી હવાને બદલવી પડશે. સૂર્ય સાથે આથમે છે એ તો સમય, નહી કે આપણે, રેલવે –ટ્રેક પર ચાલવાથી મંઝીલ નઇ મળે, હા-મૃત્યુ મળે....પણ, મૃત્યુ તો છે એક સ્વાભાવિક સરળતા! અને જે સરળ છે તે કરવાનો સ્વભાવ નથી આપણો.....માટેજ કહું છું, આ ચીમનીઓમમાંથી નીકળતા ધૂમાડાને મેઘધનુષ કહેવાની શરૂઆત આપણે જ કરવી પડશે...આપણે જ આપણી રોજિંદી હવાને બદલવી પડશે.ઓહ ...કવિતા... દાળના વઘારની સુગંધમાં અને ઊડતા ધૂમડા વચ્ચે જોઈ મેં તને....ઓહ કવિતા!! મારી પ્રિય સખી....મારા અંતરની સદા॥!!!પેલાં ધૂમ્રવલયો વડે આકારાયું હતું તે જ તો હતી હું...વઘારિયાને નળ નીચે મૂકયું ને મારું અસ્તિત્વ તો જાણે છમ્મ!!!બસ બરાબર એ જ ક્ષણે પહેલીવાર મેં મને સાંભળી....અરે હાથ લૂછ, હાથ લૂછ...સૌ પહેલા તો કલમ લે અને ઊતાર મને કાગળ ઊપર. મારા રાજસિંહાસને બેસાડ મને ઓ મારી કૃતિકા!!! ને તમને જલદીથી કોરાં કરેલાં હાથની એ કુમાશની, એ તરવરાટની તો શી વાત કરું??!!મારાં ટેરવાં જાણે કે સ્વપ્નલોકના ગાતાં વ્હેતાં ઝરણાં!! ને પછી હથેળીના દરબારમાં છેડાઈ હસ્તરેખાઓની સૂરીલી સરગમ....મારો હાથ હવે હાથ ક્યાં રહ્યો છે...એ તો હવે થઈ ગયો છે નદી.ખળખળ વહેતી ચિરંતના...સનાતના....સકળ વહી જતી એક રમ્યઘોષા....જ્યેષ્ઠા, મધ્યમાં,અનામિકા અને કનિષ્ઠાનું આ કેવું અનેરું નર્તન!!! લયબધ્ધ ઇંગિતોથી ભરપૂર કોઈ સૂરોનું આવર્તન!!....આવ...આમ આવ....ઝટ આવ...ચાલી આવ....ને હું નીકળી પડું છું મારી સખીને મળવા...અથડાતી, ઠોકર ખાતી, રસોડામાંથી સીધી બેડરૂમ તરફ ભાગતી....ના દિવાન ખંડેને પસાર કરતાં કરતાં , પ્લાસ્ટિકીયા મ્હોરાઓની વચ્ચે થઈને ...અને મારી સર્જનસૃષ્ટિની અલૌકિક અપ્રતિમ સુંદર રાજકન્યાને કોરાકાગળ પર બિરાજીત કરું છું. સાદર, સસ્નેહ , સહર્ષ, સપ્રેમ.....

એ રાત્રિએ મીઠી નિંદરમાં હું ઇંદ્રલોકની અપ્સરા થઈ નાચી રહી...બની ગઈ હું સિન્ડ્રેલા....પણ હવે મને બાર નાં ટકોરાનો ભય નથી...!!!ધસમસતા દરિયામાં ફીણ ફીણ મોજામાં સામે ધસમસતા પૂર જેવાં અમે જળનો લગીરે સ્પર્ષ કર્યાં વિના ઊડવા જેવુ દોડી રહ્યાં છીએ. ઢળતી સાંઝે સૂરજના ભાગ્યમાં ડૂબવાનું હશે કે અમને આમ હાથમાં હાથ પરોવીને દોડતાં જોઈને શરમાઈ ગયો હશે તે લાલચોળ થતો ધીરે ધીરે સંકોચાતો ગયો અને અમે જાણે એનેજ પકડવાં, બાથમાં લેવા બમણા વેગથી ક્ષિતિજ તરફ ઊડી રહ્યાં.એ કંકુનો ગોળો હાથવહેંતમાં જ હતો ને ઍલાર્મ વાગ્યું.તંદ્રાવસ્થામાં મેં હાથમાં આવેલો સૂરજ જતો કર્યો. “સ્વપ્ન” અને “વાસ્તવ” ની વચ્ચે ઝોલાં ખાતી, આંખો ચોળતી બેઠી થઈ.સંપૂર્ણ જાગ્રત થવાની કોશીશો એટલે જીવનની કિતાબના “ક્રમશ:” કે “ગતાંકથી ચાલુ” વાળા પાનાનો ઉદગમ. એક એવું નવું પાનું કે જે પાછલા પાનાઓની સાથે વ્યવસ્થિત રીતે જોડાઈ ગયેલું છે. આંખ મીંચી મેં ફરીથી ફીણ ફીણ થયેલાં પગના તળિયાને ભીંજવવાના ઠાલાં પ્રયત્નો કર્યાં પણ કોયલનાં ટહૂકાં અને બેઝીન બાજુથી આવતાં બ્રશના ખરબચડાં અવાજો વચ્ચે હું ફરીથી એકવાર નવેસરથી વ્હેંચાઈ ગઈ.દરિયાઇ રેત ખંખેરતી હોઉં તેમ ચોળાયેલાં વસ્ત્રોને ઠીક કર્યાં ત્યારે નવી સવારનો સ્વીકાર અમથોયે મારામાં ફૂટયો નહી. પલંગ પરથી નીચે મૂકાતાં પગલાં જાણે જોજનોની સફરેથી નીકળીને અધવચ્ચે થાકેલાં હોય તેમ જમીન સાથે અફળાયાં...જેમ ફીણ ફીણ મોજાં અફળાય કોઈ ખડક સાથે તેમ.....બ્રશ કરતી વખતે અચાનક જાણીતી ફ્લેવર યાદ આવી. અરે હા, ચ્યુઇંગમ.....ગઈકાલે ચાવેલી ચ્યુઇંગમ એના ખાલી થયેલા ખોખા સાથે આરામ ફરમાવી રહી હતી.ગઈકાલે પડીકું વાળેલો દિવસ પણ કદાચ ત્યાં જ ગોઠવાયેલો પડ્યો હશે. નવેસરથી ઊગેલો નવો દિવસ!!! આજે નવું છાપું આવશે અને ઘડીભરમાં તો જૂનું પણ થઈ જશે.છાપાની વાસ્તવિકતા માણસની હયાતી પર આક્રમક છાપો હોય એમ રોજ માણસ માણસની સામે છતો થઈ જાય છે. પોતાને છાપામાં ભાળીને, છળીને આઘો ખસી જાય છે.દિવસભર ઊભી કરેલી પોતાની બખોલમાંથી એ બહાર આવતા બીએ છે.વાળ ઓળવા પૂરતું જ એ જાતને અરીસામાં જોઈ લે છે. કદાચ જાતને છતી થતી જોવાનું કષ્ટ કાંચળી ઊતારતા સાપથી વધુ પીડાકારી હોઇ શકે.પરંતુ આ ઘટનામાં કાંચળી માટે તો વિષમુક્ત થયાનો ઉત્સવ જ હશે ને!!! જ્યારે માણસે તો કૂંડે કૂંડાં વિષ પીવાની તૈયારી રાખીને જ દિવસનો આરંભ કરવાનો હોય છે. ૮-૭ ની લોકલ કે ૯-૧૫ ની બસ પકડનારો સામાન્ય આદમી એના ગઈકાલના પસીનાને બંધમૂઠ્ઠીમાં બખૂબી સંતાડવાનો પ્રયત્ન કરે છે. રાત્રે ૭-૧૦ વાગ્યે જ્યારે એણે પાછા ફરવાનું છે ત્યારે આજ પરસેવો એને એક ઘર, એક પત્ની અને ભણતાં બાળકોની યાદ અપાવવાનો છે.ચાલો, સવારની ચાનો ટાઇમ!!!